ઉત્તર બંગાળનો પ્રવાસ Lalit Gajjer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉત્તર બંગાળનો પ્રવાસ

ઉત્તર બંગાળનો પ્રવાસ, ભાગ 4

લેખક- વિમીષ પુષ્પધનવા

ફાગુ ટી એસ્ટેટ – બ્રિટિશકાળમાં લઈ જતી ચાયની સફર

ગોરુમારાથી પરત ફર્યા પછી અમને સૂચના મળી હતી કે હવે જંગલ સફર પુરી થઈ છે. સવારે આપણે ફાગુ ટી એસ્ટેટ તરફ જવાનું છે. નામ પરથી એટલી ખબર પડતી હતી કે ચાના બગીચાની મુલાકાત લેવાની છે. આમ તો અમારી બે દિવસની સફર દરમિયાન અમે અનેક ચાના બગીચાઓ વચ્ચેથી પસાર થયા હતાં. કેમ કે રસ્તાઓ જ બગીચાઓ વચ્ચેથી પસાર થતાં હતા. ક્યાંક ક્યાંક ગાડી ઉભી રાખીને બગીચાનો પ્રથમદર્શી અનુભવ લેવાનોય પ્રયાસ કર્યો હતો. પણ હવે અમે સત્તાવાર રીતે ટી એસ્ટેટમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા હતાં.

સવારે નવેક વાગ્યે સૌ કોઈ ગાડીમાં ગોઠવાયા. જલદાપારા ખાતે આવેલી જંગલ લોજની મનોમન રજા લઈને અમે આગળ વધ્યા. અમારી એ સફર આખો દિવસ ચાલવાની હતી. કેમ કે અમારું ફાઈનલ ડેસ્ટીનેશન તો કલિમપોંગ હતું. છેક નેપાળ સરહદે આવેલું હિલ સ્ટેશન. પણ રસ્તામાં ફાગુ ટી એસ્ટેટ ખાતે બાપોરા કરીને જવાનું હતું. એટલે અમારી સફર પણ ફાગુ તરફ આગળ વધી.

સફર આગળ વધી એ વખતે અમને જણાવામાં આવ્યુ કે આજની સફર અનેક રીતે વિશિષ્ટ બની રહેશે. કેમ કે કલિમપોંગ સુધી પહોંચતા સુધીમાં ભૂતાન અને નેપાળ બન્ને સરહદો પાસેથી આપણે પસાર થઈશું. એટલી વાતથી જ અમારો રોમાંચ ક્યાંય સમાતો ન હતો.

જલદાપારા થોડી વારમાં દૂર રહી ગયું. બગીચાઓ વચ્ચે ડામરની પટ્ટીઓ પર ગાડીઓ સડસડાટ આગળ વધી. થોડી વારમાં ભૂગોળ પણ બદલી ગઈ. જંગલને બદલે હવે અમે ખેતરાઉ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. અલબત્ત, એ ખેતરો ચાના હતા. રસ્તામાં એવા જ એક ચાના ખેતરમાં અમે ચા પીવા ઉભા રહ્યાં. ખેતરમાંથી વીણાઈ રહેલા પાંદડામાંથી સીધી ચા ન બની શકે. પણ પ્રોસેસ થયેલી પત્તિમાંથી અમારા માટે ખાંડ નાખેલી ચા બનાવામાં આવી. એ લોકો સામાન્ય રીતે એવી ચા પીતા ન હોવાથી તેમના માટે ચાની બનાવટ પણ નવો અનુભવ હતો.

અહીં ચાના બગીચાઓ વચ્ચે ઉગેલા ઉંચા વૃક્ષો પર ટ્રી હાઉસ બનાવેલા હતા. ટ્રી હાઉસ એટલે લાકડાના ટેકે વૃક્ષ સાથે ઉભેલા કોટેજીસ. પ્રવાસીઓ એ કોટેજીસમાં રાત રહી શકે. ચાના બગીચા વચ્ચે ખાસ પ્રકારની સુગંધ મધમાતી હોય એમાં રહેવાનો અનુભવ અલગ છે. એ ચાના બગીચાના માલિકે અમને જણાવ્યુ કે બગીચામાંથી ક્યારેક હાથીના ઝૂંડ પણ પસાર થાય. કેમ કે મૂળભૂત રીતે એ હાથીઓનો રસ્તો છે.

તો તો ખેતરને ખેદાન મેદાન કરતા હશે ને? એક મિત્રના એ સવાલના જવાબમાં રસપ્રદ જાણકારી મળી. કે ચાના ખેતરમાં કોઈ પશું મોઢું મારે નહીં. કેમ કે ચાના પાંદડા સ્વાદે કડવા હોય. એટલે કોઈનેય ભાવે નહીં. અમે પણ પાંદડા ખાવાનો પ્રયાસ કરી જોયો અને એ પછી લાગ્યું કે આમાંથી સ્વાદિષ્ટ ચા કઈ રીતે બની શકતી હશે. એ વખતે અમને એ પણ સમજાયું કે અહીં શા માટે સેંકડો વિઘામાં ફેલાયેલા બગીચાઓ રેઢા પડ્યા છે. કોઈ ચોકીદાર હોતા નથી. માત્ર પાંદડા ચૂંટવાની સિઝન વખતે જ ખેતરમાં હલચલ દેખાય.

ચાના છોડ બહુ મજબૂત હોય. એટલે નાના-મોટા પશુ પસાર થાય તો એનાથી છોડને નુકસાન થઈ શકતું નથી. હા, ગજરાજ નીકળે એટલો ભાગ નુકસાનગ્રસ્ત થાય. પણ એનો કોઈ વિકલ્પ નથી. બગીચાની સાથે ત્યાં સ્થાનીક મહિલાઓના ઉત્થાન માટે શણની પેદાશો બનવાનું કેન્દ્ર ચાલતુ હતું. શણની થેલીઓ, પગલૂંછણિયા, ડેકોરિવ આઈટમો વગેરે બની રહ્યુ હતું. બધી ચીજો ભારે આકર્ષક હતી. અમે તેનીય ખરીદી કરી.

ફરી સફર આગળ વધી. ફાગુ ટી એસ્ટેટ એ હકીકતે એક બંગલાનું નામ છે. સોએક વર્ષથી વધુ જૂનો એ બંગલો બ્રિટિશકાળમા બંધાયો હતો. ખાસ્સી ઊંચાઈ પર આવેલો ફાગુ નજીક આવતો ગયો એમ એમ પહાડી રસ્તાઓના વળાંક પણ વધતા ગયા. હવે અમે હાઈવે કહી શકાય એવા રોડ પરથી દૂર નીકળી ગયા હતા. સાંકડો, વળાંકદાર, પહાડી મારગ ચાલુ થઈ ગયો હતો.

ચો તરફ ટેકરીઓ દેખાતી હતી. ચાના બગીચા અને ઊંચા ઊંચા વૃક્ષો સિવાય કશું નહીં. એ વચ્ચે બાપોરે અમે ફાગુએ પહોંચ્યા. બંગલો એકદમ ભવ્ય હતો. મૂળભૂત રીતે પ્રવાસીઓ અહીં આવે એ માટે જ આ બંગલો જાળવવામાં આવ્યો છે. અહીં પ્રવાસીઓ રાતવાસો પણ કરી શકે છે. બંગલાથી થોડે દૂર હેઠવાસમાં ચા ફેક્ટરી હતી. અમારે પહેલા ત્યાં જવાનું હતું.

એંસીના દાયકાની હિન્દી ફિલ્મો જેવો માહોલ હતો. અનેક મજૂરો કામ કરતા હતા. કેટલાક તેના આગેવાનો હતા. એ બધા પર નજર રાખવા મુનિમજી હતા. અને મુનિમની ઉપરના અધિકારી બડાબાબુ તરીકે ઓળખાતા હતા. મુનિમજી અમને કારખાનામાં લઈ ગયા. અહીં ચા કઈ રીતે પાંદડામાંથી ભૂકી સુધી પહોંચે તેની સફર અમે જોઈ. એ કંઈક આવી હતી.

સૌથી પહેલા મજૂરો ખેતરમાંથી પાંદડા વીણે. ક્યા પાંદડા વીણવા એ અનુભવી મજૂરો જાણતા હોય છે. એ પાંદડાઓ ટ્રેકટર જેવા વાહન વડે ફેક્ટરીના ફળિયામાં ઢગલો થાય. ઢગલો થયેલા પાંદડાઓને વિશાળ પટ્ટા આકારના મશીન પર ગોઠવવામાં આવે. અહીં સૌથી પહેલું કામ થાય ભેજ દૂર કરવાનું. ભેજ દૂર થયા પછી પાંદડાનો ભુક્કો થાય. રોટર મશિન દ્વારા ભુક્કો થયેલા પાંદડામાંથી જ કચરો પણ છૂટો પાડવામાં આવે. એ પ્રાથમિક સફાઈ થઈ. કપાયેલા પાંદડામાં હજુ તો ઘણો ભેજ હોવાનો. માટે ફરીથી તેમની સુકવણી થાય. એ વખતે જ પાંદડા સાથે રહી ગયેલા ડાળીના ટૂકડા દૂર કરવામા આવે. કેમ કે એ ટૂકડાની ભુક્કી ન બની શકે.

ચાના દાણા બની ગયા પછી તેના બે ભાગ પડે. નકામા દાણા, કામના દાણા. ઉપયોગી દાણાનું વિભાગીકરણ થાય. તેની ક્વોલિટિ પ્રમાણે તેને અલગ પાડવામાં આવે. તેના આધારે જ સસ્તી-મોંઘી ચા નક્કી થાય. વિવિધ વિભાગો પ્રમાણે દાણાનો ઢગલો થાય. એ પહેલા સુકવણી કરતા મશીનમાં લીલા કલરના દાણા શેકાઈને આપણે જોઈએ છીએ એવા બ્રાઉન કલરના થઈ ચૂક્યા હોય છે.

ઢગલાઓમાંથી ચાનું ટેસ્ટીંગ થાય. ચાનું ટેસ્ટીંગ એ અલગ પ્રકારનો વ્યવસાય છે. આખો દેશ ચા ટેસ્ટ માટે જ પીવે છે. માટે નબળી ચા હોય તો ચાલે નહીં. ટેસ્ટર એ કામ કરે. ટેસ્ટીંગમાં હલકી ગુણવત્તા જણાય તો એ ચા અલગ રાખી દેવામાં આવે. ટેસ્ટ થઈને ઓકે થયેલી ચા કોથળાઓમાં પેક થાય અને પછી ખરીદદારો તરફ રવાના થાય.

દર વખતે એ ચા આપણા સુધી સીધી પહોંચતી નથી. કેટલીક વખત મોટી ચા ઉત્પાદક કંપનીઓ આ રીતે નાની ફેક્ટરીઓમાંથી ચા ખરીદી પોતાની રીતે પ્રોસેસ કરી આકર્ષક પેકિંગમાં બજાર સુધી અને બજારમાંથી આપણા રસોડા સુધી પહોંચાડે છે.

ફાગુના માલિકે અમને સમજાવ્યું કે કેટલીક ચા લાખો રૃપિયાના કિલોગ્રામના ભાવે વેચાય. તો એ ચામાં એવુ શું હોય છે? ચા સંપૂર્ણપણે ભુગોળ આધારીત કૃષિ પેદાશ છે. વાતાવરણ, જમીન, ભેજ, છોડની નરવાશ, પાંદડા વીણવાની કળા, ઊંચાઈ, વરસાદ, ફળદૂપતા એ બધુ ભેગું થયા પછી જ ઉત્તમ ચા પાકી શકે. કોઈ ખેતરમાં એ માટેનું વાતાવરણ ઉભું કરી શકાય નહીં. એટલા જ માટે આવા ઉત્તમ વાતાવરણમાં પાકેલી ચા સૌથી મોંઘી બને. દાર્જિલિંગની ચા પ્રખ્યાત છે કેમ કે ત્યાં બધી શ્રેષ્ઠતાઓ ભેગી થાય છે. 2014માં એક એસ્ટેટની દાર્જિલિંગ ટી 1.12 લાખ રૃપિયે કિલોગ્રામ વેચાઈ હતી.

આવી ચા કઈ રીતે બને એ સમજી-જોઈ-જાણીને અમે અભિભૂત થઈ રહ્યાં હતા. ચા વગર જરાય નથી ચાલતું, પણ એ ચા કેમ બને એ જાણ્યુ ત્યારે મજા આવે એ સ્વાભાવિક હતું. દરમિયાન મુનિમજી પર બડાબાબુનો ફોન આવી ગયો હતો કે ભોજન તૈયાર છે.

ફરીથી ફાગુ બંગલોમાં આવ્યા, હાથ-પગ ધોઈને અમે ડાઇનિંગ હોલમાં ગોઠવાયા. ભોજન લઈને થોડો આરામ કરી ફરી આગળ નીકળી પડ્યાં.