ઝંઝા અને જીવન - 13 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

ઝંઝા અને જીવન - 13

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


તેર

કૃપાશંકર પર ભીખુભાઈ વ્યાસનો પત્ર આવ્યો. એમણે લખ્યું છે કે થોમસ સુનિતા સાથે તમે વલસાડ પહોંચો. ત્યાંથી આપણે તમારી ગાડીમાં જ ધરમપુર બીલપુડી જવાનું છે. ત્યાંનો પહાડી પ્રદેશ અને નૈસર્ગિક દૃશ્યો તમને બધાંને ગમશે. અહીંના અંતરિયાળ વિસ્તારમાં વસતાં આદિવાસીઓનું જીવન કોરા કાગળ જેવું છે. તેઓ કંગાલ સ્થિતિમાં જીવે છે. એમની વચ્ચે કામ કરવું કઠિન છે. એ કઠણાઈને ઉપાડીને અમારું કામ ચાલી રહ્યું છે. મારા આ પત્રનો જવાબ તમે મને મોબાઈલ દ્વારા આપશો. પત્ર સુનિતાએ વાંચ્યો. અનુવાદ કરીને થોમસને સંભળાવ્યો.

સુનિતા અને થોમસે કૃપાશંકરને કહ્યું, ‘‘દાદા તમે હાલ ને હાલ ધરમપુર જવાની તારીખ નક્કી કરીને ભીખુભાઈને ફોન કરો. આપણે ત્યાં જલદીથી પહોંચવું છે. વધારે સમય વેડફવો નથી. અમે કઠિનતા વેઠવાનો સંકલ્પ કર્યો છે. હવે એમાં વિલંબ કરવો એ યોગ્ય નથી.’’

કૃપાશંકરે ભીખુભાઈને ફોન કરીને જણાવ્યું કે અમે રવિવારના દિવસે અહીંથી કાર દ્વારા વલસાડ પહોંચીશું. ત્યાં તમે હાજર રહેજો.

નક્કી કર્યા મુજબ વલસાડ પહોંચ્યાં. ત્યાં ભીખુભાઈ હાજર હતાં. એમને લઈને સાંજે ધરમપુર બીલપુડી પહોંચ્યાં. અહીં કોકિલાબહેન વ્યાસે રસોઈ તૈયાર રાખી હતી. તે જમીને બધાં થાક્યાં પાક્યાં શયનાધીન થયાં.

સવારના સમયે ખુશમિજાજ હવામાં સુનિતા અને થોમસ બીલપુડી સંસ્થાના પ્રાંગણમાં ફરવા લાગ્યાં. ખીલેલાં ફૂલડાં ગુડમોર્નિંગ કહીને એ બન્નેનું સ્વાગત કરતાં હતાં. સંસ્થાનું નિરીક્ષણ કરતાં તેઓ વનકન્યા નિવાસમાં પહોંચ્યાં. ત્યાંની ભલી ભોળી કન્યાઓએ એમને આવકાર આપ્યો. એમની સાથે સુનિતાની વાતો ચાલતી હતી. એ સમયે જ કોકિલાબહેને ચા-નાસ્તા માટે સંદેશો મોકલ્યો.

નાસ્તો કરતાં થોમસ કહે, ‘‘કોકિલાબહેન, તમારી સંસ્થા જોઈને અમને બન્નેને આનંદ થયો છે. અમને અહીં હમેશાં રહેવાનું બને તો પણ ગમશે. એણે સુનિતા તરફ ફરીને કહ્યું, ‘‘સુના, તેં ઘણીવાર મને ગરીબ લોકોના કલ્યાણનું તારું ચિત્ર બતાવ્યું છે. અહીંના છાત્રાલયમાં આપણે ગરીબ કન્યાઓનો આદરભાવ જોયો, એમાં તને તારી કલ્પનાનાં ચિત્રનું દર્શન થયું ને ?’’

સુનિતા કંઈ બોલે એ પહેલા કૃપાશંકર કહે, ‘‘થોમ, આ કોકિલાબહેને જુગતરામ દવે નામના મોટા શિલ્પકાર પાસે રહીને નકશીકામની દીક્ષા લીધી છે. એથી એ અણઘડ પથ્થરની શિલાને નજાકતતાથી કંડારે છે. એમાં પ્રાણનું નિરૂપણ કરે છે. તમે જે કન્યાઓને મળીને આવ્યાં, એમનું મલકાતું વદન જોયું તેથી તમને પણ પ્રસન્નતાની અનુભૂતિ થઈ. આ સર્જન કરનાર કલાકારનું જીવન ધન્ય છે. સુનિતાએ મારી આગળ પણ એની કલ્પનાનું ચિત્ર દોર્યું છે. તમારે બન્નેએ કોઈ ગુરુ દ્વારા દીક્ષિત થવું જરૂરી છે.’’

સુનિતાએ કંઈ જ બોલ્યા વિના થોમસ સામે જોયું.

ભાદ્રપદનો તીખો તાપ. વૃક્ષની ઘટામાં પંખીડાં જંપીને લપાયાં હતાં. થોમસ માટે આ બફારો અસહા હતો. એના અંગાંગમાંથી પરસેવો રેલાતો હતો. પંખો લાચાર થઈને ગરમ હવા ફોંકતો હતો. શીતલ રિસાઈને એના પિયર ઉત્તરાપંથે ચાલી ગઈ હતી. સાડા ત્રણ વાગે કોકિલાબહેન મોળી છાસ લાવ્યાં. થોડી વારે હાંડવો પણ લાવ્યાં. એનો નાસ્તો કરીને ધીરે ધીરે બધાં તૈયાર થયાં. ડ્રાઈવરે ગાડી તૈયાર કરી. ગાડીએ વેગ પકડ્યો પછીથી ભીખુભાઈને કહ્યું, ‘‘આપણે જ્યાં જવાનું છે ત્યાં ઠેઠ સુધી ગાડી જશે નહીં. એકથી દોઢ માઈલ પગપાળા ચાલવું પડશે. એ પગદંડીના રસ્તે વાગડા નામના ગામે પહોંચીશું. ત્યાંના સરપંચ મંગાજી મને ઘણા સમયથી કીધાં કરે છે કે, અમારા ગામમાં સંસ્થા શરૂ કરો. સંસ્થા માટે જમીન આપવા એ ગામના લોકો તૈયાર છે. આ ગામ શિક્ષણથી વંચિત છે. ત્યાં શાળા, છાત્રાલય અને આરોગ્ય કેન્દ્રની જરૂરત છે. થોમસ અને સુનિતા ધરમપુરમાં રહીને ત્યાંની સંસ્થાનું સંચાલન કરી શકશે.’’ ભીખુભાઈએ કરેલી આ વાત સુનિતાએ થોમસને અંગ્રેજીમાં કહી.

ગામ આવ્યું. શાળાનું મકાન દેખાયું. એની બાજુમાં ગ્રામપંચાયતનું મકાન હતું. એની દીવાલે બીડીની જાહેરાત વંચાતી હતી. એસ.ટી. બસ ઊભી હતી. ચાની કીટલી આગળ બે માણસ બેઠા બેઠા બીડીઓ ફૂંકતા હતા. એ જગ્યાથી થોડે દૂર ગાડી ઊભી રાખી, ભીખુભાઈ રસ્તાના જાણકાર હોવાથી તેઓ આગળ થયા. સખી, ભીખુભાઈ રસ્તાના જાણકાર હોવાથી તેઓ આગળ થયા. ડુંગરાળ પ્રદેશની કેડી ઊંચે જતી - નીચે જતી, તીર કમાને થતી હતી. લીલા ઘાસથી ડુંગરા હરિયાળા લાગતા હતા. ઘાસના ફૂલનું આગવું સૌન્દર્ય આંખને ગમતું હતું. ઇન્ડિયાની આ અંતરિયાળ ધરતી થોમસ જોતો જોતો ચાલતો હતો. વાગડા ગામના ઝૂંપડાં દેખાયાં. મંગાજીના ઘરે પહોંચ્યા. તે હાજર નહોતા. એમના દીકરાની વહુએ ખાટલા ઢાળીને મહેમાનોનું સ્વાગત કર્યું. ખજૂરીના બે પંખા એમની આગળ મૂક્યા. પાણીના પ્યાલા ધર્યાં. કેટલાંક ટાબરિયાં ડોકિયાં કરીને ખાસ તો થોમસને જોતાં હતાં. મંગાજી બાજુના ગામે ગયા હોવાથી મોડું થવા સંભવ હતો.

ભીખુભાઈ અને કૃપાશંકરની રજા લઈને થોમસ અને સુનિતા ગામનાં ઝૂંપડાં જોવા નીકળ્યાં. મકાઈના ખેતર વચ્ચેની કેડીએ ચાલતા એ બન્ને એક ઝૂંપડે પહોંચ્યાં. એમને જોઈને કૂતરો ભસવા લાગ્યો. એને બચ્ચકારીને ઘર માલિકે એના વાડા બહાર ડોકિયું કર્યું. એ કહે,

‘‘કોનું કામ છે ?’’

સુનિતા કહે, ‘‘તમારું કામ છે. તમારું નામ શું છે ?’’

એ કહે, ‘‘ખેતાજી.’’

સુનિતાએ એને પૂછ્યું, ‘‘તમારા ગામના છોકરાંઓ માટે છાત્રાલય, સ્કૂલ અને દવાખાનું બને તો તમને ગમે ?’’

ખેતાજી કહે, ‘‘સ્કૂલ છે. દવાખાનું અને છાત્રાલય બને તો ઠીક છે. એણે થોમસ સામે જોઈને આગળ લંબાવ્યું. લોકો કહે છે, એમ પૈસાની લાલચ આપીને કોઈ ધરમ ફેર કરવાનું તો નથી ને ?’’

સુનિતા કહે, ‘‘ના એવું કંઈ જ નથી.’’

ખેતાજી કહે, તો અમને કોઈ વાંધો નથી.

અહીંથી બન્ને આગળ ચાલ્યાં, દૂરના એક ઝૂંપડે જઈને જોયું તો અંદર એક ડોશી ટૂંટિયું વાળીને સૂતી હતી. એના જર્જરિત અંગ પર ગાભા જેવો ચણિયો હતો. માથાંના સફેદ ઝટિયાં છૂટાં હતાં. ટેકણ લાકડી ખાટલીના ટેકે ઊભી હતી. સુનિતાએ એને પૂછ્યું,

‘‘માજી, તમારી તબિયત ઠીક છે ?’’

ડોશી કહે, ‘‘તમે કોણ છો ? સ્કૂલનાં માસ્તર છો ?’’

સુનિતા કહે, ‘‘અમે શહેરમાંથી તમારી ખબર પૂછવાં આવ્યાં છીએ. તમારા દીકરા ક્યાં છે ?’’

ડોશી કહે, ‘‘બે દીકરા શે’રમાં મજૂરી કરવા ગયા છે. હોળીના દિવસે એ આવશે.’’

સુનિતા કહે, ‘‘તમને ખાવાનું કોણ આપે છે ?’’

ડોશી કહે, ‘‘મારા મોટા દીકરાની વહુ બે દિવસે આપી જાય છે. તે ખાઉં છું.’’

સુનિતાએ એને દસ રૂપિયા આપ્યા, એ નોટને હાથમાં લઈને જોવા લાગી. એ દસની નોટને ઓળખી ગઈ. એના મોઢાની લબડતી કરચલીમાં સુરખી દેખાઈ આવી.

ત્યાંથી બન્ને આગળ ચાલ્યાં. એક ઝૂંપડી પાસે પહોંચ્યાં. એ ઝૂંપડાંમાં ડોસા ડોસી રહેતાં હતાં. ડોસાને વૃદ્ધત્વ ઘેરી વળ્યું હતું. તે ખાટલાવશ હતો. ડોશી ખખડધજ હતી. તે ડોડામાંથી મકાઈના દાણા છૂટા પાડતી હતી. એને સુનિતાએ પૂછ્યું, ‘‘તમે કેમ છો માજી ?’’

માજી કહે, ‘‘તમે કોણ છો ?’’

સુનિતા કહે, ‘‘અમે શહેરથી આવ્યાં છીએ. તમારી ખબર પૂછવા માટે. તમારા દીકરા ક્યાં રહે છે ?’’

માજી કહે, ‘‘એ અમદાવાદ મજૂરી કરવા ગયો છે. તે હોળીના તહેવારમાં પાછાં આવશે.’’

સુનિતા કહે, ‘‘ગામમાં દવાખાનું શરૂ થાય તો તમને ગમે ?’’

માજી કહે, ‘‘અહીં આવીને તમારી જેમ ઘણા કહી જાય છે. પણ કશું જ થતું નથી. દીવાબત્તી માટે વીજળી આપવાનું કહી ગયા તે પાછા આવ્યાં જ નથી.’’

અહીંથી તેઓ નજીક દેખાતા ઘર તરફ વળ્યાં. એ ઘર આગળની જગ્યાએ વાડ હતી. એના ઝાંપા આગળ ચાર પાંચ છોકરીઓ ઊભી હતી. સુનિતા એમની સાથે વાતો કરતી હતી. એ દરમિયાન થોમસ એ ઘરમાં ગયો. ત્યાં ખુરશી ટેબલ હતાં. એની પર બેસીને બે માણસો કંઈક લખવાનું કામ કરતાં હતાં. એક ખુરશી ખાલી હતી. થાકેલો થોમસ તેના પર બેઠો. પેલા બેમાંના એક માણસે થોમસને પૂછ્યું,

‘‘તમારે કોનું કામ છે ?’’

થોમસ કહે, ‘‘આઈ ડોન્ટ નૉ ગોજલાતી.’’

એ માણસ બોલ્યો, ‘‘હેતુ વગર અહીં કોઈ આવે નહીં. આ ભૂરિયો કદાચ ધર્મના પ્રચાર માટે આવ્યો લાગે છે.’’ એજ સમયે સુનિતા આવી. એને એ માણસે પૂછ્યું,

‘‘આ ભૂરિયાને લઈને તમે આવ્યા છો ? તમે ખ્રિસ્તી છો ?’’

સુનિતા કહે, ‘‘એ મારો પતિ છે. મારું નામ સુનિતા મધુસૂદન દવે છે. મારા પતિનો ધર્મ એ મારો ધર્મ બને છે.’’

પેલો માણસ બોલ્યો, ‘‘હું કહેતો હતો ને ? કે હેતુ વિના અહીં કોઈ આવતું નથી. આ ભૂરિયાએ આ બ્રહ્મણની છોકરી સાથે લગ્ન કરીને એને ખ્રિસ્તી બનાવી છે. હવેથી એની ઓથમાં અહીંના ગરીબ આદિવાસીઓને લાલચ આપીને વટલાવશે. ધર્મ પરિવર્તન કરાવનારી મિશનરીઓનો આ રીતે જ પગપેસારો થતો હોય છે.’’

સુનિતા કંઈક બોલવા જતી હતી. એનું કંઈ પણ સાંભળવા એ માણસ તૈયાર નહોતો. આક્રોશથી એ બોલ્યો જ જતો હતો.

બીજા માણસે ઊભા થઈને સુનિતાને કહ્યું, ‘‘બહેન, તું આ ભૂરિયાને લીઈને જ્યાંથી આવી હો ત્યાં જલદીથી ચાલી જા.’’ સુનિતા અને થોમસ મંગાજી સરપંચને ઘરે પાછા ફર્યાં.

કૃપાશંકર કહે, ‘‘મોડું કર્યું. અત્યાર સુધી ક્યાં હતાં ?’’

સુનિતાએ જ્યાં જ્યાં ફર્યાં હતાં એ જણાવીને છેલ્લે જે ઘટના બની એનું પણ વર્ણન કર્યું. ભીખુભાઈ, કૃપાશંકર અને મંગાજીના કુટુંબીજનો ધ્યાનથી સાંભળતાં હતાં.

મંગાજી કહે, ‘‘બહેન, એ અમારી જૂથ ગ્રામપંચાયતનું મકાન છે. તમને ત્યાંથી રવાના કરનાર તલાટી છે. એની સાથે જે ભાઈ હતા એ હિન્દુધર્મના સંગઠક છે. થોમસને જોઈને એ ગરમ થયા હશે. તમે એમને કીધું હોત કે અમે સરપંચના ઘરે આવેલાં છીએ તો એ તમારી સાથે અહીં આવ્યા વિના ન રહેત. ખેર ! જે બની ગયું એને ભૂલી જાવ. એના બદલ હું તમારી માફી માંગુ છું.’’

કૃપાશંકર અને ભૂખુભાઈ કંઈ પણ બોલ્યાં નહીં. માત્ર એકબીજા સામે જોયા કર્યું. સુનિતાને લીધે થોમસને ગુજરાતી ભાષાનો ખ્યાલ આવે છે, એને બોલતાં ફાવતું નથી. મંગાજી જે બોલ્યા, એમાં એને સમજ પડી નહોતી. એ ગમગીન જરૂર હતો. ભારતના ગરીબો માટે કંઈક કરી છૂટવાનો સંકલ્પ સુનિતાએ કરેલો છે. થોમસના મનમાં પણ કશીક મથામણ ચાલતી હતી.

કોકિલાબહેને રસોઈ તૈયાર રાખી હતી. ભોજન પછીથી પ્રાર્થના થઈ, એમાં તમામ વિદ્યાર્થીઓ હાજર હતા. સુનિતા કહે, ‘‘હવે ઊંઘવું જરૂરી છે.’’

બીજા દિવસે ત્રણ વાગ્યા સુધી આરામ કર્યો. ભીખુભાઈએ મહારાષ્ટ્રની સરહદ તરફના સાપુડા ગામે જવાનું નક્કી કર્યું. થોમસ માટે બપોરનો તડકો ત્રાસદાયક હતો. તો પણ એ તૈયાર થયો. ડ્રાઈવરે ગાડી હંકારી.

ડુંગરાના ઢોળાવમાં નાનાં ખેતરોમાં લોકો કામ કરતાં હતાં. એ જોઈને થોમસને પોતાનાં ખેતર યાદ આવ્યાં. એ ખેતર તો માઈલો લાંબા ચૌડા છે. એના પિતા પીટર ફાર્મહાઉસમાં બેઠાં બેઠાં યંત્રો દ્વારા ખેતી સંભાળે છે. અહીં ભારતમાં જમીનના નાનાં ટુકડા જેવા ખેતરમાંથી જે પાકે એના વડે લોકો પોતાનો ગુજારો કરતાં હશે. આ દેશની ગરીબી ઘટે કઈ રીતે ? એણે બાજુમાં બેઠેલા કૃપાશંકરને કહ્યું, ‘‘દાદા, આ ટચૂકડાં ખેતર જોઈને મને લોકોની દયા આવે છે.’’

કૃપાશંકર કહે, ‘‘ભારતમાં સાત લાખથી વધારે ગામડાં છે. ખેતી સિવાય અહીંના લોકો પાસે અન્ય કોઈ આવકનાં સાધનો નથી. વસતી વધારાના કારણે જે ખેતર હતાં એનાં ટુકડા થયાં છે. એવાં ખેતરની ટૂંકી આવકમાંથી ભરણપોષણ ન થવાથી લોકો મજૂરી માટે શહેરમાં જાય છે. એથી શહેરની ગંદી ઝૂંપડપટ્ટીઓ વધતી જ જાય છે.’’

સુનિતા કહે, ‘‘દાદા, વસતીવધારા વિશેનું પુસ્તક મેં અહીં ઈન્ડિયા આવીને પણ વાંચ્યું છે. એમાં વસતીના વિસ્ફોટથી ઊભા થતા પ્રશ્નોની વાતો ચર્ચી છે. વસતી વધારાના જે કારણો બતાવ્યાં છે એ ઉપરછલ્લાં છે. વસતીવધારાના ઉદ્દભવનું કારણ લખ્યું જ નથી. અમેરિકન લેખકે જ્ઞાતિપ્રથાનું કારણ બતાવ્યું છે. મને એ સાચું લાગે છે.’’

આ ચર્ચા દરમિયાન સાપુડા આવી ગયું. ગાડી રૂપશી સરપંચના ઘર આગળ પહોંચી. રૂપશી હાજર હતા. ભીખુભાઈને એ જાણતા હતા. એમણે બધાંને આદરથી યોગ્ય જગ્યાએ બેસાડ્યા.

ભૂખુભાઈએ કહ્યું, ‘‘રૂપશીભાઈ, તમારા ગામમાં છાત્રાલય અને શાળા શરૂ કરવા માટે તમે મને વાત કરેલી છે. એ કામ માટે અમે અહીં આવ્યા છીએ. સામે બેઠા છે એ કૃપાશંકર દવે છે. આ સુનિતાબહેન એમની પૌત્રી છે. આ થોમસ એમના પતિ છે. તમારા ગામનો સરવે કર્યા પછીથી એમને યોગ્ય લાગે તો અહીં સંસ્થા શરૂ કરવાનો વિચાર તેઓ કરશે. અમારી હાજરીમાં તમે ગામ લોકોને ભેગા કરો. એમને પૂછો કે સંસ્થા શરૂ થાય એ માટે બધાં રાજી છે ? જરૂરી સહકાર આપવા સૌ તૈયાર છે ? પંદરથી વીસ એકર જેટલી જમીન આપવા લોકો તૈયાર હોવા જરૂરી છે.’’

રૂપશીએ ઢોલ વગડાવ્યો. લોકોને ભેગાં કરીને બેસાડ્યાં. સંસ્થા શરૂ કરવા માટેની વિગત જણાવી. બધાં લોકો અંદરોઅંદર ગપસપ કરવાં લાગ્યાં. એક જણ ઊભો થઈને બોલ્યો,

‘‘અમારા બાળકોને ખ્રિસ્તી બનાવી દેશે એવી અમને શંકા છે. તેથી અમારે હિન્દુધર્મના સંગઠકને પૂછવું જરૂરી છે. જમીન બાબતે પણ એ અમને સલાહ આપશે.’’

રૂપશી કહે, ‘‘આ ભીખુભાઈને હું ઘણાં વરસોથી જાણું છું. તમારામાંથી પણ ઘણાં એમને જાણે છે. આ મહેમાનોને તેઓ અહીં લાવ્યાં છે. ધર્મ બદલવાની આમાં કોઈ વાત નથી.’’

રૂપશીની વાત સાંભળ્યાં પછીથી પણ લોકોનાં મનનું સમાધાન થયું નહોતું. એમનું કહેવું હતું કે સંગઠક જે સલાહ આપે એમ થશે. ખાસ તો થોમસને જોઈને એ બધાને વહેમ થતો હતો કે આ અંગ્રેજ ખ્રિસ્તી ધર્મપરિવર્તન કરાવવાના ઉદ્દેશ વિના અહીં આવે શા માટે ?

ભીખુભાઈ કહે, ‘‘લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. તમે બધાં મોઢું ધોવાં જાવ છો તો એ તમારી રાહ જોઈને ઊભી હશે ખરી ?’’

ડ્રાઈવરે ગાડી બીલપુડી પહોંચાડી દીધી. કોકિલાબહેને રસોઈ તૈયાર રાખી હતી. જમ્યાં પછીથી પ્રાર્થના થઈ, નીંદરે રસાયણ પાઈ દીધું. બીજા દિવસે અમદાવાદ થઈને ભાણવડ પહોંચી ગયાં.