ગાંધીવિચારમંજૂશા - 9 Bharat Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગાંધીવિચારમંજૂશા - 9

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૯. રચનાત્મક કાર્યક્રમની તાત્ત્વિકતા

જગતમાં ઘણા ક્રાંતિકારીઓ અને રાજકારણીઓ થઇ ગયા. તે બધાએ રાજ્યસત્તાઓ ઉથલાવી અને પોતાના જૂથની સત્તા ઊભી કરી પણ એ બધા કરતાં ગાંધી જુદી માટીના હતા. તેઓ રાજકારણમાં હતા, પણ તેમની ખરી ખૂબી તો રચનાત્મક કાર્યક્રમ દ્વારા પ્રજાની શક્તિ વધારવી એ હતી. તેમણે જોયું કે રાજકીય સ્વરાજ તો મળવાનું જ છે, પણ એને ચલાવે ને આગળ લઇ જાય તે માટે માણસો જોઇશે.

સત્તા બદલાવાથી દેશ બદલાતો નથી. સત્તા પર બેઠેલા માણસો બદલાય પણ પ્રજાનું મોં બદલાતું નથી. ગાંધીજીને આની ગંધ આવી ગઇ હતી. એટલે ભારતમાં આવીને એમણે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાની સાથે સ્વરાજને આડે આવનાર દોષોમાંથી ઊગારવા માટે રચનાત્મક કાર્યક્રમ આપ્યો.

રચનાત્મક કાર્યક્રમનો પ્રારંભ ચાર પ્રવૃત્તિઓથી થયો, પણ જેમ જેમ ગાંધીજી ઊંડા ઉતરતા ગયા, તેમ તેમ તેમાં વધારો થતો ગયો. છેવટે તે અઢાર થયા. તે પછી પણ પશુસુધારણાને ઉમેરવાનું તેમને મન થયું. આ યાદી પણ કોઇ છેવટની નથી. તેમણે પોતે કહેલું, ‘પૂર્ણ સમાજ રચનાની દૃષ્ટિથી મહત્ત્વની હોય તેવી કોઇ બાબત આ કાર્યક્રમમાં સમાવવામાં આવી નથી એમ વાચકને લાગે તો તેણે એમ ન માની લેવું કે તેને જાણી જોઇને પડતી મૂકવામાં આવી છે. એવી કોઇ બાબત સૂઝે તો વાચકે બેધડક મેં જણાવેલી બાબતોમાં તેને ઉમેરી લેવી ને મને ખબર આપવી. મેં જે યાદી બનાવી છે તેમાં રચનાત્મક કાર્યક્રમની એકે એક બાબત આવી જાય છે તેવો મારો દાવો નથી; મારી યાદી કેવળ દાખલારૂપે છે. વાચક જોશે કે આ આવૃત્તિમાં મેં પોતે કેટલીક નવી બાબતો અસલ યાદીમાં ઉમેરી છે.’(રચનાત્મક કાર્યક્રમ-તેનું રહસ્ય અને સ્થાન, ૧૯૪૧). સમાજને ઉપયોગી અને દેશના ઉત્થાન માટે આવશ્યક પ્રવૃત્તિ રચનાત્મક હોય તો તેમાં જોડી શકાય.

રચનાત્મક કાર્યક્રમ ગાંધીને મન સ્વરાજ મેળવવાનો માર્ગ હતો. છેવાડાના માણસનું ઘડતર કરી સમગ્ર દેશને મજબૂત બનાવવાનો તેમનો આશય હતો. તેઓ કહેતા, ‘રચનાત્મક કાર્યક્રમ એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય અને અહિંસાનો રસ્તો છે. હું એમ કહું છું કે રચનાત્મક કાર્યક્રમનો પૂરે પુરો અમલ એજ પૂર્ણ સ્વરાજ છે. આપણા રાષ્ટ્રનું ઠેઠ પાયામાંથી ઘડતર કરવાને જે રચનાત્મક કાર્યક્રમ અહીં બતાવવામાં આવ્યો છે તે આખાય કાર્યક્રમના અમલમાં આપણી ચાલીસે કરોડ વસ્તી લાગી ગઇ છે એવા ચિત્રની કલ્પના કરી જુઓ.’

સ્વરાજ મેળવવાની આ રીત તે સમયના કેટલાક નેતાઓના ગળે ઉતરતી ન હતી. કેટલાક કોંગ્રેસી તેમના આ કાર્યક્રમની ઠેકડી ઊડાવતા. બંગાળની અનુશીલન સમિતિના સભ્યો માનતા કે ‘સ્વાતંત્ર્યની દેવી બલિદાન માગે છે. તેને લોહી ચડાવો તો જ આઝાદી મળે.’મહારાષ્ટ્રના અભિનવ ભારતના સભ્યો માનતા કે ‘માગવાથી ભીખ મળે, આઝાદી નહીં.’ ત્યારે તેના જવાબમાં ગાંધીજી કહેતા, ‘ટીકાકારો રચનાત્મક કાર્યક્રમની આ જાતની ઠેકડી ઉડાવે છે તેમાં બેશક ઘણું તથ્ય છે, પણ એ ઠેકડીનો મારો જવાબ એ છે કે એ બધી વાત સાચી હોય તો પણ આટલો પુરૂષાર્થ કરી જોવા જેવો છે. અંતરથી અને ઉલટથી કામ કરનારા કાર્યકર્‌તાઓનો એક સમૂહ જો દૃઢ સંકલ્પ કરીને એ કાર્યક્રમના અમલમાં લાગી જાય તો એ બીજા કોઇપણ કાર્યક્રમના જેવો જ અને ઘણા ખરાના કરતાં તો વધુ વ્યવહારૂં છે. સ્વરાજની લડતનો કાર્યક્રમ આપણે અહિંસાના પાયા પર ઘડવો હોય તો રાષ્ટ્રની આગળ આની અવેજીમાં મૂકવાને બીજો કાર્યક્રમ મારી પાસે નથી.’ આમ, તે તેમના ગાઢ ચિંતનનો શ્રેષ્ઠ પરિપાક હતો.

અહિંસક ક્રાંતિની પ્રક્રિયાની શોધમાંથી રચનાત્મક કાર્યક્રમનો જન્મ થયો. સમગ્ર રાષ્ટ્ર સમક્ષ મૂકાયેલો રચનાત્મક કાર્યક્રમ અહિંસક સમાજ રચના માટે એમણે રજૂ કરેલા એક પાયાના સિદ્ધાંત -વિકેન્દ્રીકરણનું અમલી સ્વરૂપ છે. સત્યાગ્રહીની તાલીમનું એ આવશ્યક અંગ છે. આમ જનતા એના અમલ દ્વારા શ્રમ નિષ્ઠા, પ્રેમ, સહકાર અને શોષણ મુક્તિના પાઠો શીખે છે. ગાંધીજીને તો આપણાં ગામડાંની એવી રીતે પુનઃરચના કરવી હતી કે જેમાં સમગ્ર દૃષ્ટિની એક વ્યાપક યોજના સમાયેલી હોય. એ વ્યાપક યોજનામાં એક બાજુ સરકાર, રાજ્ય, સંસદ, અને રાજકીય પક્ષોનું મહત્ત્વ ઉત્તરોત્તર ઘટતું જાય અને કાળક્રમે એનું અસ્તિત્વ ખતમ થાય. બીજી બાજુ શોષણ અને હિંસાનાં મૂળ સ્વરૂપ ઉદ્યોગીકરણ અને આધુનિક શિક્ષણ પદ્ધતિમાં ધરમૂળનો ફેરફાર થાય. માલિક અને મજૂરના ઝઘડા ન રહે તથા કોમવાદ, જાતિવાદ અને અસ્પૃશ્યતાનું ઝેર ફેલાતું ન હોય. આ અનિષ્ટોના ઉકેલ માટે એમણે આપણી સમક્ષ વર્ણવ્યવસ્થા, ટ્રસ્ટીશીપ અને વિકેન્દ્રીકરણના સિદ્ધાંતો રજૂ કર્યા. ગાંધી વિવેચિત વર્ણવ્યવસ્થાના ત્રણ અંગો છેઃ (૧) મજૂરીનું સરખાપણું, (૨) હરિફાઇનો અભાવ, અને (૩) આનુવંશિક સંસ્કારોનો લાભ ઉઠાવનાર શિક્ષણ યોજના. પ્રવર્તમાન આર્થિક વિષમતાના નિરાકરણ માટે એમણે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત રજૂ કર્યો અને તે અનુસાર આપણી બુઘ્ધિશક્તિ, શ્રમશક્તિ અને સંપત્તિને સૌના હિતમાં ઉપયોગમાં લેવાનો અનુરોધ કર્યો. પરિવર્તનની પ્રક્રિયારૂપ સત્તા અને સંપત્તિના વિકેન્દ્રીકરણની વાત કરી. અહિંસક સમાજ રચનાના અનુષ્ઠાનરૂપે તેમણે અઢારવિધ રચનાત્મક કાર્યક્રમ આપણી સમક્ષ રજૂ કર્યો.

ગાંધીના જીવનમાં બે વાતો સૌથી મહત્ત્વની છેઃ (૧) એકાદશવ્રતો અને (૨) રચનાત્મક કાર્યક્રમ. તેમની એ વિશેષતા હતી કે એમણે એક તરફ બહિષ્કાર અને નિષેધના કાર્યક્રમો આપ્યા તેની સાથે સાથે દેશને બેઠો કરવા માટે અનેક રચનાત્મક કાર્યક્રમો પણ આપ્યા. તેમણે ‘હરિજન બંધુ’( ૧૭મી ઓગસ્ટ ૧૯૪૦)માં રચનાત્મક કાર્યક્રમ વિશે લખ્યું. ત્યારબાદ તેમણે તેને પુસ્તિકા સ્વરૂપે હિંદના ચરણે ધર્યું, જેથી અનેકોને માર્ગદર્‌શન મળ્યું. ગાંધીવાદી સંસ્થાઓના કાર્યકરો માટે તે પુસ્તિકા પથદર્શક બની. ગાંધીજીની શહિદી બાદ પણ આ પુસ્તિકા કાર્યકરોને માટે દીવાદાંડીની ગરજ સારતી રહી.

આ રચનાત્મક કાર્યક્રમ એક શૈક્ષણિક પ્રક્રિયા છે. એમાં સેવક અને સેવ્ય વચ્ચે આંતરબાહ્ય એકતા સધાય છે. જે વર્ગના ઉત્કર્ષ માટે રચનાત્મક કાર્યકરે કામ કરવાનું છે તે વર્ગમાં ભળી જઇ એના જેવી સાદી જીવન પદ્ધતિ અપનાવવાથી કાર્યનો પ્રારંભ થાય છે અને પ્રજા વચ્ચે કામ કરે છે તેની આત્મશક્તિ વિકસાવવામાં તે મદદરૂપ થાય છે. આવા રચનાત્મક કાર્યકર પાસેથી ગાંધીજીએ એમના જીવનના છેલ્લા દિવસોમાં એવી અપેક્ષા રાખી હતી કે તે સત્તાના રાજકારણથી સદાય દૂર રહે. વિનોબાજીએ પણ સર્વોદય કાર્યકરોને સત્તાના રાજકારણથી મુક્ત રહેવાનો અનુરોધ કર્યો હતો.

સર્વોદયનો આરંભ સમાજના નબળાં વર્ગના ઉદયથી થાય છે. એટલે રચનાત્મક કાર્યક્રમમાં આદિવાસી, દલિત, મજૂરો, ખેડૂતો અને સ્ત્રીઓ વગેરેના ઉત્કર્ષનો સમાવેશ કરવામાં આવ્યો છે. દારૂબંધી, ખાદી, ગ્રામોદ્યોગો, અને નઇ તાલીમ વગેરે કાર્યક્રમો કાર્યકર્‌તાના મહત્ત્વના સાધનો છે. સમગ્ર રચનાત્મક કાર્યક્રમનું સમન્વિત સ્વરૂપ આપણને ભૂદાન-ગ્રામદાન આંદોલનમાં જોવા મળે છે.