રુદ્ર - એક નવા યુગની શરૂઆત Jignesh Ahir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર - એક નવા યુગની શરૂઆત

પ્રકરણ–1

પ્રથમ મુલાકાત

9 એપ્રિલ 2015– હોટેલ બ્લુમુન, લંડન

લંડન શહેરની આલીશાન હોટેલ બ્લુમુનમાં આજે ભીડ વધારે હતી. આ હોટેલમાં સામાન્ય રીતે VIP માણસોનો જ ઘસારો વધારે રહેતો. સરકારી મહેમાન, મોટા બિઝનેસમેન, બીજા દેશના રાજદૂતોને આ હોટેલ વધારે પસંદ આવતી. બપોરનો એક વાગવા આવ્યો હતો અને હોટેલની અગાસી પરના રેસ્ટોરન્ટમાં ભીડ વધી રહી હતી. રેસ્ટોરન્ટની કાચની દીવાલોને કારણે અંદર બેઠા બેઠા દૂર-દૂર સુધી ફેલાયેલી લંડનની ઊંચી ઇમારતો અને એમાં જીવન માટે સંઘર્ષ કરતું જીવન એક પ્રેક્ષકની જેમ બેસીને માણી શકાય એવી વ્યવસ્થા હતી. રેસ્ટોરન્ટની ભીડથી દૂર એક ખૂણામાં કાચની દીવાલને અડકીને આવેલા ટેબલ પર બેઠેલી, એક યુવતી બહાર દેખાતા ખુલ્લા આકાશને તાકી રહી હતી. તેના કપાળ પરથી છલકતી તેજસ્વીતા તેના રૂપમાં વધારો કરી રહી હતી, તેની આંખો સુંદર, ઊંડી અને કામણગારી હતી, જ્યારે તેનું નાક સુંદર અને નાનું હતું. તેણે પહેરેલી સુંદર ગુલાબી સાડી તેની ભારતીય હોવાનો પરિચય આપી રહી હતી. તે યુવતીનું ધ્યાન જમવા માટે મુકેલી ડિશ કરતા બહાર દેખાતા ખુલ્લા આકાશમાં પરોવાયેલું હતું.

“મે આઇ સીટ હિઅર..???” એ યુવતીની એકલતાને ભંગ કરતું પણ સભ્યતાથી ભરેલુ આ અંગ્રેજી વાક્ય યુવતીના કાન પર પડ્યું એટલે તે યુવતીની નજર સામે ઊભેલા યુવક પર પડી, તે યુવક તે યુવતીને પણ શરમાવે એટલો દેખાવડો હતો. મોટું કપાળ, આકર્ષક ચહેરો, અને તેનું ભરાવદાર શરીર તેણે પહેરેલા આછા ગુલાબી શર્ટ અને કાળા પેન્ટમાં આકર્ષક લાગી રહ્યો હતો. યુવતી તે યુવકને જોતા જ ઓળખી ગઈ કે સામે ઉભેલો યુવક બીજો કોઇ નહિ પણ ભારતનો સૌથી શ્રીમંત વ્યક્તિ રુદ્ર અનંતરાય ચૌહાણ છે. દુનિયાના સૌથી કુશળ બિઝનેસમેન તરીકે તેણે નામના મેળવેલી છે, પણ આ બધા સાથે તે યુવતીને એ પણ યાદ આવે છે કે તે પોતે ભારતના વડાપ્રધાન શક્તિસિંહ રાઠોડની દીકરી, ગૌરી રાઠોડ છે. સામે ઉભેલો વ્યક્તિ તેના પિતાની લોકશક્તિ પાર્ટીનો સૌથી મોટો વિરોધી માણસ છે. ગૌરીએ શિષ્ટાચારની દૃષ્ટિએ માત્ર મોંઢુ હકારમાં હલાવીને બેસવાની હા પાડી..!! રુદ્ર પણ વિનયથી આભાર માની બેસી ગયો. એ બેઠો ત્યાં સુધીમાં તો બટલર ટેબલ પાસે આવી ઉભો રહી ગયો. રુદ્રએ એક ગુજરાતી ડિશનો ઓર્ડર આપ્યો એટલે ઓર્ડર લઈને બટલર ત્યાંથી ચાલતો થયો. આ બધામાં પાંચેક મિનિટ જેટલો સમય લાગ્યો હશે, ત્યાં સુધી ગૌરી બસ એ જ વિચારતી રહી કે રુદ્ર શા માટે આ જ ટેબલ પર બેઠો હશે ?

“શું મારે મારી ઓળખાણ આપવાની જરૂર છે, મિસ રાઠોડ?” રુદ્રએ ફરી ગૌરીના વિચારોમાં ખલેલ પહોંચાડી.

“ના, મિસ્ટર ચૌહાણ ભારતનો કોઇ નાગરિક, તમને ના ઓળખતો હોય એવું કેવી રીતે બની શકે? તમને તો ગરીબોના ધનકુબેર કહેવામાં આવે છે..!!!” ગૌરીએ પણ સામાન્ય વર્તન જ ચાલુ રાખ્યું. થોડી વાર સુધી બન્ને ચૂપ જ રહ્યા, ત્યાં સુધીમાં રુદ્રની ડિશ પીરસાય ગઈ.

“તમે અહીં કોઇ સેમિનાર કે લેક્ચર માટે આવ્યા લાગો છો..!!!” રુદ્રએ જ શાંતિભંગ કરતા સવાલ પૂછ્યો. ગૌરીની વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓમાં ગણના થાય છે અને તેમને લેક્ચર આપવા માટે દુનિયાની મોટી મોટી યુનિવર્સિટીઓ તરફથી અવારનવાર આમંત્રણ પણ મળતા રહેતા હોય છે. હાલમાં તે ભારતની દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે. રુદ્રનાં સીધા પણ સ્વાભાવિક સવાલથી ગૌરી થોડી મૂંઝાઇ ગઈ, જે તેના ચહેરા પરથી ચોખ્ખું જોઇ શકાતું હતું. પણ પછી ખાલી હકારમાં જ મોઢું હલાવી ગૌરીએ વાત પતાવવાની કોશિશ કરી. આ જોતા જ રુદ્રના ચહેરા પર સ્મિત આવી ગયું. ગૌરી સમજી ના શકી કે રુદ્ર શા માટે હસ્યો.

“શું હું જાણી શકું કે મે એવી કઈ રમૂજ કરી જેના કારણે તમને હસવું આવી ગયું...??” ગૌરીએ અકળાઇને પૂછી લીધું.

“કંઈ નહિ, બસ એ વિચારતો હતો કે પાંચ દિવસ પછી તમારા લગ્ન છે અને તમે અહિંયા હજું લેક્ચરો આપવામાં વ્યસ્ત છો?” રુદ્રની આ વાતથી ગૌરી સમસમી ઊઠી. ગૌરીની સગાઈ ભારતના ગૃહપ્રધાન દિનદયાલ શર્માના એક ના એક પુત્ર અને ભારતના સૌથી યુવા નેતા અને રેલ્વે મંત્રી નિતેષ શર્મા સાથે થયેલી હતી.

૧૫ એપ્રિલ, ૨૦૧૫ ના રોજ બન્નેના લગ્ન થવાના હતા. ગૌરીના આ લગ્ન એક રાજકીય સમજોતાના ભાગ રૂપે જ હતાં. એટલે ગૌરી એક વખત, ખાલી એક અઠવાડિયું આઝાદીની જીંદગી જીવી લેવા માંગતી હતી. જુની યાદો સાથે ફરીથી ભૂતકાળમાં લટાર મારી આવવા માંગતી હતી. આ બાબત તેના પિતાથી પણ અજાણ ન હતી. ભારતમાં તે મીડિયાની નજરમાં આવ્યા વગર ના રહી શકત એટલે ગૌરીએ એકાંત માણવા લંડન પસંદ કર્યુ, જ્યાં અમુક વર્ગના લોકો સિવાય તેને કોઇ ઓળખતું ના હોય. આજે લંડનમાં તેનો છેલ્લો દિવસ હતો અને કાલે ભારત પાછી ફરવાની હતી.

“માફ કરજો મિસ્ટર ચૌહાણ પણ આ મારો અંગત મામલો છે, તો મહેરબાની કરીને તમે તમારા લંચ પર ધ્યાન આપશો તો વધારે સારું રહેશે..!!” ગૌરીના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો.

“એ કોણ હતું, મિસ રાઠોડ..??, જેને યાદ કરવા માટે તમે તમારા લગ્ન પહેલા અહીં એકાંતવાસ માટે આવ્યા છો..?” રુદ્ર રોકાયો નહિ. ગૌરી સમજી ના શકી કે રુદ્ર જેવો માણસ શા માટે તેની જીંદગીમાં દખલગીરી કરી રહ્યો છે.

“તમે તમારી મર્યાદા ઓળંગી રહ્યા છો, મિસ્ટર ચૌહાણ..!!!!” ગૌરીનો અવાજ પણ થોડો ઊંચો થઇ ગયો.

એ જ સમયે રુદ્રના મોબાઇલમાં બે-ત્રણ વખત અલાર્મ જેવો બિપ બિપ નો અવાજ આવ્યો તરત રુદ્રના ચહેરાના ભાવો થોડા બદલાયા. “તમે અહીંથી સીધાં તમારા સ્યુટ પર જ જજો, અને દરવાજો લોક કરી બહાર ‘ડુ નોટ ડિસ્ટર્બ’ નું લેબલ મારી દેજો. બસ મારી એટલી વાત યાદ રાખજો કે તમારી એક મૂરખાઇ કોઇ માટે મ્રુત્યુંનું કારણ બની શકે છે...!!” આટલું ઉતાવળમાં બોલી રુદ્ર ઉભો થઈ સીધો રેસ્ટોરન્ટની બહાર નીકળી ગયો. ગૌરી અવાચક બની રુદ્રને જતો જોતી રહી. રુદ્ર ગયો એની થોડી જ વારમાં ગૌરીના બોડીગાર્ડસ સામે દેખાયા અને તે લોકો પણ જાણે કોઇક જગ્યાએથી દોડીને આવતા હોય તેવું લાગી રહ્યું હતું. તે લોકોનું ધ્યાન પણ ગૌરી તરફ જ હતું. ગૌરીને સુરક્ષિત જોઇ જાણે તેમને હાશકારો થયો હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું.

ગૌરીને આ બધું રહસ્યમય લાગી રહ્યું હતું. તેને સૌથી રહસ્યપૂર્ણ વર્તન તો રુદ્રનું લાગ્યું. રુદ્ર ભલે તેના પિતાની પાર્ટીનો સૌથી મોટો વિરોધી માણસ હોય પણ ચરિત્રની દૃષ્ટિ એ રુદ્રનો દુશ્મન પણ તેના પર અવિશ્વાસ ના કરે..!! રુદ્ર ખાલી ભારત નો સૌથી વધુ ધનવાન માણસ હતો અથવા મોટો બિઝનેસમેન હતો એટલું જ નહીં પણ તેના લોકકલ્યાણના કામોના કારણે ભારતની પ્રજાના દિલો પર રાજ કરતો હતો...!! રુદ્રનો બિઝનેસ દેશ-વિદેશમાં ફેલાયેલો હતો, કોઇ પણ મોટા નેતાને તેને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી, પણ જો કોઇ સામાન્ય માણસની વાત આવતી તો તે મદદ માટે હંમેશા તૈયાર રહેતો.

રુદ્ર મોટા ભાગે જુનાગઢમાં જ રહેતો અને તેની ઓફિસનું હેડકવાર્ટર પણ જુનાગઢમાં જ આવેલું હતું. સરકારને રુદ્ર આંખમાં કણાની જેમ ખૂંચતો પણ લોકોનો રુદ્ર પ્રત્યેનો લગાવ એટલી હદ સુધી હતો કે રુદ્રનાં એક અવાજ પર આખું ભારત બંધ રહેતું, અને સરકાર જનપ્રવાહ વિરુદ્ધ જઈ શકે તેમ ન હતી. વધુમાં રુદ્ર એટલો બધો ચાલાક હતો કે સરકારના રુદ્રને ફસાવવા માટેનાં તમામ પ્રયત્નો એ વ્યર્થ કરી દેતો. જો એક શબ્દમાં કહેવામાં આવે તો રુદ્ર ભારતનો લોકનાયક હતો.

ગૌરીને એ જ વાત રહસ્યમય લાગી કે આવો માણસ શા માટે આવું વર્તન કરે ? અને ગૌરીને રુદ્રનાં આ વિચિત્ર વર્તન પાછળનાં કારણને જાણવાની કુતુહલતા વધી ગઈ હતી. તેને એ પણ જાણવું હતું કે તેને કેવી રીતે ખબર પડી કે તે લગ્ન પહેલા તે કોઇની યાદો સાથે એકલી રહેવા અહીં લંડન આવી હતી...!! તે ટેબલ પરથી ઉભી થઈને રેસ્ટોરન્ટની બહાર નીકળી. તેની પાછળ તેના ચાર બોડીગાર્ડ પણ જોડાયા જેમાંથી બે બ્રિટિશ હતાં. ગૌરીનો સ્યુટ છઠ્ઠા માળ પર હતો, ગૌરી લિફ્ટમાં થઈને નીચે પહોંચી, ત્યાં સુધી ગૌરીનાં મગજમાંથી રુદ્રના વિચારો હટતા ન હતાં. ગૌરીએ સ્યુટમાં અંદર ગઈ, જ્યારે તેના બોડીગાર્ડસ બહાર ઉભા રહી ગયા. રુદ્રનાં કહેવા પ્રમાણે ગૌરીએ દરવાજાને લોક કર્યો અને તે પોતાના બેડરૂમ તરફ જવા લાગી. તેનું ધ્યાન સામે સોફા પર ગયું, જ્યાં રુદ્ર બેઠેલો હતો. ગૌરીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેની સમજમાં કશું જ આવી રહ્યું ન હતું. તે સીધી હોલમાં આવી અને રુદ્રની સામેના સોફા પર બેઠી.

“કોનો જીવ જોખમમાં છે?” ગૌરીએ કુતૂહલતા વશ પૂછી લીધું.

“તમારો...!!!” રુદ્રએ સામાન્ય ભાવમાં જ જવાબ આપ્યો.

“હું જાણી શકું કે મારા જીવ નો દુશ્મન કોણ છે?” ગૌરીને હવે આ બધું વધારે રહસ્યમય લાગી રહ્યું હતું.

“તમારા પિતા, તમારો થનાર પતિ અને સસરા...!!!” રુદ્ર ગંભીર હતો.

“તમને ખ્યાલ આવે છે મિસ્ટર ચૌહાણ, તમે શું વાત કરી રહ્યાં છો..???” ગૌરીના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો.

આ સાંભળતાં રુદ્રથી ફરીથી હસાઈ ગયું. તે ઊભો થઈ બેડરૂમમાં ગયો અને એક કાળા કલરની ઓફિસ બેગ જેવી બેગ લઈને પાછો આવ્યો. તેણે બેગમાંથી એક કોમ્યુટર સીડીનો થપ્પો કાઢ્યો, એમાંથી એક સીડી શોધી, ત્યાં પડેલા ડીવીડી પ્લેયરમાં લગાવી ટીવી ચાલુ કર્યુ. ગૌરીને આ બધું શું થઈ રહ્યું છે તે સમજાતું નહોતું, પણ પોતાની જાતને ધીરજ રાખવા માટે સમજાવી, તે રુદ્રની હરકતોને જોતી રહી. રુદ્ર કંઈ પણ બોલ્યા વગર ટીવી ચાલુ કરી સોફા પર બેઠો.

આ સીડીમાં પ્રધાનમંત્રીના નિવાસ પંચવટીમાં આવેલી લાઇબ્રેરી દેખાઇ રહી હતી. પ્રધાનમંત્રી અને એમના પુત્ર અખિલેશ રાઠોડ લાઇબ્રેરી રૂમમાં બેઠા હતાં. અખિલેશ ગૌરી કરતા નાનો હતો અને ખાસ દેખાવડો ન હતો. ગૌરીને તેની માતાનું રૂપ મળેલું જ્યારે તેના ભાઈને તેના પિતાની કદરૂપતા.

“હું એ નિતેષને નહીં છોડું, પપ્પા... સાલ્લાની આટલી હિમ્મત કે એ મારી બહેન પર નજર નાખે..???” અખિલેશના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પણ શક્તિસિંહ રાઠોડ બિલકુલ શાંત દેખાતા હતાં.

“અત્યારે એ પ્રસ્તાવનો સ્વીકાર કરવો એ મારી મજબૂરી બની ગઈ છે...!!” શક્તિસિંહ રાઠોડના ચહેરા પર પીડા તરી આવી. અખિલેશ તેના પિતા આગળ કંઈ બોલે તેની રાહ જોવા લાગ્યો.

“આપણી સરકારની બીજી ટર્મ પૂરી થવા આવી છે, હવે આગળ આપણી પાર્ટીનું ભવિષ્ય મને સાવ ધુંધળું દેખાઇ રહ્યું છે, સાલ્લા ૩૨૦ સાંસદોમાંથી ગણીને પાંચ જ એવા હશે, જેમની ઇમેજ સાફ હશે..!! ઓછાંમાં પૂરું છેલ્લા ત્રણ વર્ષમાં મીડિયાએ ઘણાં બધાં કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે, જે આપણને ખૂબજ નડતર રૂપ થશે. અખિલેશ..!! હવે પહેલા જેવું નથી રહ્યું, કે પૈસા ના જોરે કે બંદૂકનાં ઇશારા પર વોટ મળે.... કાંઈક નવું કરવું પડશે..!!!” શક્તિસિંહ બોલી રહ્યા હતાં પણ અખિલેશ પાસે એટલી ધીરજ ના હતી કે તેના પિતાની વાત શાંતિથી સાંભળે.

“પાર્ટીની જીત અને ગૌરીનાં લગ્નને શું લેવા-દેવા, પપ્પા?” અધીરા અખિલેશને જોઇ રાઠોડ સાહેબને થોડો ગુસ્સો તો આવ્યો પણ તેમણે પોતાની જાતને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો.

“જો બેટા, બહુ જ ઊંડો સંબંધ છે, પણ તું સમજી નહિ શકે..!!” શક્તિસિંહ થોડી વાર તેના પુત્રના હાવભાવ વાંચવા માટે રોકાયાં.

“આજે મને આખી વાત કરો પપ્પા, હવે હું સાવ નાદાન પણ નથી કે તમારી વાત ના સમજી શકું.!!” અખિલેશ પૂરી વાત જાણવા ઉત્સુક હતો.

શક્તિસિંહ તેના પુત્ર સાથે સામાન્ય રીતે રાજકારણની વધારે વાતો કરતો નહિ, પણ આજે તેના પુત્રની વાત સાંભળી તેને પોતાનો જૂનો ઇતિહાસ ખોલવાની ઇચ્છા થઈ ગઈ.

“હું એક સમયે ગુજરાતનો વિધાનસભ્ય હતો અને આ દિનદયાલ આ પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તા અને મારો ખાસ માણસ હતો. એ સમયે ગુજરાતમાં પરિવર્તન અને વિકાસનાં સુત્રો ગુંજતા હતા. તારા વ્હાલા કાકા રામાનુજ આચાર્ય, આ બધાનાં સુત્રધાર હતા. એ માણસ ખાનદાની અમીર હતો. બહુ જ પૈસા હતાં તેની પાસે..!! તેના પિતા એ જ મને ભણાવ્યો હતો...!!! હવે એ સમયનાં ગુજરાતના મુખ્યમંત્રી મોહન માલવિયા રામાનુજથી બહુ જ ડરતા હતા, એટલે લલિત ગુપ્તા, જે એ સમયે આપણી પાર્ટીના મુખ્ય નેતા અને દેશના વડાપ્રધાન હતાં. તેમના માટે આ ક્રાંતિ શાંત પાડવી જરૂરી બની ગઈ હતી નહિતર ધીમે ધીમે તે પુરાં દેશમાં ફેલાઇ જાત અને પાર્ટી માટે પોતાની જોહુકમી ચલાવવી અઘરી પડી જાત...!!! એમને ખબર પડી કે મારી અને રામાનુજ વચ્ચે ઉંડા સંબંધો છે. અમે ખાસ મિત્રો છીએ એટલે એમણે મને ઓફર આપી કે જો હું રામાનુજને ઠેકાણે પાડી દઉં..!! તો એ મને ગુજરાતનો નવો મુખ્યમંત્રી બનાવી દેશે...!!!” અખિલેશને તેની પિતાની વાતમાં રસ પડી રહ્યો હતો પણ ગૌરીની આંખમાંથી મૂંગા આંસુ નીકળી રહ્યા હતા.

“રામાનુજને હટાવવા માટે મારે દિનદયાલની મદદની જરૂર હતી. રામાનુજનાં પરિવારમાં તેની પત્ની અને તેના બે સંતાનો હતા. તું અને ગૌરી તો એ લોકો સાથે રમીને મોટા થયા હતાં, યાદ છે ને..?? પેલો તેનો દીકરો રમેશ અને તેની દીકરી કુમુદ..!!!” શક્તિસિંહ તેના દીકરાને પૂછી રહ્યા હતા.

“હા, હું તો ઠીક પણ દીદી અને રમેશ એકબીજા સાથે સૌથી વધારે સમય કાઢતાં હતાં..!!!” અખિલેશ પોતાના બાળપણના ધુંધળાં સંસ્મરણો યાદ કરતા બોલ્યો.

“ના બેટા..!! એ માત્ર એકબીજા સાથે સમય નોહતાં કાઢતાં, પણ ગૌરી રમેશનાં પ્રેમમાં ગળાડૂબ હતી..!!! છોડ એ વાત અત્યારે હું ક્યાં હતો..?? હા.. તો તકલીફ એ હતી કે હું રામાનુજને બદનામ નહોતો કરી શકું તેમ એટલે મે તેના પરિવાર સહિત તેની પૂરી હવેલીને, દિનદયાલની મદદથી આગ લગાડી દીધી હતી, અને તેના પૂરા પરિવારને એ જ હવેલીમાં મે અગ્નિસંસ્કાર આપી દીધો..!!! અને ગેસ લિકેજનાં કારણે આ બન્યું તેવું સાબિત પણ કરી દીધું..!!! હું રામાનુજનો ખાસ મિત્ર હતો એટલે લોકોએ મારી વાતનો વિશ્વાસ પણ કરી લીધો. એક વર્ષમાં મને મોહન માલવિયાની જગ્યાએ બેસાડી દેવામાં આવ્યો. દિનદયાલને શરત પ્રમાણે ગુજરાતનો ગૃહમંત્રી બનાવવો પડ્યો...!!“ શક્તિસિંહની આંખમાં ગુસ્સો તરી આવ્યો, તેમણે જોરથી ટેબલ પર હાથ પછાડ્યો. “મે જ એ સાપને દુધ પાયું જેથી તે મને આગળ જતા ડંખ મારે..!!”

અખિલેશ પૂરી વાત સાંભળવા માંગતો હતો એટલે તેણે તેના પિતાને રોક્યાં નહિ. પણ ગૌરીથી હવે નોતું સંભળાતું કે તેના પિતા એ જ રામાનુજ આચાર્યના પરિવારને મારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રુદ્ર એ ત્યાં ટેબલ પર પડેલ પાણીનો ગ્લાસ ગૌરી તરફ આગળ ઘર્યો. ગૌરી સ્વસ્થ તો ન હતી, પણ છતાં તેણે ટીવી પર ચાલતી પોતાના પિતા અને ભાઇની વાત સાંભળવા લાગી.

“બસ, એ પછી મે અને દિનદયાલે હાથ મિલાવી લિધાં. અમે બન્ને એક પછી એક અમારા દુશ્મનોને રસ્તામાંથી હટાવતા ગયા, અને ખાલી પાંચ જ વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીથી ભારતના વડાપ્રધાન સુધીની સફર કરી લીધી. લલિત ગુપ્તા પર જે આત્મઘાતી હુમલો થયો હતો, તે પણ મેં જ કરાવ્યો હતો અને લલિત ગુપ્તાનાં મ્રુત્યુ બાદ અમે જ પાર્ટીનાં સર્વેસર્વા બની ગયા. પણ હવે, ખબર નહીં કેમ હવે દિનદયાલનાં મનમાં લાલચે જન્મ લઈ લીધો છે..!! તે હવે એમ ઇચ્છે છે કે મારા પછી નિતેષ, તેનો દીકરો જ ભારતનો વડાપ્રધાન બને એટલે જ તો તેણે ગૌરીનો હાથ માંગ્યો...!!! જેથી નિતેષને મારો વારસદાર સાબિત કરવામાં કોઇ જ તકલીફ ના પડે...!!! એને ખબર છે તારામાં એટલી લાયકાત નથી કે તું એક સાંસદ પણ બની શકે...!!! વડાપ્રધાનતો બહુ દુરની વાત છે..!!!” શક્તિસિંહની આંખોમાં તેના પુત્ર પ્રત્યે ગુસ્સો અને અણગમો દેખાઇ આવતા હતા.

“તો હવે શું તમે મારી બહેનનાં લગ્ન તેની સાથે કરી દેશો..??” અખિલેશના ચહેરા પર ચિંતા ચોખ્ખી દેખાઈ રહી હતી.

“હા, તો મારી પાસે બીજો ક્યો રસ્તો છે..? મને દિનદયાલ સાથેની દુશ્મની અત્યારે ભારે પડે તેમ છે અને તેના વગર આવતી ચૂંટણી જીતવી પણ મુશ્કેલ છે. તું જ કે મારે શું કરવું..??” શક્તિસિંહ તેના દીકરાની બુદ્ધિ ચકાસવા માંગતા હતાં, પણ અખિલેશને વધારે મૂંઝાયેલો જોઇ તેમણે જ બોલવાનું ચાલુ કર્યુ.

“મારી પાસે એક પ્લાન છે” શક્તિસિંહ હળવેથી બોલ્યા અને અખિલેશ પણ આ પ્લાન સાંભળવા ટટ્ટાર થયો.

“હું પહેલા ગૌરી અને નિતેષના લગ્ન કરાવીશ અને પછી હું નિતેષ ને જ મારો વારસદાર ઘોષિત કરી દિનદયાલનો વિશ્વાસ જીતી લઈશ...!! ચૂંટણીના એકાદ મહિના પહેલા જ હું નિતેષની હત્યા કરાવી દઈશ જેનો આરોપ આંતકવાદી સંગઠન પર નાખી દઈશ અને હું ગૌરીને ઇમોશનલ બ્લેકમેલ કરી તેના પતિની જગ્યાએ તેને ચૂંટણીમાં ઉભી કરી દઈશ અને આમપણ ગૌરીનું ભારતમા ખૂબ સારું નામ છે એટલે તે પોતાના નામ અને લોકોની એક વિધવા માટેની સહાનુભૂતિથી તો જીતી જ જશે..!!!! ગૌરી બનશે ભારતની નવી વડાપ્રધાન અને મારી ડાહી દીકરીને હું મારા ઇશારા પર જ ચલાવીશ જેથી ભવિષ્યમાં તારો રસ્તો આસાન થઈ જશે..!!” એક વિજયી સ્મિત સાથે શક્તિસિંહે પોતાની વાત પૂરી કરી.

અખિલેશ તો પોતાના પિતાની બુદ્ધિ પર ઓવારી જ ગયો, પણ, અચાનક તેના ચહેરા પર ઉદાસી પણ છવાઇ ગઈ.

“પણ પપ્પા આમાં દીદીને શું કામ વચ્ચે નાખો છો..?? એ બિચારીનો તો કોઇ વાંક નથી..!!! અને નિતેષની હત્યા પછી એનું શું થશે..? એ શું આખી જિંદગી વિધવા તરીકે જ જીવશે..?” અખિલેશને ખરેખર પોતાની મોટી બહેનની ચિંતા હતી.

“હા, એ બાબતનું મને પણ દુખ રહેશે પણ દીકરી કરતા મને મારા દીકરાનાં ભવિષ્યની ચિંતા વધારે છે...!!” રાઠોડ સાહેબની આ વાત સાથે સીડીનો એ સીન પુરો થયો.

આ સીન જોયા પછી ગૌરી તો સ્તબ્ધ થઈ સોફા સાથે ચોટી જ ગઈ. રુદ્રએ એના પ્રતિભાવોની પરવા કર્યા વગર જ બીજી સીડી ચાલુ કરી દીધી.

આ સીડીમાં કોઇ ફાર્મહાઉસના ડ્રોઇંગરૂમનો સીન હતો. જેમાં ગૃહમંત્રી દિનદયાલ શર્મા અને તેમનો દીકરો નિતેષ શર્મા વચ્ચે વાત ચાલી રહી હતી. દિનદયાલે ભારતીય નેતાની જેમ ખાદીનાં કપડાં પહેરેલા હતા. જ્યારે નિતેષ કોઇ બગડેલા નબીરાની જેમ લુંગી પહેરીને દારૂના એક પછી એક પેગ પી રહ્યો હતો.

“બેટા, રાઠોડને બાટલીમાં ઉતારી દીધો છે, હવે એ આજકાલમાં જ તારી અને ગૌરીની સગાઈની ઘોષણા કરશે.” દિનદયાલ કોઇ મોંઘા દાટ દારૂનો ગ્લાસ હાથમાં લેતાં બોલ્યો.

“તો હવે શું કરવાનુ છે?” નિતેષ પોતાનો ખાલી ગ્લાસ ભરવા લાગ્યો.

“હવે શું… તમારા બન્નેના લગ્ન થાય એટલે તમારે બન્નેને હનીમૂન પર જતું રહેવાનું બીજું શું..!!!” દિનદયાલે ખુશ થતા કહ્યું.

“તમને ખબર છે ને..., મને એ રોતલ છોકરીમાં જરાય રસ નથી. એના કરતા સારી છોકરીઓ તો આપણે વેચી મારીએ છીએ, અરે હા આજે જ મહારાષ્ટ્રમાંથી એક જોરદાર માલને ઉઠાવ્યો છે. પેલો ઇન્સ્પેક્ટર, એ બહુ ઉછળતો હતો ને, તેની એકની એક દીકરીને ઉઠાવી લીધી છે..!! આજે તેની સાથે જ સુહાગરાત મનાવવાનો છું” નિતેષના ચહેરા પર રાક્ષસી હાસ્ય તરી આવ્યું “અને, મને એ તો કહો કે એ કંટાળાજનક છોકરી સાથે લગ્ન કરી આપણને શું ફાયદો થશે..???” નિતેષને પાછી વાત યાદ આવતા તેના પિતાને પુછ્યું.

“તને નવો વડાપ્રધાન બનાવવા માટેનું ગ્રીનકાર્ડ છે, એ છોકરી..!!” દિનદયાલની આંખમાં ચમક હતી.

“અને એ કેવી રીતે..?” પેગ ગટગટાવતાં તેણે તેના પિતાને પુછ્યું.

“તારા લગ્ન બાદ તું રાઠોડનો વારસદાર બની જઈશ, અને પછી મોકો જોઇ ને બાપ-દીકરાની દગાથી હત્યા કરાવતાં કેટલી વાર....?? તું એનો દામાદ અને મારો દીકરો એટલે તત્કાલીન વડાપ્રધાન તરીકે હું તારું જ નામ આપી દઈશ અને આપણી પાસે ૩૨૦ સભ્યોની બહુમતી તો છે જ..!!! એટલે ચૂંટણી પહેલા જ તું નવો વડાપ્રધાન થઈ જઈશ અને હું એ બન્ને હત્યાઓનો બધો આરોપ આંતકવાદી સંગઠનો પર લગાવી દઈશ અને સહાનુભૂતિથી લોકો આપણી જ પાર્ટીને વોટ આપશે ને..!! અને તું ફરીથી બની જશે ભારતનો વડાપ્રધાન....!!!!” દિનદયાલ પોતે જ પોતાની બુદ્ધિ પર ઓવારી ગયો અને હાથમાં રહેલો દારૂનો આખો ગ્લાસ એકસાથે ગટગટાવી ગયો.

“પણ ગૌરી નું શું?” નિતેષે તેના પિતા સામે જોયું.

“એનું શું છે હવે..?? એ તો માસ્તરની છે ને..? એક કામ કરશું આપણે એને નાણાપ્રધાન બનાવી દઈશું અને એમ ના કરવું હોય તો તારે જેટલો સમય તેની સાથે પથારી પર મોજ કરવી હોય એટલી મોજ કરી લેવાની અને પછી એનું પણ રામ-નામ સત્ય..!!!” દિન-દયાલ ને પાછો કંઈક વિચાર આવ્યો. “ના.. ના... એની હત્યા ના કરાય... નહિતર બધાને એવું લાગે કે કોઇ આપણી પાર્ટીને નહિ... પણ રાઠોડ ખાનદાનને જ નિશાન બનાવી રહ્યું છે અને કદાચ આપણી પર પણ શક જઈ શકે....!!! હંમ્મ... મગજમાં બેસી ગયું…મીડિયા અને લોકોની સામે આપણે તેને કોઇ અજ્ઞાત જગ્યા પર વેકેશન (હવાફેર કરવા) પર મોકલી દઈશું, બાકી હકીકતમાં તેને આ જ ફાર્મહાઉસમાં નજરકેદ કરી રોજ આપણા જ કાર્યકરો દ્રારા તેના પર બળાત્કાર કરાવીશું, જેથી આપણા કાર્યકરો પણ ખુશ અને ધીમેધીમે આ રોજે રોજની પીડા આપી તેને ગાંડી કરી દઈશું અને દુનિયા સામે એવું જાહેર થશે કે ભાઇ અને બાપના મૃત્યુના કારણે તે માનસિક અસ્થિર થઈ ચુકી છે...!!!” દિનદયાલ આગળ કંઇ બોલે તે પહેલા ગૌરી એ ટીવી જ બંધ કરી દીધું.

“મિસ્ટર ચૌહાણ...!! આવી ખોટી ક્લિપો બતાવતાં તમને શરમ નથી આવતી...?? આ બન્ને સીડી ખોટી છે.....!! હું એ કદી ના માની શકું કે આ લોકો આટલી નિચ હરકતો પણ કરી શકે....!! અને રહી વાત મારા પિતાની તો, એમના અને રામાનુજ અંકલ વચ્ચે ખુબજ સારા સંબંધો હતા...!! એને મારા પિતા તેમના પરમ મિત્ર સાથે આવું કદી ના કરે એટલે પ્લીજ હવે તમે અહીંથી જવાની મહેરબાની કરો...!!!” ગૌરી ઘણી અસ્વસ્થ દેખાઇ રહી હતી તે પોતાના મનને મનાવવાનો પ્રયત્ન કરી રહી હતી કે આ બધું ખોટું જ છે..!!!

ગૌરીની વાત સાંભળતા રુદ્રને ફરીથી હસવું આવી ગયું. થોડી વાર રૂમમાં શાંતિ છવાયેલી રહી. ગૌરી વધારે કંઇ બોલાવાનાં મુડમાં ન હતી.

“જો હું એ સાબિત કરી દઉં કે બન્ને ક્લિપિંગ્સ, જે તમે જોઇ એ સાચી છે તો..??” રુદ્ર પોતાની વાત મનાવવા હઠ પકડી હતી.

“તો તમે કહો તે કરવા હું તૈયાર છું...!!!” ગૌરીને તેના પિતા પર પુરો વિશ્વાસ હતો.

“વચન આપો છો કે આ સાચું હશે તો હું કહું તેમ કરશો..?” રુદ્રએ ભારપુર્વક કહ્યું.

“હા..!!” ગૌરી એટલા જ વજનથી બોલી.

રુદ્રએ ત્રીજી સીડી લગાવી. ટીવી ફરીથી ચાલુ થયું. સામે દિલ્હીમાં આવેલા વડાપ્રધાન નિવાસના એક બેડરૂમનો સીન દેખાયો જે ગૌરીનો જ બેડરૂમ હતો. ગૌરી આ જોતા જ સમસમી ઉઠી. ગૌરીને પોતાની આંખો પર વિશ્વાસ નોતો આવી રહ્યો કે તેના બેડરૂમમાં પણ જાસુસી કેમેરો હતો....!!! અને તેના રૂમમાં થતી તમામ ગતિવિધિ પર રુદ્ર નજર રાખતો હતો...!!! પણ અત્યારે અકળાઇને રાડો પાડવા કરતાં ચુપ રહેવાનું જ ગૌરીને યોગ્ય લાગ્યું. સામે ટીવીમાં સવારનો સીન આવી રહ્યો હતો જે, બે મહીના પહેલા નો હતો. આ સમય સામાન્ય રીતે ગૌરીના નાહવાનો હતો અને ગૌરીને પોતાની આદતની ખબર હતી કે તે કપડાં હંમેશા રૂમમાં આવીને જ બદલતી હતી. આ સમયે તેને પોતાની આ ટેવ પર ખુબજ ગુસ્સો આવી રહ્યો હતો. એ જ સમયે સોફાની બાજુમાં પડેલી ફૂલદાની પર તેનું ધ્યાન ગયું. એ ફુલદાની પર ગૌરીનો હાથ પણ જતો રહ્યો, એણે પૂરું મન બનાવી લીધું હતું કે એ ફુલદાનીનો ઘા રુદ્રનાં માથા પર જ કરશે, પછી પરિણામ જે આવે તે...!! ગૌરીનું ધ્યાન ટીવી પર તો હતું જ. સમય પ્રમાણે તે નાહવા માટે બાથરૂમમાં ગઈ એ પણ તેણે જોયું, પછી તરત જ સીન બદલાઇ ગયો, હવે ગૌરી ડ્રેસિંગ ટેબલ પર બેઠા બેઠા વાળ સુકવી રહી હતી. મતલબ કે વચ્ચેનો વિડીયો એડીટ થયેલો હતો.

“ચિંતા ના કરતા મિસ રાઠોડ, તમે જેવું વિચારો છો એવું મે કશું જ નથી જોયું. આ બધા જ વિડીયો મારી વિશ્વસનીય લેડી આસિસ્ટંટ એડીટ કરીને જ મને બતાવે છે, એટલે એ ફુલદાની તમારે મને મારવી નહીં પડે..!!” રુદ્રએ સ્મિત સાથે બોલ્યો. ગૌરીને હાશકારો તો થયો, છતાં તેની ખાનગી પ્રવૃત્તિ આમ રુદ્ર સામે હતી, એ વાતનો તો ગુસ્સો હતો જ. હવે ગૌરીને એ વિશ્વાસ પણ આવી ગયો કે સીડીઓ સાચી હતી કારણ કે જો તેના બેડરૂમમાં સ્પાય કેમેરો રુદ્ર મુકી શકતો હોય તો, બીજે એવા કેમેરા મુકવા તેની માટે અઘરું ન હતું. ટીવીમાં આવેલા બેડરૂમમાં, કોઇ દરવાજા પર નોક નોક કરી રહ્યું હતું, જેથી ગૌરીનું ધ્યાન ફરી ટીવી પર ગયું. ડ્રેસિંગ ટેબલ પર બેઠેલી ગૌરી ઉભી થઈને દરવાજો ખોલ્યો તો દરવાજા પર તેના પિતા હતાં.

“આવો ને ડેડી, આજે તો તમે સવાર સવારમાં જ મને ચોંકાવી દીધી...!!!” ગૌરીના ચહેરા પર મોટું સ્મિત આવી ગયું. શક્તિસિંહ અંદર આવ્યા.

“હા, બેટા થોડી જરૂરી વાત કરવી હતી..!!” રાઠોડ સાહેબે સોફા પર જગ્યા લેતા બોલ્યા. ગૌરીએ પોતાના ભીના વાળ પર ટુંવાલ વિંટોળ્યો અને તેના પિતાની બાજુમાં, તેમના તરફ જ મોઢું કરીને બેસી ગઈ. તેના પિતા આગળ કંઈ બોલે તેની રાહ જોવા લાગી.

“આજે હું તારી પાસે એક યાચના લઈને આવ્યો છું, જો તારાથી શક્ય હોય તો મને મદદ કરજે..!!” શક્તિસિંહ ખુબજ પીડામાં હોય તેમ વાત કરી રહ્યાં હતાં.

“બોલો ને શું કરવાનુ છે મારે..??” ગૌરીના ચહેરા પર આતુરતા હતી.

“જો હું ગોળ ગોળ વાત નહિ કરું. મે આ બાબતમાં બહુજ વિચાર કર્યો છે અને પછી આ નિર્ણય પર પહોંચ્યો છું.” શક્તિસિંહનો ચહેરો ઉદાસ દેખાઇ રહ્યો હતો. ગૌરીને કંઈ બોલવા કરતા રાહ જોવાનું વધારે ઉચીત લાગ્યું.

“બેટા, જો તને વાંધો ના હોય તો તું નિતેષ સાથે લગ્ન કરવા માટે માની જા...!!!! મારી પણ અમુક મજબૂરીઓ છે, જેના કારણે મારે આ નિર્ણય લેવો પડ્યો છે..!!” રૂમમાં સન્નાટો છવાઈ ગયો.

“ઠીક છે, જો તમે આ બાબતમાં વિચાર કરી ને જ મારી સામે આ પ્રસ્તાવ મુકતા હોય તો મારી હા જ છે...!!” ગૌરીના ચહેરાની એક પણ રેખા પર ફરક ના પડ્યો. ગૌરીને એટલો ખ્યાલ હતો કે તેના પિતા કોઇક મુસીબતમાં છે, નહિતર તેના પિતા તેની સામે આવો પ્રસ્તાવ કદી ના મુકે...!! એટલે તેણે વધારે વિચાર્યા વગર હા પાડી દીધી. આ સાથે રુદ્રએ ટીવીને બંધ કરી દીધી.

“તો બોલો મિસ રાઠોડ…!!! કહો આ ક્લિપિંગ પણ ખોટું છે...!! અને જો આ સાચું હોય તો બીજા ક્લિપીંગ પણ સાચા જ છે..!!” રુદ્રએ કટાક્ષ કરતા ગૌરીને પુછ્યું. રુદ્ર ગૌરીની સામે જ જોઇ રહ્યો હતો, પણ ગૌરીના ચહેરા પર ન સમજાય તેવા ભાવો દેખાઈ રહ્યા હતા અને પછી થોડી જ વારમાં ગૌરી ચોધાર આંસુ એ રડી પડી.

“મારા પિતા.... આવું કદી... ના કરે....!!!” ગૌરીથી માંડ માંડ બોલાતું હતું. રુદ્રએ ગૌરીને પાણીનો ગ્લાસ અને ટિસ્યુ પેપર આપ્યા. ગૌરી થોડીવાર પછી માંડ શાંત પડી.

“જુઓ મિસ રાઠોડ, આ જે તમે જોયુ તે બધું જ સાચું હતું અને હું નથી ઇચ્છતો કે તમે આ લોકોની ગંદી રાજરમતમાં ફસાવ...!!!” રુદ્રએ પોતાના ઇરાદો સ્પષ્ટ કર્યો પણ ગૌરીના મગજમાં તો તેના પિતાના અને દિનદયાલના શબ્દો જ ઘુમી રહ્યા હતા.

“મિસ રાઠોડ..!?!” રુદ્રએ ગૌરીનો ખભો હલાવીને બોલાવી ત્યારે ગૌરી સદમામાંથી જાગી.

“હવે મને એટલું કહો કે તમારે મારી મદદની જરૂર છે..??” રુદ્ર મુખ્ય વાત પર આવ્યો પણ ગૌરીને કશું જ સમજાઇ નોહતું રહ્યું.

“તમે મારી શું મદદ કરશો..??” ગૌરી હવે ધીમેધીમે સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહી હતી.

“પહેલા તમારે અહીંથી નિકળવું પડશે...!!! છુંપાઇ ને..!!!” રુદ્રએ ખુબજ સ્વાભાવિક રીતે વાત કરી.

“એ કેવી રીતે થશે?” ગૌરીનું મન તો ન હતું પણ છતાં વાતમાં રસ લઈ રહી હતી. રુદ્રએ પોતાની બેગમાંથી એક પ્લાસ્ટિકની બેગ કાઢી ગૌરીને આપી.

“સવારે પાંચ વાગ્યે તમે રૂમસર્વિસ માટે ફોન કરજો. એક અંગ્રેજ લેડી આવશે અને એના કહેવા પ્રમાણે જો તમે બધું કરશો તો આરામથી એરપોર્ટ પર પહોંચી શકશો અને આ લાસવેગસની ટિકિટ છે, તમે રાખો..!! અને યાદ રાખજો સવારે ખાલી તમારી પાસે પંદર મિનિટ જ હશે અને એ સમયે બહાર કોઇ બોડીગાર્ડસ નહિ હોય...!!” રુદ્રએ શાંતિથી બધું ગૌરીને સમજાવ્યું કે અહીંથી તેને કેવી રીતે નીકળવાનું છે. ગૌરી બધું જ સમજી લીધું પણ હજી તેનું મન ખુબજ ઉદાસ હતું પણ તેને ખબર નહિ કેમ રુદ્ર પર વિશ્વાસ કરવાનું મન થતું હતું. રુદ્ર બધું સમજાવી પોતાની બેગ લઈ બેડરૂમમાં જતો રહ્યો.

ગૌરીને હજી પણ તેના પિતાના શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા. પછી તેને વિચાર આવ્યો કે રુદ્ર ક્યાં ગયો તો તે ચેક કરવા પાછી બેડરૂમમાં ગઈ તો રુદ્રનું ક્યાંય નામોનિશાન ન હતું...!!!