નામ એનું રાજુ પ્રકરણ – 4
પ્રકરણ - 4
પિયા કા ઘર પ્યારા લાગે...
સવારમાં ઊઠી અને ધીમે ધીમે કરતાં જયા બહેન પોતાનું રોજિંદુ કામ આટોપી રહ્યાં હતાં એવામાં જ સરયુ બહેન આવે છે અને લાડ કરતાં પોતાની ભાભીને પૂછે છે, તે ભાભી તમે જતા રહેશો તો રાજુને મૂકીને જ જજો હોં, હું છુ તો ખરી એનું ધ્યાન રાખવા વાળી, તમ તમારે ચિંતા કર્યા વગર ભાદરણ જજો. જયા બહેન હવે વાતને યોગ્ય વળાંક આપતાં કહે છે કે ના બહેન એવું ન કરાય, હું અહીં હોઉં અને તમે એને પ્રેમથી રમાડો તે વાત અલગ અને હું મા થઈને આમ હજુ આવડા નાનલા રાજુને તમારે માથે નાંખીને જતી રહું તે વાત અલગ, તે વાત જરાપણ યોગ્ય ન જ કહેવાય. એ તો હું એને મારી સાથે લઈને જ જઈશ અને તમે પણ એમ ક્યાં ભાદરણ દૂર છે, આવી જજો મારી પાસે તમને જ્યારે પણ ઈચ્છા થાય.
બસ આમને આમ દિવસો જતાં છયા બહેનને નવમો મહિનો બેસે છે અને તેઓ ભાદરણ જવાની તૈયારીમાં લાગી જાય છે, રાજુની જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ, પોતાને સુવાવડ આવે તો કોઈને પણ રાજુ માટે થઈને કોઇ વાતે ચિંતા કે કોઈ દોડા દોડી ન રહે એ રીતે સહેજ અમથા શરદી, ખાંસી કે તાવની ગોળીઓ અને રોજનાં કડવાટનાં ઘસારાથી માંડી, રમકડાં અને તેની ગમતી ઓઢણી એમ બધું જ સાથે લઈને તૈયાર રાખ્યું, બસ હવે ઘરનાં લોકો જે દિવસ નક્કી કરે ત્યારે જવાનું જ બાકી હતું.
આજે સવારે જ ચંચળ બા એ જયાને કહ્યું : "જયા, એક કામ કરો આજે બપોરે જંયંતિ જમવા ઘરે આવે એટલે જમવાનું પતાવીને પછી તમ તમારે ભાદરણ જવા નીકળવું હોય તો મૂકી જાય તમને, પછી સાવ છેલ્લા દિવસોમાં જવાનું પણ સારું નહીં.. જયા બહેનને તો પરણીને સાસરે આવ્યા ત્યારથી હા અને ડોકું ધુણાવ્યા સિવાયનો બીજો કોઈ જવાબ આપતાં જ નહોતું આવડ્યું જાણે, ઘરનાં કે ઘર બહારનાં સૌ કોઈ વડીલ કહે તેમ કરવું એમાં જ એમને મજા હતી. તેઓ તૈયારી રાખે જ છે કે બપોરે જમવાનું પતાવીને પિયર જવાનું છે એટલે અગાઉથી જ જમ્યા સિવાયનાં વધારાનાં ઉપર ઉપરનાં વાસણ પણ તેઓ માંજીને તૈયાર થઈ જાય છે, જેથી જમ્યા પછી તરત નીકળવાનું થાય તો વાસણ ઘસવાનું એકસામટું ભારણ પોતાની લાડકી નાની નણંદી પર ન આવી જાય ન તો ચંચળબાને વધારે કામ પહોંચે. બધું પરવારતાં પરવારતાં ક્યારે એક વાગી જાય છે એ જ્યંતિભાઈની સાયકલની ઘંટડીનાં અવાજથી ખબર પડે છે, બીજી બાજુ રાજુનો કોઈ જ કલશોર નથી કારણ એ તો ફળિયામાં આ ઘેરથી પેલા ગેર અને ઘરે ઘર બાંધેલા હિંચકાઓ પર ઝૂલવામાંથી નવરો જ ક્યાં પડે છે, એને તો હજુ રમવા ભમવાનાં જ દિવસો છે ને ? એને તો એ પણ નથી ખબર કે આટલી નાની ઉંમર છે અને તોય એકાદ મહિનામાં તો એ મોટો ભાઈ બની જવાનો છે.
જ્યંતિ ભાઈ ઘરમાં આવીને હાથ પગ મોઢું ધોએ છે, અને જમવા માટે આવે છે, જયા બહેન સરયુ બહેનને અવાજ દઈને રાજુને પણ જમવા માટે તેડી આવવાનું કહે છે, અને રાજુનાં આવતાં જ તેનાં માટે દાળ ભાતમાં સહેજ ઘી ચોળીને એને જમાડતાં જમાડતાં પોતે પણ જમવાનું પતાવી દે છે, રોજ તો જયા બહેન પણ બધાંનું જમવાનું પતે પછી જ જમતાં પરંતુ આજે તો પિયર જવા માટે કામ વહેલું આટોપવાનું હતું ને ? સરયુ બહેનને પણ આજે આટલા વર્ષોમાં આજે ભાભીને ભાઈ સાથે જ જમવા બેસેલાં જોયાં એની નવાઈ લાગી અને પોતાનું કૂતુહલ રોકતાં તો સરયુ ને આજ દિન સુધી ક્યાં આવડ્યું જ હતું ? તરત જ પોતાની ભાભીને આંખો ઉલાળતાં કહે છે.. "વાહ વાહ ભાભલી... તું તો આજે મારી મટીને મારા ભાઈની થઈ ગઈ કાં ? કેમ મારી હારે જમવામાં ભાત મોળો પડ્યો ?" જયા બહેન પોતાની શરમ ને સહેજ રોકી રાખતાં દબાતે અવાજે... 'શું બહેન તમે પણ, તમને ખબર તો છે બા એ કહ્યું છે, કે હમણાં જમવાનું પરવારીને ભાદરણ જવા નીકળવાનું છે.. કેમ આવું પજવો હેં ?'
' ઓહો.... તો એમ વાત છે? આ મારો ભાઈ પણ એટલે જ ભાગોળે દાઢી બાઢી કરાવીને આવ્યો છે નહીં, ભાભીને મૂકવા પોતાની સાસરીમાં જવાનું છે તે તૈયાર તો થવું જ પડે ને નહીં ? તે હેં ભાભી, તમે પાછા ક્યારે આવશો ?' સરયુ બહેન મજાક મજાક તરફથી મુદ્દાની વાત પર આવતાં પૂછે છે.
' તે ક્યારે વળી, આ ડિલીવરી થઈ જાય પછી જ સ્તો ને, તારે એનું શું કામ છે હેં ? ભાભી ભાભી કરીને બિચારીને મનાવી ફોસલાવી બધુંય તારા ભાગનું કામ કરાવી લે છે તું, તે સરયુડી મને નથી ખબર પડતી એમ ના માનતી હોં, રિછુને રાખવાને બહાને આખો આખો દિવસ ફરતી ફરે છે આખા ગામમાં..' જ્યંતિભાઈ પોતાનો બનાવટી રોષ સરયુ બહેનશપર ઠાલવતાં કહે છે.
'શું હવે તમે ય તે, આમ પોતાની બહેન પર કોઈ ક્રોધ કરતું હશે ભલા ?, જુઓ સરયુબહેન, તમે એમની જરા પણ વાત ન સાંભળશો... હું ડિલીવરી માટે જાઉં છું ને તે મારી ડિલીવરી થઈ જાય પછી પંદરેક દિવસ રહીને તો આવી જઈશ પાછી બહુ બહુ તો એકવીસ વાસા... નહીંતર ફરી આવનાર બાળકને પણ તમે ઉપાડી જાવ તો ? મારે તો આવી જ જવું પડે ને સમયસર...' જયા બહેન વાતને સીધે પાટે લાવી ફરી વાતાવરણ હળવું બનાવતાં સરયુ બહેનને યોગ્ય જવાબ આપે છે. આમને આમ જમવાનું પૂરું થાય છે અને બંને નણંદ ભોજાઈ રસોડાનું કામ ફટોફટ આટોપી લે છે અને પછી બાભીને પૂછતાં સરયુ બહેન : ' ભાભી તમારો બધો સાભાન તૈયાર જ છે? લાવો હું રાજુને માથામાં ચકો વાળીને તૈયાર કરી દઉં, પછી પાછો મને કેટલાંય દહાડે મળશે," એમ કહી ભાભીનાં હાથમાંથી રાજુને લઈને સરયુ બહેન એને તૈયાર કરવા બેસી જાય છે.
આ બાજુ જમવાનું પરવારીને જ્યંતિ ભાઈ બહાર પરસાળમાં બેઠેલાં ચંચળ બા પાસે જઈને બેસે છે અને ચંચળબાને કહે છે કે, ' બા ! ખરેખર તમે થાકી તો નહીં જાવ ને ? એકલા પંડ્યે તમારે આ તમારા આખા પરિવારનું એકલે હાથે કામ કરવાનું આવશે તો ? આ સરયુ તો કોઈ કામની નથી.. આખો દહાડો ઓટલા ગણ્યે રાખે છે, અને જયાને તો તમે ઓળખો છો, એને વાંધો નહીં આવે ન જાય તો પણ...' ચંચળ બા જ્યંતિ ભાઈની વાત અધવચ્ચ કાપતાં જ કહે છે કે, 'ના... ના... દરેક સ્ત્રીને પોતાનો અધિકાર મળવો જ જોઈએ.. એનાં પણ કેટલાંક સ્વપ્ના હોય, ઈચ્છા હોય છે, માત્ર કામ કરીને પોતાનો સંષાર નિભાવવો એ જ માત્ર એનું કર્તવ્ય નથી, રાજુને લઇને આવ્યા જયા વહુ ત્યારથી તે ખાલી પ્રસંગોપાત જ પિયર ગયા છે અને એ પણ ક્યારેય રોકાયા સુધ્ધાં નથી પિયરમાં બસ જે કામે કે પ્રસંગે ગયાં હોય, પતાવીને પાછાં જ આવ્યાં છે, હવે આપણી પણ તો ફરજ છે ને કે એને એનાં આરામ કરવાનાં દિવસોમાં આરામ મળે ? અને એ અહીં રહેવિથી તો શક્ય જ નથી તું તો આપણાં ઘરની રીતભાતથી તદ્દન વાકેફ છે, એટલે એ ભાદરણ જાય તો જ તૈમની તબિયત ની બરોબર કાળજી લેવાશે અને એટલે જ મેં આવો નિર્ણય કર્યો છે.' ચંચળબા એ પોતાની વાતને વિરામ આપ્યો. આજથી લગભગ પચાસેક વર્ષ પહેલાં પણ ચંચળબા નાં આટલાં સુધારાવાદી વિચારો હતાં, અને ખરેખર જયા બહેન પણ પોતાની જાતને ધન્ય માનતાં હતાં, કે એમને ખરેખર ઘણું સારું અને પ્રેમાળ સાસરિયું મળ્યું છે. જયા બહેન કામ કરતાં કરતાં અંદર બહારની અવર જવરમાં પણ મા દિકરા વચ્ચે થયેલી સઘળી વાત સાંભળી શક્યાં હતાં અને એમાં ક્યાં કંઇ ખોટું હતું, આટલી સારી સાસરી, સમજદાર અને સુવિચારી સાસુ, અને ઘરમાં જોઈએ એ પ્રમાણેની ફરજ ભાન વાળો પતિ... તો વળી સહેલી જેવી નણંદ પણ ખરી... હજુ એટલેથી પૂરું નથી થતું બે દિયરો પણ તો હતાં... પરંતુ હજુ સમાજ એટલો બધો આગળ નહોતો વધ્યો કે આજના જમાનાની જેમ છડે ચોક દિયર ભોજાઈની સાથે બહુ છૂટથી વર્તતા હોય..... હા અશોક ભાઈ અને ભરત ભાઇ એ બંનેનું વર્તન પણ પોતાની ભાભી સાથે મર્યાદાપૂર્ણ હતું, હા તેઓ બંનેનાં વર્તનમાં જ તેમનો પોતાની ભાભી પ્રત્યેનો પ્રેમ દેખાઇ આવતો... નાની નાની વાતે એ લોકો પણ પોતાની ભાભીનું ખૂબ જ ધ્યાન રાખતાં અને આ સર્વ વાતોનો ઉમંગ જયાબહેનનાં જીવનમાંથી ક્યારેય ઓછો થયો જ નથી. આ બધાં મીઠાં વિચારોમાં ખોવાયેલાં જયા બહેનની તંદ્રા ચંચળબાનાં એમને દીધેલા સાદથી તૂટે છે... ' જયા વહુ હવે બધું પરવારી ગયાં હોવ તો પછી હાલો જવાનું ટાણું છેટું જતું જાય છે પછી તમને મૂકીને જ્યંતિને ઘરે પાછાં ફરતાં રાત પડી જશે.. ચાલો ચાલો જલ્દી કરો..'
'એ હા બા...' આટલું વ્ક્ય પૂરું કરતાં તો જયા બહેન પોતાનાં હાથમાં ભાદરણ જવાની પેટી તૈયાર કરીને આવી ગયા હતાં, ત્યાં જ ચંચળબા જ્યંતિ ભાઇને શીખામણ આપે છે કે, " જો ભાઇ, વહુની પાસે ન સામાન ઊંચકાવશો ન રાજુને એને ઊંચકવા આપશો.... એક તો આટલો ગોળ મટોળ છે એનું વજન પણ સારું એવું વધ્યું છે ક્યાંક વહુને ભાર લાગે અને લેવાનાં દેવા ન થઈ જાય... એટલે પેટી પણ તમો ઊંચકજો અને રાજુને પણ તમે જ તેડી લેજો..' હજુ આટલું ચંચળ બા બોલે ત્યાં તો સરયુ બહેન આવ્યા વચ્ચે... 'એ બા હું જાઉં ભાઈની જોડે ભાભીને મૂકવા ? ભાઈને રાજુને ઊંચકવામાંય મદદ કરીશ અને પછી હું અને ભાઈ બંને સાંજ પડતાં પાછા આવી જઈશું.' ચંચળબાને પોતાની દિકરીની મીઠી લાલચ આગળ નમતું જ જોખવું પડે છે અને તેઓ સરયુ બહેનને પણ પોતાનાં ભાઈ સાથે ભાભીને પિયર મૂકવા જવાની સંમતિ મળી જાય છે.
અશોક ભાઈ પગરિક્ષા વાળાને બોલાવી લાવે છે, અને એક બાજુ સરયુ બહેન, વચમાં જયા બહેન અને બીજી બાજુ જ્યંતિ ભાઈ બેસે છે અને ખોળામાં રાજુને લઈ લે છે..અને ભાદરણ જવા રવાના થાય છે.
ક્રમશ:
શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888