ગાંધીવિચારમંજૂશા - 1 Bharat Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ગાંધીવિચારમંજૂશા - 1

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧. વર્ણાશ્રમ ધર્મ અને ગાંધીજીનો જીવન સંદેશ

ભારતીય સમાજરચનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રહેલો છે તે વિશે જગત એકમત છે. સપ્તસિંધુનાં તટે વસેલા આર્યોએ ભારતમાં આવતાની સાથે જે મેળવ્યું તેમાં સમાજરચના અને નગરરચના હતાં. સુંદર આયોજનવાળાં નગરો અને તેમાં વસતા લોકોની વર્ણાશ્રમ ધર્મ આધારિત સમાજરચના ભારતની વિશેષતા છે. ગાંધીજી આ સમાજરચનાના હિમાયતી હતા. ભારતીય સંસ્કૃતિ જગતને જે શીખવે છે તે ભારતીય સમાજે છોડી દીધું છે એમ તેઓ માનતા. એટલું જ નહીં, છોડી દીધેલું પુનઃ સ્થાપિત કરવાની વાતને તેમણે ભારપૂર્વક કહી હતી. સ્વસ્થ ભારતીય સમાજ આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા ઉપર જ રચી શકાય અને તેમ થશે ત્યારે જ સ્વસ્થ ભારતીય સમાજની રચના શક્ય બનશે તેવી તેમની દૃઢ માન્યતા હતી. તેથી તો તેમણે સુધારકોને તે માટે કામે લાગી જવા હાકલ કરી હતી. દક્ષિણ આફ્રિકામાં તેમણે કરેલા નિરીક્ષણથી તેમને સ્પષ્ટ થયું હતું કે જ્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનો સ્વીકાર સમાજમાં નહીં થાય ત્યાં સુધી આદર્શ સમાજ રચના શક્ય નથી. આજકાલ વર્ણાશ્રમ સાથે જાતિ વ્યવસ્થાનો પ્રશ્ન પણ જોડાઇ જાય છે. ગાંધીજી વર્ણવ્યવસ્થાના ટેકેદાર હતા પણ જાતિ વ્યવસ્થાના વિરોધી હતા તે હકીકત કદી ન ભૂલાવી જોઇએ.

ભારતીય સમાજરચનાનો પાયોઃ વર્ણાશ્રમ ધર્મ

ભારતીય સમાજને ઓળખવા માટે તેના પાયામાં રહેલી વર્ણ અને વર્ણાશ્રમ ધર્મની વિભાવનાને સમજવી અનિવાર્ય છે. બ્રાહ્‌મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણોમાં ભારતીય સમાજ ગોઠવાયેલો હતો. આ વ્યવસ્થા એક રીતે કર્મ-વર્‌ગીકરણ યોજના હતી. સમાજમાં આવશ્યક કર્મોને ચાર વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યાં હતાં. તેમાં બ્રાહ્‌મણનું કર્મ અધ્યયન સાથે જોડાયેલું હતું. એટલે કે ભણવું અને ભણાવવું તે તેમનું કાર્ય ગણવામાં આવતું. સમાજના રક્ષણની જવાબદારી ક્ષત્રિયોના હિસ્સામાં રહેતી. વૈશ્યોનું કામ અર્થવ્યવસ્થાને જાળવવાનું ગણાતું અને શુદ્રો સમાજનાં સેવાનાં કાર્યોમાં વ્યસ્ત રહેતા. કોઇપણ સમાજ આ ચારેય પ્રકારનાં કાર્યો વિના ન તો ટકી શકે કે ન તો વિકસી શકે. સમાજના સમગ્ર વિકાસ માટે આ ચારેય પ્રકારનાં કાર્યો સરખા મહત્ત્વનાં છે. સમાજનો સર્વાંગી વિકાસ આ રીતે જ થઇ શકે. વળી, નોંધનીય બાબત તે છે કે આ કાર્યોની સોંપણી થતી ન હતી પરંતુ તે વ્યક્તિ દ્વારા પસંદ થતાં હતાં. આ વ્યવસ્થાની વાસ્તવિક મહાનતા આ લક્ષણમાં પડેલી છે. વ્યક્તિ જન્મથી બ્રાહ્‌મણ, ક્ષત્રિય, વૈશ્ય, કે શુદ્ર ન ગણાતા પરંતુ તેણે સ્વીકારેલા કર્મથી તેનો વર્ણ નક્કી થતો. બ્રાહ્‌મણનું સંતાન બ્રાહ્‌મણ બને તે જન્મ આધારિત વ્યવસ્થા ગણાય. ભારતીય સમાજ આ વ્યવસ્થા સ્વીકારતો ન હતો. બ્રાહ્‌મણ માટે નક્કી થયેલાં કર્મો કરે તે બ્રાહ્‌મણ ગણાતા. એટલે કે ભારતીય સમાજ વ્યવસ્થા કર્મ આધારિત હતી, જન્મ આધારિત નહીં. સમાજમાં અનિવાર્ય કર્મોનું ચાર વર્ગોમાં વિભાજન થયું હતું, પરંતુ તે ચાર વર્ગોમાં લોકોનું વિભાજન ન હતું. ભારતીય સમાજરચનામાં એ સ્વસ્થ દર્શન પણ જોવા મળે છે કે આ ચાર વર્ણો કોઇ રીતે ઉચ્ચાવચ્ચતા દર્શાવતા નથી. ચારેય કર્મો સમાજ માટે જરૂરી અને સરખા મહત્ત્વનાં ગણાતાં.

બ્રાહ્‌મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ ક્રમિક વર્ણો ન હતા. આ કારણે જ ભારતીય સમાજ સ્વસ્થ રીતે વિકસી શક્યો અને જગતને ઉત્તમ નગરરચનાનું ઉદાહરણ આપી શક્યો. બ્રાહ્‌મણ થવા માટે બ્રાહ્‌મણ દ્વારા જન્મ એ લાયકાત ન હતી, બ્રાહ્‌મણ કર્મનો સ્વીકાર કરવો જરૂરી હતો. આવું જ બાકીનાં વર્ણોનું હતું. બ્રાહ્‌મણને ત્યાં જન્મનાર શુદ્ર કર્મ સ્વીકારી શકતા અને શુદ્રને ત્યાં જન્મનાર બ્રાહ્‌મણ કર્મ સ્વીકારી શકતા. તેમનું વર્ણમાં વર્ગીકરણ તેમણે સ્વીકારેલા કર્મથી થતું, નહીં કે તેમના જન્મથી. આમ, વ્યક્તિને વર્ણાશ્રમ ધર્મ પસંદ કરવાની છૂટ હતી. વ્યક્તિનો જન્મ કોઇ વર્ણમાં ન થતો, વ્યક્તિ સમજપૂર્વક પોતાને અનુકૂળ વર્ણ પસંદ કરતી. અન્ય શબ્દોમાં, વ્યક્તિ પોતાનો વ્યવસાય પસંદ કરતી તેનાથી તેના વર્ણનું નિર્ધારણ થતું. જો કે ઇતિહાસમાં ક્યારેય વર્ણવ્યવસ્થા તેના આદર્શ મુજબ ભારતીય સમાજમાં પ્રચલિત હતી કે નહીં તે શંકાસ્પદ વિષય છે. ગાંધીજી આદર્શ વર્ણવ્યાસ્થાના ટેકેદાર હતા પણ કથળેલી વર્ણવ્યવસ્થાને લીધે સમાજની જે દુર્દશા થઇ તે આપણે જોઇએ છીએ. ગાંધીજીના સમર્થનમાં આપણે જ્યારે વર્ણવ્યવસ્થાના વખાણ કરીએ છીએ ત્યારે એના વિરોધીઓના મનમાં તો કથળેલી વર્ણવ્યવસ્થા અથવા જાતિ વ્યવસ્થા જ હોય છે તેથી ગાંધી વિચારને સમજવામાં ગેરસમજ થતી હોય છે.

વર્ણાશ્રમ ધર્મની વૈજ્ઞાનિકતા

ભારતમાં આ વ્યવસ્થાકીય સમજ બહુ પ્રાચીન છે. ઐતિહાસિક આધારો તો આ સમજ ભારતીય સમાજમાં આર્યોનાં આગમન પૂર્વેની હોવાનું જણાવે છે. એટલે તો ભારતીય સમાજરચનાને સ્વસ્થસમાજ રચના કહેવામાં આવે છે. સમાજમાં જરૂરી હોય તે બધાં કાર્યો લોકોમાં વર્ગીકૃત થયેલાં હતાં. સમાજરચનાના આ અભિગમમાં સમગ્રતા કે અખંડતાનાં દર્શન થાય છે તેથી જ જગતે તેને ઉત્તમ સમાજ રચના તરીકે નવાજી છે. આ વર્ગીકરણની વૈજ્ઞાનિકતાનું એક પાસું તેની સમગ્રતા કે અખંડતા છે તે રીતે બીજું વધુ મહત્ત્વનું પાસું તેમાં રહેલી “સ્વૈચ્છિકતા” છે. વ્યક્તિનું બ્રાહ્‌મણ, ક્ષત્રિય, વૈશ્ય, કે શુદ્ર હોવું તેની પોતાની પસંદગી હતી. અર્થાત્ , વ્યક્તિ પોતે પોતાનો વર્ણ નક્કી કરી શકતી. ખૂદની ચિને આધારે તે પોતાનું કર્મ પસંદ કરે અને તે રીતે તેનો વર્ણ નક્કી થતો. વર્ણ પસંદગીમાં રહેલી આ સ્વૈચ્છિક્તા ભારતીય સમાજરચનાની આગવી વિશેષતા છે.

ગાંધીજીના જીવન પ્રયોગો આધારિત વર્ણાશ્રમ ધર્મનું અર્થઘટન

ગાંધીજીએ મનુષ્ય જીવનને આગવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. તેમણે “મારૂં જીવન એ જ મારો સંદેશ” એમ કહી દીધું. ગાંધીજીના જીવનનું અવલોકન કરવાથી તેમના મતે વર્ણાશ્રમ ધર્મનો અર્થ શો હતો તે સ્પષ્ટ થઇ જાય છે.

ગાંધીજી “સત્યના પ્રયોગો”માં પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવે છે. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના સમયે પોતાને વણિક પુત્ર હોવા છતા બ્રાહ્‌મણ કર્મ કરતા દર્શાવે છે. અગ્રેજોની સામે લડવામાં કે સત્ય ખાતર અડગ રહેવામાં ક્ષત્રિય કર્મ કરી દેખાડે છે. તો આશ્રમી જીવનમાં શ્રમ અને સફાઇનું મહત્ત્વ જીવી બતાવે છે. આ તો માત્ર ઝલક છે. બૌધિક, રાજકીય, આર્થિક, કે સામાજિક ક્ષેત્રે તેમણે ખુદ પોતાનાં જીવનનાં ઉદાહરણો પૂરા પાડયાં છે. આ અર્થમાં ગાંધીજીનાં જીવનમાં તેઓ બ્રાહ્‌મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર એમ ચારેય વર્ણ જીવતા હતા તે જોઇ શકાય છે. મનુષ્ય પોતાનાં જીવનમાં આ ચારેય વર્ણધર્‌મો જીવે છે. એટલે કે પ્રત્યેક મનુષ્ય પોતાનાં જીવનમાં ક્યારેક બ્રાહ્‌મણ હોય છે, ક્યારેક ક્ષત્રિય હોય છે, ક્યારેક વૈશ્ય હોય છે અથવા ક્યારેક શુદ્ર હોય છે. આ ચારેય વર્ણધર્‌મો એક જ મનુષ્યનાં જીવનનાં ચાર પાસાં છે. કોઇ મનુષ્ય સંપૂર્ણ બ્રાહ્‌મણ, સંપૂર્ણ ક્ષત્રિય, સંપૂર્ણ વૈશ્ય, કે સંપૂર્ણ શુદ્ર હોતો નથી. તે પોતાનાં જીવનમાં આવશ્યકતા અનુસાર આ ચારેય કર્મો કરતો રહે છે. જે મનુષ્ય આ રીતે જીવન જીવે છે તે સંપૂર્ણ જીવનનો અનુભવ કરે છે. તેથી ગાંધીજીના જીવનમાંથી મળતો સંદેશ સૂચવે છે કે પ્રત્યેક મનુષ્યનું જીવન આ ચારેય કર્મોના સંયોજનવાળું હોય છે. કોઇ મનુષ્યને અમુક વર્ણના આધારે ઓળખવાની પ્રથા ખોટી છે. આવી પ્રથા સંકુચિત સમજની દ્યોતક છે. ઇતિહાસ દર્શાવે છે કે પ્રાચીન ભારતમાં મૌર્ય યુગમાં વ્યક્તિનું જન્મ આધારિત વર્ણ વર્ગીકરણ શરૂ થયું અને તે પછી ગુપ્ત યુગમાં અસ્પૃશ્યતાએ પગ પેસારો કર્યો. ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે ઓળખાતા ગુપ્ત યુગમાં પ્રવેશેલી અસ્પૃશ્યતાને તેથી તો “સોનાની થાળીમાં લોઢાની મેખ” કહેવામાં આવે છે. આ અભિગમથી જોતા, શુદ્ર કર્મ કરનાર જો અસ્પૃશ્ય ગણાય તો પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં શુદ્ર કર્મ પણ કરતો હોવાથી તે પ્રત્યેક મનુષ્ય અસ્પૃશ્ય ગણાવો જોઇએ.

વર્ણાશ્રમ ધર્મની આ વિભાવના ગાંધીજીના સર્વ સન્માનની ભાવનાને ઉજાગર કરે છે. આપણે આ તત્ત્વને પકડવાનું છે તો ગાંધી વિચાર પકડી શકાશે.