મોતીની સમજદારી Saumya Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોતીની સમજદારી

Saumya Joshi

jsaumya762@gmail.com

* મોતીની સમજદારી *

પાર્કિંગમાંથી કાળી, મોટ્ટી ગાડી આવતી દેખાઇ કે તરત જ ફલેટના બિલ્ડીંગના છેવાડે એક નાનકડી ઓરડી પાસે રમતી આઠ વર્ષની શોના ગભરાઈને ઓરડીમાં ઘૂસી ગઈ. એની પાછળ પાછળ મોતી પણ પૂંછડી પટપટાવતો ઓરડીમાં ઘૂસી ગયો! બારણાની પછવાડે ઊભા ઊભા એ કાળી ગાડીને જોતા શોના જોઈ રહી. 'વઉઉઉઉ.... વઉવઉઉઉઉ.... એના પગ પાસે લપાઈને બેસી ગયેલા મોતીએ ઝીણા ઝીણા અવાજે ભસવાનું ચાલું રાખ્યું. 'શશશશ.... ચૂપ રહે મોતી, નહીં તો તને કાઢી મુકશે આ સાહેબ લોકો...' થોડા મહિના પહેલા જ શોના એના મા-બાપુ જોડે અહીં ફલેટના આઉટહાઉસમાં રહેવા આવી હતી. માએ ફલેટમાં કેટલાક ઘરોમાં ઘરકામ કરવા જવા માંડ્યુ હતું તો બાપુ તો આખા ફલેટની દેખરેખ રાખવાનું ને સાહેબલોકોની ગાડીઓ સાફ કરવાનું કામ કરતા.

શરૂઆતમાં શોનાને અહીં રહેવાનું જરાય ગમતું ન હતું. અહીં કોઈ એનું દોસ્ત ન હતું. એ પહેલા એ લોકો જ્યાં રહેતા એ જગ્યાએ શોનાના કેટલા બધા મિત્રો હતા! ચુન્નુ, કીકુ, મુન્ની, માલુ, બોની- આ બધા મળીને આખો દિવસ રમ્યા કરતા. બધાના મા-બાપુ કામ પર જતા અને બધા બાળકો હળીમળીને રમતા. એક ટીચર દીદી દરરોજ બપોરે બે કલાક બધા બાળકોને ભણાવવા આવતી. ચબરાક શોનાએ જોતજોતામાં એકડા, કક્કો અને બારાખડી લખતા શીખી લીધેલું. ટીચર દીદી હવે એબીસીડી લખતા પણ શીખવવાની હતી ત્યાં બાપુએ અહીં ફ્લેટમાં ચોકીદારની નોકરી લીધી એટલે એ અને મા-બાપુ અહીં રહેવા આવી ગયા.

પણ અહીં એણે જરાય ગમતું ન હતું. ફ્લેટમાં રહેતા બાળકો એની જોડે બોલતા નહીં. વેકેશન પડ્યું ત્યારે બાળકો દરરોજ સાંજે નીચે રમવા માટે આવતા. બધાની મમ્મીઓ પણ જોડે આવેલી હોય. શોનાને બહુ મન થતું કે એ સૌની જોડે રમવા જાય. એ દૂર ઉભા ઉભા એ લોકોને રમતા જોયા કરતી પણ કોઈ એને રમવા બોલાવતું નહીં. એકવાર એણે ત્યાં જઈને પોતાને રમવા દેવા કહ્યું હતું. ત્યારે પેલા રોમિલની મમ્મીએ એની સામું એવા ડોળા કાઢેલા કે એ ડરી ગયેલી. “તારે અહીં નહીં આવવાનું. જા તારી રૂમમાં” રોમિલની મમ્મીએ ઘાંટો પાડીને એણે કહ્યું હતું અને એ ગભરાઈને દોડતી જઈને ઓરડીમાં ઘૂસી ગયેલી.

એ પછી તો થોડા દિવસો સુધી જ બાળકોના રમવાનો અવાજ આવતો. પછી તો વેકેશન પૂરું થઈ ગયું અને બધા બાળકો સવારમાં સ્કૂલે જવા લાગ્યા. સાંજે પણ કોઈ રમવા ન આવતું. બપોર પછી બધા બાળકો ટયુશનમાં જતા અને ઘરે આવીને લેશન કરતા, ટીવી જોતા અને મોબાઈલમાં ગેમ રમતા. હવે શોના પણ એ તરફ જતી ન હતી. એણે મોતી જોડે દોસ્તી કરી લીધી હતી! મોતી એક નાનું મઝાનું ચમકતા કાળા રંગનું ગલુડિયું હતું. એક દિવસ વહેલી સવારે ઊઠીને એ બ્રશ કરતી હતી ત્યારે એની ઓરડી પાસેની ચોકડીમાં એક ખૂણામાં મોતી લપાઈને બેઠો હતો. એણે બાજુમાં જઈને જોયું તો એના આગલો પગ લોહીલુહાણ હતો. એ દોડીને બાપુને બોલાવી લાવી. બાપુએ આવીને દૂરથી જ એનો ઘા તપાસ્યો. “મોટર કે સ્કૂટર નીચે પગ આવી ગયો લાગે છે. કાંઈક કરવું જોઇશે આનું.” એમ કહેતા બાપુ સાઈકલ લઈને ક્યાંક ગયા અને થોડીવારમાં જ પાછા આવ્યા. “એનિમલ હેલ્પલાઈનમાં ફોન કર્યો છે. હમણાં ડોક્ટર આવશે.” મોતીને દૂધ-બિસ્કીટ ખવડાવતી શોનાને બાપુએ કહ્યું.

“એનિમલ હેલ્પલાઈન.... એ શું હોય બાપુ?” શોનાએ પૂછ્યું.

“રસ્તા પર કે કોઈ પણ જગ્યાએ કોઈ પ્રાણી કે પંખી ઘાયલ થયું હોય તો એનિમલ હેલ્પલાઈનમાં ફોન કરો એટલે એમના માણસો આવીને સારવાર કરી જાય. જરૂર હોય તો એમના દવાખાને પણ લઇ જાય.” બાપુએ કહ્યું. થોડીવારમાં જ એક વાન આવીને બહાર ઉભી રહી. એમાંથી ઉતરેલા બે માણસોમાંથી એકે મોતીને પુચકારીને ઊંચકી લીધું. બીજાએ એના મોં પર એક પાટો વીંટીને એનું મોં બંધ કરી દીધું. પછી એના પગનો ઘા તપાસીને, સાફ કરીને એના પર દવા લગાડીને એને બાપુના હાથમાં આપી દીધો. “ઘા ખાસ ઊંડો નથી. બે ત્રણ દિવસમાં ઠીક થઈ જશે.”

એ લોકોના ગયા પછી બાપુએ એને ઘરની પાછળ દીવાલ પાસેના ખૂણામાં કોથળો પાથરીને સુવાડ્યું. “બાપુ, આનું નામ શું હશે?” એની મુલાયમ કાળી રૂંવાટીદાર પીઠ પર હળવેકથી હાથ ફેરવતા શોનાએ પૂછ્યું. “અરે તારે તો આની જોડે જાણે દોસ્તી થઈ ગઈ! તને તો હાથ પણ ફેરવવા દે છે!” બાપુએ હેતાળ નજરે એની સમું જોતા કહ્યું. “આ ગલુડિયું છે તે નર જાતિનું છે. એટલે કે આ કૂતરો છે. તને જે ગમે તે નામ રાખ, મારે હવે કામે લાગવું જોઇશે. રમાડવું હોય એટલી વાર રમાડી લે, હમણાં એની મા એને શોધતી શોધતી આવશે. ત્યારે જવા દેજે નહીં તો એ તને બચકું ભરી લેશે!” -બાપુએ સૂચના આપી અને જવા માંડ્યું. શોનાએ ધીમે ધીમે એના માથા પર હાથ ફેરવ્યો તો થોડીવારમાં જ એ ઊંઘી ગયું. શોનાએ ચૂપચાપ એની સામું જોયા કર્યું. એના આખા શરીરે કાળો રંગ હતો. ફક્ત કપાળ પર જ એક નાનું સફેદ ટપકું હતું. “આને તો હું મારી પાસે જ રાખીશ! ક્યાય નહીં જવા નહિ દઉં. મારો દોસ્ત... મારો મોતી!” વહાલથી એની પીઠ પર હાથ ફેરવતા શોના ક્યાંય સુધી એની બાજુમાં જ બેસી રહી.

બે ત્રણ દિવસમાં જ મોતીના પગનો ઘા રૂઝાઈ ગયો. હવે એ પૂંછડી પટપટાવતો આમતેમ દોડ્યા કરતો. શોના આખો દિવસ એની સાથે સાથે ફર્યા કરતી. રખે ને એની મા ક્યાંકથી આવી જાય અને એ એની સાથે ચાલ્યો જાય તો! પણ એની મા આવી નહીં. “તારે મા નથી?” શોનાએ એને બે હાથ વડે ઊંચકીને વહાલ કરતા પૂછ્યું. જવાબમાં જે રીતે મોતીએ એની મોટ્ટી કાળી આંખોથી શોના સામું દયામણી નજરે જોયા કર્યું એનાથી કશું સમજી હોય એમ શોનાએ એને છાતીસરસું ડાબી દીધું. “હવે કોઈ દિવસ નહીં પૂછું હો! તું મારો દોસ્ત છેને, તો હું તને મારી પાસે જ રાખીશ. મારા મા-બાપુ એ તારા ય મા-બાપુ હો! પણ તું એકલો એકલો ક્યાંય આડોઅવળો ન જઈશ હો! નહીં તો ક્યાંક ખોવાઈ જઈશ!”

આખો દિવસ એ મોતી જોડે રમ્યા કરતી. જો કે, મોતી વારે વારે થોડીવાર માટે સુઈ જતો. પણ ઉઠે એટલે ફરી પાછી બંનેની રમત ચાલ્યા કરતી. મોતી એનું કહેવું થોડું થોડું સમજવા લાગ્યો હતો. શોના એના હાથમાંથી નાનકડો દડો થોડે દૂર ફેંકે અને મોતી દોડીને એ મોમાં પકડીને લઇ આવે. સાંજે બાપુ કામ પરથી આવે એટલે શોના મોતીને ઊંચકીને ઘરમાં ઘૂસી જતી. મા રસોઈ કરતી હોય ત્યાં એની પડખે ગોઠવાઈને બાપ દીકરી આખા દિવસ દરમિયાન મોતીએ કરેલા પરાક્રમની વાતો કરતા. મા એમની વાતો સાંભળતા સાંભળતા રસોઈ કરતી. “આજે મોતી બે પગ પર આટલુંઉંઉંઉં..... બધું ચાલ્યો!” શોના બે હાથ પહોળા કરીને કહેતી. ક્યારેક મોતીની દડો લઇ આવવાની ઝડપ વિષે તો ક્યારેક માએ નવરાવ્યા બાદ એની કાળી સુંવાળી ચામડી પરથી કઈ રીતે એણે પાણી ઉડાડ્યું એ વિષે વાતો શોનાની વાતો ચાલ્યા કરતી.

ચોમાસું બેસવાને થોડાક જ દિવસોની વાર હતી. ફ્લેટમાં એક તરફ મસમોટો ભોંયટાંકો બનાવવામાં આવેલો. એક બે વાર વરસાદ થઈ જાય પછી ફ્લેટની અગાસીમાં પડતું વરસાદનું પાણી, પાઈપ વાટે ટાંકામાં ઉતારવામાં આવતું. આખું વરસ એ પાણી પીવાના કામમાં વાપરી શકાય એ માટે સાચવી રાખતું. ટાંકો ભરાઈ રહે તે પછી વરસાદનું પાણી બોરમાં ઉતારવામાં આવતું, જેથી આખું વર્ષ બોરમાં પાણી આવ્યા કરે. ઉનાળામાં પણ ફ્લેટના લોકોને પીવા કે વાપરવાના પાણીની તકલીફ ન પડે. “રાજુ......” પેલી મોટ્ટી કાળી ગાડીવાળા સાહેબે એક દિવસ સવારમાં જતી વેળાએ ગાડી રોકીને શોનાના બાપુને હાંક મારી. “આજકાલમાં વરસાદ થવો જોઈએ. આજે ને આજે તાત્કાલિક માણસોને બોલાવીને નીચેનો ટાંકો સાફ કરાવી નાખો!” એટલું કહી રહે ત્યાં ઓરડીમાંથી બહાર આવીને મોતીએ ગાડી સામું જોઇને બેફામ ભસવા માંડ્યું હતું. “આ કૂતરું ક્યાંથી આવ્યું છે અહીં.... એ બધે ગંદકી કરશે. જ્યાંથી લાવ્યા હોય ત્યાં મૂકી આવજો એને. નહીં તો તમને લોકોને પણ અહીં રહેવા નહીં મળે.... પાણીના ટાંકાનું કામ ભૂલાય નહીં......” શોનાનાં બાપુને સૂચના આપીને સાહેબે ગાડી મારી મૂકી. એમનો અવાજ સાંભળીને શોનાની માં પણ ઓરડીની બહાર દોડી આવેલી.

“સાહેબે શું કહ્યું?” એણે શોનાના બાપુને પૂછ્યું. “કંઈ નહીં. તમે લોકો ઘરમાં જાઓ” કહીને શોનાના બાપુ સાઈકલ લઈને બહાર નીકળી ગયા. “મા... આ કાળી ગાડીવાળા સાહેબ છે ને, તે બહુ જ ગંદા છે. આપણા મોતીનો પગ તેમણે જ ગાડી નીચે કચરી નાખેલો. તે દિવસે બાપુના દોસ્ત બહાદૂરકાકા આવેલા ને, તેમણે પોતાની સગી આંખે જોયું હતું.” બહાદૂર થોડે દૂર બીજા ફ્લેટમાં ચોકીદારની નોકરી કરતો હતો. “હશે બેટા, આપણે કોઈનું નામ ન લેવાય. ચાલ અંદર.. માએ એને વધુ બોલતા અટકાવી. કાળી ગાડીવાળા સાહેબે જ અહીં નોકરી આપી હતી. પોતે પણ એમના ઘરનું કામ કરતી હતી. એમનો દીકરો રોમિલ શોના જેવડો જ હતો.

સાંજ સુધીમાં શોનાના બાપુએ બોલાવેલા માણસો આવીને ટાંકાની સાફસફાઈ કરી ગયા. ટાંકાને હવે સૂકાવા દેવાનો હતો. એના પરનું લોખંડનું વજનદાર ઢાંકણું પણ સાફ કરીને દીવાલને અડીને એક તરફ મૂકવામાં આવેલું. બીજે દિવસે સવારે તો એ ઢાંકણ ઢાંકી દેવાનું હતું. બીજે દિવસે રવિવાર હતો. ફ્લેટના બાળકો રવિવારે સવારે થોડીવાર માટે નીચે રમવા માટે ઉતરતા. એ દિવસે બધાએ છૂપાછૂપી રમવાનું નકી કર્યું. થોડીવાર રમ્યા પછી બધા પાછા ઘરે ભાગ્યા. કોઈને ટીવી પર કાર્ટૂન જોવું હતું તો કોઈને ગેમ રમવી હતી. એક રોમિલ જ પાછો નહોતો ફર્યો!

શોનાને આજે જરા તાવ જેવું લાગતું હતું. પથારીમાંથી ઉઠવાનું મન થતું ન હતું. મોતી પણ એની બાજુમાં જ આગલા પગ પર માથું ઢાળીને બેસી રહેલો. મા એના કટોરામાં રોટલીના ટુકડા નાખીને કામ પર ગયેલી. એ પણ એણે ખાધા ન હતા. શોનાના બાપુ પણ કોઈ કામસર બહાર ગયેલા. થોડીવાર પછી એ ઉભો થઈને દરવાજાની બહાર ગયો. સુસ્ત આંખે શોનાએ એ તરફ જોયું. હવે આ રીતે એ એકલો ઘણીવાર બહાર જતો અને થોડીવારમાં જ પાછો આવી જતો. શોનાએ બહુ દરકાર ન કરી. તાવ વધતો જતો હતો. એણે આંખો મીંચી લીધી. કેટલી વાર થઈ હશે, કોને ખબર. એને ઊંઘ આવી ગયેલી. અચાનક બહારથી મોતીના ભસવાનો અવાજ આવ્યો. પહેલા ધીરે ધીરે અને પછી જોરજોરથી. “મોતીઈઈઈઈઈ......” એણે જોરથી બૂમ પાડવા કોશિશ કરી પણ ગળામાંથી જાણે કે અવાજ જ નહોતો નીકળતો. એ ધીરે ધીરે ઉભી થઈને બહાર આવી. એણે બહાર આવીને જે જોયું એનાથી એ એકદમ ડરી ગઈ! પેલી કાળી ગાડીવાળા સાહેબ ફ્લેટના પાર્કીંગમાં ગાડી મૂકીને ગાડીમાં જ બેસી રહેલા અને મોતી એમની સામું જોઇને લગાતાર ભસતો હતો. શોનાએ દોડીને મોતીને તેડી લીધો. “આ નાલાયક કૂતરો અહીં ન જોઈએ... મેં પહેલા જ કહ્યું હતું ને... કેમ હજુ આને રાખ્યો છે? લઇ જા એણે અહીં થી દૂર. જ્યાં મૂકવો હોય ત્યાં મૂકી આવજો. નહીં તો કોર્પોરેશનમાં ફોન કરીને કૂતરા પકડવાની ગાડી બોલાવીને આને હું જ કાઢી મૂકીશ....” મોટે મોટે અવાજે બોલતા તેમણે લીફ્ટ તરફ ચાલવા માંડ્યું. શોના મોતીને લઈને ઓરડી તરફ ચાલવા માંડી, પણ મોતી તો એના હાથમાંથી છટકીને લીફ્ટ તરફ ભાગ્યો! શોના દોડીને એની પાછળ ભાગી ત્યાં સુધીમાં લીફ્ટ ઉપર તરફ સરકી ગયેલી. મોતીએ ઘડીવાર લીફ્ટના બંધ દરવાજા સમું જોઇને ભયે રાખ્યું. પછી એકદમ એણે પગથીયા ભણી દોટ મૂકી. ચાર પગ કૂદાવતા કૂદાવતા એ જોતજોતામાં છ માળ ચડી ગયો!

રોમિલના પપ્પા લીફ્ટમાંથી બહાર નીકળ્યા કે મોતી એમની સામે જ ઉભો હતો. “આ નાલાયક અહીં છેક આવી ગયો! ચોકીદાર.... ક્યાં છે? બરાડતા એમે પોતાના મોબાઈલ ફોનમાંથી એક નંબર શોધીને જોડવા માંડ્યો. રોમિલની મમ્મી એટલીવારમાં દરવાજે આવી ગયેલી. “શું થયું?” એણે પણ ઘાંટા પાડીને પૂછ્યું. મોતીના ભસવાના સતત અવાજથી કશું સંભળાતું ન હતું. હવે મોતી રોમિલની મમ્મી સામું જોઇને ભસતો હતો. “આ કૂતરો નહીં રહે હવે અહીં. હું જ એનો નિકાલ કરી નાખીશ...” મોટેમોટેથી બરાડા પાડતા એ ફરી લીફ્ટમાં ઘૂસ્યા. લીફ્ટ બંધ થઈને નીચે સરકી ગઈ. મોતીએ અચાનક રોમિલની મમ્મીનો ડ્રેસ પકડીને ખેંચવા માંડ્યો. કશું સમજ્યા વિના એ મોતીની સાથે ખેંચાયા. લીફ્ટ પાસે જઈને મોતીએ લીફ્ટનાં દરવાજા પર એક પગ ઉંચો કરીને ઠપકારવા માંડ્યો. રોમિલની મમ્મીએ બટન દબાવ્યું. લીફ્ટ આવી અને ઓટોમેટીક દરવાજા ખૂલ્યાં કે તરત જ મોતીએ અંદર ઘૂસીને આગલા બે પગ પછાડવા માંડ્યા. રોમિલની મમ્મીને થયું કે લાવ, આ જ સારો લાગ છે કે મોતીને લીફ્ટમાં પૂરીને પોતે છટકી જાય! પણ મોતીની સામું એક ક્ષણ માટે જોયું કે એમનો વિચાર બદલાઈ ગયો. પળવારમાં લીફ્ટ બંનેને લઈને તળિયે સરકી.

લીફ્ટના દરવાજા ખૂલ્યાં કે તરત મોતીએ રોમિલની મમ્મીનો ડ્રેસ ખેંચવા માંડ્યો. એ ગભરાઈ જઈને એની પાછળ ચાલવા લાગ્યા. એક તરફ ઉભા રહીને ફોન પર વાતો કરતા રોમિલના પપ્પા પણ આ દ્રશ્ય જોઇને ગભરાઈને “હે...ય, હે...ય, હટ...ભાગ......” કરતા જોડે જોડે ચાલવા લાગ્યા. પળવારમાં પેલા ટાંકા પાસે આવીને મોતીએ રોમિલની મમ્મીનો ડ્રેસ છોડી દીધો અને ખુલ્લા ટાંકાની ફરતે ચક્કર લગાવવા માંડ્યા. રોમિલની મમ્મીને હવે પેટમાં ફાળ પડી. એણે નીચે બેસીને ટાંકામાં ઝૂકીને જોયું તો એના મોમાંથી ચીસ નીકળી ગઈ. “રોઓઓઓમિલલલલ.......” રોમિલના પપ્પાએ પણ નીચે વળીને જોયું તો રોમિલ ઉંધે માથે બેભાન પડેલો દેખાયો! બીજા લોકો પણ આસપાસ જમા થઈ ગયેલા. તાત્કાલિક ટાંકામાં સીડી ઉતારીને રોમિલના પપ્પા મહામહેનતે નીચે ઉતર્યા. રોમિલને ખભે નાખીને બહાર લાવવામાં આવ્યો. એટલીવારમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. કોઈએ ૧૦૮ નંબર પર ફોન કરી દીધેલો. રોમિલનો દોસ્ત હની પણ આવી ગયો. રોમિલની હાલત જોઇને એ બોલી ઉઠ્યો કે ઉઘાડા ટાંકા પર ચોકીદારે ખાટલો ઊંધો મૂકેલો અને બાળકોને એ તરફ ન જવા માટે સાવચેત કરેલા. પણ રોમિલ ન જાણે કેમ એ તરફ ગયો અને અંદર પડી ગયો!

રોમિલને તાત્કાલિક સારવાર મળી ગઈ તો થોડા જ દિવસોમાં એ ફરી પાછો સ્કૂલે પણ જતો થઈ ગયો! હવે રોમિલના પપ્પા મોતી સામું જોઇને ગુસ્સે થતા નથી. ઉલટું મોતી એમની સામું જોઇને બે પગે ઉભો રહીને સલામ કરે છે. રોમિલના પપ્પા રોજ એના માટે ખાસ પ્રકારના બિસ્કીટ લાવે છે! આખરે મોતીની સમજદારીથી જ એમના દીકરાનો જીવ બચ્યો હતો ને! શોના માટે પણ એમણે નજીકની સ્કૂલમાં ભણવા જવાની સગવડ કરી આપી છે. શોના પણ હવે ભણવા જાય છે. અને ઘરે આવીને હોમવર્ક કર્યા બાદ એ મોતી જોડે રમે છે. રોમિલ અને એના દોસ્તો પણ જ્યારે નીચે રમવા આવે ત્યારે શોના અને મોતીને રમવા માટે બોલાવે છે!