(ભીનું રણ – 5)
સીમાના ફ્લેટ પર પહોંચ્યા ત્યાં સુંધી આખે રસ્તે તપન કશું બોલ્યો નહિ. મારું મગજ પણ ટ્રાફિકમાં એ જે રીતે બાઈક ચલાવતો હતો એના કારણે બીજા કશામાં ચાલે એમ ન હતું.
સીમાના ફલેટથી એકાદ કિલોમીટર દુર એક ચાની કીટલી પર તપને બાઈક ઉભું રાખ્યું અને મને કીધું કે ‘તારી કોઈ વસ્તુ સીમાના ઘેર રહી છે ખરી?’
‘ના ...હું મારી આ બેગ લઈને જ નીકળ્યો છું કેમ શું થયું એ તો કહે.’
‘ઇન્સ્પેક્ટર રાઠોડનો ફોન હતો કે સીમાએ એના ફલેટમાંથી કુદીને આત્મહત્યા કરી છે..એટલે તને પૂછું છું કે તારી કોઈ વસ્તુ એને ઘેર રહી નથીને ??....નક્કામું ઉલમાંથી ચૂલમાં ન પડાય એટલે ..અને જો હું પાછો આવું ત્યાં સુંધી તું શાંતિથી અહી કીટલીએ જ બેસ. કારણકે પેલા ફ્લેટના ચોકીદારે તો તને જોયો જ છે એટલે તારું આવવું ત્યાં હિતાવહ નથી.’
એના ગયા પછી મને વિચાર આવ્યો કે આટલા ટ્રાફિકવાળા ચાર કીલોમીટરના રસ્તામાં એણે કેટલું મગજ દોડાવ્યું હશે.
અડધો કલાકમાં તપન કીટલીએ પાછો આવ્યો. હું પણ ત્યાં બેસીને કંટાળી ગયો હતો એટલે એને જોઈને ખુશ થયો પણ એ ખુશી ક્ષણિક જ હતી. એ ફક્ત એટલું જ કહેવા આવ્યો હતો,કે હું અહીંથી નીકળીને એણે બતાવેલા ઘર ઉપર પહોંચી જાઉં એ જ મારે માટે હિતાવહ છે.
તપન એટલું કહીને ગયો કે હું સાંજે સાતેક વાગે ત્યાં આવીને મળું છું, એટલે એ અરસામાં મારે ક્યાંય જવાનું ન હતું. એનો મતલબ અત્યારે હું સાવ ફ્રી હતો એટલે હું નજીકના એક મલ્ટીપ્લેક્સમાં હિન્દી મુવી જોવા બેસી ગયો. મુવી જોઈને હું પેલા ફ્લૅટ પર પહોંચી ગયો.ફર્નિચર સાથેનો ફ્લેટ હું આવવાનો હોઈશ એટલે સાફ-સફાઈ કરી તૈયાર રાખ્યો હશે એવું મને લાગ્યું. ફ્લેટની એકમાત્ર બાલ્કની બહાર રોડસાઈડ પડતી હતી એટલે વાહનવ્યહવારનો અવાજ વાતાવરણને જીવંત રાખી રહ્યો હતો.
સીમાએ આત્મહત્યા કરી એ સાંભળીને મારું મગજ બહેર મારી ગયું હતું અને એમાંથી છુટકારો મેળવવા જ હું મુવી જોવા ગયો હતો એવો તર્ક હું મારી જાતને સમજાવતો હતો. પણ સાચેસાચ તો શહેરમાં આવીને આ બનેલી ઘટના મારા માટે ખતરારૂપ હતી એ હું સમજી ગયો હતો. એટલે એ ડરને કારણે મારા ઉદ્વિગ્ન મનને બીજી તરફ વાળવા જ મુવી દેખવા ગયો હતો.
જે રેકેટ પકડવા માટે મારી મદદ લેવા માટે મને તપને અહીં બોલાવ્યો હતો, એ કામ આટલું બધું જોખમી હશે એ તો મને ખબર હતી. પણ એ કામ માટેની મહત્વની કડી અને મારા માટે એનું પહેલું પગથીયું સીમા હતી અને એનુંજ અકાળે ખૂન થઈ જશે એ ખબર ન હતી. તપને હજુ મારી સમક્ષ કોઈ પત્તા ખોલ્યા ન હતા,એટલે મારે હવે એની રાહ જોવી અનિવાર્ય હતી. એ આવે એટલે આખા પ્લાન વિશે જાણવું મારા માટે ફરજીયાત થઈ ગયું હતું. હવે મારે પણ મારા દરેક સ્ટેપ સાવચેતીથી ભરવા પડશે. મને એ વાતની શાંતિ હતી કે તપન ક્રાઇમબ્રાન્ચમાં ઉચ્ચ ઓફિસર હતો એટલે મારે ડરવાની જરૂર નથી, પણ સાથે સાથે આ જ બાબત મને હેરાન પણ કરી શકે છે એવું મારે વિચારવું રહ્યું.
સાંજે તપન આવ્યો ત્યારે એના ચહેરા પરનો થાક મને બરાબર દેખાઈ રહ્યો હતો.
'તપન મને એ નથી સમજાતું કે સીમાએ મને સાંજ પડશે એવું કીધું હતું, તો એ બપોરે એક વાગે ઘેર કેમની આવી ગઈ?' મારા મગજમાં ક્યારનો ઘૂમરાતો પ્રશ્ન મેં કહી દીધો એટલે જાણે મને રાહત થઈ.
'આ કેસમાં ઘણા બધા ઈફ્સ એન્ડ બટ્સ છે કિશોર. એમાંથી એક તો હું અત્યારે સોલ્વ કરીને આવ્યો છું કે સીમાએ આત્મહત્યા નથી કરી પણ તેનું ખૂન થયું છે.'
'શું વાત કરે છે..... ??'
'હા તને મૂકીને ગયા પછી હું ફ્લેટમાં ગયો તો ત્યાં નીચે પાર્કિંગ પાસે ભેગું થયેલું ટોળું જોયું સફેદ કપડું ઢાંકેલી લાશ મને રાઠોડે બતાવી. એનું મોઢું સાવ છૂંદાઇ ગયેલું હતું. એનો અડધો ચહેરો લોહીથી લથબથ એના વાળથી ઢંકાયેલો હતો. પાંચમે માળથી પડેલું એ શરીર ખોપરી ફાટવાથી નિષ્ચેતન થઈ પડ્યું હતું. મેં લાશનું નિરીક્ષણ કર્યું તો સીમાના હાથ પર જે નિશાન હતા એનાથી એક વાત સ્પષ્ટ હતી કે મૃતક સાથે ઝપાઝપી થયેલી હોવી જોઈએ. મતલબ કે એને પાંચમે માળથી ફેંકવામાં આવી હશે. રાઠોડ એની કાર્યવાહી કરતા હતા ત્યાં સુંધીમાં મેં સિક્યોરિટી કેબિનમાં જઈને સીસીટીવી રેકોર્ડિંગ ચેક કર્યું. એક કોન્સ્ટેબલ ગેટ પર તહેનાત હોવાથી રાઠોડના આવ્યા પછી કોઈ અજાણ્યો માણસ બહાર નહીં નીકળ્યો હોય એ મને ખાતરી હતી. સીસીટીવી ફૂટેજ જોયા તો એ નક્કી થઈ ગયું કે ખૂન થયા પછીના ગાળામાં તો ગેટ પરથી કોઈ અજાણ્યું બહાર નીકળ્યું ન હતું, એટલે મેં રજીસ્ટર ચેક કર્યું. ગઈકાલે રાત્રે દસ ને બાવીસે એક અજાણ્યો શખ્સ રાઘવ પટેલ નામે એન્ટ્રી કરી સીમાના બ્લોકમાંજ 302 નં ના ફ્લેટમાં ગયો હતો. એ ફ્લેટમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં રાત્રે કોઈ મળવા આવ્યું જ નથી. એટલે મારી શંકા પ્રબળ બની. સીસીટીવીમાં બ્લેક ચેક્સ વાળો શર્ટ પહેરેલો શખ્સ જે રાત્રે અંદર આવ્યો પછી બહાર નથી નીકળ્યો એ મને ખાતરી થઈ ગઈ.'
'એનો મતલબ એ વ્યક્તિ ત્યાંજ હજાર હશે એમજ ને.'
'યેસ્સ ...મને એજ વિચાર આવ્યો એટલે હું સીધો ત્યાંથી ભાગ્યો. સીમાના બ્લોકમાં ટોપ ફ્લોર સુધી લિફ્ટમાં ગયો. ફ્લેટના ધાબાનું બારણું જે લોક રાખવામાં આવતું હશે એટલે એને નકુચા સાથે તોડવામાં આવ્યું હતું. કોઈના બુટના નિશાન તાજા પડેલા હોય એમ દેખાતા હતા. એટલે હું સાવચેતી પૂર્વક ધાબામાં પ્રવેશ્યો, એ પહેલા કમરમાં છુપાવેલી પિસ્તોલ પર હળવેથી હાથ ફેરવી લીધો. ધાબામાં પ્રવેશી મેં ધાબુ બહારથી બંધ કર્યું. વાતાવરણમાં સિગરેટના ધુમાડાની આછી હાજરી ત્યાં કોઈ શખ્સ હાજર હોવાની સાબિતી મને આપતું હતું.'
પણ તપન તારે એકલાએ ત્યાં જવાની જરૂર શી હતી, એક કોન્સ્ટેબલને સાથે લઈ જવાયને...!!!' મેં વચ્ચે એને અટકાવ્યો એ એને ગમ્યું હોય એવું મને ના લાગ્યું.
'કિશોર અમને ટ્રેનિંગ જ એવી મળી છે કે અમુક કિસ્સામાં અમે વધારે વિચારીયે નહીં…..એક્શન જ લઈ લઈએ. અમુકવાર કોન્સ્ટેબલને સાથે રાખવામાં અમારા કામ વધી જાય એવું અનુભવેલું છે.'
' હા બોલ પછી શું થયું? કોઈ હતું ત્યાં ?' મારી ઇંતેજારી વધી ગઈ હતી.
'હમમ ….મારા પગલાંના અવાજથી સાવચેત થયેલો એ શખ્સ કેબિનની ઉપર આવેલી ટાંકી નીચે સંતાઈ ગયેલો. ધાબા પર પડતા ટાંકીના પડછાયામાં એક પિલ્લરના પડછયા પાછળ થોડી હલનચલન થતી મેં જોઈ. મેં ધીમેથી એક ખૂણામાં પડેલી પાંચેક ફૂટની ગેલવેનાઈઝની પાઇપ હાથમાં લીધી. હું જ્યાં ઉભો હતો એ તરફ એની પીઠ હતી. એ થોડો ત્રાંસો એ રીતે બેઠો હતો કે એણે પગમાં પહેરેલ કેનવાસના બંને બુટ બહારની તરફ હું જોઈ શકતો હતો. મારી પાસે સમય હતો પણ ભરબપોરે સંતાવું મુશ્કેલ હતું. એની પાસે હથિયારમાં શું હશે તે વિશે હું અજાણ હતો. એટલે મેં ત્વરિત હુમલો કરવાનો નિર્ણય કર્યો. મેં મારી વિરુદ્ધ દિશામાં એટલે કે એનો ચહેરો જે દિશામાં હતો ત્યાં થોડા કાંકરા લઈને ફેંક્યા અને બીજી જ ક્ષણે શરીરમાં જેટલી તાકાત હતી એટલી વાપરી એના બુટની ઉપરના ભાગમાં પાઇપથી પ્રહાર કર્યો. એકદમ હુમલાથી ડઘાઈ ગયેલા એ શખ્સનો ચિત્કાર મેં સાંભળ્યો પણ એ તરત જ પિલ્લરની બહાર આવ્યો અને એના હાથમાં પકડેલી પિસ્તોલનું નાળચું મારા તરફ ફર્યું. પાઈપના પ્રહારથી એક ઘાયલ પગનું સંતુલન એ જાળવી ન શક્યો એટલે એની ગોળી નિશાન ચુકી ગઈ,પણ મારાથી એમ થાય એ શક્ય ન હતું. મારી ગોળી એના માથાને આરપાર બીજી જ ક્ષણે નીકળી ગઈ અને એ કેબિનની નીચે ધડામ દઈને પડ્યો. રાઠોડને હવે બે લાશ ત્યાંથી લઈ જવાની હતી. પંચનામું કરવામાં એ લોકોને વાર લાગવાની હતી મેં તરત એ શખ્સનો ફોટો પાડ્યો અને મારી ઓફિસ મોકલી દીધો. એની ઓળખાણ કરવી હવે જરૂરી બની ગઈ હતી. સવારે સાડા દસે સીમાએ ફોન પર વાત કર્યા પછી એનો મોબાઈલ પણ સ્વીચઓફ બતાવે છે એટલે એનું લોકેશન મેળવવું અઘરું બન્યું છે. કારણકે સીમાનો ફોન એ ઘટના સ્થળેથી મળી આવ્યો નથી.
એટલામાં જ તપન ઉપર ઇન્સ્પેકટર રાઠોડનો ફોન આવ્યો એટલે અમે બંને ફ્લેટમાં લોક મારી બહાર નીકળ્યા. રસ્તામાં તપને મને કીધું કે કિશોર આપણે પહેલા સીમાની લાશ જોવા જઈશું. પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. છેલ્લે સીમાને તેં દેખેલી છે એટલે તું એકવાર એને દેખે એ મારા માટે મહત્વનું છે. કારણકે મેં કહ્યું તેમ ઘણા પ્રશ્નો હજુ વણઉકેલ્યા છે.
હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજ જેવા લાશ-ઘરમાં અમે પ્રવેશ્યા. બહાર ઉભેલા કોન્સ્ટેબલે અમને સલામ ભરી. અમે એક પેસેજ વટાવીને એક મોટા રૂમમાં પ્રવેશ્યા. રૂમની ચારેબાજુ બેન્કના લોકરની જેમ વ્યવસ્થિત મોટા મોટા સ્ટીલના ડ્રોઅર હતા. અંદર ઉભેલા કર્મચારીએ અમે જે નંબર બતાવ્યો એ ડ્રોઅર બહાર ખેંચ્યું. અર્ધી ઢાંકેલી એ લાશનો ચહેરો ઓળખાય એમ ન હતો, પણ પગમાં પહેરેલા પિન્ક કલરના મોજા જોઈને હું ચમક્યો. હું એકદમ બરાડી ઉઠ્યો. ના.. ના.. આ સીમા તો કોઈપણ હિસાબે નથી, આ તો એની નોકરાણી સોના જ હોઈ શકે.
રૂમમાં ઉભેલો કર્મચારી થોડો ડઘાઈ ગયો, પણ તપનની આંખમાં એક ચમકારો હતો. જાણે એ કહી રહ્યો હતો કે...કિશોર આ સાંભળવા જ હું તને અહીં લાવ્યો છું.
સોનાની લાશ જોયા પછી હું થોડો વિહ્વળ બની ગયેલો. મેં તપનને ડિનર લેવાની ના પાડી એટલે એ જુના શહેરની રોનક ગણાતા માણેકચોકના રાત્રી ખાણીપીણી માર્કેટમાં લઈ ગયો. અહીંનું વાતાવરણ ખરેખર હાઈ બી.પીના પેશન્ટની જેમ ધબકતું હતું. હું ક્યારે અને કેવી રીતે એ રોનકમાં સામેલ થઈ થઈ ગયો એની ખબર જ ન પડી.
ત્યાંથી ફ્લેટ ઉપર પરત આવ્યો ત્યારે ઘણા બધા પ્રશ્ન વણઉકેલ્યા હતા. પોલીસને સોના વિશે કોઈ માહિતી મળી ન હતી. જો લાશ સોનાની જ હોય તો સીમા ક્યાં છે? એનો ફોન કેમ સ્વીચઓફ આવે છે? અને તપનના કહેવા મુજબની ચિંતાજનક બાબત કે ભુરાના કટ્ટર વિરોધી એવા વિલાસનું છેલ્લા ઘણા સમયથી આ શહેરમાં સક્રિય થવું.
(ક્રમશ)
ચેતન શુક્લ