Ank :15 Sukshm vaar books and stories free download online pdf in Gujarati

અંકઃ ૧૫ સૂક્ષ્મ વાર પહેલા સખા દાદા

સૂક્ષ્મ વાતઃ ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર
brgokani@gmail.com

પહેલા સખા દાદા:

દાદા ઘરના વટવૃક્ષ સમાન છે. દાદા વિશે થોડુ લખવાનુ હોઇ તો કદાચ શક્ય નથી કારણ કે દાદા એ વિશે લખતા લખતા પેન થાકી જાય અને નોટના પેજ કદાચ પુરા થઇ જાય.

દાદા એ આપણી ત્રીજી પેઢી છે. આપણા ઘરમાં અનુભવોનુ ભાથુ જો કોઇ પાસે હોય તો તે દાદા દાદી છે. જીંદગીની પાછલી સંધ્યામાં રહેલા દાદાએ જીવનના બહોળા કડવા મીઠા અનુભવો ધરાવે છતાંય તે હમેંશા પ્રેમની સરવાણી જ વહાવે છે. માતા પિતાથી છાનામુના ચોકલેટ અને નાસ્તો અપાવે તે દાદા અને માતા પિતાની ડાટ અને મારથી પણ બચાવે તે દાદા.

કહેવાય છે ને કે નાણા કરતા વ્યાજ વધુ વહાલુ લાગે છે તે જ રીતે ક્યારેક પપ્પા કે મમ્મી કામકાજથી થાક્યા ઘરે આવ્યા હોય તો તેમનો ગુસ્સો સંતાનો પર ઉતરી જાય પણ દાદા-દાદી તેના પૌત્ર કે પૌત્રીઓને ક્યારેય ગુસ્સો કરતા નથી અને ક્યારેક જો પપ્પા ખીજે તો પણ તે કોઇના કોઇ બહાને ઉપરાણું લે છે અને ઉલ્ટાનુ પપ્પાને ખીજે છે.

સાંજે ઘરના ઓટલે બેસીને કલ્પનાની દુનિયાની સફર કરાવે તે દાદા અને વાતો વાતો જીવનના અઘરા મુલ્ય સમજાવી દે તે દાદા. ભલે ઘરમાં કોઇ ગમે તેવા કટુ વચન કહી દે પરંતુ સદાય હસતા રહે તે દાદા. કમ્મર નો ગમે તેવો દુ:ખાવો હોય છતાંય પૌત્ર-પૌત્રી માટે દુ:ખાવો ભુલી જઇને ઘોડો બની જાય તે દાદા જ છે.

ઉંમરના આખરી પડાવમાં બધા જ દુ:ખ, દર્દો અને ચિંતા ઉપાધી ભુલી જઇને પૌત્ર પૌત્રી સાથે બાળક બની જાય તે દાદા જ છે. પૌત્ર પૌત્રીને ખીજાઇને પણ ગળે લગાડનાર દાદા જ છે. જે વ્યક્તિને દાદાનો સાથ નથી મળ્યો તે ખરેખર કમનસીબ જ છે કારણ કે ઘરનો કોઇ પણ સભ્ય દાદાનુ સ્થાન લઇ શકતો નથી.

દાદા એ આપણા મિત્ર છે આ એક એવો સંબંધ છે જ્યાં બધું શેર કરી શકાય છે. માતા પિતા સાથે થોડોક અંતર આવે પરંતુ દાદા દાદી સાથે કોઇ અંતર નથી. આપણાં ખાસ મિત્ર અને સખા બનીને નાનપણમાં આપણી સાથે બાળક બનીને રમે છે અવનવા ખેલ કરાવે છે જયારે મોટા થઇએ ત્યારે અનુભવના ભાથામાંથી જીવનપોયગી સલાહ આપીને સાચો માર્ગ બતાવે છે.

દાદા દાદીના મીઠા મધ જેવા પ્રેમનો કોઇ વિકલ્પ નથી. કહેવાય છે કે જે ઘરમાં દાદા દાદી રૂપી વડીલ નથી તે ઘરના બાળકો જીદી, ઉધ્ધત અને તોફાની બની જાય છે. દાદા દાદી ની પ્રેમની સરવાણી બાળકના ચંચળ મનને શાંત, સરળ અને ઋજુ બનાવે છે.

આજ કાલની સ્ત્રી તથા પુરુષોને સ્વંતત્ર રહેવુ છે અને એટલે તેઓ માતા પિતાને એકલા મુકી દે છે કે ઘરડા ઘરમાં દાખલ કરાવી દે છે. પછી તેઓના બાળકો પણ સ્વછંદ બની જાય છે અને દાદા દાદીના પ્રેમ અને સંસ્કારથી વંચિત રહી જાય છે અને એ બાળક ઘર સાથે સમાજ માટે પણ બોજરૂપ બની જાય છે.

ઘરમાં દાદા કે દાદીની ઉંમર ભલે ગમે તેટલી વધુ થઇ ગઇ હોય, કદાચ તે કાંઇ કામકાજ કે હલનચલન પણ ન કરી શકતા હોય તો પણ માત્ર તેની હાજરી પણ આપણામાં એક અલગ જ જોશ ભરી દે છે, જેમ મકાન પર છત ન હોય તો ઘરની વેલ્યુ કોડીની થઇ જાય છે એમ આપણી સાથે પણ જો આપણા વડિલો ન હોય તો આપણી વેલ્યુ નહિવત રહી જાય છે. વડિલોના અવસાન બાદ પણ આપણે તેમના નામે જ ઓળખાઇએ છીએ કે આ પેલો રમેશ ફલાણાભાઇ નો દિકરો છે.

ભલે તેઓ ઘરડા છે તેનામાં શારીરિક ક્ષમતાઓ ઓછી પડી ગઇ છે પરંતુ પ્રેમ અને સંસ્કારની સરવાણી તો ભરપુર જ છે. ઇશ્વરે માણસને જીવનનુ આખરી સ્ટેજ બધાને પુષ્કળ પ્રેમ કરવા અને પોતાના અનુભવો દ્વારા સમાજને સાચો રાહ બતાવવા જ આપ્યુ છે. ભલે તે એક ખરતુ પાન છે પરંતુ તેમણે જે તડકી છાંયી અને ઉંચ નીચ જોઇ છે તે આપણે હજુ બધુ બાકી જ છે માટે તેને હમેંશા માન આપવુ જોઇએ અને એક વયોવુધ્ધ વડીલ તરીકે તેનુ સ્ન્નમાન જાળવવુ જોઇએ તેઓ ભલે આપણી ટેકનોલોજી અને જ્ઞાનથી અજાણ છે પરંતુ તેની પાસે જીવનના અનુભવોનો ખજાનો છે.

આટલા ગુણકારી અને પરોપકારી વડિલ વટવૃક્ષ સમાન વડિલોની તેમની પાછલી અવસ્થામાં તન મન અને ધનથી તેની સાથે રહીએ એ જ આપણા માટે ઘર બેઠાં ચાર ધામની યાત્રા સમાન છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED