રુદ્ર - એક નવા યુગની શરૂઆત Jignesh Ahir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર - એક નવા યુગની શરૂઆત

પ્રકરણ–3

લગ્ન કે સમજોતો..!!!

૧૦ એપ્રિલ ૨૦૧૫ : જુનાગઢ ખાનગી એરપોર્ટ, સવારના ૧૧:૩૦

રુદ્રનાં જુનાગઢમાં આવેલા પોતાના ખાનગી એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું. ગૌરી અને રુદ્ર બન્ને એકસાથે પ્લેનમાંથી બહાર આવ્યા, સામે ગાડીઓનો કાફલો અને સિક્યોરિટી જોઇને ગૌરી તો દંગ જ થઈ ગઈ. શું રુદ્રનો વૈભવ હતો...!! ત્યાં સામેથી એક અધિકારી જેવો દેખાતો માણસ દોડીને પ્લેન તરફ આવી રહ્યો હતો. તેના માથાના થોડા થોડા સફેદ વાળ તેની ઢળતી યુવાનીની સાક્ષી પૂરી રહ્યા હતાં, પણ તેની સ્ફુર્તિ ગજબની હતી. તેના ચહેરા પર નરમાશ દેખાતી હતી. આછી મુછમાં સોહામણો લાગતો હતો.

“રુદ્ર….!!! મામલો ખુબજ બગડી ગયો છે...!! આપણે બધી વિધિ જલ્દી પતાવવી પડશે...!!!” માથુર સાહેબ ઉતાવળમાં બોલી રહ્યા હતાં. ગૌરીને થોડી નવાઇ લાગી કે સામેવાળો માણસ રુદ્ર સાથે તુંકારે વાત કરી રહ્યો હતો.

“મિસ રાઠોડ...!!!, તમારી પાસે આ છેલ્લો મોકો છે, તમારો વિચાર હજી પણ બદલાયો હોય, તો તમારે જ્યાં જવું હશે ત્યાં હું તમને પહોંચાડી દઈશ પણ જો તમે એક વખત મારી સાથે ચાલવાનું ચાલુ કર્યુ તો જીવનભર તમારે મારો સાથ આપવો પડશે...!! બોલો...!!” રુદ્ર ગૌરી સામે જ જોઇ રહ્યો હતો. ગૌરી અને રુદ્રની આખો એક-મેકને મળી અને ગૌરીને રુદ્ર પર અવિશ્વાસ કરવાનું મન ના થયું.

“અમારે કંઈ કારમાં જવાનું છે..??” ગૌરીએ સીધા માથુર સાહેબને જ પુછ્યું, એટલે રુદ્ર ગૌરીનો જવાબ સમજી ગયો, ત્રણેય પાંચમાં નંબરની કારમાં બેઠા, માથુર સાહેબ આગળની સીટ પર બેઠા જ્યારે રુદ્ર અને ગૌરી પાછળની સીટ પર..! કાફલો એક સાથે શિવમહેલ તરફ નીકળી ચુક્યો હતો.

“તમે તો સવારના આકાશમાં ઉડતા રહ્યા પણ અહીંયા દુનિયા આખી ઉથલપાથલ થઈ ગઈ છે...!!! આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબજ નિંદાને પાત્ર બન્યો છે...!!!” માથુર સાહેબના ચહેરા પર ચિંતા હતી.

“કેમ? એ લોકોને ગૌરીનો પત્ર ના મળ્યો.?” રુદ્રએ સહજતાથી પૂછી લીધું.

“પત્ર...?? મારો ક્યો પત્ર?” ગૌરીથી પુછાય ગયું. રુદ્રએ ગૌરીના સવાલની અવગણના કરી માથુર સામે જોયુ.

“હા, પત્ર તો તરત મળી ચુક્યો હતો, પણ એ લોકોને એવી શંકા છે કે એ પત્ર ખોટો છે...!!” માથુરે સ્પષ્ટતા કરી. રુદ્રએ પોતાના પેન્ટના ખિસ્સામાંથી એક પત્ર કાઢ્યો અને ગૌરીના હાથમાં મુકી દીધો.

“મિસ રાઠોડ, આ એ પત્રની કોપી છે..!!! પ્લીજ, આ ગોખી લેજો...!! પત્રકાર પરિષદમાં તમારે આ જ બોલવાનું થશે...!!” કહી રુદ્રએ પોતાનું ધ્યાન બારી બહાર ઝડપથી સરકી રહેલા વ્રુક્ષોમાં પોરવ્યું અને બરાબર જામેલા તડકામાં પોતાને પોરવી દીધો. ગૌરી લેટર વાંચવામાં મશગુલ થઈ ગઈ.

વ્હાલા પપ્પા,

મને માફ કરજો આવી રીતે કહ્યા વગર હું જઈ રહી છું. હું તમને ઘણા સમયથી કહેવા માંગતી હતી પણ આપણા પરિવારની આબરૂ ખાતર હું કશું બોલી ના શકી પણ હવે હું તેના વગર રહી શકું તેમ નથી. એટલે તેની સાથે લગ્ન કરવા માટે જઈ રહી છું. તમારા આર્શીવાદ લેવા, અમે બન્ને ટુંક સમયમા જ તમારી સામે હાજર થઈશું. મહેરબાની કરીને મારી શોધખોળમાં સમય બગાડશો નહિ.

તમારી દિકરી

ગૌરી રાઠોડ

આ પત્ર વાંચ્યા પછી તો ગૌરીની આંખો પહોળી થઈ ગઈ. એ કાચની બહાર જોઇ રહેલા રુદ્ર સામે એકધારી જોઇ રહી.

“મે હા પાડી એ પહેલા જ, તમે આ પત્ર મારા રૂમમાં મુકી દીધો હતો..?? અને મારી હેંડરાઇટીંગની કોપી કેવી રીતે કરી..? એટલે તમે ગમે તેમ કરીને પણ મારી સાથે લગ્ન કરવાના જ હતા?.” ગૌરીના અવાજમાં આશ્વર્ય અને ગુસ્સો બંન્ને હતાં.

“હું શું કરવા ઇચ્છતો એ મહત્વનું નથી. મેં તમને કોઇ પણ પ્રકારે દબાણ નથી કર્યુ, ઉપરથી મે તમને વિકલ્પ આપ્યા હતા....!!” રુદ્રએ તરત જ જવાબ આપ્યો.

“પણ તમારી આ બધી તૈયારી જોતા તો એવું જ લાગે છે કે મારી પાસે કોઇ વિકલ્પ હતો જ નહિ...!!!” ગૌરીએ તરત દલીલ કરી.

“એ તમારો વહેમ છે. તમે લોકોની સામે તમારા પિતાની સચ્ચાઇ મુકી શકતા હતાં અથવા ખાનગીમાં તેમનો વિરોધ પણ કરી શકતા હતા પણ તમારામાં આ બધા પગલા ભરવાની હિમ્મત નહતી એટલે તમે આ રસ્તો પસંદ કર્યો જેથી હું અને તમારા પિતા સામસામે આવી જઈએ અને તમે તમારા પિતાનો પરોક્ષ રીતે વિરોધ કરી શકો..!!! તો મને દોષી કહેવો એ યોગ્ય નથી...!! અને હજી પણ સમય જતો નથી રહ્યો, તમે આ લગ્નનો પ્રસ્તાવ અસ્વીકાર કરવા હજી પણ સ્વતંત્ર છો..!!” રુદ્રએ ગૌરીની દુખતી નસ પર હાથ મુકી દીધો હતો.

ગૌરી ચુપ થઈ ગઈ. તેનામાં તેના પિતા સામે લડવાની હિમ્મત નહોતી એ વાતનો સ્વીકાર તો એને કરવો જ રહ્યો.

“ભાભી...!!!, માફ કરજો પણ મારા ભાઇ રુદ્રની આ જ ખાસિયત છે કે તે સામેવાળાને એવી પરિસ્થિતીમાં મુકી દે છે કે તેની પાસે ભાઇની વાત માનવા સિવાય બીજો કોઇ રસ્તો જ ના રહે...!!” માથુરસાહેબ ગૌરીને વિચારલીન જોઇ ઉતાવળમાં બોલી ગયા. રુદ્રએ માથુરસાહેબ સામે આંખ કાઢી એટલે તે તરત ચુપ થઈ આગળ જોવા લાગ્યા. ગૌરીએ ત્રાસી આંખે રુદ્ર સામે જોઇ લીધું પણ એ કંઈ બોલી નહિ. જુનાગઢ શહેરને ચીરતો રુદ્રનો કાફલો આગળ વધી રહ્યો હતો.

ગૌરીનું ધ્યાન શહેરમાં પોરવાયું. ગૌરી આ જ શહેરમાં મોટી થઈ હતી. પણ રામાનુજ આચાર્યના પરિવાર સાથે બનેલી ઘટના બાદ ગૌરી આજે 15 વર્ષ પછી જુનાગઢ આવી હતી. ગૌરી જેમ જેમ શહેરને જોતી ગઈ, તેમ જ તે વધારે વિસ્મિત થતી ગઈ.

તે પોતાને પૂછી રહી હતી કે શું આ જ જુનાગઢ છે...!!! એકદમ ચોખ્ખા રસ્તા, ક્યાંય પણ ખોટી જગ્યાએ પાર્કીંગ નહિ, આટલા માણસો હોવા છતાં આરામથી લોકો રસ્તો ક્રોસ કરી રહ્યા હતાં. એક જ્ગ્યાએ તો પોલીસકર્મી પોતાની જીપમાંથી ઉતરી એક ઉમરલાયક વુધ્ધસ્ત્રીને રસ્તો ક્રોસ કરાવી રહ્યો હતો. ત્યાં જ આગળ એક સિગ્નલવાળા ચાર રસ્તા આવ્યા, પણ ત્યાં કોઇ ટ્રાફિકપોલીસ ઉભી ન હતી, પણ બધા વાહનચાલકો સિગ્નલ પ્રમાણે વર્તન કરી રહ્યા હતાં. દરેક સો મીટરે કચરાનો ડબ્બો મુકેલો હતો. આટલી ભીડ અને વાહનો વચ્ચે પણ ઘણી શાંતિનો અહેસાસ થઈ રહ્યો હતો. શું આ ભારતનું જ કોઇ શહેર છે..??

ગૌરીને રુદ્રને આ બાબતમાં ઘણા બધા સવાલ કરવા હતાં પણ ત્યાં રુદ્રનો શિવમહેલ આવી ગયો. તેના દરવાજા જાણે પુરાણા કોઇ રાજમહેલની યાદ તાજી કરાવતા હોય તેવા તોતિંગ હતા. રુદ્રની કારનો કાફલો નજીક પહોંચતાં જ દરવાજા ઓટોમેટીક ખુલી ગયાં. કાફલો અંદર દાખલ થયો. ગૌરી તો બસ આ વૈભવને જોતી જ રહી. આગળના ભાગના મોટા બગીચાને વટાવીને કારનો કાફલો અંદર પહોંચ્યો. બગીચાની આગળની બાજુએ જ મંડપ લાગેલો હતો. આજુબાજુમાં ખુરશીઓ મુકાયેલી હતી અને અમુક મહેમાનો પણ ત્યાં બેઠેલા જ હતા. ગૌરીને એમ લાગ્યું કે એ રુદ્રના અંગત જાણીતા માણસો જ હશે.

ગૌરીનું ધ્યાન એ મહેલ તરફથી હટતું ન હતું. તેને આ જગ્યા ધૂંધળી ધૂંધળી યાદ આવી રહી હતી. આ એ જ જ્ગ્યા હતી જ્યાં રામાનુજ આચાર્યની હવેલી હતી અને એક નાનકડું ગામ પણ હતું. અત્યારે નથી તો એ ગામ દેખાતું કે નથી એ હવેલી દેખાઇ રહી..!! તો શું રુદ્ર ચૌહાણે એ હવેલી અને ગામને હટાવીને આ મહેલ ઉભો કર્યો હશે..!! પણ એ હવેલીની માલિકી તો મારા પિતા પાસે હતી..!! તો શું એમણે જ રુદ્રને આ હવેલી વેચી દીધી હશે..!! પણ એ ગામ..??

“તમે તૈયાર થવામાં થોડી ઉતાવળ રાખજો.... સાડાબાર વાગ્યા છે, સાંજના પાંચ પહેલા લગ્નની વિધિ પતાવવાની છે...!!” કાર ઉભી રહી એટલે રુદ્રએ સુચના આપી અને ગૌરી પોતાના વિચારોની દુનિયામાંથી ઝબકીને બહાર આવી.

“મિસ્ટર ચૌહાણ, શું મારે સાજ સજવો જરૂરી છે...??” ગૌરીથી પુછાઇ ગયું.

“હું તમને વિનંતી કરી શકું, બાકી તમારી મરજી પણ હા એટલું જરૂર કહીશ કે જ્યારે નજીકના ભવિષ્યમાં, તમે મારા પ્રેમમાં પાગલ થશો અને તમને આપણા લગ્ન યાદ આવશે, એ સમયે તમને જ તમારી આડોડાઇ પર ગુસ્સો જરૂર આવશે..!!” રુદ્રએ મજાક કરતાં કહ્યું.

“મને આવી મજાક બિલકુલ પસંદ નથી..!!” ગૌરી ગુસ્સે થતા બોલી.

“હું ભાભીને અંદર લઈ જાવ છું, રુદ્રભાઇ..!!! તમે પણ તૈયાર થઈ જાવ..!!” એક ઠસ્સાદાર સ્ત્રી મહેલ તરફથી દોડતી આવી. ગોળ ચહેરો, કદ નાનું અને શરીર ઉંચાઇ પ્રમાણે જાડું હતું, મોંઘીદાટ સાડી અને ઘરેણાથી લદાયેલી આ સ્ત્રી ઘણી આકર્ષક લાગી રહી હતી. તે ગૌરીના ખભા પર હાથ રાખતા તરત બોલી. ગૌરીને ના પાડવી હતી પણ પછી બધાનું માન રાખવા અને સંકોચના કારણે તે દલીલ કર્યા વગર મહેલ તરફ ચાલવા લાગી.

“અરે..!! ગૌરીબેન ત્યાં નહિ..!! ત્યાં તો તમે કંકુ પગલા કર્યા બાદ જ પગલા મુકી શકશો..!! અહીંયા બહાર ગેસ્ટહાઉસ છે, ત્યાં બધી જ વ્યવસ્થા કરી છે..!!” કહેતી મીનાક્ષી ગેસ્ટહાઉસ તરફ ગૌરીને દોરી ગઈ..!!

“અને તમે શું જોઇ રહ્યા છો..!! રુદ્રભાઇને તૈયાર કરવા લઈ જાવ..!!” મીનાક્ષી પાછળ પોતાના પતિ માથુરસાહેબ તરફ જોતા બોલી..!!

રુદ્ર અને માથુરસાહેબ મહેલમાં દાખલ થયાં. ગૌરીને ખુબજ વિચિત્ર લાગણી થઈ રહી હતી પણ મીનાક્ષીનો ભોળો સ્વભાવ ગૌરીને થોડી રાહત આપી રહ્યો હતો.

ગેસ્ટહાઉસમાં ગૌરી દાખલ થઈ એટલે તરત પંદર-સત્તર છોકરીઓએ ગૌરીને પકડી અંદર ખેંચી ગઈ..!! બધી યુવાન અને ભણેલી લાગી રહી હતી.

“આ બધો ઓફીસ સ્ટાફ જ છે..!! અને રુદ્રભાઇ માટે ખુબજ ખાસ છે..!! આમાંથી ઘણીબધી તો તમારા દયાલ અંકલ પાસેથી જ છોડાવીને બચાવી લવાઇ છે..!! તેમના ઘરવાળાઓ એ તેમનો સ્વીકાર કરવાની ના પાડી એટલે રુદ્રભાઇ પોતાની બહેનોનો દરજ્જો આપી, આ મહેલમાં જ રહેવાની વ્યવસ્થા કરી દીધી..!!” મીનાક્ષી હળવેથી બોલી. ગૌરીને હવે આ બધું જોઇ આશ્વર્ય થતું ન હતું અને અત્યારે ગૌરીને એ છોકરીઓ કરતાં પોતાના લગ્નનું દુખ વધારે હતું.

ગૌરીનો મુંઝાયેલો ચહેરો જોઇ મીનાક્ષી સમજી ગઈ કે ગૌરી કોઇ ઉંડી ચિંતામાં છે.

“તમે બધા બે મિનિટ બહાર જાવ ચલો..!! ફટાફટ..!!” મીનાક્ષી થોડા ઉંચા અવાજમાં બોલી...!! એટલે અડધી જ મિનિટમાં આખો રૂમ ખાલી થઈ ગયો. ગૌરી આશ્વર્યથી મીનાક્ષી સામે જ જોઇ રહી હતી.

“બોલ બહેન, શું તકલીફ છે..??” મીનાક્ષીએ ગૌરીનો હાથ પકડતા પુછ્યું.

“જે દુખની મને જ ખબર નથી, એ દુખ હું તમને કેવી રીતે સમજાવું..!!” ગૌરીના અવાજમાં કોઇ દર્દ છુપાયેલું હોય તે સ્પષ્ટ દેખાતું હતું..!!

“તમારા અને રુદ્રભાઇના લગ્નના કારણે દુખી છો? કે પછી ભાગીને લગ્ન કરી રહ્યા છો એટલા માટે..?” મીનાક્ષીએ તરત સામે સવાલ પુછ્યો.

"કદાચ બન્નેના કારણે..!!”

“તમને શું લાગે છે, કે તમે તમારો ભૂતકાળ ભુલી રુદ્રભાઇને પ્રેમ નહિ કરી શકો..??”

“તમને પણ મારા ભૂતકાળ વિષે ખબર છે...!!” ગૌરીની આંખ પહોળી થઈ ગઈ.

“મને આ મહેલ પહેલા જે હવેલી હતી, તેના ઇતિહાસ વિષે ખબર છે..!!”

“તમે રામાનુજ આચાર્યના પરિવારની વાત કરો છો..??”

“હા..!! અને તેમના પરિવારના અકાળ મ્રુત્યુ બાદ એ હવેલી પર તમારા પિતાનો કબ્જો હતો..!! અને રુદ્રએ એ હવેલી, તમારા પિતા પાસેથી ખરીદી લીધી..!!”

“કારણ..??”

“એ તો મને નથી ખબર..!! પણ આજે તમે જેની સાથે જીવનભર એક નવા જ સંબંધના તાતણે બંધાવાના છો..!! તો તેના વિષે એટલું કહી દઉં કે એ તમને અનહદ પ્રેમ કરે છે..!!”

“તો મને કેમ એ જબરદસ્તી લગ્ન કરવા માટે મજબુર કરે છે..??” ગૌરીએ અકળાઇને ઉભી થઈ અને અરીસા સામે બેસી ગઈ. મીનાક્ષી તેની પાછળ ઉભી રહી ગઈ.

“ગૌરીબેન, હું લગભગ રુદ્રભાઇ ને તેર વર્ષથી ઓળખું છું..! પણ આજ સુધી, તેમના નિર્ણયોના મર્મને સમજવા મારે ખુબજ વિચારવું પડે છે..!! અને હું એટલું વિશ્વાસ સાથે કહી શકું છું કે એ તમારી સાથે કદી ખોટું નહિ કરે, અને ખોટું નહિ થવા દે...!!” ગૌરી મીનાક્ષીની વાત સાંભળતા રુદ્રના વિચારોમાં ખોવાઇ ગઈ.

“ક્યાં ખોવાઇ ગયા, બેન.!!!” મીનાક્ષીએ ગૌરીના ખભાને દબાવતા પુછ્યું.

“કંઇ નહિ..!!” ગૌરી ઉદાસ ચહેરે જ બોલી.

“શું તમારું મન હળવું થયું..?” મીનાક્ષીએ પૂછ્યું.

“છોડો આ બધી વાત..!! મને ફટાફટ તૈયાર કરો લગ્નમાં મોડું ના થવું જોઇએ..!!”

“હું તમને એક વિનંતી કરવા માંગું છું..!! તમે મહેલના તમામ લોકો સામે એમ જ રાખજો કે તમે અને રુદ્રભાઇ એકબીજા પ્રેમમાં છો..!! અહિં કોઇને ખબર નથી કે તમે કોઇ સમજોતાવશ આ લગ્ન માટે તૈયાર થયા છો..!!” ગૌરીએ માથું ઉચું કરી, મીનાક્ષી સામે જોઇ લીધું અને મુક સંમતિ પણ આપી.

***

લગ્નમંડપમાં વધારે માણસો ન હતાં. ધીમે ધીમે મહેલમાં કામ કરતા બધા જ માણસો મંડપ આગળ પાછળ જમા થવા લાગ્યાં હતાં. જોતજોતામાં મંડપ આખો ભરચક થઈ ગયો. બધાએ નવા કપડાં પહેર્યા હતાં. આ બધો તામ-જામ જોતા એ સ્પષ્ટ હતું કે રુદ્રએ આ લગ્નનું પ્લાનિંગ બહુજ પહેલાથી કરેલું હતું. રુદ્ર પણ તૈયાર થઈને નીચે પહોંચી ગયો હતો. રુદ્ર શેરવાની અને સાફામાં, કોઇ રાજાને પણ ઝાંખો પાડી દે તેવો શોભી રહ્યો હતો..!!

પંડિતજીએ કોઇ પણ જાતના વિલંબ વિના લગ્નની વિધિ ચાલુ કરી. જ્યારે ગૌરીના મંડપમાં આવવાનો સમય થયો, એટલે રુદ્રની આંખો તો બસ સામે દેખાતા ગેસ્ટહાઉસ તરફ જ હતી. ત્યાં જ મીનાક્ષી ગૌરીને લઈને બહાર આવતી દેખાઇ..!!

ગૌરી લાલ કલરનાં પાનેતરમાં અદ્દભુત દેખાઇ રહી હતી. જેમ જેમ ગૌરી મંડપની નજીક આવતી જતી હતી, તેમ તેમ રુદ્રના દિલની ધડકનો વધુ ને વધુ તેજ થઈ રહી હતી. ગૌરી મંડપમાં રુદ્રની બિલકુલ નજીક પહોંચી ગઈ..!! રુદ્ર તો બસ જાણે કોઇ સ્વપ્ન જ જોઇ રહ્યો હોય તેમ તેને લાગી રહ્યું હતું. ગૌરી જ્યારે રુદ્રની પાછળ થઈ તેની બાજુમાં મુકેલા પાટલા પર બેઠી, ત્યારે ગૌરીના પાલવનો એક છેડો રુદ્રના માથા પર પડ્યો અને ગૌરીનું ધ્યાન જતા જ તેણે તરત પોતાનો પાલવ ખેંચી લીધો પણ રુદ્રતો જાણે એ પાલવમાં ક્યાંક ખોવાઇ જ ગયો હતો. ગૌરીના પાનેતરથી માંડી તેના એક એક ઘરેણા રુદ્રે પોતે પસંદ કર્યા હતા.

“આજે તમારી સુંદરતાના વખાણ કરવા માટે કોઇ કવિ પાસે શબ્દભંડોળ ખુટે તેમ છે..!! પણ તમારા ચહેરાની આ ઉદાસી આ પુરા માહોલને ગ્રહણ લગાડી રહી છે...!!” રુદ્રએ હળવેથી ગૌરીના કાનમાં કીધું.

ગૌરીને છેલ્લા બે કલાકમાં એ તો ખ્યાલ આવી જ ગયો હતો કે દેશના લોકો રુદ્રને જે રીતે પ્રેમ કરે છે, તે એ પ્રેમને યોગ્ય તો છે જ..!! ગૌરીને એ પણ સમજાઇ ગયું હતું કે રુદ્ર પોતાને પણ અનહદ પ્રેમ કરે છે..!! પણ રુદ્રની પ્રેમ પામવાની આ રીત ગૌરીને બિલકુલ ગમી નહિ.

લગ્નવિધિ ચાલુ થઈ ચુકી હતી. ગૌરીને જુનાગઢ આવી ત્યારથી ન સમજાય તેવાં ભાવો અંદરથી ઉમટી રહ્યા હતાં. રમેશ આચાર્ય ગૌરીની યાદમાંથી હટી જ નોહતો રહ્યો..!! તેની સાથેની વાતો..!! રમેશના નખરાં..!! બધું જ તેને આંખો સામે તરી આવતું હતું. જેમ જેમ તે રમેશની યાદોમાં ખોવાતી ગઈ, તેમ તેને આ જગ્યા અને તેની સાથેનાં સંસ્મરણો પણ તાજા થતા ગયા..!!

ફેરા ફરવાનાં ચાલુ થયા એટલે આગળ ચાલી રહેલા રુદ્રને ગૌરી ધારી ધારીને જોવા લાગી. તેને વિશ્વાસ નહોતો બેસતો પણ છતાં તેને એ મજબુત માંસપેશીવાળા માણસમાં દુબળો પાતળો રમેશ દેખાઇ રહ્યો હતો. ગૌરીને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો કે ક્યાં સીધોસાદો રમેશ અને ક્યાં આ બહુરૂપી માણસ..!! ક્યાંક રમેશે બધાને છેતરવા પ્લાસ્ટિક સર્જરી તો નહિ કરાવી હોય ને..?? ના પણ રમેશમાં આટલી જીગર કે હિંમત નથી..!! તે બિચારો સાધુ માણસ હતો..!! કોઇ તેને મારતું, ત્યારે એ પ્રતિકાર પણ નહોતો કરી શકતો, જ્યારે આ માણસે તો કેન્દ્રીયમંત્રીને તેની સભામાં પીટ્યાના વિડીયો વાઇરલ થયેલા છે..!! હું ખોટી દિશામાં વિચારી રહી છું..!! આ બંન્ને માણસ અલગ છે..!!

ગૌરીને એ પણ ખ્યાલ આવી રહ્યો હતો કે ચોરી ફરતે ફરાઇ રહેલો એક એક ફેરો તેને રુદ્રની નજીક અને રમેશથી દુર લઈ જઈ રહ્યો છે..!! આ વિચારતા જ ગૌરીની આંખમાંથી આંસુઓની ધાર નીકળવા લાગી. લગ્નમાં સામેલ લોકોને તો એવું જ લાગ્યું કે ભાગીને લગ્ન કરી રહ્યા છે એટલે પોતાના પિતાને યાદ કરીને રડવું આવી રહ્યું હશે..!! રુદ્રનું પણ ધ્યાન ગયું એટલે તરત તેણે ગૌરીનો હાથ ખુબજ આત્મીયતાથી પકડી લીધો.

ગૌરી ચોંકીને રુદ્ર સામે જોયું, એ હાથનો સ્પર્શ તેને જાણીતો લાગ્યો. તે ફરીથી રમેશ અને રુદ્ર વચ્ચે ગુંચવાઇ ગઈ અને એ મંથનમા જ લગ્નવિધી ક્યારે પૂરી થઈ ગઈ, તે ગૌરીને પણ ખ્યાલ ના રહ્યો. લગ્નવિધિ પછી ગૌરીના કપાળ પર સિંદુર અને ગળામાં મંગળસુત્રએ સ્થાન લઈ લીધું હતું.

એક દિવસ પહેલા ગૌરી આ રુદ્ર નામના માણસને પહેલી વખત રૂબરૂમાં મળી હતી અને આજે તે ભારતના સૌથી શ્રીમંત માણસની પત્ની બની ચુકી હતી. શિવમહેલની રાણી બની ચુકી હતી. લગ્ન થયા પછી ગૌરીને ગૃહપ્રવેશ કરાવવાનો હતો, એટલે બન્ને મહેલ તરફ ચાલતા થયાં.

રુદ્ર્ના પોતાના અંગત કોઇ સંબંધી ન હતા, અને ગોદ લેનાર અનંતરાય ચૌહાણના નજીકના કુંટુંબીઓ રુદ્ર સાથે સંબંધ નહોતા રાખતા એટલે રુદ્ર તેની સાથે કામ કરતા માણસોને જ, તે પોતાનો પરિવાર ગણતો હતો એટલે રીતેશ માથુરની પત્ની મીનાક્ષીએ જ ગૌરીને ગૃહપ્રવેશ કરાવ્યો. જ્યારે ગૌરીએ પોતાનો જમણો પગ મહેલમાં મુક્યો ત્યારે આતિશબાજીથી આખો મહેલ ઝળહળી ઉઠ્યો. ઉભેલા મહેમાનો તથા મહેલમાં કામ કરતા તમામ લોકોએ ગૌરી અને રુદ્ર પર ફુલોનો વરસાદ વરસાવવાં લાગ્યાં. બન્ને મહેલમાં દાખલ થયા.

એ આલિશાન મહેલની શાન જ કંઈક અલગ હતી. રુદ્રનો ઠાઠ કોઇ રાજા કરતા ઓછો નહતો. બન્ને આગળનાં હોલમાં વિશાળ ઝુમરની નીચે બેઠા. થોડીવારમાં જ બન્ને માટે સરબત હાજર થયું.

“રિવાજ પ્રમાણે હજી અમુક વિધિ બાકી છે..!! પણ અત્યારે પરિસ્થિતી અનુકુળ ન હોવાથી ચાલશે..!!” મીનાક્ષી બોલ્યા વગર ન રહી શકી. માથુરે તરત તેની સામે આંખ કાઢી એટલે તે તરત ચુપ થઈ ગઈ.

“તો મિસિસ ચૌહાણ, જો તમારે ફ્રેશ થવું હોય તો થઈ જાવ, હજી ઘણું કામ કરવાનું બાકી છે...!!” ગૌરીને રુદ્રએ બદલેલા સંબોધનનો ધ્યાનમાં આવ્યા વગર ના રહ્યા.

“મને મિસિસ ચૌહાણ કહેવા માટે તમે કેટલી બધી મહેનત કરી અને કેટલું મોટું રિસ્ક લીધું નહિ..!?!” ગૌરીએ ધીમેથી પોતાના પતિને કટાક્ષમાં જ પૂછ્યું.

“આપણે પહેલા પત્રકાર પરિષદમાં આપણા લગ્નની જાહેરાત કરવાની છે...!!” રુદ્રએ ગૌરીની વાતને અવગણીને સહજતાથી જ જવાબ આપ્યો.

ગૌરીને પત્રકાર પરિષદમાં જવું આકરું તો લાગી રહ્યું હતું પણ એ જરૂરી હતું. ગૌરી અને રુદ્ર પત્રકાર પરિષદમાં જવા નીકળી ગયા. ગાડીઓનો કાફલો રુદ્રની હેડ ઓફિસ તરફ જવા લાગ્યો.

પુરા રસ્તામાં રુદ્ર કે ગૌરી એક શબ્દ પણ નાં બોલ્યા. ઓફિસમાં ફરતો મીડિયાકર્મિઓનો જમાવડો દુરથી જ દેખાઇ રહ્યો હતો. રુદ્રની હેડઓફિસ 40 એકરમાં ફેલાયેલી હતી. મોટા મોટા પણ ખુબજ આકર્ષક બિલ્ડીંગો વચ્ચે એક મોટો બગીચો હતો. રુદ્રની ઓફીસની બિલ્ડીંગોનું સ્ટ્રકચર પૂરી દુનિયામાં વખણાતું હતું.

બગીચામાં જ એક મંચ હતો અને ત્યાં હજારો માણસો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. રુદ્રની કાર મંચની બિલકુલ નજીક જઈને જ ઉભી રહી. મિડીયાકર્મીઓ એક કલાકથી રુદ્રની રાહ જોઇ રહ્યા હતાં. તેમને જે પ્રમાણે જણાવવામાં આવ્યું હતું તે પ્રમાણે આજે તેમને ખુબજ મોટા ન્યુઝ મળવાના હતાં અને બસ તેની જ રાહ જોઇ રહ્યાં હતાં

કોઇને આજના એજેન્ડા વિષે ખબર ન હતી પણ કોઈ મોટો ફુગ્ગો ફુટવાનો હશે તેનો અંદાજ જરૂર હતો. એમાં પણ છેલ્લા દસ-પંદર કલાકથી ગૌરી રાઠોડ ગાયબ હતી. એ સાથે આ લોકો ને બીજા સનસનીખેઝ ન્યુઝ અહીંથી મળી જાય તો ચાંદી જ ચાંદી થઈ જાય.

“કેમ છો..? મારા વ્હાલા મિત્રો..!!” બધાની કુતુહલતા વચ્ચે રુદ્રએ સંબોધન કર્યુ. ગૌરી ત્યાં મંચ આગળ પાર્ક કરેલી કારમાં જ બેઠી હતી. બધા શાંત થઈ રુદ્ર તરફ જોવા લાગ્યા.

“આજનો દિવસ મારા માટે શ્રેષ્ઠ હતો. આજે હું લગ્નના બંધનમાં બંધાઇ ગયો છું.” રુદ્રની આ વાત સાંભળતા જ ખળભળાટ મચી ગયો.

“તમે એ જાણવા આતુર હશો, કે એ કોણ છે...?? તો આ રહી મારી ધર્મપત્ની ગૌરી ચૌહાણ..!!!!” કહી રુદ્રએ હાથ લાંબો કર્યો, ગૌરી તરત કારનો દરવાજો ખોલી બધાના આશ્વર્ય વચ્ચે બનાવટી હાસ્ય બતાવતી રુદ્રની સાથે ઉભી રહી ગઈ. બધા એક સાથે ચિત્ર-વિચિત્ર સવાલો પુછવા લાગ્યા. થોડીજ વારમાં ખુબજ શોર-બકોર થઈ ગયો હતો. રુદ્રએ હાથ ઉચો કરીને બધાને શાંત રહેવા અપીલ કરી. થોડી વારમાં જ કુતુહલતાવશ બધા શાંત થતા રુદ્રએ પોતાની વાત ફરીથી આગળ ચલાવી.

“સૌથી પહેલા હું બ્રિટીશ સરકાર અને ભારત સરકારની માફી માંગવા ઇચ્છું છું..!!! હું કે ગૌરી એવું જરાપણ ઇચ્છતા ન હતા કે અમે આવું કશું પણ કરીએ પણ સંજોગો જ કંઇક એવા ઉભા થયા હતા કે અમારી પાસે ભાગવા સિવાય બીજો કોઇ રસ્તો જ ન હતો. હું અને ગૌરી છેલ્લા એક વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા, પણ મારા અને તેમના પિતા વચ્ચેનાં સંબંધોમાં ખુબજ તણાવ હોવાને કારણે અમારા લગ્ન અમને શક્ય લાગતા ન હતાં. અમે આગળ કંઇ વિચારીએ તે પહેલા રાઠોડ સાહેબે, ગૌરી સામે નિતેષ શર્માના લગ્નનો પ્રસ્તાવ મુકી દીધો હતો અને ગૌરીએ પિતાનું માન રાખવા હા પણ પાડી દીધી...!! અમે બન્ને કિસ્મતનો ઇશારો સમજી એકબીજાથી દુર પણ થઈ ગયા હતા. ત્રણ મહીના સુધી એકબીજા સાથે કોઇપણ સંપર્ક પણ રાખ્યો ન હતો. પણ કદાચ અમારી કિસ્મતને કંઈક અલગ જ મંજુર હતું, જેના કારણે અમે ફરીથી લંડનમા અકસ્માતે ભેગા થયા અને આ વખતે અમે અમારી ભાવના દબાવી ના શક્યાં અને કંઇ પણ વિચાર્યા વગર ભાગીને લગ્ન કરી લીધા. આખરે અમે પણ માણસ છીએ અને અમે સમાજની જુઠ્ઠી માન મર્યાદાને કારણે અમારું જીવન વેડફવા માંગતા ન હતા” આટલું સાંભળતા બધાએ તાળીઓ પાડી રુદ્રની વાતને વધાવી લીધી.

“આ આખી વાતમાં ગૌરીના પિતા બિલકુલ બેખબર હતાં. તેમને અમારા વિશે કોઇ જ ખબર ન હતી. અમે અમારા ડરના કારણે તેમને અમારા સંબંધ વિષે કોઇ જ વાત કરી ન હતી...!! અમે તેમને મોકો જ ના આપ્યો કે તે અમારી વાત સાંભળે..!! એટલે જાહેરમા હું તેમની પાસે માફી માંગું છું અને મને વિશ્વાસ છે તે મને માફ કરી દેશે. આ સાથે હું દેશના લોકોને તથા વિરોધી પોલિટિકલ પાર્ટીઓને અપીલ કરું છું કે આ વાતને વધારે ના ચગાવે, આ અમારા અંગત જીવનને લગતો પ્રશ્ન છે. લોકોમાં ખોટી વાતો અને અફવાઓનો સંચાર ના થાય એટલે જ મે સ્પષ્ટપણે વાત કરવા આ પરિષદનું આયોજન કર્યુ છે. ફરીથી, હું એ તમામ લોકોની માફી માંગુ છું જે અમારા કારણે દુખી અથવા તો હેરાન થયા છે.” રુદ્ર હાથ જોડી નમસ્કાર કર્યા અને ગૌરીને ઇશારો કર્યો કે તેને કંઈ કહેવું હોય તો એટલે ગૌરીએ માઇક હાથમાં પકડ્યુ. એ કંઈ બોલે તે પહેલા જ એનાથી એક ધ્રુસકુ નંખાઈ ગયું.

“પપ્પા મને માફ કરજો, તમને દુખી કરવાનો મારો હેતું કદી ન હતો પણ હું મારી ભાવનાઓને દબાવી ના શકી. પ્લીજ મને માફ કરી દેજો…… પ્લીજ...... મને...... માફ કરી દેજો......” અને ગૌરી જોર જોરથી રડવા લાગી. રુદ્ર એને સંભાળતો મંચથી નીચે ઉતરી સીધો કારમાં બેઠો. કાર શિવમહેલ તરફ દોડવા લાગી. રુદ્રના ખભા પર માથું નાખી ગૌરી બસ રડતી રહી. રુદ્રએ પણ ગૌરીને હળવી થવા દીધી. ગૌરીને રોવું એનું નોહતું આવી રહ્યું કે તેણે આવી રીતે લગ્ન કરી લીધા પણ પોતાની સાથે પિતાએ કરેલા દગાનો પણ એટલો જ ગુસ્સો હતો, જે આંસુ દ્રારા બહાર નીકળી રહ્યો હતો. રમેશ આચાર્યથી આજે તે અલગ થઈ ગઈ તેનું પણ એટલું જ દુખ હતું.

આ બાજુ, દસ જ મિનિટમાં પુરા દેશમાં રુદ્ર અને ગૌરીની લવસ્ટોરી સૌથી મોટી ન્યુઝ બની ગઈ હતી. હાઇ પ્રોફાઇલ પ્રેમ લગ્ન...!!! દરેક ન્યુઝ ચેનલ આ વાતને વધારી ચડાવીને બતાવી રહી હતી, જેથી લોકોને આ મામલામાં થોડો વધારે રસ પડે...!! “શું વડાપ્રધાન આ લગ્નનો સ્વીકાર કરશે.??”, “રુદ્ર ચૌહાણ અને ગૌરી રાઠોડ વચ્ચે કેવી રીતે થયો પ્રેમ? જાણવા માટે જુઓ અમારી ખાસ પેશકશ દિલ વાલે દુલ્હનિયા લે ગયે..!!!.”, “શું આપણા વડાપ્રધાન એક પિતા તરીકે નિષ્ફળ ગયા છે?”, “આ ખબર સાંભળ્યા પછી, આપણા રેલ્વે પ્રધાન નિતેષ શર્માના દિલ પર શું વિતી હશે એ જાણવા અમારા સંવાદદાતા તેમનો સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.” લોકશક્તિ પાર્ટીના પ્રમુખ દિલબાગ સિંહે કંઈ પણ કોમેન્ટ આપવાની ના પાડી છે.” રુદ્ર ચૌહાણ તેમની પત્નીને હનીમૂન માટે ક્યાં લઈ જશે..?? વગેરે વગેરે

પાંચ જ મિનિટમાં આ ન્યુઝ PMO સુધી પહોંચી ગયા અને ત્યાંથી વડાપ્રધાન સુધી...!! એ સમયે શક્તિસિંહ રાઠોડ ઓફિસમાં બેઠા બેઠા ગૌરીનો પતો કેવી રીતે મેળવવો અથવા એ ચિઠ્ઠીનો શું મતલબ હોઈ શકે તે વિચારી રહ્યા હતા. ત્યાં જ તેમના સેક્રેટરી કેતન દેસાઈ દોડતા ઓફિસમાં દાખલ થયા અને કંઈ પણ બોલ્યાં વગર સીધું ટીવી ચાલુ કર્યુ. રાઠોડ સાહેબ કંઈ સમજે તે પહેલા તેમનું ધ્યાન ન્યુઝ પર ગયું. ટીવીમાં આવી રહેલા ન્યુઝ પર વિશ્વાસ ના આવતા, તેમણે ચેનલો બદલવાનુ ચાલુ કર્યુ, પણ બધી જ ન્યુઝ ચેનલ પર ખાલી રુદ્ર અને ગૌરી જ છવાયેલા હતા. રુદ્ર અને ગૌરી એ કહેલી વાત શાંતિથી સાંભળ્યા બાદ શક્તિસિહે જોરથી પોતાના હાથ ટેબલ પર પછાડ્યા. દેસાઇ મદદ કરવા માટે દોડ્યો પણ રાઠોડ સાહેબે આંખ કાઢી તેમને બહાર જવા ઇશારો કર્યો. દેસાઈ ચુપચાપ બહાર જવા લાગ્યો

“સાંભળ દેસાઇ, તને હું કહું નહિ ત્યાં સુધી, ગમે તે મળવા આવે... કોઇને પણ અંદર નહિ આવવા દેતો અને હા..., આ ફોન પર કોઇનો ફોન ટ્રાન્સફર ના થવો જોઇએ..!!! હવે જા....” દેસાઇ માથું નીચે નાખી જતો રહ્યો. રાઠોડ સાહેબ એમની દિકરીને ચાહતા હતા, પણ ત્યાં સુધી જ્યાં સુધી એ તેમની અને તેમની ખુરશીની વચ્ચે ના આવે અને આ વખતે ગૌરીએ હદ વટાવી દીધી હતી. ગૌરીએ ખાલી તેમની વિરુધ્ધ જઈને લગ્ન જ નોતા કર્યા પણ પુરા દેશ સામે તેમના કપડાં ઉતારી લીધા હતા. તેમના ગુસ્સાનો કોઇ પાર ન હતો પણ તેમને ખબર હતી કે આ સમય જોશથી નહિ પણ હોશથી કામ લેવાનો છે.

તેમણે વિચારવાનું ચાલુ કરી દીધું કે એ આ પરિસ્થિતિ માંથી કેવી રીતે નિકળશે....!!! જો હું આ લગ્નનો અસ્વીકાર કરું તો લોકોમાં મારી ખુબજ બદનામી થશે એટલે ગમે તે રીતે મારે આ લગ્નનો સ્વીકાર તો કરવો જ પડશે પણ દિનદયાલ આમાં આડો ફાટશે તો? બસ આમ વિચારતા પ્રધાનમંત્રી પોતાની ઓફિસમાં બેઠા રહ્યા જ્યારે ઓફિસની બહાર દેસાઈ પર આફત આવી ગઈ હતી. મીડિયા, બીજા જાણીતા અધિકારીઓ, નેતા અને કાર્યકરો મળવા આવી રહ્યા હતા, ફોન કરી રહ્યા હતા અને દેસાઈ મહામહેનતે આ બધાને પાછા વળાવી રહ્યો હતો. દેસાઈ પચાસેક વર્ષનો હશે. શરીરની સામાન્ય ઉંચ્ચાઇ અને સામાન્ય દેખાતો આ માણસ શક્તિસિંહનો સૌથી ખાસ માણસ હતો. શક્તિસિંહની સાથે તેમનું કેરીયર ચાલુ થયું ત્યારથી હતો. બન્ને એકબીજાને ત્રીસેક વર્ષથી તો ઓળખતા હશે..!! શક્તિસિંહને દેસાઇ કરતા વધારે વિશ્વાસ પોતાના દિકરા પર પણ ન હતો.

રુદ્રની જાહેરાત પછી બે કલાક પસાર થઈ ચુક્યાં હતા. આ બે કલાકમાં પ્રધાનમંત્રી તો કોઇને મળ્યા ન હતા પણ બે વખત દિનદયાલનો ફોન આવી ચુક્યો હતો અને એક વખત એ પોતે રૂબરૂ ધક્કો ખાઇ ચુક્યાં હતાં પણ દેસાઇએ તેમને શક્તિસિંહ સાથે ન તો ફોન પર વાત કરવા દીધી ન તો મળવા દીધા.

શક્તિસિંહને એક જ પ્રશ્નનો જવાબ નહોતો મળી રહ્યો કે ગૌરી અને રુદ્ર કોઇ દિવસ ભેગા થયા જ નથી તો પ્રેમ કેવી રીતે થયો...??? રુદ્ર જેવો માણસ ભાગીને લગ્ન કરે એ પણ શક્તિસિંહને હજમ થતું ન હતું. આ આખી વાતમાં કંઇક મારા નાક નીચે રંધાઈ ગયું છે અને એની મને ખબર નથી પડી રહી...!!! શક્તિસિહે ઘડિયાળ સામે જોયું સાંજના છ વાગી ગયા હતાં. તેમણે ઇન્ટરકોમ પર દેસાઇને અંદર આવવાની સુચના આપી અને એક જ મિનિટમાં દેસાઇ હાજર થઈ ગયો.

“બોલ દેસાઇ, તારે શું કહેવું છે.” શક્તિસિંહએ કડક અવાજમાં પુછ્યું.

“દુનિયા ગમે તે કહે પણ મને ખબર છે, ગૌરી દિકરી અઠવાડિયા પહેલા લંડન ગયા ત્યાં સુધી એ ચૌહાણને કોઇ દિવસ મળ્યા ન હતાં. આ આખી વાતમાં કોઇ ષડ્યંત્ર છે.” દેસાઇએ પોતાની મનની વાત કહી દીધી.

“તો હવે શું..?” શક્તિસિંહને વાતમાં રસ પડી રહ્યો હતો.

“આપણી પાસે અત્યારે આ લગ્નનો સ્વીકાર કર્યા સિવાય બીજો કોઇ રસ્તો નથી અને આપણે જો એવું નહિ કરીએ તો દેશમાં તમારી બહુ જ બદનામી થશે..!!! રુદ્ર એ બહુ જ સમજી વિચારીને આ પગલું ભરેલું છે...!!!” દેસાઇ માથું નીચે કરીને બોલ્યો.

“તો?” શક્તિસિંહ અકળાયા.

“તમે બેનબા સાથે વાત કરી લો ને એટલે તરત ખબર પડશે, કે આગળ શું કરવું....!!” દેસાઇ એ પોતાનો વિચાર રજુ કર્યો.

“પણ એનો ફોન તો લાસવેગસમાં છે, આપણે રુદ્ર કે પછી રુદ્રનાં મહેલ પર ફોન કરવો પડશે જે મને મંજુર નથી..!!” રાઠોડ સાહેબે સ્પષ્ટતા કરી.

“આપણે હાર્ટઅટેકનું નાટક કરીએ તો..?? તમને હોસ્પિટલમા દાખલ કરી દઈએ તો..? જ્યારે બેનબાને ખબર પડશે કે તરત દોડતા આવશે.!!! અને બીજું બે-ચાર દિવસ મિડીયાવાળાને તમારે કોઇ જવાબ આપવા નહિ પડે..!!” દેસાઇએ બીમાર પડવાના ફાયદા જણાવી દીધા.

“હં આ વિચાર સારો છે, જા ફટાફટ વ્યવસ્થા કર.” પ્રધાનમંત્રીએ તરત સુચના આપી.

જ્યારે બીજી બાજું રુદ્ર અને ગૌરી બન્ને શિવમહેલ પહોંચ્યા. કારની બહાર નીકળી રુદ્રએ માથુરને સુચના આપી દીધી કે કોઇ પણ માણસ તેનો સંપર્ક ના કરી શકવો જોઇએ. રુદ્ર અને ગૌરી મહેલમાં દાખલ થયા.

શિવમહેલ 5 એકરની જમીન પર ફેલાયેલો હતો. મહેલમાં કુલ મળીને 155 કમરા હતાં, જેમાં રુદ્ર સાથે કામ કરતા તેના ખાસ માણસો રહેતા અને આવનાર ખાસ મહેમાનો માટે પણ અહીંયા જ વ્યવસ્થા કરવામા આવતી. જ્યારે પાંચ જ રૂમ કંઇક વધારે ખાસ રીતે બનાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી એ પાંચમાંનો એક જ રૂમ ઉપયોગમાં લેવાતો હતો, જે રૂદ્રનો પોતાનો બેડરૂમ હતો. જ્યારે બીજા ચારની જાળવણી સમયસર થતી રહેતી. રુદ્રનો બેડરૂમ મહેલના વચ્ચેના ભાગમાં હતો જે ભાગમાં મુખ્ય પ્રવેશદ્રાર પણ હતું. મહેલમાં અંદર પહોંચતા જ એક મોટો ગોળ દિવાનખંડ આવતો જ્યાંથી મહેલના અલગ અલગ ભાગમાં જઈ શકાતું અને ત્યાં એકસાથે ઘણા બધા લોકોની બેસવાની વ્યવસ્થા પણ હતી. જ્યારે એ દિવાનખંડની ઉપર એક મોટો ગોળ ગુંબજ હતો. અને એ ગુંબજની આસપાસ જ આ ખાસ બેડરૂમ હતાં જ્યાંથી રુદ્રનો આખો મહેલ, જુનાગઢ શહેર અને ગીરનારની પર્વતમાળા જોઇ શકાતી. રુદ્ર ગૌરીને પોતાના બેડરૂમની બાજુવાળા રૂમમાં જ લઈ ગયો. મોટો આલીશાન બેડરૂમ જેમાં એક નાનો સ્વિમિંગ પુલ પણ હતો. બન્ને બાજુ મોટી ગેલેરી હતી જ્યાં બેઠા બેઠા જુનાગઢની લીલીછમ પર્વતમાળા જોઇ શકાતી અને બીજી બાજુ ધમધમતા જુનાગઢ શહેરને...!! ગૌરીને ત્યાં સોફા પર બેસાડી રુદ્ર પોતે ખુરશી ખેંચીને બાજુમાં બેઠો.

“તમારી આ ઉદાસી, મને સહન નથી થતી...!! રુદ્રએ ખુબજ લાગણી સાથે પુછ્યું, પણ ગૌરીએ કોઇ જ જવાબ ના આપ્યો.

“ઠીક છે, તમે ફ્રેશ થઈ જાવ..!!! પછી આપણે કંઇક આગળ વિચારીએ..!!” રુદ્રએ ખુબજ પ્રેમથી અને આત્મીયતાથી કહ્યું કે ગૌરીને એ વાત અંદર સુધી સ્પર્શી ગઈ. તેને હવે વારંવાર રુદ્રમાં રમેશની ઝલક જ દેખાઇ રહી હતી. ગૌરી દલીલ કર્યા વગર બાથરૂમ તરફ જવા ઉભી થઈ.

પંદર મિનિટ બાદ ગૌરી બહાર આવી, રુદ્ર ત્યાં સોફા પર બેઠો બેઠો જ ક્યાંક ખોવાઇ ગયો હોય તેવું ગૌરીને લાગ્યું. રુદ્ર શું પંદર મિનિટથી પોતાના માટે વિચારી રહ્યો હશે? એવો સવાલ ગૌરીને અંદરથી ઉભો થયો. તે હવે રુદ્રના પ્રેમની માયાઝાળમાં ફસાવા લાગી હતી. ગૌરીને સમજાઇ નહોતું રહ્યું કે તે કેમ રુદ્ર તરફ ચુંબકની જેમ ખેંચાઈ રહી છે..!! તેણે જ્યારે જ્યારે ટીવીમાં કે છાપામાં રુદ્રના ફોટા જોયા ત્યારે તેને રુદ્રને જોતા કંઇક અલગ જ લાગણી જન્મતી..!! ત્રણ વર્ષ પહેલા જયારે રુદ્રને નામ આપનાર અને દત્તક લેનાર અનંતરાય ચૌહાણ મૃત્યુ પામ્યા ત્યારે ગૌરીથી રુદ્રનું દુખ વિચારી રડાઇ ગયું હતું.

“અરે તમે નાહી લીધું..!! ત્યાં કેમ ઉભા છો અહીં આવો..!!!” રુદ્રના અવાજમાં એટલી મીઠાશ હતી કે ગૌરી પોતાને રોકી ના શકી અને ચહેરા પર સ્મિત સાથે તે રુદ્ર પાસે પહોંચી ગઈ..!!

“તમે મારા માટે ડ્રેસનું કલેકશન ખુબજ સારું કર્યુ છે..!!!” ગૌરીએ પોતાના આછા પીળા ચુડીદાર ડ્રેસ તરફ ઇશારો કરતા કહ્યું પણ આ સાંભળતા જ રુદ્ર શરમાઇ ગયો.

“તમે કેટલા સમયથી મને પ્રેમ કરો છો..??” ગૌરી હવે ધીમે ધીમે પોતાના દુખમાંથી બહાર આવી રહી હતી.

“એ તો મને પણ યાદ નથી...!!” રુદ્રથી બોલાઇ ગયું પણ ગૌરી આ વાત સાંભળી ચમકી. તેને હવે ખાતરી થઈ ચુકી હતી કે રુદ્ર તેના પ્રેમમાં ગળાડુબ છે....!!

“તમે રામાનુજ આચર્યને ઓળખો છો..??” ગૌરીએ હિમ્મત કરીને પૂછી જ લીધુ પણ રુદ્ર આ સવાલથી ચોક્યો નહિ.

“હા, આ તેમની જ જમીન હતી..!! જે મે તમારા પિતા પાસેથી ખરીદી હતી..!! તમારા પિતા જ આ પરિવારની સૌથી નજીક હતા, એટલે રામાનુજ આચાર્યના પરિવારના મૃત્યુ બાદ તેમની તમામ સંપતિના માલિક તે જ બની ગયા હતાં.” રુદ્રનો ચહેરો ભાવહીન હતો.

“તમે મારા પિતાની જાસુસી શા માટે કરો છો..??” ગૌરી બીજો સવાલ પણ પૂછી જ લીધો. રુદ્ર જવાબમાં માત્ર હસ્યો અને રૂમમાં આવેલ ટીવી ચાલુ કર્યુ. જેમાં શક્તિસિંહ અને દેસાઇ વચ્ચે થઈ રહેલી વાત ચાલી રહી હતી. ગૌરી ફરીથી શોક થઈ ગઈ કે રુદ્ર PMO ઓફીસ સુધી પણ પહોંચી ગયો....!!!