'લગ્ન બાબતે તારો શું વિચાર છે?'
લેકની પાળી પર બેઠા બેઠા બંને પગને હિલ્લોળતા, લેકમાં તરતી બે બોટ તરફ જોતા જોતા, આખીયે દુનિયાનું સુખ જાણે આઈસ્ક્રીમ ખાવામાં સમાયેલું હોય એમ એક હાથમાં પકડેલા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ભરેલા કોનને ગોળગોળ ફેરવીને એ મજેથી ખાતી રહી.
'હેલ્લો મે'મ! હું આપની સાથે વાત કરી રહ્યો છું!'
અવાજને બને તેટલો સંયત રાખીને એણે કહ્યું. જીંદગીની એક મહત્વપૂર્ણ વાત પોતે કરી રહ્યો હોય ત્યારે ય ખાવામાંથી ધ્યાન હટતું નથી. પણ એ તો એમ જ રહેવાનું. એ જેવી છે એવી જ ગમી હતી ને હજુયે ગમે જ છે ને.
'કરું યે ખરા ને ન યે કરું.'
પવનને લીધે વારંવાર ચહેરા પર ઊડી આવતી વાળની લટને કાન પાછળ સેરવતા એણે કહ્યું.
'વોટ ડૂ યુ મીન?'
'ઓહ કમ ઓન મેન! લગ્ન કરવા કે ન કરવા, એ મારી તદ્દન અંગત બાબત છે.'
'ઓક્કે. મને તારા વિચારો જાણવામાં રસ છે.'
'જરૂરી નથી કે આવી નાજુક બાબતની ચર્ચા હું ત્રીજા માણસ જોડે કરું!'
'ત્રીજો માણસ? અમા યાર! આ બાબત આપણાં બંનેને લગતી ન હોઈ શકે?'
'કઈ રીતે?'
'લિટલ! આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ!'
એ જ્યારે પણ એને લિટલ કહીને સંબોધતો ત્યારે એના હ્રદયમાં લાગણીઓના રંગબેરંગી ફૂલોથી લચેલો આખોયે બગીચો મહેક મહેક થતો. ને એ ફૂલો પર ચકરાતા રંગબેરંગી પતંગિયાઓની રંગીની એની આંખોમાં ઝળહળતી.
'વાઉ! ઈટ્સ અ ગુડ આઈડિયા!'
કોનના છેલ્લા ભાગને મોંમાં સરકાવીને એણે અભિનંદન આપવા માંગતી હોય એમ હાથ લંબાવ્યો.
'આઈ એમ સિરિયસ!' કહેતા એણે એના લંબાયેલા હાથમાં ટિસ્યૂ પકડાવી દીધો. આંગળીમાં જરાતરા લાગેલા આઈસ્ક્રીમને ટિસ્યૂ વડે લૂછીને એણે હથેળી ઊંચી કરીને એની આંખો સામે અવળી સવળી ફેરવીને બતાવી.
એના ચહેરા પર મુસ્કાન તરી આવી. 'અહીં... જરાક...' હોઠના ખૂણે એક તરફ આંગળી મૂકીને એણે ત્યાં ચોંટી રહેલો આઈસ્ક્રીમ લૂછવા કહ્યું.
'થેંક્સ!' એની મોટ્ટી કાળી આંખોમાં રમતિયાળ સ્મિત ઊભરી આવ્યું. જે એના ગાલ પર થઈને હોઠ પર રેલાયું. એ સ્મિતને એ મનભરીને જોતો રહ્યો. એને પણ એ વાતનો ખ્યાલ આવ્યો. સહસા એ કિલકિલાટ કરતી હસી પડી, એક મુગ્ધ કિશોરીની માફક. એનું મુક્ત હાસ્ય વાતાવરણમાં ગૂંજી ઊઠ્યું.
એ હાસ્યના છાંટા ઊડ્યા હોય એમ એના ય હોઠ જરા મલકી ગયા. એ હસતો ત્યારે એના બંને ગાલમાં ખંજન પડતા. બસ, જરા જેટલી વાર જ ને બીજનો ચંદ્ર જેમ વાદળીઓની ઓથે લપાઈ જાય એમ એનું સ્મિત લપાઈ ગયું. આમ પણ એનું વ્યક્તિત્વ થોડું બરછટ લાગે. 'હથોડાછાપ છું હું', એ ઘણીવાર કહેતો. એ કાયમ હસતી એની વાત પર. પણ એને ખબર હતી કે એ ભલે ગમે તેમ કહે, અંદરખાને કેટલો મૃદુ અને મધુરભાષી છે, કેટલો સહ્રદયી અને લાગણીશીલ છે. એનું ઓછાબોલાપણું, એનું અંતર્મુખ વ્યક્તિત્વ એના માંહ્યલા ગુણોથી બીજાને અપરિચિત ભલે ને રાખે, પણ એણે તો ઉપરથી સખત એવા આ શ્રીફળની વચ્ચોવચ્ચ ભરેલા શીતળ જળની મધુરપ આકંઠ માણી હતી.
'હવે તારો હસવાનો ક્વોટા પૂરો થયો હોય તો આપણે સિરિયસ વાત કરીએ?' બંને હાથના આંગળા એકમેકમાં જરા સખ્તાઈથી ભીડીને એણે એની આંખોમાં આંખો નાંખીને પૂછ્યું.
'હમમમ!' એ એટલું જ બોલી. આથમતી સાંજનું સોનેરી અજવાળું એની આંખોમાં લહેરાતા દરિયા પર રેલાતું જતું હતું.
'હું લગ્ન કરવા માંગું છું.'
'તો કર ને.'
'તને વાંધો નથી ને?'
'મને શા માટે હોય?'
'યાર! મારે તને પૂછવું તો ખરું ને!
'કેમ?'
'?'
'તારા લગ્ન બાબતે મને પૂછવાનું?'
'ઓહ કમ ઓન, મારા લગ્ન નહીં, આપણા.'
'ઓહ! સમજી. પણ તેં મને ક્યારે પૂછ્યું લગ્ન માટે?'
'તો ક્યારનો હું શું કરું છું?'
'તું તારા વિચાર જણાવી રહ્યો છે!' કહેતા એક ટીખળી સ્મિત એના હોઠના એક ખૂણે ફરકી ગયું.
'મેન! ગજબ સ્ત્રી છો તું!'
'કોઈ શક?!'
દૂર ક્ષિતિજમાં ડૂબતા જતા સૂરજની રતુમડી ઝાંય બંનેના ચહેરા પર રેલાયે જતી હતી. પોતે લંબાવેલા હાથમાં મૂકી દીધેલા હાથની લાંબી પાતળી આંગળીઓને હળવેકથી જકડી લઈને એણે પૂછ્યું.
'તું લગ્ન કરશે મારી જોડે?'
'મારે જ કરવાના છે?'
'હું યે કરવાનો જ ને!'
'કોની જોડે? ગોઓઓ...ડ! પ્લીઝ પ્લીઝ પ્લીઝ એમ ન કહેતો કે પેલી મીનુડી જોડે!'
કહેતા કહેતા એની આંખોમાંથી રમતિયાળ સ્મિતની બદલે ઈર્ષાનો તણખો ઝર્યો.
'જેલસ સાલી!'
એના રોમેરોમમાં હર્ષ ઊભરાયો.
'તારી સાથે લગ્નની વાત કરું છું પાગલ.'
'તો એમ કહેને ચોખ્ખે ચોખ્ખું, કે હું તારી સાથે લગ્ન કરવા માંગું છું. તું મારી સાથે લગ્ન કરીશ?'
'હા બાબા હા! તું કહે એમ, બસ?'
'હમમમમ... હવે બરાબર.'
'તો પહેલા પૂછ્યું એમાં શું ફેર હતો?'
'તું ચોક્કસ શબ્દો ખાઈ ગયો હતો.'
'હા, હશે. પણ વાત તો એ જ રહે છે ને?!'
'ના. અમુક ચોક્કસ શબ્દો ટાળવાનો મતલબ એ છે કે તમે તમારા દ્વારા ઉચ્ચારાયેલા શબ્દો મુજબ વર્તવાની જવાબદારી ઉઠાવવા તૈયાર નથી.'
'બહુ સારું. તું જેમ કહે તેમ હું કરીશ. તારી બધી જવાબદારી ઊઠાવવા હું તૈયાર છું. હવે કહે, તારો શું વિચાર છે?
'જો તું મને, મારા માટે, મારા સમયે, ફક્ત મારો જ થઈને મળતા રહેવા માટે જીવનભરને માટે તૈયાર હો, તો હું યે તૈયાર છું.'
'ઓહ! યુ મીન, હું તને, તારા સમયે, તારા માટે, તારામય થઈને મળતો રહું.... માય ડીયર! આઈ એમ ઓલ યોર્સ એન્ડ વિલ રિમેઈન ફોર એવર... પણ... લગ્ન પછી યે આપણે મળતા રહેવાનું? મીન્સ આપણે સાથે નહીં રહીએ?'
એણે સાશંક નજરે જોતા પૂછ્યું. 'આવી કંઈ આડીઅવળી શરત પણ મૂકે. કંઈ નક્કી ન કહેવાય. સ્વભાવની થોડી વિચિત્ર તો છે જ. નહીં તો મારા જેવા અડીયલ સ્વભાવના, ઉંમરમાં યે દસેક વર્ષ મોટા, ડીવોર્સી પુરુષ તરફ કઈ રીતે આકર્ષાય?'
એ મનોમન વિચારી રહ્યો. એ પોતે પોતાને ક્યારેય હેન્ડસમ તરીકે ગણતો ન હતો. પણ એના વ્યક્તિત્વમાં કશુંક એવું અસાધારણ તત્વ હતું જે એના પરિચયમાં આવનાર કોઈને પણ પ્રભાવિત કર્યા વિના ન રહેતું. શહેરના નામાંકિત કાર્ડિયાક સર્જન તરીકે એની નામના હતી. જો કે, મેડિકલના પહેલા વર્ષથી સાથે ભણતી, સ્વરૂપવાન, ગર્ભશ્રીમંત પિતાની એકની એક દીકરી એવી ગાયનેક પત્ની સાથેનું અલ્પજીવી લગ્નજીવન ભાંગતું અટકાવવામાં એની મેઘાવી બુદ્ધિ, પ્રતિષ્ઠા કે ઈવન લખલૂટ સંપતિ પણ કામ આવી ન હતી. છ વર્ષ વીતી ગયા એ વાતને. એ પછી ક્યારેય કોઈ સ્ત્રી માટે આવું ખેંચાણ અનુભવ્યું નથી. અને હવે આ 'ફટાકડી' ન જાણે ક્યાંથી જિંદગીમાં આવીને બધું કબજે કરીને બેઠી છે!
ફટાકડી... કોલેજકાળમાં ખૂબસુરત પોરીઓને માટે અસ્સલ સુરતી લહેજામાં વપરાતો આ શબ્દ એને બહુ જ ગમતો!
'સ્વીટ્ઝ! સાથે રહેવાથી એકબીજાને મળતા નથી રહેવાતું. એકબીજાને મળતા રહીએ... મીન્સ કે, મનથી એકબીજાની સાવ નજીક હોઈએ.'
'હમમમ! આઈ વિલ ટ્રાય માય બેસ્ટ! બોલ, એ માટે હું શું કરું એ તું ઈચ્છે છે?' અધીરાઈપૂર્વક એ પૂછી બેઠો.
'શું કરી શકાય એકબીજાની નજીક હોવા માટે? એકબીજામાં ખોવાઈ જવું? એકબીજામાં ઓતપ્રોત થઈ જવું? કે પછી એકબીજામય બની જવું? થઈ શકશે આ બધું? હંમેશા માટે?' એ અપલક નજરે જોતા પૂછી રહી.
'જો તારાથી આ બધું થઈ શક્તું હોય તો મારાથી નહીં થઈ શકે?' બે હાથની અદબ વાળીને એણે મક્કમ ચહેરે જવાબ આપ્યો.
'હમમમ. પણ હું યે વિચારું છું. એ શક્ય છે ખરું? 'સ્વ'માંથી બહાર નીકળવું?
'હા. આ 'સ્વ' ની જ બાદબાકી કરી નાંખીએ તો?'
'તો પાછળ શું બાકી રહે?'
'મીન્સ?'
'જો હું ખુદ જ ન હોઉં મારા માટે, તો બાકી કશું હોય કે ન હોય, મને શો ફરક પડે છે?'
એ અસમંજસમાં એની સામે જોઈ રહ્યો. સૂરજ ક્યારનો ય આથમી ગયેલો. લેકની પાળ નજીક ઊભા કરાયેલા લેમ્પ પોસ્ટમાં બળતા પીળા બલ્બના ઝાંખા અજવાળામાં યે એની આંખો ચમકતી હતી.
'માય લવ! આ જ તો વાત છે. કોઈપણ માટે પોતાના અસ્તિત્વથી વિશેષ કશું નથી. તારી પાસે તારો 'હું' છે અને મારી પાસે મારો. સમાન ધ્રુવો વચ્ચે જેમ અપાકર્ષણ થાય એમ આપણા પોતપોતાના 'હું' આપણને એકબીજાથી અલગ દિશામાં લઈ જશે. બહુ અઘરી વાત છે, સ્વ માંથી બહાર નીકળવું.'
'ઓહ મિસ પ્રોફેસર! જરા સમજાય એવું બોલ!'
'આમાં કશું જ ન સમજાય એવું નથી. જો. હું તને ચાહું છું તે મારા માટે. તને મેળવવા માંગું છું એ પણ મારા માટે, રાઈટ? પણ તને મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ ક્યો? તને મેળવવા માટે મારું તારામય થઈ જવું જરૂરી છે.... 'સ્વ'ને ભૂલીને, અહમ્ ને છોડીને. અને એના માટે જરૂરી છે એકબીજા માટે પ્રબળ, ગહન પ્રેમની લાગણીની. પણ તકલીફ એ છે કે, આપણે હંમેશ માટે સ્વ માંથી બહાર નીકળી શકતા નથી. કે અહમ્ ને પણ કાયમ માટે ઓગાળી શકતા નથી. કાચની પારદર્શક દીવાલ જેવો આ અવરોધ હંમેશા આપણી વચ્ચે રહે છે. આદત પડી જતી હોય છે માણસને ધીરે ધીરે, આ દીવાલના સામસામે છેડે રહીને જીવવાની. આ અવરોધ જેટલો સૂક્ષ્મ, એટલી બે વ્યક્તિની એકબીજાની નિકટ રહેવાની શક્યતા વધુ. ને બંને વચ્ચેનો પ્રેમ જેટલો પ્રગાઢ, જેટલો પ્રબળ, એટલી આ દીવાલના તૂટવાની શક્યતા વધુ ને વધુ મજબૂત થતી રહે. બે વ્યક્તિ વચ્ચે સ્વ રૂપી અવરોધ ઊભો થતો રહે ને પ્રેમ થકી એ અવરોધ હટતો રહે અને આપણે એકબીજાને મળતા રહીએ. બસ, આટલું જ કહેવા માંગું છું.'
'હમમમ. સમજ્યો. વેલ, હું વચન આપું છું. પૂરી નિષ્ઠાપૂર્વક કોશિષ કરીશ કે આપણી વચ્ચે આવા અવરોધની દીવાલ ઊભી જ ન થાય ને થાય તો પણ, પ્રેમની ઉષ્મા થકી એ દીવાલ ઓગળતી રહે અને આપણે એકબીજાને મળતા રહીએ!'