ઉત્તર બંગાળનો પ્રવાસ, ભાગ 5
લેખક- વિમીષ પુષ્પધનવા
કલિમપોંગ – હિમાલયના પાદરમાં આવેલું પર્વતિય ગામ
ફાગુ પહોંચતા સુધીમાં જ અમને પહાડી ઊંચાઈનો પરિચય મળવો શરૃ થઈ ગયો હતો. હવેની બધી સફર આવા ઊંચા-નીચા પર્વતિય રસ્તાઓ પર જ ચાલશે એવી અમને જાણકારી આપી દેવામાં આવી હતી. જેથી કેટલાક મિત્રોને વોમિટિંગ જેવી સમસ્યાઓ હતી એમણે આગોતરી તૈયારી કરી લીધી હતી. ગોળાકાર અને સતત ઢાળને કારણે પેટમાં ગડબડ તો થવી જ રહી.
સવારની શરૃ થયેલી સફરનો બીજો તબક્કો આરંભાયા પછી થોડા સમય પુરતી તો અમારી સફર ચાના બગીચાઓ વચ્ચે ચાલી. પરંતુ એ પછી ભુગોળ બદલવી શરૃ થઈ. ધીમે ધીમે ઊંચા વૃક્ષો શરૃ થયા. ઢાળવાળા રસ્તાને બદલે રસ્તાની બાજુમાં ખીણની ઊંડાઈ વધવા લાગી. અને એમ થોડો સમય ચાલ્યા પછી બારી બહારનું ચિત્ર તદ્દન બદલાયું. હિમાલય એમનો એમ જ હતો, પણ હવે અમે શંકુદ્રૂમ વૃક્ષો વચ્ચેથી પસાર થઈ રહ્યાં હતા. રસ્તા વધુ ડેન્જર બન્યા હતાં, જ્યાં બન્ને બાજુ ઊંડી ખીણો હતી.
શરૃઆતમાં જે વાતની ગંભીરતા ન હતી એવી સ્થિતિ થોડા સમય પછી સર્જાઈ. એપ્રિલ હતો, છતાંય વાતાવરણમાં તો પુરતી ઠંડક હતી જ. એ ઠંડકની અમે સૌ મજા લઈ રહ્યાં હતાં. પણ ધીમે ધીમે સ્થિતિ એવી થઈ કે ઠંડક ઠંડીમાં તબદીલ થઈ ગઈ. અમને ઠંડી લાગવી શરૃ થઈ. એપ્રિલમાં વળી ઠંડી હોય? એવો વિચાર અમારી મદદે આવી શકે એમ ન હતો. કેમ કે થોડી વારમાં જ ટાઢક એટલી બધી વધી ગઈ કે અમારે બારીના કાચ બંધ કરવા પડ્યા. ગાડીનું એસી તો પહેલેથી બંધ જ હતું. હિમાલયની અસર શરૃ થઈ ચૂકી હતી. અને હિમાલયના એ પહાડી વાતાવરણમાં અમારા શરીર ખાસ કશા કામના નથી તેનો અહેસાસ પણ અમને થઈ રહ્યો હતો.
આખરે એક વસાહત નજીક આવતી દેખાઈ. ત્યાં અમારે ચા-પાણીનો વીરામ લેવાનો હતો. એ ગામનું નામ હતું લાવા. હિમાલયમાં સાતેક હજાર ફીટ ઊંચે આવેલા લાવાનું નામ ભ્રામક હતું. લાવા એટલે તો જ્વાળામુખીમાંથી નીકળતો ગરમાગરમ પ્રવાહ. પણ અહીં તો ગાડીની બહાર પગ મુકતાની સાથે જ અમારે નજીકની દુકાનમાં ઘૂસી જવું પડ્યું એટલી બધી ઠંડી હતી. ફોર્ચ્યુનેટલી અમારા માટે પહેલેથી ચા અને ભજીયાની વ્યવસ્થા થઈ હતી. એટલી બધી ઠંડી લાગતી હતી કે જેટલા ભજીયા આવ્યા એ અમે અમે સાથીદારો કે ભજીયા સાથે આવતાં ચટણી-મરચાં જેવી સાથીદારોની રાહ જોયા વગર જ ખાઈ ગયા!
લાવા બૌદ્ધમઠ માટે જાણીતનું નાનકડું ગામ છે. આસપાસ જંગલ આવેલું હોવાથી ત્યાં કોઈ નાનકડું અભયારણ્ય પણ છે. પણ અમને શહેર તેની ઠંડી માટે અને પછી અત્યંત તીવ્ર ઢાળવાળા રસ્તા માટે યાદ રહી ગયું. લાવા પહોંચ્યા ત્યાં સુધીમાં સાંજ પણ નજીક આવી ગઈ હતી. વાતાવરણમાં ધુમ્મસ એટલુ વધી ગયું હતું કે ખાસ દૂર સુધીનું જોઈ શકાતુ ન હતું. લાવાના નાસ્તાએ અમને ગરમી આપી એ અમારા માટે મોટી રાહત હતી. થોડી વારે ફરી ગાડીમાં ગોઠવાયા અને સફર આગળ ચાલી.
અહીંથી કલિમપોંગ 40 કિલોમીટર જેટલુ જ દૂર હતું. તો પણ અમારી સફર બેએક કલાક ચાલશે એમ અમે અંદાજ લગાડ્યો કેમ કે રસ્તા અત્યંત ખતરનાક હોવાથી ગાડી બહુ ઝડપે ચાલી શકે એમ હતી જ નહીં. હવે સંપુર્ણ અંધકાર છવાયો હતો. હિમાલયના હીમ શીખરો દૂર ચાંદનીમાં ચળકતા હતા. રસ્તા પર કોઈક વાહનો મળે ત્યારે ડ્રાઈવરો કુશળતાથી તારવીને આગળ વધતા હતાં. એમ કરતાં કરતાં દૂર ઊંચાઈ પર લાઈટોનું ઝૂંડ દેખાયું. એ જ હતુ કલિમપોંગ. સવારથી ચાલતી સફરને કારણે સૌની ધિરજ ખૂટી હતી. કલિમપોંગ વળી લાવા કરતાં તો 3 હજાર ફીટ નીચે હતું. એટલે અમે હિમાલયના એક ઢોળાવને ઠેકીને અંદર પહોંચ્યા હોય એવુ લાગ્યું.
કલિમપોંગમાં ઉતારો સારામાસારી હોટેલમાં હતો એટલે ખાવા-પીવાની ચિંતા ટળી. કેમ કે બંગાળમાં નાના સેન્ટરોમાં જોઈએ એવું શાકાહારી ભોજન આસાનીથી મળતું ન હતું. અમારા યજમાનો તેમની શક્તિ પ્રમાણે શાકાહારી ભોજન બનાવવા પ્રયાસ કરતાં હતા પણ શાકમાં રસો કેવો હોય અને વઘાર કેમ થાય એ વાત તેમની સમજ બહાર હતી. એટલે ખાવામાં થોડી ગડબડ રહેતી હતી. કલિમપોંગ પુરતી એ સમસ્યા ટળી.
કલિમપોંગ શહેર કલિમપોંગ જિલ્લાનું મુખ્યમથક છે, હિલ સ્ટેશન છે, શૈક્ષણિક સંસ્થાઓ માટે જાણીતુ કેન્દ્ર છે, ફૂલોના ઉત્પાદનમાંય તેનું નામ છે અને ચીજની બનાવટ માટેય કલિમપોંગ વખણાય છે. વિવિધ ઓળખ ધરાવતા એ નાનકડાં શહેરમાં ગુજરાતીઓની પણ વસતી છે. એટલે કોઈ મુશ્કેલી પડે તો વર્ષો પહેલા ત્યાં ગયેલા ગુજરાતીઓ મદદે આવી શકે એમ છે. અમારે જોકે કોઈ એવી મુશ્કેલી ન પડી.
કલિમપોંગ પહોંચ્યા પછી સૌથી વધુ ઉત્સાહ જગતના બીજા નંબરના ઊંચા શીખર કાંચનજંગાને જોવાનો હતો. કાંચનજંગા છે તો નેપાળમાં પણ કલિમપોંગ સરહદે આવેલું હોવાથી અહીંથી સ્વચ્છ વાતાવારણમાં પાંચ-દસ કિલોમીટર દૂર આવેલા કાંચનજંગાના દર્શન કરવા મુશ્કેલ નથી. એ દર્શન તો સવારે થશે એવો વિચાર-વાતો કરતા અમે ભોજન પતાવ્યું. અમારું ભોજન પતવાની જ રાહ હોય એમ અત્યાર સુધી શાંત રહેલા વાતાવરણે અચાનક ગિયર બદલ્યા. સ્પીન ઓવરનો સ્પેલ પુરો થયા પછી ફાસ્ટ બોલરો મેદાન ગજવી મુકે એમ ગાજવીજ શરૃ થઈ. સ્વચ્છ દેખાતા વાતાવરણમાં વાદળાના ઢગ જામ્યા અને વીજળીએ ચમકારા શરૃ કર્યા. બાલ્કનીમાં આવીને અમે એ જોઈ રહ્યાં હતા. પણ વરસાદ એટલો બધો વધી ગયો કે અમારે ફરજિયાત રૃમમાં પુરાઈ વિશાળ કાચની બારીઓમાંથી કલિમપોંગના તોફાની વાતાવરણના દર્શન કરવા પડ્યા.
વીજળીના ચમકારા વચ્ચે હિમાલયના શિખરોની આખી હારમાળા નજરે પડતી હતી. પણ એમાંથી ક્યુ કાંચનજંગા એ ખબર પડતી ન હતી. એ વખતે જોકે અમને તોફાને જ એટલા અભિભૂત કરી દીધા હતા કે બીજી કોઈ ચીજનો વિચાર જ અમે કરી શકતા ન હતાં. અડધીએક કલાકે વાતાવરણ થંભ્યુ ત્યાં સુધીમાં કલિમપોંગના રસ્તાઓ પર પાણી વહેતું થઈ ગયુ હતું. જોકે અહીં આ સ્થિતિ નિયમિત સર્જાતી હતી. એટલે સ્થાનિક લોકો માટે નવાઈ ન હતી.
પણ અમને તો નવાઈ જ નવાઈ લાગતી હતી. ડર પણ લાગતો હતો અને રોમાંચ પણ અનુભવાતો હતો. એ બધુ શાંત થયા પછી વળી હતું એવું જ વાતાવરણ થઈ ગયું એટલે અમે કલિમપોંગની બજારનો સર્વે કરવા નીકળ્યા. પણ અમે પહોંચ્યા ત્યાં સુધીમાં મોટા ભાગની દુકાનો બંધ થઈ ચૂકી હતી. નાઈટ લાઈફ જેવુ કશુંય સ્વાભાવિક રીતે આ નાનકડા સેન્ટર પર ન હતું. પાંચ-પંદર દુકાનો-લારીઓ ખુલ્લી હતી એ પણ બંધ થવાની તૈયારીમાં હતી. કોઈ ગુજરાતી વેપારી મળે તો ગપાટા મારીએ એવી અમારી ઈચ્છા હતી. પણ એ પુરી ન થઈ એટલે અમે હોટેલભેગા થઈને પથારીમાં પડ્યા. આમેય બીજો દિવસ અમારા માટે ભરચક રહેવાનો હતો.
વહેલી સવારે અમારે બીજી સફર આરંભવાની હતી. કલિમપોંગ ત્યાં આસપાસમાં થતી એડવેન્ચર એક્ટિવિટી માટે જાણીતું છે. અમારી ગાડીઓ એવા કોઈ એડવેન્ચર સ્થળે જવા ઉપડી. અમને માત્ર એટલું કહેવામાં આવ્યુ હતું કે એડવેન્ચર માટે જવાનું છે. એટલે અમારા કેટલાક મિત્રો તો જાણે એવરેસ્ટ જવાનું હોય એવી મૂંઝવણમાં પડી ગયા હતા. એ વખતે અમને દિવસનું કલિમપોંગ બરાબર દેખાયું. ઢોળાવ પર ગોઠવાયેલું આખું શહેર કઈ રીતે વધુ ઊંચા શિખરોથી ઘેરાયેલું જે એ જોઈ શકાતું હતું. થોડી વારે શહેર પુરું થયું અને બાકી રહ્યો માત્ર હિમાલયય.. શંકુદ્રૂમ વૃક્ષો વચ્ચેથી અમારી સફર સપાટાબંધ રીતે આગળ વધી..