ધૂમ્રસેર... Saumya Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂમ્રસેર...

રસ્તાની ધારે ઉગેલા બાવળ ના ઝૂંડ વચ્ચે થી પસાર થતી કેડી પરથી એ સાચવી ને નીચે ઉતર્યો. આમ તો અહીંની ઈંચે-ઇંચ જમીનથી એ પરિચિત હતો. પણ આમ કેડી મારગ પર ઢોળાવ વાળા રસ્તે થઈને નીચે ઉતરવું હવે જરા દુષ્કર લાગતું હતું. ઉંમરનો તકાજો જ વળી, બીજું શું? એ અધવચ્ચે જ થોડી સમથળ જગ્યા જોઇને ઊભો રહી ગયો.

આ એ જ રસ્તો હતો કે જેના પર આંખો મીંચીને એ અને નલિયો પચાસેક ડગલાં દોડી જતા. બે માંથી કોણ નીચેની તરફ પહેલા ઊતરીને આડેધડ ઉગેલા લાલ પીળા વગડાઉ ફૂલોથી લચી ઉઠતા ઝાડી-ઝાંખરાને વળોટી ને ભોજા ભગતની વાડી ની ફરતે આવેલી કાંટાળા થોર ની વાડ માં પડેલા છીંડા સોંસરવા થઈને વાડી ની અંદર દાખલ થઇ જાય, એની વગર બોલ્યા ની શરતો બેઉ દોસ્તારો વચ્ચે મંડાતી. આમ તો બન્ને દોસ્તોએ વાડી માં પ્રવેશવા શોધેલો આ ટૂંકો રસ્તો હતો. અસલ માં તો એક ગાડા મારગ પર થઈને સડક ની બીજી તરફના વળાંક થી વાડી માં દાખલ થઇ શકાતું. ત્યાંથી વાંસ ની ખપાટ બાંધી ને તૈયાર કરેલી ઝાંપલી માંથી અંદર જઈએ એટલે એક તરફ મસ મોટો વડલો અને વડલાની એક કોરે ઊભી કરાયેલી નીરણ ભરવાની ઓરડી. ઓરડીથી થોડે આગળ જતા પથ્થરની ગોળાકાર પાળી બાંધેલો કૂવો. કૂવા પર મૂકેલો કોસ અને અને કૂવાની પડખે ના થાળામાં ભકભક ઠલવાતું પાણી એક કાચી નહેર વાટે આખા ખેતરમાં સિંચાતું. વડલાથી બસો ડગલાં દૂર સૂરાપૂરાની ખાંભીઓ ખોડેલી. નલીયો એમ કહેતો કે આ અમારા સૂરાપૂરા બાપા છે. તો પોતે પણ કહેતો કે તારા બાપા તો મારા યે બાપા. ને પછી બંને ગોઠિયા લાંબા થઈને ખાંભીઓ સામે દંડવત પ્રણામ કરતા. ને પછી કોઈ જોતું નથી ને, એની ખાતરી કરીને વડલાના થડ વાંહે લપાઈને બેસતા. આમ તો તદ્દન અવાવરુ જગ્યા. મૂક ખાંભીઓ અને વગડાના સન્નાટામાં નિસ્તબ્ધ ઉભેલો વડલો.

“પવલા જો ને... કોઈ આવતું નથીને”

શરીરે જરા બથડો એવો નલિયો વડલાના થડ જોડે પીઠ ચિપકાવીને ઉભો રહી જતો અને થીગડા દીધેલી ચડ્ડીના ખિસ્સામાં સંતાડેલો ખજાનો બહાર કાઢીને બે હાથની હથેળીઓ વચ્ચે દબાવીને પ્રવીણ સામું જોતો. થડની ઓથેથી ડોકું બહાર કાઢીને ચોમેર નજર ફેરવીને પવલો સબ સલામતની સંજ્ઞા કરતો. ને નલીયો હથેળીમાં દબાવેલી બે બીડીને એકસાથે હોઠ વચ્ચે ભરાવીને બાકસની સળીનાં એક જ લપકારે સળગાવીને એક બીડી પવલાને આપી દેતો. પછી આરામથી થડના ટેકે પીઠ ટેકવીને ડાબા હાથની અદબ વાળીને જમણા હાથને ટેકો આપીને બીડીનો એક ઊંડો કશ ખેંચીને પછી ઉપરની તરફ જોઇને સલૂકાઈથી મોં વાટે ધૂમાડો છોડતો. ધૂમાડાનો એક મોટો ગોટ ઉઠતો અને વલયાકારે હવામાં ઉંચે ઉડી જતો.

શરીરે સાવ સૂકલકડી એવો પવલો હાથમાં સળગતી બીડી ઝાલીને નલિયા ના મોમાંથી ઉઠતા ધૂમાડાના ગોટમાંથી રચાતા વલયોને જોયા કરતો. ને પોતે પણ એ રીતે કશ ખેંચવાની અને વલયો રચાય એવી ધૂમ્રસેર છોડવાની કોશિશ કરતો. પણ નલિનની જેમ બીડી પીતા એને ન જ આવડતું. ક્યારેક તો એને બીડી પીતો જોઈ રહેવામાં જ ધ્યાન રહેતું ને હાથમાં પકડેલી બીડીથી આંગળીઓ દાઝી જતી.

અચાનક એની આંગળીના ટેરવામાં કશુંક તીવ્રતાથી ખૂંચ્યું. બેધ્યાનપણે આગળ વધતા કોઈ કાંટાળા ઝાંખરાને રસ્તામાંથી હટાવતા હાથને એણે ઝટકાપૂર્વક પાછો ખેંચી લીધો. પેલી બીડીથી દાઝેલી આંગળીઓમાં જે બળતરા થતી એવી જ બળતરા એને હૃદયમાં થઇ આવી. સંભાળી સંભાળીને એણે નીચે તરફ ઉતરવા માંડ્યું. થોડાક જ ડગલાં બાકી હતા ત્યાં જ એણે નજર સામે એ જ છીંડાળી વાડ જોઈ. એની નજર સામે પંદર સોળ વરસના બે કિશોરોની છબી ઉપસી આવી.

પ્રવીણ અને નલિન... એ તો તાલુકાની નિશાળમાં ચોપડે લખાયેલા નામ. બાકી ગામમાં તો પવલો ને નલીયો.. ગામની નિશાળમાં પાંચ ચોપડી ભણીને બંને તાલુકાની નિશાળમાં સાતમા ધોરણમાં પહોંચેલા. અલબત્ત, સાતમામાં આ ત્રીજું વરસ હતું. બંનેને ભણવામાં ખાસ કોઈ રૂચી ન હતી. નલિનના બાપાની તો બહોળી ખેતી હતી, પણ ગામને છેવાડે આવેલા વાસમાં પતરાની ભાંગીતૂટી છાપરી નીચે લુહારીકામ કરતા પ્રવીણના બાપાની મંછા હતી કે એકનો એક દીકરો ભણીગણીને આગળ વધે. જો કે, સવારની નિશાળમાં રીસેસ પડે ત્યાં જ ગાપચી મારીને ભાગી જતા આ બંને મિત્રોનો આખો દિવસ વાડી ખેતરોમાં રખડવામાં જ વીતી જતો. સાંજે ઝાલરટાણું થાય ત્યારે ગામના ચોરે રામજી મંદિરે આરતી કરીને પછી જ બેઉ પોતપોતાને ઘેર જાય. ન જાણે ક્યાંથી બેય જણા બીડીના રવાડે ચડેલા. નલિનના દાદા ભોજા ભગત આખા દિ’ માં ત્રણ ચાર ઝૂડી બીડી ફૂંકી નાખતા. ડોહાને જોઇને પોતરાને ય બીડી પીવાની ચાનક ચડેલી. અને કોઈ કામ એવું હોય ખરું કે જેમાં બેય દોસ્તારોનો સંગાથ ન હોય.

પોતાના ડામીસ જેવા બાપના ગુસ્સાથી એની ગેરહાજરીમાંયે ડરતો પવલો, બીડી પીવાની વાતમાં શરૂમાં તો ભારે ગભરાયેલો.

“કોઈ જોઈ જશે તો... બાપાને ખબર પડી જશે તો....”

આવી આવી એની કેટલીયે ‘અવળવાણી’ને ગણકાર્યા વિના બીડી ફૂંકવાનો પેલ્લવેલ્લો ‘પોગરામ’ જ્યારે નલિયાની વાડીએ કર્યો ત્યારે બીકના માર્યા થરથર ધ્રૂજતા પવલાની આંગળીઓ વચ્ચે ગોઠવેલી બીડી મોંમાં મૂકીને સટ લેતા જ ઉધરસનો એવો જોરદાર ઠહકો ચડ્યો કે ખાંસતા ખાંસતા આંખોમાં પાણી આવી ગયા. જયારે નલીયો તો પહેલા જ પ્રયાસમાં સાવ નિરાંત જીવે બીડીના કશ લગાવી રહ્યો હતો. “ઉધરસ તો આવે જરીક્વાર... પછી કાંઈ નો થાય...” આવું કેટલીયેવાર સમજાવ્યા પછી પણ પવલાને બીડી પીવામાં ફાવટ આવતી ન હતી.

દૂર પશ્ચિમમાં સૂરજ ધીમે ધીમે આથમવા જઈ રહ્યો હતો. સોનલવરણા કિરણોનો આછો આછો કિરમજી ઢોળ લીલીછમ વનરાજી પર ઝળૂંબી રહ્યો હતો. સઘળી લીલાશ ઘડીભર પછી કાળા અંધકારને ઓઢી લેવાની હતી.

હોસ્પિટલની સફેદ દીવાલો પર સફેદ ચાદર પાથરેલા પલંગ પર નલીયો સૂતો હતો. પવલો એના પલંગની બાજુમાં જ ચેર પર બેઠો હતો. શાંત કમરામાં એસીની આછી ઘરઘરાટી સિવાય બીજો કોઈ અવાજ ન હતો. સામેની દીવાલ પર લગાડેલા ટીવીના કાળા કાચમાં સફેદ પથારીનું પ્રતિબિંબ કળાતું હતું. આછા લીલા પડદાથી ઢંકાયેલી બારીઓની પેલે પાર રોડ પર પાણીના રેલાની માફક સરસરાટ ચાલી જતા વાહનોનો જરા જેટલો પણ અવાજ દસ માળની ઊંચાઈ ઓળંગીને આ કમરામાં આવે એ સંભવ ન હતું. છેલ્લા એક મહિનાથી નલિનને હોસ્પિટલના આ સુપર ડીલક્ષ રૂમમાં દાખલ કરેલો. ડોક્ટરોએ તો જો કે કોઈ જ આશા નહોતી બંધાવી. નલિનની હાલત ખરેખર ગંભીર હતી. નાનપણથી જ પાળેલી સ્થૂળતા અને બીડીના વ્યસને શરીરમાં શક્ય એટલા બધા જ રોગોને જગ્યા કરી આપવામાં ખાસ્સી મદદ કરેલી.

“પવા... બધું ય કાળુંધબ્બ દેખાય છે.... ડામીસો આઈ ગ્યા છે લેવા...” આટલું બોલતા જ ઉધરસનો એક જોરદાર હુમલો આવતાની સાથે જ મોંમાંથી થૂંકમિશ્રિત લોહીનો રેલો હોઠના એક ખૂણેથી વહેવા લાગ્યો.

હોસ્પિટલમાં પહેલા જ દિવસથી સાથે ને સાથે રહેલા પવલાની આંખો જરાતરા મીંચાઈ ગયેલી. નલિનના અવાજે એક પળમાં જ એની આંખમાંથી ઊંઘ ગાયબ કરી દીધી. ઘડીવાર પહેલા જ રૂમની બહાર ગયેલી નર્સ દોડી આવી. પાસેના ટેબલ પર પડેલી ટ્રેમાંથી સિરીંજ અને ઇન્જેક્શનની બોટલ ઉઠાવીને થોડી માત્રામાં પ્રવાહી ભરીને નલિનના કાંડે ખૂંપાવેલી સોય વાટે નસમાં ઠાલવી દીધું. નલિનનો ચહેરો, ગરદન સાફ કરીને નર્સ બાથરૂમમાં ચાલી ગઈ.

“તેડું આઈ ગ્યું પવા...” નસમાં ચડેલા ઇન્જેક્શનની અસરથી રાહત થઇ ગઈ હોય એમ શાંત અવાજે નલિન બોલ્યો.

“નલા... નાલાયક... તને કઈ નથી થવાનું... હજુ કાલ એક ટેસ્ટ કરવાનો છે. પછી તો આપણે ઘરે જવાનું છે.” પ્રવીણને ખુદને પોતાનો અવાજ સાવ બોદો લાગતો હતો પણ નલિન આમ હિંમત હારી જાય એ કેમ ચાલે?

“નહીં પવા... બૌ થ્યું.... હવે બસ... બૌ કમાઈ લીધું.... બૌ જીવી લીધું....”

સાતમીમાં ચોથી વાર નાપાસ થયા પછી નિશાળને કાયમ માટે રામ રામ કરીને બેય ભાઈબંધ આખો દિવસ વાડી-ખેતરોમાં રખડ્યા કરતા. નલિનના મામાને શહેરમાં કારખાનું હતું. માઠા વરસમાં ખેતીમાં ય કોઈ ભલીવાર ન હતો. તો નલિનના મામા આવીને કારખાનામાં ‘ઘરના માણસ’ તરીકે ભાણીયાને આગ્રહપૂર્વક તેડી ગયા. પવલા વિના તો પોતે ડગલું એ નહિ માંડે એવી નલિયા ની જીદ આગળ ઝૂકીને મામાએ પવલાના બાપાને પણ સમજાવી લીધા અને બંને ભાઈબંધ શહેરમાં આવ્યા. ભણવામાં તદ્દન ‘ઢ’ જેવા બંને કામકાજમાં એક્કા નીવડ્યાં. સફળતા ડગલે ને પગલે રૂમઝૂમતી આવી. આંક ને પલાખાં યાદ કરતાં જેને નાકે દમ આવી જતો એવા આ બંનેની સહિયારી કંપનીનું સરવૈયું કરોડોમાં નીકળતું થયું. નલિનની બંને દીકરીઓ મોટા ઘરોમાં પરણીને ઠરીઠામ થઇ ગઈ. દીકરો મેનેજમેન્ટનું ભણીને ઘરનો કારોબાર સંભાળતો થયો. તો પ્રવીણની એકની એક દીકરી મેડીકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી હતી.

“પવા.. હવે જાઉં તો કાંઈ વાંધો નથી. છોકરા એની રીતે સુખી છે. તારી ભાભી ય કે દિ’ની ઉપર બેઠી વાટ જુએ છે. બે જ વાતનું દુખ છે. એક તો... મારી જેમ બીડીના ધુમાડા કાઢતા, ગોટ ઉડાડતા તને નો જ આવડ્યું.... મેં આટલીવાર શીખવ્યું તો યે નો આવડ્યું ડોફા તને....” આટલું બોલતા હાંફ ચડ્યો હોય એમ જરાવાર એ ચૂપચાપ સ્થિર પડી રહ્યો.

અડખે પડખે બાંધેલા બે એકસરખા બંગલાની ફરતે વાવેલી લીલીછમ લોનમાં નાખેલી ખુરશીઓમાં બેઠે બેઠે બંને ભાઈબંધ બીડીના કશ મારતા મારતા આ સહિયારું ઐશ્વર્ય મનભરીને માણતા. બીડી જ શું કામ, સિગારેટ, ચિરૂટ, હુક્કો..... બધાનો શોખ કરવામાં બન્નેએ કોઈ કમી નહોતી રાખી. પણ માફક આવતી તો કિશોરાવસ્થાથી જ જેની લત લાગેલી એ બીડી જ. પહેલો પ્રેમ ક્યારેય ભૂલાય છે ભલા કોઈનાથી? જો કે, સમજણા થવા માંડેલા સંતાનોના બીડી પ્રત્યેના અણગમા અને બીડી છોડવા માટેની વારંવારની સમજાવટથી પીગળીને બંને મિત્રો એકસાથે બીડી છોડવાનો સંકલ્પ કરતા..... પહેલી તારીખથી. કેમ પહેલી જ તારીખ? તો કહે, યાદ રહે ને કે બીડી છોડ્યાને કેટલા દિવસ થયા. ને પછી છેલ્લી તારીખે તો બંને જણા અધરાત લાગી બીડી ઉપર બીડી ફૂંક્યે જ રાખતા. ‘કાલથી તો સાવ બંધ જ છે ને... આજ મન ભરીને પી લઈએ...’ આવું તો કેટલીયેવાર બનતું. એમાં થતું એવું કે, ચાર-પાંચ દિવસ તો ‘ટેમ્પો’ જળવાઈ રહેતો. પણ પછી બીડીના અભાવથી માથાના દુઃખાવો, સ્વભાવમાં ચીડિયાપણું,ખાવામાં અરુચિ..... આવી કેટલીયે ફરિયાદો ઉભી થતી. “સાલું હું તૈન દિ’ થ્યા જાજરૂ નથી ગ્યો....” એરકન્ડીશન્ડ ઓફિસમાં બેઠે બેઠે નલિન ઉકળાટ ઠલવતો. “તો આંય પણ કોણ ગ્યું છે પેલ્લી તારીખ પછી?” પ્રવીણ પણ સૂર પૂરાવતો અને પછી સાંજ પડતા પહેલા જ લેટેસ્ટ મોડેલની રૂપકડી ગાડી શહેરના શોરબકોરથી દૂર, વાડીના શાંત વાતાવરણમાં બંને ભાઈબંધોને લાવીને મૂકી દેતી. હવે છૂપાવાની કોઈ જરૂર ન હતી તો પણ, બંને જણા વડલાની ઓથે ઉભા રહીને બીડીના કશ લગાવતા. બીડી છોડવાથી ઉભી થયેલી બધી જ તકલીફો બીડીના ધૂમાડામાં ઓગળીને ગાયબ થઇ જતી.

“પવા... ડોફા... આ તને બીડીના ગોટ કાઢતા નો આવડ્યું એનો મને બૌ જ અફસોસ રે’શે હો...” પહોળી થતી જતી આંખોને પવલાની આંખોમાં સતત પરોવેલી રાખવા મથતા કંપતા અવાજે બોલતા નલિનની, પવલાનાં હાથની આંગળીઓમાં ભીડેલી મુડદાલ આંગળીઓની પક્કડ ઓર સખત થઇ ગઈ. ચિંતાના બે’ક સળ હવે પ્રવીણના કપાળે પણ વળ્યાં. એસીની ઠંડકમાં પણ ભીડાયેલા હાથની હથેળીઓ વચ્ચે પરસેવો નીતરવો શરુ થઇ ગયો હોય એમ એને લાગ્યું. ચોવીસ દિવસ કે ચોવીસ કલાક...... મહિના દિવસ પહેલા ડોકટરે પાડી દીધેલી પોતાના ભાઈબંધની જિંદગીની આ મુદ્દત આજે જ પૂરી થઇ જશે કે શું? બંને દીકરીઓ થોડીવાર પહેલા જ ઘરે ગઈ હતી... દીકરો પણ આજે આખો દિવસ મિટિંગમાં રોકાયેલો હતો.

“પવા.... મને કોઈ ચિંતા નથી.. કોઈ ડર નથી મરવાનો... પણ સાલા તારી પેલ્લા મરી જવાનું બૌ દુઃખ છે મને.... સાલા હું તો મરી જઈશ ને તું જીવતો રહીશ? મારા વિના?”

“હાસ્તો વળી... આ આવડો પથારો પાથર્યો છે ધંધાનો.... એકલા છોકરા ઉપર બધો ય ભાર નાખીને એમ બેય જણથી થોડું નીકળી જવાય છે? ને તારા જાવાનો ટાઈમ થ્યો હશે. મારે તો હજુ બૌ વરસ જીવવાનું છે... બીડીનો ગોટ ઉડાડતા શીખવાનું છે...”

“બૌ હારું.... પણ ઝાઝું જીવવાના વે’મમાં નો રે’તો... તૈણ મહિનામાં જી કરવું હોય ઈ બધો ય ફેંસલો કરી નાખજે.... ઉપર જાઉં એટલી વાર છે... તૈણ જ મહિનામાં તારી ચિઠ્ઠી નો ફડાવું તો મને ફટ્ટ કે’જે.....ઉપર આવ પછી તને હાઈકલાસ ગોટા કાઢતા શીખવાડું....” પળવાર માટે આંખો મીચી લીધી નલિને... પ્રવીણની આંગળીઓ પરની પક્કડ પણ સાવ ઢીલી કરી નાખી.

“ઓહ માય ગોડ....” બંને મિત્રોનો સંવાદ સાંભળીને હતપ્રભ થઇ ગયેલી નર્સના મોંમાંથી ઉદ્દગારો સરી પડ્યા. ‘મારી જિંદગીમાં મેં કોઈ પેશન્ટને આવી વાતો કરતા સાંભળ્યા નથી...” એવું કૈક અસ્પષ્ટ બબડતી નર્સ રૂમના બીજે છેડે બારી પાસે જઈને ઉભી રહી.

“પવા....” નલિનના અવાજમાં હવે ઘરઘરાટી ભળી હતી. બીડી લાય ને... એક... છેલ્લીવાર..... કાલથી તો હમૂળી બંધ... આપણને બેય ને... આજ એકવાર હાયરે બેહીને પી લઇ...એકુકી... છેલ્લીવાર...” આટલું બોલતા થાક લાગ્યો હોય એમ નલિન ચૂપ થઇ ગયો પણ એની વ્યાકૂળ આંખો પ્રવીણના ચહેરા પરના હાવભાવમાં પોતાની વાતનો જવાબ ખોળતી રહી.

પ્રવીણે અસહાય નજરે નલિન તરફ જોયું ને પછી એટલી જ અસહાય નજરથી નર્સ સામે જોયું. ખભા ઉલાળીને નર્સ રૂમની બહાર ચાલી ગઈ. એના ગમનમાં શું હતું? એક મરતા માણસની અંતિમ ઈચ્છાનો આદર કે પછી વ્યસન પ્રત્યેના વળગણ માટેનો તિરસ્કાર.....

“જે હોય તે....” અચાનક પ્રવીણે ઉભા થઈને રૂમનો દરવાજો બંધ કર્યો. પલંગ પાસેની બારી ખોલી નાખી અને ખિસ્સામાંથી બીડીબાકસ કાઢ્યા. પલંગનો જેક ઉંચો કરીને નલિનને વ્યવસ્થિત બેસાડ્યો. પલંગની પાછળની દીવાલે લગાડેલી બારીના દૂધ જેવા રંગના પડદા હટાવીને બારી ખોલી નાખી. બે બીડી જલાવીને એક નલિનને આપી અને બીજી પોતે લીધી. બધી જ તકલીફોને ધૂમાડાના ગોટમાં ઉડાડી મૂકવી હોય એમ પૂરી તલ્લીનતાથી બીડી પીને નલિન આંખો મીંચી ગયો. બીડીનું અર્ધબળેલું ઠૂંઠું એની બે આંગળીઓ વચ્ચે દબાઈ રહ્યું. દરવાજો ખોલીને અંદર આવેલી નર્સ સ્તબ્ધ થઈને જોઈ રહી! નલિનની આંગળીઓ વચ્ચેથી ઠુંઠું સરકાવી લઈને પ્રવીણ બાથરૂમમાં જઈને બંને ઠુંઠા ફ્લશ કરી આવ્યો. ચાહવા છતાયે એની આંખમાં આંસુનું એક ટીપું ય ન આવ્યું. કોઈ જાતના ક્રિયાકર્મ વિના માત્ર એક જ દિવસમાં સઘળું આટોપાઈ ગયું. એક જીવતો જાગતો માણસ ધૂમાડામાં વિલીન થઈને અનંતમાં લીન થઇ ગયો.

ધીરે ધીરે ઘટ્ટ થતા જતા અંધકારમાં સૃષ્ટિ ઓગળી જાય એ પહેલા જ નીચે તરફ ઉતરીને એ છીંડા વાટે વાડીમાં દાખલ થયો. આકાશમાં એકસાથે ઉડી રહેલા કુંજ પક્ષીઓનો વિશિષ્ટ અવાજ, દૂર કોઈના ખેતરમાં કૂવા પર ચાલતા મશીનનો આછો ઘૂરકાટ, વડલા પર વસતા પંખીઓનો કલશોર.... આ બધું જ જાણે કોઈ બીજી દુનિયામાં ચાલી રહેલું હોય એમ એ સ્થિતપ્રજ્ઞની જેમ વડલા પાછળ આવ્યો. અચાનક શું થયું કે વડલાના મસમોટા થડને બાથ ભરીને એ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો.

ખાસ્સીવારે એ સ્વસ્થ થયો. અંધારું થઇ ગયું હતું. ખુદનો હાથ પણ ન દેખાય એટલો અંધકાર ચોમેર છવાઈ ગયો. થોડીવાર એણે આંખો ખેંચીને જોયા કર્યું. અંધકારથી એની આંખો ટેવાઈ. હવે વડલો, ઓરડી, કૂવાનું થાળું... બધું સ્પષ્ટ કળાતું હતું. ધીરે પગલે ચાલતો એ કૂવા નજીક આવ્યો. ખિસ્સામાંથી બીડીબાકસ કાઢ્યા અને એક ઊંડો શ્વાસ લઈને બંને ચીજો કૂવામાં નાખી દઈને એણે ચાલવા માંડ્યું. દૂર ક્ષિતિજે ડોકિયા કરી રહેલા ચંદ્રનું આછું અજવાળું રેલાઈ રહ્યું.