રુદ્ર - એક નવા યુગની શરૂઆત Jignesh Ahir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર - એક નવા યુગની શરૂઆત

પ્રકરણ–2

મુંઝવણ...!!!

૧૦ એપ્રિલ ૨૦૧૫

સવારના પાંચ વાગ્યા હતા. લંડનના એરપોર્ટ પર રુદ્ર વેઈટીંગ રૂમમાં ગૌરીની રાહ જોઇ રહ્યો હતો, પણ ગૌરીનો કોઇ જ અણસાર દેખાઇ રહ્યો નહોતો. રુદ્રની ફ્લાઇટ ઉપડવાનો સમય થઇ રહ્યો હતો, એ જ સમયે રુદ્રની બાજુની ખાલી બેન્ચ પર ગૌરી આવીને બેસી ગઈ.

“તમારા અંગરક્ષકોએ તમને હેરાન તો નોહતા કર્યા ને?” રુદ્રએ આજુબાજુ જોઇને પુછ્યું. ગૌરીના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ જોઇ શકાતી હતી. તે આવી તો ગઈ હતી પણ તેને રુદ્ર સાથે જવાની કોઇ જ ઇચ્છા ન હતી. ગૌરીએ રુદ્રના પ્રશ્નનો જવાબ ના આપ્યો.

સામાન્ય રીતે ગૌરી સાડી માં જ હોય પણ રુદ્રએ આપેલા કપડાંમાં જીન્સ, ટીશર્ટ અને રંગબેરંગી સ્કાર્ફ હતું સાથે મોટા ગોગલ્સ પણ હતા. ચાઇનીઝ પ્રકારની વાળની વિગ અને લાંબુ વિચિત્ર ખોટું નાક ગૌરીએ લગાવેલુ હતું. આ વેશમાં ગૌરીને ઓળખવી થોડી મુશ્કેલ તો હતી જ.

ગૌરી પાસેથી કોઇ જવાબ ના મળતા રુદ્ર ઉભો થયો અને ગૌરીનો હાથ પકડી ટર્મિનલ તરફ ચાલવા લાગ્યો, જે ટર્મિનલ ભારત જવા માટેનું હતું. રુદ્રએ ગૌરીના હાથમાં એક પાસપોર્ટ હળવેથી મુકી દીધો. ગૌરીએ ખોલીને જોયું તો કોઇ મેધા દિક્ષીતના નામનો પાસપોર્ટ હતો, પણ ફોટો તો પોતાના આ અત્યારના લૂકનો જ હતો. ગૌરી તો રુદ્રની હોંશિયારીથી દંગ જ રહી ગઈ. તેને એ જ સમયે ઘણા બધા સવાલ પુછવા હતા પણ કોઇનું ધ્યાન ના ખેંચાય એ માટે એ ચુપ જ રહી.

બધા સિક્યોરિટી ચેક વટાવી રુદ્ર પોતાના ચાર્ટડ પ્લેન તરફ જવા લાગ્યો. થોડી જ મીનીટોમાં પ્લેન રનવે પર દોડવા લાગ્યું.

“આ બધું શું ચાલી રહ્યું છે..?? મિસ્ટર ચૌહાણ..!!” ગૌરીએ પ્લેન ચાલુ થતાં જ પ્રશ્ન કર્યો.

“તમારા પિતા અને બીજી જાસુસી એજન્સીઓની આંખમાં ધુળ નાખી રહ્યો છું..!” રુદ્ર કોઇપણ હાવભાવ વગર જ બોલ્યો.

“એટલે તમે મારા પ્રશ્નોના જવાબ નહિ આપો..??”

“શું જવાબ જોઇએ છે તમારે..?”

“તમારો આગળનો શું પ્લાન છે..!! અને આમ ભાગી જવાથી તમને કે મને શું ફાયદો થશે..??” ગૌરીની આતુરતા વધતી જતી હતી.

“મિસ રાઠોડ...!!! તમને મારા પર ભરોસો છે કે નહિ..??” રુદ્રએ સામે પ્રશ્ન કર્યો.

“કાલે અચાનક મને કોઇ મારા પિતા અને સસરાના કાળા ભૂતકાળની ઝાંખી બતાવે છે..!! એ માણસ મારા રૂમમાં ક્યાંકથી છુપાઇને આવે છે..!! અને છુપાઇને ક્યાંક જતો પણ રહે છે એનો મને ખ્યાલ પણ નથી આવતો..!! મારા સિક્યોરીટી ગાર્ડસને બે વખત છેતરે છે..!! હોટેલનો સ્ટાફ તેના ઇશારા પર નાચે છે..!! મને લાસવેગસનુ કહી ભારત પાછી લઈ જાય છે..!!! સામાન્ય જનતા માટે જે ભગવાન છે, એ માણસ મારી જાસુસી કરે છે..!!! તો મને કહો મિસ્ટર ચૌહાણ કે આ બધાનો હું શું અર્થ કાઢું અને કેવી રીતે તમારો ભરોસો કરું..???” ગૌરી પણ શાંતિથી અને તર્કબધ્ધ રીતે પોતાના સવાલ પુછવા લાગી.

“શું તમે નિતેષને તમારી સગી આંખે છોકરીઓ સાથે ગેરવર્તણૂક કરતા નથી જોયો..?? તમને પહેલેથી નિતેષના ચાલ-ચલણ પર શક નહોતો..?? તમારા પિતાએ કરેલા તમામ ગોટાળા અને સ્કેમની જાણકારી તમને નહોતી..?? દિનદયાલ ખાદીના કપડાં પાછળ હજારો ખોટા કામો કરે છે તેનો અંદાજો તમને નહોતો..?? તો શા માટે તમે લગ્ન માટે તરત હા પાડી..?? કેમ તમે એ લોકોને દુનિયા સામે ખુલ્લા નથી પાડતા..??” રુદ્ર જવાબ આપવાને બદલે સામે બીજા સવાલ કર્યા.

“હા...!! મિસ્ટર ચૌહાણ..!! તમારી વાત સાચી છે..!! પણ મને ખબર ન હતી કે તે લોકો આટલી નીચ હરકતો કરતાં હશે..!! પણ હા... અમુક સમયે મે જરૂર આંખ આડા કાન તો કર્યા જ હતાં..!! હું મારા પિતાને અનહદ પ્રેમ કરતી હતી અને કદાચ એટલે મને તેમના દોષો દેખાતા ન હતાં...!!!” ગૌરીની આંખમા પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો.

“સાચું કહું તો રમેશના મ્રુત્યુ બાદ સાવ ગાંડી થઈ ગઈ હતી. મારું ગાંડપણ મારી માતાથી સહન ના થયું અને આધાતમાં એ પણ ભગવાનને વહાલી થઈ ગઈ..!! મારા પિતાએ મારું ગાંડપણ સહન કર્યુ અને મને ઉછેરવા લાગ્યા પણ જ્યારે હું આત્મહત્યા કરવાની કોશીશો કરવા લાગી ત્યારે તેમણે મને લંડન ઇલાજ માટે મોકલી દીધી...!!” ગૌરીની આંખ ભીની થઈ ચુકી હતી અને રુદ્ર બસ તેને રોક્યાં વગર સાંભળી રહ્યો હતો.

“ત્રણ વર્ષ લાગ્યા મને એ સદમામાંથી બહાર નીકળતા..!! પછી હું ભારત પાછી ના આવી શકી અને આવું પણ શું કામ..?? હું મારા પિતાના પોલીટીકલ કેરિયરમાં બાધા રૂપ બનવા નહોતી માંગતી..!!! અને જેના કારણે મારા હૃદયના ધબકારા ચાલતા હતા, હવે તે પણ આ દુનિયામાં નહતો રહ્યો..!! એટલે મે અહીંયા જ મારું મન ભણવામાં લગાડ્યું..!!” ગૌરી થોડીવાર રોકાઇ. પ્લેન વાદળોને ચીરતું આગળ વધી રહ્યું હતું.

“અર્થશાસ્ત્ર રમેશને ખુબજ ગમતું...!! એને દેશનો સૌથી મોટો અર્થશાસ્ત્રી બની એવા કોઇ અર્થતંત્રની રચના કરવી હતી કે દેશમાં કોઇ ગરીબ જ ના રહે..!!” ગૌરીના ચહેરા પર સ્મિતની લહેરકી આવી ગઈ. ગૌરી અત્યારે ભૂતકાળમાં ખોવાઇ ચુકી હતી. ખબર નહિ કેમ તે રુદ્ર સામે પોતાનું દિલ ખોલી રહી હતી.

“હું અર્થશાસ્ત્રને ખુબજ નફરત કરતી હતી પણ રમેશની યાદો સાથે જીવવા મે અર્થશાસ્ત્રને વહાલું કરી લીધું. મેં દસ વર્ષ અહીં લંડનમાં જ અભ્યાસ કર્યો અને થોડી નામના પણ મેળવી પણ હવે મારે ભારત પાછું ફરવું હતું..!! દસ વર્ષ બાદ જ્યારે હું રમેશનું અધૂરું સ્વપ્ન પુરું કરવા ભારત પાછી ફરી ત્યારે હું અહીંના રાજકારણથી બિલકુલ અજાણ હતી. મને મારા પિતા અને દિનદયાલ અંકલ ખુબજ સારા લાગતા હતાં..!!” ગૌરીના ચહેરા પર દર્દ સ્પષ્ટ દેખાતું હતું.

“તમે કોઇ પણ દલીલ વગર નિતેષ સાથે લગ્ન કરવા માની કેમ ગયા..??” રુદ્રએ ગૌરીને અટકાવતા પ્રશ્ન કર્યો. ગૌરીએ આંખ જીણી કરી રુદ્ર સામે જોયું.

“પ્લીજ મિસ્ટર ચૌહાણ..!!! આ સવાલની અપેક્ષા મને તમારી પાસેથી તો ન જ હતી..!!” ગૌરી હજી રુદ્રની આંખોમાં જ જોઇ રહી હતી.

“છતાં પણ જો મારે જાણવું હોય તો તમે મને જવાબ નહિ આપો..??”

“અત્યારે મને નથી તમે સમજાઇ રહ્યાં કે નથી તમારી રમત સમજાઇ રહી..!!”

“એવું કેમ...?? હું તો ખુલ્લી કિતાબ જેમ છું...!!”

“પણ એનો શું ફાયદો જો એ કિતાબની લિપી જ સમજમાં ના આવે?”

“તમે નિતેષ સાથે લગ્ન કરવાં શા માટે રાજી થયા..??” રુદ્રએ ફરી વાતને પાટા પર લાવવા એ જ સવાલ કર્યો.

“હું નિતેષ સાથે ક્યારેય પરણવાની જ ન હતી...!! આજે જ હું આત્મહત્યા કરવાની હતી અને મને એ પણ ખબર છે કે તમને આ વાતની જાણ હતી જ અને એટલે જ તમે મને કાલે મળવા આવ્યા હતાં જેથી મારું મગજ બીજી જગ્યાએ વળે અને હું આ પગલું ના ભરું...!!!” ગૌરી ખુબજ ઝડપથી પણ અકળાઇને બોલી ગઈ..!!

“તમે નિતેષ સાથે લગ્ન કરવાં શા માટે રાજી થયા.?” રુદ્રએ ફરી એ જ સવાલ કર્યો.

“તમે સાંભળ્યુ નહિ મે શું કીધું..??” ગૌરી અકળાતા બોલી.

“તમે અત્યારે શું કરવાના હતા તે વાત કરી પણ આ આત્મહત્યા કરવાની નોબત તમે આવવા જ કેમ દીધી..?? શું રમેશ આચાર્ય અત્યારે જીવતા હોત તો તમારા આ પગલાને બરાબર ગણત..??” રુદ્રનો અવાજ તીખો થઈ ગયો.

“હું મજબૂત રહેવાનો ડોળ કરી કરીને થાકી ચુકી હતી.... અને ક્યાં સુધી હું મારી જાતને ખોટા દિલાસા આપતી રહેત..?? મારા માટે રમેશ વગર જીવવું અશક્ય બની ચુક્યું હતું..!! મે ઘણી સફળતા મેળવી હતી પણ રમેશ વગર એ બધું જ નકામું હતું..!! હું બસ આત્મહત્યા કરવાના પ્લાન જ બનાવતી અને એ જ સમયે મારા પિતા મારા માટે આત્મહત્યાનો પુરો સામાન લઈને આવ્યા હતાં તો હું શા માટે પાછળ રહું..??” ગૌરીના ચહેરા પર ન સમજાય તેવા ભાવો હતાં.

“પણ શા માટે આત્મહત્યા..??” રુદ્રએ પણ અકળાતા પૂછ્યું. ગૌરી ચુપ જ રહી..!! રુદ્રના ચહેરા પર ગુસ્સો વધી રહ્યો હતો.

“જેમ તમને રમેશ આચાર્ય વગર જીવવું અશક્ય લાગે છે, તેમ મને પણ તમારા વગર જીવવું અસંભવ જ લાગે છે...!!” રુદ્રથી બોલાઇ ગયું. રુદ્ર ગૌરીની નજરને ટાળવા પોતાની આંખો બંધ કરી ઉંઘનો કોટા પુરો કરવાનો ચાલુ કરી દીધુ. ગૌરી પણ રુદ્રની વાતથી ઘણુંબધું સમજી ચુકી હતી, પણ હવે તેને વાતને ચોળીને ચીકણી કરવાની ઇચ્છા ન હતી એટલે આ બાબતમાં કંઇ બોલવા કે પુછવા કરતા પોતાને સુઈ જવાનું જ યોગ્ય લાગ્યું.

ચાર કલાકની ઉંઘ બાદ ગૌરીની આંખ ખુલી ત્યારે ટેવ પ્રમાણે તેણે પોતાના મોબાઇલ માટે આજુબાજુ જોયું, પછી તેણે પોતાનું પર્સ ફંફોળવાનુ ચાલુ કરી દીધું.

“મિસ્ટર ચૌહાણ, મારો મોબાઇલ ગુમ છે....!!!” ગૌરી ચિંતા સાથે બોલી.

“એ લાસવેગસની ફ્લાઇટમાં મિસ ગૌરી રાઠોડ સાથે સફર કરી રહ્યો હશે...!!!” રુદ્રએ આંખો ખોલ્યા વગર જ જવાબ આપ્યો.

“એટલે?” ગૌરીએ આતુરતાથી પુછ્યું.

“એક ગૌરી શક્તિસિંહ રાઠોડ લાસવેગસની ફ્લાઇટમા પણ જર્ની કરી રહી છે. જેની પાસે તમારો મોબાઇલ છે...!!!” રુદ્રએ જવાબ આપ્યો.

રુદ્ર આંખો ચોળતો ઉભો થયો અને ખુબજ લાપરવાહીથી આળસ મરડી. ગૌરી તો બસ રુદ્રને જોતી જ રહી. પ્લેન ખુબજ આલીશાન હતું. રુદ્રએ પોતાની જરૂરીયાત પ્રમાણે પ્લેનમાં ઘણા ફેરફાર કરાવ્યા હતાં.પ્લેનમાં બધી જ સુવિધાઓ હતી, જાણે તમે પોતાના ઘરમાં જ ના રહેતા હોવ....!!!

ગૌરી સામે જોયા વગર જ રુદ્ર બાથરૂમ તરફ ચાલવા લાગ્યો. ગૌરીને રુદ્ર ઘણો રહસ્યમય માણસ લાગી રહ્યો હતો પણ એ જ સમયે તેની નજર બહાર તરફ ગઈ અને થતા સુર્યોદયને નિહાળવા લાગી.

ગઈકાલે રુદ્રનાં ગયા પછી ગૌરી અડધી રાત્રી સુધી રડતી રહી. રામાનુજ આચાર્યના પરિવાર સાથે ગૌરીને ખુબજ લાગણી હતી. ગૌરી કશું જ જમ્યાં વગર મોડી રાત્રે સુઈ ગઈ હતી. ગૌરીની ઉંઘ સવારમાં ઉડી નહોતી પણ સમય પ્રમાણે એક લેડી તેના બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી. અંતે ઘણો વિચાર કર્યા બાદ, તે રુદ્ર સાથે જવા તૈયાર થઈ ગઈ. હજી ગૌરીનું મન શાંત નહોતું પડ્યું પણ મહામહેનતે પોતાની જાતને સમજાવીને એ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહી હતી.

પંદર મિનિટ પછી રુદ્ર નાહીને બહાર આવ્યો. રુદ્રએ આછા વાદળી કલરનો શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યુ હતું.

“પ્લીજ તમે પણ ફ્રેશ થતા આવો. પૂજા તમને જરૂરી બધી જ વસ્તુની વ્યવસ્થા કરી આપશે.” ત્યાં જ ગૌરીની પાછળ એક સુંદર એરહોસ્ટેસ આવીને ઉભી રહી ગઈ. ગૌરીએ દલીલ કર્યા વગર પૂજા પાછળ ચાલવા લાગી. પૂજા તેને બાથરૂમ સુધી લઈ ગઈ.

“તમારી જરૂરીયાતની બધી વસ્તુ અંદર છે. તમારા માટે બે-ત્રણ સાડીઓ મે પસંદ કરી છે, તમે જેવી પહેરો છો એવી જ..!!“ પૂજાએ સ્મિત સાથે પોતાની વાત પૂરી કરી.

“એટલે તમને એટલો બધો સમય મળી ગયો કે તમે મારા માટે સાડીઓની શોપીંગ કરી શકો?” ગૌરીએ આતુરતાથી પુછ્યું.

“હા.....!, ચૌહાણ સાહેબે મને પંદર દિવસ પહેલા, તમારા માટે સારામાં સારી સાડીઓ પસંદ કરવાનું કીધું હતું.” આ સાંભળીને ગૌરીના ચહેરાની બધી રેખાઓ તંગ થઈ ગઈ. હજી કાલ બપોર સુધી તો તે પોતે રુદ્રને મળી ન હતી, કદી તેની સાથે વાત પણ કરી ન હતી અને રુદ્રને પંદર દિવસ પહેલા ખબર હતી કે હું તેમની સાથે આજે તેમના ચાર્ટડ પ્લેનમાં સફર કરવાની હતી...!! ગૌરી એક પણ શબ્દ બોલ્યા વગર બાથરૂમમાં જતી રહી.

ગૌરી થોડી જ મિનિટોમાં ફ્રેશ થઈને બહાર આવી. તેણે આછા ગુલાબી કલરની સાડી પહેરી હતી અને તેના પર સુંદર ફુલોની ડિઝાઇન હતી. વાળ ભીના હતા અને ગૌરીએ વાળને ખુલ્લા જ રાખ્યા હતાં. કપાળ પર એક નાની બીંદી ચોડી હતી. પ્લેનમાં ધીમું સંગીત વાગી રહ્યું હતું. એ સંગીત જાણે ગૌરીની ખુબસુરતીનું જ વર્ણન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. સવારનો બ્રેકફાસ્ટ પીરસાઈ ચુક્યો હતો. ગૌરી રુદ્રની સામેની બાજુ એ જઈ બેઠી. રુદ્ર તો બસ ગૌરીને જોતો જ રહ્યો અને ગૌરીને પણ ખ્યાલ આવી ગયો કે રુદ્ર તેની સામે કંઇક અલગ જ ભાવથી જોઇ રહ્યો છે..!!! એટલે એ થોડી શરમાઇ અને ખોટી ઉઘરસ ખાઇ પોતાના ગળા પાસે હાથ ફેરવવા લાગી. ગૌરીની ઉધરસે રુદ્રને પણ શરમમાં મુકી દીધો.

પરાઠા અને દહીં સાથે મસાલાવાળી ચા ગૌરીનો સૌથી મનગમતો બ્રેક્ફાસ્ટ હતો અને હવે ગૌરીને એ આશ્વર્ય ના થયું કે રુદ્રને કેવી રીતે ખબર પડી કે તેને શું ભાવે છે....!!

“તમે આજે ખુબજ સુંદર લાગો છો..!!! અત્યારે જ તમારા પ્રેમમાં પડી જવાનું મન થાય છે...!!!” રુદ્રએ પરાઠાનું બટકું મોઢામાં મુકતાં કહ્યું.

ગૌરીને રુદ્રની આવી રીતે વાત કરવાની સ્ટાઇલથી ગુસ્સો તો આવ્યો પણ તેને સમજાયું નહિ કે શું કહેવુ.

“મને વધારે મુંઝવો નહિ. હું આમ પણ ઘણી પરેશાન છું..??” ગૌરીએ વાત બદલવાનો પ્રયત્ન કર્યો.

“સારું, પ્લીજ તમે નાસ્તો કરવાનું ચાલુ કરો, કાલ રાત્રીનું તમે કાંઇ જ નથી ખાધું...!!” ગૌરી આગળ કંઈ બોલે તે પહેલા રુદ્ર બોલ્યો.

“એટલે તમે હોટેલનાં મારા રૂમમાં પણ કેમેરા મુક્યાં હતાં...?? એ હોટેલ પર હું હવે તો કેસ કરીશ જ...!!!” ગૌરીએ થોડા ગુસ્સા સાથે બોલી અને બ્રેકફાસ્ટ ચાલુ કરી દીધો.

“હં…, માફ કરજો પણ જરૂરી હતું. ગુસ્સામાં આવી ને તમે જો આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોત તો મારે બચાવવા તો આવવું પડે ને? અને પ્લીજ હોટેલને બક્ષી દેજો, એ હોટેલનો માલિક હું જ છું..!!!” રુદ્ર એ હસતાં હસતાં જ કહ્યું.

“મને એ કહેશો કે તમારે આટલી બધી જાસુસી કેમ કરવી પડી અને મહત્વની વાત તો એ છે કે તમે પકડાયા કેમ નહિ..? શું ભારતીય સિક્યોરીટી સિસ્ટમ આટલી બધી પાંગળી છે કે વડાપ્રધાન નિવાસમાં સ્પાય કેમેરા લાગેલા હોય અને એ કોઇને ખબર ના પડે..!!” ગૌરીને આ બધા પ્રશ્નો ક્યારના સતાવી રહ્યા હતાં.

“અત્યારે તો હું તમારા એકપણ સવાલનો જવાબ નહિ આપી શકું”

“જુઓ, મિસ્ટર ચૌહાણ, તમે એમ સમજતા હોવ કે આ વિશ્વાસધાત અને દુખમાં મારી બુદ્ધિ નહિ ચાલે તો એ તમારો વહેમ જ છે...!! મને ભલે તમારા ઇરાદાઓની ખબર ના હોય પણ હું એમ સાવ આસાનીથી તમારી જાળમા ફસાઉ તેમ પણ નથી..!!” ગૌરીએ કડક શબ્દોમાં રુદ્રને કહી દીધું.

“હવે તો તું ફસાઇ જ ગઈ છે..!!” રુદ્ર ખુબજ ધીમે ગણગણ્યો.

“શું બોલ્યા...??” ગૌરીને સંભળાયુ નહિ કે રુદ્ર ધીમેથી શું બોલ્યો.

“કંઇ નહિ...!!!” રુદ્રએ વાત ટાળતા કહ્યું.

“તો હવે મને જણાવી દો કે તમારા બધાની આ રાજનીતિની રમતમાં મારે શું ભાગ ભજવવાનો છે..!!!” ગૌરીએ સીધો જ સવાલ કર્યો.

“તમે કોઇ કટપુતળી નથી કે હું તમને તમારી મરજી વિરુદ્ધ નચાવ્યે રાખું...!!! તમે તમારી રીતે ગમે તે કરવા સ્વતંત્ર છો..!!!” રુદ્રએ સ્પષ્ટતા કરી. ગૌરી રુદ્રની વાત સાંભળતા જ હસવા લાગી.

“તમે હજી મને મુર્ખ જ સમજી રહ્યા છો..!! આપણે લંડનથી નીકળ્યા તેને ચાર-પાંચ કલાક થવા આવ્યા હશે અને અત્યારે ભારતની ખુફિયા એજન્સી RAW મને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી હશે. ભારતના વડાપ્રધાનની દીકરી લંડનમાથી અચાનક ગાયબ થઈ છે, તો ઇંગલેંડની MI6 પણ પુરા જોશથી કામે લાગી હશે કારણ કે આ ઇંગલેંડની પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હશે..!! બધી ન્યુઝ ચેનલ પર ખાલી મારા ગાયબ થયાના ન્યુઝ આવી રહ્યા હશે. આજે વિશ્વની સૌથી મહત્વની ખબર હું બની ગઈ હોઇશ કે દિનદહાડે ભારતના વડાપ્રધાનની દીકરી ગાયબ થઈ ગઈ….!!” ગૌરી આવેશમાં પણ પુરા હોશમાં રુદ્રને સંભળાવી રહી હતી.

“અને મિસ્ટર ચૌહાણ, હવે તમે મને એમ કહો છો કે હું ગમે ત્યાં જવા માટે સ્વતંત્ર છું..?? જ્યારે મિડીયા અને લોકો મને સવાલ કરશે કે તમે ક્યાં ગાયબ થઈ ગયા હતાં...?? તો હું શું એમ કહીશ કે જમીનથી ૧૮૦૦૦ ફુટ ઉપર હું મિસ્ટર રુદ્ર ચૌહાણ સાથે દહીને પરાઠા ખાવા ગઈ હતી...??” ગૌરીના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ હતો.

પણ રુદ્ર ગૌરીની વાત સાંભળતા જ રુદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને બીજી સેકંડે ગૌરીને પણ હસવું આવી ગયું.

“આમ પણ તમારી પાસે વધારે વિકલ્પ ન હતાં એટલે મને થયું કે તમને જીવવાનો એક મકસદ આપી દઉં પણ......” રુદ્ર થોડો રોકાયો પણ ગૌરી પૂરી સ્વસ્થતાથી તેની વાત સાંભળી રહી હતી.

“...હવે તમારે દુનિયાથી છુપાઇને રહેવું હોય તો એમ અને તમે દેશની જનતા સામે તમારા પિતા અને થનાર સસરાની પોલ ખોલવા માંગતા હોય તો એમ...!!! તમે કોઇ પણ પગલું ભરવા માટે સ્વતંત્ર છો...!! મિસ રાઠોડ, તમને વિશ્વાસ નહિ આવે પણ દિનદયાલ શર્મા દેશનું સૌથી મોટું હ્યુમન ટ્રાફિકિંગનુ રેકેટ ચલાવે છે, અને તમારા પિતા આડકતરી રીતે તેમાં સહકાર પણ આપે છે..!!! તે રાત્રે હું તે પોલીસ ઇન્સ્પેક્ટરની દીકરીને બચાવવા સફળ તો થયો હતો પણ દરેક વખતે મને આવી સફળતા નથી મળતી...!!! આવા તો કેટલાય હીન ગુનાહો કરે છે જેની તમે કલ્પના પણ ના કરી શકો..!!” રુદ્રના અવાજમાં ગુસ્સા કરતા દર્દ વધારે હતું.

રુદ્રની વાત સાંભળતા જ ગૌરીના મોઢામાં પરાઠાનો કોળીયો એમનો એમ જ રહી ગયો. ગૌરીની આંખોમાં આજે પિતા માટે એટલી નફરત અને ગુસ્સો હતો કે કદાચ આજે જો તેના પિતા તેની સામે ઉભા હોત તો તે તેમના પર બંદૂક ચલાવતા પણ ના ખચકાત.

“હેલો મેડમ...!!!” એક ચપટી વગાડતા રુદ્રએ ફરીથી ગૌરીને વર્તમાનમાં લાવી દીધી પણ ગૌરી કંઈ જ બોલી નહિ. રુદ્રએ ગૌરીનો મુડ ઠીક કરવા ટીવી ચાલુ કર્યુ. ટીવીમાં ન્યુઝ ચેનલ ચાલુ હતી. જેમાં બન્નેનુ ધ્યાન એક સાથે ગયું. રુદ્ર પાસે સેટેલાઇટ ટીવી હતું જેમાં તે કોઇપણ દેશની કોઇપણ ચેનલ ગમે ત્યાં અને ગમે ત્યારે જોઇ શકતો.

“આજ કી સબસે બડી બ્રેકિંગ ન્યુઝ…!!, ગૌરી રાઠોડ પિછલે પાંચ ઘંટે સે ગાયબ હે...!!” ન્યુઝ ચેનલનો એંકર બરાડા પાડી બોલી રહ્યો હતો. રુદ્રએ તરત ચેનલ બદલીને કોઇ ગીતની ચેનલ લગાવી દીધી. ગૌરી તો બસ રુદ્રને જોઇ રહી અને રુદ્રની જીગરનું ખાલી અનુમાન જ કરવા લાગી.

“માફ કરજો, મિસ્ટર ચૌહાણ, તમને નથી લાગતું કે આપણા આ પગલાથી આપણે બન્ને ખુબજ મુશ્કેલીમાં મુકાઈ શકીએ તેમ છીએ અને તમારા નામ અને પ્રતિષ્ઠાને પણ ખુબજ મોટો આંચકો લાગશે...!!” ગૌરી ચિંતાતુર થતા બોલી.

“તમે તો ક્યારનાં મુશ્કેલીમાં મુકાયેલા જ હતા, એમાં આ એક વધારે પણ તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી...!!” રુદ્રએ પોતાના નાસ્તા પર જ ધ્યાન આપ્યું.

“જો તમે બધો પ્લાન બનાવીને જ રાખ્યો છે, તો શા માટે મને વિકલ્પ આપો છો મને કહી જ દો કે મારે શું કરવાનું છે?” ગૌરી અકળાતા બોલી.

“મારી સાથે લગ્ન..!!!” પ્લેનમાં એક મિનિટ માટે શાંતિ છવાઇ ગઈ.

“તો શું તમે આ બધું મારી સાથે લગ્ન કરવા માટે કરેલું...?” ગૌરીએ થોડા ગુસ્સા અને થોડી આતુરતાથી પુછ્યું.

“જો તમને એમ લાગતું હોય તો એમ હશે પણ તમને સ્પષ્ટપણે એક વાત કરી દઉં કે, જ્યાં સુધી તમે આ પ્લેન પર છો, ત્યાં સુધી તમે ચિંતામુક્ત છો, જ્યારે આ પ્લેન ભારતમાં લેન્ડ કરશે એટલે તમારે નિર્ણય લેવો પડશે...!! જો તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર થશો તો તમારી આ બધી તકલીફો, અને રમેશ આચાર્યના બધાં સપના મારા...!!! હું તમને રમેશ આચાર્યના અધુરા સ્વપ્ન પુરા કરવા પુરા મનથી મદદ કરીશ......!!” રુદ્ર ઉભો થયો અને બાજુના સોફા પર જઈ ફરીથી લાંબો થયો અને શાંતિથી ગીત સાંભળતા સાંભળતા આંખ બંધ કરી દીધી.

“મિસ્ટર ચૌહાણ હજી વાત પૂરી નથી થઈ..!! મને જવાબ આપો શા માટે તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો...!!!” ગૌરીથી થોડું જોરથી બોલી પણ રુદ્રએ જવાબ ના આપ્યો.

“મારી સાથે લગ્ન કરીને તમને શું મળશે...??? શું તમે પણ સિંહાસન પાછળ છો...??” ગૌરીએ બીજો સવાલ કર્યો.

“કદાચ એમ હોઈ શકે..!!” રુદ્રએ હસતા હસતા જવાબ આપ્યો.

“જો બધે મારે જ બકરી બની હલાલ થવાનું હોય તો હું મારા પિતાને જ કેમ ફાયદો ના કરાવું..!!” ગૌરી રુદ્રનો પ્લાન જાણવા માંગતી હતી.

“જો તમારે હજી નિતેષ કુમાર સાથે લગ્ન કરવા જ હોય તો હું તમને ક્યાં રોકું છું...!! મે મારી ફરજ પૂરી કરી અને તમને હકીકતની જાણકારી આપી, બસ મારું કામ પૂરું થયું..!!!” રુદ્ર કઠોરતાથી બોલ્યો.

ગૌરી હવે અકળાઇ ગઈ હતી, તેણે ટેબલ પર પડેલું ચાકુ ઉપાડ્યું અને પોતાના હાથ પર મુક્યું.

“મારા માટે આત્મહત્યા જ સૌથી સારો ઉપાય છે...!! હું મરી જ જાઉ એટલે આ બધી રામાયણનો એક સાથે અંત આવે...!! ના રહેશે વાંસ અને નહિ વાગે વાંસળી…!!!” ગૌરી મક્કમતાથી બોલી પણ રુદ્રના ચહેરાની એક પણ રેખા ના ફરકી.

“પુજા આ મેડમનું કામ પતે એટલે તરત બોડી ડિસ્પોઝ કરી દેજે. પ્લેનમાં કોઇ દુખી જીવની લાશ પડી હોય તો એ અપશુકન કહેવાય..!!” આ સાથે ગૌરી અને રુદ્રની વાતો સાંભળી રહેલા ક્રુ મેમ્બર્સ હસી પડ્યા.

ગૌરીએ પ્રયત્ન કર્યો કે ચાકુ પોતાના હાથ પર મારી દે પણ જીગર ના ચાલ્યું એટલે ચાકુ બાજુમાં મુકી દીધું. ગૌરીને એ તો ખ્યાલ આવી ચુક્યો હતો કે રુદ્ર કોઇ મોટો પ્લાન બનાવીને જ બેઠો છે, પણ એ શું હશે તે જાણવુ જરૂરી હતું, એટલે તેણે પહેલા શાંતિથી વિચારવાનું નક્કી કર્યુ. તે ઉભી થઈ બાજુની સીટ પર જઈને લાંબી થઈ. ગૌરી પડખું ફરીને સુતી સુતી બારીની બહાર દેખાતા વાદળોમાં ધ્યાન પરોવી પોતાના વિચારોને વહેવા દીધા.

જો હું નિતેષ સાથે લગ્ન કરીશ તો મારા પિતા નિતેષને મારવામાં સફળ થાય કે નિતેષ મારા પિતાને બધી તરફ અધોગતી તો મારી જ થવાની છે. હું મારા પિતાને તેમના કાળા ઇતિહાસ માટે સવાલ કરીશ અથવા તો ન્યાય માંગવા જઈશ તો મને એ કાં તો જબરદસ્તી પરણાવી દેશે.... અથવા તો મારી નાખશે અને હું આ લોકોને ખુલ્લા પાડવાનો પ્રયત્ન કરીશ તો પણ, મને નથી લાગતું કે આ લોકો આસાનીથી મને સફળ થવા દેશે, અને કદાચ મારામાં મારા પિતા સામે લડવાની હિમ્મત પણ નથી, માટે હું આત્મહત્યા કરી લઉં....?

રુદ્ર મારી સાથે શા માટે લગ્ન કરવા માંગે છે..?? હું રુદ્રને પહેલી વાર મળી છું છતાં તેને મારી બધી પસંદ નાપસંદ વિશે પહેલેથી જ ખબર છે..!! શું એ મને પ્રેમ કરતો હશે..? ના એણે મારા વિશે બધી માહિતી એકઠી કરી હશે..!! તો શું એ પૈસા માટે આ બધું કરતો હશે? ના.. ના.. એની પાસે ક્યાં પૈસાની તાણ છે..?? તો શું એ પણ મારા પિતાની ખુરશી પાછળ છે?? ના તે પોતે કોઇ એક વડાપ્રધાન કરતા ઓછું માન થોડો ધરાવે છે..!!!, તેને લોકનાયક કહેવામાં આવે છે, તો એ શું કામ મારા પિતાની ખુરશી પર નજર નાખે? તો શું કામ? શું કામ ? શું કામ? શું કામ? આમ ને આમ વિચારમાં અકળાઇને અચાનક જ ગૌરી ઉભી થઈ ગઈ.

તે ઉઠીને રુદ્ર પાસે ગઈ. રુદ્ર આંખો બંધ કરી હજી ગીત જ સાંભળી રહ્યો હતો. તેણે આજુબાજુ જોયું કે કંઈ બેસવા જેવું હોય તો, ત્યાં એક એરહોસ્ટેસ સ્ટુલ લઈને ત્યાં પહોંચી ગઈ. આટલી ઉત્તમ સર્વિસ જોઇ ગૌરીને નવાઇ લાગી. તેણે એરહોસ્ટેસનો આભાર માની સ્ટુલ પર બેઠક લીધી.

“ઓકે હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું.” ગૌરીએ ખુબજ ધીમા અવાજમાં કહ્યું. રુદ્ર ગૌરીનો મધુર અવાજ સાંભળતા જ સીટ પર બેઠો થયો.

“શું તમે મને પ્રેમ કરો છો??” ગૌરીએ રુદ્ર કંઇ બોલે તે પહેલા જ પૂછી લીધું.

રુદ્ર શરમાઇ ગયો એટલે ગૌરીના ભાવ તરત ઉંચા થઈ ગયાં

“મારી સાથે લગ્ન કરવા પાછળ આ જ કારણ છે..??” ગૌરીને પોતાના પહેલા પ્રશ્નનો મુંગો જવાબ મળતા તરત જ બીજો સવાલ કર્યો.

“કદાચ....!!” રુદ્ર હજી રહસ્ય પરથી પડદો ઉઠાવવા માંગતો ન હતો.

“જો એવું જ હતું તો તમે સ્પાય કેમેરાનો ઉપયોગ શા માટે કર્યો..? તમે મારા પિતા પાસે આવી શકતા હતા અને મારો હાથ માંગી શકતા હતા..!!! અને મારા પિતા તો ઉલટાનાં ખુશ થાત કારણ કે તમારું નામ મારા પિતાની પાર્ટીને સારો સપોર્ટ આપી શકત અને આજે તમારે મને આમ ભગાડવી પણ ના પડત...!!!” ગૌરીના તર્ક સાંભળતા જ રુદ્રના મોંઢા પર સ્મિત આવી ગયું.

“પણ ન તો તમે મારા પિતા પાસે આવ્યા કે ન મારી પાસે અને જ્યારે આવ્યા ત્યારે તો તમે તોફાન સર્જી નાખ્યું..!! અને તમે આ બધો પ્લાન ઘણા સમયથી બનાવીને રાખ્યો હતો..!! બરાબર ને? એટલે હું એ તો ન માની શકું કે તમે આ બધું માત્ર તમારા પ્રેમને બચાવવા માટે કર્યુ છે..!! તમે મને ગુમરાહ કરી રહ્યા છો..!! શું મકસદ છે તમારો..??” ગૌરીથી છેલ્લુ વાક્ય થોડું જોરથી બોલાઈ ગયું.

“અને બીજી વાત....” રુદ્ર કોઇ જવાબ આપે તે પહેલા જ ગૌરી આગળ બોલવા લાગી

“તમારી પાસે મારા પિતા અને દયાલ અંકલ વિરૂધ્ધ બધા સબુત હતા અને તમારી પાસે પૈસા અને પાવર પણ છે કે તમે બન્નેનો સામનો કરી શકો, તો શા માટે તમે એમને ખુલ્લા નથી પાડતા...?? તમે મારી સાથે લગ્ન કરવા મારા પિતાને પણ બ્લેકમેઇલ કરી શકતા હતાં..!! તો શા માટે મારી પાસે આ પ્રસ્તાવ લઈને આવ્યા..??” ગૌરી હવે સાવ સ્વસ્થ હતી અને પોતાનું મગજ દોડાવવા લાગી હતી.

“મતલબ કે તમારે મારી સાથે લગ્ન નથી કરવા..? રુદ્ર બીજા કોઇ પ્રશ્નોનાં જવાબ આપ્યા વગર સીધો સવાલ કર્યો.

“સર બે કલાકમાં જ આપણે ભારત પહોંચી જઈશું. આગળ શું કરવાનું છે?” પુજાએ બન્નેની વાતમાં દખલ દેતાં પુછ્યું.

“તો, મિસ રાઠોડ તમે નક્કી કરો કે શું કરવાનું છે એટલે પ્લેનને ક્યાં લેન્ડ કરાવવું એ ખબર પડે..!! રુદ્રએ ગૌરી ને પાછો એ જ સવાલ કર્યો.

“કેવા માણસ છો મિસ્ટર ચૌહાણ તમે? તમે મને પહેલા મારા સવાલોના જવાબ આપો...!!!!” ગૌરી હવે ગુસ્સામાં હતી.

“પુજા, આપણે દિલ્હીમાં ઉતરશું અને ત્યાંથી મિસ રાઠોડ માટે એક કારની વ્યવસ્થા કરજો એમને જ્યાં જવું હોય ત્યાં તેમને પહોંચાડી દેજો...!!” કહેતો રુદ્ર વોશરૂમ તરફ જવા લાગ્યો.

ગૌરી માટે હવે એ જીવન-મરણ નો પ્રશ્ન બની ગયો હતો કે રુદ્ર શા માટે તેની સાથે લગ્ન કરવા માંગે છે પણ રુદ્ર જવાબ જ નથી આપવા માંગતો. હવે પોતે જો દિલ્હીમાં ઉતરશે તો તેના પર તો તવાઇ લાગશે, તેને કેટલા બધા સવાલોના જવાબ આપવા પડશે અને તે કોઇ પણ સંજોગોમાં રુદ્ર ફસાય તેવું પણ કરવા નોતી ઇચ્છતી અને રુદ્ર લગ્નની હા સિવાય બીજું કંઈ સાંભળવા તૈયાર જ નહતો.

ત્યાં જ રુદ્ર પાછો પોતાની જ્ગ્યાએ આવ્યો. રુદ્રને જોતા ગૌરીને ગુસ્સો આવી રહ્યો હતો.

“જો તમારે મને આમ અડધેથી જ એકલી મુકવી હતી, તો શા માટે મને અહીં સુધી લાવ્યા? આમેય હું બધાથી દુર જ જવાની હતી..!! તો કેમ મને આવી મુંઝવણમાં મુકી..?” ગૌરીએ ગુસ્સા સાથે પુછ્યું.

“કદાચ તમને ખબર નહિ હોય કે તમે જ્યારે ગુસ્સો કરો છો ત્યારે તમારું નાક લાલ-લાલ થઈ જાય છે અને તમે ખુબજ સુંદર લાગો છો અને હા મે તમારો સાથ અડધેથી નથી મુક્યો. હું તો તમારો સાથ આખી જિંદગી નિભાવવા માંગું છું, પણ તમે જ મને છોડીને જવા માંગો છો..!!!” રુદ્રએ અદા સાથે વાત કરી અને ગૌરીને પાછી શંકા ગઈ કે આ માણસ તેના પ્રેમમાં તો છે જ..!! પણ હવે તેની પાસે વિચારવા માટે વધારે સમય પણ ન હતો.

“ઠીક છે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું.” ગૌરીને બધા કરતા આ જ રસ્તો યોગ્ય લાગ્યો. રુદ્ર એક ક્ષણની પણ રાહ જોયા વગર પુજાને બોલાવતા કહ્યું.

“પ્લેનને સીધું આપણા ખાનગી એરપોર્ટ પર લઈ જાવ અને અમે ત્યાંથી સીધા શિવમહેલ જઈશું અને લગ્ન આજે જ કરવાના છે. લગ્ન પછી તરત જ પત્રકાર પરિષદ ગોઠવવાની છે, તો માથુર સાહેબને કહેજો કે તેની વ્યવસ્થા કરાવે અને હા પ્લીજ જમવાનું કંઈક કરો પછી ક્યારે છેક મેળ પડશે...!!” રુદ્રએ પેટ પર હાથ ફેરવતા કહ્યું. ગૌરી તો બસ આ બધું જોઇ જ રહી હતી.