સુખ ના સરનામાં નો હોય સાહેબ! Ankit Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખ ના સરનામાં નો હોય સાહેબ!

થોડાક દિવસો પહેલા હું અને મારો ભાઈ સાંજ ના સમયે ગાંધીનગર ઘ-૫ પાસે આવેલ ચોપાટી પર કટક બટક કરવા ગયા હતા.સાંજ નો સમય હતો થોડુક અજવાળું થોડુક અંધારું અને મજા ની ભીડ હતી.એમ પણ રવિવાર નો દિવસ હતો.ત્યાં કેટલાય સ્ટોલ હતાં.છેવટે એક સ્ટોલ પર પસંદગી ની મહોર મારીને અમે ત્યાં બેસવાનું નક્કી કર્યું.બેસવાની સાથેજ એક હસમુખો ,થોડુંઘણું અંગ્રેજી બોલતો ,નિર્દોષ ચહેરા વાળો વેઈટર એક્સ્ક્યુઝ્મી સર ક્યાં લાઉં આપકે લિયે ભાજીપાઉં,ચાઇનીઝ,પંજાબી,ગુજરાતી ઓર કુછ.એ બોલતો બોલતો ઝડપભેર અમારા ટેબલ પર ઓર્ડર લેવા આવી પહોચ્યો.

શરૂઆત માં તો બધું સહજ લાગ્યું અમે ઓર્ડર પણ આપ્યો.જરૂરિયાત મુજબ બધું સમયસર આવી જતું.જમતી વખતે પણ લગભગ દસવાર અમારા ટેબલ પર આવી ને અમને પૂછી જતો,ઓર કુછ લાઉં સર એમ કહી ટકોર કરી જતો.અરે અમે જરાક ટામેટા મગાવ્યા અને એ ભાઈ તો મસાલેદાર સલાડ ની આખી ડીસ તૈયાર કરી લાવ્યો,કામ પ્રત્યે ની કેવી નિષ્ઠા!અને ચહેરો તો પાછો હસતો જ.એકાદ વાર તો અમે તેનું નિર્દોષ હાસ્ય જોવા માટે સ્પેશ્યલ એને ટેબલ પાસે બોલાવ્યો.તો વળી પાછો બાજુ ના ટેબલ વાળા કોઈ ભાઈ સાથે તે પોતાના કામ વિશે ચર્ચા કરતો હતો તે અમે જમતા જમતા સાંભળતા હતાં.

પછી તો અમે જમી ને ઉભા થઇ ગયા અને બીલ ચૂકવી ત્યાંથી નીકળી ગયા.છેલ્લે પણ તેની સાથે બે મિનીટ નો વાર્તાલાપ કર્યો ત્યારે તેનો આત્મવિશ્વાસ બુલંદી પર હતો,તે ખુબજ સહજતા થી અમારા સવાલ ના જવાબ આપતો.

ત્યાંથી નીકળ્યા પછી મનમાં એક વિચાર આવ્યો,એક મામુલી સ્ટોલ ના વેઈટર તરીકે કામ કરતો હોવા છતાં તે મિત્ર માં જરાય અફસોસ ની લાગણી ના હતી.કદાચ એ ભણવાની ઉંમરે એક નાની હોટલ માં વેઈટર તરીકે ફરજ બજાવતો હતો,જેનો તેને કોઈ અફસોસ ના હતો,તે ખુશ હતો,તે જે હતો તેનો તેણે સ્વીકાર કર્યો હતો.તેને એક વેઈટર તરીકે ના કામ માં પોતાનું સુખ જોયું હતું,તે કદાચ તેમાંથીજ સુખ ચોરતો હતો.જોકે કોઈ અન્ય માટે આ વસ્તુ અઘરી પણ હોય.કારણ માણસ નો સ્વભાવ.

કુદરત ચાહે માણસ ને કેટલુંય આપે પણ માણસ ના જીવને ક્યારેય સંતોષ હોતો નથી.કુદરત તેની કાબેલિયત અનુસાર જેટલું આપે છે એમાં તેને સંતોષ હોતો જ નથી.ફરિયાદ ફરિયાદ અને બસ ફરિયાદ.ભગવાન તમે આમ ના કર્યું ને તેમ ના કર્યું,ને તમે મારું સાંભળ્યું નઈ.....આમ કહી બધો દોષ નો ટોપલો ભગવાન ના માથે ઢોળી દેવાનો.

મોટેભાગે ભગવાને આપણ ને શું આપ્યું છે તેની નોંધ લેવાને બદલે તેને શું નથી આપ્યું એનું ફરફરિયું બનાવી રોજ આપણે તેને ફરિયાદ કરતા હોઈએ છીએ.જાણે રોજ મંદિર માં જઈ એમના નામ ની એફ.આઈ.આર. ફડાવતા હોઈએ છીએ.એ પણ શું કરી શકવાના એમને મોં હોવા છતાં કઈ બોલી શકવાના નથી.એમ કઈ ભગવાન પોતાના હોવાની સાબિતી થોડા આપી દેવાના હતાં?એમની હાજરી તો આપણે એમના ઈશારા ઓ માજ કળી લેવી જોઈએ.આપને કોઈ એવા તપસ્વી નથી કે આપણ ને તેઓ સાક્ષાત દર્શન આપવા આવે.

આજ દરેક માણસ બસ પોતાની જાત ને દુ:ખી જ માને છે,કોઈક પરિક્ષા માં નાપાસ થાય તો,કોક ના દીકરા ના લગ્ન ના થાય તો,કોક ને ઘરનું ઘર બનાવાનું સ્વપ્ન પૂરું ના થાય તો,કોક ને સારો ધંધો ના ચાલે તો,કોક ને નોકરી ના મળે તો..વગેરે વગેરે..બસ ફરિયાદ ફરિયાદ ને ફરિયાદ.તમારી માંગણીઓ પૂરી થયા બાદ પણ તમને રહેશે તો ફક્ત અસંતોષ જ.બસ કોઈ માંગણી પૂરી થાય તો બીજી માંગણી તૈયાર હોય જ.

કોક ને પરિક્ષા માં પાસ થાય તો ટકા ઓછા પડે છે,વળી દીકરા ના લગ્ન થઇ જાય તો દીકરા ને ત્યાં દીકરો આવે એની બાધા રાખશે,ઘરનું ઘર બની જાય તો સાલું બંગલો બનાવવાના અભરખાં જાગે છે,ધંધો સારો ચાલે તો ધંધાના વ્યાપ ની ચિંતા થાય છે અને કોઈ ને ક્લાસ ૩ ની નોકરી મળી હોય તો પછી ક્લાસ ૨ ની નોકરી માટે ભીખ માંગશે.

અરે ભાઈ ઉપર થોડું ભગવાન પાસે કારખાનું છે,તે તો તમને સમય આવ્યે તમારી હેસિયત પ્રમાણે તમને આ બધું આપી દેતો હોય છે.થોડીક રાહ જો ભાઈ સમય પાકવા દે.બધી વાત તારા હાથ માં થોડી હોય છે.તને જે મળ્યું છે તેમાં સુખ માણ.તને જે બનાવ્યો હોય ચાહે નોકર,શેઠ,વકીલ,ડોક્ટર,વેપારી,વેઈટર,કે ભિખારી બસ તું તેમાં સંતોષ માનતો થઇજા અને તેમાય જો સંતોષ ના મળે તો તું આગળ વધવા મહેનત કરતો થઇજા.ફળ તને આપોઆપ મળશે.બસ તું રોજ મંદિર જઈને રોદણા રોવાનું બંધ કર.બધા જો ડોક્ટર બની જશે તો દર્દી કોણ બનશે સાહેબ?

કોઈ પ્રાણી પણ પોતાનું પેટ ભરવા આમ તેમ ભટકે છે ક્યાંક રોટલો મળે છે તો ક્યાંક લાકડી પડે છે.પણ એ કોને કહે આપણે તો મંદિરે જઈને ફરિયાદ પણ કરી લઈએ છીએ.તેમછતાં તેઓ દસ બાર ઘર ફરીને પેટ ભરે છે ને ક્યારેક તો ભૂખ્યું પણ સુવું પડતું હોય છે.

આપણી પાસે જે કઈ હોય છે,આપણે જે કઈ હોઈએ છીએ તેને સ્વીકારી ને આપણા સ્વ-વિકાસ માટેના પ્રયત્નો કરવા જોઈએ.સામાન્ય રીતે માણસ જયારે સુખી હોય છે ત્યારે તે સુખ ની અનુભૂતિ નથી કરી શકતા પણ જો જરાક દુ:ખ આવી પડે તો બસ પૂરું.પોતાની પર જાણે આભ ફાટી પડ્યું હોય એવી મનોદશા થઇ જતી હોય છે.

કુદરત કહો કે ભગવાન કહો કે માતાજી કહો કોઈ તમારા જીવન માં પ્રત્યક્ષ લાભ કરાવવા નહિ આવે પણ જો તમારી શ્રદ્ધા સાચી હશે તો ચોક્કસ તમારા જીવન માં તેઓ એવી પરિસ્થિતિ નું નિર્માણ કરશે જે તમારા હિત માં હોય,તમારી પ્રગતી માટે મદદરૂપ હોય.તમારી આસપાસ નું વાતાવરણ તમારી પ્રગતી,ઉન્નતી કરવા લાગી પડશે,તમારી આસપાસ ના તમામ તરંગો તમારા સપના ઓ સાથે તાલમેલ સાધીને તમને ટોચ પર લઇ જવા કામે લાગી જશે!તમને જરૂર એક સમયે તેની અનુભૂતિ થશે જ થશે.શરત બસ એક જ કે બસ તમારી નીતિ,તમારી દાનત,તમરી ધગશ નિશ્વાર્થ હોવી જોઈએ.

એક માણસ તરીકે તમે ફરિયાદી ના બનો પણ માર્યાદિત બનો.મર્યાદા માં રહી ને માંગો,મર્યાદા માં રહી ને અપેક્ષઓ રાખો.ભગવાન ને ક્યારેય શરમાવશો નહિ.હંમેશા દુ:ખી એજ માણસ થાય છે જેની અપેક્ષઓ બહુ ઉંચી હોય છે.હંમેશા આશાવાદી બનો.તમારા નસીબ માં જે લખ્યું હશે તે તમને સમય આવ્યે મળવાનું જ છે.સમય આવ્યે પાણી ના ઢાળે પાણી ઉતરી જતું હોય છે.બસ પરિસ્થિતિ ને પારખી તેને સાચવી લો.

છેલ્લે તો બસ એટલુજ કહીશ કે તમે બસ તમારા ભગવાન,માતાજી,કે માતાપિતા જેને માનતા હોય તેમાં અતુટ શ્રદ્ધા રાખો અને સાચા દિલ થી માંગો.તમે ખરેખર તેના હકદાર હશો તો તમને ચોક્કસ બધું મળી જ રહેશે.

લાસ્ટ બટ નોટ લિસ્ટ...

માણસે પોતાના પૂર્વજો વાંદરા ની જેવા બનવું જોઈએ.વાંદરો જયારે મોટી ફલાંગ ભરે છે ત્યારે તેને પહેલેથીજ નક્કી નથી કરી લીધું હોતું કે તે કઈ ડાળી પકડશે પણ તક મળ્યે અને સમય આવ્યે જે ડાળી હાથ માં આવી જાય છે તેનેજ તે પકડી લે છે અને નીચે પડતા રહી જાય છે.માણસે પણ જીવન માં તક મળવાની રાહ જોઈ ને બેસી રહ્યા વગર વાંદરા ની જેમ જ,ઘેર બેસી રહ્યા વગર બસ વિચાર્યા વગર કુદકો લગાવી લેવો જોઈએં કોઈક ને કોઈ ડાળી તો જરૂર હાથ લાગી જશે.એમાં એવું છે ને કે સહુ નો ભગવાન હોય જ છે.

લી. હરીશભાઈ વી. સોની(મારા કાકા)