Featured Books
શ્રેણી
શેયર કરો

કલિમપોંગમાં ગોળના રસગુલ્લા અને બાગડોગરાની બજાર

ઉત્તર બંગાળનો પ્રવાસ, ભાગ 7

કલિમપોંગમાં ગોળના રસગુલ્લા અને બાગડોગરાની બજાર

‘બાલાશ્રમ મોક્ત દોકાન’ કલિમપોંગની કેટલીક દુકાનો બહાર આવી સૂચના જોઈએ. પહેલી નજરે એ સમજાઈ નહીં. પણ પછી ખ્યાલ આવ્યો કે એ વાત બાળમજૂરીની છે. આ સૂચના લખેલી દુકાનો બાળમજૂરોનો ઉપયોગ કરતી નથી એવુ કહેવા માગે છે. આપણે ત્યાં ઘણી દુકાનોમાં સૂચના હોય કે ‘અહીં રોજીંદા ધોરણે કામદારોને વેતન ચૂકવવામાં આવે છે’, એવી એ વાત થઈ.

સૂચના સમજી રહ્યા હતાં ત્યાં સુધીમાં કલિમપોંગમાં અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં અમે આવી પહોંચ્યા હતા. એટલે અમનેય સૂચના મળી કે ઉતરો હવે. અમે ગાડીમાંથી ઉતર્યા ત્યારે અમને ફરીથી અસહ્ય ઠંડી લાગવા માંડી હતી. અમે એવા સ્થળે પહોંચ્યા હતાં જે કલિમપોંગનું સૌથી ઊંચુ શિખર હતું. અહીંથી આખુ શહેર ભવ્ય રીતે દેખાતુ હતું. દૂર દૂર ડૂંગરમાળા ફેલાયેલી હતી. પણ અમને ઠંડી જ એટલી લાગતી હતી કે એવી મજા લઈ શકાય એવી અમારી હાલત ન હતી. ત્યાં એક કોફી-શોપ હતી. શોપમાં જઈ તપાસ કરી ત્યારે અમારો આશાવાદ પડી ભાંગ્યો કેમ કે હજુ તો સાંજના 6 નહોતા વાગ્યા ત્યાં દુકાન બંધ થઈ રહી હતી એટલે એ દુકાનદાર કોઈ નવા ઓર્ડર લેવા તૈયાર ન હતો.

અમે સિનસિનેરી જોઈને આગળ ચાલ્યા. વધુ એક ટેકરી પર પર બૌદ્ધ મોન્ટેસરી હતી. પ્રાંગણમાં બૌદ્ધ સાધુઓ પોતાની કામગીરી કરતા હતા. ચો તરફ કેટલાક ઓરડાઓ હતા જ્યાં વિવિધ પ્રકારના દીવાઓ જલી રહ્યાં હતા. એ ધાર્મિક વિધિ સમજવી અમારા માટે મુશ્કેલ હતી. માટે ધર્મમાં ઉંડા ઉતર્યા વગર અમે મોન્ટેસરીની અગાસી પર ચડ્યા. અહીંથી ફરીથી ભવ્ય રીતે હિમાલય દેખાતો હતો. એના દર્શને અમારો તમામ પ્રકારનો થાક ઉતારી દીધો.

હીલસ્ટેશન હોવાને નાતે કલિમપોંગમાં આવા ઘણા સ્થળો હતા. એક રીતે આપણે તેની સરખામણી આબુ સાથે કરી શકીએ. ઊંચા-નીચા સ્થળો અને ત્યાં થતી જાત-જાતની સાહસિક પ્રવૃત્તિ. એક સ્થળે પેરાગ્લાઈડિંગ ચાલતુ હતું. પણ પહાડી રસ્તો અને તિસ્તાના પટમાં કરેલી સાહસિક પ્રવૃત્તિના કારણે અમારા પેટમાં થોડો અજંપો હતો. એટલે પછી વધારે કોઈ સાહસિક પ્રવૃત્તિ કરવામાં અમને રસ ન હતો. કેટલાક પ્રવાસીઓ ઉડાઉડ કરતાં હતા એ અમે જોઈ લીધું.

શહેરમાં નાની-મોટી ઘણી જગ્યાઓ જોવાની હતી. અમને એક પછી એક સ્થળોએ લઈ જવામાં આવી રહ્યાં હતા. આગામી સ્થળ એક ફ્લાવર ગાર્ડન હતો. જ્યાં વિવિધ પ્રકારના ફૂલોનો સંગ્રહ હતો. કલિમપોંગ ત્યાંના ફૂલો માટેય જાણીતું છે. ફ્લાવર ગાર્ડને પહોંચ્યા ત્યાં ખબર પડી કે સંચાલિકા બહેન ક્યાંક બહાર જઈ રહ્યા છે. માટે ગાર્ડન બંધ. એ ગાર્ડન પ્રાઈવેટ હતો એટલે અમારા માટે ખુલ્લો રાખો જ એવો આગ્રહ કરી શકાય એમ ન હતો. વળી અમે કલિમપોંગમાં ફરીને સંતૃષ્ટ હતા. એટલે અમે અમારા બંગાળી સહાયકને સમજાવ્યું કે જેટલું જોવા મળે એટલું ઘણુંય. કોઈના પ્રિમાઈસિસમાં ધરાર નથી જવું.

કલિમપોંગમાં કોઈ વિશિષ્ટ પ્રોડક્ટ મળતી ન હતી. એટલે સ્પેશિયલ શોપિંગનો કોઈ સવાલ ન હતો. આમેય હવે થાક્યા હતા. એટલે અમે હોટલે પહોંચ્યા. થોડો આરામ, સ્નાન, ભોજન વગેરે પતાવ્યું. એ પછી એમ લાગ્યુ કે બજારમાં એક ચક્કર મારવા જેટલી શક્તિ તો છે. એટલે ફરી ઉપડ્યા. બીજા દિવસે વહેલી સવારે અમારે નીકળી જવાનું હતું. એટલે રાતે અમારો ઈરાદો બંગાળના પ્રખ્યાત અને અસલ ગોળના રસગુલ્લા ખાવાનો હતો. જો બજારમાં મળી જાય તો.

બજારમાં મેડિકલ સ્ટોર જેવી થોડી દુકાનો ખુલ્લી હતી. અહીં સાંજ પડ્યે મોટા ભાગની દુકાનો તો બંધ થઈ ગઈ હતી. વળી અમે ઉભી બજારે નીકળી પડ્યાં ત્યારે રાતના દસ વાગવા આવ્યા હતા. એવા ટાઈમે કોણ અમારા માટે દુકાન ખુલ્લી રાખવા નવરું હોય?પણ એક મિઠાઈની દુકાન ખુલ્લી જોવા મળી. અમે એમાં પહોંચી ગયા. સદભાગ્યે અમે શોધતા હતા એ રસગુલ્લા હતા. બધાએ એક એક ખાવાનું નક્કી કર્યું. જેમને રસ પડ્યો એમણે બીજી મીઠાઈના એક એક નંગ મગાવીને ખાધા.

સરવાળે અમારો બજાર પ્રવાસ સંતોષકારકર રહ્યો એટલે પરત આવીને અમે પથારીમાં પડ્યા.

--

સવારે ઉઠીને ફરી અમે હોટેલની ટેરેસ રેસ્ટોરામાં ગોઠવાયા કેમ કે હિમાલયના દીદાર જોવાની અમને સૌને ભારે ઉતાવળ હતી. વાદળોની આવન-જાવન વચ્ચે હિમાલયના શીખરોની હારમાળા દેખાતી હતી. જોકે એમાં કાંચનજંગા સ્પષ્ટ થતું ન હતું. પણ જે પર્તમાળા દેખાતી હતી એ હિમાલયની ભવ્યતા સમજાવવા માટે પુરતી હતી. અત્યાર સુધીમાં જોયેલા બધા જ પર્વતો એ શિખર સામે બાળ-બચ્ચાં જેવા લાગતા હતા.

થોડી વારે સૂચના મળી કે હવે જવાનો સમય થયો, વાહનો તૈયાર છે. અમે સૌ આવીને અમારી ગાડીઓમાં ગોઠવાયા. હવે અમારી આગામી મંઝિલ હતી બાગડોગરા. આમ તો કલિમપોંગ ફરવાનું છેલ્લું સ્થળ હતું. બાગડોગરાથી અમારે પ્લેન પકડવાનું હતું. પણ અમારે એમાય મજા કરવાની હતી.

5થી એપ્રિલે સવારે કલિમપોંગ છોડ્યુ એટલે અમને ડર હતો કે ફરીથી ઊંચે ચડવાનું, લાવા પાર કરવાનું અને બાગડોગરા પહોંચવાનું આવશે. પણ ભાગ્યેજ બોલતા અમારા ડ્રાઈવરે કહ્યું કે આ વખતે બીજો રસ્તો આવશે. મોટે ભાગે ઉતરવાનું જ છે. ચઢવાનું નથી. છતાંય જેમને પેટની ગડબડ થવાની હોય એમણે સાવધાની રાખી લીધી હતી. અમારા એક મિત્ર પાસે હવાબાણ હરડેની ગોળીઓ હતી. એ ગોળીઓ આ સફરમાં સૌથી વધુ કામ આવી હતી.

દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું કે શા માટે અમારો ડ્રાઈવર ગૌતમ સૂનમૂન રહેતો હતો, બે વાર પૂછીએ ત્યારે એક વખત બોલતો હતો અને ખાસ તો કિશોરકુમારના દર્દભર્યા ગીતોની એક જ સીડી વગાડતો હતો. કેમ કે તેનો ગરાસ ખરેખર લૂંટાઈ ગયો હતો. સિક્કિમમાં વેચાતી લોટરી તેણે ખરીદી હતી અને એમાં અમુક લાખ રૃપિયાનો ધૂંબો તેને લાગ્યો હતો. એટલે એના માટે દુનિયા કે મહેફિલ કશુંય કામનું ન હતું.

હવે રસ્તો ઘણો સારો હતો. પર્વતિય ઢોળાવ તો હતાં જ પણ પહોળાઈને કારણે વાહનો સરળતાથી ચાલી શકતા હતા. જોકે તો પણ બહારના ડ્રાઈવરો માટે એ રસ્તાઓ મુશ્કેલ તો હતાં જ. મોટા ભાગનો રસ્તો તિસ્તા નદીની ખીણ સાથે જ પસાર થતો હતો. એટલે ભયાનકતા વધી જતી હતી. ગાડીની એક તરફ ઊંચા શીખરો હતા વચ્ચે રસ્તો જેના પરથી અમે પસાર થઈ રહ્યા હતા. બીજી તરફ ખીણ અને ખીણમાંથી વહેતી લોકમાતા તિસ્તા.

દૃશ્ય ભવ્ય હતું. કુદરતની એ કરામત છેક બાગડોગરાના પાદર સુધી અમારી સાથે રહેવાની હતી એવી અમને જાણકારી મળી. રસ્તામાં ઠેર ઠેક ચીભડાં વેચતા હતા. ચીભડાંની ચીરો કરીને પાંચ કે દસ રૃપિયામાં બાળકો વેચતા હતા. સાથે મસાલો હતો. પહાડી રસ્તો હતો એટલે અમે કલિમપોંગથી નીકળ્યા ત્યારે પેટ બહુ ન ભરાઈ જાય તેનું ધ્યાન રાખ્યુ હતું. અડધો રસ્તો કપાયો હતો. એટલે હવે આ હળવું ભોજન પેટમાં નાખવામાં વાંધો ન હતો. સાથે એક ખાટું-મીઠું બીજું ફળ પણ વેચાતુ હતું. એનું નામ અમને કહ્યું પણ યાદ રહ્યું નથી. પણ તેનો ખાટો-મીઠો સ્વાદ મજેદાર હતો. કોઈને ચક્કર આવે કે પેટમાં ગડબડ લાગે તો એ સ્વાદ મદદે આવે એમ હતો.

--

બાગડોગરા નજીક આવ્યું એટલે ફરી ચાના બગીચા દેખાવા શરૃ થયા. રસ્તા કાંઠે ફેલાયેલા આ નગર પૈકીના મોટા ભાગના ઘરોમાં સૌચાલય ન હતા. પ્લેન તો છેક 1 વાગ્યાનું હતું. એટલે અમે થોડો સમય બાગડોગરાના બજારમાં ફરવાનું પસંદ કર્યું. અહીં ખાસ કોઈ ચીજો મળતી ન હતી. અહીં પણ ગુજરાતી વેપારીઓ તો મળ્યાં જ.

આખરે એરપોર્ટમાં એન્ટર થયા. અમારા ડ્રાઈવરોની રજા લીધી. હવે ઉડીને કલકતા પહોંચવાનું હતું.