Divadina Chhadidar books and stories free download online pdf in Gujarati

દિવાળીના છડીદાર

દિવાળીના છડીદાર

પર્વોની મહારાણી દિવાળી પધારે ત્યારે કેટકેટલું સાથે લાવે છે. ઘરની સાફસફાઈ, સમારકામ, રંગરોગાન, ઘર-સુશોભન અને વ્યક્તિના શણગાર માટે કપડાં- ઘરેણાં એમ ઘણું બધું. દિપોત્સવીના મંગલ પર્વમાં દીવા,રંગોળી,તોરણ, ફટાકડા, ચોપડા, સબરસ એ દિવાળી આગમન ની છડી પોકારતા છડીદાર બની તૈયારીઓ શરુ કરાવે. સેલિબ્રિટી હોય કે સર્વન્ટ દરેકને આ ઉત્સવ પોતાની આગવી શૈલી માં ઉજવવો ગમે છે. જેની માટે દિવસો પહેલાથી તૈયારી થતી રહે છે.

હજારો દીવડા પ્રગટાવ્યા તારા આંગણામાં, એક દીવો પ્રગટાવ હૃદયમાં.

બે પથ્થરના ઘર્ષણથી ઉદભવેલ અગ્નિની શોધમાંથી જન્મ થયો દીપકનો. સૂર્યોદયથી સુર્યાસ્ત વચ્ચે જ જીવન જીવતા મનુષ્યના જીવનમાં ઉજાસ ફેલાયો. માનવને ખ્યાલ આવ્યો કે દીવો અંધકારનો નાશ કરે છે. વાતાવરણને તેજોમય બનાવે છે. અન્ય દીપકને પ્રગટાવી શકે છે. ભારતના કરોડો ઘર અને વ્યવસાય સ્થળોએ સર્વ મંગલ થાઓ અને અજ્ઞાન દુર થઇ સાચી સમજણ મેળવી તેજોમય બને તેવી આસ્થા સાથે દીવા પ્રગટાવાય છે. દીવો સુક્ષ્મ હાનીકારક જીવજંતુઓનો નાશ કરી હવા ને શુદ્ધ બનાવે છે. અંધકારમાં થતા દુષ્કૃત્યો પર વિજય મેળવવા પ્રકાશમાં મલિન વિચારો દુર થાય અને સત્કાર્યો કરવા મન પ્રેરાય એ હેતુથી દીવા પ્રગટાવાય છે. આમ તો રોજ પણ દીવો કરાય જ છે. પરંતુ “દિવાળી” એટલે તો દીવાઓની હારમાળા. અમાસની રાત્રિને દીવડાની હાર વડે ઝળહળી બનાવી અંધકાર પર જીત મેળવાય છે. હાલ તેલ ના દીવાનું સ્થાન જાત-જાતની ઇલેક્ટ્રિક રોશનીએ લીધું છે જે પણ આવકાર્ય છે.

ઉત્સવી માહોલ કા અભિસાર રંગોલી, ખુશિયા, ઉલ્લાસ ઔર હાથોકા હુન્નર હૈ,

મન કા પ્રતિબીંબ શૃંગાર રંગોલી, ધરતી પે ઉપરી હૈ આસમાન મેં રંગત,

હૈ આસુરી વૃત્તિ કા પ્રતિકાર રંગોલી.

હા મિત્રો, રંગોળી વગર દિવાળી અધુરી છે. ભગવાનને આવકારવા સકારાત્મક ઊર્જા આપણા ઘરમાં પ્રવેશી શકે એ મનોવૈજ્ઞાનિક તથ્ય રહેલું છે. રંગોળીથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. ઘરમાં પ્રવેશતા આગંતુકનું મન પ્રફુલ્લિત બને તે હેતુથી આંગણામાં રંગોળી કરવામાં આવે છે.

રંગ અને ડીઝાઇન મનોભાવને અસર કરતા હોવાથી શક્ય બને ત્યાં સુધી સફેદ-કાળા જેવા શોકમય રંગોને બદલે રંગબેરંગી ચીરોડીના ચમકતા રંગોનો ઉપયોગ કરવો. દક્ષિણ ભારતમાં તો રોજ રંગોલી કાઢવાનું મહત્વ છે. સમયના અભાવે અને કંઇક નવું સર્જનાત્મક અપનાવવાના હેતુથી હાલ ચિરોડી રંગની રંગોળી ઉપરાંત અન્ય સ્ટાઇલની બોલબાલા વધી છે. રંગોળી એ એક કળા છે જે દરેકને હસ્તગત હોતી નથી. વળી, સમય પણ પુરતો ન હોવાથી વિવિધ ડીઝાઇનના નાની-મોટી સાઈઝ ના સ્ટીકરનો અને પોર્ટેબલ રંગોળી નો પ્રભાવ વધ્યો છે. એપાર્ટમેન્ટ માં રહેતા હોય કે ઘર નાનું હોય, ઘરમાં બાળકો હોય તો તે સમયે રંગો ને બદલે પોર્ટેબલ રંગોળી ખુબ જ સગવડભરી અને ટકાઉ બની રહે છે. જે ટેબલ પર થાળી કે ટ્રે માં પણ કરી શકાય. નાડાછડી, કઠોળ,અનાજ, અબીલ,ગુલાલનો ઉપયોગ કરી આત્મકલા સૂઝ અનુસાર ડીઝાઇન કરી શકાય.કાર્ડ બોર્ડ, એક્ર્લીક પર બીડ્સ, મોતી, તુઈ વડે શણગારી બધા પીસને ગોઠવી ને મોટી ડીઝાઇન બનાવી શકાય. તાજા રંગીન કે સફેદ ફૂલોની રંગોળી ખુબ ઝડપથી બની જાય અને આ રંગોળી સુગંધ પણ ફેલાવે છે. હાલ કાંસા કે પિત્તળ કે કાચના વાસણમાં પાણી ભરી ફૂલ કે દીવા અને રંગોથી સુશોભન કરવાનો ટ્રેન્ડ પણ છે. ચાકળા રૂપે વેલ્વેટ ની તૈયાર રંગોળી પણ મળે છે. જે દીવાલ પર પણ લગાવી શકાય.

હિંદુ સમાજમાં તહેવાર પ્રસંગે તોરણનું અનેરું મહત્વ છે. દરવાજામાં તોરણ વગરનું ઘર ભાગ્યે જ જોવા મળે. પ્રવેશદ્વાર ની સજાવટ સાથે જ સકારાત્મક ઉર્જાથી ભરપૂર આસોપાલવ કે આંબાના પાન ના લટકતા તોરણ ઉત્સાહ અને ઉમંગમાં વધારો કરે છે. આસોપાલવને ‘અશોક’ નામ આપ્યું છે જેમાં શોક નથી તે. શોક, અશાંતિ દુર કરી શારીરિક અને માનસિક ઉર્જામાં વૃદ્ધી કરે છે. ભગવાન શિવ અને અન્ય દેવતાઓને મનગમતા આ વ્રુક્ષના જુના પાંદડા રોજ ખરે અને રોજ નવા ઉગતા જાય. આપણા જીવનમાં દરેક દિવસ પસાર થતા જાય અને નવજીવન મળતું રહે એવી શુભ ભાવનાથી તોરણ લગાવાય છે. તોરણમાં પણ ઘર-સુશોભન અર્થે અઢળક વૈવિધ્ય આવ્યું છે. લાલ-લીલા બાંધણીના કોટન કાપડ પર દેશી ભરત,રેશમી કાપડ કે વેલવેટ પર તુઈ, બીડ્સ, શંખ, આભલાનું વર્ક,રેશમી દોરી તથા ઉન-મોતી અને લાકડાના કે કાપડના બનાવેલા હાથી, પોપટ,મોર, ચકલા ના લટકણ વાળા તોરણ તૈયાર પણ મળે અને જાતે પણ બનાવી શકાય. ઇકો ફ્રેન્ડલી શણ અને નારિયેળના છોતામાંથી બનતા તોરણ પણ આકર્ષક ડીઝાઇનમાં ઉપલબ્ધ છે.

દિવાળીના તહેવારનું અભિન્ન અંગ તે ફટાકડા. શરદઋતુમાં સુક્ષ્મજીવોથી બચવા ફટાકડા ફોડી વાતાવરણને શુદ્ધ બનાવાનો હેતુ હતો. જેમાં સામાન્ય રીતે યુવાનો પોટાશના ફટાકડા ઘેર જ બનાવતા. પરંતુ આધુનિકતાની અતિશીયોક્તી એ સલ્ફરડાયોક્સાઈડનો ઉપયોગ કરી ફટાકડાની ફેકટરીઓ શરુ કરી. જેમાં પારો તથા અન્ય નુકસાનકારક ધાતુના તત્વો હવામ ભળવાથી હવા પ્રદુષિત બને છે. આવી હવામાં શ્વાસ લેવાથી સ્વાસન તંત્રના રોગ થાય છે. જેથી હાલ ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા લેવા અને લેવડાવાનો વખત આવ્યો છે. ટેમ છતાં દિવાળીની રાત્રે આતશબાજીથી આકાશમાં રંગોળી તો પુરાય જ છે.

ધંધા વ્યવસાય કરતા ગુજરાતીઓ માટે દિવાળીમાં ચોપડાપૂજન નું ખુબ મહત્વ છે. ઈ સંસાર ના સી.ઈ.ઓ. શ્રી સંકેત દેસાઈ જણાવે છે કે ભલે ચોપડાનું સ્થાન કમ્પ્યુટરે લીધું હોય પરંતુ દિવાળીની રાત્રે વિધિપૂર્વક ચોપડાપૂજન કરવું જોઈએ. તેઓના જણાવ્યા મુજબ કુલ ૫ નંગ ચોપડામાં એક હિસાબ કિતાબની ખાતાવહીવાળો (લાલ) ચોપડો બાકીની ૧૦૦ પાનાની નોટબુકસ પર કીતો (લાકડાની પેન) ને લાલ શાહી અથવા પલાળેલા કંકુમાં બોળી તેના વડે લક્ષ્મીજી, ઇષ્ટદેવ, કુળદેવ, સરસ્વતી તથા ગુરુનું નામ લખી તેના પર નાગરવેલનું પાન –સોપારી મૂકી અબીલ, ગુલાલ,કંકુ,ચોખા વડે પૂજા થાય. બે દીવા પ્રગટાવાય. જેમાં એક આડી તથા ઊભી ઘીમાં બોળેલી વાતનો દીવો અને બીજામાં એક ઊભી વાત તેલમાં બોળી તેલનો દીવો પ્રગટાવાય. કુટુંબીજનો-મિત્રમંડળ સાથે વ્યવસાય ધંધાની પ્રગતિ અર્થે હર્ષોલ્લાસ સાથે આસ્થાપૂર્વક પૂજન થાય છે.

દિવાળી પછી નુતનવર્ષની વહેલી સવારે સબરસ ખરીદવાનું પણ મહત્વ છે. દરીયાન પાણીમાંથી મેળવાતું સ્વાદમાં ખારું પણ કહેવાય મીઠુ. શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજી સાથે દિવાળીના તહેવારે હિંચકે બેઠા હતા ત્યારે રુક્ષ્મણીજી એ પૂછ્યું કે હું તમને કેટલી વ્હાલી છું? ઉત્તર આપતા કૃષ્ણ એ કહ્યું કે તું મને મીઠા જેટલી વ્હાલી છો ! રુક્ષ્મણીજી એ પોતાને મીઠા જેટલી ક્ષુલ્લક માને છે એમ ગણી રિસાઈ ગયા. હવે શ્રીકૃષ્ણ એ પ્રેક્ટીકલી આ બાબત સમજાવવા રસોઈયાને રસોઈ બધાજ મસાલા સભર પરંતુ મીઠા વગરની બનાવવા કહ્યું. જમતી વખતે રુક્ષ્મણીનું મોં આવી ફિક્કી વાનગીઓ જમતા બગડી ગયું, ત્યારે શ્રીકૃષ્ણ એ મીઠાનું મહત્વ સમજાવ્યું. તે સબરસ કહેવાયું. માનવજીવનમાં સુખ-દુઃખ, હર્ષ-શોકના રસ ઝરતા રહે તો જ જીવન રસમય બની મહેકતું રહે તે બાબત સમજાવવા જ બેસતા વર્ષે આવનાર મહેમાન ને ‘સબરસ’ પીરસવાનો રીવાજ છે. આધુનિક સમાજને સબરસ ખરીદવા વહેલા ઉઠવું દુષ્કર લાગે છે. તેનું મહત્વ જ સમજાતું નથી તેથી જ નાની અમથી મુશ્કેલીથી મન હતાશા-નિરાશાથી ઘેરાઈ જાય છે.

દિ’ વાળે એ દિવાળી આવે એટલે તેના તમામ છડીદારો બાંગ પોકારી પોતાની યાદ અપાવે. આપણા જીવનમાં એ જ જૂના પ્રતિકો નવારૂપે આવે. જેનું આપણે પણ સ્વાગત કરી તેને અપનાવવા જોઈએ જેથી આપણું જીવન ઉત્સાહ ઉમંગથી તરબતર રહે.

આજ નુતન વર્ષે હાથ મિલાવી તો જુઓ, ન ગણી શકો એવા હૃદયે ઉમંગો ઉઠશે.

પારુલ દેસાઈ

9429502180

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED