નામ એનું રાજુ - 2 Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નામ એનું રાજુ - 2

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : નામ એનું રાજુ પ્રકરણ – 2

શબ્દો : 1780

સજેસ્ટેડ શ્રેણી : નૉવેલ

નામ એનું રાજુ

પ્રકરણ – 2


નંદ ઘેર આનંદ ભયો !


સરયુનાં મગજ અને જયાબહેનનો પોતાનાં સાસરિયાઓ સાથેનો પિયર કરતાંય બે મુઠ્ઠી વધુ ઊંચેરો પ્રેમ તે એ લોકોનાં બનાવેલાં પ્લાનમાં જ દેખાઈ આવતો હતો. સરયુ બહેન બપોર પડી અને છાનાંમાનાં રાજુને લઈને નીકળી પડ્યાં ધર્મજ આવવા બપોરની સાડા ત્રણ વાગાની વળતી ટ્રેઈનમાં, પણ કોઈને ક્યાં ખબર હતી કે જોવા જેવી તો ખરી હવે થવાની હતી.


સરયુ બહેન ધર્મજ સ્ટેશન આવતાં જ ટ્રેઈનમાંથી ઉતર્યા અને હરખથી રાજુને હાથમાં રમાડતાં રમાડતાં આવતાં હતાં અને ગામના સૌ કોઈની નજર એમની પર પડતી હતી, એવામાં કોઈકે જઈને સરયુ બહેનનાં ભાઈ અને આ રાજુનાં પિતા એટલે કે જ્યંતિભાઈ અને રાજુનાં દાદા શંકરભાઈ પટેલને સરયુ કોકનું છોકરુ રમાડતી રમાડતી સ્ટેશનથી ઘર તરફ ગઈ છે નાં સમાચાર આપે છે, અને આમ પણ પહેલાંનાં જમાનામાં તો સૌ કોઈ પોતાનાં ગામની હર એક વ્યક્તિને ઓળખતુંય ખરું અને એકબીજાની આવી ભાળ હોય તેને પંચાત નહીં પરંતુ સારસંભાળ કહેવાતું, આજનાં જમાનામાં જો કોઈક આવીને આપણને આપણી દીકરીની ભાળ આપી હોય તો આપણે એમ કીધા વગર ન રહીએ કે તમારે શું પંચાત ? અમારી દીકરી જે કરે તે... વગેરે... વગેરે...


જ્યંતિભાઈ અને શંકરભાઈ કદાચ આપણી સરયુ રાછુને લઈને તો નહીં આવી હોય ની હરખની લાગણી તો વળી સાથે સાથે જો રાજુને લઈને આવી હોય તો સાથે જયા તો હોય જ ને તો કેમ નહીં હોય ની ચિંતાનાં મિશ્ર ભાવો સાથે તરત જ ઘરે પહોંચે છે. સરયુને પણ ત્યાં સુધીમાં રાજુને લઈને આવ્યાનો હરખ સૌ કોઈ ઘરમાં કરવા લાગ્યું હતું પણ જયા ક્યાં ? અને એ સાથે કેમ નથી આવી ? અને જીયાણું વાળવાનો કોઈ સંદેશો ભાદરણથી નહોતો આવ્યો છતાં પણ સરયુ કેવી રીતે આમ રાજુને લઈને આવી ગઈ ? શું ત્યાં કોઈ વાતે બોલવાનું થયું ? આવાં અનેકો પ્રશ્નોની ઝડીઓ સરયુ પર ઘરનાં અન્ય સભ્યો દ્વારા વરસવા લાગી હતી. એવામાં જ જ્યંતિભાઈ અને શંકરભાઈ પણ ઘરે આવી પહોંચે છે. પોતાનાં દિકરાને અને પૌત્રને જોયાનો હરખ એક બાજુ નથી સમાતો અને બીજી બાજુ જયા કેમ સાથે નથી નો પ્રશ્ન છે, શંકરભાઈ તરત જ સરયુને સ્હેજ કરડાકીથી પૂછે છે, ' સરયુડી, સાચું કહે તો ? આ રાજુ અહીં તારી સાથે આવ્યો અને જયા તો દેખાતા નથી તે વાત શું છે ? અને જયા વહુ ને તો તેડી લાવવામાં તો સવા બે મહિના જેવું છેટુ છે તો આ રાજુ આપણે ઘેર લવાતો હશે ? વાત શું છે એમ મને પહેલાં કહે.'


સરયુ બહેન જરાક લાડ અને સહેજ બીકની સાથે જવાબ આપે છે, 'તે બાપુ, એક તો તમને બધાંયને રાજુને જોવો હતો અને હું બહાનું કરીને ભાદરણ ગઈ, ભાભીનેય ભણાવી દીધી અને એમનાં પિયરયાંને પટ્ટી પઢાવીને આપણાં રાજુને લઈ આવી તે કોઈ ખુશીથી મારો વાંસો તો થાબડતું નથી ને બધાંને ગુસ્સો જ કરવો છે, એક તો બધાંને ગમતું કરો ને તોય બધાં આપણને નાના જાણીને વઢ્યાં જ કરવાનું હોય કાંઈ લે ?'


હવે જ્યંતિભાઈને આછો પાતળો સરયુના તોફાનનો તાગ મળી જાય છે, અને સાથે એમાં જયાનો પણ સરયુને સપોર્ટ જ હશે તેમ ખ્યાલ આવે છે એટલે બાજી સંભાળી લેતાં તે જરાક વચ્ચે પડે છે, ' ચાલ સરયુ આ રાજુને આપ બા ને અને બાપુજીને, અને મને માંડીને વાત કર, ચાલ આ બાજુ ફળિયામાં બેસીને વાત કરીએ. '


સરયુ બહેન એમનાં ભાઈ સાથે સહેજ સલામતી સમજીને બહાર ફળિયામાં આવતા રહે છે અને પછી એને ભાદરણ જવાની વાત માં જ્યંતિભાઈએ અને શંકરભાઈએ કેવી રીતે ગઈકાલે સરયુને 'હા તે તું જ લઈ આવજે રાજુને...' એવું કહેલ તે યાદ કરાવે છે અને એટલે જ તેઓની પરવાનગીથી જ તો પોતે ભાદરણ જઈ આવી અને એ એટલું ઓછું હોય એમ ભાભીને મનાવીને રાજુને કેવી રીતે લઈ આવી તે આખી વાત કરે છે. જ્યંતિભાઈને પોતાની બહેનની બાલિશતા પર સહેજ હસવું આવી જાય છે પરંતુ હવે ભાદરણ કેવી રીતે જવું અને શું વાતે બધાંને મનાવવા તે વિચારોમાં પોતે લાગી જાય છે. અહીં સરયુબહેનનો તો વારો નીકળી જતાં નીકળી જતાં બચ્યો પણ ભાદરણ જયાબહેનની પરિસ્થિતિ તો એનાથીય વિકટ હતી.


બપોર પૂરી થઈ તોય છોકરાંનો રડવાંનોય અવાજ સુધ્ધાં નથી આવ્યો તે વાતે જયાબહેનનાં ભાઈ પણ પરેશાન છે, ઘરમાં બધાંને કહે કે શું કરે ? તે પહેલાં જયાબહેનને પૂછવાનું જ ઉચિત માને છે, 'બહેન, આ રાજુને ક્યારનો તેં ખોળામાંય લીધો નથી, એનો રડવાનો અવાજ પણ ક્યારનો નથી આવ્યો, અને હજુ ઘોડિયામાં ઊંઘી જ રહ્યો છે તો કાંઈ થયું તો નથી ને ?'


જયાબહેન આપે તો શું જવાબ આપે ? પણ ગમે તેવો તોય ભાઈ, બહેનની વહારે એ જ કામમાં લાગવાનો ને, જયાબહેન સહેજ ઢીલા પડતાં સતિષભાઈને બધી જ વાત જણાવે છે. 'ભાઈ, સાચું કહી દઉં ? આ ઘોડિયામાં રાજુ છે જ નહીં.' 'હેં ઘોડિયામાં રાજુ છે જ નહીં ? તો ક્યાં ગયો ? અને તું આમ શાંતિથી કેમનો બેઠી છે ? તું તો મા છે કે કોણ છે ?'


જયાબહેન વાતને વળાંક આપતાં કહે છે, ' મા તો છું જ ને, એટલે શાંતિથી બેઠી છું, કારણ હું માત્ર રાજુની જ નહીં મારાં સાસરિયામાં મારાથી નાનાં દિયર અને નણંદની ય પણ મા જ છું, સાથે સાથે મારાં ઘરની વહુ છું, મારાં પતિની પરણેતર પણ હું જ છું ને ?'

'અલી બહેન ગાંડી થઈ ગઈ છો ? આ છોકરો તારો ઠેકાણે છે નહીં અને એમાં ને એમાં તારું ચસકી તો નથી ગયું ને ? ઘરનાંની વાતો છોડ અને આજુબાજુથી કોને ઘેર રમાડવા આપ્યો છે કહે, આટલા ત્રણચાર કલાક થયા તોય તારા પેટનું પાણી નથી હલતું ?'


હવે જયાબહેન ઘટસ્ફોટ કરતાં કહે છે; 'પેટનું પાણી એટલે નથી હલતું કારણકે એને કોઈ આજુબાજુ વાળા રમાડવા નથી લઈ ગયા, એને તો એની નાની લાડકી ફોઈ એના બાપે એનાં દાદાને અને એનાં બા ને મળવા લઈ ગઈ છે, ધર્મજ.... અને દીકરો પોતાને ઘેર ગયો હોય તો એમાં પેટનું પાણી હલાવવાની ક્યાં આવશ્યકતા હોય છે ? એમાં તો રાજીપો હોય ને ભાઈ...'

'
પણ આમ આવી રીતે એને એકલો પોતાની નણંદી જોડે મોકલતા તારો જીવ કેમનો ચાલ્યો મારી બહેન, સરયુબહેન તો હજુ નાના ન કહેવાય ?' સતિષભાઈ રાજુ વિશેની પોતાની ચિંતા વ્યક્ત કરતા કહે છે.

જયા બહેન એનો ઉકેલ શોધી લીધો હોય તેમ જણાવે છે : ' ભાઈ એક કામ કરોને.... હવે મને મોકલવાની વ્યવસ્થા કરો.'

'
પણ કેવી રીતે, એમ એ લોકો તેડવા ન આવે અથવા તો તેડવા આવવાનું કહેણ ન કહેવડાવે આપણે કેવી રીતે પહેલ કરાય ? તમે કહો તો હું રાજુને પાછો લઈ આવું... આમ પણ બધાંએ એને જોઈ પણ લીધો હશે અને રમાડી પણ લીધો હશે. કારણ જો તમને મોકલવાની વાત આપણાં પક્ષેથી કરીએ તો ક્યાંક એમને એવું ન લાગે કે તમને રાખવા અમો સક્ષમ નથી અથવા તો અમે અમારી જવાબદારીમાંથી છટકવા માંગીએ છીએ.'

'
સારું તો તમને ઠીક લાગે તેમ ઉકેલ લાવો પણ ભાઈ સાચું કહું ? મનેય મારું ઘર સાંભર્યું છે હોં. અને એટલે જ તો સરયુ બહેનને મેં એમ રાજુને લઈ જવામાં હામી ભણી હતી કે હું ય એની પાછળ પાછળ મારે ઘરે જઈ શકું.'


હવે સતિષભાઈ પણ મૂંજાય છે કારણ બહેનની મીઠી વિરહ વેદના એમનાથી જોવાતી પણ નથી અને છતાં ફરજના ભાર તળે જયા બહેનને એમ પોતાનાં ઘરે લઈ જવા દેવા પણ રાજી નથી થઈ શકતાં. એ વચલો રસ્તો કાઢવા પ્રયત્ન કરે છે... ' એક કામ કરું છું બહેન... હું સાલ જ ધર્મજ જાઉં છું અને પછી જેમ પણ પડશે એવા દેવાશે નો હાલ રાખીશ... જાઉં તો ખરો એકવાર...'


આ બાજુ શંકરભાઈ પણ દિકરા જ્યંતિને સમછાવતા કહે છે કે : ' સરયુ તો નાદાન કહેવાય પણ જયા વહુ એ આવી કેવી પરવાનગી આપી દીધી આમ રાજુને લઈને આવતા રહેવાની ? નક્કી એમને પણ અહીં આવતા રહેવાની ઈચ્છા હશે જ.. નહીંતર આમ માનો જીવ થઈને દીકરો એકલો ન જ મોકલે અને એ પણ આમ નાની સરયુ ને હાથે તો નહીં જ.. એક કામ કર.. તું સામો જા અને જે કરવા યોગ્ય હોય તે કર... પણ હવે દીકરો આપણાં ઘરે આવી ગયો છે તો પછી આપણે એને પાછો પણ ન મોકલાય... એક કામ કરો જયા વહુ ને જ તેડી લાવો..'


જ્યંતિભાઈને તો જાણે ઢળવું હતું ને ઢાળ મળ્યો.. એ ફટાફટ એક ભાઈબંધની સાયકલ લઈ આવે છે અને ભાદરણ જવા નીકળી જાય છે... ટ્રેઈન ની રાહ જોવાય એવા તો સંજોગ જ ક્યાં હતાં... છેક બીજા દિવસે સવારે મેળ પડે... અને પેલી બાજુ સતિષભાઈ પણ સાઈકલ લઈને ધર્મજ બાજુ... જ્યંતિભાઈ અને સતિષભાઈ બંને સાળો બનેવી રસ્તામાં પરસ્પર એક સરખી હાલતમાં સામ સામે અધવચ રસ્તે જ ભેગા થઈ જાય છે. બંન્ને જણની હાલત એક સરખી જ છે... પશ્ન પણ એક અને ઉપાય શું કરવો ની મૂંઝવણ... પણ હા બંને જણનાં હૃદયમાં એક જ વાત છે કે જયા બહેન જીયાણું વળીને આવી જાય... કારણ જ્યંતિભાઈને તો હવે રાજુને પાછા મોકલવાની જ ઈચ્છા નથી અને સતિષભાઈ પોતાની બહેનને આમ સોરવાઈને પિયરમાં રહે તેમ ઈચ્છતા નથી. પણ વાતની શરૂઆત કોણ કરે અને કેવી રીતે કરે... અંતે સતિષભાઈ મૌન તોડતાં કહે છે : ' જીજાજી... માફ કરજો પણ બહેને સરયુ બહેન સાથે શું મસલત કરી અને ક્યારે કરી કંઈ ખબર જ ન પડી અમને, પણ હવે તો બહેન પણ ત્યાં ધર્મજ આવતા રહેવાની જ જીદ્દ માં છે.... અને જીયાણાની પણ કોઈ તૈયારી હજુ તો થઈ નથી... અરે એટલું તો ઠીક પણ હજુ મામા માસી તો ભાણાંભાઈને રમાડવા આવવાનાં પણ બાકી છે... શું કરવું કાંઈ સમજણમાં આવતું નથી.. તમે જ કોઈ ઉપાય બતાવો...'

'
ઉપાય શું બતાવવાનો હોય ? જુઓ અમારો દીકરો તો ઘરે આવી જ ગયો છે... તમારી બહેનને હું તેડી જાઉં અત્યારે એટલે રાજુને ભૂખ્યા પણ ન રહેવું પડે... જીયાણું તો તમ તમારે તમારી અનુકૂળતાએ આવજો... આપણે એ દિવસને ખૂબ ધામધૂમથી ઉજવીશું... રહી વાત વડીલોની તો મને તો બાપુજીએ જ જયાને તેડવા મોકલ્યો છે એટલે બીજા કોઈની હવે કોઈ બીક નથી. એટલે થમે જરાય ચિંતા ન કરશો. ચાલો આપણે સીધાં ભાદરણ જ જઈએ...'


સાળો બનેવી બંન્ને ભાદરણ જાય છે અને જ્યંતિભાઈ સ્હેજ પણ મોડું કર્યા વગર જયા બહેનને ખાલી એટલું જ કહે છે, ' ચાલ જયા ઘેર આવવું છે ને ? '

અને જયા બહેન તો ગદગદ... એમને પોતાનાં પરિવારનાં દરેક સભ્યો પ્રત્યે માન થઈ આવે છે અને ખુશી ખુશી પોતાની બેગ ભરી ને સાઈકલની પાછળ બેસવા જાય ચે ત્યાં એટલાં માં જ સતિષભાઈ પગ રીક્ષા બોલાવી લાવે છે, અને કહે છે કે, ' જીજાજી સાઈકલ હું કોઈકની સાથે મોકલી આપું છું તમે એક કામ કરો આમાં બહેનની સાથે જ તમો ઘેર જવા નિકળો. હું પણ જીયાણાની તારીખ જોવડાવી તમને વહેલી તકે જાણ કરીશ. '
જયાબહેન તો જ્યંતિભાઈની સાથે પગરીક્ષામાં છાણે હમણાં જ પરણ્યાં હોય તેમ નવોઢાની જેમ શરમાતા શરમાતા બેસે છે અને આખા રસ્તે બસ પતિ - પ્રેમમાં નહાતાં નહાતાં વગર બોલ્યે બસ મૌનની ભાષા સાથે જ ધર્મજ પહોંચે છે. હજુ તો ધર્મજ ભાગોળે રીક્ષા પહોંચે છે અને ઘરે સમાચાર પહોંચી જાય છે અને ઘરે સૌ કોઈ જયા બહેનને વધાવવાની થાળી તૈયાર કરે છે. જયા બહેનને બારણાં ની બહાર ઊભા રાખી એમના હાથમાં રાજુને આપે છે અને બંનેનાં કપાળમાં તિલક કરી ચોખાથી વધાવીને ઘરમાં અંદર પ્રવેશ આપવામાં આવે છે.. ફળિયામાં પણ આજુ બાજુનાં ચાર પાંચ ઘરનાં લોકો ભેગા થઈ ગયા છે અને વાહ શંકરદાદા... તમે તો ખરા મોર્ડન વિચારોનાં નીકળ્યા... વહુ ને પણ પોતાની મરજીથી તેડી લાવ્યાં હવે મોઢું તો મીઠું કરાવો ના અવાજો આવવા લાગે છે...... અને એટલાંમાં જ સરયુ બહેન નાચતાં ગાતાં કૂદતા ગાતા આવે છે લ્યો ભાઈ સહુ કોઈ ગોળ ખાઓ.... મોંઢુ મીઠું કરો અમારે તો નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયા લાલકી.... અને આમ જ સઘળે ખુશીનું વાતાવરણ છવાઈ ગયું.... અને સૌ કોઈ જયા બહેનને અને નાનકડા એવાં રાજુને ઘેરી વળ્યાં....


ક્રમશઃ

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888