હેલ્લો સખીરી અંક: ૧૭ Hello Sakhiri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેલ્લો સખીરી અંક: ૧૭

અંકઃ ૧૭. સપ્ટેમ્બર, ૨૦૧૬.

હેલ્લો સખી રી..
સખીઓનું ઈ-સામાયિક..

“મજાની વાતો અને વાર્તાઓનો ખજાનો….”


અનુક્રમણિકા

૧) સાતમી ઈન્દ્રીયઃ કલ્પના દેસાઈ

૨) બાળવાર્તાઃ ભારતીબેન ગોહિલ

૩) વાર્તાવૃંદઃ ડો. જિજ્ઞાસા ઓઝા

૪) રૂગ્ણાંલયઃ ડો. ગ્રીવા માંકડ

૫) નાની – નિનિઃ કુંજલ છાયા


સાતમી ઈન્દ્રીયઃ કલ્પના દેસાઈ
kalpanadesai.in@gmail.com

ધારી લો કે..

મારો પ્રિય શોખ છે, કંઈ ને કંઈ ધારતાં રહેવું અથવા ઘરની ખાસ વ્યક્તિને, હું જે ધારું તે ધારવા માટે મજબૂર કરવું. બસ, આ બે જ કામમાં મારો મોટા ભાગનો સમય બહુ આરામથી પસાર થઈ જાય છે. હું સમયની સાથે ચાલવામાં માનું છું, એટલે રોજબરોજના પ્રસંગો કે સમાચારો કે કોઈની ફોનની વાતો મને જાતજાતનું ધારવાની પ્રેરણા આપતાં રહે છે.

હાલમાં જ ઓલિમ્પિક રમતો પૂરી થઈ અને આપણા દેશની બે કન્યાઓ બે મેડલ લઈ આવી. સોનાનો મેડલ જરાક માટે આવતા રહી ગયો. હવે મારું ધ્યાન તો રમતને બદલે મેડલમાં જ હોવાનું ને? ગોલ્ડ મેડલની તો મને પણ બહુ આશા હતી.(મારા માટે નહીં પણ પેલી સિંધુ માટે.) ખેર, એને ગોલ્ડ મેડલ ન મળ્યો તોય બધાં કેટલાં ખુશ હતાં? ત્યારે મને એમ થયું કે, ધારો કે હું ત્યાં રમવા ગઈ હોત ને મને ગોલ્ડ મેડલ મળ્યો હોત તો? બધાં આટલાં જ ખુશ થાત? આહાહા! કેટલું સરસ ધારવાનું છે નહીં?

ધારો કે, મને ગોલ્ડ મેડલ મળ્યો હોત તો, સૌથી પહેલાં તો આખી દુનિયામાં મારું નામ જ થઈ જાત. આજ સુધી જાતજાતની યુક્તિ–પ્રયુક્તિઓ અજમાવવા છતાં, અને જાતજાતના લેખો વર્ષોથી લખવા છતાં જે નથી થઈ શક્યું, તે ફક્ત આ એક જ મેડલ મળવાથી થઈ જાત. સમ ખાવા પૂરતો એકાદ ઈન્ટરવ્યૂય કે ફોટોય કોઈ જગ્યાએ નથી છપાયો, તે આ એક જ મેડલથી આખી દુનિયાના સમાચારોમાં હું ને હું જ દેખાત કે નહીં? ઘરની લડાઈમાં કાયમ પછડાટ ખાનારીને, દુનિયાની નંબર વન લડાઈમાં ગોલ્ડ મેડલ મળવો કંઈ નાનીસૂની વાત તો ન જ કહેવાય ને?

બસ, પછી તો હું મંગળસૂત્રનેય બાજુએ મૂકીને ગળામાં પેલો ગોલ્ડમેડલ જ લટકાવીને ફર્યા કરત. મારાથી જલતી કે જેમને મેં વર્ષોથી જલાવવાની(મનમાં હં કે!) ઈચ્છા રાખેલી, તેમની સામે ઘડી ઘડી મેડલ બતાવવાની મને કેટલી મજા આવત? રાખી રાખીને એ લોકો પોતાના મન પર કેટલોક કાબૂ રાખત? બે ચારને છોડીને, બાકી બધી મારી પાસે આવીને મેડલ અડકી લેત(જે મને બહુ ગમત). બધી સ્ત્રીઓ મને પૂછત, ‘હેં, આ સાચા સોનાનો છે?’ અને હું કહેત કે, ‘હાસ્તો વળી, આ ઓલિમ્પિકમાં મળે તે મેડલ છે. કોઈ રેંજીપેંજી મંડળ કે સંસ્થાનો નથી. પૂરા એક કરોડનો છે.’

આહાહા! એક કરોડ બોલતાંની સાથે એમના લટકેલાં મોં જોવાની મને કેટલી મજા આવત? જ્યાં મને જ નથી ખબર, કે મેડલ કેટલાનો આવે કે એમાં સાચું સોનું કેટલું હોય ને ખોટું કેટલું, ત્યાં આ લોકોને તો શું ભાન પડવાની? ફેંકવામાં આપણું શું જાય? આટલાં વરસો મેં કેટલો જીવ બાળ્યો છે, લોકોનાં મેડલો ને સર્ટિફિકેટો ને ફોટાઓ જોઈને, તે એ લોકોને શું ખબર? આજે જ્યારે મારો વારો આવ્યો છે તો પછી, મોટો જ આંકડો કેમ ન બતાવું? થોડા દિવસો તો મને ભૂખેય ન લાગત ને ઊંઘ તો શાની આવત? ભલે ને, મેં કેટલીય વાર ઘરનાંને ભૂખ્યા રાખ્યાં હશે, કે એમની ઊંઘ ઉડાડી દીધી હશે પણ આ જીતની ભૂખ ને ઉજાગરાની તો વાત જ ન્યારી! મારા સાસરામાં ને પિયરમાં જોકે, બધાંને એકસરખી જ નવાઈ લાગત, કે મોં પરથી માખ ન ઉડાડનારને આ ગોલ્ડ મેડલ આખરે મળ્યો કઈ રીતે? ઘરમાં વેલણ, ધોકા ને કલમ સિવાય ક્યારેય જેના હાથમાં કંઈ શોભ્યું નથી એણે વળી બેટ ક્યારે પકડ્યું? હવે, જો મને મેડલ મળ્યો હોત, તો મને તો એમના હાવભાવ જોવાની મજા જ પડત કે નહીં? અને આ મેડલ જેમના માટે મેં ખાસ જીત્યો હોત, તે મારા પતિને બતાવવાનો ને હરખાવાનો મોકો હું છોડત?

‘લો, બહુ કહેતા ને કાયમ, કે આ બે ચાર લેખ લખવાથી તારો દા’ડો નથી વળવાનો કે ઉધ્ધાર નથી થવાનો, તે જુઓ આ મેડલ લાવીને મેં સાથે સાથે તમારોય ઉધ્ધાર કરી નાંખ્યો. કોઈ દિવસ અમને ઓછા તો આંકવાના જ નહીં. મનમાં એક વાર ઝનૂન ચડે ને, તો આ પાર કે તે પાર કરીને જ રહીએ, તે તમે ક્યાં નથી જાણતા? હવે બોલો, હવે તમારે કંઈ કહેવું છે? આખો ને આખો એક કિલોનો સોનાનો મેડલ જ લાવીને મૂકી દીધો કે નહીં? (ધારવાનું હોય એટલે એક કિલો ઓછાથી સોનું ધરાય? નહીં જ વળી.)

અને પતિ મહાશયની બોલતી બંધ થઈ જાત એનાથી મોટો મેડલ મને બીજો કયો મળત? ધારો કે, કોઈ વાર આવો મેડલ સાચે જ મળી જાય તો? મારા માટે એકાદ શુભેચ્છા સંદેશ મોકલજો પ્લીઝ.


બાળવાર્તા: ભારતીબેન ગોહિલ
bhartibengohil65@gmail.com


પાલી…પાલી..રમવા જઈશું..?

એક મજાની વાડી. વાડીમાં નાનકડી ઝૂંપડી. ને આ નાનકડી ઝૂંપડીમાં ભોલુ અને ગોલુ તેના મા-બાપ સાથે રહે. આ પરિવારમાં એક નાની એવી બકરી પણ રહેતી. સૌએ તેનું નામ પાડેલું પાલી. આ પાલી પરિવારમાં બધાંની વ્હાલી ! સૌ તેની બહુ કાળજી રાખે. નજરે જોતા તે કહેતા કે જીવાને બે નહીં ત્રણ સંતાન છે. ભોલુ-ગોલુ ને ત્રીજી પાલી !

જીવો અને તેની પત્ની વાડીનું દરેક કામ સંભાળે. એમાંથી જે કંઈ આવક થાય તેમાંથી પરિવારનું ગુજરાન ચાલે ને વાડીના માલિકને પણ તેનો ભાગ મળે તેથી વાડીનો માલિક પણ ખુશ ને જીવો પણ ખુશ !

ભોલુ-ગોલુ હજુ નાના હતા. મા-બાપ વાડીમાં કામ કરતાં હોય ત્યારે તે ઝૂંપડીની આજુબાજુમાં જ પાલી સાથે રમ્યા કરતા. થોડો સમય પસાર થયો. બન્ને થોડા મોટા થયા. હવે તે ઝૂપડીથી થોડે દૂર જતા થયા. પાલી ત્યાં ચારો ચરતી ને પાણી પીતી. ભોલુ-ગોલુ પોતાના મિત્રો સાથે ગિલ્લીદંડો, પકડદાવ, મીનીઠેકામણી કે સંતામણી દા જેવી રમતો રમતા અને સાંજ પડતા જ પાછા ઝૂંપડીએ આવી જતા.

એક સમયની વાત છે. ઉનાળાના આકરા તાપ પછી ચોમાસુ આવી પહોંચ્યું.કેટલાય દિવસ સુધી વરસાદ પડ્યા પછી ધીમે ધીમે વાતાવરણ ચોખ્ખું થતું જણાયું. ભોલુ-ગોલુને થયું કે હમણાંથી રમવા જવાયું નથી.આજે તો તડકો નીકળી ગયો છે તો મિત્રો સાથે મળીને રમત રમીએ.

તે બન્નેએ હંમેશ મુજબ પાલીને પૂછ્યું, “પાલી પાલી રમવા જઈશું? ઊંચે ડુંગરે ચડવા જઈશું?

સાંભળીને પાલી જાણે હા પાડતી હોય તેમ બેં…બેં….કરતી આગળ ચાલવા લાગી.રસ્તામાં બીજા મિત્રો પણ રાહ જોતા હતા.ધીમે ધીમે કરતા આઠ-નવ જણાની ટોળી થઈ ગઈ ને ઉપડી નદીનાં સામે કાંઠે આવેલ ડુંગર પાસેના મેદાનમાં. સુંદર મેદાનમાં સૌ મસ્તીથી રમવા લાગ્યા ને પાલી તો મનગમતો ચારો ચરવામાં મશગૂલ થઈ ગઇ.

સૌ મન મૂકીને એટલા રમ્યા..એટલા રમ્યા કે કલાકો પસાર થઈ ગયા તેની કોઈને ખબર પણ ન રહી. કલાકો જ નહીં ચોખ્ખા ચણાક આકાશમાં કાળાં કાળાં વાદળાં છવાઈ ગયા તેની પણ કોઈને ખબર રહી નહીં ને ટપ.ટપ..કરતા છાંટા માથા પર પડ્યા ત્યારે યાદ આવ્યું કે સૌના ઘર દૂર છે..વચ્ચે નદી પસાર કરવાની છે.

હવે સૌ ઘરે જવા ઉતાવળા થયા.ચાલવાથી નહીં પહોંચાય એમ વિચારી મુટ્ઠીઓ વાળીને માંડ્યા દોડવા..માંડ્યા દોડવા..જોતજોતામાં નદી પાસે પહોંચી ગયા.ત્યાં અચાનક ભોલુને યાદ આવ્યું. કહે, “ગોલુ..ગોલુ…પાલી ક્યાં?” ગોલુએ પાછળ જોયું તો પાલી નહીં. તેણે ચિંતાથી કહ્યું, “ભોલુ.. પાલી તો નથી આપણી સાથે.” ને બન્ને ભાઈઓ ઉદાસ થઈ ગયા.વરસાદ વધતો જતો હતો.એક મિત્ર બોલ્યો, “ભોલુ.. નદીમાં પાણી વધી જશે તો આપણે અહીં જ અટવાઈ જશું. પાલીને અહીં જ રહેવા દે.. આવતી કાલે લઈ જઈશું.”

પાલીને છોડીને જવાનું ભોલુ ને ગોલુ તો વિચારી જ ન શકે. ભોલુએ કહ્યું, “તમે બધા થોડીવાર અહીં જ ઊભા રહો.હું હમણા જ પાલીને લઈને આવું છું.” કોઈના જવાબની રાહ જોયા વગર ભોલુએ તો દોટ મૂકી ડુંગર તરફ. આંખો પર પડતાં વરસાદનાં ટીપાં લૂછતો જાય ને પાલી..પાલી કરતો જાય. ત્યાં સામે પાલી દેખાઈ. ભોલુ તો દોડીને તેની પાસે પહોંચી ગયો ને ભેટી પડ્યો ! બન્ને ભીંજાતા ભીંજાતા નદી કાંઠે આવી પહોંચ્યા.

વરસાદને કારણે નદીમાં પાણી વધી ગયું હતું. સૌ ચિંતામાં પડી ગયા.થાય કે હવે શું કરીશું? સામે કાંઠે કેમ જઈશું? નાનકડો કિશન તો રડવા પણ લાગ્યો કહે મને તો પાણીની બહુ બીક લાગે છે. ભોલુએ તેને સમજાવીને શાંત પાડ્યો ને કંઈક રસ્તો વિચારવા લાગ્યો. મિત્રો ઉપરાંત તેની એક જવાબદારી વધુ હતી. એ હતી પાલી. તેને પણ સાથે લઈ જવાની હતી.

ગમે તેમ પણ ભોલુ હતો હિંમતવાળો ! કોઈ મુશ્કેલી વખતે ડરવાને બદલે તેમાંથી રસ્તો કેમ કરવો તેની તેનામાં સારી એવી સમજ હતી.તે ચારેબાજુ ધ્યાનથી જોવા લાગ્યો.એક જગ્યા એવી હતી જ્યાં નદી થોડી સાંકડી હતી. ભોલુ બધા મિત્રોને ત્યાં લઈ ગયો.પછી બધાને કહે કે તમે એકબીજાના હાથ મજબૂત રીતે પકડી રાખો.. પાણીનું દબાણ આવે તો પણ હાથ છોડશો નહીં.

બધાએ તે પ્રમાણે કર્યું ને એક પછી એક ધીમે ધીમે પાણીમાં ઉતર્યા. બન્ને કાંઠાને જોડતી લાઈન થઈ ગઈ. છેલ્લે રહ્યો ભોલુ. ભોલુએ પોતાના નાનકડા ખભા પર બકરીને ચડાવી. એક હાથથી તેને મજબૂત રીતે પકડી લીધીને પાણીમાં ઉતર્યો. બીજા હાથ વડે પોતાના મિત્રોનો સહારો લેતો ગયો ને આગળ વધતો ગયો. એમ કરતાં કરતાં મહામુસીબતે તે સામે કાંઠે પહોંચ્યો. પાલીને હળવેથી નીચે ઉતારીને એક પછી એક પોતાના મિત્રોને બહાર ખેંચતો રહ્યો. ધસમસતા પ્રવાહને કારણે ખૂબ તકલીફ પડી પણ બધા સલામત રીતે બહાર નીકળી ગયા.

સૌએ ભેગા મળીને ભોલુને શાબાશી આપી. કહેવા લાગ્યા કે તારી હિંમત અને સૂઝથી જ આપણે સૌ સલામત રીતે નદી પાર કરી શક્યા. અમને પણ શીખવા મળ્યું કે મુશ્કેલી વખતે ડરીને બેસી રહેવા કરતા હિંમતથી તેનો સામનો કરવો જોઈએ.

બધા તો ખુશ હતા જ પણ સૌથી વધુ ખુશ ભોલુ હતો કેમકે બધાએ સલામત રીતે નદી પાર કરી હતી અને પોતાની વહાલી પાલી પણ પોતાની સાથે જ હતી ! પછી તે પાલી પાસે ગયો અને તેને ચીડવતો હોય તેમ કહેવા લાગ્યો, “પાલી… પાલી… ફરવા જઈશુ..? ઊંચે ડુંગરે ચડવા જઈશુ..?” ને પાલી જાણે વરસાદથી ડરી ગઈ હોય તેમ માથું ઘૂણાવતી ઘૂણાવતી ના પાડવા લાગી. ને બેં…બેં…કરતી ચાલતી થઈ….પોતાની ઝૂંપડી તરફ…!


વાર્તાવૃંદઃ ડો. જિજ્ઞાસા છાયા ઓઝા
jigna_oza@rediffmail.com


ગાંઠ

“સન્નારી ગૃપ”ની આજે કિટી-પાર્ટી હતી. લોપા, રચના, દીપા, માલતી અને છાયા, વલ્લરીના ઘરે, બારણું ખૂલે તેની રાહ જોતાં ઊભા હતાં. ત્યાં રજની, રોમા અને માણેક પણ આવી પહોચી ગયા. વલ્લરીએ દરવાજો ખોલ્યો. લોપાએ નોંધ્યું કે વલ્લરીના ચહેરા પરનો થનગનાટ ગાયબ હતો પરંતુ લોપાને થયું કે આજકાલ મહેમાનોની અવરજવર અને ચાહનાનાં લગ્નની તૈયારીને કારણે થાકી ગઈ હશે.

બધી જ સખીઓ દિવાનખંડમાં ગોઠવાઈ. વલ્લરીએ પિન્ક અને પર્પલ રંગના સંયોજનથી ખંડની સજાવટ કરેલી. સજાવટમાં વલ્લરીને કોઈ મ્હાત કરી શકે તેમ હતું નહીં. તેની આર્કિટેક્ચરલ સૂજબૂઝ અનેરી હતી. બધા વલ્લરીની સજાવટ અને ડ્રેસિંગ સેન્સના વખાણ કરતાં હતાં ત્યાં કાશીબા ગરમાગરમ સરગવાનો સૂપ તેમજ ગોલ્ડન ટીક્કીના સ્ટાર્ટર સાથે પ્રવેશ્યા. રજની એ પણ નોંધ્યું કે દરેક વખતે કલશોર કરતી અને અતિશય આગ્રહ કરતી વલ્લરી આજે જડવત હતી. રજની એ છાયાને ઠોંસો મારી ઈશારો કર્યો. છાયા થોડી બટકબોલી હતી તેણે વલ્લરીને મોં પર જ પૂછી લીધું કે શું અમારું આગમન તને ગમ્યું નથી? કે પછી થોડા દિવસોમાં તારી સ્વતંત્રતા ઝૂટાવાઈ જવાની છે એટલે લૂલી સિવાઈ ગઈ છે? વલ્લરીની આંખમાંથી આસું સરી પડ્યું. ત્યાં તો દીપા, માલુ, રચુ બધાંજ વલ્લરીને ઘેરી વળ્યાં અને લગભગ સાથે જ બોલી ઊઠ્યાં. શું થયું અમારી પરમ મિત્રને?

વલ્લરી તો હિબકે ચડી ગઈ. લોપાએ મોબાઈલ હાથમાં લઈ પૂછ્યું, “કરું વિક્રાંતને ફોન? કાશીબા પણ હાફળાં-ફાંફળા થતાં પાણી લઈને દોડી આવ્યાં. ખબર નહી બેનને શું થ્યું છે. પરમદિવસથી બસ આમ ગુમસુમ જ ફર્યા કરે છે. આખા ગૃપમાં માણેક સૌથી કોઠાડાહી હતી. તેણે ઈશારાથી બધાને ચૂપ રહેવા કહ્યું અને વલ્લરી સામે જોઈને બોલી “માય ડીયર, સ્માઈલ પ્લીઝ” શું થયું? વિકી એ કઈ કહ્યું? ચાહને? અરે યાર, ચીયર અપ! તને તો પ્રમોશન મળવાનું છે, સાસુમાં બનશે મારી લાડો!” લાખ મનામણાં પછી વલ્લરી એ મોં ખોલ્યું. ચિનાર ગયા રવિવારે આવેલી, મને તે દિવસે ખબર નહીં પણ એવું ફીલ થયું કે એ મને ટકોર કરતી હોય, રજ્જુ એ અધવચ્ચેથી પૂછ્યું-“ મીન કે તે ખૂબ જ હોશિયાર અને તું ગમાર? ના, ના સાવ એવું નહી પણ.. વલ્લરી એ જવાબ આપ્યો. તો? રચના બોલી ઊઠી.

વલ્લરીએ માંડીને વાત કરી અને કહ્યું મને એવું લાગે છે કે તે એટીટ્યુડ બતાવી રહી છે! ત્યાં જ છાયા એ છણકો કર્યો “હાઉ ડેર શી? વલ્લરીની આસપાસ બેઠેલી મંથરાની ફોજે કાન ભંભેરણી શરૂ કરી દીધી અને એજ સમયે વલ્લરી એ ગાંઠ વાળી લીધી કે હવે તો હું છું અને ચિનાર છે! એટલામાજ વલ્લરીનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર ચિનાર નામ ઝળકતું હતું.

લોપાએ મોબાઈલ ઉઠાવ્યો અને નિર્લેપતાથી કહ્યું” ડીયર, શી ડોન્ટ વોન્ટ ટુ ટોક વિથ યુ અને ફોન કાપી નાખ્યો. એક કાતિલ સ્મિત સાથે આઠ ચોટલા પોતપોતાના ઘરે ગયા.

એ બધા ગયા એટલે વલ્લરી એ પહેલું કામ રજ્જુ ના કહેવા પ્રમાણે કર્યું. ચિનારે પસંદ કરેલાં ચણિયાચોળીથી લઈને સજાવટ સુધીનું બધું જ કેન્સલ કરાવી પોતાની પસંદનું કરવી નાખ્યું. સંગીત સંધ્યાનો દિવસ આવી ગયો. ચિનારે ચણિયાચોળી તેમજ આભૂષણોનું બોક્સ ખોલ્યું. એ ડઘાઈ ગઈ. એણે પસંદ કરેલી કોઈ જ જણસ એમાં ન હતી. તેણે મુનીમકાકાને ફોન કર્યો તો મુનીમકાકા એ કહ્યું “દીકરી, ખબર નહીં, પણ બેને જાતે ફોન કરી આ બધું ચેન્જ કરાવ્યું છે. ચિનારે ખૂબજ મેચ્યોરિટી બતાવી જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ રાત્રે રાતરાણીની જેમ વાતાવરણ મહેકાવવા આવી પહોચી. એને જોઈ બધી જ મંથરાઓના દિલમાં તેલ રેડાયું.

વલ્લરીના મુખ પર વિજયી સ્મિત ફરકી ગયું. રજ્જુએ મારેલી આંખ અને લોપા એ કરેલ થમ્બ અપનો ઈશારો ચિનારથી છાનો ન રહ્યો. તેને અંદાજો આવી ગયો કે મમ્મી તો નિમિત્ત માત્ર છે, ખેલ તો આ વામણી વામાઓનો છે. તે ધીમેથી ચાહન પાસેથી છટકી વલ્લરી પાસે સરકી. વ્હાલથી ગળે વળગતાં બોલી, માય લવલી મોમ, લૂકિંગ ગોર્જીયસ! મા! તમે પસંદ કરેલાં આ ચણિયાચોળી બેનમૂન છે! તમારી સરપ્રાઈઝ મને ગમી, લવ યુ, મા. વલ્લરી ચિનાર સાથે આંખ ન મેળવી શકી. સંગીત સંધ્યા પૂર્ણ થઈ બધા પોતપોતાને ઘરે ગયાં, વલ્લરી પણ. તે પથારીમાં પડી પણ તેની આંખોથી ઊંઘ જાણે કે ઊડી ગઈ. તેનું મન જાણે તેને કોસી રહ્યું હતું.

ચિનારને વાજતેગાજતે ઘરે લાવ્યા ને ફોઈજી નો અવાજ કાને પડ્યો “ચાલ હવે મૂહર્ત વિતી રહ્યું છે” પોંખ વહુને અને હા ગાલે ચિમટો ખણજે બરાબર! આપણાં કૂળનો રિવાજ છે રિવાજ ! ને વલ્લરી ભૂતકાળમાં સરી પડી. ચિનારની જગ્યા પર જાણે પોતે ઊભી હોય! ત્યારે દાદીજી કાંઈ આવું જ બોલેલાં પણ.... પણ બાએ કીધેલા શબ્દો એના કાનમાં ગુંજવા લાગ્યાં. “અરે, મારી દીકરી છે બા, ઇનો કાન ખેચીશ તો ઉજરડો મારા ગાલ પર પડશે! પારકાં ઘરની હતી હવે તો એ મારી લાડો ને હું એની મા !” એમ કહી બાએ મને છાતીસરસી ચાંપી દીધેલી ને જીવ્યાં ત્યાં સુધી ડગલે ને પગલે મને એટલી તો સાચવેલી કે હું પીયરને પણ ભૂલી ગયેલી.

વલ્લરી તંદ્રા માંથી જાગી. તેને ફરી મનમાં ગાંઠ વાળી. ચિનાર - ચાહતને પોંખી, નજર ઉતારી, ચિનાર પાસે ગઈ. ચિનારને થયું હમણાં મારો ગાલ આમળશે પરંતુ વલ્લરી એ પ્રેમથી ‘મારી લાડો’ કહી છાતીસારસી ચાંપી દીધી. ને ઈડરિયો ગઢ જીત્યાં...ના નાદમાં મા-બેટીનું મિલન વિક્રાંત અને ચાહન જોઈ રહ્યાં. ચંડાળ ચોકડી ત્યાંથી કયારે સરકી ગઈ તેની ખબર ન રહી.

રૂગ્ણાંલયઃ ડો ગ્રીવા માંકડ
info@homeoeclinic.com

ઓટીઝમ- એમને સમજીએ અને સમ્માન આપીએ

બાળરોગ નિષ્ણાંત તબીબને કોઈ માતાપિતા પૂછતાં હોય છે કે અમારું બાળક અન્ય બાળકોની જેમ ચંચળ અને ચપળ કેમ નથી? નિદાનરૂપે અમુક વખત ખ્યાલ આવે કે એનું કારણ, બાળક ઓટીઝમ ડીસોર્ડર છે.

18 જૂન એ ઓટીસ્ટિક પ્રાઈડ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં ઓટીઝમ સંદર્ભે જાગૃતિની સાથે સાથે એ સમસ્યાને અનુભવતું દરેક બાળક અને ખાસતો તેના માતા પિતા સમાજમાં પોતાની ઓળખને ગર્વભેર ઉજવી શકે એ હેતુ સાકાર થાય એ માટે વર્ષ ૨૦૦૫થીઆ દિવસ ઉજવાય છે. હવે આ ઓટીઝમ છે શું એ વિષે સમજી લઈએ

બાળક ઓટીસ્ટિક હોવું એટલે એ બાળકમાં સંભાષણ ક્ષમતાનો અભાવ (difficult comprehension હોવો. એટલે કે આ ખામી ધરાવતા વ્યક્તિને તેઓ જે જુએ, સાંભળે તેને યોગ્ય રીતે સમજવામાં અવરોધે છે. આ ખામી મગજ દ્વારા થતા માહિતીના પૃથ્થકરણના માર્ગને અસર કરે છે. જેને ઓટીઝમ સ્પેક્ટ્રમ ડીસઓર્ડર્સ પણ કહેવાય છે. આને કારણે તે વ્યક્તિને સામાજીક સંબંધો, પ્રતયાયન અને વર્તણૂંકની અનુભૂતિમાં મુશ્કેલીઓ પડે છે. તેમજ ખૂબ સામાન્ય કૌશલ્યનો અભાવ, ઓછીબૌધ્ધિક ક્ષમતા ધરાવે છે. વિશ્વની વસ્‍તીના ૧ ટકા લોકો ઓટીઝમ ડીસોર્ડર ધરાવે છે. બાળક ૩ વર્ષનું થતા સુધીમાં ઓટીઝમના લક્ષણો ઓળખાઈ જાય છે. આ સ્‍થિતિ છોકરાઓમાં છોકરીઓ કરતા ૪ થી ૫ ગણી વધુ જોવા મળે છે.

ઓટીઝમના લક્ષણ

બાળક ભાષા ન સમજી શકે જેથી વાતચીતમાં તકલીફ પડે

બોલી શકે છતાં વાર્તાલાપમાં ભાગ ન લઇ શકે

મૌખિક અને અમૌખિક કોમ્‍યુનિકેશનમાં મુશ્‍કેલી થવી

હાથ વડે કે ચહેરા દ્વારા હાવભાવ દર્શાવવામાં તકલીફ પડે

બાળક અંતર્મુખી હોય છે, સામાજીકરણમા મુશ્‍કેલી થવી, તેમજ આસપાસની ગતિવિધી પર ધ્યાન ન આપી શકે,જેથી વધુ મિત્રો બનાવવામાં અસક્ષમ રહે

એક ને એક પ્રવૃતિમાં સતત રહેવું,

નિયમિત કરતા અસંગત હોય તેવા વાતાવરણમાં એડજસ્ટન થઈ શકે, જેમ કે ઘરની વસ્‍તુની ગોઠવણી, જમવાના સ્‍વાદમાં ફેરફાર જરા પણ ન ગમે,

નકામી વસ્‍તુઓથી સતત રમવુ. જેમ કે ચપ્‍પલ, કપડાનો ડૂચો, કાગળના ટુકડાઓ વગેરે

ખૂબ મર્યાદિત પ્રવૃતિ અને રસરૂચિ હોવી,

એકસપ્રેસ ઓછું કરી શકે છે અને આઈ ટુ આઈ કોન્‍ટેકટ નબળો જોવા મળે છે

અભિવ્યક્તિના અભાવે ક્યારેક હિંસક બની તોડફોડ કરે

બાળકસંભવિત ઓટીસ્ટિકહોઈ શકે છે એ નીચે મુજબના લક્ષણો પરથી વહેલો જ ખ્યાલ આવી શકે :

 • એક વર્ષનું થતા સુધીમાં બાળક હોંકારો દઈ ન શકે કે દોઢ વર્ષનુંથાય ત્યાં સુધીમાં એકાદ અક્ષર બોલી ન શકે
 • એક વર્ષનું થતા સુધીમાં જો બાળક પોતાના હાથ વડે કોઈ ભાવ દેખાડી ના શકે
 • બે વર્ષનું થતા સુધીમાં ૨ શબ્દનું ટૂંકું વાક્ય ન બોલી શકે અથવા બીજા દ્વારા બોલાયેલ શબ્દ જ વારંવાર બોલ્યા કરે
 • આઈટુ આઈ કોન્ટેક્ટ ના કરીશકે કે લાંબા સમય સુધી સામે એક જગ્યા એ ના જોઈ શકે
 • ચહેરાથી હાવભાવ ન દર્શાવી શકે અથવા સામેની વ્યક્તિના ભાવ સામે વળતા હાવભાવ ન આપી શકે
 • ઓટીઝમસામે લડવા માટે કોઈ દવા ગોળી નથી.આલક્ષણોની જાણ સમયસર થાય તો યોગ્ય સારવાર વડે ઉપચાર થઈ શકે છે જેમાં અલગ અલગ જાતની થેરાપી આપવામાં આવે છે જેમાં બાળકનાં વ્યવહારને સુધારવાનો તેમજ આસપાસનાં વાતાવરણમાં તેમને રસ પડે તેવા પ્રયાસો કરવામાં આવે છે. તેમજ બાળકનાં બૌધ્ધિક વિકાસ માટેનાં ઉપચારો કરવામાં આવે છે. ઘણી વખત ઓટીઝમગ્રસ્ત દર્દીને સમયસર ઉપચાર આપવામાં આવે તો સામાન્ય લોકો કરતા વિશેષ કાબેલિયત પણ બતાવતા હોય છે.

  કોઈ બાળકમાં ઓટીઝમનાં લક્ષણો જોવા મળે ત્યારથીજ જાગૃતિ કેળવી એના ઉપાયો તેમજ એ બાળક પ્રત્યેના અભિગમમાં યોગ્ય ફેરફાર કરી લેવો પડે. ખાસ કરીને ઓટીસ્ટિક બાળકને એના માતા પિતા કે નજીકની વ્યક્તિ દ્વારા મળતા હૂંફ ભર્યા સંબંધ અને ઘરમાં પ્રેમસભર વાતાવરણની સીધી અસર એ બાળકના ઓવારોલ્લ વિકાસ માટે અગત્યનો ફાળો ભજવે છે. ઘરમાં જ એ બાળકનો બૌદ્ધિક, સામાજિક કે માનસિક વિકાસ થઇ શકે એવુંવાતાવરણ મળી રહે એ માટે રમત રમતમાં નવા શબ્દોનો ઉપયોગ કરવો જેથી બાળક નવા શબ્દો શીખી શકે. રમત ગમત અંગે યોગ્ય શિક્ષણ અપાય, બોલ ચાલમાં નાના વાક્યોનો ઉપયોગ કરવો, બાળક કંઇક નવું શીખેતો તેને પ્રોત્સાહિત કરવુ, માનસિક તણાવથી દૂર રાખવું, વગેરે જેવી પ્રવૃતિ કરી શકાય છે. જાણ્યે અજાણ્યે ઓટીસ્ટિક બાળકએના માતા પિતા દ્વારા જ અન્ય બાળક સાથે પોતાની સરખામણીનો સતત ભોગ બનતું હોય છે, જે ભૂલ ભરેલ છે. એ બાળકની હોમીઓપેથીક સારવારની સાથે સાથે તેના પેરેન્ટ્સનું અલગથી કાઉંસેલિંગ કરવાનું થતું હોય છે.

  સાથે સાથે હોમીઓપેથી, આયુર્વેદા કે મ્યુઝિક થેરપી જેવી ઓલ્ટરનેટિવ ચિકિત્સા પદ્ધતિનો શરૂઆતથી જ જો સહારો લીધો હોય તો બાળકના સર્વાંગી વિકાસમાં ખૂબ સફળ પરિણામ મેળવી શકાય છે. એટલું જ નહિ પણ એ ઓટીસ્ટિક બાળક મહદઅંશે સામાન્ય કહી શકાય એવી જ મનઃસ્થિતિ તેમજ વર્તણૂકધરાવે અને ભવિષ્યમાં પગભર થઇ શકે એવી અનુકૂળતા પ્રાપ્ત કરવા સક્ષમ બની શકે છે. ક્લિનિકમાં જ ઘણા કેસમાં હોમીઓપેથીક સારવારની સાથે એ બાળક માટે એની પ્રકૃતિને સમજીને જ ખાસ તૈયાર કરાવેલ મ્યુઝિક ચોકકસ સમયે સાંભળવાઆપવાથી એ બાળકના વિકાસમાં નોધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

  યાદ રહે કે ઓટીસ્ટિક બાળક એ માનસિક વિકલાંગ નથી કે મંદબુદ્ધિ પણ નથી, એ ખાલી અન્ય બાળક કરતા ભિન્ન છે.એની ભિન્નતાને એના માતા પિતા સ્વીકારશે તો એ બાળક સમાજને સ્વીકારવા સક્ષમ બનશે.


  નાની નિનિઃ કુંજલ પ્રદીપ છાયા
  kunjkalrav@gmail.com

  પડી - આખડીને મોટા થવાય

  નિનિનાં મમ્મી રસોડાંમાં ઢાંકોઢૂંબો પતાવી જરાવાર આડે પડખે થયા. આખા દિવસની ધમાલમાંથી થાક લાગે છે, હજુ કેટલુંય કામ બાકી પણ બપોરે સહેજ આરામ કરી લઉં, એવું વિચારતે હજુ એમની આંખો ઘેરાણી. આવતીકાલથી સાતમ આઠમની રજાઓ પડવાની હોવાથી કેટલાંય નાસ્તા, ફરસાણ અને મિઠાઈઓ બનાવ્યા હતાં. બપોરની ચાળે કામવાળી વાસણ માંજીને ગઈ અને એમણે લૂછીને ગોઠવ્યાં. પછી કામ આટોપીને જરાવાર વાંસો ચાંપવાનો સમય મળ્યો ત્યાં જ લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી.

  સામે છેડેથી સમાચાર મળ્યા કે તમારી બેબી સ્કુલમાં પડી ગઈ છે અને રિક્ષામાં એને હોસ્પીટલ લઈ ગયા છીએ. એક ધ્રાસ્કે એમણે હોસ્પીટલનું સરનામું પૂછ્યું. ફોન મૂકીને તરત જ નિનિનાં પપ્પા અને નાનીબાને જાણ કરી. સૌ નિનિ પાસે તાત્કાલિક પહોંચી ગયાં. અને જમણાં હાથનાં કાંડાં પર પ્લાસ્ટર મરાવેલ નિનિ બેનને ઘરે લાવ્યાં. હજુ તો ઘરમાં પ્રવેશ્યાને તરત જ તેણે નાનીબાને પૂછ્યું.

  નિનિઃ નાનીબા, ગોળપાપડી ક્યાં?
  નાનીબાઃ આલે.. લે.. નિન્કુ બા.. તો જુઓ! એક મોટો લાડુ ખાઈને બેઠાં ત્યાં હવે ગોળપાપડી યાદ આવી.
  નિનિઃ સવારે ઉઠી ત્યારે જ મમ્મીએ કહ્યું’તું કે સ્કુલેથી આવીશ ત્યાં સુધીમાં નાનીબાએ ગોળપાપડી બનાવી રાખી હશે.
  નાનીબાઃ ઓય મારી દીકુડી… મીઠડાં લઉં તારા તો…. હું જલ્દી જલ્દીમાં ભૂલી જ ગઈ હો.. ખમને અબઘડી આપું.

  એજ સમયે નાનીબાએ રસોડામાં જઈને ઘઉંનો લોટ, ઘી અને ગોળ લઈને લોયાંમાં ગરમાગરમ સુખડી શેકવા લાગ્યાં. નિનિબેનને વાટકીમાં તાજો શેકેલ માવો આપ્યો. ત્યાં તો નિનિએ નવી ફરમાઈશ મૂકી.

  નિનિઃ સેવમમરા ક્યાં? ગોળપાપડી ભેગા ખાવા છે.

  આખો દિવસ નિનિએ બધાંને ચિંતામાં દોડાવ્યાં હતાં. સૌ એની નિર્દોશ માંગણી સાંભળીને ખડખાટ હસી પડ્યાં. વાટકી ભરીને સેવમમરા સાથે સુખડીનું ચોસલું નિરાંતે નિનિએ આરોગ્યું.

  નાનીબાઃ ચાલ, હવે કેહ તો ખરી કે કેમની નિન્કુ બાઈ ગબડી પડી?
  નિનિઃ અરે, એ તો હું ને મિની, પાળીએ બેસીને નાસ્તો કરતાં હતાં. ડબ્બાનું ઢાંકણું નિચે પડ્યું…. પછી હું….
  નાનીબાઃ એ તો પડીએ આખડીએ અને મોટાં થવાય…. બરાબરને?

  નિનિએ ચાગ કરતે બધાંને વાત કરી. વહાલ કરીને નાનીબા એમનાં ઘરે ગયાં અને નિનિ બેનએ પથારીમાં લંબાવ્યું. એક હાથે પાટાપિંડી બંધાવેલ નિનિએ નિરાંતે નાસ્તો કર્યો. દુખાવાની દવાઓમાં ઘેન હોવાથી એને તરત જ ઉંઘ આવી.

  નિનિઃ આમને આમ કેટલા દિવસ હાથ બાંધી રાખવો પડશે?

  હજુએ બીજો એક દોઢ મહિનો તો આમ જ હાથ ઝાલીને બેસવાનું છે એવા સમાચાર મળતાં જ એ વધુ ઢીલી પડી.. સવારે જાગીને તેણે ભેંકડો તાંણ્યો. વળી પપ્પા - મમ્મીએ એને સમજાવી. બપોરે નાનીબાએ એને મજાની વાર્તાઓ અને અલકમલકની વાતો કરીને ફોસલાવી. ઓચિંતું એક રાતે સૂવા પહેલાં એણે મમ્મીને પૂછ્યું.

  નિનિઃ હું સ્કુલે ક્યારે જઈ શકીશ?
  નિનિનાં મમ્મીઃ તને એકદમ ઓકે થઈ જાયને પછી.
  નિનિઃ ના મમ્મી મારે સ્કુલે જવું છે. હું બોર થાઉં છું. કોઈ ફ્રેન્ડ્સને પણ મારી માટે ટાઈમ નથી.

  નિનિને આ રીતે કંટાળતાં જોઈને જરા એનાં મમ્મી પણ મૂંઝવણમાં પડ્યાં. એ હકિકત જ હતી કે એની કેટલીક શેરીની નાની બહેનપણીઓ ઢીંગલીઓ અને ટેડીબેર સાથે રમવાની લાલચે થોડીવાર ઘરે આવતી રહેતી. અને ગેરહાજરી વધવાથી નિનિનું હોમવર્ક અને નોટસ પણ પડતાં હતાં.

  નિનિનાં મમ્મી પપ્પાએ ડોકટરની સલાહ લઈને તેની શાળાનાં આચાર્યને વાત કરી. એ લખી ન શકે પણ સાંભળી તો શકે ને? હાજરી એની ન પડે. એવા નિર્ણય સાથે તેની સ્કુલ શરૂ થઈ. પીસ્તાલીસમેં દિવસે પાટો છૂટ્યો અને નિનિબેન તો એન – ઘેન – ડાઈનો ઘોડો છૂટ્ટો એમ વિચારીને મોજમાં આવી ગયાં.

  હાથમાં હજુ જરા ભાર લાગતો હતો. સાવચેતી રાખીને લખવાની છૂટ મળી. એવામાં એક યૂનિટ ટેસ્ટ આવી. કાયમ અવ્વલ આવવાની હોડમાં રહેતી નિનિને આ વખતે પહેલો નંબર આવવાની હોંશ નહોતી. કેમ કે એને લેશન કરતે થોડો દુખાવો રહેતો હતો. તો પણ નિનિબેન પરિક્ષા આપવા સજ્જ થયા. બધાંએ પરિક્ષા ન આપવી કે મેડિકલ સર્ટિફિકેટ આપીને કૃપાગુણ લઈ લેવાની સલાહ આપી. પરંતુ હિમ્મત હારે એ બીજાં!

  પહેલી પરીક્ષા ભાષાની હતી. ઘરે આવીને મમ્મીને વળગીને ખૂબ રોઈ નિનિ.

  નિનિઃ મમ્મી મારાથી પેપર પૂરું ન લખાયું બહુ દુખતું હતું.
  નિનિનાં મમ્મીઃ અરે, મારી બહાદુર દીકરી છો ને? એમ ન રોવાય. ચાલ આરામ કર અને કાલની પરિક્ષાની તૈયારી કર.

  એક એક પરિક્ષા પછી નિનિનો આત્મવિશ્વાસ વધતો ગયો અને પ્લાસ્ટરને લીધે અકડાયેલ હાથ પણ ઘણો હળવો થતો ગયો. પરિણામ આવ્યું કે નિનિ બેન ગુજરાતીમાં કૃપાગુણ બાકી બધાંમાં પાસ.

  નિનિનાં મમ્મી તેનાં વર્ગ શિક્ષકને મળવા ગયાં અને પેપર ફરી ચેક કરવાની વિનંતી કરી.

  નિનિનાં શિક્ષકઃ જુઓ બેન, તમારી દીકરીએ કઈં વધારે લખ્યું જ નથી કે એકાદ માર્ક્સ પણ વધારવાનો અવકાશ રહે.

  નિનિનાં મમ્મીઃ જી, ટીચરજી, તમારી વાત સાચી. બીજી પરિક્ષાઓમાં ધ્યાન રાખશું. આ તો જરા એને હાથામાં…

  નિનિની હાથની પરિસ્થિતિ સૌ જાણતાં હતાં. સાજીનરવી નિનિને ફરીથી ધમાલ કરતી જોઈને સહુએ રાહત લીધી.