ઝંઝા અને જીવન - 1 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંઝા અને જીવન - 1

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


એક

અલકાએ ટોફેલની પરીક્ષા ઊંચા ગુણાંકથી પસાર કરી છે. એને અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો છે, ત્યાં એ જવાની છે. એથી એના પપ્પાએ મધુસૂદન દવેનું સરનામું અલકાને આપતા કહ્યું. દવેનાં પત્ની અનુબહેન એમની બે પુત્રીઓ સુનિતા અને કમલ તને જરૂરી મદદ કરશે.

સુનિતા અભ્યાસમાં હમેશાં આગળ રહે છે. એનાં મમ્મી-પપ્પાએ નક્કી કર્યું છે કે એને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણાવવી. દસમા ધોરણમાં એ બાણું ટકાથી પાસ થઈ હતી. એનાં મમ્મી પપ્પાએ ભોજન-પાર્ટીનું આયોજન કર્યું. એમાં એમના મિત્રો આવ્યા. સહાધ્યાયી વિદ્યાર્થીઓ થોમસ, લ્યુસી વગેરે આવ્યાં. એ બધાંએ સુનિતાને ગિફ્ટ આપી. અભિનંદન પણ આપ્યાં.

અમેરિકામાં મોગરાનાં ફૂલ જેવો માહોલ. નીલ ગગનનાં વિહંગ જેવી આઝાદી. ભારત જેવું બંધિયારપણું ત્યાં નથી. છોકરા છોકરીઓ હળીમળીને વાતો કરે, એને કોઈ શંકાની નજરે જોતું નથી. સુનિતા અને થોમસ પ્રાથમિકથી બારમાં ધોરણ સુધી સાથે ભણ્યા છે. અભ્યાસની વાતો કરે છે. સ્કૂલમાં રજા હોય તે દિવસે પણ કોઈવાર તેઓ મળે છે.

બારમા ધોરણ પછીથી થોમસ અને સુનિતાએ એક કોલેજમાં પ્રવેશ લીધો. એ બન્નેએ સમાજશાસ્ત્રનો વિષય રાખ્યો છે. એમના આ અભ્યાસમાં કોઈપણ એક દેશના સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી હોવાથી સુનિતાએ ભારતનું સમાજશાસ્ત્ર પસંદ કર્યું છે. એ જોઈને થોમસે પણ ભારતીય સમાજશાસ્ત્ર પસંદ કર્યું.

એણે સુનિતાને કહ્યું, ‘‘સુના, મેં ‘ભારતીય સમાજશાસ્ત્ર’ વિષય પસંદ કર્યો છે. તારે મને મદદ કરવી પડશે. મારા માટે એ અભ્યાસ નવી દુનિયાનો છે. મને માર્ગદર્શન આપવું પડશે. આપણી કોલેજના સર ડૉ.હેન્નરી મારી મમ્મીના જાણીતા છે. એથી તેઓ મને જાણે છે.’’

એમણે મને કહ્યું, ‘‘તું ભારતીય સમાજશાસ્ત્રનો વિષય પસંદ કરે છે, પણ એ લાંબો અને અઘરો વિષય છે. ભારતની સંસ્કૃતિ પ્રાચીન છે. એની વિભિન્ન પરંપરાઓ છે. એથી એ દેશનો વિકાસ રૂંધાયાં કરે છે. તને એ વિષય અટપટો લાગશે. એના બદલે તું યુરોપના કોઈ દેશનું સમાજશાસ્ત્ર શા માટે નથી લેતો ?’’

સુનિતા કહે, ‘‘મેં તો મારા દેશનો વિષય પસંદ કર્યો છે. તારે કયા દેશનું સમાજશાસ્ત્ર ભણવું છે એ નિર્ણય તારે લેવાનો છે.’’

થોમસ કહે, ‘‘સુના, ભારતીય સમાજશાસ્ત્રમાં જેમાં મને સૂઝ નહીં પડે ત્યાં તને હું પૂછ્યા કરીશ.’’

સુનિતાએ હસતાં હસતાં કહ્યું. ‘‘તું વારેઘડીએ મને પજવતો નહીં. ભારત ભલે મારો દેશ છે. મારા માટે એ અભ્યાસ તારી જેમ નવો જ છે. તારે ભારતીય સમાજશાસ્ત્ર ભણવું હોય તો મને કોઈ વાંધો નથી. મારે તો એકથી બે ભલાં.’’

થોમસે ‘ભારતીય સમાજશાસ્ત્ર’ વિષય સાથે ફોર્મ ભરીને કોલેજમાં જમા કરાવી દીધું.

સુનિતાનું મેઘધનુષી રૂપ એની ઊંચાઈનો અંદાજ છે. કોઈ સૌંદર્યનો ઉપાસક એના રૂપનું વર્ણન લખવા બેસે તો પણ એની કલમ હારીને થોભી જાય એવી એની સમુચિત દેહયષ્ટિ છે. સુનિતા ભારતીયતાનું પ્રતિનિધિત્વ છે. રૂપની સાચી નિસ્બત મનના મૌન સાથે છે. મૌનની કોઈ મોસમ હોતી નથી. સુનિતાના ભીતરનું સૌંદર્ય પણ અદ્દભુત છે. સંસ્કાર અને પ્રામાણિકતાનું ભાથું પરંપરાનો ઉત્તમ અંશ છે.

થોમસ એટલે શાલિનતા. એ મલકે એ પહેલાં એના ગાલનાં ખંજન મલકી ઊઠે છે. એના પ્રસન્ન વ્યક્તિત્વ જેવું જ એનું આંતરિક રૂપ છે. એને પણ વારસાની મીઠાશ મળેલી છે.

થોમસ અને સુનિતા યુનિવર્સલ સ્ટુડિયો તરફ ફરવા ગયાં, ત્યાંના જે રેસ્ટોરામાં નાસ્તો કરવા માટે એ બેઠાં હતાં, ત્યાં હોલીવુડની હિરોઈનો જેસીકા આલબા અને મીલા સાથે એમની મુલાકાત થઈ.

જેસીકાએ સુનિતાને પૂછ્યું, ‘‘તમે ઈન્ડિયન છો ને ?’’ સુનિતાએ હકારમાં ઉત્તર આપ્યો.

‘‘ફિલ્મના શૂટિંગ માટે તમે અહીં આવ્યાં લાગો છો. તમારી ફિલ્મના પ્રોડ્યુસર હોલીવુડના છે કે બોલીવુડના ? આ અમેરિકન હીરોને એમ પ્રથમ વખત જોયો છે. એમનું નામ શું છે ?’’

જેસીકાનો પ્રશ્ન સાંભળીને સુનિતા અને થોમસ હસી પડ્યાં. થોમસ કહે, ‘‘અમે કોલેજનાં વિદ્યાર્થીઓ છીએ. આ સ્ટુડિયો જોવા માટે અહીં આવ્યાં છીએ.’’

અહીંથી બન્ને આગળ ચાલ્યાં, ફિલ્મ નિર્માતા સ્ટીવન સ્પીલબર્ગે બનાવેલી ફિલ્મ જુરાસિક પાર્કનું જ્યાં શૂટિંગ થયેલું છે. એ રાઈડમાં પહોંચ્યાં. ત્યાં યાંત્રિક હોડીમાં બેસીને પાણીની છોળો વચ્ચે ભીંજાયાં. ત્યાંથી આગળ પશુ-પંખીઓનો ફિલ્મમાં જે રીતે ઉપયોગ થાય છે એનું નિદર્શન જોયું. યુનિવર્સલ સ્ટુડિયોમાં અનેક વિભાગો છે. એ બધામાં ફરીને જોઈ શકાય તેટલો સમય ન હોવાથી પોતપોતાની ગાડીમાં બેસીને ઘર તરફ હંકારી ગયાં.