શૈશવસ્ય કથા રમ્યા Paru Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શૈશવસ્ય કથા રમ્યા

શૈશવસ્ય કથા રમ્યા

શિર્ષક વાંચતા જ બાળપણ ની દુનિયામાં મન ડોકિયું કરી આવ્યું ને ? બાળપણની તો દરેક બાબત સુંદર અને નિરાળી જ. રવીન્દ્રનાથ ટાગોરે કહેલું , “ પ્રત્યેક બાળક એક સંદેશો લઈને જન્મે છે કે ઈશ્વરે મનુષ્યજાતમાંથી હજુ શ્રધ્ધા ગુમાવી નથી.” ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન તે માનવ. માનવબાળને બાળક, શિશુ, છોરું, બાળ એમ વિવિધ નામ અપાયા છે. પ્રેમ અને આશાનું કિરણ લઇ જન્મનાર ઈશ્વરના દૂત બાળક માતા-પિતા માટે ઇન્સેટીવ અને દાદા દાદી માટે મૂડીનું વ્યાજ છે તો સમગ્ર રાષ્ટ્રનું ભાવિ છે. બાળક જન્મે ત્યારે પોતે રડે પણ તેના સ્વજનોના ચહેરા હર્ષ-ઉલ્લાસ થી ખીલેલા હોય છે.

૦ થી ૧૨ વર્ષની ઊંમર બાળપણ કે બાલ્યાવસ્થા કે શિશુ અવસ્થા કહેવાય. જીવન ની આ સર્વોત્તમ ઉમર અને હંમેશ મળતી રહે તેવી ઈચ્છા થાય તેવી અવસ્થા. બાળકના ચહેરા પર નિખાલસ સ્મિત રમતું હોય. નિર્દોષ –હસમુખો ચહેરો, કોઈ જ તણાવ કે ગુસ્સો કે ઈર્ષા અદેખાઈના ભાવ નજરે ન પડે કારણકે તેની માટે કોઈ જરૂરી નથી હોતું અને તેની કોઈ જરૂરિયાત પણ નથી હોતી. બિલકુલ નફકરું. મોજમસ્તી ભર્યું પોતાની મસ્તીમાં હાથ પગ ઉલાળતા અલ્લડ બાળકો જોવાનો લ્હાવો માણવા જેવો છે. જમીન પર પડેલી વસ્તુ ઉપાડવી, મોમાં મુકવી, ક્યારેક ફેકવી કે ગોળ ગોળ ફરતા ક્યાય પહોચી જવું. ઘૂંટણીએ રીખતા જાય અને પાછળ જોતા જાય અને ફરી વળે આખા ઘરમાં. કાગળ કે છાપા ફાડવા કે કોઈ ચીજવસ્તુને વીંખી નાખવી તો ક્યારેક ગોઠવવી બસ એ આ બધામાંથી નવરું પડે જ નહિ. થાકે પણ નહિ. કોઈ બાબતે રડતા વાર નહિ તો હસતા પણ વાર નહિ. થોડું સમજણું થાય પછી થોડા પઝેસીવ બને. કાંકરા, પથ્થર ,પીંછા કે જૂના રમકડાં કે પછી કપડા જેવી ચીજો નો સંગ્રહ કરવો ગમે. વળી માટી ચૂંથી ને રમકડાં કે રેતી ના ઢગલા કરીને ઘર અને મંદિર કે મનગમતી કૃતિ બનાવવા માં પ્રવૃત રહે. બહારગામ ગયેલ ઘર ની વ્યક્તિ કે કોઈ પણ આગંતુક પોતાની માટે કઈંક લાવી હશે તેવી અપેક્ષા સહજ જ હોય છે અને તે પૂરી પણ થતી હોય છે. વળી અભ્યાસ માં પણ રમત જ સુઝે. બાળકની અવલોકનશક્તિ ગજબની હોવાને કારણે આ અવસ્થામાં જેવું સાંભળે કે જુએ તેવું જ કરતા શીખે. આ સમયે જેવું કેળવાય તેવું તે ભવિષ્યમાં બની શકે છે માટે જ તો એને કુમળો છોડ કહીએ છીએ.

પણ હાલ ટેકનોલોજીની આ સદીમાં પોતાના બાળકને સ્માર્ટ બનાવવાની લ્હાયમાં તેનું બાળપણ છીનવાઈ રહ્યું છે. તેને મનગમતું કરવાની છૂટ નથી. માત્ર બે વર્ષની ઊંમરે જ પ્લે હાઉસ રૂપી પીંજરામાં મુકાય છે. જ્યાં સમયસર પહોચાડવા માટે અધુરી નીંદરે ઉઠાડીને રડાવાય. ત્યાં પણ પોતાની રીતે રમી હસી કે બોલી શકતું નથી. શિસ્ત સાથે યુનિફોર્મ પહેરી શિક્ષક જે ગોખાવે તે ગોખવાનું.કહે ત્યારે અને તે નાસ્તો કરવાનો કે જેથી તે બધું ખાતા શીખે. એટીકેટ ની આંકડી માં જ ભરાઈ રહે. અગાઉ ‘બાલમંદિર’ માં ૪ વર્ષ પછી મુકાતું ત્યાં ધીમે ધીમે રંગ, આકાર પ્રકૃતિ સાથે જોડીને ‘સાથે રમીએ, સાથે જમીએ....’, જેવા ગીતો શીખવી એકતા અને ભાતૃભાવના સાથે શેરીંગ અને કેરીંગ ની કેળવણી સહજ જ અપાતી. ‘અડકો દડકો, દહીં દડુકો...’,દાદાનો ડંગોરો લીધો તેનો તે મેં ઘોડો કીધો....’, એન ઘેન દીવા ઘેન....’, અમે ફેર ફુદરડી ફરતા’તા .....’ જેવા બાળગીતો અને જોડકાંની દુનિયામાં બાળક ભણતર અને ઘડતર ના ઘણા પાઠ શીખી જતું. આમ જ ૧૧ -૧૨ વર્ષ સુધીમાં જીવનકળા ની સાથે લખતા વાંચતા અને ગણતરી વિગેરેનું સંપૂર્ણ જ્ઞાન મેળવી લેતું. છોકરીને પોતાની ઢીંગલી સાથે ઘર-ઘર રમવું ગમે તો છોકરાને બહાર જ રમવું ગમે. ભાર વગરના ભણતર ને કારણે તેની સૂઝબૂઝ વધુ ખીલતી. નાગોલ, છૂટદડી, ચકેરડા- કુંડાળા, ગરિયા જાળી, ભમરડો, લાકડું-લોઢું, ગોળ પૈડા ફેરવવા, હિંચકે ટીંગાવું, ફેર ફુદરડી, પાંચીકા, ધમાલ ધોકો, આંધળો પાટો, નવકાંકરી, ચોર-પોલીસ, થપ્પો, ઇસ્ટો, કબ્બડી ખો, સાતતાળી જેવી રમતો માં ગમ્મત સાથે માનસિક- શારીરિક વિકાસ થતો. અલગ થી યોગ કે પ્રાણાયામ ની જરૂર ન રહેતી. કારણકે આ બધી રમતો માં આપમેળે જ વ્યાયામ-પ્રાણાયામ થઇ જતા. હાલ આ બધી રમતો નું સ્થાન ફૂટ-પ્રિન્ટ, કલરે કલર, કાતર, કરંટ, બ્લુ બર્ડ, થમ્સ અપ જેવી રમતો એ લીધું જેમાં ખાસ કોઈ વૈવિધ્ય નથી અને હાલ તો બધી રમતો મોબાઇલ અને ટેબ માં જ રમાતી થઇ ગઈ છે જેમાં ખાસ કોઈ વિવિધતા નથી. વળી બાળક અતડું અને બેઠાડું બની રહે છે. આમ તો બાળકને મનગમતી રમતો મિત્રો સાથે મસ્તી કરતા રમવી ગમે છે. આજે પણ જો એને એ રીતે અનુકુળતા અપાય તો તે રમત માં બધા જ ગેઝેટ્સ ને ભૂલી જાય. પણ આજે જમાનો છે વિવિધ એક્ટીવીટીમાં મોકલવાનો. માન્યું કે બાળકના સર્વાંગી વિકાસ અર્થે જીવનમાં કોઈ એક કળા પ્રત્યે તેને રસ-રૂચી જગાવવા જોઈએ અને જેની તાલીમ પણ આપવી જોઈએ. પરંતુ સતત ડાન્સ, મ્યુઝીક કે એક્ટિંગ માં મોકલી તેમાં અવ્વલ રહે, એવોર્ડ જીતે, નામ અને દામ કમાય તે માટે જ મોકલવું હિતાવહ નથી. સવારથી રાત સુધી સ્કુલ, ટ્યુશન, એક્ટીવીટી કલાસીસ માં જકડી દઈ તેનું બાળપણ વસમું કરવું ન જોઈએ. હાલ તો બાળકને ચાવી વાળા રમકડાં કે રોબોટ જ બનાવી દેવાયા છે. વળી આયા અને બેબી સીટીંગ માં ઉછરતું બાળક ભૌતિક વસ્તુઓને પોતાનો સહારો બનાવી દે છે. અરે ! જે ઘર માં બાળક હોય ત્યાં થોડું ઘણું અસ્તવ્યસ્ત હોય તો જ એ “ઘર” લાગે ને ! પણ ના, પોતાના જ ઘરમાં બાળકને રોક ટોક નો સામનો કરવો પડે છે તેથી તે ગંભીર બની જાય છે. આ બધાને લીધે પરિપક્વતા વહેલી આવવાથી તેનું ભોળપણ છીનવાતું જાય છે. બાળકને તો અમથી મસ્તી કરવી હોય છે તેઓને ‘હસ્તી’ નથી બનવું. પણ કોને કહે?

બાળકના ઉછેર મુજબ જ તે ‘સારો’ કે ‘નરસો’ માનવ બની શકે. બાળક ટીકાઓ અને ધિક્કાર સાથે ઉછરે ત્યારે તે નિંદા, ઈર્ષા અને ઝઘડા કરતા શીખે છે. જો તે અપમાન સાથે ઉછરે ત્યારે અપરાધભાવ અનુભવે છે. જો પ્રશંસા અને ઉચિત વ્યવહાર સાથે ઉછરે તો જ અન્યની કદર કરનારું અને ન્યાયી વલણ અપનાવતા શીખશે. જયારે સલામતી અને સ્વીકૃતિ સાથે ઉછરે તો તે શ્રદ્ધા કેળવતા તેમજ સ્વ-આદર, સ્વમાન અને અન્યનું સન્માન જાળવતા શીખે છે. માટે જ કહી શકાય કે બળ ઉછેર એ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. પોતાની રીતે પ્રકૃતિનો ખોળો ખુંદવાનો મોકો અપાય તો આરોગ્ય જળવાય અને સ્વ વિકાસ કરી શકે. અઝીમ પ્રેમજી કહે “કોઈપણ રાષ્ટ્રની આઝાદીનું બેરોમીટર તેના બાળકો કઈ રીતે જીવે છે તે છે. આપના બાળકો માતાપિતાની અપેક્ષાઓના બોજથી મુક્ત છે? શું તેઓ સામાજિક દેખાદેખીથી મુક્ત છે ખરા? શું આપણે એ વાતની તકેદારી રાખીએ છીએ ક બાળકમાં જે વિસ્મય છે તે સદાય જીવતું રહે અને મુરઝાઈ ન જાય ?” આ બાબતે વિચાર વિમર્શ કરીને બાળપણને માણતા રહી શકે તેવું વાતાવરણ સર્જવાની જરૂર છે.

બાળક એ કુટુંબની સાથે સમાજની પણ મૂડી છે. બાળકને દરેક પાસેથી એવી કેળવણી-શિક્ષણ અને સમજણ મળવા જોઈએ કે જેથી નિર્દોષતા ગુમાવ્યા વગર બાળપણ માણી શકે. તેના બાળપણની કથા રમ્ય સુંદર બની રહે તેવી હોવી જોઈએ.

પારુલ દેસાઈ

9429502180

parujdesai@gmail.com