ગાંધીવિચારમંજૂષા
ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૭. “હિંદ સ્વરાજ”માં કેળવણી વિચાર
“હિંદ સ્વરાજ” ઇ.સ. ૧૯૦૯માં ગાંધીજી દ્વારા લખાયેલું નાનક્ડું પુસ્તક છે. તેમાં ગાંધીજી દ્વારા દોરાયેલો સ્વતંત્ર ભારતનો સુસ્પષ્ટ નકશો છે. તેમની ચાલીસ વર્ષની ઉંમરે ધડધડાટ લખાયેલાં આ પુસ્તકમાં તેમના દર્શનની સ્પષ્ટતા કોઇપણને અભિભુત કરી શકે તેવી છે. આ પુસ્તકનાં શતાબ્દિ વર્ષ દરમિયાન તેનાં વિશે ઘણું કહેવાયું અને લખાયું. અહીં તેમાં વ્યક્ત કરાયેલા કેળવણી વિચારની વાત કરવી છે.
“હિંદ સ્વરાજ”માં એક પ્રકરણ ગાંધીજીએ કેળવણી વિશે લખ્યું છે. વાચક અને અધિપતિના સંવાદોનાં રૂપમાં લખાયેલું આ પુસ્તક નાના એવાં પ્રકરણમાં ગાંધીજીના કેળવણી વિષયક વિચારોને સારી રીતે ઉઘાડી આપે છે. નઇ તાલીમ તો ઇ.સ. ૧૯૩૭માં રજૂ થઇ પરંતુ ઇ.સ. ૧૯૦૯માં પણ તેમના મનમાં કેળવણી વિશેનું દર્શન તે જ હતું. દક્ષિણ આફ્રિકામાં આપદ્ધર્મ તરીકે તેમણે કરેલા કેળવણીના પ્રયોગો, તેમણે પોતે લીધેલી કેળવણી અને તેમનું નિરીક્ષણ આ બધું “હિંદ સ્વરાજ”માં દેખાય છે. આજના સંદર્ભમાં આ વિચારોને જોઇએ ત્યારે નઇ તાલીમ કે બુનિયાદી કેળવણીને ઉપેક્ષાથી જોનારાઓએ આજે પણ કેટલું બધું કરવાનું બાકી રહે છે તે તેમાંથી જાણી શકાય છે તો બુનિયાદી કેળવણીના વર્તમાન ઉપાસકોએ કેવું અને કેટલું કરી દેખાડયું છે તેનો પણ ખ્યાલ આવી શકે છે.
અક્ષરજ્ઞાનની કેળવણી
ગાંધીજીના મતે માણસને માણસ બનાવવો તે કેળવણીનો હેતુ છે. આથી તેઓ અક્ષરજ્ઞાનને મહત્ત્વનું ગણતા નથી. તેમણે તો બધા માટે અક્ષરજ્ઞાનની વ્યવસ્થાની પણ ભલામણ નથી કરી, બલ્કે ના કહી છે. અક્ષરજ્ઞાનથી કશું ઉકળવાનું નથી. તેમણે ૩ઇ ની કેળવણીનો વિરોધ કર્યો છે. “એક ખેડૂત પોતે પ્રામાણિકપણે ખેતી કરી રોટી કમાય છે. તેને સાધારણ રીતે દુન્યવી જ્ઞાન છે. તેણે માબાપ પ્રત્યે કેમ વર્તવું, તેણે પોતાની સ્ત્રી પ્રત્યે કેમ વર્તવું, છોકરા તરફ કેમ ચાલવું, જે ગામડામાં તે વસે છે ત્યાં તેણે કેમ રીતભાત રાખવી, આ બધાનું જ્ઞાન પૂરતું છે. તે નીતિનાં નિયમો સમજે છે ને પાળે છે. પણ તેને પોતાની સહી કરતા નથી આવડતી. આ માણસને અક્ષરજ્ઞાન આપી તમે શું કરવા માગો છો? તેનાં સુખમાં શો વધારો કરશો? તેનાં ઝૂપડાંનો કે તેની સ્થિતિનો તમારે અસંતોષ ઉપજાવવો છે? તેમ કરવું હોય તો પણ તમારે તેને અક્ષરજ્ઞાન આપવાની જરૂર નથી. પશ્ચિમના પ્રતાપમાં દબાઇ જઇ આપણે લઇ ભાગીએ છીએ કે કેળવણી આપવી. પણ તેમાં આગળ પાછળનો વિચાર કરતા નથી.” આ શબ્દો છે તેમના.
“હિંદ સ્વરાજ”માં ઉચ્ચ કેળવણીની વાત કરતાં તેમની કાયમ શાંત લાગતી ભાષામાં આક્રોશ પ્રગટ થાય છે. તેમનાં તત્કાલીન સાધારણ કેળવણી વિષયક અસંતોષની સમજ તેમાંથી મળે છે. તેઓ લખે છે, “હું ભૂગોળવિદ્યા શીખ્યો, ખગોળવિદ્યા શીખ્યો, બીજગણિત મને આવડયું, મેં ભૂમિતિનું જ્ઞાન લીધું, ભૂસ્તર વિદ્યાને ભૂસી બાળી; તેથી શું? તેથી મેં મારૂં શું ઉજાળ્યું? મારી આસપાસનાને શું ઉજાળ્યા? મેં તે જ્ઞાન શા હેતુથી લીધું? તેમાં મને શો ફાયદો થયો?” અંગ્રેજ વિદ્વાન હક્સલીને ટાંકતા લખે છે કે ખરી કેળવણી મનુષ્યોની બુઘ્ધિને શુદ્ધ, શાંત, અને ન્યાયદર્શી બનાવે, કુદરતના કાયદાઓનું સંમાન કરતા કરે, ઇન્દ્રિયો પર કાબૂ રાખતા શીખવે, અંતર્વૃત્તિ વિશુદ્ધ કરે, નીચ કામને ધિક્કારવાનું અને બીજાઓને પોતાના સરખા ગણવાનું શીખવે. અને ઉમેરે છે કે “જો આ ખરી કેળવણી હોય તો મારે સોગનપૂર્વક કહેવું જોઇએ કે ઉપર હું જે શાસ્ત્રો ગણાવી ગયો તેનો ઉપયોગ મારા શરીરને કે મારી ઇન્દ્રિયોને વશ કરવામાં મારે નથી કરવો પડયો.” ગાંધીજીના મતે મૂલ્યશિક્ષણ કે ચારિત્ર્ય ઘડતર કરતી કેળવણી જ ખરી કેળવણી છે, અક્ષરજ્ઞાનની તે માટે આવશ્યકતા નથી. તેમણે લીધેલા શિક્ષણ બાબતે પણ તેમનો અભિપ્રાય સ્પષ્ટ છે, “મેં ઊંચી કે નીચી કેળવણી ન લીધી હોત તો કંઇ હું નિરૂપયોગી થાત તેમ માનતો નથી. હવે બોલીને ઉપયોગી થવાની ઇચ્છા રાખું છું. તેમ કરતા જે ભણ્યો છું તેને કામે લગાડું છું, અને તેનો ઉપયોગ, જો તે ઉપયોગ હોય તો, હું મારા કરોડો ભાઇઓને નથી આપી શકતો, પણ માત્ર તમારા જેવા ભણેલાને આપું છું.” પ્રત્યાયન માટે અક્ષરજ્ઞાનની ભલામણ કરનારાઓને પણ અહીં અક્ષરજ્ઞાનનો મહિમા સમજાવી દેવાયો છે. વળી, ગાંધીજી અક્ષરજ્ઞાનની સંપૂર્ણ બાદબાકી કરવાનું નથી કહેતા, “તે જ્ઞાનની આપણે મૂર્તિપૂજા નથી કરવાની. પ.તેના સ્થાને તે શોભી શકે છે. પતે આભૂષણરૂપે ઠીક લાગવા સંભવ છે. પણ જો અક્ષરજ્ઞાનનો એ ઉપયોગ હોય તો આપણે તેવી કેળવણી ફરજિયાત આપવાની જરૂર નથી રહેતી.”
અંગ્રેજી શીખવા વિશે
બહુ જાણીતું છે કે ગાંધીજીએ માતૃભાષામાં કેળવણી આપવા ઉપર ભાર મૂકેલો અને ઇ.સ. ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના પાછળ એક હેતુ આ પણ હતો. તેમણે ફિનિક્સ આશ્રમ અને ટૉલ્સ્ટોય ફાર્મમાં પણ આ બાબતની કાળજી લીધી હતી. “કરોડો માણસોને અંગ્રેજી કેળવણી દેવી તે તેઓને ગુલામીમાં નાખવા બરાબર છે. મેકોલેએ જે કેળવણીનો પાયો રચ્યો તે ખરૂં જોતાં ગુલામીનો પાયો હતો.” તેમની રજૂઆતમાં આપણી લાચારીને કેવી અભિવ્યક્તિ મળી છે તે જુઓ, “આપણે સ્વરાજની વાત પરભાષામાં કરીએ છીએ તે કેવી કંગાલીયત! પએ કંઇ થોડી જુલમની વાત છે કે પોતાના દેશમાં મારે ઇન્સાફ મેળવવો હોય તો મારે અંગ્રેજી ભાષા વાપરવી પડે! હું જ્યારે બેરિસ્ટર થાઉં ત્યારે મારાથી સ્વભાષામાં બોલાય નહીં! મારી પાસે બીજા માણસે તરજુમો કરવો જોઇએ! આ કંઇ થોડો દંભ! આ ગુલામીની સીમા નથી તો શું છે?”
તેમણે વેલ્સમાં તે વેળા ચાલી રહેલા વેલ્સ ભાષા બચાવવાના પ્રયત્નોને ટાંક્તા સ્વભાષાનું મહત્ત્વ પ્રસ્તુત કર્યું છે, “તેની ભાષા ધૂળ જેવી ગણાય. તેનો જીર્ણોદ્ધાર હવે થઇ રહ્યો છે.” ઇંગ્લેન્ડમાં ધૂળ જેવી ભાષાને બચાવવામાં લાગી જતા અંગ્રેજો આપણી સક્ષમ ભારતીય ભાષાઓની ઘોર ખોદી નાખતી અંગ્રેજી કેળવણી આપણને આપવાનું કેવી રીતે ગોઠવી શકે? આપણે સહુ જાણીએ છીએ કે તેમ થયું અને તેમાં તેઓ ત્યારે સફળ થયા તેથી જ આજે ગુજરાતી બચાવો અભિયાનની સ્થિતિએ આપણે પહોંચ્યા. ફેશનમાં, નાસમજમાં, કે ગુલામ માનસને પરિણામે આજે આપણા બાળકો અંગ્રેજી શાળાઓમાં અક્ષરજ્ઞાન લઇ રહ્યાં છે.
ગાંધીજીએ તે સમયે પણ અંગ્રેજી શીખવાનાં કારણો દર્શાવ્યાં છે. તેઓ લખે છે, “ આપણે દરદમાં એવા ઘેરાઇ ગયા છીએ કે તદ્દન અંગ્રેજી શિક્ષણ લીધા વિના ચાલે તેવો સમય રહ્યો નથી. જેણે તે કેળવણી લીધી છે તે તેનો સદુપયોગ કરે. પોતે તેનો ઉપયોગ માની જરૂર જણાય ત્યાં કરે. અંગ્રેજોની સાથે વ્યવહારમાં, બીજા હિંદી જેની ભાષા આપણે ન સમજીએ તેની સારૂં, અને અંગ્રેજો પોતે પોતાના સુધારાથી કેવા કાયર થાય છે તે જાણવા સારૂ.” ગાંધીજી કેળવણીમાં ભાષા શીખવવાની યોજના વર્ણવતા જણાવે છે કે, “પપ્રજાને પ્રથમ નીતિ શીખવવી, તેઓને સ્વભાષા શીખવવી, તેઓને એક બીજી હિંદની ભાષા શીખવવી. પ્રજા જ્યારે પાકી ઉંમરે પહોંચે ત્યારે ભલે અંગ્રેજી કેળવણી લે. તે માત્ર તેનું છેદન કરવાના ઇરાદાથી, તેમાંથી પૈસો પ્રાપ્ત કરવાના ઇરાદાથી નહીં.” અહીં પણ ગાંધીજી ધ્યાન દોરે છે કે અંગ્રેજી શીખવામાં પણ વિવેક દાખવવો પડશે અને અંગ્રેજી ડિગ્રી લેવાનું બંધ કરવું પડશે. આપણી બધી ભાષાને ઉજ્જવળ કરવી જોઇએ અને આપણી ભાષામાં જ કેળવણી લેવી જોઇએ. તેમણે ઉપયોગી અંગ્રેજી પુસ્તકોના સ્વભાષામાં અનુવાદનું કાર્ય કરવા સૂચવ્યું છે.
ધર્મ કે નીતિની કેળવણી
“હિંદુસ્તાન કદી નાસ્તિક થવાનું નથી.” એ ગાંધીજીની દૃઢ માન્યતા છે. તેઓ ધર્મ અને નીતિની કેળવણી આપવાના પક્ષમાં છે. આ માટે સ્વભાષા શીખવાની જરૂર તેમણે જોઇ છે. આ કામને તેમણે વિકટ ગણ્યું છે. તેમણે સાફ શબ્દોમાં લખ્યું છે કે, “ધર્મની કેળવણીનો વિચાર કરતાં માથું ફરવા લાગે છે. ધર્માચાર્યો દંભી અને સ્વાર્થી જોવામાં આવે છે. તેઓને આપણે વિનવવા પડશે. મુલ્લાં, દસ્તુર, અને બ્રાહ્મણના હાથમાં તે ચાવી છે.” તેમણે પશ્ચિમના સુધારાની હવાને ખાળવા માટે જે કહ્યું છે તે પણ ખાસ ધ્યાન આપવા યોગ્ય છે. “હિંદી દરિયાની કિનારીને મેલ લાગ્યો છે. તે મેલમાં જે ખરડાયા છે તેમને સાફ થવું રહ્યું છે તેવા આપણે, તે પોતાની મેળે પણ ઘણે ભાગે સાફ થઇ શકીએ છીએ. મારી ટીકા કંઇ કરોડોને સારૂ નથી. હિંદુસ્તાનને મૂળ દિશા ઉપર લાવવામાં આપણે મૂળ દિશામાં આવવું રહ્યું છે. બાકી કરોડો તો મૂળ દિશામાં જ છે. તેમાં સુધારા, બિગાડા, વધારા કાળાનુક્રમે થયા જ કરશે. પશ્ચિમના સુધારાને હાંકી કાઢવો એ જ પ્રયત્ન કરવો રહ્યો. બીજું તેની મેળે આવી રહેશે.” દિશા ભ્રમિત શિક્ષિત ભારતીયોના શીરે મોટી જવાબદારી છે અને આપણે હજી અંગ્રેજીની ઘેલછામાં આંધળુકિયાં કર્યે જઇએ છીએ. સબકો સન્મતિ દે ભગવાન.