Geeta - Bhagwananu hruday books and stories free download online pdf in Gujarati

ગીતા - ભગવાનનું હૃદય

ગીતા – ભગવાનનું હ્રદય गीता सु गीता कर्तव्या किमन्ये: शास्त्र विस्तर्रे : | या स्वयं पद्भनाभस्य मुख पद्वाद्विनी: सृता |

દ્વાપર યુગમાં યુદ્ધ સમયે દ્વિધા માં ફસાયેલા અર્જુનને સમજાવેલ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની વાણી એ “ગીતા”. ગીતા માં કુલ ૧૮ અધ્યાય નો સમાવેશ થયો છે. ગીતામાં ભગવાને પોતાની સ્થિતિ વર્ણવી છે તે મુજબ પાંચ અધ્યાય પાંચ મુખ, દસ અધ્યાય દસ ભુજા, એક અધ્યાય એક ઉદર, બે અધ્યાય બે ચરણ એમ ઈશ્વરીય મૂર્તિ સમજવાની છે.

ગીતા એ ભગવાનનું હૃદય છે. ગીતાજીની તોલે યજ્ઞ, દાન, તપ,તીર્થ, વ્રત,ઉપવાસ એ કાંઈ જ નથી. આ એક એવો રહસ્યમય ગ્રંથ છે કે જેમાં બધા જ વેદોના સારનો સંગ્રહ કરવામાં આવ્યો છે. હજારો વર્ષ પહેલા રચાયેલ આ ગ્રંથ આધુનિક ૨૧મી સદીમાં ગીતાના અધ્યાય માત્ર કોઈ સદગતને શ્રદ્ધાંજલિ રૂપે દિવંગતના આત્માને શાંતિ મળે તે હેતુથી અમુક દિવસો સુધી વાંચન કરાવવા તેમજ કોર્ટમાં મૂક સાક્ષીરૂપે પવિત્ર શાસ્ત્ર ના સોગંધ લેવા પુરતો જ સીમિત છે. હા, આપણે આ ગ્રંથ લાલ કપડામાં રાખી ને માત્ર ‘વાપરીએ’ છીએ. તેનું શ્રવણ કે વાંચન કરી તથા કરાવી તેમાંથી માત્ર એક ટકા સત્વને પણ જો જીવનમાં અનુસરવામાં આવે તો માનવજીવનમાં સુખની સરવાણી વહેતી રહે એવો આ ગ્રંથ છે.

ગીતામાં માનવજાતને ઉપયોગી એવી દૈવી સંપત્તિઓ દર્શાવી છે. જેમાં તપ,અહિંસા,સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અલોભ,લજ્જા,મૃદુતા, તેજ, ક્ષમા, દાન, ધૈર્ય ને અપનાવાની વાત કહી છે. પરંતુ કળિયુગમાં આધુનિકતાના રંગે રંગાયેલા આપણે માત્ર ભૌતિક સંપત્તિને જ સુખ ગણી સર્વસ્વ માની તેની પાછળ ઘણું બધું ગુમાવી રહ્યા છીએ. પૈસો મારો પરમેશ્વરને વરેલા સૌ અર્થ કમાવા નિરર્થક ભાગદોડ, લાંચ, ટાંટિયા ખેંચ, ચોરી, ખૂન ખરાબી, અપહરણ જેવી અનેક વ્રુતિઓનો વિસ્તાર કરતા ખચકાતા નથી. ખાલી હાથે આવેલા અને ખાલી હાથે જવાના એની જાણ તો બધાને છે જ તેમ છતાં સતત કમાણી વધારવા અને અનેક ગણું ભેગું કરવામાં પોતાના કુટુંબીજનો થી કેટલા છુટા પડ્યા તે જોવા સમજવાનો સમય સુદ્ધાં રહેતો નથી.

જે થયું તે સારું, જે થઇ રહ્યું છે તે સારું છે, જે થશે તે સારું જ થશે. ન ભૂતકાળનો શોક કે ન ભવિષ્યની ચિંતા. બસ વર્તમાનમાં જીવવું આ જ ગીતાબોધ છે. આ બાબત બધા એકબીજાને કહેતા રહેવામાં એક્સપર્ટ છીએ જેના કારણે દરેક ભૂતકાળમાં બનેલી ઘટના ને વાગોળીને દુઃખી થતા રહીએ છીએ એ પણ હકીકત છે. એ સમયે આપણને મદદ ન કરનારાઓ પ્રત્યે રાગ-દ્વેષનો ભાવ રાખી નાહક દુશ્મની વહોરી લેવાની ટેવને કારણે વર્તમાન ને કડવો બનાવી દે છે. એ જ રીતે આવતીકાલની અતિશય ચિંતામાં (ભવિષ્યના આયોજનો ચોક્કસ કરવા જોઈએ ) આજ (વર્તમાન ) ના આનંદ અને સુખ ભોગવવાનું ચૂકી જઈએ છીએ. એ જ રીતે નાની નાની નિષ્ફળતા માં નાસીપાસ થઇ ડીપ્રેશન માં આવી જનારા ઓ વધી રહ્યા છે.

પરિવર્તન એ સંસારનો નિયમ છે. વર્ષના બધા જ દિવસો એકસરખા સુખ શાંતિમાં વીતે તેવું જરૂરી નથી. સતત બદલાતા સંજોગો સાથે તાલમેળ રાખતા રહી આપણે આદતો બદલાવી અને અનુકૂલન સાધી સમય સાથે રહેવું. જીદ, જક્કી વલણને છોડવાથી માનસિક શાંતિ પામી શકાય. વળી, તારું – મારું, નાના મોટા ના ભેદભાવ મનમાંથી કાઢશું તો બધું જ આપણું અને આપણે બધાના થઇ શકીએ.

બસ, ફળ કેવું, ક્યારે મળશે તેની આશા રાખ્યા વગર નિસ્વાર્થભાવે કાર્ય કરતા રહેવું. પછી દરેક ક્ષેત્રે સફળતા ચોક્કસ મળે જ. એક જ વાત મનમાં રાખવાની કે દૈવિક શક્તિ હમેશ આપણી સાથે હોય જ છે. તેથી જ કાર્યની કદર થઇ ફળ તો મળે જ. માટે જ નિષ્ઠાપૂર્વક સમર્પણભાવથી કાર્ય કરતા રહેવાની સમજણ કેળવવાની છે. મનગમતા કાર્યમાં મગ્ન રહેવું. પણ કળયુગનો માનવી પહેલા જ ક્યાંથી કેટલો , કેવા પ્રકારનો લાભ મળશે એ જ વિચારે. અરે! ક્યારેક તો આ લોભમાં પોતાની કળા, કૌશલ્ય અને જ્ઞાન નો પણ પુરેપુરો ઉપયોગ કરે નહિ. પોતાના અંગત સંબંધીઓ સાથે પણ લાભ હોય તો જ વ્યવહાર રાખે. લોભ, લાલચ, ક્રોધ, અહંકાર જેવા નકારત્મક ભાવને મનમાંથી હાંકી કાઢી નાખવા અઘરા છે પરંતુ અશક્ય તો નથી જ.

માણસ લોભમાં મફતનું મેળવવાની લાલચમાં જલ્દી ધનિક બનવા એકના ડબલ કરવાવાળ ધુતારાઓનો ભોગ બની જાય છે. આધુનિક સમાજ ના યુવક યુવતીઓ પણ ક્યારેક બાધા, આખડી અને બાબાના ચુંગાલમાં ફસાય છે. જીવનમાં મહેનતથી મેળવેલા પ્રભુના પ્રસાદમાં તેને સંતોષ મળતો નથી. પોતાની બુદ્ધિમત્તાનો પુરતો ઉપયોગ કરી સમયના સદુપયોગ થકી કાર્ય કરવાના બદલે નામ, દામ કમાવા ‘શોર્ટકટ’ અપનાવે છે. સમય જતા એવી ભીંસ માં આવે કે માનસિક તણાવ અને હતાશા પ્રવેશે છે. એ જ રીતે ક્રોધ એટલે કે ગુસ્સો પણ માણસનું દરેક રીતે પતન કરનાર છે. ‘હું ઈચ્છું તેમ થવું જ જોઈએ’ જેવા અહંકેન્દ્રી વિચારો ગુસ્સાને જન્મ આપે છે. ગુસ્સો કરવાથી પરિસ્થિતિ બદલાતી નથી. ગીતામાં સ્વાર્થ ત્યજવાની વાત કહેલ છે. વ્યક્તિ કરતા સમષ્ટિ મહાન છે. માટે જ પોતાના ભોગે પણ ધર્મને બચાવી લે એવી ધર્મભાવના હોવી જોઈએ. આપણા જીવન વ્યવહારમાં ધર્મભાવના એટલે ધર્મસંકટ સમજીએ તો એ સ્થીથીમાં વ્યક્તિગત સ્વાર્થ છોડી સમસ્ત કુટુંબ કે પક્ષનું સુખ જોવું જોઈએ. જે માટે પણ અહં ને તિલાંજલિ આપવી જ જોઈએ.

ગીતામાં દાન નું મહત્વ દર્શાવતા કહ્યું છે “ દાન આપવું એ કર્તવ્ય છે, એવા ભાવથી જે દાન યોગ્ય દેશ,યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતાં, પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતાં, નિસ્વાર્થભાવે જે આપવામાં આવે છે તે દાન સાત્વિક કહેવાયું છે.” આપણે અન્નદાન, વસ્ત્રદાન, રોકડ અનુદાન, રક્તદાન, સમયદાન, કન્યાદાન કરતા હોઈએ છીએ. આપણે કોઈ પણ પ્રકારનું દાન કરતા પહેલા વ્યક્તિ કે સંસ્થા અથવા મંદિરની પુરતી જાણકારી મેળવી લેવી જોઈએ. કારણકે ઘણી વાર આપણે આપેલ દાન નો સદ્પયોગ થવાને બદલે ગેરઉપયોગ પણ થતો હોય. વળી સ-શકત યુવાન લોકોને કોઈ પણ દાન ન આપવું. નહીતો તેઓ તો આળસુ બની જઈ કામચોર બની જશે. બાળકો-વૃદ્ધો, અશક્ત ને દાન આપવું. વળી મંદિરો માંદાન પેટી લાખ લાખના બંડલ અને કિમતી ઝવેરાતોથી છલકાતી હોય ત્યારે સોના-ચાંદીના આભુષણો અને મૂર્તિ-છત્તર માં ખર્ચ થતો હોય તો પણ દાન આપવામાં ધ્યાન આપવું. મંદિરની સંસ્થા દર્દીઓ માટે હોસ્પિટલ કે શિક્ષણ કે ગરીબો માટે વસાહતો અને રોજગારી માટે ફેક્ટરી પ્લાન્ટ –ઉદ્યોગ માટે ખર્ચ કરતી હોય તો ચોક્કસ દાન અપાય. સેવાકીય ક્ષેત્રે અગ્રેસર સંસ્થાઓ ને મળતી રકમમાંથી શિક્ષણ માટે અથવા નાના ગૃહઉદ્યોગ શરુ કરીને રોજગારી આપવી વધુ જરૂરી બને છે. ઘણીવાર લોહી તથા શરીરના અંગો કે જે દાનમાં આવ્યા હોય તેનું વેચાણ પણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ તો વંચિત રહી જાય. માટે જ દાતાશ્રીઓએ રસ લઇ તે મુજબ કરવા સુચન આપવું જોઈએ.

ભગવાનના હૃદય સમા આ મહાન ગ્રંથ “ગીતા” ને આપણે માત્ર પૂજા જ કરીએ છીએ. સોશીયલ મીડિયા માં ગીતા ના ઘણા વાક્યો ફરતા રહે છે પણ હકીકતમાં આ ગ્રંથના દરેક પાસાને આપણે સૌ એ જીવનમાં ઉતારીને જીવનને સુખમય –શાંતિમય બનવવાની જરૂર છે. એક વાર જો તે રીતે કાર્ય કરતા થઈશું તો પછી એ અશક્ય કે અઘરું નહિ લાગે. ટીનેજર અને યુથ ને જો સમજ આવી જાય તો દેશનું ભાવિ ઉજ્જવળ બની રહેશે.

પારુલ દેસાઈ

9429502180

parujdesai@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED