Name:Parul H.Khakhar
Email:parul.khakhar@gmail.com
‘જીવન ચલને કા નામ...’
***
વર્ષો પહેલાં 'મહાભારત' નામની ટેલિવિઝન સીરિયલમાં 'સમય' નામનું એક પાત્ર હતું. બહુપાંખિયું એક ચક્ર સ્ક્રીન પર ફરતું ફરતું આવે અને એક પશ્ચાદભૂમિકામાં નાદ ગૂંજે - 'મૈં સમય હૂઁ'. આ અવાજ આજે પણ કાનમાં ગૂંજી રહ્યો છે અને વિચારું છું કે આ સમય શું ચીજ છે? એ શું શું કરી શકે છે? કેવા કેવા ઉત્પાત મચાવી શકે છે? ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે? ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જન્મ-મૃત્યુનું કારણ હું છું. આ બન્ને ઘટનાની વચ્ચેનો સમયગાળો ભગવાને સમયના હાથમાં સોંપ્યો હોય તેવું લાગે છે અને આ 'સમય' નામનો ખેલાડી એક વિરાટ ચોપાટ પાથરીને એકએક પ્યાદુ ઉતરતો જાય, રમતો જાય, જીતતો જાય. પ્યાદા જીવતા જાય અને મરતા જાય. આમ જ જીવન ચાલતું જાય. આ પ્યાદા માટે એક સરસ ગીત યાદ આવે છે 'નદિયાઁ ચલે, ચલે રે ધારા... ચંદા ચલે ચલે રે તારા, તુજ કો ચલના હોગા'... કદાચ આ જ જીવનનું આખરી સત્ય છે - ચાલતા રહેવું. વહેતા રહેવું એ જ આપણું કર્તવ્ય. પંચમહાભૂતમાં પાણી એ રસસ્વરૂપ છે અને જીવન પણ રસમય છે તેથી પાણી અને જીવનના ગુણધર્મો સરખા જ છે. 'જળ એ જીવન'ની જેમ 'જીવન એ જળ' પણ એટલું જ યથાર્થ લાગે છે.
જળચક્ર વિશે તો જાણીએ જ છીએ, પણ જીવનચક્ર વિશે ક્યારેય વિચાર્યુ છે? જન્મથી શરૂ કરીને મરણ સુધીની આ યાત્રામાં ઉંમરના અલગ અલગ પડાવે આપણે સૌ અલગ અલગ રૂપ ધારણ કરીને વહેતા રહીએ છીએ. શ્વાસ-ઉચ્છવાસની જેમ જ અનાયાસ બદલાતા રહેતા આપણા આ સ્વરૂપોથી આપણે સાવ અજાણ રહી જતા હોઇએ છીએ. ક્યારેક સાવ નિરાંતે બેસીને આ ચકડોળને સ્થિતપ્રજ્ઞ બનીને અવલોકીએ તો બહુ રસપ્રદ તારણો મળી આવે.
આમ તો આપણા શાસ્ત્રોએ ચાર તબક્કાઓમાં બધું સરસ રીતે વિભાજીત કરી આપ્યું છે. જેમ કે, ચાર આશ્રમ-બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ. એવી જ રીતે ચાર પુરુષાર્થ આપ્યા છે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એને અનુરૂપ ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ સમજાવ્યુ છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ. વિગતે જોઇએ તો બાળપણમાં આશ્રમ જીવન જીવવાનું અને ધર્મનો અભ્યાસ કરી શંખની જેમ ધર્મનો જયઘોષ કરવાનો. યુવાવસ્થામાં ચક્રની જેમ ફરી વળવાનું અને અર્થનું ઉપાર્જન કરવાનું, વાનપ્રસ્થ અવસ્થામાં ગદાની જેમ કામનાઓ પર નિયમન રાખવાનું અને અંતે વૃદ્ધાવસ્થામાં કમળની જેમ બધી જ બાબતોથી પર થઇને ઈશ્વરમાં મન પરોવવું.
એ જ રીતે જીવનનાં મુખ્ય ત્રણ તબક્કાઓ બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થાને આપણે વિગતવાર જોઇએ. પ્રથમ તબક્કો તે બાળપણ. બાળક એટલે ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ. માતાના પેટમાં નવ મહિના સુધી તૈયાર થયેલો હાડમાંસનો જે પિંડ જ્યારે આ પૃથ્વી પર પહેલો શ્વાસ લઇને એમ રુદન કરે છે જાણે કે પોતાના અલગ વ્યક્તિત્વની આલબેલ પોકારતો ન હોય.
બાળપણ એટલે વિસ્મયનો ખજાનો. બાળપણ એટલે નિર્દોષતાનું જીવતું જાગતું રૂપ. બાળક જ્યારે મરક મરક મલકે ત્યારે સમગ્ર પ્રકૃતિ તેના હાસ્યમાં સમાઇ જાય છે. એ પોતાની ટબુકલી આંખો વડે આસપાસની દુનિયા જુએ છે ત્યારે આખા જગતના રહસ્યોને પણ એ રહસ્યમય લાગે છે. ટચુકડી હથેળીમાં આપણી આંગળીને જકડી લે ત્યારે અનેક જન્મો કુરબાન કરવાનું મન થઇ આવે. બાળક એટલે કાળમીંઢ પર્વતની ગોદમાંથી વહી આવતું એક નાનકડું ઝરણું. એ પોતાની મસ્તીમાં વહેતું રહે. શિખર પરથી દડબડ કરતું દોડ્યું આવે, કિલકિલ કરતું ગાતું જાય, છમછમ કરતું નાચતું જાય. એ પોતાના ઉદભવ અને ગંતવ્યથી સાવ બેખબર બસ પોતાની મસ્તીમાં જ મસ્ત રહે. દુનિયાદારીની એકપણ આંટીઘૂંટીમાં પડ્યા વગર માત્ર ને માત્ર પોતાની ધૂનમાં વહેતા રહેવાની અવસ્થા એટલે બાળપણ.
વર્ષો વીતતા જાય અને આ ઝરણું વધુ વેગવાન બનતું જાય વધુ વિશાળ પ્રવાહમાં ફેરવાઇ જાય. જમીનને સ્પર્શ થતાં જ તેને પાંખો ફૂટે અને ઝરણું નદીમાં તબદિલ થાય. બાળપણમાંથી મુગ્ધાવસ્થા, કિશોરાવસ્થા અને યુવાવસ્થા આવતી જાય. યુવાવસ્થા આવતા જ પેલું કાલુંઘેલું બાળપણ અદૃશ્ય થવા લાગે. છોકરાના ચહેરા પર ઊગી નીકળતી કૂણી કૂણી મૂંછોના દોરા, ગાલ પર થતા ખીલ, ગળાનો ઉપસતો જતો હૈડિયો, વિશાળ ખભા, પહોળી છાતી અને બદલાતી ચાલ જાણે યુવાનીની ચાડી ખાવા લાગે. અને એવી જ રીતે ભોળીભટાક ગુલાબની કળી જેવી છોકરી અચાનક કાચી કેરી જેવી રસબસતી થઇ જાય, ત્વચાનો રંગ ખુલવા લાગે, ચહેરાની રોનક બદલાઇ જાય, ચાલમાં લચક ઉમેરાઇ જાય,વાળ રેશમી અને આંખો શરબતી થઇ જાય. યુવાનીની વસંત માત્ર શરીર પર જ નથી બેસતી એ તો દિલોદિમાગને પણ ગુલાબી ગુલાબી બનાવી દે છે, આ ક્યો જાદૂ છે જે સાવ અણધાર્યા ફેરફાર લાવી દે છે! જાણે કોઇ રેશમી પીંછુ સમગ્ર અસ્તિત્વ પર ફરી વળે છે અને આંખથી શરૂ કરીને સપના સુધીનું બધું જ રેશમ રેશમ કરી નાંખે છે.
યુવાની એટલે માત્ર ગુલાબી-રેશમી અવસ્થા જ નહી, એ તો નદીનો ધસમસતો પ્રવાહ છે માર્ગમાં આવતી અનેક અડચણોને પોતાની સાથે તાણી જાય. મુશ્કેલીઓના પથ્થરોને કિનારા પર ફેંકીને પોતાની ગતિથી આગળ વધ્યે જાય છે. એને પોતે નક્કી કરેલ ગંતવ્ય સુધી પહોંચવાની ઉતાવળ હોય છે, તાલાવેલી હોય છે, એને બેસે રહેવું ન પાલવે. એ પોતાની તમામ તાકાત કામે લગાડીને પોતાના રસ્તા ખુદ કંડારે છે, એ ક્યારેક ચંચળ છે તો ક્યરેક ધીરગંભીર છે. તેને આકાશને આંબવું છે, તેને ક્ષિતિજની પેલે પાર જવું છે, તેને રણમાં ગુલાબ ખીલવવા છે, તેને સમુદ્રમાંથી મોતી શોધી લાવવા છે. તેને મબલખ સપનાને સાચા પાડવાની હોંશ છે. યુવાનીનો જાદૂ દરેક પર જુદીજુદી રીતે અસર કરે છે જેવી રીતે કોઇ નદી એવી પૂરપાટ વહે કે આસપાસના વિસ્તારને પણ પાયમાલ કરી દે, કોઇ વળી ગંભીર ચાલે ચાલીને કિનારા પર હરિયાળી ઉગાડી દે, કોઇ એટલી ઉતાવળી ચાલે કે અવળા માર્ગે ફંટાઇ જાય અને કોઇ એટલી બધી સુસ્ત કે અધવચ્ચે જ સુકાઇ જાય. યુવાનીના અનેક રંગ અને અનેક છટા.
આ પ્રવાહો ધીમેધીમે આગળ વધતા જાય તેમ શાંત થતા જાય છે. દરિયો નજીક દેખાવા લાગે તેમ નદીની ચાલ સંયમિત થવા લાગે એવી જ રીતે ચાલીસી પછી માણસ ધીમો પડવા લાગે. પોતાના પથારા વધારતો અટકી જાય કારણકે સંકેલો કરવાનો સમય નજીક દેખાવા લાગે.ચહેરાની નમણાશ ઓછી થવા લાગે,વાળમાં સફેદી ડોકાવા લાગે,ચાલ બદલાવા લાગે,સપનાઓ ઓછા થવા લાગે, મન આળુ થવા લાગે અને અરીસા સામેથી પસાર થતા જ ચોંકી જવાય કે આ કોણ છે? હું છું ? હજું હમણા સુધી પતંગિયાની પાંખો પહેરીને કોઇ અંદર ઉડાઉડ કરતું હતું તે ક્યાં ગયું? અને સચ્ચાઇ સામે આવતા જ સફાળા ઝબકી જવાય કે વૃદ્ધાવસ્થા દરવાજા પર ટકોરા મારે છે.આ સચ્ચાઇને કોઇ જ દલીલ વગર સ્વીકારી લે તે જ જણ જીવ્યો પ્રમાણ.
સમય સરતો રહે અને શરીર જર્જરિત થતું જાય. આંખની ઝાંખપ વધતી જાય અને અંતઃચક્ષુઓ ખુલતા જાય.કાને સંભળાતું ઓછુ થાય પણ અંદરનો કોઇ ગેબી નાદ સંભળાયા કરે અવિરત. ત્વચાની કરચલીઓ વધતી જાય અને કોઇ અદીઠો સ્પર્શ આત્માને સ્પદિત કર્યા કરે. વાણી સાથ છોડતી જાય અને અંદરનો એકતારો અખંડધૂનમાં રમમાણ રહ્યા કરે. નાકને ગંધ-સુગંધમાં ફેર વર્તાતો બંધ થાય પણ નાભિચક્રમાં એક સહસ્ત્રદલ કમલ સુગંધ પ્રસરાવતું રહે અને આમ જ પંચેન્દ્રિયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધના વળગણોથી અલિપ્ત થવા લાગે. કહેવાય છે કે વૃદ્ધિ પામે તેને વૃદ્ધ કહેવાય છે. શનૈઃ શનૈઃ આવતા બદલાવોને સ્થિતપ્રજ્ઞ બનીને જોતા શીખી જાય તે વૃદ્ધિ પામ્યો છે તેમ કહી શકાય.
વૃદ્ધાવસ્થા એટલે જાણે સફીદ દાઢી મૂંછ ધારણ કરેલ કોઇ વિશાળ દરિયો. વૃદ્ધાવસ્થાને દરિયાના જ રૂપક વડે જોઇએ તો ગજબની સામ્યતા નજરે ચડે છે. એનું એક અનોખુ ઊંડાણ, એક અનોખી ધીરગંભીરતા, એક અનોખુ સંગીત અને અનોખી વિશાળતા. એના હૈયે વડવાનલ ધૂણ્યા કરે પણ એ તો અડગ અને અચલ જ રહે. એની હળુહળુ વહેતી લહેરો સાથે એ બોખું બોખું મલક્યા કરે. એની લહેરોમાં કોઇ પગ ઝબોળે તો કોઇ ડૂબકી લગાવે. કોઇ તરતાં શીખે તો કોઇ મરજીવા બની મોતી શોધી લાવે, જેવી જેની પાત્રતા તેવું તે પામે. દરિયો તો રત્નાકર કહેવાયો છે અને એ આપવા જ બેઠો છે. લઇ શકાય એટલું આપણું. દરેક પોતાની સમજણ અને આવડત મુજબ દરિયાને જાણી, માણી અને પ્રમાણી શકે છે. એના કિનારાની રેતી પર નામ લખાતા જાય ભૂંસાતા જાય, નાનાનાના મહેલ ચણાતા જાય ધ્વસ્ત થતા જાય,પગલા પડતા રહે વિલીન થતા રહે પણ દરિયો તો શંત અને અવિચળ એને કોઇ ચલિત ન કરી શકે.
ઉંમરના આ આખરી પડાવે માણસ સમજી જાય છે કે હવે યાત્રા સમેટી લેવાના દિવસો આવ્યા. આ દિવસોમાં આખા જીવનના સરવૈયાને શૂન્યમાં પરિવર્તિત કરીને ચોપડા બંધ કરી દેવાના હોય છે. 'ક્યા ખોયા-ક્યા પાયા'ની ગણતરીઓમાંથી બહાર આવી ખાતા બંધ કરવાના હોય છે. આ પડાવે જ્ઞાનાગ્નિમાં બધા જ કર્મો હોમી દેવાના હોય છે. સાધના, સાધન, સાધક અને સાધ્ય એકમેકમાં ભળી જાય એવી ઊંચાઇએ પહોંચવાનું હોય છે અને અંતે એક દિવસ મૃત્યુદેવના અવિરત ચલતા મહાયજ્ઞમાં પોતાની જાતને સમીધ બનાવી હોમવાની હોય છે. આ નશ્વર કાયાની માયા છોડી પેલા માયાવી જાદૂગરના શરણે જવાનું હોય છે.
આમ, માનો કે ન માનો... બાળક બનીને આવ્યા, યુવાન થયા અને વૃદ્ધ બનીને મૃત્યુના મુખમાં હોમાઇ જવા સુધીનું આ ચક્ર અનંતકાળથી ચાલ્યું આવ્યું છે અને ચાલતું રહેશે. પુનરપિ જનનમ્ પુનરપિ મરણમ્, પુનરપિ જનનિ જઠરે શયનમ્ - કહીને આ ચકડોળમા ફર્યા કરવાનું અને પુનઃ પુનઃ ગાતા રહેવાનું... જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ.
---પારુલ ખખ્ખર