ગાંધીવિચારમંજૂષા
ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૫. સ્વદેશીઃ સત્યયુગ ભણી કૂચ
‘રામરાજ્ય’, ‘સર્વોદય’, કે ‘સત્યયુગ’ને ગાંધીજી એકબીજા સાથે જોડતા હતા. તેમણે સ્વદેશીનો આગ્રહ રાખ્યો તેની પાછળ પણ આ જ વિચારધારા કારણભૂત હતી. તેમણે સત્યયુગના દ્વાર પર ટકોરા મારવા માટે સ્વદેશીની ભલામણ કરી છે. તેમના મતે સ્વદેશીનો આગ્રહ એટલે સત્યયુગ તરફની કૂચ છે.
સ્વદેશીનો અર્થ
ગાંધીજીએ સ્વદેશીનો અર્થ સમજાવતા જણાવ્યું છે કે સ્વદેશી આપણામાં રહેલી તે ભાવના છે કે જે આપણને આપણી પાસેની પરિસ્થિતિનો ઉપયોગ કરવા અને તેની સેવા કરવા તથા દૂરની પરિસ્થિતિનો ત્યાગ કરવા પ્રેરે છે. તેમણે સ્વદેશીના ત્રણ લક્ષણો ગણાવ્યાં છેઃ
૧. બાપદાદાના ધર્મને જ વળગી રહેવું. જેનામાં સ્વદેશી ભાવના હશે તે ધર્મના વિષયમાં તેના બાપદાદાના ધર્મને જ વળગી રહેશે. તેમ કરવાથી તે તેની નિકટની ધાર્મિક પરિસ્થિતિનો ઉપયોગ કરે છે. તેમાં ખામી જણાય તો તે દૂર કરીને તેણે તેની સેવા કરવી જોઇએ.
૨. રાજકીય વિષયમાં દેશી સંસ્થાઓનો ઉપયોગ. રાજકીય પ્રવૃત્તિઓમાં દેશી સંસ્થાઓનો ઉપયોગ કરવો જોઇએ અને તેની પુરવાર થયેલી ખામીઓ કાઢી નાખીને તેણે તેની સેવા કરવી જોઇએ.
૩. આર્થિક વિષયમાં પાસે વસનારાઓએ ઉત્પન્ન કરેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઇએ. અને તેમ કરવામાં જે ઉદ્યોગમાં ન્યૂનતા જણાય તે દૂર કરી તેને પગભર કરી તેની સેવા કરવી જોઇએ.
ગાંધીજી સ્વદેશીનાં આ ત્રણ લક્ષણો ધાર્મિક, રાજકીય, અને આર્થિક વિષયોના સંદર્ભમાં દર્શાવે છે. મનુષ્યની પ્રવ્રત્તિ મોટે ભાગે આ ત્રણ ક્ષેત્રોના પરિઘમાં ચાલતી હોય છે. તેથી જો સ્વદેશીનો ખ્યાલ આ ત્રણ લક્ષણોની મદદથી સ્વીકારવામાં આવે તો ગાંધીજીના મતે સત્યયુગની સ્થાપના જલદી થઇ શકે.
સ્વદેશીઃ એક સ્વસ્થ વિચાર
ગાંધીજીની વિચારણાની અસરકારક અને આકર્ષક બાબત છે તેમાં રહેલી હકારાત્મકતા. ગાંધીજી રાજકીય, ધાર્મિક, કે આર્થિક સ્વદેશી-લક્ષણ સ્વીકારની વાત કરતી વખતે તે તે ક્ષેત્રે રહેલી ન્યૂનતાને દૂર કરવાની વાત કરે છે. તેમણે ધર્મના ક્ષેત્રે સ્વદેશીની સ્વીકૃતીની ભલામણ કરી છે ત્યારે તેમાં રહેલી બદીઓ કે નબળાઇઓને દૂર કરવાની જવાબદારી પણ સોંપી છે. સ્વદેશ એટલે સ્થાનિક કે નજીકનું; પરંતુ એવું જરૂરી નથી કે સ્વદેશી હોય તે ઉત્તમ જ હોય અને તેમાં ન્યૂનતા ન હોય. તેમણે વિચાર્યું કે દૂરનું પરદેશનું કે પરાયું વધારે સારૂં સ્વીકારવા કરતાં સ્વદેશીમાં રહેલી ન્યૂનતાને દૂર કરી તેને ઉત્તમતાના માર્ગે લાવવી તે વધારે સારૂં છે.
બીજાના ધર્મોમાં જોવા મળતી સારપ આપણા પોતાના બાપદાદાના સ્વદેશી ધર્મમાં દાખલ કરવા પર એમણે ભાર મૂક્યો છે. અન્ય ધર્મોના સારા લક્ષણોને કારણે પોતાના ધર્મનો ત્યાગ કરી પર ધર્મનો અંગિકાર કરવો તે કંઇ ડહાપણ ભરેલો માર્ગ નથી. વળી, ગાંધીજી હિંદુ ધર્મના સંદર્ભમાં જણાવે છે કે આ ધર્મ સહિષ્ણું છે, તે કદી ધર્મ પરિવર્તનની વાત કરતો નથી. તેમણે ખિસ્તી મિશનરીને જણાવ્યું હતું કે તેમણે ધર્મ પરિવર્તનની વાત ન કરતાં માત્ર પરોપકારી કાર્યો ચાલુ રાખવાં જોઇએ. આમ કરવાથી તેઓ લોકોનું અને ખ્રિસ્તી ધર્મનાં મૂળ તત્ત્વોનું વધારે ભલું કરી શકશે.
રાજકીય દૃષ્ટિકોણથી સ્વદેશીને સમજાવતી વખતે પણ ગાંધીજીની વિચારણામાં ભારોભાર સ્વસ્થતા જોવા મળે છે. તેમના હકારાત્મક અભિગમની છબિ તેમાં સ્પષ્ટ થાય છે. રાજ્યની સત્તા પ્રજા પર કર ઉઘરાવવા અને પ્રજા તે કર આપી છૂટી જઇ પોતાની પ્રવૃત્તિ કરવા ટેવાયેલી છે તેવો ગાંધીજીનો મત છે. તેમણે આ માટે પંચાયતી રાજ્યની ભલામણ કરી છે અને ગ્રામજનો દ્વારા ગ્રામવ્યવહારના સંચાલન પર ભાર મૂક્યો છે.
ગાંધી આ વિચાર કરતી વખતે શિક્ષણના માધ્યમના સંદર્ભમાં પણ કહે છે. તેમનું માનવું છે કે માતૃભાષાના માધ્યમથી જ શિક્ષણ અપાવું જોઇએ. તેઓ સ્વદેશી ભાષાને માધ્યમ તરીકે રાખવા ભલામણ કરે છે. તેમણે કહ્યું છે કે જો તત્કાલીન આગેવાનોને માતૃભાષા દ્વારા કેળવણી મળી હોત અને વિદેશી શિક્ષણ લેવું પડયું ન હોત તો તેમની લોકો દ્વારા સહજ સ્વીકૃતી આસાન હોત. તેમણે માધ્યમ તરીકે માતૃભાષાનો શૈક્ષણિક સ્વીકાર કરી લઇ થયેલી ભૂલને સુધારી લેવા હિમાયત કરી છે.
સ્વદેશીનું ત્રીજું લક્ષણ આર્થિક વિષયનું છે. આર્થિક અને ઔદ્યોગિક જીવનમાં સ્વદેશીનો ત્યાગ કરવાથી દેશને હાનિ પહોંચી છે. ગાંધીજીનું સ્પષ્ટ મંતવ્ય હતું કે હિંદની બહારની એકપણ જણસ વ્યાપાર અર્થે અહીં લાવવામાં આવી ન હોત, તો હિંદ દહીં-દૂધથી છલકાતી ભૂમિ બની રહી હોત. પરંતુ તેવું ભાગ્ય જ ન હતું. આર્થિક વિષયમાં સ્વદેશી ન રહેવા પાછળ તેમને આપણો લોભ જવાબદાર લાગ્યો હતો. આર્થિક દૃષ્ટિએ સ્વદેશી અને બહિષ્કાર વચ્ચે ભેદ નથી. જેના ઉપર કરોડોનું જીવન નભતું હોય તેવી વસ્તુ પરદેશથી લાવવા દઇ શકાય નહીં. એટલે કે, તેનો બહિષ્કાર હોય. એ બહિષ્કાર કોઇ અમુક દેશ સામે નહીં, પણ સર્વ પરદેશો સામે હોય. તેથી તે સ્વદેશી વિચારની જ વાત છે.
ગાંધીજીની સ્વદેશીની વિચારધારાના ત્રણ આયામો છે. ધાર્મિક, રાજકીય અને આર્થિક. ગાંધીની વિચારણ ક્યારેય એકાંગી નથી અને છેવટે અહિંસક સમાજની રચના માટે છે. સ્વદેશીના વિચારમાં પણ આપણને તે જોવા મળે છે. સ્વદેશીનો આગ્રહ જ ન રાખતા તેમણે તેની ન્યૂનતા દૂર કરવાની વાત કરી સ્વદેશીના વિચારને કાયમી બનાવવાની દિશા દેખાડી છે.