પ્રેમ નો શ્વાસ વિશ્વાસ Paru Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો શ્વાસ વિશ્વાસ

પ્રેમ નો શ્વાસ વિશ્વાસ

સામાજિક પ્રાણી માણસને ધન,સંપત્તિ, કીર્તિ, માન પ્રતિષ્ઠા કરતા પણ વધારે જે મેળવવાની ઈચ્છા હોય છે તે છે પ્રેમ. લાગણી, નિખાલસતા નો ગુણાકાર થતો રહે તે પ્રેમ એક એવી હકારાત્મક લાગણી છે કે જે મનને સાંત્વના આપે. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ અન્યને ખુશ રાખવાનો પ્રયત્ન. પ્રેમનો અર્થ જ એ કે તમારી જીંદગીમાં તમારી ચિંતા કરવાવાળું કોઈ છે. જેનું ચિત્ત તમારા સુખ વિષે જ વિચારે છે. જેના હોવાથી નિશ્ચિંત બની જવાય. તેથી જ માતા-પિતાનો પ્રેમ સર્વોચ્ચ સ્થાને બિરાજે. મોટો ભાઈ કે બહેન પણ આ જ રીતે આપણને સાચવતા હોય છે. મિત્ર, સખી પતિ-પત્ની નો પ્રેમ કે જે જીવનને મેઘધનુષી રંગે રંગબેરંગી બનાવે.

માનવી રૂપે જન્મતા માતા –પિતા અને ભાઈ બહેનના લોહીના સંબંધો મળે. ત્યારબાદ મિત્ર, પાડોશી, સહાધ્યાયી, સહકર્મચારી, શિક્ષક, શિષ્ય, પ્રિયજન કે પતિ –પત્ની એમ અનેક સંબંધ માં વિશ્વાસ જ જીવાદોરી સમાન છે. આ શબ્દમાં જ જાણે આખું વિશ્વ સમાયેલું હોય એવું લાગે. પ્રેમ એ જીવનનો શ્વાસ છે તો પ્રેમનો શ્વાસ વિશ્વાસ છે. સંબંધો બાંધવા કે બંધાઈ જવા સહેલા છે પરંતુ તેને ટકાવવા તો આપણે જ વિશ્વાસપાત્ર બનવું પડે. જેમને ખુદ પર વિશ્વાસ છે તેને જ પરમેશ્વરમાં પણ શ્રદ્ધા હોય. જીવનમાં મુશ્કેલીઓ તો અને હોય છે પરંતુ તે દરેકનો એક ઉકેલ હોય જ છે. તેથી વિકટ પરિસ્થિતિમાં પણ ખુશ રહી શાંતચિત્ત રાખે તે વ્યક્તિનો પરમાત્મા પર વિશ્વાસ દર્શાવે છે. પોતાની તમામ ચિંતા ભગવાન પર છોડી દેનાર જ સંતોષ પ્રાપ્ત કરી આંનદમય જીવન માણી શકે છે.

એકાદ વર્ષના બાળક ને માતા-પિતા ઉછાળીને રમાડે છે ત્યારે પણ તે હસતું રહે છે, ડરતું નથી કારણ કે તેને તેના પર વિશ્વાસ છે કે તેઓ પોતાને ઝીલી લેશે, પડવા નહિ દે. વનસ્પતિને વિશ્વાસ છે કુદરત પર કે પાનખર પછી વસંત આવશે જ અને પોતે ફરી મહોરી ઉઠશે. તેથી જ ઠુંઠું વ્રુક્ષ અડગતાથી ઉભું રહે છે. ગામના પાદરે વડવાઈઓ પર લટકતા બાળકોને વ્રુક્ષની મજબૂતાઈ પર વિશ્વાસ છે જયારે શહેરના છોકરાઓ ડરે છે. શા માટે આવું બને છે? કેમ આટલો દ્રઢ વિશ્વાસ આ બધાને છે? બાળકને માતા-પિતા એ વર્ષ દરમિયાન આપેલ હૂંફ, પ્રેમ અને સંભાળ પરથી આવો અતુટ વિશ્વાસ આવ્યો છે. વનસ્પતિ દર વર્ષે વસંત માણે છે તે અનુભવે કુદરત પર શ્રદ્ધા રાખે છે. તો ગામડાના બાળકો નાનપણથી જ વ્રુક્ષ પર લટકીને મજા કરે છે તે અનુભવે ડાળીઓ પર વિશ્વાસ કરી શકે છે. અરે ! ખુદ પ્રભુએ પણ ભક્તની મુશ્કેલી દુર કરતા રહી શ્રદ્ધા સંપાદિત કરવી પડે છે, મનમાં શ્લોક નું રટણ કે પ્રાર્થના માં વિશ્વાસ છે કે જેને આપણે શ્રદ્ધા કહીએ છીએ. તો માણસે તો દરેક સંબંધમાં પોતાની સચ્ચાઈ અને નિખાલસ વર્તન દ્વારા પરસ્પર વિશ્વાસ જન્માવવો જ રહ્યો. માનવ નું મન તો વિશ્વાસ ને આધારે જ તો ટકી રહ્યું હોય છે. વિશ્વાસ શબ્દમાં ‘શ્વાસ’ સમાયેલ છે. શ્વાસનું અટકવું એટલે જિંદગીનું અટકવું. પ્રેમનો શ્વાસ એવો વિશ્વાસ જ જતો રહે પછી પ્રેમ નું ઝરણું સુકાઈ જાય. કોઈએ ખુબ સરસ કહ્યું છે,

“વિશ્વ આકાશ, વિશ્વાસથી સજાવી દઈએ, અરે! વિશ્વાસ ને જ વિશ્વ આકાશ બનાવી દઈએ”

લોહીના સંબંધો સિવાય માનવી અનેક સંબંધોથી બંધાયેલો રહે છે તે સમયે બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે તેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી એ માણવા જીવનની સૌથી મોટી સફળતા છે. આ સફળતા પ્રાપ્ત થાય ત્યારે જ સંબંધોમાં સાચી સુદ્રઢતા આવી શકે. અન્યથા નેટવર્ક વગરના મોબાઇલ માં જેમ રમત રમાતી હોય છે તેમ વિશ્વાસ વગરના સંબંધોમાં પણ રમત રમાવી શરુ થઇ જાય છે.

કોઈપણ વ્યક્તિનો વિજાતીય પાત્ર પ્રત્યેનો પ્રેમ એ પસંદગીપૂર્વકનું કુદરતી ખેંચાણ છે. પ્રેમ થઇ જતો હોય છે. અન્યને સુખી જોવાની અને કરવાની ઝંખના એટલે જ પ્રેમ. જેમાં બળજબરી , અધિકારભાવ કે માલિકીપણા ને સ્થાન નથી. ધીરજ થી પારકાને પોતીકા બનાવવાની કળા હસ્તગત કરવી પડે. પ્રેમ નામના છોડને પરસ્પર વિશ્વાસરૂપી ખોરાક આપતા રહી ને વટવ્રુક્ષ બનાવી શકાય. પ્રત્યેક પળે પ્રિયજનને વિશ્વાસપાત્ર બનવા પોતાની જીદ, અહંકારનો ત્યાગ કરવો જરૂરી છે. પ્રેમ એ બે હૃદય ને જોડતો પુલ છે તો વિશ્વાસ એ આ પુલના મજબૂત પાયા છે. ટૂંકમાં વિશ્વાસ જ પ્રેમનું કારણ અને પરિણામ બંને છે. પહેલા વિશ્વાસ આવે પછી જ પ્રેમ થઇ જાય. પ્રેમમાં જે કહો છો તે જ કરશો તો વિશ્વાસ ટકી રહેશે. પણ જો વાણી અને વર્તન માં તફાવત હશે તો વિશ્વાસ ડગમગશે અને પ્રેમ નબળો પડશે. માત્ર “I love you” કહ્યે રાખવાથી પ્રેમ છે એવું માની શકાય નહિ. પણ વર્તન માં ચિંતા અને સંભાળ વર્તાતી હોય તો વિશ્વાસ જન્મે અને પ્રેમની વાવણી દિલ માં થઇ જાય. પ્રિયતમના વાણી અને વર્તન પર વિશ્વાસ ને લીધે જ વિરહ-મિલનના વચગાળાના સમયમાં આશાવાદ ટકેલો રહે છે. અન્ય સ્થળે દુર રહીને પણ મોબાઇલ દ્વારા સતત કનેક્ટ રહી “કેર” કરનારા પ્રેમીજનોનો વિશ્વાસ બંને ને નિરાશાથી દુર રાખે છે. અને મિલન ની આશા માં ખુશ રહી શકે છે. માટે જ તો કહેવાય છે કે વિશ્વાસે તો વહાણ પણ તરી જાય. રામ એક દિવસ મારી ઝૂંપડી એ આવશે જ એ શબરીનો વિશ્વાસ. રાધા કૃષ્ણ ને અને કૃષ્ણ રાધાને ક્યારેય ભૂલી નહી શકે એ પરસ્પર રાધાકૃષ્ણ નો વિશ્વાસ.

ઘણીવાર માતા-પિતાને સંતાનો પર કે પતિ-પત્નીને પરસ્પર વિશ્વાસ જ નથી હોતો તેવું જોવા મળે છે. ત્યારે પ્રેમ શ્વાસ કઈ રીતે લઇ શકે? એક સાથે અનેક પ્રત્યે આકર્ષણ ધરાવનારા ના વાણી અને વર્તન માં તફાવત જોવા મળે ત્યાં વિશ્વાસની લાગણી જન્મે જ નહિ માટે પ્રેમ પાંગરે જ નહિ. વર્તમાન સમયમાં માટે જ એક છત નીચે રહેતા પરસ્પર વિશ્વાસ વગરના સંબંધને ઢસડતા દંપતીની સંખ્યા વધી રહી છે. બીજી બાજુ ૨૧ મી સદીની કહેવાતી આધુનિક યુવાપેઢી પણ પ્રેમ સંબંધને જવાબદારીપૂર્વક સાચવી એકબીજાને વફાદાર રહી શકતી નથી અને લીવ ઇન રીલેશનશીપ નો આશરો લઇ માત્ર જરૂરિયાત પૂરી કરવા સાથે રહે છે. થોડા સમય મોજમજા માન્ય બાદ એકબીજાથી કંટાળીને છુટા પડી જાય. સંબધ નહિ પણ જાણે મોબાઇલ ના હેન્ડ સેટ હોય એ રીતે પાત્ર બદલાય. કારણ અહી અવિશ્વાસ છે, પ્રેમ નહિ આંખોને આંજનારું આકર્ષણ જ હોય છે કે જે ટુંકા સમય સુધી સારું લાગે. માટે જ પ્રેમનો દીપ પ્રજ્વલિત રાખવા વિશ્વાસરૂપી ઘી પૂરતા રહેવું.

આ વિશ્વાસ કઈ રીતે સંપાદિત થાય? એવો સહજ પ્રશ્ન પણ થાય જ. કોઈ પણ સંબંધ બે વ્યક્તિઓ હોવાની જ. માટે દરેક સંબંધ માં સામે ના પાત્ર સાથે તમે નિખાલસ રહો. જે કહો છો તે જ કરો. ક્યાંક જાઓ તો સાચું કહીને જ જાઓ. જેથી ક્યારેક ગેરસમજ ન થાય. જે કઈ ન ગમતું હોય એ પણ શાંતિ થી કહો અને ગમતું હોય એ વારંવાર કહો. ઉપરાંત શબ્દો ને બદલે સંભાળ લઇ તેને અહેસાસ કરાવો તમે એની માટે સ્પેશીયલ છો. વિશ્વાસ થકી જ તો સંબંધો ઉષ્માભર્યા રહી શકે છે. જે વ્યક્તિ પોતે આત્મવિશ્વાસ થી છલકતી હોય તે વિશ્વાસુ હોય છે કારણકે તેઓ જેવા હોય તેવા જ પ્રસ્તુત થાય છે. સાચું બોલનારા અને સાચું કરનારા હોવાને લીધે તે ક્યારેય ગોળ ગોળ વાત નહિ કરે. તેઓ કોઈ પણ બહાના કાઢી છટકવાની કોશિશ નથી કરતા. કેટલાક પ્રેમીઓ પોતાનું વર્તન એવું કરે કે જેથી તેનો વિશ્વાસ ન કરવો એમ દર્શાવે જેથી કોઈ જવાબદારી માં પડવું ન પડે. વિશ્વાસઘાત જીરવવો ખુબ જ આકરો હોય છે, ક્યારેક તેના કારણે જીંદગી પરથી જ વિશ્વાસ ઉઠી જાય અને આત્મહત્યા ના પગલા ભરાય છે. માટે જ કોઈનો વિશ્વાસઘાત કરવો નહિ. કોઈ આપણો વિશ્વાસ કરે એ પરે કરતાં પણ વધારે મહત્વનું છે. માટે જ I Love You કરતા I trust U કહેવાનું અને સાંભળવાનું પસંદ કરશું તો જીવન વસંત બની મહેકતું રહેશે.

પારુલ દેસાઈ

9429502180

parujdesai@gmail.com