ગોરુમારાની ગુરુત્તમ સૃષ્ટિ Lalit Gajjer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોરુમારાની ગુરુત્તમ સૃષ્ટિ

ઉત્તર બંગાળનો પ્રવાસ, ભાગ 3

લેખક- પારાવારનો પ્રવાસી

ગોરુમારની ગુરુત્તમ સૃષ્ટિ

બે દિવસમાં તો અમે ઉત્તર બંગાળના હાથી ગેંડા જોઈને ભારે ઉત્સાહિત થઈ ગયા હતા. પણ હજુ ઉત્સાહનો બુસ્ટર ડોઝ લાગવાનો અને હિમાલયના અનોખા વાતાવરણનો અનુભવ થવાનો બાકી છે, તેની અમને કલ્પના ન હતી.

બંગાળનો આ વિસ્તાર સ્થાનિક પ્રવાસીઓ સિવાય ખાસ લોકપ્રિય નથી. રસપ્રદ છે, છતાં જાણકારીના અભાવે લોકો જતાં નથી. જંગલ, મેદાનો, પહાડો, નદીઓ બધુંય છે.. કુદરતના એ વિવિધ રૃપો પૈકી કેટલુંક અમે અનુભવી ચૂક્યા હતા. કુદરતની કેટલીક કરામત હવે અનુભવાની હતી.

બોપોર ના ૩ વાગાના સમય હતો અમારી ગાડીઓ સડસડાટ આગળ વધી રહી હતી વાતાવરણ માં થોડા ઉકળાટ ને કારણે ગાડીના કાચ નીચે ઉતારીને અમે રસ્તાની બંને બાજુ પથરાયેલા ચાના બગીચાના રમ્ય દૃશ્યો જોતાં જોતાં ગુરુમારાના પ્રાંગણમાં પહોંચ્યા.

સામેની તરફ ચાનો વિશાળ બગીચો હતો. આ બાજુ એક નાનકડી ઓરડી હતી, જે જંગલખાતાની બૂકિંગ ઓફિસ હતી. ત્યાંથી પરમિટ કઢાવ્યા પછી પ્રવાસીઓ અંદર જઈ શકે. અંદર જુરાસિક પાર્કની માફક નવતર પ્રકારની સૃષ્ટિ સૌની રાહ જોઈ રહી હતી. પરમિટની કાર્યવાહી પુરી થાય ત્યાં સુધી દૂર દેખાતી હિમાલયની શિખરમાળા જોવા અમે સૌ ગાડીઓની નીચે ઉતરી પડ્યા હતા.

અચાનક વાતાવરણે પલટી મારી. હવામાં રહેલો ઉકળાટ ગાયબ થયો. ઠંડો પવન શરૃ થયો. અને ઠંડા પવનનો સ્પર્શ પુરેપુરો માણી શકાય એ પહેલાં તો આંકાશી અમી વરસવા શરૃ થયા. જાણે ખૂદ હિમાલય સુંપડામાંથી અમારા સ્વાગત માટે વરસાદની ધાર રેલાવવા આવી પહોંચ્યો હતો. આ તો છાંટા પડે છે, એમ માનીને અમે વરસાદને હળવાશથી લીધો. સૌ કોઈ વરસાદની મજા જ લઈ રહ્યાં હતાં. ત્યાં વળી હિમલાયના વધુ એક સ્વરૃપના દર્શન થયા.

એ સ્વરૃપ એટલે કરા વર્ષા. અહીં ગુજરાતમાં તો કોક વખત ચોમાસામાં કરા પડે અને એ પણ નાના નાના. જ્યારે અહીં શરૃ થયેલા કરાની સાઈઝ મોટી હતી. એટલે થયું એવું કે આમ તેમ રખડતા હતા એ સૌ કોઈ જંગલખાતાની નાનકડી છત નીચે ભરાઈ ગયા. માથે કરાની તડતડાટી બોલતી હતી.

ઓફિસ ફરતે લીલોતરીથી ભપરપૂર લોન છવાયેલી હતી. પણ કરાવર્ષા શરૃ થઈ એટલે થોડી વારમાં લોનની લીલોતરી ગાયબ થઈ અને સફેદ કલર છવાઈ ગયો. મારા જેવા ઘણા હતા જેમના માટે આ કરા વર્ષા કૂતુહલનો વિષય હતો. મેં તો ક્યારેય આ રીતે પ્રચંડ માત્રામાં બરફ પડતો જોયો ન હતો.

થોડી વાર પહેલા ઉકળાટને કારણે અમે સૌ ગાડીમાંથી બહાર નીકળી રહ્યાં હતા. પણ હવે સ્થિતિ એવી સર્જાઈ કે જે લોકો ગાડીમાં બેઠા હતા એ બહાર નીકળી શકે એમ ન હતાં. અમે ગાડીથી પચાસેક ફીટ દૂર જ જંગલખાતાની છત નીચે હતાં, પણ ગાડી સુધી પહોંચી શકીએ એમ ન હતા. એ તબક્કે અમે મનોમન માની લીધું કે જંગલ તો ઠીક હવે પાછા હોટલ સુધી કેમ પહોંચાશે એ વિચારો.

સ્થાનિક રહેવાસીઓ સિવાય સૌ કોઈ માટે એ વરસાદ, ઠંડો પવન અને સાથે સંગીત રજૂ કરતા કરા નવી નવાઈના હતાં. એકાદ કલાકે સ્થિતિ થાળે પડતી લાગી. અમને અમારા મદદગાર સ્વરોજીતે માહિતી આપી કે આ વિસ્તારમાં આ રીતે હવામાન પલટો નવાઈની વાત નથી. ઢોળાવ હોવાથી વરસાદ બંધ થયો એ સાથે રોડ પર વહેતું પાણી પણ સરકીને નીચે ઉતરવા લાગ્યુ. બુકિંગની કાર્યવાહી આગળ ચાલી અને થોડી વારમાં તડકો પણ નીકળી આવ્યો.

અમારી ગાડીઓ જંગલમાં પ્રવેશવા લાગી. હવે ચારે તરફ સફેદ કરાની ચાદર પથરાઈ ચૂકી હતી. ચાનાં પાંદડાઓ પર પડેલું પાણી નીચેથી વહેતું થઈ ગયુ હતું. ગુજરાતમાં એપ્રિલની ગરમી હોય એ વખતે અમે અષાઢી માહોલનો અનુભવ કરતાં જંગલમાં પ્રવેશ્યા. ચાના બગીચા વચ્ચે તાજા વરસાદને કારણે થયેલા કાદવમાંથી અમારી ગાડીઓ આગળ વધતી બીજા ચેક પોઈન્ટે પહોંચી. અહીં અમારી ગાડીઓમાંથી ઉતરી જંગલ ખાતાના વાહનોમાં સફારી કરવાની હતી.

આ જંગલની સફરનું ખરું સરપ્રાઈઝ હવે શરૃ થતુ હતું. જિપ્સીમાં જંગલ ફરી લીધુ હતું, હાથી પર વન-વિહાર પણ કરી લીધો હતો. એટલે એક નવા પ્રકારનું વાહન અમારી રાહ જોઈ રહ્યુ હતું- પાડાગાડી. પાડાઓ જોડીને તૈયાર કરવામાં આવેલી આપણા બળદગાડા જેવી ગાડીઓમાં જંગલ સફારી માણવાની હતી. ભારતમાં બહુ ઓછા જંગલો છે, જે પાડાગાડી પર બેસાડીને ફેરવે છે, તેમાંનું એક જંગલ એટલે ગોરુમારા.

માથે તાડપત્રીની છત બનાવેલી પાડાગાડીમાં સૌ કોઈ ગોઠવાયા. વરસાદી માહોલ વચ્ચે પાડાએ ચાલવાનું શરૃ કર્યું. આખી ગાડી હાલક-ડોલક થતી હતી. અમે એનોય આનંદ માણતા હતા. આ પાડાગાડીને વળી અહીંના લોકો બળદગાડું જ કહેતા હતાં.

ધીમો ધીમો વરસાદ ચાલુ હતો, ઠંડો પવન ફૂંકાતો હતો અને એ વચ્ચે અમે પાડાની સવારી કરી ત્રીજા પડાવ સુધી પહોંચ્યા. પાડાગાડીમાંથી નીચે ઉતરીને થોડું ચાલવાનું હતું. આ જંગલ એ રીતે પહેલા મોટર પછી પાડા અને પછી પગપાળા એમ બધા પ્રકારની સફર કરાવનારું છે.

જંગલનો કેન્દ્રિય વિસ્તાર શરૃ થઈ રહ્યો છે એવું દર્શાવતો એક ઊંચો પાળો આવ્યો. એ પાળો ઠેકીને અમે આગળ ચાલતા થયા. ત્યાં ફરી વરસાદ આરંભાયો. કોઈ પાસે છત્રીઓ કે એવુ કશું હતું નહીં. હવે તો ગાડીઓ પણ દૂર હતી. એટલે પલળવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પણ આગળ એક મકાન દેખાતુ હતું. અમારા સાથીદારની સૂચના પ્રમાણે અમે એ મકાન તરફ દોડ્યા.

બે માળનું એ મકાન હકીકતે હાથીઓની ગમાણ હતી. અહીં પણ એલિફન્ટ સફારી થતી હતી. એ માટેના હાથી અહી બાંધ્યા હતા. એકાદ બે હાથી ઓરડામાં હતા. બાકીના બહાર ચોગાનમાં હતા. ઘાસચારો આરોગી રહ્યાં હતા. ઓરડાઓમાં હાથીઓના વિવિધ સાજ-અસબાબ હતા. વજદાર લોખંડી સાંકળો, પગે પહેરાવવાના કડા, અંકુશ, હાથી માટેનો અન્ય ખોરાક..

ગામડામાં ખેડૂતોની ગમાણમાં ગાય-ભેંસ માટે આવી સામગ્રી મેં અનેક વખત જોઈ હતી. પણ હાથીની ગમાણ જોવાનો આ પહેલો અનુભવ હતો. જો વરસાદ ન આવ્યો હોત તો એ ગમાણ અમને જોવા ન મળી હોત એ પણ નક્કી છે. એ વખતે અમે એટલા પલળેલા હતા કે સૌ કોઈએ મોબાઈલ ફોન બંધ કરીને સલામત જગ્યાએ મુકી દીધા હતા. એટલે એ વખત એવો હતો કે લોકો ફોટોગ્રાફી કરવાને બદલે સંપૂર્ણપણે જંગલ દર્શનમાં ધ્યાન આપી રહ્યાં હતા.

વરસાદ અટક્યો એટલે ફરી આગળ ચાલ્યા. એક વોચ ટાવર સામે દેખાતો હતો. તેના ઉપર અમે સૌ ચડ્યા. જલદાપારાની માફક ગાઢને બદલે આ જંગલમાં ઘાસનું પ્રભુત્વ વધારે હતું. કમસેકમ અમે જે વિસ્તામાંથી જંગલમાં પ્રવેશ્યા ત્યાં તો ઘાસ જ વધારે હતું. આફ્રિકાના સવાના પ્રદેશની માફક દૂર સુધી ફેલાયેલા ઘાસ વચ્ચે કેટલાક કાળા-રતુમડાં આકાર દેખાતા હતા. એ બાયસનનું ટોળું હતું. એક તરફ ગેંડી અને તેનું બચ્ચું પણ ચરી રહ્યાં હતા.

દૂરબીન વડે એ પ્રાણીઓ સરળતાથી દેખાતા હતા. પણ અમારા માટે તો વોચ-ટાવર સુધી પહોંચવાની સફર જ એટલી બધી થ્રીલિંગ રહી હતી કે હવે કોઈ પ્રાણી દેખાય કે ન દેખાય એની અમને કોઈ તમા ન હતી. એક પ્રકારનો નિજાનંદ રોમેરોમમાં વ્યાપી ગયો હતો.

હિમાલયની અલૌકિકતા શું હોઈ શકે તેનો અંદાજ અમને હિમાલયથી થોડા કિલોમીટર દૂર હોવા છતાં થઈ ચૂક્યો હતો. થોડી વારે સૌ કોઈ નીચે ઉતર્યા. હવે વરસાદ બંધ થયો હતો. અંધારુ ઘેરાવાની શરૃઆથ થઈ ગઈ હતી. પગપાળા, પછી પાડાગાડીમાં અને પછી ઈનોવામાં એમ અંધકાર ચીરતી અમારી સફર શરૃ થઈ. સવારે અમારે નવી સફર આદરવાની હતી.