ઝંઝા અને જીવન - 10 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંઝા અને જીવન - 10

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


દસ

વૃક્ષની ઘટામાં ભરાઈને બેસવા માટે પંખીનાં ટોળાં આકાશમાં ઊડતાં હતાં. ભાણવડના પાદરમાં ગોરજ ઊડી રહી છે. એ સમયે એક ટેક્સીકારે ગામમાં પ્રવેશ કર્યો. ડ્રાઈવરે પાનના ગલ્લા આગળ ટેક્સી ઊભી રાખીને ત્યાં ઊભેલાં માણસને પૂછ્યું,

‘‘કૃપાશંકર દવે ના ઘરે જવું છે.’’ એ માણસે હાથ લાંબો કરીને કહ્યું, ‘‘સામે સફેદ કલરનું મકાન દેખાય છે, એ ઘર એમનું છે.’’ ટેક્સી એ મકાન આગળ પહોંચી એમાંથી એક યુરોપિયન યુવક ઉતર્યો. કારનો અવાજ સાંભળીને કૃપાશંકર બહાર આવ્યાં.

યુવકે એમને પૂછ્યું. ‘‘આર યુ કૃપાશંકર ડબે ? આઈ એમ થોમસ :’’

કૃપાશંકર કહે, ‘‘વેલકમ.’’

ડ્રાઈવર ઘરમાં બેગો મૂકીને રવાના થયો. થોમસને આરામખુરશી પર બેસાડીને કૃપાશંકરે સુનિતાને સાદ પાડ્યો ને કહ્યું, ‘‘તું નીચે આવ, હું તને સરપ્રાઈઝ આપું.’’ સુનિતા કહે મેગેઝિન વાંચતી હતી. એ ધીરેથી નીચે આવી.

સુનિતાએ થોમસને જોયો. હાય, હલ્લો કર્યા વિના બન્ને એકબીજાને વળગી પડ્યાં. થોમસે સુનિતાને ચુંબન કર્યાં. એ જોઈને ઉષાબા લાલપીળાં થઈ ગયાં. રસોડામાં જઈને એ બબડવાં લાગ્યાં. નફ્ફટ ! લાજ વગરનો !

થોમસે સ્નાન કર્યું, કપડાં બદલ્યાં, ડાઈનિંગ ટેબલની ખુરશી પર થોમસ અને સુનિતા બેઠાં હતાં. ઉષાબા, હજી રસોડામાં હતાં. કૃપાશંકર રસોડામાં ગયાં એમણે ઉષાબાના કાન પાસે મોઢું રાખીને કહ્યું,

‘‘આ પરદેશી છે, એની હરકત આપણને ગમે છે કે નહીં, એ વાતનું એને ભાન નથી. આપણી હાજરીમાં મર્યાદાનું ઉલ્લંઘન થયું એ મને પણ ગમ્યું નથી.’’

ઉષાબા કહે, ‘‘આ કપાતરને જલદી અહીંથી વિદાય કરો. આપણી છોકરી પણ નફ્ફટ થઈને એને વળગી પડી. એને પણ કહો કે તું ભારતમાં આવી છો, તો અહીંની લાજ મર્યાદામાં રહેવાનું શીખી લે.’’

કૃપાશંકર કહે, ‘‘તું, એ પરદેશીની હાજરીમાં એક શબ્દ પણ ન બોલતી. આખરે એ આપણા આંગણે આવેલ અતિથિ છે. કોઈપણ સંજોગોમાં એના પ્રત્યે અનાદર થશે તો આપણા સંસ્કારને લાંછન લાગશે.’’

જમ્યાં પછીથી થોમસ સુનિતા વચ્ચે થોડી વાતો અંગ્રેજીમાં થઈ, થોમસ થાકેલો હતો. ઉજાગરા પણ હતા, તેથી એ નીદ્રાધીન થઈ ગયો.

કૃપાશંકર સુનિતાને એક બાજુ બોલાવીને કહ્યું, ‘‘બેટી, તારો ઉછેર અમેરિકામાં થયો છે. એ કારણે તને આપણા દેશની સામાજિક રીતરસમની જાણકારી નથી. અહીં આપણા દેશમાં લાજમર્યાદાનું મહત્ત્વ મોટું છે. જુવાન દીકરીએ વડીલોની અદબ રાખવી જોઈએ. લગ્ન કરેલી દીકરી પણ મા-બાપની હાજરીમાં પોતાના પતિ સાથે બેઅદબ વર્તન કરી શકતી નથી. એ જ રીતે સાસરિયામાં પણ પ્રત્યેક વડીલની હાજરીનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી હોય છે.’’

‘‘થોમસ આવ્યો ત્યારે તમે બન્ને એકબીજાને ભેટીને મળ્યાં, ને થોમસે તારા પર જે રીતે પ્રેમની વર્ષા વરસાવી હતી. એ જોઈને તારી ઉષાબા નારાજ થયાં છે. એવી રીતે પ્રેમને વ્યક્ત કરવાની છૂટ હું પણ આપતો નથી. તું અને થોમસ સવારે ચા-નાસ્તો કરીને ઉષાબા પાસે જાજો. એમને નમન કરીને માફી માંગજો. ‘‘અમારી ભૂલ માફ કરો’’ એ રીતે એમની સમક્ષ તું બોલજે ને ગુજરાતીમાં થોમસને બોલાવજે. મેં તને આપણા શિષ્ટાચારની જે વાત કરી છે તે થોમસને સમજાવવાની જવાબદારી તારી છે.’’

સુનિતાએ સવારે ચા-નાસ્તો કરતી વખતે થોમસને કહ્યું, ‘‘હમણાં જ આપણએ ઉષાબા પાસે જવાનું છે. એમને હું નમન કરું તે રીતે નમવાનું છે, ને હું ગુજરાતીમાં બોલીશ. તે રીતે તારે બોલવાનું છે.’’

સ્નાનાદિ પતાવીને ઉષાબા તુલસીના ક્યારે પાણી રેડીને સૂર્યનમસ્કાર કરતાં હતાં એ દૃશ્ય થોમસે જોયા કર્યું. એમનો એ વિધિ પત્યા પછીથી સુનિતા એમની પાસે ગઈ. એણે ઉષાબાને કહ્યું,

‘‘બા, તમે થોડીવાર આ ખુરશી પર બેસો.’’ એ બેઠાં પછીથી સુનિતા અને થોમસે એમને નમન કર્યા. સુનિતા બોલી, ‘‘અમને માફ કરો.’’ થોમસ બોલ્યો. ‘‘અમલા મોમ્ફા કરડો.’’ ઉષાબા કહે, ‘‘માફ કરું છું,’’ પણ એવી ભૂલ ફરીથી કરતાં નહીં.’’

કૃપાશંકરે સુનિતાને ભારતીય સમાજની લાજમર્યાદા બાબતે જે વાત કરી હતી તે એણે થોમસને વિગતથી સમજાવી. થોમસે એ વાતનો સ્વીકાર કર્યો.

થોમસ અહીં આવ્યો, ત્યારથી સુનિતામાં નવચેતનાનો સંચાર થયો છે. એની હતાશા અને ગમગીની ગાયબ છે. એની હરપળ આનંદોત્સવ બની રહી છે. એણે થોમસને કહ્યું, ‘‘થોમ, આપણા અભ્યાસકાળ દરમિયાન મેં તને ઈન્ડિયા અંગે ઘણી વાતો કરી હતી. આપણી વચ્ચે અહીંના ઘણા પ્રશ્નોની ચર્ચા થતી હતી. એ બધામાં અહીંનો પ્રાણપ્રશ્ન ગરીબી છે. ભારતના ગરીબો સદીઓથી અત્યંત કંગાલ પરિસ્થિતિમાં જીવ્યા કરે છે, એમની વચ્ચે ધ્યેય અને નિષ્ઠાથી કામ કરવું એવું આપણે નક્કી કર્યું હતું. એ તને યાદ હશે. આ વાત મેં દાદાને વિગતે કહી છે, એમણે આપણને સંપૂર્ણ સહકાર આપવાનો ભરોસો આપ્યો છે, આપણું કાર્યક્ષેત્ર પસંદ કરવાથી લઈને આપણને નડતા અવરોધોના ઉકેલ લાવવામાં પણ તેઓ આપણી સાથે જ હશે. તેઓ માને છે કે ગરીબોનું કામ કરવું એ ઈશ્વરની આરાધના છે. અહીંની નગરપાલિકાના તેઓ ચુંટાયેલ સભ્ય છે. અહીંની ગરીબ વસતીમાં કામ કરવામાં તેઓ અગ્રેસર છે.’’

સુનિતાની વાત સાંભળીને થોમસ કહે, ‘‘આપણા અભ્યાસક્રમમાં દુનિયાના કોઈપણ એક દેશની સોશિયોલોજી પસંદ કરવાની હતી. તારી પસંદગી ઈન્ડિયાની હતી. તારા લીધે મેં પણ ઈન્ડિયાની પસંદગી કરી હતી. ઈન્ડિયાની સોશિયોલોજી વિષયનું અધ્યયન કરવાનો લાભ મને તારા લીધે મળ્યો. એ દરમ્યાન તારી સાથે ચર્ચા પણ થતી હતી. એથી મને ઈન્ડિયા વિશે ઘણું જાણવા મળ્યું છે. અહીંના ઘણા પ્રશ્નો છે. એમાં ગરીબાઈ એ જટિલ પ્રશ્ન છે. એની મને ખબર છે.

તારી સાથે લગ્ન કરીને હું ઈન્ડિયામાં જ રહેવાનો છું, ને અહીંના ગરીબ લોકો વચ્ચે કામ કરવાનો મારા સંકલ્પની વાત મેં મારા મમ્મી પપ્પાને વિગતથી કહી છે. એ બન્નેએ સંમતિ દર્શાવી છે. તમામ પ્રકારની આર્થિક મદદ કરવાની ખાતરી પણ આપી છે. દાદાની જેમ તેઓ પણ માને છે કે ગરીબોનું કામ કરવું એ ઈશુની સ્તુતિ છે, તારી સાથે હું લગ્ન કરવાનો છું, એ વાતથી તેઓ બંને રાજી છે. એમણે મને કહ્યું, કે ઈન્ડિયન છોકરી હમેશાં એના પતિને વફાદાર રહીને જીવનભર પતિનો સાથ નિભાવે છે. તને તો તેઓ સારી રીતે જાણે છે. આપણા લગ્નમાં તે બન્ને હાજર રહેવાના છે, તે પછીથી એમની ઈચ્છા ઈન્ડિયામાં ફરવાની છે.’’

ઉષાબાએ સુનિતાને બોલાવી. પોતાની નજીકમાં બેસાડીને કહ્યું, ‘‘બેટા, આપણા સંસ્કાર બ્રાહ્મણના છે. આપણાથી એલફેલ બોલાય નહીં, આપણા વર્તનમાં આછલકાઈ આવે નહીં. એનું ધ્યાન રાખવું જોઈએ. હું અને તું, સ્ત્રીની જાત કહેવાઈએ. આપણાથી મર્યાદાનો ભંગ કદી ન થવો જોઈએ.

આ તારા દાદા જન્મે બ્રાહ્મણ હોવા છતાં જનોઈ પહેરતા નથી, કર્મકાંડ કરતા નથી, પૂજાઅર્ચના કરતા નથી, મંદિરે જતા નથી, આ વાતનું મને ભારોભાર દુઃખ છે. આ બાબતે અમારે ઘણીવાર ચડભડ થતી હતી. હવે હું એમનાથી થાકી છું. જેમ એમને જીવવું હોય એમ ભલે જીવે. મન મનાવીને હું બેઠી છું.’’

સુનિતાએ ઉષાબાએ કહેલી વાત, મેડા પર જઈને કૃપાશંકરને કહી, ‘‘દાદા, તમે બ્રાહ્મણ હોવા છતાં કોઈ પ્રકારના ધાર્મિક કર્મકાંડ કરતા નથી, મંદિરે જતા નથી, જનોઈ પહેરતા નથી. એમાં તમારી કેવી સમજ છે ?’’

કૃપાશંકર કહે, ‘‘ધાર્મિક કર્મકાંડ કરવા, મંદિરે જવું, કે કોઈ ગુરુની પાછળ ફરવું એ બધાનો ઉદ્દેશ પોતાની જાતને સખણી રાખવાનો છે. ઈશ્વરની ભક્તિનો હેતુ પણ એ જ છે. ધાર્મિક કર્મકાંડ કર્યા પછીથી નીતિ કે પ્રમાણિકતાનું પાલન ન થતું હોય તો એ ઈશ્વર સાથેની ઠગાઈ છે. બ્રાહ્મણ એ પ્રથમ માણસ છે. માણસ મટીને બ્રાહ્મણ થવું ને કર્મકાંડ કર્યા કરવાથી સ્વર્ગ મળી જતું નથી. માણસ તરીકે જીવવાથી નરક મળતું નથી. આ સાદી સમજથી માણસ તરીકે જીવવાનું મને ગમે છે. બ્રાહ્મણનો ભારેખમ બોજ ઉપાડીને જીવવાં કરતાં માણસ તરીકે હળવાશથી જીવવું એ કુદરતી વધારે નજીક હશે. એવું મને સમજાયું છે.

બેટી, આપણા દેશમાં શિક્ષિત અને અશિક્ષિત પ્રજા ચમત્કારની વાયકા સાંભળીને ભાન ભૂલે છે. અફડાતફડી મચાવે છે. સાધુબાવા પાછળ ઘેલાં બનીને ફરે છે. મંદિર આગળ ધનના ઢગલા કરે છે. એ મંદિરના મઠાધિપતિઓ શ્રોફની પેઢી જેમ ધનનો વેપાર કરે છે. એથી મંદિરે જવું મને ઉચિત લાગતું નથી.

દુનિયાની જે પ્રજા સુખની સમીપ છે. એ પ્રજા પરંપરાની પાછળ દોરાતી નથી. ઊગતા સૂરજની પૂજા કરવી, એનો મતલબ જીવનમાં નાવીન્ય લાવવું. છોડવા જેવી પ્રથા છોડીને આગળ ચાલવું. ગાંધીનગર પાસે એક ગામ છે. એનું નામ રૂપાલ છે. ત્યાં વરદાયિની દેવીનું મંદિર છે. અએ દેવીની મૂર્તિ પર નવરાત્રી મહોત્સવ પ્રસંગે હજારો મણ ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ પરંપરા એ જડતા છે. એ ઘીને માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ પરંપરા એ જડતા છે. એ ઘીને માતાજીને અર્પણ કરીને કુપોષણગ્રસ્ત ગરીબ બાળકો સુધી પહોંચાડવામાં આવે તો એમના માટે સાક્ષાત્‌ વરદાયિનીએ પ્રસન્ન થઈને આપેલું વરદાન સાબિત થઈ શકે છે.

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બારીક લિપિ છે. એની ભાષા સરળ અને સાદી હોવા છતાં લોકો એને ઉકેલ્યા વિના ગહન અને ગૂઢ માને છે. એથી પરંપરાનું ઉલ્લંઘન કરી શકતાં નથી. આપણા દેશમાં આવી અનેક પ્રથાઓ છે, એ જોઈને ઉષાબાને હું દોષિત સમજતો નથી.’’

સુનિતા દાદાની અસ્ખલિત વાણી સાંભળી રહી હતી. આજે એને દાદાનું એક નવું સ્વરૂપ જોવા મળ્યું.