જાગૃત ઈચ્છાઓ Vijay Trambadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

જાગૃત ઈચ્છાઓ

જાગૃત ઈચ્છા

"મેં ક્યારે પણ સારી રીતે અરીસો નથી જોયો. હું જમીન પર ચાલતી ત્યારે પણ વિચારતી કે હું આ ધરતી પર કેટલો મોટો ભાર છું. મને લાગતું કે હું કોઇને ઉપયોગી થાય તેવું સારું કાર્ય કરી જ નથી રહી. મારી સાથે જે કંઈ ખરાબ ઘટના બને તેના માટે પણ હું હંમેશાં મારી જાતને જ દોષી માનતી હતી અને વિચારતી હતી કે મારી સાથે જે કંઇ બની રહ્યું છે હું તેને લાયક જ છું. જ્યારે મારા જીવનમાં કોઇ સારી ઘટના બને તો તેનો શ્રેય હું બીજાને આપતી અથવા મારા ભાગ્યને આપતી..." આ વાક્યો છે ચીલૂ ચંદ્રનના.

ચીલૂના જીવનની વાત વધુમાં વધુ મહિલાઓએ જાણવા જેવી છે જેમને સતતપણે એવું લાગ્યા કરે છે તેમનું જીવન અન્યો માટે બોજ છે. YourStoryએ ચીલૂ સાથે વાતચીત કરી જેના કેટલાંક અંશો અને તેના જીવનની યાત્રા અહીં રજૂ કરી રહ્યાં છીએ. ચીલૂ કહે છે,

“જ્યારે મારો જન્મ થયો, તે દિવસે મારા પિતાજી મદુરાઇના મીનાક્ષી મંદિરમાં સાચ્ચા દિલથી એક પુત્રી માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં."

ચીલૂનો જન્મ ડિસેમ્બર, 1963માં એક સામાન્ય મધ્યમવર્ગીય તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેના જન્મ સમયે એક પુત્રીનો જ જન્મ થાય તેવી ઇચ્છા ઘરના લોકોએ વ્યક્ત કરી હતી, કારણ કે તેને એક મોટો ભાઈ હતો.

તેમના માતા–પિતા પારંપરિક જીવન જીવનાર હતાં પરંતુ સમય કરતા આગળ ચાલવામાં પણ તેઓ માનતા હતાં. તેમની માતા એક ગૃહિણી હતી પરંતુ પાછળથી તેઓ ઓલ્ટરનેટિવ હિલિગંના ક્ષેત્રમાં અગ્રણી બની ગયા હતાં. તેમના પિતાની નોકરીમાં વારંવાર બદલી થતી રહેતી હતી. આ માટે તેમનું ભણતર બેંગલોર અને ચેન્નાઇમાં થયું હતું. 1985માં તેઓ મુંબઇ આવી ગયા હતાં.

લગ્ન બાદ તો જાણે ચીલૂનું અસ્તિત્વ જ મટી ગયું!

સામાન્ય રીતે મોટા ભાગના સમાજમાં દિકરીના ગ્રેજ્યુએશન પછી તેના લગ્નની જ વાતો થતી હોય છે. ચીલૂ સાથે પણ કંઇક આવું જ બન્યું. તે પોતાનું કરિયર બનાવવા માંગતી હતી પરંતુ તેના માતા પિતાએ તેમના લગ્નની ઇચ્છા દર્શાવી. તેમની આગળ ચીલૂ કશું બોલી ના શકી. ચીલૂનો પતિ તેના લગ્નના ચાર વર્ષ સુધી તેનું શારિરીક શોષણ કરતો રહ્યો. કાર્યસ્થળ પર પણ તેનું અપમાન કરતો રહ્યો.

આ પરિસ્થિતિ વચ્ચે ચીલૂએ એક પુત્રીને જન્મ આપ્યો જે 72 કલાકના આયુષ્ય બાદ જ મૃત્યુ પામી. જ્યારે ચીલૂ બીજી વાર ગર્ભવતી થઇ ત્યારે તેના પતિના દબાણથી તેને ગર્ભપાત કરાવવો પડ્યો. ચીલૂ પોતાની આ પરિસ્થિતિ કોઈને પણ કહેતા ડરતી હતી. આ સંજોગો વચ્ચે એક રાત્રે ચીલૂ હિંમત કરી ઘરેથી ભાગી નીકળી. અંતે તેણે તેના પતિ પાસેથી છૂટાછેડા લઇ લીધાં. હવે તે મુક્ત હતી પરંતુ તેની અંદરનો ડર હજી પણ જીવતો હતો.

છૂટાછેડાના એક વર્ષ પછી ચીલૂના એક મિત્ર દ્વારા તેની મુલાકાત અન્ય એક પુરૂષના સંપર્કમાં આવી. ચીલૂને તેનામાં ઘણી સારી બાબતો દેખાઇ જે તેના પહેલા પતિમાં ના હતી. ચીલૂ તેના પ્રેમમાં પડી અને તેની સાથે લગ્ન પણ કર્યાં. પરંતુ કહેવાય છે ને કે નસીબ આગળ પાંદડું જ હોય ત્યારે વ્યક્તિ પણ કશું કરી શકતી નથી.

ચીલૂ કહે છે કે મારા આ બીજા પતિ એક કન્ટ્રોલર હતો. ચીલૂએ કેવા કપડા પહેરવા, કોની સાથે બોલવું, કોની સાથે ના બોલવું તે બધું પોતે જ નક્કી કરતા હતા. પરંતુ એક વાર છૂટાછેડા લીધા હોવાથી ચીલૂ તેના પક્ષમાં કંઈ જ બોલી નહોતી શકતી.

આ બધા વિચારો સાથે ચીલૂએ દસ વર્ષ કાઢી નાખ્યા, હવે ચીલૂને બે બાળકો પણ હતાં. હવે તેણે પોતાના બાળકો માટે જીવવાનું હતું. એક દિવસ તેણે હિંમત બતાવી અને બે બાળકોને લઇને ઘર છોડી દીધું. "હું મારા બાળકોને શીખવાડવા માંગતી હતી કે તેમણે તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને પોતાના પગ પર ઉભુ થવાનું છે. હું એવી માતા નહોતી બનવા માંગતી કે જે બાળકો પાછળ પોતાનું બધું કુરબાન કરી દે અને ભવિષ્યમાં તેણે પોતે જ હેરાન થવું પડે.”

"હવે મેં સંપૂર્ણપણે મારું નામ સ્વીકારી લીધું હતું"

ચીલૂ જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારની વાત છે. “મારા શિક્ષકે આખા ક્લાસમાં મારા નામની આગળ બીજું નામ લગાવવા માટે મારા માતા–પિતાની માનસિકતાની વ્યાખ્યા આપી હતી. ત્યારે ક્લાસમાં દરેક બાળકો હસી રહ્યાં હતાં.”

જ્યારે ચીલૂના પ્રથમ લગ્ન થયા ત્યારે તેના સાસુ સસરાએ તેનું નામ રાજલક્ષ્મી રાખ્યું હતું. જ્યારે બીજા લગ્ન થયા તેના પતિએ તેનું નામ શાલીની રાખી દીધું હતું. આ રીતિ રિવાજથી તે પહેલેથી જ નારાજ હતી. પરંતુ પતિનું ઘર છોડ્યા બાદ તેણે પોતાના ‘ચીલૂ’ નામને સંપૂર્ણપણે અપનાવી લીધું.

હાર કેમ માનવાની?

"જ્યારે હું બીજા બાળકની માં બનવાની હતી ત્યારે મારી કમરની નીચેના ભાગનું હાડકું ખસી ગયું હતું. પરંતુ હું તે બાળકને જન્મ આપવા માંગતી હતી અને મારો મોટો દિકરો જે બે વર્ષનો હતો તેના માટે જીવવા માંગતી હતી. તે સમયે મારી જિંદગી બચાવવાનો એક માત્ર વિકલ્પ હતો સર્જરી અને તેમાં પણ 50 ટકા જ સફળતાની આશા હતી. પરંતુ મે રિસ્ક લીધું અને મારી દિકરી બચી ગઇ પરંતુ ફરીથી ચાલવા માટે મારે દોઢ વર્ષ સુધી પ્રયત્ન કરવા પડ્યાં. ત્યારબાદ મોઢાં અને ગરદનના ભાગમાં લકવો થઇ ગયો.

સાજા થવામાં ચીલૂને લાંબો સમય લાગે તેમ હતો. શારીરિક રીતે તે ઘણી સક્રિય હતી પરંતુ તેની કમરના હાડકાની સમસ્યા હજી પણ એવી જ હતી. અને તેને પથારીમાં પડી રહેવું મંજૂર ના હતું અને ધીરે ધીરે વ્યાયામ કરવાની શરૂઆત કરી. થોડા વર્ષમાં ચીલૂએ અનેક પ્રકારના નૃત્યો શીખ્યા અને એક શોમાં તેમણે આઠ પ્રકારના નૃત્ય કર્યા. ત્યારબાદ તેમણે મુંબઇ હાફ મેરેથોનમાં પણ ભાગ લીધો. ત્યારબાદ 2013માં તેમના શરીરના જમણા ભાગમાં હિસ્સામાં લકવો થઈ ગયો.

ચીલૂ કહે છે, “અત્યાર સુધી મેં જેટલી બીમારીઓનો સામનો કર્યો હતો તેમાંથી આ સૌથી ખતરનાક હતી. મારા જમણા હાથ-પગનું હલનચલન પણ બંધ થઇ ગયું હતું અને મને જમણી આંખે દેખાવાનું પણ બંધ થઇ ગયું હતું. મારે એક બાળકની જેમજ જિંદગીની શરૂઆત કરવી પડી. હું બોલી પણ શકતી નહોતી.” પરંતુ આજે ચીલૂના ઘણાં અંગો કામ કરી રહ્યાં છે.

ચીલૂ કહે છે, “તમને માત્ર એક જ વ્યક્તિ બદલી શકે છે અને તે છે તમે પોતે. તમે તમારી જાતને બદલશો તો તમારી આસપાસની વસ્તુઓ પણ આપોઆપ બદલાવા લાગશે."

જ્યારે ચીલૂએ તેના બીજા પતિનું ઘર છોડ્યું ત્યારે તેની પાસે પૈસા પણ ન હતા કે કોઇ કામ પણ. આ ઉપરાંત, ઘરના લોકોનું સમર્થન પણ નહોતું. જેના કારણે તે ડિપ્રેશનમાં આવીને દારૂ અને સિગરેટ પણ પીવા લાગ્યા હતાં. આત્મહત્યા કરવાની કોશિશ કરી ચૂક્યા હતાં.

પરંતુ ચીલૂને લાગ્યું કે આ ખોટું છે આત્મહત્યા કાયર અને નબળા લોકો કરે છે પણ હું કમજોર નથી. તેમણે પોતાના બંન્ને બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધા અને પોતાની જિંદગીની એક નવી શરૂઆત કરવાની શોધ કરવા લાગ્યા. હવે તેમણે પોતાના બાળકોની સાથે જ રહેવાનું નક્કી કરી લીધું.

બસ ત્યારથી ચીલૂની જિંદગી બદલાવવા લાગી...

ચીલૂના સંર્ઘષથી જિંદગી બદલાવવા લાગી હતી. તે પુસ્તકો વાંચવા લાગી. આધ્યાત્મિક આયોજનોમાં ભાગ લેવા લાગી. તેણે પોતાના દર્દને સમજવાની કોશિશ કરી.

"મારા બાળકોએ મારામાં આત્મવિશ્વાસની ભાવના પેદા કરી. હવે હું મારી જાતને કોઈ પ્રકારનો ભાર નહોતી સમજતી. પણ કંઇક કરવાની ઇચ્છા વ્યક્ત કરતી થઇ ગઇ. મેં મારી જિંદગીને વ્યર્થ સમજવાની બંધ કરી દીધી.”

બીમારીના કારણે ચીલૂની યાદશક્તિ ઘણી નબળી પડી ગઈ હતી અને પોતાની આસપાસની દરેક વસ્તુ તેને વિચિત્ર અને નવી લાગતી હતી. તે હંમેશા પોતાની જાતને પૂછ્યા કરતી હતી કે આ દરેક બાબત મને શું સંદેશ આપી રહી છે. તેમના મગજમાં પહેલી વાત પુસ્તક લખવાની આવી. જ્યારે બીજી વાત કોઈ વેન્ચર શરૂ કરવાની આવી. એક એવું વેન્ચર જે લોકોને તેમની વિચારશક્તિ કરતા વધારે વિચારવા મદદ કરે અને આગળ જઇને કંઇક કરવામાં મદદ કરે.

"આપણે મોટાભાગે જીવનને એક ઘાટમાં બાંધી તે અનુસાર જીવન જીવીએ છીએ. પરંતુ જીવન જીવવા માટે કોઇ સીમા બાંધવાની જરૂરિયાત નથી. આ માટે જ ‘ડિબૉક્સ’ નામ આપવામાં આવ્યું. આ નામ આપવાનો શ્રેય તે તેના મિત્રને આપે છે.

શું છે ‘ડિબૉક્સ’નું લક્ષ્ય?

‘ડિબૉક્સ’ના પ્રશિક્ષણનું લક્ષ્ય વ્યક્તિગત સંકટમાંથી પસાર થતા લોકો સાથે સ્વાસ્થ્યપ્રદ વાતચીત, ચર્ચા અને ભોજન ઉપલબ્ધ કરાવી તેમની જિંદગી સરળ બનાવવાનો છે. સારા ગુણો પર ચર્ચા પણ કરવામાં આવે છે. નાના સમૂહમાં વ્યક્તિગત સ્ટોરી અંગે વાતચીત થતી હોય, ભાવનાઓ પ્રગટ થતી હોય અને મોટો બદલાવ લાવી શકે તેવી સ્ટોરી અંગે વાતચીત કરવાની.

ચીલૂ કહે છે, “આ તો માત્ર એક શરૂઆત છે, પરંતુ આ સમય એવો છે કે આપણે રોગની જગ્યાએ સ્વાસ્થ્ય પર, ઉદાસીની જગ્યાએ આનંદ પર અને ડરની જગ્યાએ પ્રેમ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. જે આપણે વિચારીએ છીએ તે જ આપણા જીવનની હકીકત બની જાય છે.

આપણે આપણી જિંદગી બદલી શકીએ છીએ. આપણે બીજા માટે જીવન જીવી શકીએ છીએ અને અન્ય વ્યક્તિઓ માટે પ્રેરણાસ્ત્રોત પણ બની શકીએ છીએ. બસ, વ્યક્તિને પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ અને પોતાનામાં પરિવર્તન લાવવાની ઈચ્છા જાગૃત થવી જોઇએ.

(સંકલન)