અપ્પ દિપો ભવઃ Rajul Bhanushali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપ્પ દિપો ભવઃ

~~ અપ્પ દિપો ભવઃ ~~

મહાપર્વ દિવાળી એટલે.. પ્રકાશનો પર્વ, ઉજાસનો પર્વ..

કહે છે કે એક દિપકમાંથી બીજો દિપક પ્રગટાવીએ એમાં પ્રથમ દિપકને કશુંજ ગુમાવવાનું હોતું નથી..! સાવ સાચું.. આ રીતે પણ અજવાસનો તો ગુણાકાર જ થવાનો. આ અજવાસ શબ્દ પોતે જ કેટલો દેદિપ્યમાન છે. કાળા રંગની સ્લેટમાં પણ આ શબ્દ જો લખી દેવામાં આવે તો એ પણ ચોક્કસ ઝળાહળાં થઈ જતી હશે.

અજવાસ પ્રગટતું હોય છે.. પ્રસરતું હોય છે.. પ્રખરતું હોય છે.. અને એ માટે એને કોઈ માધ્યમની જરુરત પડતી નથી. બારી,બારણાં કે માન-આવકારાની આવશ્યકતા હોતી નથી. અજવાળવું એ જ અજવાસનો પ્રથમ અને એકમાત્ર ગુણધર્મ. એવા અજવાસનો પર્વ એટલે દિવાળી. વિક્રમ સવંતનો છેલ્લો દિવસ.

પ્રત્યેક જનારું વર્ષ આપણી અંદર રહેલું અંધારું એની સાથે લઈ જવા તત્પર હોય છે. એક સબક બનીને એ આપણને કશુંક શીખવવા ઈચ્છતું હોય છે. કેવું જીવ્યા? કેમ જીવ્યા? એને એનાં પ્રશ્નોનો જવાબ આપો. આ જવાબ સામે એ અઢળક આપશે. શું માંગવું જોઈએ જીવન પાસેથી? જીવન પાસેથી બુકમાર્ક માંગવા જોઈએ.. પ્રત્યેક ભૂલ, ખોટા નિર્ણય, બેદરકારીભરી, બેજવાબદારીભરી ક્ષણોને એ બૂકમાર્ક કરી રાખે એવી અરજી કરવી જોઈએ. વર્ષાંંતે જ્યારે આખા વરસનું સરવૈયું કરવાનું આવે ત્યારે બૂકમાર્ક કરી રાખેલી આ ક્ષણો ખુબ કામ લાગે. આંખથી, ધ્યાનથી છટકી ન જાય. કેટલાય માણસોની વિચારધારા, રજુઆત બધું જ નકારાત્મક હોય છે. ભૂલોને વાગોળ્યા કરવી..સતત નિરાશાનું રટણ કર્યા કરવું અને ફરિયાદો કર્યા કરવી એ જ એમની મનગમતી પ્રવૃત્તિ હોય છે.આવી વ્યક્તિ કોઈ એકક્ષણે, કોઈ એક પોઈન્ટ પર આખરે પોતાનાથી જ કંટાળી જતી હોય છે. દિવાળી એટલે આ નિરાશાને તિલાંજલી આપવાનો સમય. નકારાત્મકતાથી સકારાત્મકતા તરફ પ્રયાણ કરવાનો મોકો. દિવાળીનાં દિવસો દરમિયાન કદી રેંકડી પર કોડિયાં વેચવા નીકળતા ફેરિયાને જોજો. એની રેંકડીમાં નજર કરજો..એ ખાલી કોડિયાઓ પણ પોતાની અંદર કેટલું બધું અજવાળું સાચવીને, સમેટીને બેઠાં હોય છે..! એ અલિપ્ત અજવાળાને અનુભવવાની કોશીષ કરજો.

આ અજવાળાનું ય તંત્ર ગઝ્ઝબ હોય છે. વર્ષો પહેલાં જ્યારે દેશમાં રહેતાં ત્યારે કોક અંધારી રાતે દરવાજાની ફાંટમાંથી ઘરમાં ચૂપચાપ પ્રવેશી જતી ચાંદની કે પછી પરોઢિયે બે નળિયાની વચ્ચેથી ઘરની અંદર દબદબાભેર પ્રવેશી જતો તડકો જોવાની ખુબ મજ્જા પડતી. અજવાળાનું એ રૂપ માણવા જેવું હોય છે. હવે શહેરોમાં એ વૈભવ છૂટી ગયો એનો ક્યારેક વસવસો થઈ આવે. છતાં લિવિંગરૂમની મોટી મોટી સ્લાઈડીંગ વિંડોવમાંથી ક્યારેક ક્યારેક આ લ્હાવો લઈને મન મનાવી લેવાય. નળિયામાંથી ફર્ષ પર પથરાતાં ગોળ ગોળ ચાંદરડા અને સીધાસટ્ટ લિસોટા કેવું મનનિય લાગતાં. એ તેજલિસોટા માં એક આખી અલગ જ દુનિયા સળવળતી જોવા મળે કે જે આપણે સામાન્ય રીતે જોઈ શકતાં નથી. જ્યારે કે એ ત્યારે પણ વાતાવરણમાં હાજર હોય છે ફક્ત આપણી નજર એને ભેદી કે છેદી શકતી નથી..!

આ અજવાળાની વ્યાખ્યા શી કરવી? અજવાળું એટલે શું? અંધકારનો અભાવ એટલે અજવાળું એવી એક સામાન્ય સમજ છે.. પણ ના.. અજવાસ જેવી સકારાત્મકતાથી છલોછલ સંજ્ઞાની વ્યાખ્યા નકારાત્મક હોઈ શકે જ નહિ.. કરી શકાય જ નહિ.. અજવાળું એટલે ઉર્જા.. શક્તિ.. તેજ.. હા એમ જરૂર કહી શકાય કે અંધકાર એટલે અજવાસની ગેરહાજરી.. પ્રકાશની ઉણપ..એ સ્થિતિ જેમાં આંખો કશું જોઈ શકતી નથી.. પણ એવા અંધકારમાંય ઘુવડની કે પછી ચામાચિડિયાની આંખો તો બધું જ સ્પષ્ટ જોઈ શકતી હોય છે..! આમાં શું સમજવું. તો શું એમ કહેવું કે કોઈ એક ચોક્કસ સ્થિતિ એક આંખ માટે અંધકાર છે તો બીજી કોઈ એક આંખ માટે એ જ સ્થિતિ પ્રકાશ છે? એ વાત જવા દઈએ. બીજી રીતે જોઈએ તો ઘોર અંધકારમાં પણ આપણી આંખો પ્રથમ તો કશું જ જોઈ શકતી નથી.. પણ ધીમે ધીમે થોડુંક ટેવાયા પછી ઘણખરું જોઈ શકતી થાય છે અને એમ તો એવુંય બને છે ને કે પ્રકાશનાં અતિરેક થાય અને ક્ષણભર માટે આંખો સમક્ષ અંધકાર છવાઈ જાય..! અંધારા ઓરડામાં અચાનક લાઈટ ચાલુ થાય તો આંખો અંજાઈ જાય.. રાત્રે ડ્રાઈવ કરતી વખતે સામી તરફથી આવતાં વાહનની હેડલાઈટ્થી આંખો સામે અંધકાર છવાઈ જાય.. ધોમધખતા સૂરજની સામે પણ પૂરેપૂરી આંખો ખોલીને જોઈ શકાતું નથી. તો શું સૂરજને એ ઘડીએ અંધારિયો કહેવો? ના..એ સ્થિતિમાં દોષ સૂરજનો નહિ પણ આપણી કીકીઓનો છે.. કીકીઓની મર્યાદાનો છે..દિવાળીનો અવસર આ સમજ કેળવવા માટેનો છે. જાત સાથે સંવાદ સાધવા માટેનો છે. નવાનક્કોર બનવા માટેનો છે.

વિદાય લઈ રહેલું વર્ષ અને નવું વર્ષ.. બન્ને દરવાજે ઉભેલા છે.. એમને વ્હાલથી સાથે વધાવીએ..જે જીવન આજ સુધી માણ્યું, પામ્યું એનાથી વધુ સારું પામવાનું છે, માણવાનું છે,આપવાનું છે. સંબંધો્ને આજ સુધી સાચવ્યા એ વધુ સારી રીતે સાચવવાનાં છે. સૌથી ઉપર જાત સાથે જરાય અન્યાય કરવાનો નથી. એનેય જોઈતા લાડ લડાવા જ.. સ્નેહ, માન સન્માન આપવું જ.

આવો, નકારાત્મકતારૂપી અંધકારને તિલાંજલી આપીએ. હકારત્મકતાનો પ્રકાશ ફેલાવીએ, ખુશી ફેલાવીએ, ઝળહળતું જીવીએ..

‘અપ્પ દિપો ભવઃ’.. અર્થાત.. તુ પોતે જ દિપક બન.. દિપક જેવોજ દાનવીર થા.

સૌને પ્રકાશપર્વ મુબારક.

------------------------------------------------------------

~~ પતંગોત્સવ એટલે આનંદોત્સવ ~~

આપણે ગુજરાતીઓ એટલે મૂળે ઉત્સવપ્રિય પ્રજા. દરેક તિથિ, વાર, પ્રસંગને ઉજવણીનાં બહાના બનાવી દઈએ. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશે એનો ય ઉત્સવ મનાવવાનો.. લ્યો બોલો!

હા.. ૧૪મી જાન્યુઆરી..સૂર્યનું દક્ષિણ દિશામાંથી ઉત્તરમાં આવવાપણાંનો દિવસ એટલે ઉત્તરાયણ એટલે કે પતંગોત્સવ. બે-રંગી આકાશ સાથેથી દોસ્તીનો દિવસ.એમ તો ઘણાં એની આગળ ભૂરા, નીલા, ભૂખરાં, આસમાની,વાદળી,નીલ જેવા વિશેષણ લગાવે છે પણ હું તો એને બેરંગી કહું છું. બેરંગીનો એક અર્થ 'બહુરંગી' થાય છે. શબ્દકોષમાં એનો અર્થ 'આમતેમ જેવો વખત હોય તેવે રૂપે થઈ જાય એવું' આપેલો છે.

સાવ સાચું..!

ક્યારેક અનુભવ કરી જોજો.. ઉદાસીમાં આ આકાશ તમારો ઉદાસ રંગ ધારણ કરી લેતો હોય છે અને ખુશીમાં ખુશહાલી ઓઢી લેતો હોય છે..!

ઉત્તરાયણ એટલે પતંગનો ઉત્સવ. આકાશને આંબવાનો ઉત્સવ. એના મિજાજને રંગીન કરી દેવાનો ઉત્સવ. ઉતરાયણના દિવસે એને જોઉં ને મને એવું લાગે જાણે એ સતરંગી જામની પ્યાલીઓ ભરીને બેઠું છે. જેમ જેમ પ્રહર ઢળે, ખુમાર ચઢતો જાય! કોઈ પણ આ દિવસે આ નશાથી અછુતું રહી શકે ખરું? ના.. કોઈ ધાબે પતંગ ચગાવીને તો કોઈ ફિરકી પકડીને નશામાં ડુબતું જાય. મારા જેવા સાવ નિરસ અને આળસુ લોકો પણ કંઈ નહીં તો એના વિષે ચાર લાઈનો લખીને ય આ નશામાં ડુબકી લગાવી લેવાનો મોહ જતો કરી શકતાં નથી. દરેક અગાશીની હવામાં ઉંધિયા અને જલેબીની રસીલી સુગંધ હોય. અરે એતો ક્યાંક ફર્શ પર થયેલી તેલ અને ચાસણીના સ્પર્શની નિશાનીઓ આવતા ઉત્સવ સુધી જાળવીને રાખવાની છે એવી ગુસપુસ મેં આજુબાજુવાળી અગાશીઓ વચ્ચે થતી સાંભળી હતી!

એક દિવસની ઉજવણીથી પેટ અને મન બન્ને ન ભરાય. તો લ્યો બીજા દિવસે પણ ઉજવણી ચાલુ રાખવી. સાથે 'વાસી' વિશેષણ ભલેને ચોંટેલું હોય.. હુ કેર્સ? આપણે તો આનંદોત્સવ લંબાય એટલે ભયો ભયો!

ઉત્તરાયણ આકાશ સાથે પ્રેમ માં પડવાનો પર્વ છે.

કવિ શ્રી રાજેન્દ્ર શાહ કહેતાં કે ઉત્તરાયણ એટલે આકાશની રંગ વગરની સેંથીમાં રંગ પુરવાનો પ્રસંગ..! પતંગ ચગાવવી એટલે આકાશની વંદના કરવી..આહા..કેટલું અદભુત કલ્પન..!

આપણા સાહિત્યકારોએ દરેક ઋતુઓ, પર્વો ,પ્રસંગો અને ઉત્સવોને પોતાના સર્જનમાં ખુબ લાડ લડાવ્યા છે. પતંગોત્સવ પણ એમાં બાકાત નથી..

કવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ સંબંધોના આકાશમાં ઉડવાની વાત કરે છે.
ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની,
સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની.

ડૉ.અદમ ટંકારવી ગઝલને પતંગ સાથે સરખાવે છે..
દોડો તમેય છોકરાં સાથે એ લૂંટવા,
ઓ શેખ, આ ગઝલ કપાયેલી પતંગ છે.

પતંગ જ્યારે આભને કાંખમાં તેડીલે ત્યારે શું થાય?
આભને તેડીને ઊભી મારી પતંગ, જુઓ..
ઠમકો મારીને એનો નિખરે છે રંગ જુઓ..

કવિ શ્રી યોગેશ જોશી એથીય એક ડગલું આગળ વધીને આખા આકાશને જ ચગાવવાની વાત કરે છે!
પતંગ નથી તો શું થયું?!
મેં તો
કિન્યા બાંધી આકાશને!
ને મંદ મંદ વહેતા પવનમાં
ચગાવવા લાગ્યો આકાશ..

આખો ડિસેમ્બર થરથર કાંપતાં રહેતા શિયાળાની વાત સૂર્ય સુધી પહોંચાડવાનું કામ કનકવો એટલે કે પતંગ કરે છે. અને સૂર્યને પાસે આવવા વિનંતિ કરે છે. ત્યારબાદ સૂર્યનારાયણની મહેર થાય છે ને ઠંડી ક્રમશઃ ઓછી થતી જાય છે.

ઉત્તરાયણનો પર્વ હોય અને આ મજ્જાનું ગીત યાદ ન આવે તો ઉજવણી અધૂરી રહી જાય..

હૈયે ઉમંગ છે
મનગમતો સંગ છે
પેચરે લડાવી જુઓ જમવાનો રંગ છે..
લાવો લાવો પતંગ અને માંજો,
કહો વાયરાને મન મૂકી વાજો.

હા.. પવનદેવને ય થોડોક મસ્કો લગાવવો પડે હો કે એ મહેર કરે.. ક્યાંક કુમળા કુમળા પર્ણોની લિલાશ પાછળ સંતાઈ ન જાય ..મન મુકીને વાય.

મરીઝસાહેબનાં શેર સાથે વાત પૂરી કરું.

પગમાં પડી રહે તો કોઈ પૂછતું નથી;
કાપે છે અહીં લોક સૌ ઊડતા પતંગને.
સાનમાં સમજી ગયાને? તો.. સાચવજો..

આપણા સૌના ‘જીવન’ પતંગો આભને આંબે એવી શુભકામના..ખૂબ તીલ-ગુડ ખાજો ને આખું વર્ષ ગોડ્ડ ગોડ્ડ બોલજો..

તા.ક. આ દિવસે પતંગનાં પેચ જેટલાંજ નયનોનાં પણ લડતાં હશે..ખરુંને?

~~ રાજુલ