ઉત્તર બંગાળનો પ્રવાસ, ભાગ 6
લેખક- વિમીષ પુષ્પધનવા
તિસ્તા નદીના પટમાં સિક્કીમનો સ્પર્શ
4થી એપ્રિલે સવારે અમે કલિમપોંગથી ઉપડ્યા ત્યારે એટલી જ ખબર હતી કે એડવેન્ચર માટે જવાનું છે. જોકે અમને તો કલિમપોંગ પહોંચવુ અને ત્યાંથી પરત જવું એ સફર જ એડવેન્ચર હતું. એટલે હજુય શું બાકી રહ્યું એવો સવાલ પણ અમે કરી રહ્યાં હતા.
કલિમપોંગથી હેઠવાસમાં ગાડીઓ ઉતરતી થઈ. થોડી વારમાં શહેર પુરું થયું. એ પછી ભુગોળ વળી નવી જોવા મળી. હવેના દરેક ગામો ઢોળાવ પર જ હતાં. તીવ્ર ઢોળાવ પર વસેલા ઘણાખરા ગામોમાં ગાડીઓ પાર્ક કરવાની સમસ્યા હતી. એટલે વાહનો ઘર આગળ બનેલા ઓટા પર જ ગોઠવેલા જોવા મળતાં હતા. ઢોળાવ પર ટેકા ગોઠવીને સપાટ તળિયું બનાવી તેના પર ઘરો બનેલા હતા. એ જોઈ અમને એ જ વિચાર આવ્યો કે ભૂકંપનો નાનો ઝટકો પણ આ બધું માળખું વીખી નાખવા માટે પુરતો છે. પણ અહીંના લોકો પાસે આખો હિમાલય હોવા છતાં સપાટ જમીન નથી. એટલે એ સ્થિતિ અહીંની મજબૂરી પણ છે.
સિંગલ પટ્ટી રોડની બન્ને તરફ થોડી જગ્યા અને પછી નાના-નાના ખેતરો હતા. ઢોળાવ પરના એ ખેતરમાં મોટે ભાગે તો એલચીની ખેતી થતી હતી. એલચીના છોડ અને ખેતર જોવા અમારા માટે નવી નવાઈની વાત હતી. બંગાળનો ઉત્તર ભાગ એટલે કે દાર્જિલિંગ અને આખા સિક્કીમ માટે એલચી એ મહત્વનો રોકડીયો પાક છે. એટલે તો પછી સ્પાઈસ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ગંગટોકમાં એક એલચી સંશોધન કેન્દ્ર પણ સ્થાપી દીધું છે. મોટી એલચીના ઉત્પાદનમાં આખા ભારતમાં 80-90 ટકા હિસ્સો એકલા સિક્કીમનો છે. અમે જોકે સિક્કીમમાં નહી પણ તેની સરહદને સ્પર્શતા બંગાળમાં હતા. પણ એલચીનો પાક તો સરખો જ હતો.
આવા મરી મસાલા સામાન્ય રીતે પરદેશી જ હોય એવી આપણી માન્યતા છે. પણ ત્યાં ખબર પડી કે હકીકતે જે બે પ્રકારની એલચી થાય છે, એ બન્નેનું વતન ભારત જ છે. એમાંય બંગાળ-સિક્કીમ-બાંગ્લા વગેરેમાં જ તેનું જંગી ઉત્પાદન થાય છે. થોડું ઘણુ દક્ષિણ ભારતમાં. બાકી મેદાની પ્રદેશોમાં એલચી પાકતી નથી.
એલચીના ખેતરો પુરાં કરતાં કરતાં અમે આગળ વધ્યા ત્યાં અમને દૂર નદી દેખાતી થઈ. ખીણ વચ્ચે વહેતી નદી વધારે ઊંડી હતી. હકીકતે એ તિસ્તા નદી હતી. અહીંથી આગળ વધી આખા બાંગ્લાદેશને ચીરતી તિસ્તા બંગાળના અખાત સુધી પહોંચે છે. તિસ્તા બાંગ્લાદેશની અત્યંત મહત્વની નદી છે. એ નદીના કાંઠે જ અમારો સાહસિક કેમ્પ હતો.
થોડી વારે ગાડી એક ચેક પોઈન્ટ પર ઉભી રહી. ત્યાં બોર્ડ મારેલું હતું – વેલકમ ટુ સિક્કીમ, પ્લિઝ કો-ઓપરેટ વિથ ચેકપોસ્ટ ઓફિસર.. વગેરે વગેરે. ઓહ! તો અમે સિક્કીમમાં એન્ટર થયા. પણ અમારે સિક્કીમમાં વધારે ઊંડે સુધી જવાનું ન હતું. માત્ર ચેકપોસ્ટ વટાવીને આગળ થોડી ખુલ્લી જગ્યા હતી ત્યાં વાહનો પાર્ક કરવા પુરતો જ અમારો સિક્કીમ પ્રવેશ હતો. કેમ સાંકડા પહાડી રસ્તે ગાડીઓ ગમે ત્યાં ઉભી રાખી શકાય એમ ન હતી.
નદીના આ કાંઠે બંગાળ, સામે કાંઠે સિક્કીમ એવી સ્થિતિ હતી. તેનો અનુભવ અમને ગાડીમાંથી ઉતરતાં જ થયો. અમે ગાડીમાંથી ઉતર્યા એ સિક્કીમ હતું. એ પછી અમારે ચાલીને નીચે નદીમાં ઉતરવાનું હતું. નદી પાર કરી અમે સામે પહોંચ્યા ત્યાં ફરી બંગાળ આવ્યું. એટલે નદી કાંઠે બંધાયેલા તંબુસાથેનો અમારો કેમ્પ તો હતો બંગાળમાં પણ ત્યાં સુધીનો રસ્તો સિક્કીમમાં ટર્ન લઈને આવતો હતો.
નદી કાંઠે ચાલતા ચાલતા અમે કેમ્પ સુધી પહોંચ્યા. તોતિંગ મોટા વૃક્ષો અને ખળખળ વહેતી નદીને કારણે અમારી એડવેન્ચર એક્ટીવીટી તો ચાલતાં ચાલતાં જ શરૃ થઈ ગઈ હતી. ગામડામાં રોડના કાંઠે બસ-સ્ટેશનનું હોય એવુ એક છાપરું આવ્યું. બાજુમાં તંબુઓની લાઈન હતી. ત્યાં રાતવાસો કરવાની સગવડ હતી. નદી કાંઠે કોઈને રહેવાનું મન થાય તો. એક બાજુ નદી, થોડી સપાટ જગ્યા પર તંબુ અને પાછળ વળી તોતિંગ ઊંચી ટેકરીઓ..
છાપરા નીચે થોડો બ્રેક લીધો. ચા-પાણી પીધા. એ પછી અમારી સાથે આવેલા ટ્રેઈનર સંજોયે અમને સાહસ માટે ઉપાડ્યા. સંજોય એવરેસ્ટ સફરની તૈયારી કરી રહ્યો હતો. તેનું કામ અહીં એડવેન્ચર એક્ટિવિટી કરાવાનું હતું. સૌથી પહેલા અમને એક ખડક પાસે લઈ જવામાં આવ્યા. દોરડાની મદદથી ખડક પરથી કેમ ઉતરવું એ શિખવાનું હતું. નાનપણમાં ગામડામાં નાના ખડકો સાથે આવી રમત રમ્યાં હતા એટલે ખાસ નવાઈ ન હતી. પણ અહીં ખડક મોટો હતો એટલે અનુભવ લેવાનો રોમાંચ જરૃર હતો.
સંજોયે પહેલા પોતે દોરડે લટકીને ખડક સાથે અથડાયા વગર નીચે કેમ ઉતરવું તેનો ડેમો અમને બતાવ્યો. એ પછી અમે એક પછી એક મિત્રો કમરે પટ્ટા-પટ્ટી-દોરડા બાંધીને લસરતાં થયા. કોઈ પહેલા પ્રયાસમાં સફળ થયું તો કોઈને થોડી ઘણી નિષ્ફળતાય મળી. મૂળ વાત મજા કરવાની હતી, જે સૌ કરી રહ્યાં હતા.
ખડક સાથે ખાંડા ખખડાવ્યા પછી દોરડે લટકીને નદી પાર કરવાની હતી. એ માટે પહેલા તો સંજોય અને તેની ટીમે નદીના સામ-સામા કાંઠે દોરડા બાંધ્યા. મજબૂતી ચકાસી જોઈ. સંજોય અને તેના એક સાથીદારે નદી પણ પાર કરી અમને બતાવ્યું. ખડક કરતાં આ કામગીરી વધુ સાહસિક લાગતી હતી અને એટલે વધુ ડર પણ લાગતો હતો. પણ સૌનું થશે એ આપણું થશે એમ માનીને અમે નદી પાર કરવા તૈયાર થયા.
આ પ્રવૃત્તિ માત્ર મજા માટેની નથી. ભૂકંપ કે પુર જેવી આફત વખતે કોઈ નદીના એક કાંઠે ફસાઈ ગયા હોય એવા લોકોને બચાવવા માટે આ પદ્ધતિ કામ લાગે છે. સંજોયે એમને તેનું મહત્વ સમજાવ્યું. આર્મી જ્યારે બચાવ કામગીરી માટે આવે ત્યારે મોટે ભાગે આવી જ પ્રવૃત્તિ થતી હોય છે એમ પણ જણાવ્યું.
અમે પણ એક પછી એક દોરડે લટકીને બીજા દોરડાની મદદથી સામા છેડે પહોંચવા પ્રયાસ કરવા લાગ્યા. જેમનું વજન વધુ હતા એવા મિત્રોના શરીર પાણી સુધી અડી જતાં હતા. પણ એનીય મજા હતી. તિસ્તામાં આ રીતે પલળવા ક્યારે મળે? વધુ મજા આવી એમણે બે-ત્રણ વાર નદી પાર કરી.
ત્યાં સુધીમાં ભોજનનો સમય થતાં અમે સૌ ફરી કેમ્પ પર આવ્યા. ભોજન પતાવીને થોડી વાર તંબુમાં આડા પડ્યા. જમ્યા પછી સાહસિક કામગીરી કરવાની સાહસિક વૃત્તિ ઘણા મિત્રો ગુમાવી ચૂક્યા હતા. પણ જેમને ભાગ લેવો હોય એમના માટે દોરડા પર ચાલવા માટેનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો હતો. બે વૃક્ષો વચ્ચે દોરડા બાંધી દેવાયા હતા. એના પર ચાલવાનું કામ પહેલી નજરે સહેલું લાગતુ હતું. પણ ખરેખર તો અત્યંત મુશ્કેલ હતું. એટલે એક-બેને બાદ કરતાં કોઈ છેવટ સુધી દોરડું પાર કરી શક્યા નહીં.
અહીં એક સીધા વૃક્ષ ઉપર અમને માટીનો ગોળાકાર માળા જેવો થર જોવા મળ્યો. એ શું છે? એવું પૂછ્યું તો સરપ્રાઈઝિંગ જાણકારી મળી કે એ તો ખાસ પ્રકારની કીડી કે મકોંડાનો માળો છે. અમને નવાઈ લાગી, કેમ કે કીડી કે મંકોડા સામાન્ય રીતે જમીન પર રહે. પણ વૃક્ષ એટલુ ઊંચુ હતું કે અમે ખરાઈ કરવા તેના પર ચડી શકીએ એમ ન હતા.
એ સાથે અમારી સાહસિક સફર ત્યાં પુરી થતી હતી. કેમ કે કલિમપોંગમાં સાંજ પડી જાય અને બધુ બંધ થવા માંડે એ પહેલા અમારે પરત આવવાનું હતું. એટલે ચાલતા ચાલતા નદી પાર કરી સિક્કીમમાં આવી, ગાડીઓમાં ગોઠવાયા. સિક્કીમના એન્ટ્રીગેટ નીચેથી પસાર થતા અમે કલિમપોંગ ભણી ઉપડ્યા.
કલિમપોંગમાં પણ પેરાગ્લાઈડિંગ સહિતની ઘણી એક્ટિવિટી થાય છે. અમારે એક પછી એક એ બધી પ્રવૃત્તિઓની મુલાકાત લેવાની હતી.