ભીનું રણ - 10 Chetan Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ભીનું રણ - 10

ભીનું રણ – 10

લીફ્ટમાં સાંભળેલી વાત મને એકદમ વિહવળ બનાવી ગઈ હતી. કેટલા ઠંડા કલેજે આ લોકો પોતાના કામને અંજામ આપતા હોય છે. મારે કોઈ પણ રીતે સીમાને બચાવવી હતી એટલે ફટાફટ દાદરા ચડીને હું ઉપર ગયો. હાંફતો હાંફતો પેસેજમાં આવ્યો તો તપન ત્યાં રૂમની બહાર ટહેલી રહ્યો હતો. મને આમ આવેલો જોઈ એ પણ આશ્ચર્યમાં પડી ગયો. મેં એને ટૂંકમાં લીફ્ટમાં થયેલી વાતચીત વિશે કહ્યું. એણે મને કીધું કે તું એના રૂમમાં જા અને એની સાથે ઔપચારિક વાતચીત શરુ કર. થોડીવાર પછી હું અંદર પ્રવેશું છું. હું જે પ્રમાણે કહું તે પ્રમાણે કરજે, બીજી બધી વાતો હું તને પછી સમજાવું છું.

મેં સીમાના રૂમનો ડોરબેલ વગાડ્યો. સીમાએ દરવાજો ખોલ્યો મારા માનવા પ્રમાણે એટલેકે અમે આર.ડી સાથેની જે વાતચીત સાંભળી હતી એ કારણે કદાચે ભયભીત હશે પણ, સીમાના ચહેરા પર એવા કોઈ ભાવ હતા નહિ. જો કે મને એનું અચરજ પણ ન થયું. હું અંદર ગયો પછી મેં આર.ડીએ શું વાત કરી એ બાબતે પૂછ્યું તો એણે એકજ વાક્યમાં પતાવ્યું કે ‘ શું કહેવાનો હતો? બે પેગ મારીને આડકતરી રીતે મને ધમકાવીને ગયો. બીજું શું ?’

‘કોઈ ચિંતા કરવાની જરૂર નથી એનો બંદોબસ્ત પણ ભૂરાની જેમ જ થઇ જશે.’ એમ બોલતા બોલતા હું સોફામાં બેઠો. હાંફ ચડેલો હોવાથી મારા હોઠ સુકાતા હતા. મેં ટેબલ પર પડેલી મિનરલ વોટરની બોટલ પીવા માટે હાથમાં લીધી. પણ લીફ્ટવાળી વાત યાદ આવતા જેવી લીધી એવી જ પાછી મૂકી દીધી.

‘યાર ...આ ...મારું માથું કેમ જોરદાર ભમે છે.’ સીમા પોતાનું માથું પકડીને સામેના સોફામાં બેઠી હતી.

‘આર.ડીની ધમકીની અસર હશે. એની ચિંતાને કારણે જ હશે.’ હું વાતાવરણ હળવું બનાવવા બોલ્યો.

‘માય ફૂટ .....એની ધમકીઓની તો હવે મને કોઈ અસર થવાની જ નથી. તું મારી સાથે છે એટલે હવે હું બેફીકર પણ છું. અને તારો મિત્ર તપન...એ ક્યાં છે ??..હવે એની મદદ મારે પણ લેવી પડશે.’

સીમાએ કરેલા તપનના ઉલ્લેખથી હું પણ ચોંકી ગયો. એનો મતલબ એ હતો કે ભુરાને પકડવામાં હું અને તપન સાથે હતા એ વાત એને ખબર પડી ગઈ છે. હું કોઈ પ્રતિભાવ આપું એ પહેલા જ દરવાજાના કી-હોલમાં ચાવી ફરવાનો અવાજ આવ્યો. હું કે સીમા કશું બોલીએ એ પહેલા જ તપન અંદર ઘુસી આવ્યો. એની સાથે પોલીસના ડ્રેસમાં બે મહિલા પોલીસ જોઈ હું ચમક્યો.

સીમા એની જગ્યાએથી ઉભી થાય એ પહેલા એક મહિલા પોલીસે એને બે ખભે હાથ મૂકી પાછી બેસાડી દીધી, અને બીજીએ એના હાથમાં હાથકડી પહેરાવી દીધી. ત્રણ જ મીનીટમાં બનેલી ઘટનામાં હું કંઈ પૂછું એ પહેલા તપન બોલ્યો; ‘સોરી યાર ...પણ આ કેસમાં મારે એની બહુ જરૂર છે.’

સીમા એકદમ તાડૂકી ; ‘આ શું માંડ્યું છે? તમે બંને એકબીજા સાથે મળેલા છો એ મને ખબર છે. તોય આ નાટક શેના કરો છો. કિશોર મેં તારી પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી.’

તપને મને કશું બોલવાની ના પાડી હતી એટલે હું સાવ મૂંગો રહ્યો. હોટલના પોર્ચમાં અમે આવ્યા ત્યાં સુંધી બધા અમારી સામે તાકી તાકીને દેખતા હતા. આવી મોટી હોટલમાંથી કોઈ મહિલા પોલીસ જયારે કોઈ સુંદર દેખાતી યુવતીને લઈને નીકળે એટલે એ લોકો શું વિચારતા હશે એ હું સારી રીતે સમજતો હતો. પોર્ચમાં પોલીસવાન તૈયાર જ હતી. અમે બધા અંદર બેઠા. તરત જ પેલી મહિલા કોન્સ્ટેબલને તપને ઈશારો કર્યો એટલે એણે સીમાના હાથમાંથી હાથકડી ખોલી નાંખી. હજુ હું કે સીમા કશું બોલીએ એ પહેલા એણે વાનના ડ્રાઈવરને સંબોધીને તાત્કાલિક અપોલો હોસ્પિટલ લઇ જવાની સુચના આપી.

સીમા ફરીથી એકદમ ચિલ્લાઈ ‘કેમ અપોલોમાં લઇ જાઓ છો? મારું કયું મેડીકલ ચેકઅપ કરવાનું છે તમારે?’

આટલા વખતથી શાંત રહેલો તપન બોલ્યો ‘રિલેક્ષ સીમા ....તારું ચેકઅપ નહિ પણ ટ્રીટમેન્ટ કરાવાની છે એટલે ત્યાં જઈએ છીએ. શેની એ કિશોરને ખબર છે એને પૂછી જો. મારી પર તો તને વિશ્વાસ નહિ આવે.’

‘હવે તમે બંને આ નાટક કરવાનું બંધ કરો. એ હવે મને શું કહેવાનો હતો? હું ઓળખી ગઈ છું તમને બંનેને. હું ભૂલી ગઈ હતી કે હું ગુનેગાર છું. તોય કેમ જાણે હું તમારા જેવા લોકો પર આશા રાખીને બેઠી.’ આટલું બોલીને સીમાએ ત્રાંસી નજરે મારી સામું જોયું.

‘કાલ્મ ડાઉન સીમા....પેલો આર.ડી તારા પેગમાં એક ચોક્કસ પ્રકારનું પોઈઝન આપીને ગયો છે. જેની અસર ચારેક કલાકે જ થાય. તારી તાત્કાલિક સારવાર થવી જરૂરી છે એટલેજ આ રીતે ત્યાંથી નીકળવું પડ્યું. આ તારું માથું દુખવું પણ એનુંજ પરિણામ હોઈ શકે.’

‘વ્હોટ ...શું વાત કરે છે ..એટલે એ કાળોતરો મને ડ્સીનેજ ગયો એમ ને ?’

‘ચિંતા ન કરીશ તારા નસીબે હું એ લોકો સાથેજ લીફ્ટમાં હતો. મેં એ લોકોની સાંકેતિક વાતમાંથી આ તારણ કાઢેલું છે.’ હું એનો હાથ પકડીને બોલ્યો.

એણે એના હાથના આંગળા મારી આંગળીઓ સાથે થોડા ભીંસ્યા અને મારી સામું જોઈ રડમસ ચહેરે બોલી; ‘કિશોર મને કંઈ થશે તો નહિ ને?’

‘ડોન્ટ વરી સીમા...એટલેજ આપણે પ્રાઇવેટ હોસ્પીટલમાં જઈએ છીએ. આપણે આવી સારવારમાં કોઈ જોખમ ન લઇ શકીએ. ત્યાંના એક મેઈન ડોક્ટર સાથે પણ મારે વાત થઇ ગઈ છે.’ તપન બોલ્યો.

ઓહ સોરી ...હું રહી ગુનેગાર એટલે એક પછી એક ગુના કરતી જાઉં છું. જુઓને મેં તમને બંનેને શું શું કીધું હમણાં.’ એમ બોલીને સીમા પોતાના વાળ પકડી માથું નીચું કરી બેસી રહી.

પછી જ્યાં સુંધી હોસ્પિટલ ન આવી ત્યાં સુંધી અમારા બંનેમાંથી કોઈ કશું બોલ્યું નહી. સીમા પણ સુનમુન થઇ બેસી રહી. હોસ્પીટલની બહાર વ્હીલચેર લઈને એક માણસ હાજર હતો. સીમાને એમાં બેસાડી અને અંદર ઈમરજન્સી લખેલા પેસેજ તરફ લઇ ગયા. ત્યાં હાજર રહેલી નર્સે અમને બહાર રહેવા જણાવ્યું. એટલે નાછૂટકે સીમાએ મારો હાથ છોડ્યો. હું એની બેબસ નજર સામું દેખતો રહ્યો અને એ અંદર ઓઝલ થઇ ગઈ. હું વેઈટીંગ લોન્જમાં મુકેલા સોફા પર જઈને બેઠો. તપન પણ મારી બાજુમાં બેઠો.

મ્યુટ કરેલું ટી.વી પણ કેટલું ધ્યાન ખેંચે છે એ તમને કોઈ હોસ્પીટલમાં જાઓ એટલે ખબર પડે. ચાલીસ ઈંચનું મોટું ટીવી લોન્જમાં મુકેલું હતું એની સામે લક્ઝરી બસની જેમ લાઈનસર સોફા ગોઠવેલા હતા. અમુક લોકો અંદર અંદર વાતો કરતા હતા એનો ગણગણાટ વાતાવરણને થોડો જીવંત રાખતો હતો. બાકીના લગભગ બધા લોકો ટીવીમાં આવતા કોઈ પ્રોગ્રામ જોવામાં જાણે મશગુલ હતા. નિરંતર અવરજવર ચાલુ હતી. નર્સિંગ સ્ટાફના લોકોમાંથી કોઈ હાથમાં કાગળિયાં કે ફાઈલ લઈને દોડાદોડ કરતા હતા, કોઈ પેશન્ટની વ્હીલચેર લઈને આવ-જા કરતા હતા. અહીં બેઠેલા બધા જ લોકો કોઈને કોઈ દુખી પરિવારના સદસ્ય હતા પણ કોઈના ચહેરા પર ઉદાસી વંચાતી ન હતી. બધા અલગઅલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા.

થોડીવારે મેં તપનની સામું જોયું. મને ખબર હતી કે તપન હવે અહી સમય બગાડે તેવો છે નહિ. એ ઉભો થયો હું પણ એનીસાથે બહાર સુંધી ગયો. એણે મને ટૂંકમાં અત્યારે એનું જવું કેટલું જરૂરી છે એ સમજાવી દીધું. મેં એને કીધું કે હું હવે અહીંજ છું, એટલે અહીની માહિતી વિષે અપડેટ કરતો રહીશ.

હું સીધો જ રીશેપ્શન તરફ ગયો. સીમા વિશેના રૂમની માહિતી મેળવી મેં પેશન્ટના સગાને અપાતો વીઝીટીંગ પાસ મેળવ્યો. પછી હું બીજા ફ્લોર પર એને જ્યાં રાખવામાં આવી હતી ત્યાં ગયો. મને દરવાજા પર જ રોકવામાં આવ્યો અને બહાર રાહ જોવાનું કહ્યું. થોડીવારે એક યંગ ડોક્ટર બહાર આવ્યા અને મારા વિશે પેલા સિક્યુરીટીવાળાને પૂછી મારી પાસે આવ્યા.

‘આપ પેશન્ટ સીમાની સાથે છો?’ ડોકટરે આવીને મને સીધો સવાલ પૂછ્યો.

હું એકદમ ઉભો થઇ ગયો અને બોલ્યો. ‘હા ડોક્ટર હું જ એની સાથે છું. કંઈપણ કામ હોય તો મને કહેજો’

‘ઓકે ..નો પ્રોબ્લેમ ...તમે એને ખરેખર સમયસર અહી લાવ્યા છો. એકાદ કલાક મોડું થાત તો સ્પ્રેડ થઇ ગયું હોત અને એને બચાવવી મુશ્કેલ બનત. બાય ધ વે આપ એના ...??’

‘સર હું એનો ફિયાન્સ છું. એના ફેમીલીવાળા આ શહેરમાં છે જ નહિ...એટલે ..’

આટલું તો બેધડક બોલી ગયો પણ હવે આગળ શું બોલવું તેની વિમાસણમાં હતો, પણ ડોકટર મારી વાત અધવચ્ચે કાપી બોલ્યા. ‘નોટ અ ઇસ્યુ. પણ આ પોલીસકેસ છે એટલે અમારે થોડી તકેદારીથી કામ કરવું પડે. એ કારણે જ મેં પૂછ્યું બાકી અમે કોઈની અંગત બાબતમાં માથું નથી મારતા. અમારું કામ તો પેશન્ટની સારવાર કરવાનું છે.’

‘હજુ બે-ત્રણ કલાક એને મોનીટરીંગમાં રાખવી પડશે એટલે ત્યાં પેશન્ટ સાથે એમના કોઈ સગાને જવા દેવામાં નહિ આવે. આજે રાત્રે એક જણ પેશન્ટ સાથે રહી શકશે. તમે પ્લીઝ અત્યારે ત્યાં કાઉન્ટર પર જઈને પેશન્ટને લગતી વિગતો માટેનું એક ફોર્મ ભરી આપશો?’

‘યસ ડોક્ટર વ્હાય નોટ?’ મારું વાક્ય પૂરું થાય એ પહેલા તો ડોક્ટર બીજા વોર્ડમાં જવા માટે ત્યાંથી નીકળી ગયા.

*****

તપન હોસ્પીટલથી સીધો ગાંધીનગર જવા નીકળી ગયો. એ પહેલા બે વિશ્વાસુ કોન્સ્ટેબલને સાદા વેશમાં હોસ્પીટલમાં રહેવા માટે સુચના આપી દીધી. એ બંનેને કેસની ગંભીરતાથી વાકેફ કરાવી દીધા અને એટલુજ કીધું કે બસ આજની રાતનો જ સવાલ છે.

ગાંધીનગર હોમ-મીનીસ્ટરની સત્તાવાર ઓફિસમાં જઈને રીસેપ્શન ઉપર બેઠેલી છોકરીને ગવર્મેન્ટ દ્વારા આપેલું કાર્ડ બતાવ્યું અને અરજન્ટ મળવાની વાત કરી. એજ રગશિયા ગાડાની જેમ કામ કરવા ટેવાયેલી એ છોકરીએ તપનને અંદર તાકીદની મીટીંગ ચાલતી હોવાથી બેસવા અને રાહ જોવા જણાવ્યું. પાંચ મિનીટ થઇ એટલે એ ઉભો થયો અને પેલા રૂમની બહાર ઉભેલા બે કોન્સ્ટેબલમાંથી એકને એણે પોતાનું કાર્ડ આપ્યું અને અંદર જઈને આપવા જણાવ્યું. પેલી છોકરી કશું બોલે એ પહેલા એ કોન્સ્ટેબલ અંદર ગયો. બે જ મીનીટમાં બહાર આવીને તપનને અંદર જવા જણાવ્યું.

લગભગ અડધો કલાક પછી તપન બહાર આવ્યો ત્યારે એના ચહેરા પરની ખુશી અવર્ણનીય હતી. પેલી છોકરીને જઈને એણે થેન્ક્સ કીધું અને ત્યાંથી નીકળી ગયો. રીસેપ્શન પર છેલ્લા વરસથી કામ કરતી એ છોકરીને નવાઈ લાગી. કારણકે અહીં જે લોકો મળવા આવતા એમાંના મોટેભાગે પોતાનું પર્સનલ કામ કાઢાવા માટે જ આવેલા હોય એટલે અહીંથી પાછા જાય ત્યારે સાંતવના લઈને જ જતા હોય. આ પહેલો ઓફિસર એવો છે કે જે જતી વખતે પણ મળીને ગયો. એણે એ રીતે મન મનાવ્યું કે મીનીસ્ટર સાહેબે એના પ્રમોશન વિશે કોણીએ ગોળ ચોંટાડયો હશે.

તપને આખે રસ્તે ગાડીમાં બેઠા બેઠાજ કેટલાક મહત્વના માણસોને ફોન કર્યા. એમાંનો એક ફોન હતો ક્રાઈમ બ્રાન્ચના એના વિશ્વાસુ સોલંકીને જેમાં એને એની ટીમ સાથે તૈયાર રહેવાનું કીધું. પોલીસ ડીપાર્ટમેન્ટમાં આવતી મહત્વની જવાબદારીઓમાં કોઈ પણ ઓફિસર પોતાના વિશ્વાસુ માણસને પણ છેલ્લી ઘડી સુંધી ક્યાં જવાનું છે એ જણાવે નહિ. તપને પણ એજ કર્યું. એ જાણતો હતો કે આર.ડી જેવા ધુરંધર માણસની ધરપકડ કરવા જવામાં કેટલા જોખમો રહેલા છે. એણે પહેલા પોતાના વિશ્વાસુ બે વહીવટદારોને ફોન કર્યા અને આર.ડીના લોકેશન ટ્રેસ કરવા જણાવ્યું. એક માણસને આર.ડીના ઘરની બહાર તહેનાત કરી દીધો અને એ જયારે ઘેર આવે ત્યારે અરજન્ટમાં જાણ કરવાનું કહ્યું. આ ક્ષેત્રમાં કામ કરતા લોકોને જયારે એમના ઉપરી અધિકારી દ્વારા અરજન્ટ કામ કરવાનું કહેવામાં આવે એટલે એમની ગતિવિધિઓ પણ એ પ્રમાણે જ થાય.

તપને આ બધાને ફોન કર્યા એટલે નિશ્ચિંત થઈ ગયો. એ પછી આખે રસ્તે એણે પોતાનું મગજ હવે પછીની વ્યૂહરચના ઘડવા પાછળ વાપર્યું.

******

રાતના દસ વાગ્યા ત્યારે આર.ડીના ઘરની બહાર જયારે પોલીસની ધમાચકડી ચાલુ થઇ ત્યારે હોસ્પીટલની બહાર સોફા પર એકના એક ન્યુઝ જોઇને થાકેલો હું ઝોકે ચડ્યો, ત્યારે જ એક નર્સે આવીને પૂછ્યું કે; ‘મિસ્ટર કિશોર કોણ છે તેમને અંદર બોલાવે છે.’

હું ઝડપથી ઉભો થયો અંદર ગયો એટલે મને સ્પેશીયલ રૂમ નં. 107માં જવાનું કીધું. એ પેસેજમાં એક અજીબ પ્રકારની દવાની ગંધ આવતી હતી પણ કેટલાય કલાકોથી હું ત્યાં હતો એટલે મારું નાક લગભગ ટેવાઈ ગયું હતું. હું રૂમ નં. 107 પાસે પહોંચ્યો ધીમેથી દરવાજો ખોલ્યો. હેન્ડલના સહેજ જ અવાજથી સીમાએ દરવાજા તરફ દેખ્યું. મને દેખીને જાણે એની આંખોમાં ચમક આવી તેવું લાગ્યું. નાકમાં નળી ચડાવેલી હતી બાજુમાં મુકેલા સ્ટેન્ડ પર લટકાવેલી બોટલમાંથી ટપકતી દવા ડાબા હાથની નસ વડે શરીરમાં જતી હતી. ચાર કલાક પહેલા હોસ્પિટલમાં આવેલી સીમા ચાર મહિનાથી અહીં હોય તેવું લાગતું હતું. હજુ હું એની બાજુમાં જઈને કશું બોલું એ પહેલા એક નર્સ અંદર આવી. બેડની બાજુમાં મુકેલા ટેબલમાંથી એણે એક ઇન્જેક્શન કાઢ્યું અને પેલી પ્લાસ્ટીકની બોટલમાં ઇન્જેક્ટ કર્યું. પછી એણે પાછળ ચાલતા ડીજીટલ મોનીટરમાંના કેટલાક બટન દબાવ્યા અને સીમા સામું જોઈ બોલી; ‘ભગવાનની કૃપા છે કે તમે બચી ગયા બાકી આ ટાઇપના પોઈઝનના કેસ કોઈ બચતા નથી.’ પછી મારી સામું જોઈ એ બોલી; ‘તમારો પ્રેમ જ એને મોતના મુખમાંથી પાછો લાવ્યો હશે એવું હું માનું છું. પરંતુ આજે રાત્રે પેશન્ટને વધારે બોલવાની ડોકટરે ના પાડી છે એટલે સાચવી લેજો. સવારે કદાચ પોલીસવાળા બયાન લેવા આવશે ત્યારે કેટલાય જવાબ આપવા પડશે એટલે એની એનર્જી સાચવી રાખવી પડશે ને ?’

એ નર્સે શિખામણની સાથે સાથે મને પ્રશ્ન પણ કરી દીધો એટલે મેં પણ ખોટું ખોટું સ્મિત ચહેરા પર લાવી એને ઈશારામાં જ સંમતિ આપી.

‘આ બોટલ ખલાસ થવા આવે ત્યારે મને જાણ કરજો.’ એમ બોલી એ બહાર નીકળી ગઈ.

હું બેડની બાજુમાં મુકેલા ટેબલ પર બેઠો અને સીમાનો હાથ પકડ્યો. સીમાએ મારી સામું જોયું ત્યારે જાણે એની આંખો મને એમ કહી રહી હતી કે હાથ પકડ્યો તો છે, પણ હવે છોડીશ તો નહીં ને?

[ક્રમશ:]

ચેતન શુક્લ (૯૮૨૪૦૪૩૩૧૧)