વાંચે સખીરીઃ જાહ્નવી અંતાણી
jahnviantani@gmail.com
ગીતાંજલિઃ
પુસ્તકનું નામ: ગીતાંજલિ(ટાગોર)
અનુવાદક: માવજી કે. સાવલા
પ્રકાશક: આર.આર.શેઠનીકંપની, મુંબઈ –અમદાવાદ
જે રીતે કેટલાક સત્યો સનાતન હોય છે, એ રીતે કેટલાક પુસ્તકો સનાતન હોય છે. હમેશા વાંચવા ગમે. જયારે વાંચો ત્યારે તેમાંથી કૈક અલોકિક જ પામો. ટાગોરનું‘ગીતાંજલિ’ એવું જ છે. જયારે વાંચીએ ત્યારે અલગ જ અનુભતિ અનુભવાય છે. આધ્યાત્મિક સ્પર્શ પમાય છે અને અને અને... જાણ્યે અજાણ્યે આપણાઅંતરમનની વાત કહી જાય છે.
આ અનુવાદમાં શરુઆતમાં ‘ગીતાંજલિ’ વિશેનો ઘટનાક્રમ દર્શાવ્યો છે. ઈ.સ.૧૯૦૯-૧૯૧૦ દરમ્યાન રવીન્દ્રનાથ ટાગોરે ‘ગીતાંજલિ’ મૂળ બંગાળીમાં ૧૫૭ કાવ્યો રચ્યા હતા. ત્યારબાદ એ કાવ્યોનો અંગ્રેજી અનુવાદ પદ્માનદીના કિનારે બેસીને ટાગોરે પોતાની ૫૧ વર્ષની ઉમરે કર્યો.૧૯૧૨માં લંડન ગયા ત્યારે આ હસ્તપ્રત સાથે રાખી હતી. લંડનમાં એમના પરિચિત ચિત્રકાર રોધેન્સ્ટાઈન હસ્તપ્રત વાંચવામાંગી અને કવિ યેટ્સ અને બીજા અગ્રગણ્ય સાહિત્કારો એ વાંચી અને બીરદાવી.એ જસાલમાં કવિ યેટ્સની પ્રસ્તાવના સાથે અંગ્રેજી ‘ગીતાંજલિ’નું પ્રકાશન થયું. ૧૩.૧૧.૧૯૧૩ના રોજ ટાગોરને ‘ગીતાંજલિ’ માટે નોબલ પારિતોષિક અર્પણ થયું હતું. એ અગાઉના ટૂંકા ગાળામાં જ ‘ગીતાંજલિ’ની દસ આવૃતિઓ પ્રગટ થઇ ચૂકી હતી.
અનુવાદક શ્રી માવજીભાઈ સાવલા ગાંધીધામ કચ્છના અગ્રગણ્ય વેપારી અને ફિલોસોફીના અનેક પુસ્તકો આપનાર રહ્યા. ‘ગીતાંજલિ’ના આ અનુવાદ માટેના એમના શબ્દો...” ઠેઠથી મારા અભ્યાસનો વિષય ફિલોસોફી રહ્યો છે..પરંતુ અમુક સંપર્કો દ્વારા મને ભક્તિયોગ પ્રત્યે ખેચાણ થયું અને હું ગીતાંજલિની એક એક રચનાના અંતરીક પ્રવાહોમાં વહેતો રહ્યો.” લેખકના ઘણાંખરાં પુસ્તકો ફિલોસોફીના જ રહ્યા છે. પરંતુ એ સિવાયના પુસ્તકોમાં મેં હમેશા મેં એમના પુસ્તકોમાં આધ્યાત્મિકતા આલેખેલી અનુભવી છે. સખીઓ,માતૃભારતી પર એમની ઇ-બુક ‘હું અને તું’ અને ‘જે. કૃષ્ણમૂર્તિ’ વિશેની પણ એક પ્રસ્તુત થઇ છે.
‘ગીતાંજલિ’નો આ અનુવાદ વાંચતા મને શબ્દો પરમાત્મા સાથેના સંવાદ સમા લાગ્યા છે. જાણે સાક્ષાત પ્રભુ આપણી સાથે આપણી વેદના, દુઃખ, સુખ, પીડા વ્યથાનો સહભાગી થઇ રહ્યો છે. અને આ અનુવાદમાં આપણે જીવનની ઘણી ખરી સમસ્યાના ઉકેલ મળતા હોય એવું લાગે છે. પ્રભુ, પરમાત્મા જાણે આપણી સાથે જ છે. અને એમની સાથે આપણે વાર્તાલાપ કરી રહ્યા છીએ.
જીવન એ માત્ર અધ્યાત્મથી જીવાતું નથી એમ માત્ર ફીલોસોફીની સમજણથી પણ જીવાતું નથી. પરંતુ આ બંને ને અલગ રીતે સમજી અને એનું સાયુજ્યથી જીવન જીવીએ તો બેડો પાર થઇ જાય. એથી મુશ્કેલીઓ નાબુદ ન થાયપરંતુ એની સમજણથી એ મુશ્કેલી, એ સમસ્યા આવી કેમ!! એને દુર કેમ થઇ શકે... અને એની કેટલી ઓછી અસર આપણા પર થઇ શકે એવી સમજ આપણે કેળવી શકીએ છીએ.
‘ગીતાંજલિ’ની પ્રથમ રચના વાંચતા જ આપણમાં બાળકપણું અવતરી જાય છે. જુઓ આ શબ્દો, “તારા હસ્તકમલના અમર્ત્ય સ્પર્શ થકી મારું આ બાળહ્રદય હર્ષોલ્લાસથી છલકાઇને શબ્દાતીત એવી વાણીને વાચા આપે છે.
મારી આ નાજુક નાનકડી હથેળીઓમાં તારી દાનવર્ષાને એ વાતને વર્ષો વીતી ગયા; અને છતાં તારી એ કૃપાને ભરી લેવાનો અવકાશ મારી એ હથેળીઓમાં જ હોય છે.” - આ વાંચીને શું અનુભવ્યું? આકાશમાં વાદળોની વચ્ચેએક સુંદર બાળક, જાણે કોઈ અકિંચન હાથથી દોરાતો પરમાત્માની દાન વર્ષાને ઝીલી રહ્યો છે.. કેટલું સુંદર.. છવાઈ ગયુંને આવું દ્રશ્ય નજર સમક્ષ!
હવે જે પ્રકરણ તમારી સમક્ષ મુકું છું એ બધું આપણે જાણીએ તો છીએ પણ સ્વીકારતા નથી હોતા....
જુઓ, “મારા વૈચારિક જગતમાંથી બધાજ અસત્યોને હું સદા દુર રાખીશ. હું જાણું છું કે તું જ એ પરમ સત્ય છે જેના થકી મારા અંત:કરણનો વિવેક પ્રકાશિત રહે છે. તારી જ દિવ્ય શક્તિ મારા જીવનકાર્ય માટે મને બળ આપી રહી છે.એમ જાણીને મારા તમામ કાર્યોમાં હું સદા તનેજ વ્યક્ત કરતો રહીશ.” માણસ તરીકે જન્મ લઈએ છીએ ત્યારે શુદ્ધ નિર્દોષ વ્યક્તિત્વ હોય છે પરંતુ જેમ મોટા થઈએ છીએ એમ ક્યાંક ક્યાંક વ્યવહારિક બનવા જતા આપણે ભગવાન, પરમાત્માને ભૂલી જઈએ છીએ. પરંતુ સાચું તો એ જ છે. ઈશ્વરની દિવ્યશક્તિ આપણને હમેશા જીવનમાં માર્ગદર્શન આપતી રહે છે.
ગીતાંજલીને આપણે અધ્યાત્મ ગ્રંથ માની શકીએ. પરંતુ અધ્યાત્મની સાથે સાથે એમાં એવી રચનાઓ છે જે આપણને વૈચારિક ગતિ આપે છે. જમાના સાથે કદમ મેળવતા શીખવે છે. જુઓ આ પેરા, “માળાના આ મણકા ફેરવવાનું, મંત્રજપ અને આ રાગડા તાણવાનું મૂકી દે. બંધ દરવાજાવાળા મંદિરના અંધાર એકાંત ખૂણામાં તું કોને ભજી રહ્યો છે? આંખો ઉઘાડીને જોઈ લે કે તારો પ્રભુ તારી સમક્ષ નથી! ક્યાં છે એ પ્રભુ?....એ તો ત્યાં છે – જ્યાં કિસાન પોતાના ખેતરોમાં હળ ખેડી રહ્યો છે,જ્યાં સડક બાંધનારા મજુરો પથ્થર ફોડી રહ્યા છે......” આવું વાંચીને સાચો ધર્મ શેમાં છે એનું જ્ઞાન પામી શકીએ છીએ. ત્યારબાદ મોક્ષ વિષે શું લખે છે; વાંચો અનુવાદકના શબ્દોમાં. “મોક્ષ તને ક્યાં જડશે? આપણો આ પ્રભુ પોતેજ આનંદપૂર્વક આ સૃષ્ટિની રચનાના બંધનોમાં બંધાયેલો છે” અને આપણે મોક્ષ શોધીએ છીએ.
આવી તો ખુબ અલૌકિક વાતો ‘ગીતાંજલિ’માં આપણે સૌએ અગાઉ વાંચી જ હશે. આ પુસ્તક વિષે લખવું એ કોઈ નવી વાત નથી. પરંતુ એક વાંચક તરીકે અમુક પુસ્તકો હમેશા મારા હ્રદયની નજીક રહ્યા છે. જયારે દુન્યવી જંજાળોથી થોડું અલિપ્ત થવું હોય ત્યારે આવા પુસ્તકો વાંચીને આ જીવન જીવવા યોગ્ય અને માણવા યોગ્યબનાવી શકીએ છીએ. અગાઉ અનેક વાર વાંચ્યા છતાં હમેશા વાંચવું ગમે એવા પુસ્તકોની યાદી બનાવો ત્યારે આ પુસ્તક અચૂક મુકજો.