Najuk Namni Priytama - 6 books and stories free download online pdf in Gujarati

najuk namani priyatama - 6

નાજુક નમણી પ્રિયતમા ભાગ-૬

પહેલાં કોળિયાના સમ

ખેતીની વાત મેગેઝિન > મારી હયાતી તારી આસપાસ- ૪ > જાન્યુઆરી,૨૦૧૨.

લાગે છે તું સાવ પાગલ થઈ ગયો છે. તું આવું કહી જ કેમ શકે..!!

તું મને બરાબર જાણે છે, એમ છતાં કહે છે કે ‘ હવેથી મને કાયમ માટે ભૂલી જજે..!’

તો શું આપણો પ્રેમ જેમાં આપણે હજારો કસમો ખાધી, વાયદાની આપ-લે કરી એ સાવ,

‘એક વ્યવસ્થા હતી ?

એક સુવિધા હતી ?

એક ગણિતશાસ્ત્ર હતું ?’

મારી સામે અત્યારે એક બાળક આઇસ્ક્રીમ માટે જીદ કરે છે ત્યારે તું યાદ આવી ગયો. તને પણ આઇસ્ક્રીમ આમ જ પસંદ છે ને. આપણે મળીએ ત્યારે તું હંમેશા આઇસ્ક્રીમ ખાવાની જ વાત કરે. વળી આઇસ્ક્રીમ ખાતા ખાતા જાણે આજુબાજુની દુનિયાને સાવ જ ભૂલી જઇને આઇસ્ક્રીમમય જ થઈ જાય છે અને હું ઇર્ષ્યાભરી આંખે તારા આઇસ્ક્રીમ સામે જોઇ રહ્યા વગર કંઇ જ ના કરી શકું..!! આ આઇસ્ક્રીમની આ મજાલ..મારા કરતા એ તને વધારે પ્રિય થઇ જ કેમનો શકે ? મારું ચાલે તો મારી ઇર્ષ્યાની આંચ પર મારો બૈરન જેવો, કદરુપા- આખી દુનિયાના આઇસ્ક્રીમને એક્સાથે ભેગો કરીને બાળી કાઢું..’ના રહેગા બાંસ ના રહેગી બાંસુરી..’

હવે બોલ..આવી તીખી તમતમતી ઇર્ષ્યા હોય એ પ્રેમ કેવી કક્ષાનો હોય એ મારે તને સમજાવવાનું રહે છે કે…?

શ્વાસ પલળ્યો, શબ્દો પલળ્યા,

આ ચારેકોરની હવા પણ પલળી.

વીજળી પડી જ્યારે જાણ્યું કે બસ

એક લાગણીઓ જ ના પલળી..

પ્રેમ એટલે કંઇ ભુલવા યાદ રાખવાની રમત થોડી છે ? એમાં તો બે વ્યક્તિ આખી દુનિયા ભૂલીને, સંપૂર્ણપણે ઓગળીને એક થઈ જાય…આ તો એક શક્તિ સમાન છે…મને કાયમ જીવતી રાખતી દૈવી શક્તિ અને તું કહે છે કે ‘હું તને ભૂલી જઉં..’ આવા પીગળતા સીસા’ જેવા ચાર શબ્દો….આહ..!! દિલમાં વાંસળી- છેદ પાડીને આરપાર નીકળી જાય છે અને પછી રેલાય છે નકરી વેદનાના સૂર.આંખોમાં દરિયો ઊમટી આવ્યો જો..

સાંભળ્યું છે કે,

પત્થરોમાંથી પણ ઝરણાં ફૂટે છે..

તું તો વ્હાલનો દરિયો..

તારા પાણી આમ કાં સૂકાયા રે સાજન !!!!

મારી આંખોના લાગલગાટ

વહેતા દરિયાને

શેની પાળ બાંધુ..?

બોલ ..

વહેતા શીખવ્યું

તરતાં ના શીખવ્યું,

ભરપૂર લાગણીના મધદરિયે

તારા વિના એકલા કેમનું તરવું હવે..?’

તને તો હું કેમ ભૂલી શકું..? સારું ચાલ તું મારી વાત છોડ, તું મને ભૂલી શકીશ ?

મને યાદ છે એ રોજ જમતી વેળાએ ‘પહેલો કોળિયો’ મારા હાથે જ ખાવાની તારી જીદ. તું દુનિયાના ગમે તે છેડે હો પણ એ કોળિયો હાથમાં લેતાં વેંત જ આંખો બંધ કરીને મનોમન મને યાદ કરી લેવાની એ અચૂક ટેવ, એ કોળિયાના સ્રર્વ હક તેં રાજીખુશીથી કાયમ માટે મારે નામે કરી દીધેલા…યાદ છે ને..!! તો એ ‘પહેલો કોળિયો’ મને યાદ કર્યા વગર તારા ગળે ઉતરશે કે..? ઘણીવાર તો એ ‘કલ્પના જગતના કોળિયા’થી તારો જીવ ના ભરાતા, મને એ જ ઘડીએ મળવા બોલાવી; મારા હાથે જ એ કોળિયો ખાવાની જીદ કરતો..ઘણીવાર હું આવી શકતી તો તને જાણે કુબેરનો ખજાનો મળી ગયો હોય એમ, નાના બાળકની જેમ ખુશ થઇ જતો. તો ઘણીવાર મારાથી એ ‘આવવાનુ’ શક્ય ના બનતાં તું ગૂમસૂમ થઈને એ કોળિયો પાછો થાળીમાં મૂકીને, અન્નદેવતાની બે હાથ જોડીને માફી માંગીને, ભીના હ્રદયે ઊભો થઈ જતો..આખો દિવસ એમ જ ભૂખ્યા-તરસ્યા નીકળેલા તારા એ દિવસો મને અંદર સુધી હચમચાવી જતાં. એ બધું કેમનું ભૂલી શકાય? એની કોઈ પાઠશાળા કે કોઇ સોફટ્વેર ધ્યાનમાં હોય તો કહેજે ભૂલવાનું શીખી લઈશ. બાકી,

‘હું અને મારી લાગણીઓ તો નકરી અભણ, એક પ્રેમની ભાષા જ સમજાય છે એને તો.’

તારા માટે પણ આ લાગણી એટલી જ તીવ્ર હતીને..પ્રેમની મર્યાદા જાળવવા તું કેટ-કેટલું ધ્યાન રાખતો હતો..

તને યાદ છે, હું જ્યારે તારી પાસેથી ‘આઇ લવ યુ’ સાંભળવાની જીદ્દ કરું, ત્યારે તું હંમેશા કવિ કાલિદાસની ‘અભિજ્ઞાન શાકુન્તલ’ની વાત કહેતો હતો કે, ‘એણે આટલા વર્ષો પહેલાં એ નાટકમાં ક્યાંય ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ જ નથી કર્યો. એના બદલે એણે રતિ, કામ, શૃંગાર જેવા શબ્દોને જ સ્થાન આપ્યું છે. સાત અંકનું નાટક અને એક પણ વાર પ્રેમ શબ્દ જ નહીં કેટલું અઘરું કામ !! કારણ કે એમણે એ ‘પ્રેમ’ શબ્દને વારંવાર લખીને સાવ છીછરો નહોતો બનાવવો. ચોરે ને ચૌટે બોલાતા પ્રેમ શબ્દના છીછરાપણાને જો આજે ‘શેલી’ જીવતાં હોત તો કેટ્લો આઘાત લાગત. અરે હા..’લવ’ શબ્દ મૂળ અંગ્રેજ કવિ શેલીની શોધ છે એ પણ આ પ્રેમ પ્રેમ લવતાં ડ્રાઉં ડ્રાઉં કરતાં દેડકાંઓને ખ્યાલ નહીં હોય. એટલે જ એ ‘પ્રેમ’ શબ્દની અસ્મિતા જાળવવા માટે હું પણ તને આખો દિવસ ‘આઈ લવ યુ’ નહી જ કહું.. કેટલો જીદ્દી..!!

વળી તારી ભીતરના ચંદનવનને મારી યાદોની ગરમીથી આગ નહીં લાગે ? તારી આજુબાજુની સમગ્ર સૃષ્ટિ, તારી ઇચ્છાઓ, ઓલો તડકો-પવન-વરસાદ…આ બધાયમાં તું મને નહીં સંવેદે ? એકદમ સાચું બોલજે હોંકે, જાત સાથે સંપૂર્ણ પ્રામાણિક રહેવું વધું સારું. ત્યાં પ્રામાણિકતાના ચેડાં પકડાઇ જાય એ તો તને ખબર જ હશે ને..? રોજ રાતના સૂતી વેળાએ પાંપણની ધારે મારી યાદ આવીને તલવાર સમ બેસી જશે. પછી રાતીચોળ આંખ લઈને તારી પથારીના સળોમાં તું મને શોધતો ફરજે. તું પણ મારા વિના નહી જીવી શકે એ વાત સ્વીકારતો કેમ નથી તું ?

‘માંડ તો આ લાગણી લખાણી નસીબમાં

એનો ઓચ્છવ ઊજવ્યા વગર તો કેમ ચાલે ?’

આટઆટલું ઉમેર્યા પછી પણ આપણી બેલેન્સશીટ આમ ઝીરો તો કેમની કરી શકાય મને તો એ જ નથી સમજાતું. મારી જીંદગીના કણકણમાં છવાયેલા તારા અસ્તિત્વને કેમનું સમેટી શકાય..!!

શિવ-પાર્વતી જેવા વિવાહ આદર્શ વિવાહ છે. શિવજી જેવા વરને પામવા પાર્વતી જેવું ચિંતવન કરવું જોઇએ. દરેક સ્ત્રીના હાથમાં એક પાર્વતીરેખા અવશ્ય રહેલી છે.’

આવુ જ કંઇક લખાણ ધરાવતી અને બદામી કલરની રુપકડી ચમકતી, ગણપતિજી-વિધ્નહર્તા (!!)ના ફોટાથી સોહતી કંકોત્રી જોઇને ખબર નહીં દિલના વ્રણ પાછા ખળભળી ઊઠ્યાં. હમણાં જ તું આ કોફીશોપના કાચના દરવાજેથી હવાના ઝોંકાની જેમ મારાથી નજર છુપાવતો બહાર નીકળી ગયેલો એની સાક્ષીરુપે પેલો કાચનો દરવાજો હજુ ધીમો ધીમો ઝુલતો હતો.

તારા ગયા પછી

અડધી કોફી પીને મૂકેલા

કપની આંગળીઓની છાપ પર

હલ્કો અંગુલીસ્પર્શ..

કપની કિનારી હજુ તારા હોઠના

સ્પર્શથી ધગે છે.

તું બેઠેલો એ ખુરશીના હાથા પર

તારા પરસેવાની બે બૂંદ ચમકે છે.

ટેબલ પરની એશ-ટ્રેમાં તારી

સિગારેટના ઠૂંઠા હતા

એક ઠૂંઠું

મેં મારા હોઠ પર મૂક્યું

અદ્દ્લ તારી જ સ્ટાઇલમાં

આખ્ખે- આખી ૭ ઇંચની સિગારેટ ફૂંકી મારી !!

તારા વોલેટ્માંથી કાઢીને મૂકાયેલ

એ એશટ્રેની નીચેના

સિનેમાની બે ટિકિટોના અડધિયા

પંખામાં આમથી તેમ ફરફરતા હતા

અને બાજુમાં

તારા લગ્નની કંકોત્રી

એ બધાંય પર પાણીવાળી નજર ફેરવી લીધી

એ બધુંય તારા જેટલું જ પ્રિય લાગ્યું મને

છેલ્લા બે કલાકમાં

એ બધાંયથી મને તારા જેવો જ પ્રેમ થઈ ગયેલો..!!

વધારે તો શું કહું હવે તને, ક્યારેક મન થાય તો યાદ કરી લેજે

‘તને તારા પહેલાં કોળિયાના સમ..!!’

– સ્નેહા પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED