દીકરી મારી દોસ્ત - 13 Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી મારી દોસ્ત - 13

દીકરી મારી દોસ્ત

  • ..
  • હેપી બર્થડે મમ્મીનો.. વનરાવનમાં... મોરપીંછ સંગાથે... વાગતી વેણુ
  • બેટા, ઝિલ, વ્યક્તિ હાજર ન હોય..અને તેનું નામ મનઝરુખામાં પડઘાયા કરે..તેમ આજે બાવીસ વરસનો..તારા જન્મથી અત્યારસુધીનો સમય મનમાં ઉમટી રહ્યો છે.ચલચિત્રની જેમ અનેક દ્રશ્યો નજર સામેથી સરી રહ્યા છે. “ખડકાય રોજ ગંજ સ્મરણના,અણસાર આગમનનો લાગે છે.! “ કાલે ફોનમાં કેટલીયે વાતો કરી નહીં? અહીં આ ડાયરીના પાનાઓમાં જે વાતો કરું છું..તારી સાથે સફર કરું છું..તેની તો તને હજુ ખબર સુધ્ધાં નથી.અત્યારે તો ખાલી તારા સ્મરણો ઉભરાય છે ..એટલે કાગળ પર ઉતારું છું..બની શકે કયારેક એ તને આપું.આમે ય આપણા ઘરમાં બધાને એકબીજાને સરપ્રાઇઝ્ આપવા ની ટેવ છે ને ? એટલે કયારેક..બની શકે કોઇ જન્મદિવસે આ ડાયરી સાત સાગર પાર કરી ભેટ તરીકે તારી પાસે આવી પહોંચી તને સરપ્રાઇઝ આપે.અને ત્યારે તારા ચહેરા પર કેવા ભાવ હશે..એ હું આજે અહીં બેઠા યે કલ્પી શકું છું.અને એ ખુશી આ ક્ષણે માણી રહું છું. અને ત્યારે કદાચ આવું કંઇક ગાઇ ઉઠીશ....

    “ પવન રે, લઇ જા..મારો પ્રેમ, સાત સાગર પાર, વિશ્વ અખિલે વેરતો જાજે, ઢોળજે ફાવે તેમ “

    જન્મદિવસ.... એ સાથે એક મધુર યાદ મનને તરોતાજા બનાવી રહે છે. તે રાત્રે..તું અને મીત..છાનામાના કંઇક ઘૂસપુસ કરી રહ્યા હતા. કેમકે બીજે દિવસે મારો બર્થ ડે હતો. તમે બંને ત્રીજા, ચોથા ધોરણમાં ભણતા હતા. અને તમારે તૈયારી કરવી હતી..મારા બર્થ ડે ની. અને તેથી અમારા સૂઇ જવાની રાહ જોતા હતા. પણ અમે હજુ સૂતા નહોતા. અચાનક મને ટયુબ લાઇ ટ થઇ. તેથી અમે ખોટાખોટા .. અમારા રૂમની લાઇટ બંધ કરી ઘસઘસાટ (!) સૂઇ ગયા..!!

    અને શરૂ થઇ તમારી રાત્રિ ચર્યા.!! તમે બંને એ કંઇક ચિત્રો દોરેલ..કાર્ડ બનાવેલ..ઘરમાંથી ખાંખાખોળા કરી ડેકોરેશનની કેટલીયે વસ્તુઓ ભેગી કરી રાખેલ. તે તમારી રીતે બધે ચોંટાડવા માંડયા. તું લગાવતી જતી હતી. અને મીત એમાં લખતો જતો હતો. સવારે ઉઠી ને સૌથી પહેલા હું બ્રશ કરવા જાઉં..તેથી તમે સૌ પહેલા વોશ બેઝિન પર..કાગળ ચોંટાડયો ..કંઇક દોરી ને સરસ લખીને. અને એમ ગણતરી કરી..બધી જગ્યાએ બધું શણગાર્યું ને લખ્યું. મોડી રાત સુધી તમારી ભાઇ બહેનની મીઠી નોક્ઝોક ચાલતી રહી. મને થતું..કહી દઉં...કે બસ બેટા, હવે સૂઇ જાવ..પણ તો તમને ખબર પડી જાય, અને તમારો ઉત્સાહ ઓછો થઇ જાય. એટલે ચૂપચાપ સૂતા રહ્યા. (જોકે એક એકરાર આજે જાહેરમાં કરી લઉ ? તે રાત્રે મારાથી રહેવાયું નહોતું..એટલે તમારા બંને ના સૂઇ ગયા પછી છાનીમાની ઉઠીને જોઇ લીધું હતું કે તમે શું શું કર્યું છે? અને હું છલકાઇ ગઇ હતી..એ લખવાની જરૂર ખરી ? અને સવારે અજાણી થઇ ને ફરી એક વાર તમે બતાવ્યું ત્યારે જોયું. ચીટીંગ ને ? સોરી...આજે વરસો પછી.) અને સવારે..તમે બંને “ મમ્મા..આજે શું છે ? ” મારા જ વાકયો..જે હું હમેશા તમારા બર્થડે પર બોલતી...તે મને પૂછી રહ્યા. ” શું છે ? મને તો કંઇ યાદ નથી. ” (તમારી જેમ મારો ” હેપી બર્થડે છે...!!! “ એમ ન કહ્યું મેં)

    મીત ઉતાવળો રહ્યો..એટલે જલ્દી હરખાઇને બોલી દેવા જતો હતો ત્યાં તું બોલી ઉઠી..’ કંઇ નથી..અમે તો ખાલી પૂછતા હતા. જા તારે લેઇટ થશે..બ્રશ કરી લે જલ્દી. ‘ અને એમ કહી મને બેઝિન તરફ ધકેલી. હું અજાણ બની બ્રશ કરવા ગઇ...અને..અને ત્યાં તમે બંને મારી પાછળ આવ્યા.અને હું.... હું છલકાઇ ગઇ..ઢોળાઇ ગઇ. ઉભરાઇ ગઇ..!! પાંખોનો ખળભળાટ અને ટહુકાઓનો ઝળહળાટ..! ભીનાશથી યે વધુ ભીની મારી આંખો અને હૈયુ.!!

    શું બોલુ ? શું લખું ? મારા છોકરાઓએ આટલી મહેનત કરી કેટકેટલું લખ્યું હતું..એની સૂઝ પ્રમાણે..મમ્મી માટે...જે ભાવના એ કાલાઘેલા શબ્દોમાં વ્યક્ત થઇ હતી તે કોઇ મસમોટા શબ્દો માં ન થઇ શકે. મારી આંખોનું છલકવું સ્વાભાવિક નથી ? આનાથી મોટી ગીફટ એક મા માટે બીજી કઇ હોઇ શકે ? તમે ત્રણે પાછળ ઉભા ઉભા તાળી પાડતા હતા. અને “હેપી બર્થ ડેનું ગીત ગાતા હતા. અને પછી તો તમે આખા ઘરમાં..બધા રૂમમાં જે જે કર્યું હતું..તે હોંશથી બતાવતા જતા હતા. અને વર્ણન કરતા જતા હતા.

    સાંજે પપ્પા સાથે જઇને તમે ઘણું લાવ્યા મારા માટે..પણ સવારની એ અણમોલ ભેટની તોલે બીજું કંઇ આવી શકે તેમ કયાં હતું ? મારા બર્થ ડે ને તે દિવસે તમે બંને ખરા અર્થમાં “ હેપી ” બનાવી દીધો હતો.! “ એક ભીની યાદ આવે, ને પછી વરસાદ આવે, ફૂલ જેવી લાગણીના, મહેક જેવા સાદ આવે. ”

    પ્રત્યેક મા બાપ..પોતાના બાળકનો જન્મદિવસ પોતપોતાની રીતે ઉજવતા જ હોય છે. અને બાળકની ખુશી માટે શકય બધું કરી છૂટતા હોય છે. કોઇ અપેક્ષા વિના સહજતાથી. પણ બાળક જ્યારે કોઇ નાની વસ્તુ પણ મા બાપ માટે કરે છે ત્યારે તેમની આંખો ભીની થયા સિવાય રહી શકે ખરી ? તે દિવસે મારી ખુશી જોઇ ને તમે કેવા છલકયા અને મલકયા હતા.!! જન્મદિવસની ઉજવણી બધા પોતપોતાની રીતે કરતા હોય છે. શ્રીલતા આંટી ની વાત આજે યાદ આવે છે. તેમનો પુત્ર સાત વરસનો હતો. તેના જન્મદિવસે તેઓ પુત્રને લઇને કેન્સર હોસ્પીટલમાં જાય. ત્યાં દરેક બાળકને કંઇ ને કંઇ ગીફટ આપે. તેમની સાથે વાતો કરે, ગીતો ગાય, રમતો રમે. ઘેરથી બધી તૈયારી કરી ને જ જાય. આખો દિવસ બાળકો સાથે ગાળે. અને એમના ચહેરા પર જે ખુશી છલકે તે જોઇને પોતાના જન્મદિવસની ઉજવણી ને સાર્થક બનાવે.

    દરેક જન્મદિવસે તેમનો અલગ જ કાર્યક્રમ હોય. કયારેક ઝૂપડપટ્ટીમાં જાય. કે કયારેક કોઇ અનાથાશ્રમમાં જાય ત્યાં નાના, ગરીબ છોકરાઓ માટે તેમને ઉપયોગી વસ્તુઓ લઇ જાય. પ્રેમથી બધા ને આપે..તેમને રમતો રમાડે...અને તેમના જીવનમાં બે ચાર ખુશીની પળો ભરી આપ્યાનો માનસિક સંતોષ મેળવે. આપ્યાનો કોઇ ભાર નહીં..બલ્કે પોતે કંઇક મેળવ્યાની ખુશી તેમના ચહેરા પર છલકે.

    આ રીતે બાળકનું સંસ્કાર ઘડતર જયારે થાય ત્યારે મોટા થઇને એ બાળક સમાજ માટે આશીર્વાદ રૂપ બની રહે છે. જીવનમાં એ કયારેય સુખથી છકી ન જાય કે દુ:ખથી નિરાશ ન થાય. નાનપણથી તેને બીજાના દુ:ખનો, તકલીફનો એહસાસ કરવાની જે તક મળે છે...જે બીજ રોપાય છે.. પ્રત્યક્ષ અનુભવ દ્વારા...એ કયારેય નિષ્ફળ ન જાય. મોટા ભાષણો કે શબ્દો જે કામ ન કરી શકે તે આસાનીથી થઇ જાય.

    આ દિવાળી ઉપર તમે બંને ઘેર આવી નહોતા શકયા. ત્યારે અમે વિચાર કરતા હતા કે તમારા વિના ઘરમાં દિવાળી જેવું કેમ લાગે ? દિવાળી કેમ ઉજવવી ? અને પછી અમે આપણી કામવાળી સવિતા અને તેના ત્રણે બાળકો અને તેની સાથે તેની બાજુમાં રહેતા બીજા છોકરાઓને પણ આપણે ઘેર બોલાવેલ. અને જેમ દર વરસે તમારે માટે ફટાકડા લેતા હતા..તેમ જ ફટાકડા ,મીઠાઇ વિગેરે લીધા...બાળકોએ આનંદથી ફટાકડા ફોડયા..સવિતાએ આંગણામાં સરસ મજાની રંગોળી બનાવી, દીવા પ્રગટાવ્યા..હું ને પપ્પા તો ફળિયામાં ખુરશી નાખી બેઠા હતા. બાળકોની દોડાદોડી અને કલરવ માણી રહ્યા હતા. અમે તેમના પર કોઇ ઉપકાર નહોતો કર્યો. બલ્કે તેમણે અમને જે આનંદ આપ્યો...તે અણમોલ હતો. તમારા વિના પણ અમે દિવાળી નો તહેવાર સરસ રીતે માણી શકયા..પ્રસન્નતા અનુભવી શકયા...માટે અમે એ બાળકોના આભારી હતા. ફટાકડા તેમણે ફોડયા...આનંદ અમને મળ્યો. અમે તો એવી કોઇ મોટી વસ્તુ નહોતી આપી. એ થોડા રૂપિયાના બદલામાં તેમણે અમને અણમોલ ખુશી આપી..પરમ આનંદની અમૂલ્ય ક્ષણો આપી..જે કયારેય વીસરી નહીં શકાય. જે પૈસાથી અમે ખરીદી ન શકત. મોડી રાત્રે જમી ને તેઓ બધા ગયા ત્યારે બહાર દીવા કદાચ ઠરી ગયા હતા. પરંતુ અમારા અંતરમાં દીવા પ્રગટયા હતા. ” આપી ને મેળવ..” કદાચ અમે અનુભવ્યું હતું. અને હવે તો આવો સરસ અનુભવ...આવો આનંદ તો દરેક વરસે મેળવવો જ રહ્યો ને ?

    કિંમત કયારેય વસ્તુની નથી હોતી. તેની પાછળ રહેલી ભાવના ની હોય છે. સ્નેહના, લાગણીના, ભાવનાના હિસાબ કિતાબ થોડા જ હોય છે ?

    તમે બંને કોલેજમાંથી..હોસ્ટેલમાંથી મારા જન્મદિવસે કયારેક આવી ન શકો તો..કાર્ડ મોકલો છો..પણ કયારેય તૈયાર લખાણ નહીં..જાતે લખો છો. દિલની સાચી લાગણી થી છલક્તું કાર્ડ અમને મળે છે ત્યારે એ ચંદ પળોમાં અમે જીવી જઇ એ છીએ. એ લખાણ..એ બધા કાર્ડ આજે યે અમૂલ્ય ખજાનાની જેમ મારી પાસે સાચવેલ છે. મા બાપને બાળકોની લાગણી સિવાય બીજું શું જોઇએ? અમે એવા નશીબદાર છીએ..માટે ઇશ્વરના આભારી છીએ..અને બેટા, તમારા બંનેના તો ખરા જ. ” જેટલા ઠલવાઇ જશો,કોળશો બમણાં મહોરવા માટે ફકીરી કામ આવે છે. ” જીવનમાં જયાં જાવ ત્યાં બધાના આનંદનુ કારણ બની રહેજો. દરેકને પ્રસન્નતા આપી શકો એવા ઉત્સાહી બની રહેજો. અને એક વાત હમેશા યાદ રાખજો..પ્રેમ..આનંદ..પ્રસન્નતા..બીજાને આપવાથી..એને મળે છે..એ કરતાં બમણી તમને મળશે. પ્રેમ અને લાગણી કયારેય માગવાથી ન મળે..આપવાથી એની જાતે મળે.

    ” આપતા રહો ને પામતા રહો...સંબંધોના સોનેરી સૂત્રમાં, દિવ્યતાની માળા પરોવતા રહો. ”

    “ અંગત અંગત કોક મળે છે, લોક મળે છે મેળે મેળે ”

    એ ‘અંગત’ ની ખોટ જીવનમાં કયારેય ન સાલે....

    “ બેટા, દરેક સંબંધને એનું આગવું મૂલ્ય હોય છે. કયારેય કોઇ પણ સંબંધની કિમંત ઓછી ન આંકીશ. સંબંધો બાંધવા બહુ સહેલા છે નિભાવવા અઘરા છે. સંબંધોનું સૌન્દર્ય જાળવવું જ જોઇએ. જતું કરવાની ભાવના કેળવવી જ રહી. કેટલાંક સંબંધો ગુલમહોર જેવા હોય છે. ગુલમહોર જે રીતે ભર ઉનાળે ખીલી ને આંખને, મનને ઠંડક આપે છે તેમ એવા સંબંધો જીવનના તાપમાં અંતરને ટાઢક અર્પી શકે છે. તો કોઇ સંબંધો કડવા લીમડા જેવા હોય છે, જે ઉપરથી કડવા લાગે પરંતુ લીમડાની જેમ ગુણકારી હોય છે. દરેક સંબંધ ને ઓળખી...તેનું મૂલ્ય સમજી તેને નિભાવતા જરૂર શીખજે. પૈસા કે સમય બંને નો ભોગ સંબંધો જાળવવા આપવો જ રહ્યો. કોઇ માટે કંઇ કરી છૂટવાની તક મળે તો જાતને નશીબદાર માનજે. લોહીના સંબંધો હોય કે લાગણીના..કે મિત્રતાના..દરેક સંબંધની ગરિમા જાળવતા બેટા,જરૂર શીખજે. ફકત લેવડદેવડનું ગણિત સંબંધોનું સૌન્દર્ય નષ્ટ કરે છે. ફકત કોરો વ્યવહાર નહીં..એની પાછળ ભાવનાનો અર્ક ભળી રહેવો જોઇએ. દુનિયા આજે બહું નાની બની ગઇ છે. કયારે, કયા મોડ પર કયો સંબંધ સામે આવી જાય એ કેમ કહી શકાય ? કોઇ જ સંબંધ નકામો હોતો નથી. જેટલા સંબંધો વધુ હોય એ સારું જ છે. સંબંધો બાંધતા, વધારતા, નિભાવતા શીખજે. સાચા, સારા સંબંધો તો જીવનની આગવી મૂડી છે. દરેક સંબંધનું સૌન્દર્ય તારા જીવનમાં જળવાઇ રહે એ શુભેચ્છાઓ સાથે..”