માઈક્રોફિકશન Ankit Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઈક્રોફિકશન

(1)

જેઠ મહિના ના ધોમધખતાં તાપ માં સોની ગંગાધર જમનાદાસ એ. સી. જવેલર્સ નું બોર્ડ વાંચી કાળુભાઇ અને ધોળીબેન શોરૂમ ના પગથિયાં ચઢ્યા. શેઠે આવકાર આપતા કહ્યું, "આવો આવો"

ધોળીબેન કહે "આ આવ્યા, દીકરી ના ઘરે દીકરો ધાવણો થ્યો સે તે કીધું રમાડવા જવા માટે થોડીઘણી ખરીદી કરતા આવીયે. શેઠ , " હા હા જરૂર કહો શું બતાવું?"

ધોળીબેન, "સોના ના ઓમ બતાવો. "

શેઠે દશ પંદર જેવા ઓમ બતાવ્યા તેમાંથી એક ઓમ પસંદ કરી બાજુ પર રખાવ્યો. ત્યારબાદ તેઓએ પગના દોરીયા જોયા. તેમાંથી પણ એક જોડી દોરીયા બાજુ પાર રખાવ્યા. એટલા માં કાળુભાઇ બોલ્યા "ઠંડી હવા સારી આવેશે કા . "

શેઠ, "કિંમત કરી દઉં હવે?

ધોળીબેન ઊંચા અવાજે બોલ્યા, "ના ના હજી હાથ ના કાંડિયા લેવાના છે. ”

શેઠ તો ઉભા થઈને તિજોરી માંથી કાંડિયા નો ડબ્બો લઇ આવ્યા. ધોળીબેન કાંડિયા જોતા ત્યારે કાળુભાઇ બોલ્યા, "બસ નો ટાઈમ થઇ જાહે હો થોડી ઉતાવળ રાખ. "

ધોળીબેન, "હા બાપા હા તડકા ના બેહો ને છાનમુના જયશી હજી વારસે આલો શેઠ આ કાંડિયા રાખ્યા, ત્રણેય ની ભેરી કિંમત કરો "

શેઠે હિસાબ કરીને કીધું, "ત્રણેય ના થઇ બાવનસોં રૂપિયા થયા. "કાળુભાઇ તો ભાવ સાંભળી ઊંચા થઇ ગયા. ધોળીબેન કે આટલા હોતા હશે કઈ વાજબી રાખો.

શેઠ, "અરે, વ્યાજબી જ ગણ્યા છે, પાચપચીસ ઓછા આપજો તમતમારે. "

કાળીબેને ફાટેલા પોલકામાંથી બે હજારની ચૂંથઈગયેલી નોટ કાઢી શેઠને આપી , "આલો બે હાજર જમા કરો, બાકીના બે દી પસી તમારા ભય આપી જાહે. "

શેઠ જરા અકળાઈને, "અરે, પણ તમે હજી પહેલીવાર મારી દુકાને આવ્યા, હું તમને ઓળખતોપણ નથી, ક્યાં ગામના છો, એ પણ નથી ખબર તો બાકી કેવી રીતે રાખી શકું?"

ધોળીબેન તો નાક ચડાવી ઉભાથયા , "અરે, અમે કાય થોડા ભિખારી શી? મારે માથે વિશ્વાસ નો હોય તો ચા બાકી લેવું શે. "

આમકહી કાળુભાઇ ના ઢીંચણે પગનો અંગુઠો અડાડી ને કે હાલો શું બેઠા સો, બસ આવાને પાંચ મિનિટ રઇસે, હાલો ઉભા થાવ નઈતો તમારી સગલી રાહ નય જોવે. "

આમ તે બંને ઠંડા થઈને ખંખેરી ને હાલતાં થઇ ગયા, ને શેઠ તેઓને જતા જોઈને સાવ ઠંડા પડી ગયા. . . . . . . . અને મનમાં બોલ્યા, "આમ થાકી જવાય છે. "

(2)

રોહન તેના પિતા રમેશભાઈ સાથે મંદિર જઈ રહ્યો હતો. મંદિર પહોંચતા જ તેઓએ જોયું તો મંદિર ની અંદર કરતાં તો બહાર વધુ ભીડ હતી, આ ભીડ કોઈ દર્શનાર્થીઓની નહી પરંતુ ભિક્ષુકોની હતી. મંદિર ની બહાર બંને બાજુએ 6 વર્ષ થી લઈને 60 વર્ષ સુધી ના ભિક્ષુકોની હરોળ ગોઠવાયેલી હતી, જાણે મંદિર ના પુજારી એ દર્શનાર્થીઓના સ્વાગતમાટે તેઓને બેસાડ્યા હોય તેમ તેઓ બધા ગોઠવાઈ ગયા હતાં.

એટલામાં રોહન અને તેના પિતા રમેશભાઈ બહાર પગરખાં ઉતારીને જેવા મંદિર તરફ પ્રવેશ કરતાં હતાં, ત્યાંતો બધા ભિખારીઓ ક્લબલ કરવાં લાગ્યાં, “ઓ ભાઈ ઓ ભાઈ આપોને બે રૂપિયા ભગવાન તમારું હારું કરશે, ઓ ભાઈ આપોને આપોને. ”

આ બધું જોઈને રમેશભાઈ ચિડાઈ ગયાં અને મનોમન બબડી ઉઠ્યાં, “સવાર સવાર માં નીકળી પડે છે ભિખારીઓ, કઈ કામ ધંધો નહીં હોય આમને. . . ”

એટલામાં તો એક 6 વર્ષનું નાનું ટેણિયું પાછળથી રમેશભાઈ નો શર્ટ ખેંચીને હાથ લંબાવતા કહે છે, “ઓ ભાઈ આજ સવારમાં કઈ ખાધું નથી આપોને શેઠ ભૂખ લાગી છે. ”

આટલામાં તો રમેશભાઈ નો પારો છટક્યો, તેઓ ગુસ્સે થઈને પેલા બાળક પર તાડુકી ઉઠ્યાં, “શું છે સાલા ભિખારીઓ સવાર સવારમાં ભીખ માંગવા નીકળી પડો છો તે કંઈ કામ ધંધો કરોને, મહેનત કરોને.. ” પેલું બાળક તો હેબતાઇને રડવા લાગ્યું.

આ બધું જોઈને તે બાળક ના મોટા ભાઈ થી સહન ના થયું, તે તરતજ વચ્ચે કૂદી પડ્યો, “ઓ શેઠ જીવ નો હાલતો હોય ને તો ના પાડી દેવાય, અને હા અમે ભિખારી શીએ તો તમેય કાય દાતાર ના દીકરા નથ, તમેય ભિખારીજ તો સવ. અમારા ને તમારામાં ફરક એટલો કે અમે તમારી પાહે ભીખ માંગી શી ને તમે ભગવાન પાહે. બવ તાડુકો નહિ નાના મુન્યા પર, અમે રોજ આયજ બેહીસી પેલી વાર ઝોયા તમને, મનેય ખબરશ કાલ બોરડ નું રિઝલ્ટ શે જાવ તમતમારે માગીલો જે માંગવા આયા શો ને ઈ, ભગવાન તો ભોળો શે એ તમાર જેમ અપમાન નય કરે, એ આપી દેશે જાવ માગીલો તારે જે રામજીકી. ”

ત્યાં ઉભેલા લોકો આ તમાશો જોતાંજ રહી ગયાં અને રમેશભાઈ ને રોહન બંને સ્તબ્ધ થઈને અવાક્ રહી ગયાં, થોડીક ક્ષણો માટે બંને ત્યાંજ ઉભા રહ્યાં જાણે મનોમન કાંઈક વિચારતાં હોય એમ. ત્યારબાદ તેઓ બંને મંદિરમાં દર્શન કર્યા વગર જ ઘરે પરત ફર્યા.

(૩)

અંકિત આજે સવાર સવાર માં હાંફળો ફાફળો બની ગયો હતો, એક કલાક થી તે ઘડીક મોબાઈલ માં સેટિંગ્સ મેનુ માં જતો, ઘડીક મોબાઈલ સ્વીચ ઓફ કરી સ્વીચ ઓન કરતો, તો વળી તેટલાથી સંતોષ ના થતો હોય એમ મોબાઈલ ના સીમકાર્ડ કાઢીને ફરીથી લગાવતો. એક હાથે માથું ખંજવાળતો ખંજવાળતો તે બીજા હાથની આંગળીઓ વળે મોબાઈલની સ્ક્રીન પર જુલમ ગુજારતો હતો.

એટલામાં તેની મમ્મી આવીને તેના પર ગુસ્સે થવા લાગી, “શું સવાર સવાર માં મોબાઈલ લઈને મંડી પડ્યો છું, પેલા નાહી લે પછી જે કરવું હોય તે કરજે. ”

“મમ્મી, શાંતિ રાખને એકતો ક્યારનો ટ્રાય કરું છું પણ મારું નેટ ચાલું નથી થતું. ”

“અરે, નેટ ની દીકરી થામાં, તારું પેટ સાફ કરવા જા ત્યાં નેટ કરી લેજે, પેલા ઈ કરાય જા. ”

“સાલું નેટ નેટ નેટ... ચાલુ થઇ જા ચાલુ થઇ જા કેટલાય મેસેજ આઈને પડ્યા હશે ઓલીનાં, ઉપર તો સાલું H++ લખાઈને આવે છે પણ વોટ્સઅપ માં મેસેજ નથી આવતાં ખબર નહીં પડતી શું લોચા પડ્યાં હશે તે નેટ નહિ ચાલુ થતું, આજતો સાલી સવાર બગડી મારી. ”

અંકિત નિરાશ થઈને બેડ પર બંને હાથની આંગળીઓ તેના માથાનાં વાળ માં પરોવીને ઊંધા પગ નાખીને બેઠો હતો ત્યાં અચાનક તેના મોબાઈલ માં ટેક્સ્ટ મેસેજની રિંગ રણકી ઉઠી. અંકિત મનોમન બબડી ઉઠ્યો, “આ કંપનીવાળા સવાર સવાર માં નવરા પડી મેસેજ કરશે પણ એમ નહિ કે સારી નેટ સર્વિસ આપીએ કસ્ટમર ને. ”

આમ તેની પાછળ પડેલો મોબાઇલ તેણે હાથ માં ઉઠાવી મેસેજ રીડ કર્યો....

“પ્રિય ગ્રાહક, આપનું ઇન્ટરનેટ ડેટા પેક આજે સમાપ્ત થઇ ગયેલ છે, આજેજ ડાયલ કરો *121# અને જાણો આપની બેસ્ટ ઓફર ધન્યવાદ! ”

મેસેજ વાંચીને અંકિત પોતાના માથાં પર હળવી ટપલી મારીને થોડો સ્વસ્થ થયો, તેના થંભી ગયેલા શ્વાસ માં નવું જોમ આવ્યું, અને તે જોર થી બોલી ઉઠ્યો, “મમ્મી.... ગરમ પાણી ની ડોલ લાવ મારે નાવા બેસવું છે.... ”

(4)

મહેન્દ્ર સર વર્ગખંડ માં બધા વિદ્યાર્થીઓનું ગૃહકાર્ય તપાસી રહ્યાં હતાં, ત્યારે વશરામ છેલ્લી પાટલીએ માથું ઝુકાવીને બેઠો હતો. જેમજેમ મહેન્દ્ર સર બધાનું ગૃહકાર્ય તપાસીને વશરામ ની નજીક આવી રહ્યાં હતાં, તેમતેમ વશરામ ના ધબકારા તેજ થવા લાગ્યા હતાં. ગૃહકાર્ય ન લાવનાર ને મહેન્દ્ર સર ઉભા કરી તેમની આંગળીઓ વડે છોકરાઓની કલમ ના ઝીણા વાળ જોરથી ખેંચતા, છોકરાઓ તો રીતસર ની રાડ પાડી પગની આંગળીઓ પર ઉભા થઇ જતાં

હવે મહેન્દ્ર સર વશરામ પાસે આવી પહોચ્યાં હતાં. વશરામ તો ફફળી રહ્યો હતો.

“ઉભો થા વશલા, લાવ લેશન હાલ. ”

વશરામ કાંઈ બોલ્યા વગરનો ઉભો થયો, ગાલ પર તમાચો પડવાની બીકે અગમચેતી પગલાં સ્વરૂપે તેને પોતાનો જમણો હાથ જમણા ગાલ પર રાખી દીધો હતો.

પછી તે ધ્રુજતાં સ્વરે બોલ્યો, “સાહેબ લેશન નથ લાયવો. ”

“કા તારા બાપા ના લગન હતાં તે નથી લાયવો?”

“ના સાહેબ, મારા બાપાના નય, માર માઈસી ના લગન હતાં તે લેશન નથ કરાણું, કાલ પાક્કું કરતો આઈસ કાલ નું ને આજનું બેઉ નું ભેરુ. ”

વશરામ આટલું બોલી રહ્યો ત્યાંતો તેના બંને ગાલ પર સટ્ટાક સટ્ટાક એમ બે લાફા પડી ગયાં. થપ્પડ ના અવાજથી આખો વર્ગખંડ ગુંજી ઉઠ્યો. વશરામ ની આંખો માંથી દડ દડ આંસુડાં વહેવા લાગ્યાં.

મહેન્દ્ર સર ગુસ્સે ભરાયાં.

“બંધ થા ડફોળીયા, સરખા બહાના બનાવતાય નથ આવડતાં તને, શું કરીશ મોટો થઇ જીવન માં?”

અતાર કમુરતા માં તારે તારા માસીને પૈણાવી એનો સંસાર ટાળવો શે?, અતાર કમુરતા માં ભાયરા શે લગન કોઈદી. હવે રોવાનું બંધ કરને જા પાણી પીયાવ.

આટલું બોલી મહેન્દ્ર સર આગળ ચાલ્યાં અને વશરામ શર્ટ ના કોલર વડે પોતાના આંસુ લૂછતો લૂછતો બહાર પાણી પીવા ગયો.... ને બધાય હસી પડ્યાં.

(5)

સંજીવની હોસ્પિટલ ના દરવાજા બહાર થડો લઈને બેઠેલ મોચી પાસે રતનશેઠ પોતાનું તૂટી ગયેલ ચંપલ સંધાવતા હતાં, શેઠે મોચી ને ટકોર કરતા કહ્યું, “જોજે હો ભાઈ સરખા ટાંકા લેજે એટલે બીજીવાર તારે ત્યાં આવવું નો પડે. ”મોચી ટાંકા લેતાંલેતાં શેઠ ની સામે જૂઈને, “અરે શેઠ તમતમારે ચિંતા ના કરો હવે નહિ તૂટે આ લ્યો. ”

શેઠે ચંપલ પગમાં નાખતાં પૂછ્યું, “કેટલા આપવાના?”

મોચી એ કહ્યું દશ રૂપિયા આપોને શેઠ.

“અરે ભલામાણસ બે ટાંકા લેવાના કઈ દસ રૂપિયા હોતા હશે. આટલા ટાંકા ના પાચજ હોય. ”શેઠે પાંચ નો સિક્કો લંબાવતા કહ્યું.

મોચી શેઠ ને લોભિયો જાણી દલીલ કરવા લાગ્યો, “અરે શું આવડા મોટા શેઠ થઇ પાંચ રૂપિયા હાટૂ લપ કરોશો પાંચ નું શું આવે આ જમાના માં?”

બંને ની રકઝક ચાલતી હતી એટલામાં શેઠ પાસે તેમના સંબંધી રમેશભાઈ એક ગરીબ ભાઈ ને લઈને આવે છે.

શેઠ, “આવો આવો રમેશભાઈ કેમ અહીંયા હોસ્પિટલ આવ્યા છો કે શું?”

“હા રતનશેઠ આ જુઓને એક જરૂરિયાતમંદ માણસ છે પરિસ્થિતિ થોડી નબળી છે, ડોક્ટરે દવા લખી દીધી છે પણ પૈસા ની અછત છે હાલ પૂરતા 1500 રૂપિયા ની જરૂર છે. ”

“ખરેખર જરૂરિયાતમંદ છેને આ ભાઈ?”શેઠે ખિસ્સાં માં હાથ નાખતાં પૂછ્યું.

“હા, હું સારી રીતે ઓળખું છું બહું ગરીબ પરિસ્થિતિ છે. ”

શેઠે ખિસ્સાં માંથી બે હજાર ની નોટ કાઢી ને રમેશભાઈ ના હાથ માં મૂકી, “આલો બે હજાર રાખો. ”

પેલા ગરીબમાણસે શેઠ સામે બે હાથ જોડી ભીની આંખે એક નાનકડું સ્મિત આપીને જ આભાર માન્યો, ત્યારબાદ તેઓ બંને ત્યાંથી નીકળી ગયાં.

પેલો મોચી આ બધું જોઈને વિચારમાં સરી પડ્યો.

વળીપાછું શેઠે પાંચ નો સિક્કો લંબાવતાં કહ્યું, “આલે ભાઈ મારે મોડું થાય છે. ”

મોચીએ તેમનો હાથ પાછો ઠેલવતાં કહ્યું, “શેઠિયા તું ખરા અરથ માં શેઠ છું, તારો એક રૂપિયોય જો હવે લવ તો મારી ગરીબી ને લાંછન લાગે બાપ. ”

શેઠ મોચીના ઉપલા ખિસ્સાં માં પરાણે પાંચ નો સિક્કો મુકીને, “તને તારા હક ના પાંચ રૂપિયા આપું છું, રાખ ને ભાઈ અને જેને તું હમણાં લોભ સમજી રહ્યો હતો તે લોભ નહોતો પણ એક સાચા વાણીયા ની કરકસર હતી. ”

આટલું બોલી શેઠ ચાલતાં થયાં, અને મોચી ની આંખ ના ઝળઝળિયાં માં ધીરેધીરે શેઠ અદ્રશ્ય થઇ ગયાં..!

(6)

12 સાયન્સ માં 92% લાવનાર મિતેશ ને તેના પિતાએ પૂછ્યું, “બેટા, હવે આગળ તારો શું વિચાર છે, MBBS માંજ એડમિશન લેવું છેને તારે? ”

મિતેશ થોડીક ક્ષણ માટે મનોમન કંઈક વિચારી રહ્યો હતો, ત્યારબાદ તેણે પોતાની ચુપકીદી તોડીને કહ્યું, “પપ્પા મેં નક્કી કરી લીધું છે મારે MBBS ડોક્ટર નથી બનવું પરંતુ હું ગરદન નો ડોક્ટર બનીશ. ”

મિતેશ ના પિતા એ ઘડીભર વિચારીને મિતેશ ને પૂછ્યું, “બેટા એવું કેમ? જરા સમજાવીશ મને?”

મિતેશે તેના પિતાની આંખોમાંઆંખ પરોવીને કહ્યું, “જુઓ પપ્પા હાલના સમયમાં લોકો જે રીતે મોબાઇલ નો બેફામ ઉપયોગ કરેછે અને આખો દિવસ પોતાની ગરદન નીચે ટેકવીને મોબાઈલ સામે જોઈને પોતાની આંખો ફોડે છે, તે જોતા ભવિષ્ય માં ગરદન ના દર્દીઓનો જરૂર થી રાફડો ફાટી નીકળશે માટે મને એવું લાગે છે કે મારે ગરદન નો ડોક્ટર જ બનવું જોઈએ. ”

મિતેશ ના પપ્પા થોડીક ક્ષણ આંખો બંધ કરી વિચારવા લાગ્યાં. ત્યારબાદ તેઓ આંખો ખોલી અને બોલ્યા, “હમમમમ... બેટા, તારી વાત લાખ રૂપિયા ની છે મને એકદમ ગળે ઉતરી ગઈ છે, તારું એડમિશન જરૂરથી તું કેછે એમ જ કરાવીશું અને સાંભળ તારી નાની બહેન રીના ને આપણે આંખ ની ડોક્ટર જ બનાવીશું, એમતો મોબાઈલ લોકોની આંખોને પણ નુકસાન પહોંચાડેજ છેને. ”

મિતેશે પોતાની ગરદન ધુણાવતા પોતાના પિતાની વાત માં હકારાત્મક સુર પુરાવતાં કહે છે, “હા, તમારી વાત પણ લાખ રૂપિયાની છે હો પપ્પા. ”

***