ગાંધીવિચારમંજૂશા - 8 Bharat Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગાંધીવિચારમંજૂશા - 8

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૮. વ્રતો અને તેનાં આચરણની રીત

ગાંધી વિચારનાં મૂળભુત પુસ્તકોમાં જેનો સમાવેશ થાય છે તેવા ‘મંગળ પ્રભાત’ નું વાચન કરતાં જે સમજાયું તે પ્રગટ કરવાનો અહીં ઉપક્રમ છે. યરવડા જેલમાંથી સાબરમતી આશ્રમ પર લખાયેલા સાપ્તાહિક પત્રોનો આ પુસ્તિકામાં સંચય કરવામાં આવ્યો છે. આશ્રમવાસીઓમાં ચેતના રેડવા માટે દર સપ્તાહે લખાયેલા એક પત્ર મુજબ આ હપ્તે હપ્તે અપાયેલો અગિયાર મહાવ્રતોનો પરિચય છે. પ્રત્યેક વ્રતનો અર્થ તેમાં કરાયો છે અને તેના આચરણની વિગતો પણ તેમાં મૂકાઇ છે. આ મહાવ્રતોનો મહિમા સત્યાગ્રહમાં તેની ભૂમિકાના સંદર્ભમાં સ્પષ્ટ કરાયો છે. પુસ્તિકાનું કદ નાનું છે પણ તેમાં પડેલું ભાથું આખા મનુષ્ય જીવનને આવરી લેવા સમર્થ છે.

આશ્રમીનાં વ્રતો

આત્મકથામાં પરિચય આપતી વખતે ગાંધીજી પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવે છે. વળી, તેમની સમગ્ર વિચારયાત્રામાં તેમને પ્રેરણા આપનારા જગત સાહિત્યનો ઉલ્લેખ કરે છે ત્યારે તેઓ ભગવદ્‌ગીતાનો મહિમા ખાસ કરે છે. ગાંધીજી ઉપર આ ગ્રંથનો જબ્બર પ્રભાવ છે. વ્રતો તરીકે તેમણે સ્વીકારેલી આચારસંહિતા કે નિયમાવલિમાં આ ગ્રંથનો અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો સ્પષ્ટ પ્રભાવ જોઇ શકાય છે.

સત્ય ગાંધીજીનું સાધ્ય છે. ગાંધીજીના જીવનને તપાસતા એક વાત બહુ ચોક્ખી જણાય છે કે તેઓ પરિણામના નહીં, પરંતુ પ્રક્રિયાના માણસ હતા. તેથી તેમનું ચિંતન પણ પ્રક્રિયા સંબંધી છે. સત્ય સાધ્ય હોય તો તે માટેની પ્રક્રિયા કેવી હોય અથવા હોવી જોઇએ તે તેમના જીવન દરમિયાન પ્રાયોગિક રીતે ચાલેલી મથામણ છે. તેમનું તો જીવન જ તેમણે સત્યના પ્રયોગો તરીકે જીવી દેખાડયું છે. આશ્રમીના મહાવ્રતો સત્ય સુધી પહોંચવાનાં સાધનરૂપે તેમણે દર્શાવ્યાં છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્‌મચર્ય એ પાંચ ઉપરાંત સામાજિક પરિસ્થિતિની જરૂરિયાત અનુસાર ઉમેરાયેલાં જાત મહેનત, સ્પૃશ્યતા, અભય, સ્વદેશી, અસ્વાદ, અને સર્વધર્‌મ સમભાવ એ અગિયાર મહાવ્રતો સત્ય સુધી દોરી જનારો ધોરી માર્ગ છે. આશ્રમમાં આ વ્રતોનું ચુસ્ત પાલન થાય તે બાબતે તેમણે ચીવટ રાખી હતી. પોતે આ વ્રતોના આચરણનું ઉદાહરણ બન્યા હતા.

ઇ.સ. ૧૯૩૦માં ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી વિદાય લીધી. તેમની ગેરહાજરીમાં આશ્રમવાસીઓની ચેતનાને સંચારિત કરવા સારૂ તેમને પ્રવચનો લખી મોકલવા વિનંતી કરાઇ અને તેમણે મહાવ્રતોનું આ ભાષ્ય લખ્યું. જેને તેમણે યરવડા મંદિર જેવું વિશિષ્ટ નામ આપેલું તેવી યરવડા જેલમાં બેઠાબેઠા તેમને આશ્રમની નિયમાવલીની ખેવના હતી. આથી તેમણે લખી મોકલવા સારૂં જે વિષયો પસંદ કર્યા તેમાં આ વ્રતો હતાં. એમણે આશ્રમવાસીઓને પ્રક્રિયામાં સભાન રહી સત્યની ઉપાસના કરવા માટે ચેતનાસ્રોત બનવાનું કાર્ય આ લખાણો દ્વારા કર્યું છે.

સાધન શુઘ્ધિ

ગાંધીજી પ્રક્રિયાના માણસ હતા તેથી તેમનું લક્ષ્ય સાધન શુઘ્ધિ હતું. તેમણે સત્યની ઉપાસના કરતી વખતે સાધન શુઘ્ધિનો આગ્રહ રાખ્યો છે. સાધનની શુઘ્ધિ પ્રક્રિયા સૂચવે છે અને તેના દ્વારા સત્યની પ્રાપ્તિ સુનિશ્ચિત થાય છે. ‘અમે તો સત્યની ધારે પરાણે મોક્ષ લેવાના’ એ ન્યાયે સત્યની ધાર સાધન શુઘ્ધિ વડે તેજદાર બનાવવા પર તેમનો ભાર હતો. ભગવદ્‌ગીતાનો તેમના જીવન અને ચિંતનમાં સબળો પ્રભાવ હતો. કર્મણ્‌યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. એ સંદેશ તેમણે આત્મસાત કર્યો હતો. તેથી સત્યની આરાધનામાં કાર્ય કરવું તે તેમનું લક્ષ્ય બન્યું અને કાર્યને યોગ્યતમ રીતે કરવું તેના પર તેમણે ચિંતન અને જીવનને કેન્દ્‌રિત કર્યાં. સાધન શુઘ્ધિ દ્વારા તેમણે પ્રક્રિયાની યોગ્યતમ રજૂઆતને જ ભારપૂર્વક કહી છે. અશુદ્ધ સાધન દ્વારા સિદ્ધ થયેલાં યોગ્ય સાધ્યને પણ તેઓ સ્વીકારે નહીં. વાસ્તવમાં તો યોગ્ય સાધ્ય કદી અશુદ્ધ સાધન વડે સિદ્ધ ન થઇ શકે. આથી તેમણે ‘મંગળ પ્રભાત’ દ્વારા સાધન શુઘ્ધિરૂપ અગિયાર મહાવ્રતોનો મહિમા કર્યો. તારીખ ૨૨-૦૭-૧૯૩૦થી ૧૪-૧૦-૧૯૩૦ દરમિયાન દર સપ્તાહે એક પત્ર લખાતો અને સાબરમતી આશ્રમમાં તેનું વાચન થતું. લગભગ ત્રણ મહિનાના સમયમાં તેમણે આ વ્રતો સમજાવ્યાં હતાં.

વ્રતોનું આચરણ

અગિયાર મહાવ્રતોને આવરી લેતી પંક્તિઓમાં તેનાં આચરણ સંબંધી બે વિશેષણોનો ઉપયોગ થયો છે. આ બંને વિશેષણો અત્યંત વિલક્ષણ રીતે વપરાયેલાં છે. ‘આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવા’ એવા પંક્તિખંડમાં વ્રતપાલકની આચારસંહિતા આપી દેવાઇ છે. અગિયારેય મહાવ્રતો ઘણા મહત્ત્વનાં છે તે વાત સ્પષ્ટ થયાં પછી તેનાં આચરનારનાં આ બે લક્ષણો છેઃ નમ્રતા અને દૃઢતા. ગાંધીજી એ વાતથી સુપેરે વાકેફ હતા કે આ વ્રતોનું સામાન્ય જનજીવનમાં આચરણ સ્વાભાવિક નથી. તેથી સંભવ છે કે તેનું આચરણ કરનાર પોતાના વિશે ગુરૂતા ધારણ કરી લે. તેથી જ તેનામાં નમ્રતાનું હોવું જરૂરી છે. મહાવ્રતોનાં પાલનથી જો વ્યક્તિમાં અહંકાર કે ગુરૂતા આવે તો અનર્થ થાય. આથી આ બાબતે સ્પષ્ટતા કરાઇ છે. મહાવ્રતોનું પાલન નમ્રપણે કરવાનું છે.

વળી, મહાવ્રતોનું આચરણ વ્યક્તિને કસોટીએ ચડાવે તેવું છે તે તેમનાં નિરીક્ષણોએ તેમને જણાવ્યું હોય. તેથી તેમણે બીજા વિશેષણ ‘દૃઢ’નો ઉપયોગ કર્યો. મહાવ્રતોના પાલનમાં ક્યાંય બાંધછોડ ન ચાલે. અધકચરૂં આચરણ કશાય ખપનું નથી. તેથી મહાવ્રતોનું પાલન ચુસ્તપણે થવું જોઇએ, એટલે કે દૃઢ આચરણ અનિવાર્ય છે. મહાવ્રતોના પાલનમાં/ આચરણમાં દૃઢતાનો તેમણે આગ્રહ રાખ્યો છે તેનાથી આશ્રમીને સભાન રહેવાનું પ્રાપ્ત થાય છે કે આ મહાવ્રતો તેમને કસોટીએ ચડાવનારાં છે. પાણી પહેલાં પાળ બાંધવા જેવું આ કાર્ય છે. સૌને જગાડી, ડંકો વગાડી કહેવાયું છે કે આ મહાવ્રતોનું દૃઢતાથી પાલન કરવાનું છે અને તેમ કરતી વખતે નમ્રતા ધારણ કરવાની છે.

સત્યના ઉપાસકે મહાવ્રતોનું દૃઢતાથી પાલન કરવું પડે તો જ સત્ય લાધે. સત્ય પ્રાપ્તિ તે સત્ય ઉપાસકની ગરજ છે અને તેથી મહાવ્રતોના આચરણથી તે કોઇના ઉપર ઉપકાર નથી કરતા, બલ્કે પોતાના જ હેતુને સિદ્ધ કરવા કાર્ય કરે છે. તેથી તેમણે નમ્રતાનો અનુભવ કરવો અને પોતાના વર્તનમાં નમ્રતાનું પ્રગટીકરણ કરવું.

‘મંગળ પ્રભાત’ જેવી નાનકડી પુસ્તિકામાં રજૂ થયેલું જીવન રહસ્ય અત્યંત પ્રેરણાદાયક છે. પાનાઓની સંખ્યા નહીં, તે પાનાઓ પર રેડાયેલું ચિંતન વજન આપે છે તે આ પુસ્તિકા દ્વારા સમજાય છે.