કાલ્પનિક વાસ્તવિકતા - ૧ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૧

કાલ્પનિક વાસ્તવિકતા-ભાગ ૧

-ભાર્ગવ પટેલ

નોવેલ વિષે નવું

મારી આ કૃતિ માત્ર એક નોવેલ નથી, એમાં ઉર્મીઓનો સાદ છે, લાગણીઓનો અગાધ ઉદધિ છલોછલ હિલોળા લે છે, જે માત્ર કાલ્પનિક જ નથી પણ વાસ્તવિકતા સાથે સો ટચની સામ્યતા પણ ધરાવે છે. વ્યક્તિસૂચકતા જેવી પાંચ પ્રકરણમાં પૂરી થતી લઘુકથા સમાન વાર્તાને મળેલા સારા આવકારે આ નોવેલના સર્જનને વિચારોનું આત્મબળ પૂરું પાડ્યું તે બદલ આપ સૌ વાચનવાંછુકોનો ખુબ ખુબ આભાર. આ નોવેલમાં વાત છે એક સગાઇના બંધનમાં બંધાતા યુગલની, જે મધ્યમ વર્ગમાંથી આવે છે પણ બંનેની મહત્વકાંક્ષા આપબળે એક સુખી અને સંપન્ન જીવન જીવવાની છે. જુવાનીનો જોશ અને કંઈક કરી બતાવવાની આકાંક્ષાઓના પૈડા પર ચાલતો સંકેત અને અમીનો રથ આજે અહીંથી સફર શરુ કરી રહ્યો છે. તમારા પ્રતિભાવોની ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

નામ- ભાર્ગવ પટેલ

નંબર- ૯૮૭૯૬૯૯૭૪૬

મેઈલ-

“હેલ્લો”

“હાઈ”

“હું સંકેત”

“મારું નામ અમી છે”

“આઈ થીંક મેં તમને ક્યાંક જોયા છે, પણ ક્યાં જોયા છે એ યાદ નથી”

“હા! ઘણા સામાજિક પ્રસંગોમાં મેં પણ તમને જોયા છે એ રીતે કદાચ તમે પણ મને જોઈ હોય એવું બને”

“હા! રાઈટ! મેં તમને કોઈના મેરેજમાં તમારી ફ્રેન્ડસ સાથે જોયા હતા”

“હમ્મ્મ!”

“બાય ધ વે, અત્યારે શું કરો છો? આઈ મીન જોબ કે સ્ટડી?”

“સ્ટડી કમ જોબ બંને સાથે”

“સમજ્યો નહી”

“હું હમણાં એમ.કોમ કરું છું અને સાથે સાથે મારી સોસાયટીના છોકરાઓને ટ્યુશન આપું છું ! શું છે કે મારો સ્ટડી મટીરીયલનો ખર્ચ નીકળી જાય”

“બરાબર, સરસ”

“અને તમે?”

“હું એન્જીનીયરીંગના છેલ્લા વર્ષમાં છું ગવર્મેન્ટ કોલેજમાં! મીકેનીકલ બ્રાંચમાં”

“ગુડ”

“આ સિચ્યુએશન જરાક ઓક્વડ લાગે છે નહી?”

“હા! એક્ચ્યુલી”

સંકેત અને અમી, ઘટાદાર લીમડાવાળું આંગણ ધરાવતા અને બાજુના તાજા જ પાણી મુકાયેલા ખેતરમાંથી આવતી ભીની માટીની સુગંધથી અભિભીંજીત અમીના ઘરના એક નાનકડા રૂમમાં વાતોનો આ દોર ચલાવી રહ્યા હતા. બહાર બંનેના મમ્મી પપ્પા મેરેજ માટે હા ની રાહ જોતા હતા.

“ચા-નાસ્તો તો હજી એમનો એમ જ છે! જરાક તો લો મુકેશભાઈ!”, કનુભાઈએ સંકેતના પિતાને કહ્યું.

“ના ના! કનુભાઈ, હમણાં કંઈ જ નઈ! આ બંને છોકરાઓ શું વિચારે છે અને શું નિર્ણય આપે છે એ પછી જ મનને શાંતિ મળશે”

“ઠીક છે”, કનુંભાઈએ હસતા મોઢે કહ્યું.

આ બાજુ અમી અને સંકેત એકબીજાથી ટેવાતા જતા હતા.

“તમે સ્કૂલિંગ ક્યાંથી કર્યું?”

“પ્રાઈમરી તો અહી ગામની જ શાળામાંથી અને બાકીનું મામાના ઘરે બરોડા રહીને”

“ઓહ! સરસ”, સંકેતે કહ્યું.

“અને તમે?”

“હું પહેલા ધોરણથી મારા કાકા સાથે ભરૂચ રહીને જ ભણ્યો, ઇન-ફેક્ટ અત્યારે મારી કોલેજ પણ ભરૂચમાં જ છે”

“બરાબર”

“બાકી બીજા તમારા શોખ કયા છે, આઈ મીન સ્પોર્ટ્સ વગેરે?”

“મને સ્પોર્ટ્સ જરાક ઓછું ગમે પણ સિલાઈ, ભરતગુંથણ અને અન્ય ક્રિએટીવ કામોમાં વધારે રસ પડે. અને વધારામાં એક્ટિંગ મારું એક અધૂરું સપનું કહી શકો”, અમી પોતાનું અંતરમન બેધડક સંકેત સામે ઠાલવી રહી હતી, “તમને તો સ્પોર્ટ્સમાં ક્રિકેટ વગેરેનો શોખ હશે હે ને?”

“હા! એ તો મોટાભાગે બધા છોકરાઓને હોય જ છે, બીજું કે મને મારા વિષયો સિવાયનું લખવા-વાંચવામાં વધારે મજા આવે”

“સારું કહેવાય!”

“તમે વાંચવાનો શોખ નથી રાખતા?”

“વાચું તો ખરી પણ આમ રોજેરોજ નઈ! અમુક વાર મન થઇ જાય તો આખી નોવેલ બે ચાર દિવસમાં પૂરી થઇ જાય, અને મૂડ ના હોય તો માંડ દસ પાના પણ ના પુરા થાય”

“હમ્મ્મ!”

“ચાલો હવે બહાર જઈએ, બધા આપણી આવવાની રાહ જોતા હશે”

“અરે એક મિનીટ! તમને શું લાગે છે આપણે બંને આટલી પંદર મિનીટની મુલાકાત પછી તરત જ લગ્ન માટે હા પાડવા જેટલા પરિચિત થઇ ગયા છીએ?”

“હા! બીજી એક વાત તમને કહેવાનું ભૂલી ગઈ!”

“કઈ?”

“હું અમુક અમુક વાર ચહેરા પરથી અંદરની વાત જાની લઉં છું”, અમીએ ઉભા થતા થતા કહ્યું.

સંકેત સમજી ગયો. બંને ઉભા થયા અને બહાર આવ્યા. બંનેના મમ્મી પપ્પા અને ઘરના અન્ય સભ્યો એમની સામું તાકીતાકીને જોતા હતા. સંકેત એના પપ્પા સાથે જઈને બેઠો અને અમી એની મમ્મી સાથે રસોડામાં ગઈ.

“શું કહે છે તું પછી બેટા?”, મુકેશભાઈએ હળવેકથી સંકેતના પૂછ્યું.

“મને છોકરીનો સ્વભાવ ગમ્યો પપ્પા!”,સંકેતે પણ એટલા જ ઓછા અવાજમાં સંમતિ આપી.

આ બાજુ રસોડામાં ખીચડી પાકવાની તૈયારીમાં હતી.

“તને શું લાગે છે અમી?”, સુમિત્રાબેને પોતાની લાડકવાયીને પૂછ્યું

“મને સંકેત ગમે છે મમ્મી!”

સુમિત્રાબેને રસોડાના દરવાજા આગળ આવીને હોલમાં બેઠેલા કનુભાઈને “હા”નો ઈશારો કર્યો.

“અમારા તરફથી હા છે મુકેશભાઈ”, કનુભાઈએ ચિંતાયુક્ત હર્ષ સાથે પૂછ્યું, “હવે સંકેત શું કહે છે એના પર આધાર છે!”

“અરે! ચિંતા કરવાની કોઈ જ વાત નથી વેવાઈ”, અસ્મિતાબેને કનુભાઈને વેવાઈ તરીકે સંબોધ્યા અને સંકેતની સગાઇ માટે ‘હા’ છે એવું જાહેર કર્યું.

મુકેશભાઈ મધ્ય ગુજરાતના પંચમહાલ પંથકના નાના ગામના વતની અને સાથે એક આત્મસમ્માનથી ભરપુર એવા ખેડૂત. અસ્મિતાબેન એટલે એમના પત્ની અને એક પતિવ્રતા સ્ત્રી. લગ્ન થયા પછીથી માંડીને અત્યાર સુધી રોજ અડધો દિવસ ઘરનું અને પશુપાલનનું કામ કરવાનું અને બપોર પછી ભાથું લઈને પતિને પ્રેમથી આંબાના છાંયે બેસીને જમાડવું એ એમનું રોજિંદુ સમયપત્રક. આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પોતાના એકના એક સંતાન એવા સંકેતને ઈજનેર બનાવવા જે રાત દિવસ ખૂન પસીનો એક કરીને મહેનત કરી હતી એના પરિણામસ્વરૂપે આજે દીકરો ઈજનેર બનવાની છેલ્લી તૈયારીઓ કરી રહ્યો છે એ સફળતાની ચમક બંનેની આંખોમાં નિત ઝરતી રહેતી. અને કેમ ના હોય! આખરે એ એમનું સપનું હતું જે બંનેએ એકસાથે જોયું હતું. ભરજુવાનીમાં મા-બાપના ઓછાયાને કાળ ભરખી ગયા પછી મુકેશભાઈએ અસ્મિતાબેન સાથે મળીને જે ખંત અને ખુદ્દારીથી જીવન જીવ્યું એના લોકો દાખલા આપતા હતા. બંને આજે સંકેતની ‘હા’ પછી ઘણા જ ખુશ હતા. છોકરાને ભણાવ્યા પછી સારી છોકરીને વહુ તરીકે ઘરની લક્ષ્મી બનાવવી એ એમનું બીજું સપનું હતું.

સુમિત્રાબેને કનુભાઈને રસોડામાં આવવા માટે કહ્યું.

“તમે આજે ને આજે નક્કી કરી દેશો બધું? એ પહેલા બધા વહેવારનું તો પૂછી જુઓ”

“શેનો વહેવાર?”, કનુભાઈએ પૂછ્યું.

“છોકરી આપવાની છે એનું પણ તમને ભાન નથી?”, સુમિત્રાબેન જરા ગુસ્સામાં બોલ્યા અને આ વાત ખુરશીમાં બેઠેલા મુકેશભાઈના કાને પડી. તેઓ તરત જ ત્યાં આવ્યા અને બંને હાથ જોડીને કહ્યું,

“જુઓ સુમિત્રાબેન! હવે આપણા પરિવાર એક થવા જઈ રહ્યા છે તો કોઈના મનમાં કોઈ જાતની દ્વિધા ન રહે એ જરૂરી છે, અમારે માત્ર અને માત્ર અમી જોઈએ છે બીજું કઈ જ નહી”

કનુભાઈ ભાવવિભોર થયા. કનુભાઈ અને મુકેશભાઈ બંને એક જ સમાજનો ભાગ હતા. કનુભાઈ વ્યવસાયે દરજીકામ કરતા હતા અને સુમિત્રાબેન ભરતગુંથણ અને સિલાઈનું કામ કરીને ગુજરાન ચલાવતા હતા. મધ્યમ વર્ગની હાડમારીઓ વચ્ચે પણ તેઓ હર્ષોલ્લાસથી જીવનની મજા માણતા. કોઈ વાર ઈચ્છાઓ પૂરી થયાનું સુખ વહેચીને આનંદમાં રહેતા તો કોઈ વાર અધુરપને ઓઢીને પરિવારને એના ઓછાયાથી દુર રાખતા. સુમિત્રાબેન જરાક સ્વભાવે ગુસ્સાવાળા અને બીજા સાથે સતત પોતાને સરખાવવાવાળા હતા. પૈસે ટકે સુખી થવાની એમની અદમ્ય ઈચ્છા અને કનુભાઈની જે મળ્યું છે એમાં જ ખુશ રહેવાની ફિલોસોફી વચ્ચે કોઈક વાર ચકમક પણ ઝરતી. મોટી દીકરી અમી અને નાનો દીકરો વિશાલ બંનેને પોતાના જીવન માં એમણે જે વેઠયું છે એવું ન વેઠવું પડે એ માટે બંનેને ભણાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતું આ દંપતી સમાજમાં શ્રીમંતોને પણ શરમાવે એવી આગવી છાપ ધરાવતું હતું.

અમીએ બીકોમ પૂરું કર્યું ત્યાં સુધી એ પોતાના ઘરની પરિસ્થિતિને સારી રીતે સમજતી થઇ ગઈ હતી એટલે પોતાની ફીસ અને ભણવાનો અન્ય ખર્ચો કાઢવા માટે આસપાસના છોકરાઓનું ટ્યુશન લેવાનું ચાલુ કર્યું. વિશાલ અત્યારે બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો પણ એનો સ્વભાવ સુમિત્રાબેન પર ગયો હતો. જલ્દીથી અમીર કેમ કેમ થવું એ એનો પેશન હતો એટલે આટલી ઉંમરથી જ શેરબજારમાં સારો રસ દાખવતો હતો.

અમીની ઉંમર પરણવાલાયક થઇ ત્યારથી કનુભાઈ સમાજમાં સારા છોકરા અને સુઘડ ઘર-પરિવારની શોધમાં હતા. સુમિત્રાબેને ઘણા કહેવાતા શ્રીમંતોના ઘરે વાત ચલાવવા કનુભાઈ પર દબાણ કર્યું હતું પણ કનુભાઈ એવા પરિવારની શોધમાં હતા કે જ્યાં અમીના સંસ્કારો અને એની આવડતની કદર થાય, એના ગુણોનું સન્માન થાય. એટલા માટે જ મુકેશભાઈના પરિવાર પર એમણે પસંદગી ઉતારી હતી.

મુકેશભાઈ, અસ્મિતાબેન અને સંકેત ત્રણેય જણ મનમાં સગાઇ નક્કી થયા પછીની અનહદ આનંદની લાગણી લઈને પાછા ફર્યા.

સાંજે જમવામાં ઈલાયચી અને દૂધની મિશ્રિત સુગંધથી મઘમઘતી ખીર, ઢોકળીનું શાક અને બાજરીના રોટલા તૈયાર થયા. આ બધામાં અસ્મિતાબેનની વર્ષો જુનું સપનું પૂરું થયાની આહલાદક અનુભૂતિ અને પતિ તથા સંતાન પ્રત્યેનું ગર્વ પણ મિશ્રણ પામેલું હતું. ત્રણેય સભ્યોએ ભરપેટ વાળુ કર્યું અને પછી નિરાંતે ઘરની બહાર ઓસરીમાં તારાઓના ઝગમગાટ નીચે ખાટલો નાખીને બેઠા.

“બેટા તને કોઈ વાંધો નથી ને આ સંબંધથી?”

“હ?”, વિચારોમાં ખોવાયેલો સંકેત મુકેશભાઈનો સવાલ બરાબર સાંભળી શક્યો નહી.

“પપ્પા એમ પૂછે છે કે તને છોકરી અને ઘર પરિવાર ગમ્યા તો ખરા ને? કે અમારા ખાતર જ હા ભણી?”, અસ્મિતાબેને પૂછ્યું.

“એવું કઈ નથી મમ્મી! મને ખરેખર છોકરી ગમી જ છે અને એ મારા જેટલી જ ઉત્સાહી અને મહત્વાકાંક્ષી છે એ વાત મને વધારે ગમી! બાકી રહી એના ઘર પરિવારની વાત તો તમે મારા કરતા એ વિષે વધારે સારી રીતે જાણો છો! હું તો છેક નાનપણથી જ કાકા જોડે હતો ભણવા માટે એટલે”

“બરાબર”

આ વાતચીત ચાલતી જ હતી એવામાં સંકેતના ફોનની રીંગ વાગી. નંબર જોઇને સંકેતે બટન દબાવીને રીંગનો અવાજ બંધ કરી દીધો. મુકેશભાઈ સમજી ગયા એટલે કહ્યું,

“જો બેટા! તમારે બંનેએ આખું આયખું સાથે વિતાવવાનું છે! અમારી વખતે તો આવા ફોન બોન હતા નહી એટલે અમે તો એકબીજાને લગ્ન પછી સારી રીતે ઓળખ્યા, પણ તું અને અમી બંને લગ્ન પહેલા જ એકમેકને પારખી લો અને એકબીજાથી ટેવાઈ જાઓ એ સારું! જા તું એની સાથે વાત કર શાંતિથી”, મુકેશભાઈ હળવા અંદાજમાં બોલ્યા.

“થેંક યુ પપ્પા, તમારા જેવું કોઈ નહી”, કહીને સંકેત હસતો હસતો ત્યાંથી અગાસીના પગથીયા ચઢવા લાગ્યો.

ફોનના કીપેડ પરના આંકડા દબાવતીવેળા એની આંગળીઓમાં ઝીણો સળવળાટ હતો અને મનમાં સવાલોનું ઘોડાપુર! ‘શું વાત કરીશ?’, ‘જૂની વાતો કરું કે કંઈક નવેસરથી શરૂઆત કરું?’ વગેરે સવાલો એના મનમાં હીચકા ખાતા હતા અને ફોનની રીંગ વાગી. બીજી જ રિંગે ફોન ઉપડ્યો.

“હેલ્લો”

“હા! સંકેત બોલું છું”

“ખબર છે”

“હમ્મ્મ બરાબર! શું કરો છો? જમી લીધું?”, સંકેતે સહજ સવાલ આદરભાવ સાથે પૂછ્યો.

“જવાબ આપતા પહેલા એક વાત કહું?”

“હા બોલો ને”

“આપણે બંને એકબીજાને આદરભાવથી બોલાવીશું તો પછી એ આદરના લીધે સંપૂર્ણપણે એકમેકના નહી થઇ શકીએ! બેટર છે કે તમે મને તું કહીને જ બોલાવો”

“તો શું તું મને ‘તું’ થી નહી બોલાવે?”

“ના”

“કેમ?”

“આપણા સમાજમાં મેં હજી સુધી એવી કોઈ છોકરી નથી સાંભળી કે જે પોતાના થનાર કે થયેલા પતિને ‘તું’ કહીને બોલાવે”

“હા તો બધાની સામે ભલેને તું મને ‘તમે’ કહે એ ચાલશે પણ આપણે બંને પર્સનલી એકબીજાને ‘તું’થી જ બોલાવીશું કારણ કે એમાં જ પોતીકાપણું લાગે છે”

“ઓકે વાંધો નહી હવે પૂછો”

“જમી લીધું તેં?”

“હા! કલ્લાકેક થયો અને તમે?”

“જો હજી હમણાં જ વાત થઇ અને એટલામાં ભૂલી ગઈ?”

“હા સોરી સોરી! તું જમ્યો?”

“હા હમણાં જ! તારો ફોન આવ્યો ત્યારે હું પપ્પા મમ્મી સાથે હતો એટલે નહતો ઉપાડ્યો”

“મેં તને ડીસ્ટર્બ તો નથી કર્યો ને? એવું હોય તો કાલે વાત કરીશું”

“ના ના પપ્પાએ જ મને કહ્યું કે જા બેટા જી લે અપની જીંદગી, હા હા!”

“હા હા! તો બરાબર”

“એક વાત પૂછું?”

“પૂછ”

“તે કોઈના દબાણમાં આવીને હા પાડી હોય એવું તો નથી ને?”

“ના રે ના! તારી પહેલા પણ ઘણા છોકરાઓ બતાવ્યા હતા મમ્મીએ, પણ એ બધામાંથી એકેય પસંદ ના પડ્યો એટલે મેં ચોખ્ખી જ ના ભણી દીધી હતી”

“તો મારામાં શું એવું લાગ્યું હા પાડવા જેવું?”, સંકેતે મજાકમાં પૂછ્યું.

“આખેઆખો તું જ”, અમીએ સરસ જવાબ આપ્યો.

“હું વિચારતો હતો કે આપણે....”

“આપણે બંને....”

“હા બોલ શું કહેતી હતી?”

“ના તું કંઈક કહેતો હતો બોલ ને?”

“લેડીઝ ફર્સ્ટ યાર!”

“અરે એ તો બધી કહેવાની વાતો છે, તું બોલ ને શું કહેતો હતો એમ?”

“હું વિચારતો હતો કે આપણે આપણા ભવિષ્ય વિષે પ્લાનિંગ કરવાના હોય ત્યારે એકબીજાના પાસ્ટ વિષે ક્લીયર હોવા જોઈએ”

અમી આ બાબતે કંઈ બોલી નહી. બે મિનીટ સુધી વાતાવરણમાં ચુપકીદી છવાઈ ગઈ. બંનેઉ પોતપોતાના હૃદયના ધબકારા સ્પષ્ટપણે સાંભળી શકતા હતા. અમી થોડી વધારે મૂંઝવણમાં મુકાઈ હોય એવું લાગ્યું એટલે સંકેતે ફરી વાત પાતા પર ચઢાવી.

“કેમ શું થયું અમી? એકદમ સાવ ચુપ થઇ ગઈ?”

“ના ના કંઈ નઈ! જ્યાં સુધી હું તને ઓળખું છું ત્યાં સુધી મને નથી લાગતું કે તારો કોઈ પાસ્ટ હોય પણ...”

“પણ શું?”

“પણ મારો પાસ્ટ છે, અને એની હું નિખાલસ થઈને કબુલાત કરું છું”

“તો તો પછી મારે પણ કબુલાત કરવી જ રહી”

“એટલે?”

“એટલે એ જ કે જે તું સમજી છે!”

“મને કંઈ સમજાતું નથી”

“હું એમ કહેવા માગું છું કે મારો પણ પાસ્ટ છે જ અમી! અને હવેથી આપણે સાથે હોઈએ ત્યારે એ આપણા સંબંધોમાં ડખલગીરી ના કરે એટલા માટે મેં જ પહેલ કરી કહેવા માટે!”

ફરીથી ચુપ્પી છવાય છે અને બંને એકબીજાના પાસ્ટ વિષે જાણવા તત્પર છે. પણ પહેલું કોણ બોલે?

સંકેતે શરૂઆત કરી,

“એનું નામ................

(ક્રમશઃ)

કાલ્પનિક વાસ્તવિકતા-ભાગ ૧

-ભાર્ગવ પટેલ