ભીનું રણ - 4 Chetan Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીનું રણ - 4

ભીનું રણ-૪

રવિવારની નિરાંતની સવારમાં સીમાના મુખ પર રવિવાર જેવી ફ્રેશનેસ છલકતી હતી. ટેબલ પર ચા ભરેલા બે મગની સાથે એક ટ્રેમાં ડાયેટ બિસ્કિટ મૂકેલા હતા.સીમા વેલ્થની સાથે સાથે હેલ્થ કોન્શિયસ પણ હશે એવું અનુમાન બાંધવું ખોટું નહીં ગણાય. બાલ્કનીમાં મુકેલા એકઝોરા અને ફાયકસના કુંડાની વચ્ચે મોગરો પણ થોડા ફૂલ ખીવી અડીખમ અને લીલોછમ ઉભેલો હતો. સોનાએ મોગરાના ફૂલ તોડ્યા એ પહેલા થોડું થોડું પાણી એ પ્લાન્ટમાં રેડ્યું પછી મોગરાને લાવીને કોર્નરમાં મુકેલા બ્રાસના એક કલાત્મક ફ્લાવર-વાઝમાં મુક્યા. આ બધી ગતિવિધિઓ પરનું મારું નિરીક્ષણ સીમાના ધ્યાનમાં હતું એ જાણી મેં એની સામે જોયું. ચાની ચુસ્કી લેતી લેતી સીમા કશુંક બોલવા ગઈ પણ અટકી ગઈ.

થોડીવારના મૌન પછી સીમાએ આગલી રાતની વાતના અનુસંધાનમાંજ બોલવાની શરૂઆત કરી 'કિશોર સાચું કહું તો કોલેજના છેલ્લા વર્ષના છેલ્લા બે-ત્રણ મહિનાનો આપણી વચ્ચેનો જે સંબંધ હતો એ સાવ સ્વાર્થના પાયા પર રચાયેલો હતો'

'શું વાત કરે છે..????' હું એકદમ બોલી ઉઠ્યો

'પહેલા મને શાંતિથી સાંભળ એકદમ ઉશ્કેરાઈ ન જઈશ. મારા કહેવાનો મતલબ એ છે કે એ સંબંધની શરૂઆત મારે મારું રિઝલ્ટ સુધારવું હતું એટલે જ કરી હતી. એના બે મોટા કારણ એ હતા કે એ સમયે વિલાસે મારી સાથે દગો કર્યો અને એ પેલી નિર્ઝરી સાથે ફરવા માંડેલો અને બીજું મહત્વનું કારણ ભુરા સાથે મારા સબંધો ક્લોઝ થવા એ હતું'

'હા એ તો હું એ સમયે પણ જાણતો હતો કે તું ભુરાનાં સંપર્કમાં હતી. તમે બંને કેટલીય વખત એના બાઈક પર સાંજે ફરવા પણ જતા હતા.'

‘એ વખતે મારી મજબૂરી હતી, એટલેજ મારે એના સંપર્કમાં આવવું પડ્યું હતું. કારણ કે મારા પપ્પા ગુજરી ગયા એના તેરમા દિવસથીજ કેટલાક લેણદાર અમારા ઘરે આવવા લાગ્યા. ત્યારે ખબર પડી કે પપ્પાને લગભગ પાંચેક લાખ જેટલું દેવું થઈ ગયેલું હતું. એવા કપરા કાળમાં ભૂરાએ મારી ઓળખાણ એક બિલ્ડર સાથે કરાવી એમને કારણે ગામની અમારી જમીનનો ટુકડો વેચી શક્યા અને દેવું ભરપાઈ થયું ખરેખર એ સમયે તો મને એ ભગવાન જેવા લાગ્યા હતા.’

'પણ મને તો એજ નથી સમજાતું કે એમાં તારે ભૂરા સાથે ભાગીને લગ્ન શું કરવા પડ્યા?'

'કોણે કીધું કે મેં ભૂરા સાથે લગ્ન કરી લીધા...???..કિશોર હું તો હજુય કુંવારી જ છું ..મને ખબર છે કે આ સમાચાર તને વિલાસે જ આપ્યા હશે.'

‘હા એ વાત સાચી છે કે એ સમાચાર મને વિલાસે જ આપ્યા હતા, પણ આ રીતે તારું જતું રહેવું....મેં તારા ઘેર પણ તપાસ કરી હતી પણ ત્યાંય તારા કોઈ સચોટ સમાચાર મને મળ્યા નહીં.’

‘પણ એ સમય જ એવો હતો કે શું કહું હું તને! છ મહિનામાં મારી મમ્મી પણ આ દુનિયા છોડી ગઈ એટલે હું એવા ચક્કરમાં ફસાઈ કે પછી એમાંથી નીકળીને બીજું વિચારવાનો ટાઈમ જ નથી મળ્યો.’

હાથમાં રહેલા મગમાંથી ચાની એક ચૂસકી મારીને સીમા કૈક બોલવા જાય એ પહેલા એના મોબાઈલની રિંગ રણકી ઉઠી.. ફોન પર વાત કરતા કરતા એ બાલ્કનીમાં જઈને ઉભી. પારદર્શક ગાઉનમાંથી પ્રવેશેલો સવારનો તડકો મને એના અંગ-ઉપાન્ગનો પરિચય આપી રહ્યો હતો. ત્યાંજ સીમા વાત કરતા કરતા ડ્રોઈંગરૂમમાં પાછી આવીને બેસી ગઈ. થોડી વારમાં એના મુખના હાવભાવ થોડા બદલાય છે હા -હું ,હા-હું ના જવાબો આપી રહેલી સીમા છેલ્લે એક વાક્ય આખું બોલી કે ‘સારું હું અબઘડી નીકળું છું અને ત્યાં પહોંચું છું.’

‘સોરી કિશોર મારે જવું પડશે ….’

‘કેમ શું થયું આમ અચાનક .??..એનીથીંગ સીરીયસ??’

‘ના નથીંગ સીરીયસ ....પણ એક કામથી મારે અડધા કલાકમાં નીકળી જવું પડશે.’

હજુ હું કઈ બોલું એ પહેલા તો સીમા ફાટક દઈને ઉભી થઇ રૂમમાં ચાલી ગઈ. હું હાથમાં છાપું લઈને વાંચવા બેઠો પણ મારું મગજ એમાં સ્થાયી રહી શકતું ન હતું.

સીમા થોડીવારમાંજ તૈયાર થઈને બહાર આવી. આટલી ઝડપથી તૈયાર થઇ હોવા છતાં તેનામાં કોઈ શણગાર બાકી હોય તેવી લાગ્યું નહિ આસમાની રંગના એ વેસ્ટર્ન ડ્રેસમાંથી આવતી સેન્ટની માદક સુગંધ આખા રૂમમાં પ્રસરી ગઈ. એણે સોનાને થોડું માર્ગદર્શન આપ્યું બે ઈંચની હિલ વાળા સેન્ડલ પહેરતા પહેરતા એણે મારી સામું જોઇને કહ્યું કે ‘કિશોર જો તારે અહી કોઈ લોકલ કામ હોય તો એ તું પતાવી દે. સાંજે હું આવું પછી શાંતિથી ડીનર સાથે લઈશું. હું બપોરે તને ફોન કરું છું પછી નક્કી કરીએ.’

સીમાના ગયા પછી થોડીવારમાં હું પણ નીકળ્યો. ફ્લેટમાંથી નીચે ઉતરી બહાર રોડ ઉપર આવીને મેં રીક્ષા બોલાવી. રીક્ષાવાળાને એસજી રોડ ચાર રસ્તા લઈ લેવાનું કહ્યું પછી તપનને ફોન કર્યો. તપને પ્લાનિંગ ચેન્જ કરી મને હોટલ સાબરમાં આવવાની વાત કરી અને ફોન મુક્યો. રીક્ષાવાળાને સાબર હોટલ જવાનું જણાવી, હું વિચારમાં પડી ગયો કે સીમાએ જે વાત કરીએ સાચી હશે કે પછી હવે તપન કહેશે એ વાત સાચી હશે??

તપન સાથે કોલેજમાં મારે સારી મિત્રતા હતી. એ પણ હોસ્ટેલમાં રહેતો એટલે અમે ઘણી વખત વાંચવા પણ સાથે બેસતા. એનું ધ્યેય પહેલેથીજ સરકારી નોકરી કરવાનું હતું એટલે કોલેજ પૂરી થયા પછી લગભગ એણે બે વરસ એનીજ તૈયારી કરી અને મંજિલ સુંધી પહોંચ્યો. એ અહીં ક્રાઇમબ્રાન્ચમાં ઇન્સ્પેક્ટર હતો. મારા મોટાભાઈએ ખેતીની આછી પાતળી આવકમાંથી મને ભણાવ્યો હતો એટલે મારે તો તરતજ નોકરી ચાલુ કરવાની હતી જે ફર્સ્ટક્લાસ હોવાથી મને મળી ગઈ હતી. લગભગ છેલ્લા એકાદ વરસથી હું તપન જોડે સતત કોન્ટેક્ટમાં હતો અને આ શહેરમાં આવવાનું અને વસવાનું બધુંજ પ્રયોજન એનું હતું.

રીક્ષા સાબર હોટલની બહાર ઉભી રહી એટલે મારા વિચારો પર પણ બ્રેક વાગી. હાઈવે પર આવેલી ગણીગાંઠી સારી હોટલમાં આની ગણતરી થતી હશે એવું મેં માનીને અંદર હું પ્રવેશ્યો. રવિવારની બપોર એટલે ભીડ હશે એમ વિચારીને મેં આમતેમ નજર ઘુમાવી તો બારી પાસેના ખૂણાના ટેબલ પરથી તપને હાથ ઉંચો કર્યો.

તપન જોડે હાથ મિલાવી મેં પૂછ્યું .....’તપન આટલા બધા ઘોંઘાટમાં આપણે શું વાત કરીશું?’

‘કિશોર અહી આવવાનું કારણ એ છે કે અહી મને બધા એક જમીન દલાલ જ સમજે છે, એટલે જો મારા હાથમાં કાગળિયાં પણ એનાજ છે. મહિનામાં એકાદ બે વખત અહી આવીને પેલા મેનેજરને જ હું કહું કે ફલાણી જગ્યાએ મોકાની જગ્યા આવી છે. પાર્ટી ભીડમાં છે એટલે સસ્તામાં પતી જશે. બસ આટલીજ વાત કરવાની એટલે એ મને બે-ત્રણ જણના નંબર આપે એ લઇ લેવાના અને ચા પી ને નીકળી જવાનું.’

‘ ઓહ જોરદાર કહેવાય...અને હા તારી વાત સાચી પડી મેં જેવું સીમા આગળ તારું નામ ઉચ્ચાર્યું એટલે તરત એના ભવાં ચડી ગયેલા.’

‘હા હા હા ……એને તો એમ જ છે કે હું આ શહેરમાં રહીને સરકારી ખાતાઓમાં વચેટીયાવેડા કરીને મારું ઘર ચલાવું છું.’

‘બોલ હવે કેમનું ગોઠવવાનું છે એ મને કહે એટલે હું પણ મારું મગજ એ દિશામાં દોડાવાનું ચાલુ કરું.’

‘એ તો હું તને જણાવતો જઈશ પહેલા તું એમ કહે કે તારી મિટિંગ કેવી રહી?’

‘મિટિંગના આઉટપુટ વિશે મને વિશે તો મને કોઈ શંકા હતી જ નહોતી કારણ કે મી. માથુર કરતા તો મારી પાસે ડ્રગ્સ અને એના વર્લ્ડવાઈડ વેન્ડર્સ અને સપ્લાયર્સ વિશે માહિતી હતી.’

‘હા એની તો મને પણ શંકા ન હતી પણ એ લોકો તારો પ્રપોઝલ રિજેક્ટ ન કરે અને તારી પર શંકા ન થાય એજ મહત્વનું હતું.’

‘કાલે સવારે મને એ લોકો જવાબ આપી દેવાના છે. કદાચ પરમદીવસથી જ ઓનલાઇન કામ ચાલુ કરી દેવાનું છે,એવું એમણે કીધું છે અને મેં તૈયારી પણ બતાવી છે. એટલે બધું ઔપચારિક જ છે.’

‘હા એ તો મને ખબર જ હતી. જો તું આજેજ સાંજે આ કાર્ડમાં એડ્રેસ લખ્યું છે ત્યાં પહોંચી જજે મારા મિત્રનો જ ફ્લેટ છે તારી રહેવાની વ્યવસ્થા ત્યાં કરી દીધી છે.’

એક વીઝીટીંગ કાર્ડની પાછળ લખેલું એડ્રેસ વાંચી મેં ખિસ્સામાં મુક્યું અને પેલો વેઈટર ચા મૂકી ગયો એટલે મારે બોલવું પડ્યું. ‘તપનીયા ચા એકલી નહિ ચાલે મારે હેવી નાસ્તો પણ કરવો પડશે, સાંજે સીમા જોડે ડીનર લેવાનું આમંત્રણ છે ત્યાં સુંધી શું મારે ભૂખ્યા રહેવાનું છે?’

‘હા પણ રહેવાનું ત્યાં નથી એ વાતનો ખ્યાલ રાખજે, કાલની રાત રોકાયો એ ઘણું છે.’

‘કેમ’લ્યા તને ઈર્ષ્યા આવે છે??’

એ મારી સામું થોડીવાર સુંધી જોઈ રહ્યો પછી બોલ્યો ‘ના દોસ્ત આપડા પ્લાન પ્રમાણે તારે એને ખાલી મળવાનુંજ હતું. કાલે હું એક અરજન્ટ કામથી બહાર હતો એટલેજ મેં તને પેલી હોટલમાં રોકાવાનું કીધું હતું, પણ તું તો એને ઘેર રોકાઈ ગયો.’

‘મને એમ કે હોટલમાં રહેવું એના કરતા એના ઘેર જઈશું તો એના ફેમીલીવાળા જોડે પણ ઓળખાણ થશે આમેય તારા કહેવા પ્રમાણે મારે આ શહેરમાં સૌથી પહેલી મિત્રતા એનીજ કરવાની હતી. પણ તેં મને એના વિશે પહેલેથી કશું જણાવ્યું કેમ નહિ કે એ કુંવારી છે અને એકલી રહે છે.’

‘હા હા હા ..એને કુંવારી કેવી રીતે કહેવાય એ પેલા આર.ડી સાથે કાયમ પત્નીની જેમજ ફરતી હોય છે.’ એનું આવું હસવું મને સહેજે ના ગમ્યું પણ તોય તરતજ મેં પૂછી લીધું ‘આર.ડી??..એ વળી કોણ છે?’

‘પેલો નામચીન બિલ્ડર નથી ઓળખતો તું એને?’

હું એકદમ છળી ઉઠ્યો ‘શું વાત કરે છે એ “આર.ડી”...?? એ તો સાઈઠ વરસનો ડોસો છે’

ફરી પાછો એ હસ્યો.આજુબાજુના ટેબલ પર બેઠેલા લોકો પણ અમારી સામું જોવા માંડ્યા એટલે હું સંકોચ પામી ગયો એટલે એ ધીમેથી મારા હાથ ઉપર હાથ મુકી હસીને બોલ્યો.’એય કુંવારો જ છે આઈ મીન વિધુર છે અને સીમાનો બધો દામ-દમામ એના પ્રતાપે જ છે.’

પછી અમે ધીમે ધીમે વાતો કરવા માંડ્યા ઘણીબધી ચોંકાવનારી વાતો એણે માંડીને કરી. મારું કામ કેટલું મુશ્કેલ છે એનો મને ખ્યાલ આવી ગયો હતો. પણ નવસારીમાં મારવાડી શેઠની કંપનીમાં બે વરસનો મારો અનુભવ હવેજ કામ લાગવાનો હતો એની ખાતરી મને થવા લાગી હતી. વાતોમાં ને વાતોમાં એણે મંગાવેલા નાસ્તાથી મારું પેટ ભરાઈ ગયું ત્યાંજ એના મોબાઈલ પર ફોન આવ્યો;

‘હા બોલો મી.રાઠોડ....શું વાત કરો છો???’તપનના મોઢા પરની રેખાઓ એકદમ બદલાઈ ગઈ.

ફોન ખીસામાં મુકીને એકદમ ઝાટકા સાથે એ ઉભો થઇ ગયો એ એટલું જ બોલી શક્યો કે’ચલ કિશોર ફટાફટ ...શી ઈઝ નો મોર’

(ક્રમશ)

ચેતન શુક્લ