ઝંઝા અને જીવન - 12 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંઝા અને જીવન - 12

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


બાર

કૃપાશંકર, થોમસ અને સુનિતા અમદાવાદ આવ્યાં. શહેરની મોટી હોટલમાં રહેવાનું રાખ્યું. એમણે શહેરનો સમૃદ્ધ વિસ્તાર જોયો, જૂના શહેરની પોળો પણ જોઈ.

થોમસ કહે, ‘‘દાદા, ઈન્ડિયાને માથે ભૂખડીબારસનો ટોણો છે. એ વાત ખોટી છે. અહીંના વૈભવી બંગલા જેવા મકાનો અમેરિકામાં પણ નથી.’’

કૃપાશંકર કહે, ‘‘થોમસ, મહેલ જેવાં આ મકાનો જોઈને તને લાગે છે કે આખું ઈન્ડિયા આવું જ હશે. આપણે ઈન્દ્રવદનને મળીશું, એ આપણને અહીંની દરિદ્રતાના દર્શન કરાવશે.’’

તેઓ ઈન્દ્રવદનને મળ્યાં, એ રામાપીરના ટેકરાના નામે ઓળખાતી ઝૂંપડપટ્ટીએ લઈ ગયા, રમેશભાઈ ચાવડાને તે જાણતા હતા. તેમણે પાનના ગલ્લાવાળા ભાઈને પૂછ્યું,

‘‘રમેશભાઈ ચાવડાના ઘરે ક્યાંથી જવાશે ?’’ એણે કહ્યું, ‘‘તમારે જે કામ હોય તે મને કહોને, હું પતાવી આપીશ. ભાજપનો હું કાર્યકર છું. હું એમના કામો પતાવી આપું છું.’’

ઈન્દ્રવદને એને પડતો મૂકીને સામેના ઝૂંપડે બેઠેલી બહેનને પૂછ્યું. ‘‘રમેશભાઈને તમે ઓળખો છો ? અમારે એમના ઘરે જવું છે.’’

બહેન કહે, ‘‘રમેશભાઈ તો અહીં ઘણા બધા છે. મારા એમનું નામ પણ રમેશભાઈ છે. એ હમણા છાંટોપાણી લઈને અંદર સૂતા છે. એ તમારું કામ પતાવી આપશે.’’

લોકોનું ટોળું થોમસને જોતું હતું. સુનિતા ટોળાં સામે જોતી હતી. અહીંથી બધાં ઈન્દ્રવદનના કાર્યાલયે પહોંચ્યાં.

સુનિતાએ ઈન્દ્રવદનને પૂછ્યું, ‘‘આપણે એ ઝૂંપડાંની વસાહત આગળ ઊભાં હતાં ત્યારે લોકો કુતૂહલથી આપણને જોતા હતા, એ કોઈના મોઢા પર આપણા પ્રત્યે આદર વ્યક્ત કરવા જેવો ભાવ દેખાતો નહોતો. એમની આ નિષ્ઠુરતાનું કારણ શું ?’’

ઈન્દ્રવદન કહે, ‘‘તમે જે પૂછો છો એવો જ પ્રશ્ન અહીં ભારતના સુખી વર્ગનો છે. આપણા દેશના ગરીબો હજારો વરસોથી ગરીબાઈ સહન કર્યા કરે છે. તેથી એ ઝખમી છે. એમના વંશમાં શિક્ષણે કદીએય ડોકિયું કર્યું નથી. એના માટે આપણી વર્ણપ્રથા જવાબદાર છે. આઝાદીના પાંસઠ વર્ષ પછી પણ એમના સુધી શિક્ષણ પહોંચ્યું નથી. એમની સામેજ શહેરનો ઝાકમઝોળ અસબાબ છે. એ જોઈને એમનું મન વિટંબણાગ્રસ્ત છે. ગરીબાઈ એ કૅન્સરના અસાધ્ય રોગ જેવી છે. એના દર્દથી એ પીડાયા કરે છે. એક માત્ર નસીબ એમને આશ્વાસન આપે છે. આવા અનેક કારણોને લીધે તેઓ આપણને નિષ્ઠુર લાગે છે.’’

થોમસ કહે, ‘‘અમદાવાદના આલીશાન અને વૈભવી બંગલા જોઈને મને થયું કે અહીં ગરીબાઈ હોઈ શકે ખરી ? ઝૂંપડાંનો વિસ્તાર જોઈને લાગ્યું કે અહીં તો દોન ધ્રુવ જેટલું અંતર છે.’’

આગળ બોલતાં ઈન્દ્રવદન કહે, ‘‘ભારતમાં સાડાચાર હજાર જ્ઞાતિઓ છે. આજે દેશની જનસંખ્યા એકસો ને એકવીસ કરોડ ઉપરાંત પહોંચી છે. આ કારણે દેશમાં પ્રશ્નોની ભૂતાવળ છે. ગરીબો અને શિક્ષિત અને સુખી લોકો વચ્ચેનો સેતુ વસતીના બોજથી તૂટી પડ્યો છે. ગરીબો સુધી પહોંચવા માટે સરકાર પણ નિષ્ફળ ગઈ છે. નદી ગાંડીતૂર બની છે. એના ધસમસતાં પૂરમાં કોઈ તરવૈયા પણ તરીને ગરીબો સુધી જવાની હિંમત કરતા નથી. મતલબ કે ગરીબો વચ્ચે કામ કરવું કઠિન છે. તમે બન્ને નવદંપતી અમેરિકાની જાહોજલાલી છોડીને અહીંના ગરીબો વચ્ચે કામ કરવાનો ઉત્સાહ બતાવો છો. એ તો અહીંના નવયુવાન શિક્ષિતો માટે પ્રેરણાનો સ્રોત બની શકે એમ છે.’’

સુનિતા અને થોમસ પોતાનાં વખાણ મૌન બની સાંભળી રહ્યાં.