Naam aenu Raju - 6 books and stories free download online pdf in Gujarati

નામ એનું રાજુ - 6

પ્રકરણ 6

આજ મારે આંગણિયામાં આનંદની લહેર...

બરોબર એક મહિનો પૂરો થાય છે અને રિવાજ મુજબ જ્યંતિ ભાઈ તેમનાં નાના ભાઈની સાથે જયા બહેનને લેવા માટે ભાદરણ જાય છે. સતિષભાઈ ( જયા બહેનનાં મોટા ભાઈ ) અને તેમનાં પત્ની કંચન બેન તેમજ પ્રફુલ્લ ભાઈ ( જયા બહેનનાં વચલા ભાઈ ) અને તેમનાં પત્ની કુસુમ બેન તેમજ જયા બહેનનાં સૌથી નાના ભાઈ જીતુ ભાઈ એમ ત્રણેય ભાઈઓ અને બંને ભાભીઓ ઘરે હાજર જ છે, તેઓ જ્યંતિ ભાઈ અને અશોક ભાઈની સુંદર મજાની આગતા સ્વાગતા કરે છે, કપાળમાં ચાંલ્લો અને ચોખાથી તેમને વધાવી મોંઢુ મીઠું કરાવે છે અને પછી ચા પાણી નાસ્તો અને મીઠાઈઓનાં થાળ પીરસે છે. જયા બહેનને રાજુ વખતે જીયાણું વાળવાનો લહાવો તેમનાં પિયારિયાંને નહોતો મળ્યો તેથી આ વખતે તેઓ કોઈ કસર બાકી રાખતાં નથી. સાસરે વળાવેલી બહેન ફરી ક્યારે રહેવા આવી શકશે તે ધાતે નણંદનાં પાછા જવાની મીઠી વેદના પણ કંચન બહેન અને કુસુમ બહેનનાં હૃદયમાં છે પરંતુ દીકરીઓ તો સાસરે જ શોભે, જે રીતે પોતે પોતાનું પિયર છોડીને અહીં આવી છે બિલકુલ તેમજ જયા બહેનને પણ પોતાનાં શ્વસુર ગૃહે પાછા વળવાનું જ છે, એ ન્યાયે વિવેકમાં તેઓ મૌન રહે છે. રાજુનું એક નાનું સરખું રમકડું પણ જો અહીં ભાદરણ રહી જાય તો રાજુ આખું ઘર માથે લે એવો છે, મોટું છોકરું પ્રમાણમાં ભોળું હોય છે તેટલું જ ભરાડી અને તોફાની પણ હોય જ છે, હા નાનુ ભાંડુ આવ્યા પછી તેનું તોફાન ઓછું થઈ જતું હોય છે પરંતુ હું પહેલો ની ભાવના ક્યારેય જતી નથી હોતી, એ ન્યાયે રાજુ પણ થોડોક માથાભારે કહી શકાય... પણ હા તોય વહાલો લાગે એટલો જ જબરો હતો, તેનાં સર્વ રમકડાં... તેની ગમતી થાળી વાટકી અને ચમચી તો તૈયાર જ હતું સાથે સાથે તેને જીયાણામાં આપવાની જેટલી વસ્તુઓ બાકી હતી તે સઘળી નવા કપડાં... ચાંદીનો કંદોરો.. હાથની અને પગની કડલીઓ... ચાંદીનો ઘૂઘરો... એમ કંઈ પણ વાનું આપવાનું મામા મામી એ બાકી નહોતું રાખ્યું.. સાથે સાથે બહેન કામીની માટે પણ નવા નવાં કપડાં... પગની પાયલ... હાથની કડલી અને ચાંદીની ગાય એમ બધું જ તૈયાર હતું... આજથી લગભગ પચાસ પંચાવન વર્ષ પહેલાં આ બધી વસ્તુઓને એટલે કે દરેક રિવાજોને બહુ ગંભીરતાથી લેવામાં આવતાં હશે કદાચ... થોડામાંથી થોડું કરવું અને પહોંચતું ઘર હોય તો યથા યોગ્ય દેખાય એટલો વહેવાર કરવું એવો ઘરનાં દરેકનો સ્વભાવ હતો. સામા પક્ષે શંકર દાદાનાં ગરનાં પણ કંઈ કમ ન હતાં ત્યાં ધર્મજથી પણ ખંભાતથી મંગાવેલ પાપડ ચવાણું.. સુતરફેણી અને હલવાસન નાં પેકેટ આવ્યા હતાં અને કેમ ન આવે આ ભાદરણનાં ઘરની દીકરીએ જ તો અહીં ધર્મજનું ઘર દીપાવ્યું હતું અને લગ્નનાં ટૂંક સમયમાં જ લાલજી છેવો દીકરો અને લક્ષ્મી સ્વરૂપા દીકરી આ આંગણે રમતાં થયાં હતાં.


નાસ્તો.. મીઠાઈ... અને દરેક વહેવારનું કાર્ય તેડવા આવેલાં જમાઈ અને જયા બહેનનાં દિયર એવાં અશોક ભાઈને કવર આપીને પૂરું થાય છે અને હસતાં મોંએ ફરી અનુકેળતા હોય તાયારે અને વારવતહેવારે આવતા રહેજોની વાતનું આવજો જજો થાય છે. અશોક ભાઈ સઘળો સામાન ઊંચકી લે છે.. જ્યંતિ ભાઈ એ બસુ દિવસે દીકરાને છોયો હોઈ એ પોતે રાજુને ઊંચકી લે છે અને જયા બહેનનાં હાથમાં કામીની છે. કહેવાય છે કે બાપને દીકરીઓ વહાલી હોય છે પણ અત્યારે હજુ માત્ર મહિનાની જ હોઈ જ્યંતિ ભાઈ કામીની ને જયા બહેન પાસે રહેવા દેવાનું જ ઊચિત માની પોતે રાજુને લઈ લીધો છે. આજે પહેલી વાર જ્યંતિ ભાઈએ એમ્બેસડર ભાડે કરી છે, આખરે પોતાનાં બે બે સંતાનોને લઈને ઘરે આવવાનું છે. જયા બહેન પોતાનો આનંદ ગાડીમાં શરમાઈને બેસવામાં જ વ્યક્ત કરી લે છે.


ભાદરણથી ધર્મજ આવવાનાં પંદર સત્તર કિલોમીટરનો રસ્તો માત્ર વીસ ત્રીસ મિનીટમાં જ પસાર થઈ જાય છે. એમ્બેસડર કાર ગાંધી ચોકમાં આવીને ઊભી રહે છે અને સરયુ પોતાની બહેનપણીઓની સાથે જ બહાર ચકલે રમે છે, હાસ્તો પોતાની વહાલી ભાભી અને એથીય પ્યારો એનો દોસ્તાર જેવો ભત્રીજો રાજુની રાહ જોઈને જ વળી. જ્યંતિ ભાઈ અને છયા બહેન ગાડીમાંથી ઉતરે છે અને આગળ બેઠેલો અશોક પણ ખાડીમાંથી થેલો લઈને ઊતરે છે.. સરયુ ને એ કોઈની પડી નથી.. એ ભાભલી કરીને એમને વળગી પડે છે અને પોતાનાં ભાઈનાં હાથમાંથી રાજુને છાણે કે છીનવી જ લે છે.. એ ય મારો રાજુ આવી ગયો એમ કહેતી. સૌ કોઈ અંદર ગલીમાં ઘર ભણી જાય છે.


અંદર ચંચળ બાએ આરતીની થાળી તૈયાર જ રાખી છે. રાજુને ફરી એક વાર ગરમાં જાણે પહેલી વાર આવતો હોય તેમ કપાળે ચાંલ્લો કરી ચોખા ચોડે છે અને સાથે સાથે ઘરની લક્ષ્મી જયા બહેનને પણ ચાંલ્લો કરી ચોખલડે વધાવે છે. કામીની તો માત્ર આ જ ઘરની લક્ષ્મી નહીં પરંતુ આવતી કાલની કોઈકનાં ઘરની પણ ગૃહ લક્ષ્મી બનવાની એટલે એ તો પારકી થાપણ... એનાં દુખણાં લઈ એનાં કપાળમાં પણ ચંચળ બા ચાંદલો કરે છે અને એને ચાખલડે વધાવી પાણીનાં લોટાથી એ ત્રણેયની નજર ઊતારી ઊંબરે પાણી સાઈડમાં ઢોળી અને એમને ગરમાં લાવે ચે અને જયા બહેન તેમજ રાજુ અને કામીની નાં ઘરમાં આવતાં વેંત જ આજુ બાજુનાં ફળિયાનાં ઘર વાળાં પણ હરખ કરવા દીકરી કેવી છે એમ જોવા સૌ કોઈ અંદર આવે છે. એ વખતે કવર અને ગિફ્ટ લઈને જઈએ તો જ દીકરીનું કે દીકરાનું મોં જોવા જવાય એવો કોઈ રિવાજ નહોતો.. બલ્કે જો તરત મોં ન બતાવીએ તો હરખ ઓછો લેખાતો. આજથી લગભગ પચાસેક વર્ષ પહેલાં મોંઘી ભેટ સોગાદો કરતાં દર્શાવેલ લાગણીનું મહત્વ બમણું લેખાતું હતું. આજેય પણ હજુ ગામડાંનાં એવાં કંઈક ગરો આવાં જ લાગણીનાં તાંતણે બંધાયેલાં જોઈ શકાય બાકી શહેરોમાં તો આખું તંત્ર જ બદલાયેલું જોવાં મળે.
જયા બહેન આવતાં વેંત જ ઘરમાં સમું નમું કરવા લાગે છે. રાજુ તેમજ કામીની એમ બંનેનાં કપડાં અને લાવેલાં રમકડાં સઘળું પોતપોતાનાં સ્થાને હોય તો સંયુક્ત કુટુંબનાં આ ઘરમિં અગવડ ઓછી પડે એ ન્યાયે બધું તરત ગોઠવાઈ જાય તે પણ અગત્યનું હતું. માત્ર વહેવારની વસ્તુઓ ચંચળ બાને બતાવીને ઠેકાણે મૂકીશ એમ માની એટલાં પૂરતું જયા બહેને રાહ જોવાનું નક્કી કર્યું. લગભગ અડધા ઉપરની રસોઈ તૈયાર જ હતી, હવે તમે આવી ગયા છો તો દાળનો વઘાર જયા વહુ તમે જ કરજો અને થોડો કંસાર પણ બનાવજો બહુ દિવસે આજે તમારા હાથની દાળ જમીશું એમ ચંચળ બા બોલ્યાં. બાકીનું તો બધું તૈયાર જ છે... હવે આજથી મારે તો આ રાજુ અને કામીની બસ ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે અને એય શાંતિ વાળી જિંદગી જ જીવવી છે હોં જયા વહુ, તમ તમારે તમારી જવાબદારી સંભાળો અને ઘરને તમને ફાવે એમ મોજથી હંકારો એટલું કહેતાં ચંચળ બા કામીનીને પોતાનાં હાથમાં લે છે અને એટલામાં તો સરયુ પાછી વચ્ચે ડબકું મૂકતાં બોલી... એ બા હું રાજુને લઈને સામે મધુ પાસે જાઉં છું હોં. ચંચળ બાએ તરત જ એને ટકોરી.. અલી એ મધુ કાંઈ તારાથી નાની છે તે મધુ કહીને બોલાવે છે જરાક ડાહી થા.. અને ભાભી કહેતા શીખ. આ મધુ બહેન એટલે સામેનાં ઘરનાં વહુ, પણ સરયુને એની સાથે બહુ ગોઠતું. જાઢે બહેનપણીઓ જ જોઈ લ્યો. એ સારુ બા એમ આગેથી જ બૂમ પાડતી હોય એમ જવાબ આપીને સરયુ સામે ગેર રાજુને લઈને લગભગ દોડતી દોડતી જ ગઈ.


રાજુને તો સરયુ પોતાની ફોઈ છે એ પણ ક્યાં ખબર છે. પોતાનાંથી લગભગ પંદરેક વર્ષ મોટી હોઈ રાજુ બોલતાં શીખ્યો ત્યારથી સરયુને સરયુ જ કહેતો. ફોઈ કહીને બોલાવે એવું ન તો સરયુ ને જરૂરી લાગતું હતું ન રાજુને એની કોઈ જાણ હતી. એને તો બસ સરયુ સાથે રખડવું અને આમલી કાતલાં અને કોઠાં ખાવાં એમાં જ મજા આવતી હતી. આમ ને આમ દિવસો મીઠા મીઠાં પસાર થાય છે. કામીની હવે પાંચ મહિનાની થઈ ગઈ છે, પાંચમે મહિને જ એને બેસતાં આવડી ગયું છે એટલે ઘરના સૌ કોઈ વળી રાજીપો વ્યક્ત ઈરે છે કે જોજો ને અત્યારે પાંચમે બેસતાં શીખી છે તો પાંચમાં પૂછાય એવી થશે એનો અર્થ એમ કે સૌ કોઈ એને ઘણું માન આપશે અને એને પૂછીને ઘણું થાય એવો એનો સ્વભાવ હશે. હવે કામીની ને આ બાજુ બેસતાં આવડી ગયું છે અને એનું ધ્યાન રાખવા કે એ ગબડી ન પડે કે સહેજ ખસતા શીખે અને ચાલતી થાય તો એને કઠેકાણાંનું વાગી ન જાય એનું ધ્યાન રાખવા ક્યારેક ચંચળ બા પણ જો કામમાં હોય તો સરયુને બેસવું પડે છે. આ ધાત ભલા રાજુથી સહન કેવી રીતે થાય. ઘડી ઘડી આવીને કામીનીને ધક્કો મારી જવો.. એનાં વાળ ખેંચી જવા અને બાળ સહજ ચેષ્ટામાં કામીની એના ભાઈની પાછળ ભોંખણિયા ભરતી જો ચાલે તો એને કેમ કરીને દાત મારીને પાડી દેવી આ બધું જ રાજુને બહુ સરસ અને છૂપી રીતે આવડી ગયું છે. અને વળી પાછું કામીની જો રડવા ધાગે તો એનો મોટો ભાઈ હોવાને નાતે એને કામીની પર વહાલ પણ એટલું જ આવે છે. ભલેને કામીની ગૂંગળાઈ જાય પણ એને હું જ છાની રાખું એવા ભાવથી ક્યારેક રાજુ એનું મોં એવી રીતે પોતાની છાતી સરસું ચાંપી દે છે કે કામીની કંટાળીને એને ધક્કો મારી દે. ચંચળ ફા તો વળી ક્યારેક શંકર દાદા ખાટલે બેઠાં બેઠાં આ ખેલ બહુ રાજીપાથી જોતાં અને છયા બહેન તેમજ જ્યંતિ ભાઈથી પણ આ કાંઈ છૂપું નથી. પણ દરેક ગરમાં આવું લડીને અપે પ્રેમ કરીને જ તો સહોદરો મોટાં થતાં હોય છે એમાં ક્યાં કંઈ નવું છે. પરંતુ રાજુની આવી મીઠી પજવણીથી કામીનીએ પોતાનો એક વિરોધી સ્વભાવ પણ વિકસાવી લીધો છે કે છો કોઈ વર્તન ન ગમે તો સામેનાં ભાણસને ધક્કો મારી દેવો અને આમ ને આમ બંન્ને ભાઈ બહેનનું બાળપણ ઉછરતું ચાલ્યું જાય છે.

ક્રમશ :

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED