Speechless Words CH.19 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words CH.19

|| 19 ||

પ્રકરણ 18 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ કાજલ સાથેની લવ સ્ટોરીમાં આદિત્યની કાજલ સાથે ફોન કરવા અને મેસેજ કરવા બાબતે વાત થાય છે. કાજલ ફોન કે મેસેજ કરતી નથી અને અંતે આદિત્ય કાજલને ભૂલીને પોતાના ભણતર પર ધ્યાન આપવાનું શરૂ કરે છે. હવે, સમય થોડો પસાર થાય છે. બે વર્ષ વીતી ગયા છે. આદિત્યને ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં પોતાની ઈચ્છા વિરુદ્ધ એડમિશન મળે છે. આદિત્યને જે ગમતું નથી હોતું. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

બે વર્ષ પછી..

ડિપ્લોમા એન્જીનિયરીંગમાં આદિત્યનું છેલ્લું સેમેસ્ટર

બે વર્ષ વીતી ગયા હતા. મારૂ ડિપ્લોમા એન્જીનિયરીંગનું છઠ્ઠુ સેમેસ્ટર ચાલી રહ્યું હતું. આ સમય હતું જ્યારે હજી તો મારૂ પાંચમા સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું ન હતું અને મારી પર્સનલ લાઈફના આકર્ષણ વાળા પ્રેમ પ્રકરણમાં બે વખત બ્રેકઅપ થઈ ચૂક્યું હતું. ઉંમર નાની હતી આથી લવ આકર્ષણ વાળો જ હતો. મને તો સાચો પ્રેમ કોને કહેવાય ? એની વ્યાખ્યા જ ખબર નહોતી. હું બધાને પૂછ્યા કરતો કે, “પ્રેમનો મતલબ શું છે, પ્રેમ એટલે ખરેખર થાય શું ? “, આ બ્રેકઅપ થવાથી હવે તો મને પ્રેમ પરથી સાવ રસ જ ઊડી ગયો હતો. કારણ કે મારી સાથે કુલ બે વખત બ્રેકઅપ થયા હતા. એક વખત કોલેજની લવસ્ટોરી અને બીજી વખત ફેમિલી રિલેશનમાં મળેલી લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપવાળી લવસ્ટોરી. આ બંનેમાં એક પ્રોબ્લેમમાં મારી ગર્લફ્રેન્ડ મારી સાથે જ વાત નહોતી કરતી અને બીજી વખત તો દર મહિને એક જ વાર વાત કરવાવાળી ગર્લફ્રેન્ડ મળી અને એ પણ સમય આવ્યે ફોન કરવાનું બંધ કરી અને ક્યાં ખોવાય ગઈ ? મને આજ સુધી નથી ખબર. મારી ઉંમર ઘણી નાની હતી આથી મેં મેચ્યોરિટી નામનો શબ્દ પણ સાંભળ્યો નહોતો.

આ સમયમાં મારા માટે તો મારી ગર્લફ્રેન્ડ એટલે તો બસ, મારી સાથે સ્કૂટીમાં ફરવા આવે અને મારી સાથે મોડી રાત સુધી ડોકોમોના ફ્રી એસ એમ એસ વાળા કાર્ડમાં ચેટિંગ કરે અને ક્યારેક અડધી રાત્રે સામેથી મને સૂઈ જવાનું કહેવા અને ગુડ નાઇટ કહેવા ફોન કરે એનું નામ જ ગર્લફ્રેન્ડ. મને ફિઝીકલ આકર્ષણમાં કોઈ રસ નહોતો. મને પહેલેથી જ કોઈ છોકરીનુ શારીરિક સૌંદર્યનું અપમાન પસંદ નથી. મારા આ સારા ગુણ હતા પણ યાર શું થાય ? મારા નસીબ પહેલેથી જ ખરાબ છે અને તમે પણ બરાબર આ વાતથી પરિચિત જ છો. આથી હું ગમે એટલો સારો હોય મને કોઈ પણ છોકરી સમજી નથી શક્તી. મારા મિત્રો અને બીજા ઘણા છોકરાઓ ચાહે કોઈ છોકરી સાથે પૂરેપૂરા શારીરિક ટચમાં આવી જતાં હશે આમ છતાં છોકરીઓ એમના ચહેરા અને એમના પૈસા પાછળ પાગલ છે. હું તો રહ્યો નાનો માણસ, મારી લાઇફમાં મેં મમ્મી પપ્પાને બહુ જ સ્ટ્રગલ કરતાં જોયેલા છે. આથી હું કોઈ છોકરીના મોંઘા મોંઘા શોખ કેવી રીતે હેન્ડલ કરી શકું ? એ પણ ઠીક ઘણી છોકરીઓ તો રૂમ રાખીને રહેતી અને એમનું મેચ્યોરિટી લેવલ મારા કરતાં પણ ક્યાંય વધુ તો ક્યારેક મને એકલા બોલાવે પણ શું થાય ? મને તો આવી વાતોમાં રસ નહોતો આથી હું ના જાવ એટલે બ્રેકઅપ થઈ જાય. આજ સુધી નથી સમજાતું છોકરાઓને તેમના માં - બાપ પોતાના ગામથી દૂર શહેરમાં ભણવા મોકલે છે અને છોકરાઓ અને છોકરીઓ અહીંયા આવીને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવી અને જલસા કરે. હું એવા દરેક મિત્રોને પૂછવા માંગુ છું કે શું તમારા મમ્મી – પપ્પાએ આવા ખરાબ કામ કરવા તમને શહેરમાં ભણવા મોકલ્યા હતા. થેન્ક ગોડ કે મારા સંસ્કાર મારા મમ્મી પપ્પાના કારણે બહુ જ સારા કે મેં ક્યારેય કોઈ સાથે શારીરિક સ્પર્શમાં આવવાનું પસંદ નથી કર્યું, ક્યારેય મિત્રો સાથે દારૂ, સિગારેટ, ગુટખા, માવા – મસાલા જેવી ખરાબ ચીજવસ્તુઓનું સેવન નથી કર્યું, અરે ઇવન હું તો ચા પણ નથી પીતો. આમ છતાં શું થાય છોકરીઓને લૂક અને મોંઘા મોંઘા બોય ફ્રેન્ડમાં જ રસ રહેતો. હવે, મને વિચાર એ જ આવ્યા કરતો કે આ બધા દસમા ધોરણ પછી અચાનક આટલા બધા મોટા કેવી રીતે થઈ જતાં હશે ? ખેર જવા દો ને યાર ! આપણે આગળ વધીએ.

28 જાન્યુઆરી 2013, સોમવારની સવાર હતી અને અમે 26મી જાન્યુઆરીના રોજ શણગારેલો શણગાર ઉતારી રહ્યા હતા. કારણ કે 27 તરીકે રવિવાર આવી ગયો હોવાથી અમારું કામ અધૂરું રહી ગયું હતું. મારૂ પાંચમા સેમેસ્ટરનું રિઝલ્ટ પણ બાકી હતું. આથી હું ઘણો બધો વધારે ટેન્શનમાં હતો.

“ હાલ ને ભાઈ કલર તો ઉખાડ આ બધો આમ જો તો ખરી... ( મારૂ ધ્યાન ના પડતાં ) ઓઈ તને કહું છું એલા ધ્યાન તો દે ભાઈ અહીંયા.. “, મારા મિત્ર રાહુલનો મને અવાજ આવ્યો. ત્યારબાદ હું પણ એમની સાથે કલર જે અમે મોડેલ બનાવવામાં વાપર્યા હતા તેને કઢાવવા માટે ગયા,

લાઇફનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આ નહીં પણ આજની બપોરનો સમય હતો. મારી પાસે નોકીયા કંપનીનો 2690 મોબાઇલ હતો અને મારા પપ્પાએ આ ફોન સુરપ્રાઇઝમાં આપેલો હતો. આ મોબાઇલનો તે સમયે જમાનો ચાલતો હતો. 8gb મેમરી સપોર્ટ ધરાવતો એક માત્ર મોબાઇલ હતો. મેં નવું નવું ફેસબૂક અકાઉન્ટ બનાવ્યું હતું. માંડ ત્રણ ચાર અજાણ્યા ફ્રેન્ડસ હતા અને એમની સાથે બસ મન ફાવે એમ ચેટ કર્યા કરતો એક મુંબઈની કોઈક છોકરી હતી ‘એન્જલ અરોરા’ નામ હતું. પછી પાછળથી ખબર પડી કે આ તો છોકરો છે. આવું તો રોજ બન્યા કરતું. એમાં એક વખત સર્ફિંગ કરતાં કરતાં મને એક મેડમનું પેજ જોવા મળ્યું. આ મેડમનું નામ હતું ‘RJ MIRA’. મેં ભૂલથી આ પેજ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરી લીધું. આથી હું નેટ ઓન કરું કે ના કરું મને RJ MIRA ના સ્ટેટસ અપડેટ્સ રેગ્યુલર એસ. એમ. એસ. દ્વારા મળ્યા કરતાં. RJ MIRA દરરોજ નવા નવા સ્ટેટસ અપડેટ કર્યા કરતી અને હું વાંચ્યા કરતો. એક દિવસે બપોરે ચાર વાગ્યા અને RJ MIRA ની પોસ્ટ મારા મોબાઇલના એસ. એમ. એસ. માં આવી. જે આવી કઈક હતી,

“ Starcasts of famous tv series ‘khwaab’ are coming Rajkot tomorrow sharp 2:30pm. So if you wanna meet them hurry up and sms ‘KHWAAB SPACE YOURNAME SPACE YOURCITY’ send it to 939439 “

આ પોસ્ટ મેં વાંચતાં જ એસ. એમ. એસ. કરી દીધો. દોઢ રૂપિયો મારા સીમકાર્ડવાળાઓએ કાપી લીધો. કોઈએ એક કિડની જીવતી કાઢી લીધી હોય એવું દુ:ખ થયું પણ ચાલ્યા કરે એવું વિચારીને સુઈ ગયો. રાત્રે સાડા સાત વાગ્યે એક લેન્ડલાઇન નંબર પરથી મને ફોન આવ્યો અને એક છોકરી મસ્ત અવાજે મારૂ નામ બોલી,

“ તમે આદિત્ય બોલો છો ? “, સામેથી મીઠા મધુર સ્વરમાં અવાજ આવ્યો.

“ હા, તમે કોણ ? “, મેં અજાણ્યો અવાજ લાગતાં તેમણે પૂછ્યું.

“ હું RJ MIRA બોલું છું અને આદિત્ય તમારું સિલેકશન થયું છે આથી તમારે આવતી કાલે ‘ખ્વાબ’ સિરિયલના સ્ટારકાસ્ટ્સને મળવા આવવાનું છે. “, મને આર. જે. મીરાએ કહ્યું.

“ થેન્ક યુ, થેન્ક યુ સો મચ મેમ. “, મેં આભાર માની કોલ કટ કર્યો અને હું તો રાજીના રેડ થઈ ગયો કારણ કે આ સમયે ‘ખ્વાબ’ બહુ જ પ્રચલિત સિરિયલ હતી.

મારા ઘરમાં નીચેના રૂમમાં જઈને તરત જ મમ્મી અને પપ્પાને આ ગુડ ન્યૂઝ આપ્યા અને મમ્મીએ તો આજુ બાજુના બધા જ પાડોશીઓને જઈને વાત કરી કે મારો દીકરો ‘ખ્વાબ’ સિરિયલવાળા કલાકારોને મળવા જવાનો છે.

બસ, બીજા જ દિવસે હું તો મસ્ત તૈયાર થઈને પહોંચી ગયો કલાકારોને મળવા માટે. સૌથી પહેલા તો RJ MIRA ને મળ્યો. તેમણે મને આખું રેડિયો સ્ટેશન બતાવ્યુ કારણ કે હજી કલાકારોને આવવાને ઘણી વાર હતી. મિરા સાથે આખું રેડિયો સ્ટેશન ફર્યા બાદ મને મિરા મેડમ પોતાની સાથે સ્ટુડિયોમાં લઈ ગયા જેથી આખું રાજકોટ મારો અવાજ સાંભળી શકે અને હું પણ જણાવી શકું કે મને આ સિરિયલમાં શું શું ગમે છે ? બસ, પછી તો ‘ખ્વાબ’ સિરિયલના કલાકારોને મળ્યો અને તેમની સાથે લંચ પણ કર્યું અને એમની સાથે એમના કેરિયર વિશે ઘણી વાતો કરી. ત્યારબાદ તેઓ જતાં રહ્યા પણ મને મિરા સાથે મજા આવી ગઈ. મેડમે રેડિયોના આપ ડાઉન્સ બધુ સમજાવ્યું.

સમય ધીમે ધીમે વધુ પસાર થયો અને રાજકોટમાં એક પ્રખ્યાત રેડિયો સ્ટેશન દ્વારા ફરીવાર આવી જ રીતે કોમ્પિટિશનની જાહેરાત થઈ. આ કોમ્પિટિશનમાં એક વ્યક્તિને અઠવાડીયા માટે આર. જે. બનવાની તક આપવામાં આવવાની હતી. એક શો હતો ‘સ્ટોરી બુક્સ’ નામથી તે શો આ નવા આર. જે. દ્વારા હોસ્ટ થવાનો હતો. મેં ફોર્મ ભર્યું અને પરિણામે મને કોલ આવી ગયો અને મને બોલાવવામાં આવ્યો ઓડિશન માટે. હું ઓડિશન આપવા ગયો અને ત્રણ મિનિટની સ્પીચ રેકોર્ડ કરી. પરિણામે ત્રણ ચાર દિવસ પછી ફરીવાર ફોન આવ્યો કે હવે લાસ્ટ રાઉન્ડ માટે તમારે આવવાનું છે. હું છેલ્લા રાઉન્ડ માટે ગયો અને ફરીવાર સિલેક્ટ થઈ ગયો અને બની ગયો રાજકોટનો એક અઠવાડીયા માટેનો આર. જે. મારી નવી કેરિયર અહીંથી જ શરૂ થઈ હતી. શો નું શેડ્યુલ મને આપવામાં આવ્યું અને સોમવારની સાંજથી શરૂ થયો મારો શો ‘સ્ટોરી બુક્સ આદિત્યની સાથે’. મારો શો લોકોમાં પ્રખ્યાત બનતો જતો હતો. બાળકો માટેની વાર્તાઓ આવતી હતી આથી બાળકોને બહુ જ મજા આવતી હતી. મને ફેસબુકમાંથી પણ મેસેજ આવતા હતા કે તમે બહુ સરસ બોલો છો. સાચુ કહું ને તો હું ફેસબુક રેડિયોમાં આવ્યા પછી જ શીખ્યો છું. રેડિયોમાં મારો શો પૂરો થયો અને શરૂ થઈ સાવ ચિત્ર વિચિત્ર ઘટના, જેના વિશે મેં ક્યારેય પણ ના વિચાર્યું હતું.

રેડિયોમાં શો પૂરો થયો પણ ‘આર. જે.’ તરીકે મારી છાપ તો કોલેજમાં બની ગઈ. ગમે તેવા નાનકડા શો કરવાના હોય તો હોસ્ટિંગ તો મારે જ કરવાનું હોય. આવી સિસ્ટમ બની ગઈ હતી. હવે, હું કોલેજમાં નામથી નહીં પણ મારા આ કામથી ઓળખાવા લાગ્યો હતો. આ સમય હતો જ્યારે મારામાં પરમેનેટ આર. જે. બનવાનો એક કીડો હતો. હું અવાર નવાર મિરા મેડમને પૂછ્યા કરતો કે મેડમ જ્યારે પણ પરમેનન્ટ રેડિયોજૉકીના ઓડિશન થાય ત્યારે મને પ્લીઝ જણાવજો.

કોલેજમાં ત્રીજો લેકચર પૂરો થયો અને અમારા પાર્થ સર અચાનક ક્લાસમાં આવ્યા અને કહ્યું કે તમારું પાંચમા સેમેસ્ટરનું રીઝલ્ટ આવી ગયું છે. ઓનલાઇન મુકાય ગયું છે અને જો સાંભળો ઘણા બધા સ્ટુડન્ટ્સને બેકલોગ્સ આવ્યા છે. મને તરત જ બીક લાગી કારણ કે મારૂ માઇક્રોકંટ્રોલરનું પેપર બહુ જ કરતાં પણ વધુ ખરાબ ગયું હતું. અધુરામાં પૂરું મારે તો સેકન્ડ સેમના મેથ્સમાં અને ફોર્થ સેમના ઇલેક્ટ્રોનિક્સ મેઝરમેન્ટના પેપરમાં પણ કેટી હતી. મારા પપ્પાએ કીધું હતું કે જો બે થી વધારે કેટી આવી તો પછી ઘરે ના આવતો. ફાઇનલી ટાઈમ આવી ગયો અને મારૂ રીઝલ્ટ આવી ગયો અને એક કેટી આવી અને એ પણ કંટ્રોલરમાં જ આવી. ત્યારબાદ હું મૂંઝવણમાં મુકાયો, હવે ? ઘરે કેમ જઈશ ? પપ્પાને શું જવાબ આપીશ ? પપ્પાને તો લગભગ ઘણા પ્રોફેસર્સ બહુ જ સારી રીતે ઓળખતા હતા. આથી પપ્પાને મારા રીઝલ્ટની પણ ખબર પડી જ ગઈ હતી. હું આમ છતાં હિમ્મત કરીને ઘરે પહોંચ્યો. પપ્પા ખૂબ જ ગુસ્સામાં લાલ ઘૂમ આંખો સાથે ઘરમાં ખુરશી પર બેઠા હતા. હું અંદર ગયો પણ રીઝલ્ટની વાત કર્યા વગર તરત જ બીજી આડા અવળી વાતો કરવા લાગ્યો. પપ્પાએ ગુસ્સે થઈને જોરથી મારા ગાલ પર તમાચો ચોડી દીધો. મમ્મી તરત જ તેમની આગળ આવી ગયા અને પપ્પાને રોક્યા બાકી તો પપ્પા હજી એક મારી લેત.

“ ઉપર જતો રે જા.. “, મારી આંખમાં આંસુ આવી ગયા એટલે નહીં કે મને લાગ્યું હતું પણ એટલે જ કે મારા પપ્પાએ હું આટલો મોટો થઈ ગયો હોવા છતાં પણ મારા પર હાથ ઉપડયો. હું પપ્પાની નજર સામે ઊભો હતો અને હાથ જે ગાલ પર લાફો વાગ્યો હતો એ ગાલ પર એક હાથ હતો અને બીજો હાથ ધ્રૂજતો હતો. તરત જ હું પગથિયાં ચડવા માંડ્યો અને મારા રૂમમાં ઉપર જઈને મારા બેડ પર જઈને આંખમાં આંસુ સાથે સુઈ ગયો.

હંમેશા તમે અનુભવ્યું હશે તમારી સાથે જ્યારે કઈક આજુકતું બન્યું હશે ને ત્યારે તમે સૂતા હશો ત્યારે સપનું પણ ખરાબ જ આવશે. મારે તો ગર્લ ફ્રેન્ડ પણ નહોતી કે જેને હું ફોન કરીને મારૂ દુ:ખ જણાવી શકું. જ્યારે પણ લાઇફમાં આવા બનાવો બને ને ત્યારે હમેશા કોઈનો સાથ હોય એવી ઈચ્છા થાય. કોઈ આપણને એવી રીતે ચાહે જાણે એના માટે આપણે જ બધુ હોય. કોઈ એવી વ્યક્તિ જેને તમે તમારા દિલની બધી જ વાત નિરાતે વહેંચી શકો. આવી વ્યક્તિની મારે અત્યારે ઉણપ હતી. હું ઝંખતો હતો પ્રેમ માટે. મિત્ર તો કોઈ એવો નહોતો કે જેને હું મારા દુ:ખ અને મારૂ દર્દ વહેંચી શકું. મારી બુદ્ધિ પૂરેપુરી ફરી ગઈ હતી અને પરિણામે મેં નક્કી કર્યું સુસાઈડ કરવાનુ. હું દરેક ટીનએજ છોકરાઓને છોકરીઓને કહેવા માંગુ છું કે ક્યારેય પણ આવેશમાં આવીને આપઘાત કરવાનો વિચાર ના કરવો દોસ્ત. જિંદગી જીવવા માટે હોય છે તો જિંદગીથી ડરવાનું અને જિંદગી સામે હારવાનું ભૂલીને જીંદગીની સામે જીતવાનું અને તમારા લક્ષ્યને સિદ્ધ કરવાનું ધ્યેય હોવું જોઈએ. આપઘાત કરવાનો મારો વિચાર હતો અને પરિણામે મેં મારા જ રૂમમાં આપઘાત કરવાનું નક્કી કર્યું. મારૂ મોબાઇલ નેટ ચાલુ જ હોય અને ખરેખર ચાલુ જ હતું અને હું બસ આપઘાત કરવા જ જતો હતો અને તરત જ ‘ટિંગ’ કરતો અવાજ આવ્યો મારા મોબાઇલમાંથી અને ખબર પડી કે કોઈનો મેસેજ આવ્યો છે. તમે કઈ પણ કામ કરતાં હો પછી ભલે ને તે આપઘાત હોય પણ જો કોઈનો મેસેજ આવે તો તમને મેસેજ જ્યાં સુધી નહીં વાંચો ત્યાં સુધી બીજું કોઈ કામ કરવું તમને નહીં જ ગમે. મારી સાથે પણ આવું જ થયું આપઘાત કરવાનો વિચાર કેન્સલ કરી હું ખુરશી પરથી નીચે ઉતર્યો અને મારો એ જ જૂનો અને જાણીતો ફોન લઈને મેસેજ જોયો.

***

પછી ? પછી શું થશે આદિત્યની આ સ્ટોરીમાં ? કોનો મેસેજ આવ્યો હશે ? શું આદિત્ય આપઘાત કરશે ? બધા જ પ્રશ્નોના જવાબ આવતા પ્રકરણમાં... આવતા પ્રકરણથી આવશે દિયા અને હેતવી કમબેક.. તો આવજો..