Bhinu Ran books and stories free download online pdf in Gujarati

ભીનું રણ

ભીનું રણ (1)

મીટીંગ પતાવી હું આલીશાન કેબિનમાંથી બહાર નીકળ્યો. શહેરની મધ્યમાં આવેલા અને ખુબ જાણીતા વિસ્તારમાં આવેલું આ કોર્પોરેટ હાઉસ જેટલું બહારથી આલીશાન હતું એટલું જ અંદરથી હતું. આ શહેરમાં પહેલા ઘણી વખત કામના સિલસિલામાં આવી ગયેલો પણ, આ વખતે તો એક દૃઢ નિશ્ચય સાથે એટલે કે આ શહેરને કાયમ માટે પોતીકું કરવાના ઈરાદાથી આવ્યો હતો. જે ખુશીનો માર્યો પેલી આલીશાન કેબીનમાંથી હું બહાર આવ્યો હતો એ આનંદના કેફમાં હું રુકાવટ બનવા માંગતો ન હતો અને એટલે જ હું અત્યારે મારા મજબુત મન પર કાબુ રાખી જૂની વાતોને યાદ કરવા માંગતો ન હતો. ભૂતકાળ ક્યારેય કોઈનેય છોડતો નથી એ વાતથી હું બરાબર વાકેફ હતો પણ સમય અને સંજોગો પ્રમાણે કરેલા કાર્યોને ભૂલી જવા માટે જ અહી આવ્યો હતો.

નવમા માળથી લીફ્ટમાં બેઠો અને ક્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયો એની ખબર જ ન રહી. બહાર નીકળી બિલ્ડીંગની વિશાળ લોન્જમાં આવીને બે મિનીટ માટે ઉભો રહી ગયો. સાંજ પડી ગઈ હતી બહાર નીકળીને ડીનર કરીને પછી સ્ટેશનની સામે વાળી પેલી ‘શ્યામ હોટલ’માં રોકવાનો ઈરાદો હતો. મનમાં કૈક ગોઠવણ કરતો હું રીસેપ્શનની સામે મુકેલા સોફા પર જેવો બેસવા ગયો ત્યાં પાછળથી બુમ પડી.

‘કિશોર તું અહિયાં?'

કોલેજની રૂપસુંદરી સીમાને ઓળખતા વાર ન લાગી. છુટા વાળવાળા માથા પર કાળા મોટા ગોગલ્સ ચડાવેલા હતા. આછી ગુલાબી લીપ્સ્ટીક અને આંખોમાં એટલુજ આછું કાજળ હશે. કાબરચીતરું પણ સુંદર શોર્ટ ટોપની નીચે સ્કીન ટાઈટ બ્લેક પેન્ટ અને પગમાં હિલ વાળા સેન્ડલ. પાંચ વરસ પછી પણ એ એવીજ ધ્યાનાકર્ષક લાગતી હતી.

ઔપચારિક વાતચીત પરથી એણે જાણી લીધું કે મારે હોટલમાંજ રોકાવાનું છે એટલે બોલી

‘ચાલ મારે ઘેર બહુ સમય પછી મળ્યા છીએ .....શાંતિથી વાતો કરશું.’

સીમાના આમંત્રણે મને ચોંકાવી દીધો. એની સામે એકીટશે જોતો હું ઊંડા વિચારમાં ડૂબી ગયો.

"ઓ મિસ્ટર ક્યાં ખોવાઈ ગયા" એકદમ સફાળી નજરે મેં તેની સામું જોયું...ફરી તેના વિશે કૈંક વિચારું એ પહેલા એણે મારો હાથ પકડીને રીતસર મને ખેંચીને બોલી કે તું ન આવી શકતો હોય તો ચલ તારી હોટલ પર જઈએ ત્યાં બેસીશું.

ત ત ફેં ફેં કરતો હું જવાબ આપું એ પહેલા એણે ફરી મને કહ્યું ચાલ ફટાફટ નહીતર આ રસ્તે બહુ ટ્રાફિક થઇ જશે. હું જાણે એની પાછળ ઢસડાતો જતો હોઉ તેમ પાછળ ચાલવા લાગ્યો. એકાએક તે અટકી ગઈ અને મને કીધું કિશોર તું અહી ઉભો રહે હું પાર્કિંગમાં થી ગાડી લઈને આવું છું. એક બીજો ઝટકો જાણે આપતી હોય તેમ એ ઝટકા સાથે ઘુમીને સીધી પાર્કિંગ તરફ જતી રહી. પાછો હું અતીતમાં સરી પડ્યો.

શું એનો વટ હતો..! કોલેજમાં. એની દરેક ગતિવિધિ પર લોકોની નજર રહેતી, એટલે કે એ જવાનીથી ભર્યા શરીર પર લોકોની નજર મધપૂડાની જેમ ચોંટેલી રહેતી. મારા જેવા સીધાસાદા લોકો તો સ્વપ્નમાં પણ તેની સામું દેખે તો પોતાના અસ્તિત્વથી શરમાઈ જવાય તેવું તેનું સૌંદર્ય હતું. એનું રૂપ એવું કે જવાનીયા તો ઠીક ભલભલા પ્રોફેસરો પણ અંજાયેલા રહેતા. બસ એની એકજ ખરાબ આદત કે એ બોલવામાં બહુ આકરી હતી. આગળ પાછળ લટુડા થઈને ફરતા લોકોને તો એ એની બોલ્ડનેસ લાગતી પણ મને તો એ ઉદ્ધતાઈ લાગતી.

કાર સડસડાટ કરતી શહેરના ભીડભર્યા રસ્તાને ચીરતી જઈ રહી હતી. રેડ સિગ્નલ પર ગાડી જેવી ઉભી રાખી કે એક પ્રશ્ન નું તીર મને તાકી ગયું.

‘મહાશય બહાર ડીનર લઇ લઈએ મને કકડીને ભૂખ લાગી છે.’ મારા મનની જાણે વાત જાણી લેતી હોય તેવું મને લાગ્યું. મેં તરત જ હકારમાં માથું ધુણાવતા તેની સામે જોયું, તે એકીટશે મારી સામું જોઈ રહી હતી મને તેની સામું જોતા જોઈને તે બોલી ‘ઓ મુની મહારાજ હવે કંઈ બોલો તો સારું.’ ને તરત જ ધીમા સ્વરે ટેપમાંથી ગીત ચાલુ થયું ."જવાની તો ચાર દિન કી સંભલ જા, વક્ત અભી ભી હે બાકી સંભલ જા" સિગ્નલ મળતાજ ફરી ભીડ ચીરતી કાર ચાલવા માંડી.

‘શું ફાવશે ચાઇનીસ કે મેક્સિકન?’

‘તું જે ખવડાવે એ.’

‘હજુ એવો જ છે?!’

‘અરે એમ નહિ તારા શહેરમાં તારો હુકમ.’

‘ઓ હો એમ વાત છે.. તો તારા શહેરમાં?’

‘હમમમ…મારું તો કોઈ શહેર છે જ નહિ પણ જ્યાં તું સાથે હોય તો ત્યાં તારોજ હુકમ.’

‘હા હા હા .....વાતોમાં તો તું પહેલેથી જ આવો છે, પણ જો તું વાત ચાલુ કરે તોજ, નહીતર કલાકો સુધી મૂંગો બેસી રહેતો ...હેં ને?’ એના આ પ્રશ્નનો મારે તો કોઈ જવાબ આપવાનો ન હતો એટલે અડધોએક કિલોમીટર દુર કાર ધીમી પાડીને એ બોલી

‘ચલ અહીં જ જમી લઈએ’

કારને ફૂટપાથની કિનારીએ હળવેથી પાર્ક કરીને અમે બહાર નીકળ્યા સામે ઝગમગતી રંગીન લાઈટો થી શણગારેલું 'શિખર રેસ્ટોરંટ’ એવું બોર્ડ મારેલું જોયું. હું જેવો બહાર આવ્યો તેવું જ એ બોલી ‘કિશોર તારી બેગ અંદર જ રહેવા દે,’ અચકાતા મનથી મેં તેની સામું જોયું તો એ બોલી ‘કેમ કોઈ જોખમ લઇને નીકળ્યો છું ?’

‘ના રે ના એક જોડી કપડા અને એક મહત્વની એવી બીઝનેસની ફાઈલ છે.’

‘ભલે અંદર રહે આમ ખભે ભેરવીને ફરવાની જરૂર નથી.’

હકારમાં માથું ધુણાવીને મેં બેગ અંદર મૂકી. એની સરખામણી હું અત્યારે કૈક જુદો લાગુ છું તેવી લાગણી સાથે મેઈન કોરીડોર માં પ્રવેશ્યા. સામે મળતા ઘણા લોકો મારી સામે ટીકીટીકીને જોતા પસાર થતા ગયા. એ લોકો વિચારતા હશે કે આવી સુંદર યુવતી સાથે આવો સાવ સિમ્પલ યુવાન?

હા હજુ હું મારી જાતને યુવાન જ ગણાવું છું. સત્તાવીસ વરસે તો બીજું કહી પણ શું શકાય?

શનિવારની સાંજ હતી એટલે હોટલના ઘણા બધા ટેબલ ભરચક હતા. એક ખૂણે થોડા કોલેજના યુવાનોનું ગ્રુપ બર્થડે સેલિબ્રેશન કરતું હોય એમ લાગ્યું, વેઈટરો આમથી તેમ દોડાદોડી કરતા હતા. આછા રંગીન પ્રકાશમાં મેં પણ મારી નજરને ચોતરફ ઘુમાવી લીધી, મારા શહેરમાં હોત તો કોઈક ઓળખીતા ચહેરા મળી જવાનો ભય રહેતો. આ શહેર માટે તો હું નવો હતો એટલે એવી કોઈ ચિંતા હતી નહીં. મંદ મંદ સંગીતની લહેરખીઓ કાને અથડાતી હતી. ઠંડી ઠંડી હવાઓના શરણે એક ખૂણા ના ટેબલ પર અમે બેઠા.

‘તું શું મંગાવીશ? અહીં પંજાબી પણ મળે છે.’

હું પ્રશ્નાર્થ આંખે તેની સામે જોતો રહ્યો, અને એણે અમારા બંને માટેના ફૂડનો ઓર્ડર કરી દીધો.

ડીશમાં અસ્તવ્યસ્ત આકારોમાં ગૂંચળાઈને પડેલી નુડલ્સને હું બે ચમચી વચ્ચે ફસાવાની પેરવી કરતો હતો તેવા જ એક નિષ્ફળ પ્રયાસમાં હું મનોમન કંઈક બોલ્યો ત્યારે એણે મને પૂછ્યું કે 'તું હવે વડોદરાથી અહિયાં સ્થાયી થવાનો છે?'

મારા હકારનો ઈશારો જોઈ એણે તરત જ બીજો પ્રશ્ન કર્યો કે 'તું જે શીપીંગ કંપનીમાં મળવા ગયો'તો એના માલિક માથુરને હું સારી રીતે ઓળખું છું તારે બીઝનેસ સેટ કરવો હશે તું હું કહેવડાવી દઈશ.'

'હા એ લોકોનો શું રિસ્પોન્સ આવે છે હું જોઈ લઉં સોમવારે એનો જવાબ આવી જશે.બે'એક વરસ પહેલા પેલો તપન અચાનક જ મળી ગયો'તો એ પણ કહેતો હતો કે તું અમદાવાદ આવી જા તારી લાઈનમાં ત્યાં સારી કમાણી છે.'

'કોણ તપન પેલો ચશ્મીશ ......લુચ્ચો છે એ તો ... સરકારી ખાતાઓમાં દલાલીના જ કામ કરે છે' સીમાના ચહેરા પર એકદમ કોઈક નવા જ ભાવ ઉપસી આવ્યા

'હા એજ તપન એ કહેતો હતો કે હું ધારું એના સેટિંગ કરી આપું છું..પણ જોકે એ પછી આટલા વરસમાં મને તો એ મળ્યો નથી' મેં જોયું કે મારા આ જવાબથી સીમાના ચહેરા પર હાશ આવી'તી

*******

સીમાના એપાર્ટમેન્ટ પર પહોચતા લગભગ દસ વાગી ગયા. ગાડી પાર્ક કરતા સુંધીમાં તો કેટલાય વિચાર આવી ગયા,એના ઘેર એનો પરિવાર હશે એ વિષે કશુજ પૂછવાની હિંમત કરી શક્યો ના હોવાથી લીફ્ટમાં જ એકદમ પૂછી લીધું કે આટલું મોડું થવાનું હતું અને સાથે હું પણ ઘેર આવું છું તે વિશે તારા ઘરમાં પહેલેથી જણાવી દેવું તને યોગ્ય ન લાગ્યું?

મારા પ્રશ્નના વિશે નહિ પણ જે ગતિ સાથે એ પ્રશ્ન પૂછાયો હતો તે જોઇને સીમા ખડખડાટ હસવા લાગી. મારાથી બીજી વખત પૂછવાની હિંમત થઇ નહિ. લીફ્ટમાંથી બહાર નીકળી તે મને સીધો તેના દરવાજા તરફ દોરી ગઈ. એણે ડોરબેલ માર્યો ત્યારે મારું હૈયું જોરદાર ફફડ્યું કે કોણ કોણ હશે તેના પરિવારમાં? કારણકે કોલેજની ફાઈનલ એક્ઝામ પછી તે જેની સાથે ભાગી ગઈ’તી અથવા એ વખતે જેના વિશેની અફવા ચાલી હતી એને તો હું સારી રીતે ઓળખતો, પણ એ વાત ત્યારે પણ મારા માનવામાં આવી નહતી અને એટલેજ મારા મનમાં પ્રશ્નોનો સાગર છલકાયો હતો.

ત્યાં તો એક લગભગ વીસ વરસની છોકરી એ દરવાજો ખોલ્યો

તેની નણંદ પણ હોઈ શકે જીન્સનું પેન્ટ અને ટી-શર્ટમાં સીમા જેટલીજ કદ-કાઠી ધરાવતી એ છોકરી પાછળ ......વિચારતા વિચારતા તેના ડ્રોઈંગ-રૂમ સુધી પહોચી ગયો તેની મને ખબર ન રહી.

‘બેસ આરામથી ...અરે સોના પાણી લાવજે’

ઓહો આ તો નોકરાણી લાગે છે .

મારા કપાળ પરના બધાજ પ્રશ્નો એ વાંચી શકતી હોય તેમ તે બોલી ‘આરામથી બેસ. હું શાવર લઇ લઉં ...અને અરે હા તું પણ થાકી જ ગયો હોઈશ તુંય બાથ લઈને ફ્રેશ થઇ જા.’

‘સોના આમના માટે ટોવેલ તથા જે જોઈએ એ આપી ને બાથરૂમ બતાવી દે હું આ ફીટ કપડાથી છૂટવા માંગું છું’ કહી ને સડસડાટ સામેના એક મોટા લાગતા રૂમમાં જતી રહી, બારણું બંધ થયું એના પછડાવાનો અવાજ મારા માથા પર વાગ્યો ત્યાંજ સોના બોલી

‘સાહેબ ચાલો હું તમને રૂમ બતાવું’

હા હા કહેતો હું તેની પાછળ ગયો

એ મને બીજા બેડરૂમમાં લઇ ગઈ. સુંદર સજાવટથી શોભતા આ રુમમાં જાણે એક મંદ સુગંધ વહી રહી હતી. બાથરૂમમાં ટોવેલ મૂકી સોના બહાર નીકળી ગઈ,ને મારા માથે ફરી પ્રશ્નનો થોકડો સવાર થઇ ગયો

અતિ લક્ઝુરીયસ કહી શકાય તેવા આ ઘરમાં કશાની કમી ન હતી વસાવેલી બધી જ વસ્તુઓ વીણી વીણી ને પસંદ કરી હોય તેવું કહી શકાય, બસ માણસનો ખાલીપો દેખાઈ આવતો હતો.

ચકચકિત બાથરૂમમાં લપસી પડાશે તેવું માનતો હળવેકથી પગ મુકતો હું પ્રવેશ્યો બધા પ્રશ્નો મેં કપડાની સાથે ઉતારી દીધા. ટુવાલ પહેરી બહાર આવ્યો ત્યાં તો સોના મારા માટે નાઈટ ડ્રેસ લઈને ઉભેલી દેખી, ફરી પેલા પ્રશ્નો મારા મન પર સવાર થઇ ગયા.

સોના બહાર ગઈ મેં થોડો સુગંધી પાવડર છાંટ્યો તૈયાર થઈને પાછો ડ્રોઈંગરૂમમાં પહોચી ગયો સોફામાં આરામથી બેઠો, ત્યાં ફરી સોના માથા પર આવી ગઈ ‘શું લેશો સાહેબ .....?’

એના પ્રશ્નને ખાળતા હું બોલ્યો ‘કશું નહિ ..જમી લીધું છે, હવે તો બસ આરામની વાત.’

સોના હસી "પણ પીવામાં..?"

‘ના ના કશું નહિ મને આમેય ચા-કોફી રાતે ફાવતા નથી.’

મનમાં એકજ વિચાર ચાલતો હતો કે પેલા હિસ્ટ્રીશીટર ભૂરા જોડે ભાગી ગઈ હતી એ સીમા આટલી બધી પૈસાદાર કેવી રીતે થઇ હશે અને જો એ ભૂરા સાથે ભાગવાની વાત ખોટી હોય તો તો પછી આ પ્રશ્ન વધારે પેચીદો ગણાય.

મેં તરત જ મોબાઈલ લગાવ્યો ‘હેલો ..તપન હું અમદાવાદમાં છું સીમાને ત્યાં. કાલે રૂબરૂ મળીએ ....માહિતી ભેગી કરી રાખજે.’

હું જાણતો હતો કે બેડરૂમમાં જઈને સીમાએ પણ આ જ કામ પહેલું કર્યું હશે એણે પણ એના ગ્રુપમાં મારા વિષે માહિતી કઢાવવાનો પ્રયત્ન કર્યો હશે.

(ક્રમશ)

-ચેતન શુક્લ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED