Vamad - 17 books and stories free download online pdf in Gujarati

વમળ પ્રકરણ -17

વમળ

પ્રકરણ -17

લેખિકા:-અનસુયા દેસાઈ

શુબાન અને શ્વેતા દાદાને હોસ્પીટલથી ઘરે લાવ્યા .બંને ખુબ સારસંભાળ રાખતા હતા , તો પણ દાદાને આજે પુત્રી જેવી પુત્રવધુ સ્નેહલતાની ખોટ સાલતી હતી. “ શ્વેતા ! આજે મને મારી દીકરી લતાની યાદ આવે છે. “ કહી બંધ આંખ કરી સુઈ રહ્યા. શ્વેતા પણ દાદાને આરામ કરવાનો હોઈ તેમના માથે હાથ ફેરવતી ચુપ બેસી રહી . દાદાને હમેંશ પરદેશ જઈ ત્યાં વધુ રોકાઈ જતા પોતાના પુત્ર વિનાયક માટે આશંકા થતી, પરંતુ પુત્રવધુને દુઃખ પંહોચે માટે એમણે મોઢું સીવી રાખ્યું હતું . સુતા સુતા મનમાં એ વિચારી રહ્યા હતા કે લતા કેટલી સમજદાર હતી, પતિના સ્વમાનને ઠેસ પંહોચે એવી કોઈ પણ વાત એણે ઘરમાં ક્યારેય કરી ન હતી . પતિનું વારંવાર કેન્યા જવું એના ધ્યાન બહાર ક્યાં હતું ? પણ પતિ પર એક વિશ્વાસ હતો . પતિની ખુશીમાં પોતાની ખુશી માની લેવી એનો સ્વભાવ બની ગયો હતો. શ્રીમંતાઈનો જરાય આડમ્બર નહીં .પુત્રી શ્વેતા અને પુત્ર શુબાનના ઉછેર અને સંભાળમાં જિંદગીની બધી કડવાશ એણે ભુલાવી દીધી હતી. ખરેખર લતા તું મહાન હતી. તારી દીકરી શ્વેતામાં પણ દયા , પ્રેમ નિરાભિમાન,સહિષ્ણુતા જેવા તારા જ ગુણોનું સિંચન કરી ગઈ છે એ જોઈ હું ખુશ છું . સ્નેહલતાના વિચારોમાં ખોવાયેલા દાદાની આંખો નિંદ્રાધીન થઇ ગઈ તો બાજુમાં બેસી રહેલી શ્વેતા પોતાના રૂમમાં આવી .



આજે દાદાને પણ પોતાની મમ્મીને યાદ કરતા જોઈ,શ્વેતા થોડી નર્વસ થઇ ગઈ હતી, રૂમમાં આવી સ્નેહલતાનો ફોટો જોઈ એની આંખ ભીની થઇ ગઈ અને મમ્મીએ લખેલ ડાયરી લાવી વાંચવા બેઠી. સારું થયું હતું કે મમ્મીએ એને માતૃભાષા વાંચતા શીખવ્યું હતું, મમ્મી ઓછું ભણેલી હતી પણ મનના ભાવો સહેલાઇ અને સરળતાથી ખુબ સારી રીતે વ્યક્ત કરી જાણતી હતી. એક પાના પર લખ્યું હતું , ‘ શા માટે લગ્ન પછી સ્ત્રી પોતાના જીવનનું એક માત્ર ધ્યેય પતિને ખુશ રાખવાનું બનાવી લે છે ? હું પણ કેવા માણસને મહાન બનાવવાનો પ્રયત્ન કરું છું જે મારી એકલતા, મારી વેદનાને સમજતો નથી .વારંવાર ધંધાર્થે લાંબા સમય માટે પરદેશ જતો રહે છે અને ટૂંક સમય માટે આવે છે., જાણે કે હું કોઈ એને સોપવામાં આવેલી જવાબદારી છું. જેને એ જબરદસ્તી અદા કરી રહ્યો છે. ‘ શ્વેતા આ વાંચતા વિહવળ થઇ ઉઠી , આંખમાંથી એક અશ્રુબિંદુ ડાયરીના પાના પર ટપકી પડ્યું. આગળ બીજા પાના પર લખ્યું હતું કે, ” કેટલાય દિવસો સુધી વિનાયકનું મોઢું જોવા મળતું નથી પણ એનો અર્થ એવો કેમ કરું કે અમારા સંબંધો વાસી થઇ ગયા છે . સતત મળતી સફળતાથી ખુશ થનાર પતિના આનંદમાં મારે સહભાગી થવું જ રહ્યું, તો શાને કરવી કોઈ તકરાર ? “

પછી એની નીચે કંઇક કાવ્ય જેવું લખ્યું હતું ........

“કદીક એક તારી ઝલક મળે કે ના મળે ,

તુજ હૈયેથી ઊર્મિ ઉછળે કે ના ઉછળે,

મારા હ્રદયે તું હમેંશ વસ્યો છે દિલદાર .......

કદીક તારું મિલન થાય કે ના થાય ,

તુજ યાદથી કાળજું કોરાઈ જાય કે ના જાય

મારા હ્રદયે તું હમેંશ વસ્યો છે દિલદાર .......

કદીક પ્રેમની કેડી મળે કે ના મળે,

તુજ સ્પર્શના સ્પંદનો ભળે કે ના ભળે

મારા હ્રદયે તું હમેંશ વસ્યો છે દિલદાર ....... “


શ્વેતા મમ્મીની ડાયરી વાંચતા ખુબ ભાવવિભોર થઇ ગઈ.. એના દિલદિમાગ પર ડાયરીના શબ્દોની અસર વ્યાપી ગઈ હતી. શુબાન આવી દાદા પાસે બેઠો હોય , પોતાના ફ્રેન્ડને મળવા જવાની દાદા પાસે રજા લઇ એ જુહુ તરફ મર્સિડીઝ લઇ નીકળી.રસ્તામાં જ એણે મોબાઈલ કોલ કરી આર્યનને JW Marriott hotel Juhu પર આવવા કહ્યું અને સાથે ત્યાંની Lotus Cafe માં બે સીટ રિઝર્વ્ડ કરાવી દીધી .


સાંજે આકાશમાં અસ્તવેળાની લાલીમા છવાયેલી હતી. સૂર્યને જતો જોઈ છુપાઈ રહેલો એકાદશીનો ચાંદ ધીરે ધીરે ઉપર આવી રહ્યો હતો. આ સમયે આર્યન આવી જતા બંને Lotus Pond ની લોબીમાં, હરિયાળી આચ્છાદિત સુંદર પોન્ડ અને ઉપર ચંદ્રપ્રકાશ ...મંદ મંદ વહેતો વાયુ ...સરસ માદક વાતાવરણનો આનંદ માણવા એકબીજાનો હાથ પકડી થોડીવાર બેઠા.... બંને એકાંતમાં તો પહેલીવાર મળી રહ્યા હતા...

વાતાવરણમાં શોભિત દેસાઈની ગઝલનૂમા માદકતા પ્રસરી રહી હતી

“ રૂપ કેફી હતું ,આંખો ઘેલી હતી ,

ને હથેળીમાં એની હથેળી હતી ,

મન મહેકતું હતું ,ભીના કંપન હતાં ,

એની સાથે મુલાકાત પહેલી હતી ..”



શ્વેતાના શરીરમાંથી આવતી મીઠી સુંગંધે આર્યનના હૈયામાં પ્રેમની ભરતી લાવી દીધી અને નાજુક સુંદર પરી જેવી શ્વેતાને ધીરેથી આલિંગનમાં લઇ ચૂમી લેતા કહ્યું , “ શ્વેતા ! આઈ લવ યુ “ મીઠા ચુંબનથી શરમાઈ ગયેલી શ્વેતાએ અચાનક આર્યનનો હાથ દબાવતા કહ્યું ,“ આર્યન ! આઈ લવ યુ ટૂ .... હું આ પહેલા તારા જેવા યુવાનને મળી નથી .” શ્વેતાની આંખોમાં અને શબ્દોમાં પારાવાર આસક્તિ હતી.. આર્યને ખભા ઉછાળ્યા અને હસતા બોલ્યો , “ મારા જેવો બીજો કોઈ છે પણ નહીં “ શ્વેતા અપલક નજરે આર્યનને જોઈ રહી અને પછી બોલી “ આર્યન ! બીજા યુવાનો આકર્ષણ સાથે પ્રેમ બતાવે અને પછી યુવતીના સ્પર્શ માટે હવાતિયા મારે છે.પણ તારી અને મારી વચ્ચે જે છે તે બહુ સ્પેશીયલ અને સ્વભાવિક છે. તું આકર્ષણને કાબુમાં રાખી સંબંધ સાચવી શકે છે. આર્યન ! મારા અંતિમ શ્વાસ સુધી તું મને હ્રદયના ઊંડાણથી પ્રેમ કરીશ ને ! “ શ્વેતાના અવાજમાં પ્રેમની મીઠાશ અને ભાવુકતા સાથે થોડો ભય જોઈ આર્યન ચમક્યો . શ્વેતાની આંખમાં તગતગતા આંસુ જોઈ મુઝવણમાં પડી ગયો . “ શું વાત છે ? ડીઅર ! હું આજીવન તને પ્રેમ કરતો રહીશ પણ તું રડે છે કેમ ? દુનિયાની કોઈ તાકાત આપણને અલગ ના કરી શકે “ આંસુ લૂછતાં શ્વેતા ફરી બોલી , “ જો કોઈ કારણસર તું મારાથી જુદો થશે તો હું કેમ જીવીશ ? “ બોલતા બોલતા શ્વેતાનું શરીર ધ્રુજતું હતું . આર્યને એને હિંમત આપી જાણવા પ્રયાસ કર્યો કે કેમ તે આજે આટલી ભાવુક બની ગઈ છે. “ બસ ! કંઇ નહીં , મમ્મીની ડાયરી વાંચી હતી તો મન ભાવુક બની ગયું . જવા દે , ચાલ ! કશું ખાઈશું ને ! “ કહી એ સહજ બની આર્યનને Lotus Cafe તરફ લઇ ગઈ.....



સીમા પોતાના ઘરે બાલ્કનીમાં બેસી વિચારતી હતી કે બે-ત્રણ દિવસ થયા પણ શ્વેતાનો કોઈ ફોન નથી . આજકાલ શોપિંગ, પાર્ટી , પિક્ચર કે બહાર ફરવા જવા માટે પણ ફોન કરતી નથી . સલોની આવી ત્યારે પણ એકલી પાર્ટીમાં ચાલી ગઈ . શું એ આર્યનને એકલી મળે છે ? એ વિચાર સાથે જ એના મોં પર એક કડવાશ ફરી ગઈ . સીમાને પણ આર્યન ગમતો હતો અને મનોમન એને ચાહવા લાગી હતી . આર્યનને પોતાનો જીવનસાથી બનાવવાનું રટણ એના મનમાં પણ ચાલતું રહેતું .એ ઉભી થઇ એના રૂમમાં જતી હતી ત્યાં જ શ્વેતાનો ફોન આવ્યો . “ સીમા કેમ શું થયું છે ? બહુ બીઝી છે કે કોઈ રોમિયો મળ્યો છે? “ સીમાને મજાક થોડી વસમી લાગી. એ ચુપ રહી .” એ ચુલબુલી ! શું વિચારમાં છે ? why ,no reply ? “ સાંભળી સીમાએ માથું ખંખેર્યું અને જવાબ આપ્યો ,” ખાસ કંઇ નહીં , ગુજરાતી ભાષાની સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝાની બુક ‘ સુખ એકબીજાનું “ વાંચતી હતી . “ અરે વાહ ! કોન્વેન્ટમાં ભણનારી ગુજરાતી ભાષા પણ વાંચી શકે છે...આનંદની વાત છે. તો તારું સુખ ક્યાં છે?” સીમાના મનમસ્તકમાં આર્યન ફરતો હતો તો મનની વાત હોઠે આવી ગઈ . મારે માટે સુખ એટલે બુકની પ્રસ્તાવનામાં લખ્યું છે એમ “ એક સંબંધ..હાથમાં પકડાયેલો એક હાથ, ચોરીછૂપીથી મળી ગયેલું ચુંબન કે આંખ મીંચો પછી દેખાતો એક ચહેરો .” આ સાંભળી શ્વેતાને લાગ્યું સીમા એને માટે બધું કહી રહી છે કે શું ? થોડી અવઢવ થઇ તો ફરી એને પૂછ્યું ,“ સીમા ! સુખની વ્યાખ્યા શું ? “ સીમાએ જવાબ આપતા કહ્યું , “ સાંભળ શ્વેતા ! દરેક માટે સુખનો પોતપોતાનો અર્થ હોય છે. તો એ સમજવું કે સમજાવવું મુશ્કેલ છે. “

“ ઠીક છે. મારા બંગલે આવ ..આપણે ચર્ચા કરીશું .મારે બીજી ઘણી વાતો પણ કરવાની છે. “ કહી શ્વેતાએ ફોન કટ કર્યો . ‘સારું આવીશ “ કહી સીમાએ ફોન મુક્યો પણ શ્વેતા માટે એના હ્રદયમાં પહેલાં જેવો પ્રેમ ઉમટતો નહતો....દોડીને મળવા જવાનું કે દિલની વાતો કરવાનું મન થતું ના હતું . શું સખીપ્રેમનું સ્થાન ઈર્ષાએ લઇ લીધું હતું ?


વિનાયક પોતાની કેબીનમાં શુબાનને બોલાવી પોતાનો ઈતિહાસ બતાવી રહ્યો હતો. પણ શુબાન થોડો અસ્વસ્થ લાગ્યો તો પછી વાત કરીશું કહી એને ત્યાંથી જઈ આરામ કરવા કહ્યું અને પોતે એકલો શાંત બેઠો. એ જાણતો હતો કે શ્વેતા અને શુબાન હવે એના રોહિણી સાથેના સંબંધથી અજાણ નથી . એને પિતા સાથે રહેવાની પણ મનાઈ છે. તો આગળ શું કરવું ? વિચારી રહ્યો હતો ત્યાં જ ટેબલ પર રાખેલ પોતાનો અંગત મોબાઈલ ફોન રણકી ઉઠ્યો અને એની વિચારતંદ્રા તૂટી , સ્ક્રીન પર કોઈ અજાણ્યો નંબર દેખાયો . ફોન ઉપાડી hello કહેતા સામેથી કોઈએ મર્દાના અવાજમાં માત્ર ખોંખારો દીધો અને ફોન બંધ કરી દીધો. કોઈ રોંગ નંબર હશે માની એ ઓફીસના અગત્યના પેપર જોવા લાગ્યો. થોડીવાર પછી ફરી એજ નંબરની રીંગ આવી. કશું બોલ્યા વગર ફોન ઉપાડતા ધીમા અવાજે શબ્દો છુટા પાડી કોઈ બોલી રહ્યું હતું ,

“ Mr.Bhardwaj ! ....Don’t... come ..in ...,my way. This is the last warning .”

વિનાયક આગળ કંઇ પૂછે તે પહેલાં ફોન કપાઈ ગયો .બીજીવાર પણ એજ પ્રમાણેનો ફોન આવ્યો. મી.સાવંતને બોલાવી એણે તુરંત ટેલીફોન એક્ષચેન્જમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે અમેરિકાથી કોઈ ટેપ કરેલો મેસેજ મોકલતું હતું .. કોણ હશે જેની પાસે આ અંગત નંબર છે ? ખુબ વિચાર્યું પણ વ્યક્તિની જાણ ના થઇ પણ એને સમજાઈ ગયું કે અમેરિકામાં ફાઈનલ થઇ રહેલ બીઝનેસ ડીલના સંદર્ભમાં જ ફોન હતો. એણે તુરંત નિર્મલને ફોન જોડ્યો. આ ટેપ મેસેજની વિગત આપી એને સાવધ રહેવાનું કહેતા એ ઉભો થઇ ગયો.... ઉભા થતા જ પેન્ટના ગર્ડલમાંથી રિવોલ્વર ખેચી, “ લોડેડ છે “ મનમાં બોલતો શુબાનની કેબીન તરફ વળ્યો. દીકરો ખુબ થાકી ગયો છે સમજી, પોતે જાતે તેની કેબીન પર આવી જોયું તો શુબાન હજુ આંખ બંધ કરી વિચારમગ્ન બેઠો હતો., એક પ્રેમભરી નજરથી જોતા વિનાયકે કહ્યું , “ શુબાન બેટા ! મારે યથાશીઘ્ર અમેરિકા જવું પડશે. ત્યાંનું કામ ફાઈનલ કરવાનું છે. તું અહીં ઓફીસ સાથે દાદા, શ્વેતા અને તારું ખાસ ધ્યાન રાખજે. દીકરા ! સિક્યુરીટી વગર ક્યાંય જશો નહિ, સમજ્યો ? “ આમ સૂચનો આપતા આપતા સ્વભાવિક્તાથી રિવોલ્વર પાછી ગર્ડ્લમાં ખોસી દીધી.. અને ફરી પોતાની કેબીનમાં જઈ અમેરિકાની ઓફીસમાં અગત્યના સૂચનો આપી, મી.સાવંતને ન્યુયોર્કની ટીકીટ બુક કરાવવા કહી દીધું .


શુબાન તો વિનાયકની કેબીનમાંથી આવી પોતાની ચેર પર ફસડાઈ જ પડ્યો હતો. થોડો સ્વસ્થ થયો પણ વિચારોમાં અટવાઈ ગયો હતો. પિતાએ એની જિંદગીના બધા પાના પુત્ર સમક્ષ ખોલી નાખેલા. રોહિણી, સલોની., અને સોનિયાના પ્રકરણ ખોલતા એના ફોટા પણ બતાવેલા.. શુબાન મનમાં બોલી ઉઠ્યો , “ હે પ્રભુ ! આ તે કેવી વિધિની વક્રતા ? “ મારી ગર્લફ્રેન્ડ સોનિયા, એ મારી સ્ટેપમધરની જ દીકરી. કેવા સંબંધોના તાણાવાણાં ! “ એને કશું સમજાતું નહતું .અને વધુમાં પિતાએ સિક્યુરીટી વિના ક્યાંય ન જવાનું આપેલું સૂચન ... ખુબ મનોમંથન ચાલી રહ્યું .અંતે એને પોતાની જિંદગીનું વહાણ વમળમાં ઉભું રહી ઘૂમરી ખાતું લાગ્યું. ...

ક્રમશ: ......અનસુયા દેસાઈ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED