સાટે મેડમ Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાટે મેડમ

સાટે મેડમ

બેંકનાં એક ખુણામાં લોન વિભાગ હતો...કેટલી બધી દરખાસ્તો આવેલી હતી...આજે જ નહી રોજ જ આટલી દરખાસ્તો હોય ..પણ એ દરખાસ્તો ને ધ્યાન થી જોવી એનો નીવેડો લાવવો...અને ન્યાયથી નીવેડો લાવવો જરુરી હોય છે અને એ કામ હતુ સાટે મેડમનું..લોન વિભાગનાં અધિકારી એટલે નીલીમાબેન સાટે..એમનું નામ તો બહુ ઓછા લોકો જાણતા હતા, બધા એમને સાટે મેડમ જ કહેતા..અને બધાનાં મનમાં હંમેશ સવાલ રહેતો કે મહારાષ્ટ્રીયન થઈને એમને કેવી રીતે આટલુ સરસ ગુજરાતી આવડતુ..પણ કોઇ ડરનાં મારે પુછે જ નહી..અને જે પુછે એઅમને એ હસીને ટાળી દેતા.બપોરનાં જમવા માટે માંડ સમય કાઢતા, ચાર વાગ્યાં સુધી તેઓ વ્યસ્ત રહેતા..એને ક્યારેક કોઇક કહે કે "સાટે મેડમ આ તો ચાલતુ જ રહેવાનું છે જમી તો લ્યો"..તો જવાબ આપતા..કે "જેમણે અહિંયા દરખાસ્ત આપી છે એમનું ભવિષ્ય મારા હાથમાં છે..અને હુ એમાં કેમ બેધ્યાન રહુ? આમાં કેટલા એ લોકોના પોતાના સપના પોતાના બાળકોના સપના અને આ દરખાસ્ત જવાબ મેળવાવા માટે એમની રાત્રી ની નીંદર જે ઉડી ગઈ હોય છે એ બધા માટે મારી આળસ જવાબદાર થાય કે જેનું પાપ લેવા માટે હું નિમિત્ત બનવા નથી માંગતી .

અને એ વાતનો કોઇ પાસે કોઇ જવાબ ન હતો..જે લોન માટે આવતુ એને રોજ એક ની એક વાત કહેતા કંટાળતા પણ નહી..જેમની લોન પાસ થતી તેઓ રાજી રાજી થઈ જતા અને એમને એમ થતુ કે લોકો આ સાટે મેડમને ખોટા બદનામ કરે છે.

અને જેમનું કામ ન થાતુ એ લોકો કહેતા કે હા સાચ્ચુ જ કહે છે લોકો આ સાટે મેડમ માટે..

પણ સાટે મેડમ ને એનાથી કાંઇ જ ફરક નહોતો પડતો કે કોણ એમનાં વિષે શું વિચારતા હતુ..બસ એ પોતાનું કામ સંપુર્ણપણે નિષ્ઠાથી કરતાં..

એક દિવસ એમ જ સાટે મેડમ પોતાનું કામ કરતા હતા..ત્યાં એક છોકરો આવ્યો..લગભગ ૨૨ વર્ષ ની ઉંમર લાગતી હતી..એણે આવીને કહ્યું કે "શું તમે જ સાટે મેડમ છો મેડમ?"

અને એનાં વાક્ય પર સાટે મેડમ ધીરુ હસ્યાં..કે એક જ વાક્યમાં બે વાર મેડમ..

પણ પોતાનાં ચહેરાનાં હાવભાવ પર કાબુ રાખીને એમણે કહ્યુ "હા બોલો હુ જ છું.."

એ છોકરો બોલ્યો "હુ મનોજ પ્રભાકર શાહ.."

હવે સાટેમેડમનાં ચહેરાનાં હાવભાવ બદલાણા..

પ્રભાકર શાહ જાણે હ્રદયમાં કોતરેલુ નામ ..

પણ જરુરી તો નહોતુ કે આ એજ પ્રભાકર શાહ હોય..

નીલીમાએ પોતાનાં અંતરમાં ચાલતા તુફાન ને કાબુમાં રાખ્યું અને પુછ્યું " હા કહો શું કામ છે?"

અને એ મનોજ નામનાં છોકરાએ કહ્યુ" ફઈ પપ્પા બહુ જ સીરીયસ છે અને તમને બહુ જ યાદ કરે છે..શું તમે ચાલશો મારી સાથે..એમની બધી ભુલ ભુલીને તમે આવો તો જ તેઓ પોતાનો શ્વાસ છોડી શકશે"

અને મનોજ ની આંખોમાં થી આંસુ પડવા લાગ્યાં..

૨૦ વર્ષની નોકરી માં પહેલી જ વાર સાટે મેડમને કોઇક મળવા આવ્યું હતુ અને પહેલી જ વાર કામ અધુરુ મુકીને તેઓ ઉભા થઈ ગયા હતા.પોતાની સાથે બેસવાવાળા રમણીક ભાઈ ને એમણે કહ્યું"હુ આઠ દીવસ ની રજા પર જાવ છુ ..સાહેબ ને કહી દે જો કે હુ કાલે લેટર મોકલી દઈશ.."

હવે મનોજ હીબકે હીબકે રડતો હતો..

નીલીમાએ મનોજ નો હાથ પકડ્યો અને કહ્યું " રડ નહી, ચાલ તારા પપ્પા પાસે."

અને મનોજ ઉભો રહી ગયો અને બોલ્યો " ના ફઈ. મારા પપ્પા પાસે નહી, તમારા ભાઈ પાસે."

નીલીમા ફીક્કુ હસી ..અને કહ્યુ" હા મારા બાપ, ચાલ મારા ભાઈ પાસે બસ શાંતી."

અને ફઈ ભત્રીજો બેંકની બહાર નીકળ્યાં..

મનોજ એની બાઈક લઈને આવ્યો હતો..એણે નીલીમાને બાઈક પર બેસવા કહ્યું..

પણ નીલીમાએ ના કહ્યું" મને બાઈક પર નહી ફવે તુ આગળ આગળ જા.હુ તારી પાછળ કારમાં આવુ છુ.."

મનોજ બાઈક પર બેઠો પણ અચાનક પાછો ઉતર્યોં..

નીલીમા પાસે આવ્યોં અને કહ્યું " ફઇ , પાક્કુ આવશો ને."

નીલીમા હસી અને બોલી " એક કામ કર, તુ તારુ બાઈક અહિંયા મુકી દે, અને મારી સાથે કારમાં ચાલ."

મનોજ થોડો શરમાણો અને બાઈક પર જઈને બેસી ગયો..

આગળ આગળ બાઈક ચાલતી હતી..અને પાછળ નીલીમાની કાર..

નીલીમા હવે વિચારે ચડી..એને એ બધા દિવસો યાદ આવવા લાગ્યાં જ્યારે ભાઈ એને સાચવતો..એની એક એક ઇચ્છા પુરી કરતો..એને લેવા મુકવા આવતો..અને એને એમ થાય કે કોઇએ એની મસ્તી કરી છે તો તો એને મારવા જ લાગતો..ભાઈ નાં લગ્ન થયા ત્યારે એને યાદ છે કે એણે ભાભીને કહ્યું હતુ કે" નીલીમા મારી જિંદગી છે..એને બહુ સંભાળજે.."

અને ભાભીએ પણ એટલો જ પ્રેમ આપ્યો હતો..ગ્રેજયુએશન પુરુ કર્યું પછી પોતાને M B A કરવાની બહુ જ ઇચ્છા હતી..તો ભાઈ એ એ ઇચ્છા પણ પુરી કરી હતી..

પણ આ M B A એ આખી જિંદગી બદલી નાંખી હતી..

એ વિચારતી હતી કે ભુલ ભાઈ ની હતી..એ ભાભી ને પણ ખબર હતી..પણ ભાઈ જેટલો પ્રેમાળ હતો એટલો જ ગુસ્સા વાળો પણ હતો ..એટલે એની સામે બોલવાની એમની હિંમત જ નહી થઈ હોય..અને એટલે જ આટલા વર્ષોમાં એમણે પણ મળવાની હિંમત ન કરી..

M B A ભણતી હતી ત્યારે સોહન સાટે નામના એક મરાઠી છોકરા સાથે એને પ્રેમ થઈ ગયો હતો..હંમેશા એ બંને જ કોલેજ નાં બધા પ્રોગ્રામ માં સાથે રહેતા..

અને એમ જ બંને ને એક બીજા ની આદત થતી ગઈ..

અને M B A પત્યુ પછી ભાઈને કહ્યું કે તેઓ સોહન સાથે પરણવા માંગે છે..અને ભાઈ નો પિત્તો એવો ગયો કે બસ..ઘરમાં થી બહાર જવાનુ બંધ કરી દીધુ..કારણ જૈન ધર્મ માં જન્મેલી દીકરીને પરમાટી રંધાતા છોકરાના ઘરે કેવી રીતે આપવી .

કોલેજ માં થી મળેલા જોબ માં જવાનો દિવસ આવ્યો અને એને ખબર પડી કે સોહન ને પણ એમાં જ કામ મળ્યુ છે એટલે તેમણે એ નોકરી મુકાવીને આ બેંકમાં કામ કરવા માટે મજબુર કરી હતી..

પણ નીલીમા અને સોહન એક બીજા વગર રહી શકે એમ ન હતા..આખરે એ બંને એ ભાગી ને લગ્ન કરી લીધા..

અને નીલીમા રાત સુધી ઘરે ન પહોચી અને ભાઈ ને ખબર પડી કે નીલીમા એ અને સોહને લગ્ન કરી લીધા. અને ભાઈ ત્યાં પહોચી ગયો અને નીલીમા ને કહી દીધુ હતુ કે "હમણા જ ઘરે ચાલ નહી તો આ છોકરો કાલની સવાર નહી જોઈ શકે.."

અને સોહનનાં કેટલા સમજાવા છતા એ ન માની અને ડર નાં મારે એ પાછી ભાઈનાં ઘરે ગઈ..

પણ એ વધારે રહી ન શકી ભાઇ સાથે..

એણે ભાડા પર ઘર લીધુ અને ત્યાં રહેવા લાગી..

સૌથી મોટો આઘાત એને ત્યારે લાગ્યો જ્યારે એને ખબર પડી કે સોહન એની દુરી સહન ન કરી શક્યો અને એણે આત્મહત્યા કરી લીધી..અને નીલીમા એ, એ દિવસ થી આખી દુનિયા થી સંબંધ કાપી નાંખ્યોં..

ભાઈ નું મોઢુ જોયે એને ૨૦ વર્ષ થઈ ગયા હતા...પોતાની એકલતા વિષે કદી કોઈએ વિચાર્યું જ નહિ . આખી જિંદગી તેણે ચાર દિવાલો વચ્ચેજ પૂરી કરી નાંખી . પણ પ્રભાકરભાઈ એ કડી એની પાસે આવવાની અને એની પુચ્છા કરવાની દરકાર લીધી નહિ . એવો એક પણ દિવસ નહિ હોય જ્યારે નીલિમા એ એમની રાહ ન જોઈ હોય. ભાભી એ ક્યારેક ભાઈ થી છુપાડીને ફોન કરી લીધા હતા .

એ મનોજ ને જોતી હતી એ વિચારતી હતી કે આજે આ છોકરાનાં આવવાથી એ ભાઈ ને મળી શકશે..

મનોજ ઘડી ઘડી પાછળ જોતો હતો કે ફઈ આવે છે ને..

અને નીલીમા ને એનાં ડર પર દયા પણ આવતી હતી અને હસવુ પણ..

આખરે એ એક ઘર પાસે ઉભો રહ્યોં..

બાઈક નો અવાજ સાંભળી ને ભાભી ઘર ની બહાર આવ્યાં..પણ બાઈક માં એકલા મનોજ ને જોઈને એ નિરાશ થયાં ત્યાં મનોજે કાર સામે ઇશારો કર્યો અને એ દોડતા નીલીમા ને ભેંટી પડ્યાં..

બંને અંદર રુમ માં ગયાં.

ત્યાં એક પલંગ પર ભાઈ સુતો હતો..એનો શ્વાસ પણ જોર જોર થી ચાલતો હતો..

નીલીમા ભાઈ પાસે ગઈ અને કહ્યુ " ભાઈ , હુ નીલીમા. કેમ છો તમે??"

અને પ્રભાકર ની આંખ માં થી આંસુ સરી પડ્યાં બે હાથ જોડાઇ ગયાં..

નીલીમા એ બંને હાથ પોતાનાં હાથ માં પકડી લીધા..

અને ભાઈ એ શ્વાસ છોડી દીધો..

ભાભી કે મનોજ કોઇ જ રડ્યું નહી..તે આ ભાઈ બહેનનો પ્રેમ જોતા રહ્યા . કે એક ભાઈ નો શ્વાસ ફક્ત પોતાની બહેનની માફી માંગવા માટે અટકેલો હતો . તેર દિવસ સુધી મનોજ ની બધી વિધિ નીલિમા નાં હાથે થઈ .

બસ બધી વીધી પતાવીને નીલીમાએ ભાભી ને કહ્યું" ભાભી હવે અહિંયા નથી રહેવાનુ.ચાલો મારી સાથે , આપણે ત્રણે સાથે રહેશું.."

હવે ભાભી રડી પડ્યાં ..

નીલીમા બંને નો હાથ પકડીને કાર માં બેસાડીને પોતાનાં ઘરે લઈ ગઈ..

રાતનાં સુતા વખતે એ વિચારતી હતી કે ભાઈ તમને તો મોકો પણ મળ્યો કે મારી માફી માંગી શક્યાં..હુ તો સોહનની માફી પણ નથી માંગી શકી..

અને નીલીમાની આંખ માંથી પડેલા આંસુ તકીયામાં ખોવાઈ ગયાં..

નીતા કોટેચા " નિત્યા "

9867665177