ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ 2 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ 2

પ્રકરણ ૨ - પ્રમુખ બર્બીકેનનું સંબોધન

પાંચમી ઓક્ટોબરે રાત્રે બરોબર આઠ વાગ્યે ગન ક્લબ તરફ લોકોના ટોળેટોળા ચાલીને જઈ રહ્યા હતા. બાલ્ટીમોર શહેરમાં રહેતા આ ક્લબના તમામ લોકો તો તેમના પ્રમુખના પત્રને માન આપીને આ મીટીંગમાં હાજર રહેવા માંગતા જ હતા પરંતુ જે પત્રવ્યવહાર દ્વારા ક્લબમાં સભ્ય બન્યા હતા તેઓને પણ મીટીંગની નોટીસ કોઈને કોઈ રીતે મળી ગઈ હોવાથી તેઓ પણ આ મીટીંગમાં હાજર રહેવા આવી પહોંચ્યા હતા. આમતો ગન ક્લબનો હોલ ખૂબ મોટો હતો પરંતુ મીટીંગ માટે આવેલા સભ્યોની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે આજુબાજુના રૂમ પણ ભરાઈ ગયા હતા. જેમને રૂમમાં જગ્યા ન મળી તેઓ પેસેજમાં ઉભા રહી ગયા અને જેમને ત્યાં પણ જગ્યા ન મળી તેઓએ ક્લબના મેદાનમાં પોતાનો અડ્ડો જમાવ્યો. હોલની સ્થિતિતો આનાથી પણ વધારે ખરાબ હતી. દરેકને બને તેટલું આગળ બેસવું હતું અને તેઓ ધક્કામુક્કી કરીને આગળ વધી રહ્યા હતા. જે કોઈને પણ ધક્કો વાગતો એ ક્લબના બીજા સભ્યને અપશબ્દ બોલીને આગળ વધતો.

જે મેમ્બર બાલ્ટીમોર શહેરની બહારથી આવ્યો હતો તેને હોલમાં બેસવાનો કોઈજ મોકો મળવાનો ન હતો કારણકે આ હોલમાં માત્ર બાલ્ટીમોર શહેરના નાગરિકો કે પત્રવ્યવહારથી થયેલા એ જ શહેરના લોકોને બેસવાનો અધિકાર હતો. આ ઉપરાંત શહેરના મ્યુનિસિપલ કાઉન્સીલર અને ખાસ વ્યક્તિઓ માટે પણ આ હોલમાં કેટલીક બેઠકો આરક્ષિત રાખવામાં આવી હતી.

ક્લબનો હોલ વિશાલ હોવા ઉપરાંત અદભુત પણ હતો. આ હોલને જો ધ્યાનથી જોવામાં આવે તો એમ જરૂર લાગે કે એક ‘ગન ક્લબ’ને કોઇપણ શબ્દ વાપર્યા વગર જો સમજાવવું હોય તો આ હોલને એક વખત જોઈ લેવાથી જરૂરથી સમજાઈ જાય. અહીંના મોટા મોટા થાંભલાઓ પણ તોપ બનાવવા માટેની ધાતુઓથી બનાવવામાં આવ્યા હતા. યુદ્ધમાં જીતેલા યોદ્ધાઓની યાદગીરી અહીં સજાવીને મૂકી હતી. આ ઉપરાંત આ યોધ્ધાઓને ક્લબ દ્વારા સન્માનિત કર્યા હોય તેમના અવોર્ડસ પણ અહીં જોઈ શકાતા હતા. આટલું જ નહીં પરંતુ અસંખ્ય અને વિવિધ પ્રકારની તોપો, બંદૂકો તેમજ તેમની ગોળીઓ અને અન્ય તોપને લગતો સામાન પણ અહિયાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

હોલના એક અંત પર એક મોટું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું જેના પર અત્યારે પ્રમુખ અને તેમના ચાર સેક્રેટરીઓ બેઠા હતા. આ ચારેયની ખુરશીઓના પાયા પણ બંદૂકના આકારના બનાવવામાં આવ્યા હતા. તેમની સામે પડેલા ટેબલ પરનું કાસ્ટિંગ પણ ગન મેટલથી કરવામાં આવ્યું હતું અને તેના પર તમામ પ્રકારના અસ્ત્રો અને શસ્ત્રો મૂકવામાં આવ્યા હતા. કુદરતી વાતાવરણ પણ ગરમ હતું અને હોલની અંદર પણ હવે ધીરેધીરે ગરમાટો આવી રહ્યો હતો. પ્રમુખ પોતાની આમતેમ ઝૂલી શકે તેવી ખુરશીમાં બેઠા હતા એટલે તેમને કદાચ ગરમીમાંથી રાહત થઇ રહી હતી.

આ પ્લેટફોર્મ ની બરોબર સામે બેન્ચો આડી અવળી રીતે મૂકવામાં આવી હતી જે અત્યારે સંપૂર્ણપણે ભરાઈ ચૂકી હતી. તેના પર બેસેલા અને આખા હોલમાં ચારેય બાજુ ઉભેલા લોકો માટે ક્લબના પ્રમુખ એક અત્યંત સન્માનીય વ્યક્તિ હતા અને તેમને ખબર હતી કે તેઓ પોતાના મેમ્બર્સને કોઈ મોટા કારણ વગર આટલી બધી તકલીફ ઉઠાવવા માટે મજબૂર ન કરે.

ક્લબના પ્રમુખ ઈમ્પી બર્બીકેન લગભગ ચાલીસ વર્ષની ઉંમર ધરાવતા હતા. તેમનો સ્વભાવ અત્યંત શાંત અને ધૈર્યવાળો હતો. તેઓ કાયમ ગંભીર મુખમુદ્રા ધારણ કરતા અને કામ વગર કોઈની પણ સાથે વાત ન કરતા. તેઓ કોઈને પણ આશ્ચર્ય થાય તેટલું ઠંડુ દિમાગ ધરાવતા હતા. તેમને આજ સુધી કોઈએ પણ ગુસ્સે થયેલા જોયા ન હતા. પરંતુ જ્યારે યુદ્ધ કરવાની વાત આવે અથવાતો કોઈ તોપ બનાવવાની વાત અવે ત્યારે તેઓ સાવ અલગ પ્રકારના વ્યક્તિ થઇ જતા. તેઓની વીરતાના ગુણગાન બાલ્ટીમોરનું બચ્ચે બચ્ચું ગાતું. ટૂંકમાં કહીએ કે તેઓ એકદમ યોગ્ય યાન્કીઝમાંથી એક હતા.

બાર્બીકેન લાકડાના વેપારમાંથી ખૂબ કમાયા હતા. યુદ્ધ દરમિયાન તેમને શસ્ત્રાગારના ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે તેમની સેનાને ફાયદો જ કરી આપ્યો હતો. યુદ્ધ દરમિયાન નવા નવા શસ્ત્રોની શોધ તેમની ઓળખ બની ગઈ હતી. કોઈ નવું શસ્ત્ર બનાવવા દરમિયાન તેઓ કોઇપણ નવા વિચારનો અસ્વીકાર કરતા ન હતા જે તેમની ઓળખ બની ગઈ હતી. કોઈ અન્ય વ્યક્તિ પણ નવું શસ્ત્ર ઈજાદ કરતો હોય તો તેમની સલાહ તે જરૂર લેતો અને પોતાની શોધમાં તે સફળ પણ નીવડતો.

બર્બીકેનની ઉંચાઈ મધ્યમ હતી જે ગન ક્લબના અન્ય સભ્યો કરતા એક અલગ ઓળખ ધરાવતી હતી. તેમનો દેખાવ જ એ પ્રકારનો હતો કે તેઓ જાણેકે કોઇપણ સંસ્થાને ચલાવવા માટે જ બન્યા હોય એવું લાગે. બાર્બીકેનની અન્ય લાક્ષણિકતાઓ પર ધ્યાન આપીએ તો તેમનામાં અદભુત ઉર્જા રહેતી અને જેવા સાથે તેવા થવાની તેમની આદત હતી જે તેમની નીડરતા દર્શાવતી હતી.

અત્યારેતો બાર્બીકેન પોતાની ખુરશીમાં ઝૂલી રહ્યા હતા. તેઓ બહારથી શાંત દેખાઈ રહ્યા હતા અને સતત કશુંક વિચારી રહ્યા હતા. બાર્બીકેને એક મોટી ટોપી પહેરી હતી જે કાળા રંગની હતી અને ઉપર જાણેકે એક મોટું સીલીન્ડર ફીટ કર્યું હોય તેવી તેમની આ ટોપી તે સમયના મોટાભાગના અમેરિકનોની ઓળખ બની ગઈ હતી.

જ્યારે ક્લબના હોલની કાળા રંગની ઘડિયાળમાં બરોબર આઠ વાગ્યા બાર્બીકેન પોતાની જગ્યાએથી ઉભા થયા. હોલમાં સર્વત્ર શાંતિ સર્જાઈ ગઈ. પ્રમુખે પોતાના ભારે અવાજમાં નીચે મુજબ બોલવાનું શરુ કર્યું:

“મારા વીર મિત્રો, લાંબા સમય સુધી ચાલેલા શાંતિકાળને કારણે ગન ક્લબના સભ્યો અત્યંત દુઃખદાયક પરિસ્થિતિમાં આવીને બેકારીનો અનુભવ કરી રહ્યા છે. આટલા બધા વર્ષો ચાલેલા યુદ્ધ પછી આપણને બધાને આપણી મહેનત અને વિકાસ તરફ ચાલી રહેલી કૂચને રોકી દેવાની ફરજ પડી છે. મને એમ કહેવામાં જરાપણ સંકોચ નથી થતો કે આપણી પરિસ્થિતિ અત્યારે એવી છે કે આપણને કોઇપણ પ્રકારનું યુદ્ધ આનંદ આપી શકે તેમ છે.” (તાળીઓનો ગડગડાટ) “પરંતુ એ પણ એટલુંજ સાચું છે કે નજીકના ભવિષ્યમાં યુદ્ધની કોઈજ સંભાવનાઓ નથી અને આપણે આપણી તોપોનો અવાજ સાંભળવા માટે ઘણો સમય રાહ જોવી પડશે. હવે એ સમય આવી ગયો છે કે આપણે કોઈ અન્ય રસ્તો પસંદ કરી લેવો જોઈએ, કોઈ એવો રસ્તો જે આપણને બધાને મનગમતો રસ્તો હોય.”

મીટીંગમાં હાજર રહેલા તમામ સભ્યોને લાગ્યું કે પ્રેસિડેન્ટ હવે કોઈ અત્યંત મહત્ત્વના મુદ્દા પર બોલવા જઈ રહ્યા છે અને આથીજ તમામ કાન સરવા કરીને તેમની તરફ ધ્યાનથી જોવા લાગ્યા.

બર્બીકેને પોતાનું ભાષણ આગળ વધાર્યું, “મારા વીર મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓથી હું સતત એવું વિચારી રહ્યો હતો કે આપણે આપણી મજબૂરીને કારણે આપણો વિકાસ અટકાવી દીધો છે અને કદાચ આપણા શસ્ત્રોની નવી શોધખોળ ઓગણીસમી સદી માટે કોઈ ખાસ સારા સમાચાર લઈને ન પણ આવે. આથી મેં એવું વિચાર્યું, એ વિચાર પર કામ કર્યું, તેના પર ગણતરી માંડી અને મારા આ અભ્યાસ પછી હું એવું દ્રઢપણે માનું છું કે આપણે કોઈ એવું સાહસ જરૂરથી કરી શકીએ જે અન્ય દેશોના લોકો વિચારી પણ ન શકે. આ પ્રોજેક્ટ મારા લાંબા વિચાર બાદ નક્કી કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ અંગે જાણકારી આપવા માટે જ મેં તમને બધાને બોલાવ્યા છે. મને એવું લાગે છે કે આ પ્રોજેક્ટ તમારા માટે જ બન્યો છે એટલુંજ નહીં આ પ્રોજેક્ટ પર ગન ક્લબના આપણા સ્વર્ગસ્થ સભ્યો પણ ગર્વ લઇ શકશે અને તેને દુનિયામાં ચર્ચાસ્પદ બનતા કોઈ જ નહીં રોકી શકે.

સમગ્ર મીટીંગમાં હવે ઉત્તેજના છવાઈ ગઈ હતી.

બાર્બીકેને પોતાની ટોપી પોતાના માથા પર બરોબર ફીટ કરી અને આગળ ચલાવ્યું:

“મારા વીર મિત્રો તમારામાંથી કોઇપણ એવું નહીં હોય જેણે ચંદ્ર જોયો ન હોય કે તેના વિષે વાત ન કરી હોય. તમે જરાય આશ્ચર્ય ન પામતા જો હું આજે તમારી સમક્ષ રાતની આ રાણી વિષે કશુંક સાર્વજનિક કરું. કદાચ કુદરતે આપણને ચંદ્રની દુનિયા શોધવા માટે કોલંબસ બનાવ્યા હોય તો નવાઈ નથી. બસ મારા આ પ્લાનમાં જોડાઈ જાઓ અને તમારી સમગ્ર શક્તિ મને આપી દો અને હું તમને ચંદ્ર પર આક્રમણ કરી બતાવીશ અને બાદમાં તે આપણા દેશનું છત્રીસમું રાજ્ય બની જશે.”

“થ્રી ચિયર્સ ફોર ધ મૂન!” આખી સભા એકસાથે બોલી ઉઠી.

“મિત્રો, ચંદ્રનો અભ્યાસ અત્યારસુધી એકદમ ધ્યાનપૂર્વક કરવામાં આવ્યો છે. તેની લંબાઈ, ઉંચાઈ, પહોળાઈ, વજન અને તેનું બંધારણ આ બાબતે બધુંજ નક્કી કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેનું પૃથ્વી પરથી અંતર કેટલું છે અને તે આપણા સૂર્યમંડળમાં ક્યા સ્થિત છે તેના વિષે પણ તમામ માહિતી ઉપલબ્ધ છે. આપણી પાસે ઉપલબ્ધ તમામ શાસ્ત્રો પણ આ તમામ બાબતોની ખરાઈ પણ કરે છે, બસ હવે માત્ર તેની સાથે સીધો સંપર્ક સાધવાનું જ બાકી છે.”

આટલું સાંભળતા જ મીટીંગમાં ચિચિયારીઓ છવાઈ ગઈ અને પ્રમુખની આ વાતને તમામે વધાવી લીધી.

“આ વિષય પર મને થોડું વધારે કહેવાની મંજૂરી આપો. ચંદ્ર વિષે અત્યારસુધી ઘણીબધી કલ્પનાતીત કથાઓ કહેવાઈ ગઈ છે. ડેવિડ ફેબ્રીસીયસ થી શરુ કરીએ તો ત્યારબાદ ચંદ્રની સફર વિષે ફ્રેન્ચમેન જોં બાઉડોઇન, સ્પેનીશ ડોમીન્ગો ગોન્ઝાલેઝ, સાઈરાનો ડી બર્જરેક, આપણા અમેરિકાના સર જ્હોન હર્શેલ અને હવે અત્યંત લોકપ્રિય અમેરિકન લેખક એડગર પો એ ઘણું લખ્યું છે પરંતુ આ બધુંજ કલ્પનાતીત છે.”

“એડગર પો નો જય હો!” મીટીંગમાં ફરીથી સુત્રો પોકારાયા. તમામ પોતાના પ્રમુખના શબ્દોથી ખાસા ઉત્તેજિત હતા.

“અત્યારસુધી જે કશું પણ થયું છે માત્ર પેપર પર જ થયું છે અને સાચું કહું તો ચંદ્ર સાથે સીધો સંપર્ક કરી શકાયો નથી. હા, સાઈબીરીયામાં એક જગ્યાએ જર્મનોને કોઈ એવી વસ્તુ મળી આવી હતી જેનાથી એવું લાગતું હતું કે ચંદ્ર સાથે સીધો સંપર્ક સાધી શકાશે, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ નીવડતા તેઓએ એ પ્રોજેક્ટ અધવચ્ચે જ છોડી દીધો. આનો એક જ મતલબ છે મિત્રો કે ચંદ્ર સાથે સંપર્ક કેળવવા માટે ઈશ્વરે આપણી એટલેકે અમેરિકનોની પસંદગી કરી છે કારણકે આ સમગ્ર વિશ્વમાં આપણા જેવા પ્રતિભાશાળી બીજા કોઈજ નથી. આનો એક જ મતલબ છે કે તે જગ્યાએ પહોંચવું સરળ, ચોક્કસ અને કોઇપણ રીતે નિષ્ફળ ન જાય તેવું રહેશે અને આ જ મારી આજની દરખાસ્તનો મુખ્ય મુદ્દો છે.”

આટલું સાંભળતા જ ચારેતરફથી તાળીઓના ગડગડાટ થવા લાગ્યા અને જેવો આ ગડગડાટ શાંત થવા લાગ્યો બાર્બીકેને પોતાનું ભાષણ આગળ ચલાવ્યું.

“તમને બધાને ખબર જ છે કે શસ્ત્રવિજ્ઞાને છેલ્લા અમુક વર્ષોમાં કેટલી પ્રગતી કરી છે અને આપણા શસ્ત્રોએ કેટલી હદ સુધી સંપૂર્ણતા પામી લીધી છે. તમને બધાને આપણી તોપનું જ્ઞાન છે જ કે એક તોપ પાસે, એક તો ગોળો દૂર સુધી છોડવા માટે પૂરતો ગન પાઉડર જોઈએ અને બીજું તોપ તેનામાંથી ગોળો છૂટે એટલે એનો ધક્કો સહન કરી શકે. બસ! આ જ સિદ્ધાંત ને ધ્યાનમાં લઈને મેં મારી જાતને પૂછ્યું કે શું એવું કોઈ ઉપકરણ ન બનાવી શકાય જેમાં અતિશય મોટો ધક્કો સહન કરવાની શક્તિ હોય? જો એવું શક્ય બને તો ચંદ્ર પર ચડાઈ કરવાનો આપણો પ્રોજેક્ટ જરૂરથી સફળ જશે.

આટલું સાંભળતાની સાથેજ શરૂઆતમાંતો મીટીંગમાં ગણગણાટ શરુ થઇ ગયો અને ત્યારબાદ લોકોએ ઉભા થઈને શોરબકોર ચાલુ કરી દીધો. તમામ લોકો ઉત્સાહિત થઈને પોતાની મુઠ્ઠીઓ પોતાની છાતી સાથે ઠોકી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે અહીં એક મોટી વીજળી આવીને પડી છે અને આ તેનો અવાજ છે. લગભગ દસ મિનીટ સુધી આવું ચાલ્યું. પ્રમુખ પોતાની વાત આગળ વધારવા માંગતા હતા પરંતુ તેઓ તેમ ન કરી શક્યા.

“મને મારી વાત પૂરી કરવાની થોડી શક્તિ આપો મિત્રો.” થોડા સમય બાદ બાર્બીકેન ફરીથી બોલ્યા. “મેં આ પ્રશ્નોના તમામ આયામો પર ભરપૂર વિચાર કર્યો છે અને તેમાં આવી શકતી તમામ મુશ્કેલીઓ ને પણ આક્રમકતાથી ધ્યાનમાં લીધી છે. આ તમામ બાબતો પર બહોળો વિચાર કર્યા બાદ હું એ નિર્ણય પર પહોંચ્યો છું કે આપણને શરૂઆતમાં ચંદ્ર તરફ તાંકીને ૧૨૦૦ યાર્ડ પ્રતિ સેકન્ડની ગતી મળે તેવું કોઈ ઉપકરણ શોધવું પડશે. મને મારા વીર મિત્રો પર સન્માન સાથે વિશ્વાસ છે કે તેઓ મારા આ નાનકડા પ્રયોગમાં મને સાથ આપશે.”