ગાંધીવિચારમંજૂષા
ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૩. ગાંધીઃ દૃઢ આસ્તિક
‘હિંદ સ્વરાજ’માં ઇ.સ. ૧૯૦૯માં મોહનદાસ કરમચંદ ગાંધી એક દાવો કરે છેઃ ‘હિન્દુસ્તાન કદી નાસ્તિક બનવાનું નથી. નાસ્તિકતાનો પાક હિંદની ભૂમિને ભાવતો નથી.’ ગાંધીનો આ દાવો ખુદની આસ્તિકતાનો દ્યોતક છે. તેઓ ઇશ્વર વિશે હાડોહાડ શ્રદ્ધા અને આસ્થા ધરાવનારા સનાતની હિન્દુ હતા.
ગાંધીજીના જીવનની ઘટનાઓનું અવલોકન કરતાં સ્પષ્ટ થાય છે કે તેમનામાં ધર્મભાવના ભારોભાર ભરી પડી હતી. તેમણે તેમના બાળપણથી જ રામમાં આસ્થા વિકસાવી હતી. તેમણે ભૂતપ્રેતના ભયને દૂર કરવા રંભાદાઇના કહેવાથી રામમંત્રનો ઉપયોગ કર્યો અને સમગ્ર જીવન પર તેનો પ્રભાવ રહ્યો. તેમણે આ મંત્રને પૂર્ણ આસ્થા સાથે સેવ્યો હતો. તેમનામાં દૃઢ વિશ્વાસ હતો કે ઇશ્વર તેમની સહાયમાં છે. તેમણે આરંભેલા દરેક કાર્યમાં તેમને ઇશ્વરનો સંકેત પ્રાપ્ત થતો તેમણે કબૂલ્યો છે. ગાંધીની આસ્તિકતાએ તેમનામાં આત્મવિશ્વાસને વધાર્યો છે. તેમની આસ્તિકતાએ જ તેમને અહિંસામાં માનતા કર્યા છે. જો કે તેમનો લગાવ કોઇ કર્મકાંડી ધર્મપાલનમાં નથી. તેમની ધર્મની વિભાવના ખુદ દ્વારા રચાયેલી મૌલિક વિભાવના છે. તેમને આસ્તિક બનાવનારાં પાસાં પરંપરાગત છે, પરંતુ ગાંધીની આસ્તિકતા તેમની મૌલિક છે. ગાંધીએ તેમના જીવનને અત્યંત મૌલિક રીતે જીવી બતાવ્યું છે. તેમણે તમામ બાબતોને છેવાડાના લોકોના સંદર્ભમાં મૂલવી છે અને તેમની આસ્થા પણ તે રીતે જ ઘડાયેલી છે.
પોતાની આસ્તિકતાને ઉજાગર કરતાં તેમણે કહ્યું હતું કે એવું કદી નથી બન્યું કે ઇશ્વરે તેમની પ્રાર્થનાનો પ્રત્યુત્તર ન આપ્યો હોય. તેમને પ્રાર્થનાની તાકાતમાં ભારે વિશ્વાસ હતો. તેમને સવાર-સાંજની પ્રાર્થના બાબતે ખૂબ ગંભીર જોઇ શકાય છે. પ્રાર્થના કરવાની બાબતમાં પણ તેમની નિષ્ઠા અજોડ છે. સવારની પ્રાર્થના આશ્રમની નિયમાવલીમાં જેટલા આદરથી ગોઠવાઇ છે તેટલા આદરથી સાયં પ્રાર્થનાને પણ સ્થાન અપાયું છે. વળી, પ્રાર્થનામાં તેમણે સર્વધર્મના ઉપાસ્યને સ્થાન આપી વિવિધ ધર્મની આસ્તિકતાને પોષી છે. આમ તો આસ્તિકતા ધર્મ સાથે જોડાયેલી જોવા મળે છે, પરંતુ ગાંધીજીનો ધર્મ તો વિશિષ્ટ છે. તેને મન માનવધર્મ જ સૌથી મહત્ત્વનો છે. તેમની આસ્થા માનવધર્મમાં છે.
નહેરૂએ જ્યારે પોતાના મનની મૂંઝવણ વ્યક્ત કરી ત્યારે ગાંધીજીએ તેમને તાવિજના રૂપમાં એક વાત કરી હતી જે તેમની માનવધર્મમાં આસ્થાને પ્રગટાવતી હતી. પોતાના કાર્યથી છેવાડાના વ્યક્તિને તો તે કાર્ય કરવામાં કશી હાની નથી તેવી સમજ માનવધર્મને પ્રગટ કરે છે. ગાંધી માનતા હતા કે જે સમુદાયના હિતમાં હોય, નૈતિક હોય અને સાધન શુદ્ધ હોય તો તે કાર્ય કરવું. તેમાં ઇશ્વરની મદદ મળી રહે છે. આશ્રમમાં નાણાંની સમસ્યાઓ અવારનવાર આવતી. આવા વખતે ગાંધીની આસ્તિકતા જ તેમનો ભરોસો બનતી. તેમણે કહ્યું છે કે સારા કાર્યમાં ઇશ્વર સદા મદદરૂપ થાય છે. તેથી, આશ્રમને અડતી નાણાં ભીડમાં પણ તેમની આસ્તિકતા ડગતી જોવા મળતી નથી, બલ્કે વધરે દૃઢ થતી જોવા મળે છે.
આસ્તિકતા મનુષ્યનો આશાવાદી હોવાનો પુરાવો છે. ગાંધી પૂરા આશાવાદી હતા અને તેથી આસ્તિક હતા. તેમણે નાનપણમાં તેમની માતાની ઇશ્વર પ્રત્યેની આસ્થા નિહાળી હતી. ધાર્મિક વ્રતોનું દૃઢતાથી પાલન કરતાં તેમના માતાની આસ્તિકતાનું ગાંધીમાં વિસ્તરણ થયું હતું. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ લીધેલા વ્રતને નહીં તોડનાર માતામાંથી ગાંધીની આસ્તિકતાનું ઝરણું ફૂટ્યું હતું તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.
આસ્તિક વ્યક્તિ ઇશ્વરી સત્તાને સ્વીકારે છે અને તેને વફાદાર રહે છે. તે સમજે છે કે તેમને મદદ કરવા તત્પર રહેનારી શક્તિ તેનું સતત અવલોકન કરી રહી છે. તેથી તેમના પોતાના દરેક વર્તનને તે જોઇ સમજી વિચારીને પ્રદર્શિત કરે છે. વિલાયતમાં અભ્યાસ કરવા ગયેલા મોહનને તેમની માતાએ આપેલી પ્રતિજ્ઞાઓના પાલન બાબતે તેમની આસ્તિકતા પ્રગટે છે. તેમણે ‘માતાને ક્યાં ખબર પડવાની છે’તેવો બચાવ ધારી લઇ પ્રતિજ્ઞાઓ તોડી નાખી હોત. પણ તેમની આસ્થાએ તેમને તેમ કરતાં રોક્યા હતા. અનેક પ્રસંગોએ તેમના મનને ડગાવી દે તેવાં પ્રલોભનો તેમને મળવા છતાં તેમની આસ્થા ડગી ન હતી. તેમણે શાકાહારનો આગ્રહ સેવ્યો અને શાકાહારીઓના મંડળની રચના કરવા સુધી પહોંચાડયો હતો. તેમની આસ્તિકતાએ તેમને સફળ થવામાં મદદ કરી હતી. આ રીતે તેમની આસ્તિકતા વધુ ને વધુ દૃઢ થતી ગઇ હતી.
ગાંધીજીની પ્રબળ આસ્થા હતી સત્યમાં અને તેથી અહિંસામાં. સત્યની પ્રાપ્તિ જ તેમના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. તેમણે આત્મકથાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ તેમનો હેતુ તો આત્મસાક્ષાત્કારનો છે. મોક્ષપ્રાપ્તિ તેમનું લક્ષ્ય ગણાવ્યું છે. તેમણે સત્યને ઇશ્વર સ્વરૂપે જોયું છે અને અહિંસાથી તેની પૂજા- ઉપાસના કરી છે. સત્ય એ જ ઇશ્વર કહેનારા ગાંધીની આસ્તિકતા સત્ય પ્રત્યે છે અને તેમણે જીવનનાં બધા કાર્યો તે સત્યની પ્રાપ્તિ માટે -આત્મસાક્ષાત્કાર માટે કર્યાં છે.
પ્રાર્થનામાં અખૂટ વિશ્વાસ ધરાવનારા ગાંધીની વિશેષતા તરીકે આ બાબત પણ જોવા જેવી છે. તેમને મન વ્યક્તિગત કરતાં સામુહિક પ્રાર્થનાનું ભારે મહત્ત્વ હતું. તેમણે તેથી ઇશ્વરને કરાતી પ્રાર્થના સમૂહમાં કરવાની ભલામણ કરી હતી. તેમણે સ્થાપેલા આશ્રમોમાં પણ સમૂહ પ્રાર્થનાનો ચીલો તેમણે પાડયો હતો. તેમણે તેમની આસ્તિકતાને વ્યક્તિગત સ્તરેથી ઉઠાવી સમૂહના સ્તરે મૂકી હતી. પ્રાર્થના જ્યારે સમૂહમાં થાય છે ત્યારે તેની શક્તિમાં પ્રચંડ વધારો થાય છે તેવી તેમની માન્યતા હતી. ગાંધીએ પ્રાર્થનાને આત્માનો ખોરાક ગણાવ્યો છે. પ્રાર્થના દ્વારા ઇશ્વરની ઉપાસના કરવી તે ટકી રહેવા માટેનું સૌથી અગત્યનું ભાથું ગણાવ્યું છે.
ગાંધીજીની આસ્તિકતાના દ્યોતક તરીકે તેમની અગિયાર વ્રતોમાં શ્રદ્ધા પણ ગણાવી શકાય. ‘મંગલપ્રભાત’ તરીકે પ્રગટ થયેલા તેમના આશ્રમવાસીઓને યરવડા જેલમાંથી લખાયેલા પત્રોને વાંચતા આ વાત સારી રીતે સમજાય છે. તેમાં તેમની આ વ્રતોમાં ઊંડી આસ્થા જોવા મળે છે. તેમનો ઇશ્વરમાં રહેલો દૃઢ વિશ્વાસ મહાવ્રતોનાં પાલન દ્વારા વ્યક્ત કરવા તેઓ ઝંખે છે તે તેમાંથી સરળ રીતે સમજી શકાય છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, અને બ્રહ્મચર્ય ઉપરાંતના છ મહાવ્રતો ગાંધીનાં ઇશ્વરનું સ્વરૂપ પ્રકટ કરે છે. તેમણે સમાજમાં રહેલા ઇશ્વરની ઉપાસનાની ભલામણ કરી છે. તેમની આસ્તિકતા તેમને સમાજ સાથે પ્રગાઢ રીતે જોડી રાખનારી છે. હિમાલયના એકાંતમાં ઇશ્વરની ઉપાસના કરવાની વાતમાં ગાંધી સહમત નથી. તેમને મન તો શાંતિની સાચી કસોટી સંસારમાં થાય છે. તેમણે ધર્મના પ્રકટ ઇંગિતોનો તો વિરોધ કર્યો હતો. તેમના આશ્રમમાં ભગવા કપડાં પહેરવાની તેમણે મનાઇ ફરમાવી હતી. તેમણે મૂર્તિને પણ મહત્ત્વની નથી ગણી. તેમણે તો અહિંસક જીવન શૈલીથી સત્યની ઉપાસનાને જ ઇશ્વરની ભક્તિનો માર્ગ ગણાવ્યો છે. તેમની આસ્તિકતા આ રીતે મૌલિકરૂપે પ્રાગટ્ય પામી હતી.
ગાંધીજીના આખાયે જીવનને તપાસતા એ વાત સુસ્પષ્ટ થાય છે કે તેમને આસ્તિક તરીકે ઓળખવા કરતાં દૃઢ આસ્તિક તરીકે ઓળખવા જોઇએ. તેમના છેલ્લા જન્મ દિવસે એટલે કે ૨-૧૦-૧૯૪૭ના રોજ તેમની નાજુક તબિયતના સંદર્ભે તેમને પેનેસીલીન આપવાની ડૉક્ટરની સલાહ સામે તેમણે કહેલું કે રામનામને જ દવા બનવા દો તે આ વાતની ગવાહી પૂરે છે.