કલકતાની પાણીપુરી Lalit Gajjer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલકતાની પાણીપુરી

ઉત્તર બંગાળનો પ્રવાસ, ભાગ 8

કલકતાની પાણીપુરી

બાગડોગરા ઉત્તર બંગાળનું એકમાત્ર એરપોર્ટ છે. ડૂઅર્સ તરફ આવતા પ્રવાસીઓએ અહીં જ ઉતરવું ફરજિયાત છે. બાકી તો ન્યુ જલપાઈગુડી જેવા રેલવે સ્ટેશનો ખરાં. પણ જ્યારે પ્રવાસની શરૃઆત ભારતના બીજા છેડેથી પ્રવાસ શરૃ થયો હોય ત્યારે નાછૂટકે બાગડોગરામાં જ લેન્ડિંગ અને ત્યાંથી જ ટેક-ઓફ કરવું પડે. રેલવેની મુસાફરી તો ઘણી લાંબી પડી જાય.

જલપાઈગુડી, દાર્જિલિંગ અને સિલિગુડી એ ત્રણેય કેન્દ્રોની વચ્ચે આવેલું બાગડોગરાનું આ એરપોર્ટ લશ્કરી કબજાનું છે. એટલે કે તેની માલિકી તો ભારતીય સેનાના હાથમાં છે. પણ આ તરફ આવતા પ્રવાસીઓ પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તેનો વ્યાપક ઉપયોગ સિવિલ એવિએશન માટે થાય છે. વર્ષે દસેક લાખ પ્રવાસીઓ તો અહીં ચડ-ઉતર કરે જ છે.

બાગડોગરા દાર્જિલિંગ જિલ્લાનું નાનકડું શહેર છે અને સિલિગુડીની બહાર વસતું પરું છે. અહીં એરપોર્ટ ન હોત તો આ સ્થળનું ખાસ મહત્વ પણ ન હોત. આસપાસ અનેક ચાના બગીચાઓથી ઘેરાયેલા બાગડોગરાની બહાર નીકળીએ પછી સૌંદર્ય દર્શન શરૃ થાય છે.

બાગડોગરના એરપોર્ટમાં ઘુસ્યા ત્યાં સુધી અમારા પેટમાં ખાસ જગ્યા ન હતી. બપોર થવા છતાં કલકતા જઈને કંઈક ખાઈશું એવુ અમે નક્કી કરી રાખ્યુ હતું. કેમ કે પહાડી રસ્તે ગાડીઓ ચાલતી હતી ત્યાં સુધી અમે પેટને ખાસ ભરાવા દીધા ન હતા. અહીં અમારી ત્રણેય ગાડીના ડ્રાઈવરોની રજા લઈ અમે એરપોર્ટમાં પ્રવેશ્યા.

અમે કેટલાક મિત્રો અગાઉ કલકતા અને દક્ષિણ બંગાળ રખડ્યા હતા. એ વખતે અમને ત્યાંની પાણીપુરી અને બીજી મીઠાઈઓ ખાવાની ખુબ મજા પડી હતી. એટલે જે મિત્રો કલકતાથી વાકેફ ન હતા એમની એવી ઈચ્છા હતી કે કલકતાની પાણીપુરી તો ખાવી જ. બાગડોગરાથી કલકતા ઉતરીએ અને કલકતાથી અમદાવાદનું વિમાન પકડીએ એ વચ્ચે પાંચેક કલાકનો સમય હતો. શહેરમાં જઈને ફરવા માટે એ સમય પુરતો ન હતો.

બીજી તરફ એરપોર્ટ પર આંટા-ફેરા કરવા માટે આ સમય ઘણો વધારે હતો. તો શું કરવું? એરપોર્ટની સ્ટીલ ખુરશીઓ પર બેઠા બેઠા અહીંથી ક્યાં ક્યાંના વિમાનો ઉપડે છે એ ગણતા હતા અને અમારા સવાલનો વિચાર કરતા હતાં.

એ દિવસ પાંચમી એપ્રિલનો હતો. એટલે સિઝન તો ગરમીની હતી. એવામાં એરપોર્ટ બહાર તો વરસાદ શરૃ થયો અને જોતજોતામાં રસ્તા પરથી પાણી વહેવા માંડે એવી સ્થિતિ સર્જાઈ. એટલે ક્યાંય ન જઈ શકાય એમ વિચારી અમે એરપોર્ટમાં જ ગોઠવાયા. અડધીક કલાકમાં તો વરસાદ બંધ થયો અને ફરીથી હતું એવું જ વાદળછાયું વાતાવરણ થઈ ગયું.

એટલે ફરી સવાલ સળવ્યો કે ચાલોને કલકતામાં એકાદ આંટો તો મારીએ? અમારા બંગાળી સહાયક અમારી સાથે ન હતા, પણ એમણે અમને સલાહ આપી રાખી હતી કે બે-ત્રણ કલાક માટે એરપોર્ટની બહાર નીકળવું હોય તો ક્યાં જવુ? ખાસ તો એક મિઠાઈની દુકાન નજીકમાં હતી, જે ઘણા વર્ષો જુની હતી. ત્યાંથી અમે પરંપરાગત બંગાળી મીઠાઈઓ ખરીદી શકીએ એમ હતા. એટલે પછી એમ નક્કી કર્યું કે 3 કલાકમાં પરત આવી શકીએ એ રીતે ફરવું.

અમારો સામાન ફરવામાં અડચણરૃપ થાય એમ હતો. પણ તેનો ઉપાય એ કર્યો કે ટેક્સીમાં જ ગોઠવી દેવાનો. એરપોર્ટ પરત આવીએ ત્યાં સુધી ડિક્કીમાં પડ્યો રહે. બહાર નીકળીને કલકતાની ઓળખ બનેલી બે પીળી એમ્બેસેડર પસંદ કરી. અમે આઠ જણ હતા. ચાર-ચાર ગોઠવાયા અને સરનામું સમજાવી દીધું. એટલે સૌથી પહેલા તો અમને મીઠાઈની દુકાને ઠાલવી દીધા.

અહીં કેટલીક મીઠાઈઓ ટેસ્ટ કરી. કોઈએ વળી કેટલો સમય સચવાઈ રહેશે, અમદાવાદ પહોંચશે કે કેમ.. વગેરે સવાલો કર્યા. દુકાનદાર કાકા સવાલમાં ખાસ સમજતાં ન હતા એટલે આડા-અવળા જવાબો આપ્યા. મીઠાઈઓ લેવાનું આયોજન રદ કર્યું. માત્ર ખાવી હોય એ ત્યાં ખાઈ લે. બીજો કોઈ નાસ્તો પણ કરી લે. પણ નાસ્તામાં સૌને પાણીપુરી જ ખાવાનો આગ્રહ હતો.

પાણીપુરીને બંગાળમાં પુચકા કહે છે. અમે અમારા ડ્રાઈવરોને પૂછ્યુ કે પુચકા ખાવા જેવી કોઈ જગ્યાએ ઉભી રાખજો. એટલે અમને એક એરપોર્ટ જતાં રસ્તા પરના ચોકમાં જ ઉતાર્યા. ત્યાં બંગાળી પાણીપુરીની લારીઓ ઉભી હતી. આપણી પાણીપુરી કરતાં આ પુરી અલગ બને છે. મસાલાની રીત થોડી અલગ અને મરચાંના ટૂકડા નાખેલા હોવાથી તીખાશ પણ વધી જાય.

કલકતામાં પાણીપુરી બેસ્ટ સ્ટ્રીટ ફૂડ ગણાય છે. કંઈ ન હોય ત્યારે ખાવા માટે પાણીપુરી તો હોય જ. વળી અહીં બીજા વિકલ્પો પણ ન હતા. એટલે અમે પાણીપુરી ખાવા લારી ફરતે સૈનિકો દુશ્મનને ઘેરે એમ ઘેરાઈને ગોઠવાઈ ગયા. કોઈને ભાવી, કોઈને ન ભાવી, કોઈને બહુ મજા પડી.. સૌએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે પાણીપુરી ખાધી.

ઈન્ટરનેટ પર અનેક સાઈટો કલકતા સ્ટાઈલ પાણીપુરી કેમ બનાવવી તેની માહિતી આપે છે. પણ એમ કરવાથી કલકતાની બજારમાં મળતી પુરી જેવી પુરીને એવી મજા મળી શકતી નથી. અમે ઘરે કલકતા જેવી પાણીપુરી ટ્રાય કરી હતી. સ્વાદ આપણી પાણીપુરી કરતાં અલગ લાગે, પણ કલકતા જેવી ન બની શકે.

સામે જ ચાની લારી પણ હતી. સાંજનો સમય હતો એટલે ચા પીવામાં પણ કોઈને વાંધો ન હતો. વળી અહીં ચા માત્ર પાંચ રૃપિયામાં મળતી હતી. પાંચ રૃપિયાની ચાની ક્વોન્ટીટી આપણા જેટલી જ આવતી હતી. બંગાળમાં રહેવાનું-ખાવાનું-ફરવાનું ઘણું સસ્તું છે એવુ અમે બે વખત દક્ષિણ બંગાળ અને ઉત્તર બંગાળ રખડીને સમજી ચૂક્યા હતાં.

બંગાળ સુધી પહોંચવુ એ જ કપરું છે. બાકી તો ત્યાં પહોંચ્યા પછી ફરવાની ઘણી મજા છે. કલકતા પોતે પણ બ્રિટિશ હિન્દનું પાટનગર હતું. તેનો ભવ્ય ઈતિહાસ છે. કલકતામાં જોવા જેવા સ્થળોની કોઈ કમી નથી. વળી ખાવાના પણ વિકલ્પો એટલા છે કે ભુખ્યા રહેવાનો કોઈ સવાલ આવતો નથી. પણ આ વખતે અમે કલકતાની માર્કેટમાં ફરી શકીએ એમ ન હતી. એરપોર્ટ શહેરથી દૂર અને અમે એરપોર્ટ તથા શહેર વચ્ચેના ભાગમાં જ હતા.

પાણીપુરી, મીઠાઈ, ચા વગેરે પતાવીને ફરી ગાડીઓમાં ગોઠવાયા. હવે એરપોર્ટ જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. આમેય 6 વાગ્યા હતા. એટલે હવે મોડું કરવામાં સાર ન હતો. ફરીથી કલકતાના ભવ્ય નેતાજી સુભાષબાબુ એરપોર્ટ પર અમે સૌ ઠલવાયા. પોતપોતાનો સામાન ખભે ટીંગાડ્યો અને અંદર પ્રવેશ્યા. અમારા વિમાનને તો વાર હતી એટલે ગેટ નંબરની તપાસ કરી પછી એરપોર્ટમાં જ રખડપટ્ટી શરૃ કરી.

ખાસ્સા મોટાં એરપોર્ટમાં જોવા જેવુ ઘણુ હતું. ખાસ તો અમને અહીં દાર્જિલિંગ ચાના ડબ્બા મળી આવ્યા. નાનાં-નાનાં એ ડબ્બા ખરીદવામાં સૌને રસ પડ્યો. કેમ કે ઘરે વાપરવા અને કોઈને ગિફ્ટ કરવા માટે ઉત્તમ વિકલ્પ હતાં. વળી ડબ્બાનો દેખાવ પણ રજવાડી હતો એટલે ખરીદી પર તૂટી પડ્યા. અમારે જેટલા ડબ્બા જોઈતા હતાં એટલા તો દુકાનદાર પાસે પણ ન હતા. છેલ્લા દસ-બાર હતા એ એક-બે વ્યક્તિએ મળીને ખરીદી લીધા. બીજા મિત્રો એરપોર્ટની બીજી દુકાનોમાં જઈ તપાસ કરી આવ્યા. પણ દાર્જિલિંગ ચાના એવા ડબ્બા ક્યાંય ન હતા. બાકી રહેલાએ પછી જે બીજા મળ્યા એ પેકિંગ ખરીદી લીધા.

વિમાનનો સમય નજીક આવતો જતો હતો. એટલે કેટલાક મિત્રો તો એરપોર્ટની કદાવર કાચની બારીઓ આગળ ગોઠવાઈને લેન્ડિંગ-ટેકઓફનો આનંદ લઈ રહ્યા હતાં. કલકતા જેવા વિશાળ એરપોર્ટ પર વિમાનો ચડ-ઉતર કરતાં જોવા એ પણ અલગ લહાવો હતો. અમદાવાદ જતા વિમાનના મુસાફરો પૈકી સ્વાભાવિક રીતે જ ગુજરાતી વધુ હતા. કેમ કે અમે બેઠા હતા ત્યાંથી હવે અમને ગુજરાતી સંવાદો પણ સાંભળવા મળતાં હતાં.

એ વચ્ચે ગેટ ઓપન થયો એટલે અમારી ટિકિટો બતાવતા અમે અંદર પ્રવેશ્યા. ઈન્ડિગોના વિમાને બે-સવા બે કલાકે અમદાવાદ ઉતાર્યા એ સાથે અમારો ઉત્તર બંગાળનો પ્રવાસ પુરો થયો.