तू जहाँ जहाँ चलेगा.... Saumya Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

तू जहाँ जहाँ चलेगा....

''તુ જહાં જહાં ચલેગા... મેરા સાયા સાથ હોગા...''

મ્યુઝિક પ્લેયર પર લતાના મુલાયમ અવાજમાં ગીત વહેતું રહ્યું. આંખો મીંચીને ગીત સાંભળવામાં લીન સંજીવની આંખો ક્યારે વહેવા લાગી, એને ખુદને ખબર ન રહી. દિમાગ પરથી ત્રીસેક વરસના સમયના પડળ જાણે કે ઊખડી ગયા.

સંજીવ એ સમયે નાના શહેરની ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયેલો. દસેક વર્ષ થઈ ગયેલા નોકરીમાં. એમ. કોમ. એમ. એડ. થયેલા સંજીવનો ઈકોનોમિક્સ અને અંગ્રેજી સાહિત્ય પર ગજબનો કાબૂ હતો. બહુ નાની વયે અકસ્માતમાં આંખોની રોશની ગુમાવી બેસનારા સંજીવને જાણે કે સરસ્વતી રીઝ્યાં હોય એમ, એક જ વાર સાંભળેલી કોઈ પણ વાત અક્ષર:સ દિમાગમાં કાયમ માટે સંઘરાઈ જતી.

પૂરા છ ફૂટ બે ઈંચ ઊંચો, રૂપાળો, તંદુરસ્ત, દેખાવડો અને તદ્દન શાંત સ્વભાવનો સંજીવ વિદ્યાર્થીનીઓમાં ખાસ્સો પ્રિય હતો. એની શૈક્ષણિક લાયકાત મુજબ દસ-અગિયાર-બાર ધોરણના વર્ગો એને લેવાના રહેતા. અંધજનો વાપરે એવી લાકડી એ ક્યારેય ન વાપરતો. વર્ગ પૂરો થયા બાદ કોઈપણ વિદ્યાર્થીની એનો હાય પકડીને વર્ગની બહાર પરસાળના છેડે આવેલા દાદરના કઠેડા સુધી મૂકી જતી. ત્યાંથી પછી એ જાતે બે દાદર ઊતરીને નીચે પરસાળમાં દાદરને અડીને આવેલા સ્ટાફરૂમ સુધી પહોંચી જતો. જે વર્ગમાં એનો પિરિયડ હોય ત્યાંથી કોઈ વિદ્યાર્થીની આવીને એને દોરીને વર્ગમાં લઈ જતી.

આશરે પાંત્રીસેક વર્ષના, અપરિણિત એવા સંજીવનો આખોયે દિવસ શૈક્ષણિક પ્રવૃતિમાં જ પસાર થઈ જતો. સવારનો સમય શાળામાં અને બપોર પછીથી મોડી સાંજ સુધીનો સમય ટ્યૂશનમાં. છોકરા-છોકરીઓ અલગ અલગ બેચમાં ટયુશનમાં આવતા રહેતા. બે મોટા પરિણિત ભાઈઓ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા સંજીવની લગભગ બધી જ જરૂરિયાતોનું ઘરમાં ધ્યાન રખાતું. ઉપરના માળે આવેલા એના કમરામાં એની બધી જ ચીજો ચીવટપૂર્વક મૂકાતી. મોડી સાંજ સુધી પ્રવૃતિઓમાં વ્યસ્ત રહેતા સંજીવને બે જ શોખ! એક તો મોટાભાઈ જોડે બેસીને કોઈ પુસ્તકનું 'શ્રવણ' કરવું અને બીજું, કેસેટ પ્લેયર પર મનગમતાં ગીતો સાંભળવા. નાનપણથી સંજીવને બધા જ પુસ્તકો - અભ્યાસના અને અભ્યાસ બહારના પણ, મોટાભાઈ વાંચી સંભળાવતા.

એક દિવસ, શાળા છૂટ્યા પછી સંજીવને કાયમ લેવા માટે આવતા મોટાભાઈ કોઈ કારણસર આવી શક્યા નહીં. આમ તો ચાલતા જતા માંડ દસેક મિનિટ થાય. અને મોટેભાગે બંને ભાઈઓ સાથે ચાલતા, વાતો કરતા જ ઘરે જતા.

'ભાઈ આવતા જ હશે’- એમ વિચારીને બીજા સહકર્મીઓની ઘેર મૂકી જવાની વાત સંજીવે મક્કમતાપૂર્વક નકારેલી. અને પોતાની અક્ષમતાને લઈને કોઈનું પણ અવલંબન લેવા બાબતે એને સખત અણગમો હતો. પહેલેથી જ એનું મક્કમ વલણ જાણતા હોવાથી સૌ પોતપોતાને ઘેર ચાલી ગયા. સવારની પાળીની બધી જ વિદ્યાર્થીનીઓ પણ ઘરે ચાલી ગયેલી. બપોરની પાળીની પ્રાર્થના પૂરી થઈ ગઈ અને વર્ગો લેવાના પણ શરુ થઈ ગયા. સ્ટાફરૂમમાં બેઠેલા સંજીવની અકળામણ વધતી જતી હતી પણ રાહ જોયા વિના છૂટકો ન હતો.

'સર, આવું?' કોઈ સ્ટાફરૂમની બહાર ઊભા રહીને ધીરેથી બોલ્યું.

એક પળ માટે વિચારીને સંજીવે પૂછ્યું, 'પંડ્યા?!' પોતે જે જે વર્ગમાં તાસ લેવા જતો તે વર્ગની હોશિયાર વિદ્યાર્થીનીઓને તેમના અવાજ પરથી જ એ ઓળખી જતો!

'યસ સર...... મારી નોટબુક રહી ગયેલી ક્લાસમાં જ. ઘરેથી પાછી લેવા આવી. તમને લેવા નથી આવ્યા ઘરેથી? કહો તો હું મૂકી જઉં!’ કોયલ ટહૂકતી હોય એમ ચહેકતી એ બોલી.

''તે મારું ઘર જોયું છે?''

''હું રોજ તમારી પાછળ પાછળ જ ચાલતી આવું છું. મારું ઘર તમારા ઘરથી થોડે આગળ છે. ''

હેમા પંડ્યા નામની એ છોકરી બારમા ધોરણની વિદ્યાર્થીની હતી.

'મારો હાથ પકડીને ચાલશે આખા રસ્તે?'' પોતાના સ્વભાવથી વિરુધ્ધ જઈને અચાનક સંજીવે પૂછી નાખ્યું.

'' હા સર.. તમારા ભાઈ રસ્તામાં મળી જાય તો પછી તમે એમની જોડે જતા રહેજો.''

કંઈક અસમંજસમાં સંજીવ ઊભો થયો અને પોતાનો ડાબો હાથ સ્હેજ લંબાવ્યો. આ સંકેત સમજી હોય એમ ચૂપચાપ હેમાએ આગળ વધીને પોતાના હાથમાં હાથ લીધો અને ઘર તરફના રસ્તે ચાલવા માંડ્યું. કોઈપણ જાતના સંવાદ વિના રસ્તો કપાવા લાગ્યો. સુદ્રઢ, મજબૂત બાંધો ધરાવતા સંજીવ પાસે પ્રમાણમાં સાવ સુકલકડી, માંડ પાંચ ફૂટની ઊંચાઈએ પહોંચેલી હેમા ઢીંગલી સમી લાગતી હતી. સંજીવનું ઘર આવી જતાં જ ઘરના પગથિયા પાસે તેને છોડી દઈને લગભગ ભાગતી, દોડતી હેમા નીકળી ગઈ. દરવાજે ઊભા રહી ગયેલા સંજીવે પરસેવાથી ચીકટી થયેલી હથેળી લૂછવા માટે રૂમાલ કાઢ્યો. એક પળ માટે એને તીવ્ર ઈચ્છા થઈ આવી કે એ પોતાની હથેળી ઊંડા શ્વાસ લઈને સૂંઘે. પળવારમાં સતર્ક બની ગયેલા સંજીવે આ વિચાર મનમાંથી કાઢી નાખ્યો અને સહજ રીતે ઘરમાં દાખલ થઈ ગયો.

એ પછીના દિવસોમાં હેમા અવારનવાર સંજીવ પાસે આવતી રહી. ક્યારેક તેને દાદર સુધી મૂકવા તો ક્યારેક કોઈ પ્રશ્નના ઉકેલ પૂછવા. પછીથી સંજીવના ઘરે ચાલતા ટ્યૂશન ક્લાસમાં પણ હેમા આવતી થઈ ગઈ.
એક દિવસ એવું થયેલું કે ટ્યૂશન માટે આવેલી હેમા રાબેતા મુજબ જ ઉપરના માળે આવેલા સંજીવના ખુલ્લા કમરામાં દાખલ થઈ. તેના આશ્ચર્ય વચ્ચે સંજીવ સિવાય બીજું કોઈ જ ત્યાં ન હતું.

'કોણ?'
પલંગ પર લેટેલા સંજીવે દરવાજા તરફ મોં ફેરવીને પૂછ્યું.

''હું''

''આજે તો રજા રાખી હતી, ભૂલી ગઈ? ''

કોઈ માંગલિક પ્રસંગે આખુંયે ઘર જવાનું હોઈ, સંજીવે ટયુશનમાં રજા રાખેલી.

''સોરી સર, મને ભૂલાઈ ગયેલું. હું જઉં છું. ''

''બેસ થોડીવાર. ચા બનાવતા આવડે છે? તો મારા માટે નીચે જઈને ચા બનાવી લાવ.''

સંજીવને ખુદને આશ્ચર્ય થતું હતું કે પોતે આવું કઈ રીતે બોલી ગયો !

પાંચેક મિનિટમાં જ હેમા ચા બનાવીને ઉપર લઈ આવી.

ચાની સોડમથી જ સંજીવનું મગજ તર થઈ ગયું. અદ્દલ પોતાના જ 'ટેસ્ટ'ની ચા પીતા પીતા સંજીવને અચાનક અહેસાસ થયો કે હેમાની આંખો વહે છે!

''લિટલ ગર્લ! કેમ રડે છે?''

જવાબમાં ધડ ધડ પગથિયા ઊતરવાનો અવાજ સંજીવના કાને પડ્યો. કંઈક અસમંજસમાં બાકીની ચાય પૂરી કરીને સંજીવ ક્યાંય સુધી વિચારતો બેસી રહ્યો.

પછીના દિવસોમાં કોઈ એવો સમય મળ્યો નહીં કશી પડપૂછ કરવાનો. આમેય બોર્ડની પરીક્ષા આડે મહિનો જ બાકી રહેલો. બધા વિદ્યાર્થીઓ તૈયારીમાં પડેલા. પરીક્ષાઓ આવી ને પૂરી પણ થઈ ગઈ. બોર્ડ સિવાયના બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ પૂરી થઈ ગઈ. બેંગલોરથી આવેલી મોટીબહેન પોતાની જોડે સંજીવને પણ લઈ ગઈ. એમ કહોને કે લગભગ ખેંચી જ ગઈ. કમભાગ્યે, રજાના અંતિમ દિવસોમાં જ સંજીવને ટાઈફોઈડ થયો અને બહેનને ત્યાં જ સંજીવને રોકાઈ જવું પડ્યું.


બેંગલોરથી પરત ફરેલા સંજીવને હેમાના બારામાં જે જાણવા મળ્યું તે સાચે જ ખૌફનાક હતું. હેમાના સગા મોટાભાઈની નવોઢા પત્ની, લગ્નની પહેલી રાત્રે જ પોતાના માટે સજાવાયેલા કમરામાં ગળે ફાંસો ખાઈને લટકી ગયેલી. કારણ જે હોય તે પણ બંને કુટુંબોમાં ભારે હોબાળો મચી ગયેલો! ચોવીસ કલાકની અંદર જ જ્યાં ડોલી ઉતરી હતી ત્યાંથી અર્થી ઉઠાવવાની નોબત આવી ગઈ હતી. પોલીસ આવીને વરરાજા સહિત ઘરના તમામ વયસ્ક સભ્યોને ઊઠાવી ગયેલી. દિકરીના અપમૃત્યુ માટે સાસરીવાળાઓને જવાબદાર ગણતા વેવાઈ કોઈ હિસાબે સમાધાન કરવા તૈયાર ન હતા. અંતે મરનાર છોકરીના, ગામનો ઉતાર કહેવાય એવા કાકા જોડે હેમાના લગ્ન કરાવવાની શરતે હેમાના ભાઈઓ અને માબાપનો છૂટકારો થયો. આ એ જ લબાડ હતો કે જેણે હેમાના ભાઈ સાથે પોતાની ભત્રીજીની સગાઈના પ્રસંગે વગર આમંત્રણે રોકાઈ જઈને પછી લાગ મળ્યે હેમાને છેડવાની કોશિષ કરેલી અને ગભરાઈ ગયેલી હેમા ટયુશનમાં જવું છે, એમ કહીને માંડ માંડ છટકી આવેલી.

આ વાતને પણ પચીસેક વર્ષ વિતી ગયા હશે. ભાઈઓના પરિવાર સાથે જ રહેતા સંજીવને ક્યારેક હેમા યાદ આવી જતી તો ભર શિયાળામાં પણ હથેળી પ્રસ્વેદથી ભીની થઈ જતી. હ્રદયની ધડકન તેજ થઈ જતી અને દ્રષ્ટિહીન આંખો તરલ બની જતી. હવે તો શાળાની નોકરીમાં પણ રિટાયરમેન્ટ મળી ગયેલું. ટ્યુશનો તો કેટલાય વર્ષોથી બંધ કરી દીધેલા. આમ ને આમ જીંદગી પસાર થયે રાખતી હતી.

એક દિવસ ઓચિંતા બપોરના સમયે ફોન રણકી ઊઠ્યો. જમ્યા પછી આડે પડખે થવાની ટેવને લીધે સંજીવની આંખો ઘેરાવા લાગી કંઈક કંટાળાયુક્ત અવાજે એણે ફોન ઊપાડીને કાન પર મૂક્યો

સામે છેડેથી જે કાંઈ બોલાયું એ એણે ચૂપચાપ સાંભળ્યું. એકધારો બે કલાક ચાલેલો એ ફોન પૂરો થયો ત્યાર પછીની ક્ષણો કંઈક સ્તબ્ધતામાં વિતી. સોફા પર ફસડાઈ પડેલા સંજીવને હ્રદયની ગતિ બેફામ વધી ગઈ હોય એમ લાગ્યું. એણે સાંભળેલી વાત જ એવી ખૌફનાક હતી.

તદ્દન મુફલિસ માણસને પનારે પડેલી હેમાની હાલત ભયાનક હતી. કશું જ ન કમાતો હેમાનો વર, ખાસ્સા અરસા સુધી સસરા અને સાળાઓના પૈસે મોજ કરતો રહ્યો. બાપીકી સંપતિમાં એક નાનું એવું મકાન હતું એ પણ વેચીને એના પૈસા દારૂ ને જુગારમાં બરબાદ કરી ચૂકેલો. ભાઈઓના સહારે દીકરો-દીકરી મોટા કરતી હેમાને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે એક રોડ અકસ્માતમાં ત્રણેય ભાઈઓ અને માતાપિતા મૃત્યુ પામ્યા. બહેનની બરબાદ જીંદગી માટે પોતાને જવાબદાર ગણીને અપરિણિત રહેલા હેમાના ત્રણેય ભાઈઓ આમ પોતાની બહેનને એકલી મૂકીને ચાલ્યા ગયા. હતપ્રભ થઈ ગયેલી હેમા કશું જ વિચારવાની સ્થિતિમાં ન રહી. આ બધી પરિસ્થિતી માટે પોતાના કમનસીબને જવાબદાર ઠેરવીને વર્ષોના વર્ષો એ નરકમાં સબડતી રહી. અંતે એક દિવસ એક એન્કાઉન્ટરમાં હેમાનો લબાડ પતિ માર્યો ગયો. સાસરીમાં કે પિયરમાં કોઈ એવું ન હતું, જે હેમાનો હાથ ઝાલે.


આજે હેમા હયાત નથી. પોતાનાથી વીસ વરસ મોટા સંજીવ સાથે લગ્ન કરીને પોતાની જીંદગીના શ્રેષ્ઠ દસ વર્ષ, સંજીવના પ્રેમમાં તરબોળ થઈને વિતાવ્યા બાદ, એક રાત્રે સંજીવની છાતી પર માથું ઢાળીને સૂઈ રહેલી હેમા, સવારે એ જ હાલતમાં આ દુનિયાને છોડી ગઈ.