અંકઃ ૧૫ હેય! વ્હોટસેપ Hello Sakhiri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંકઃ ૧૫ હેય! વ્હોટસેપ

હેય! વ્હોટસેપ?: ગોપાલી બુચ
gopalibuch@gmail.com

મેગી અસનાની દુબઈ સ્થિત કવયિત્રી. અચાનક પોતાના દેશમાં આવે છે અને એક વાવાજોડાની જેમ સાહિત્ય ક્ષેત્રે છવાઈ પાછી ઉડી જાય છે પરદેશમાં.પણ,પોતાના વ્યક્તિત્વના બે સક્ષમ પાસા "જાત સાથે વાત "અને "આઝાદ કલમ "પુસ્તક સ્વરૂપે આપણી સમક્ષા મુકતા જાય છે.આવો એની સાથેની વાતને માણીએ.

ગોપાલીઃ એક નાની અમથી છોકરી અને વિચાર આવો મોટો? કેવી રીતે?

મેગીઃ ઘણી વખત નાની ઉમરમાં માણસ ઘણું બધું જીવી લેતો હોય છે, અને એમાય દીકરીઓ વહેલી સમજણ કેળવી લેતી હોય છે જીવન વિષે ની. કેમકે એ ઠરેલ સ્વભાવની હોય છે અને ઘર અને કુટુંબનાના લોકો સાથે વધુ સમય રહેવાથી મા પાસે ઘણું ઘણું શીખતી હોય છે અને ઘરમાં થતી વાતો વિચારો ને શાંતિ થી સાંભળતી હોય છે. આમ ઘરનું વાતાવરણ ખુબ અસર કરે છે બાળકના માનસ પર એ તો આપલે જાણીએ જ છીએ. એ જ રીતે મને પણ ઘરમાંથી પહેલે થી જ વાચન અને સંગીત નું વાતાવરણ મળ્યું છે, ખુબ નાની ઉમર થી જ મેં અમૃતા પ્રીતમ, ઓશો, તસ્લીમા નસરીન, સ્વામી વિવેકાનંદ, ગાલીબ,ઇકબાલ, સાહિર લુધિયાનવી, ફરાઝ આ બધા ને વાચવાનું શરુ કરેલું એટલે કાચા ઘડે મારા વિચારોનો ઘાટ આ બધા લોકો ના વિચારો તેમજ મારા માતા - પિતાએ આપેલ સંસ્કારો એમના અનુભવો માંથી પ્રાપ્ત થયેલ બોધ થી ઘડાયો છે.

પુસ્તકોની વાત કરીએ તો, મેં ક્યાંક વાચેલું કે જયારે મન મૂંઝાય તો જે મનમાં આવે એ એક કાગળ પર લખી લેવું જોઈએ અને એમ કરતા કરતા હું તો રોજ મનમાં આવતા વિચારો કાગળ પર લખ્યા કરતી ધીમે ધીમે કાવ્યની પંકિતો ટપકી અને પછી ગઝલો પણ લખાતી ગઈ. સમય જતા ગઝલ સંગ્રહ બન્યો અને મારા જેવી જ અન્ય કવિયત્રી- સખીઓના જીવન-કવન વિશે જાણવાની મને ઈચ્છા થઇ. તો 'આઝાદ કલમ' નામે એક ગ્રુપ બનાવ્યું વોત્સેપ પર અને પછી ધીમે ધીમે એમના જીવન વિષેની વાતો અને રચનાઓ સાથે નું પુસ્તક લાવવાની ઇચ્છા થઇ. આમ, 'આઝાદ કલમ' સંપાદન કર્યું. જેમાં ગુજરાતની 23 કવિયત્રીઓનો સમાવેશ છે.

ગોપાલીઃ કઈ પળ જીવનમાં એવી આવી જે મેગી આસનાની ને "મેગી આસનાની " બનાવી ગઇ ?

મેગીઃ મેગી આસનાનીને મેગી આસનાની બનાવવામાં ફક્ત કોઈ એક 'પળ' નહી. પણ ઘણા લાંબા સમયનો ફાળો છે. એપ્રિલ 2002 માં જયારે મેં મારું વતન નાનું અને વહાલું ગામ દ્વારકા છોડીને રાજકોટ શહેરમાં પગ મુક્યો. ત્યાં 5 વર્ષ રહીને ભણવાનું તેમજ કામ કરવાનું બંને સાથે ચાલુ રાખ્યું. અને પછી 5 વર્ષ વડોદરા શહેર માં શિક્ષિકાની ફરજ બજાવી, અને એ જ રીતે હાલ 4 વર્ષ થી દુબઈમાં. આમ, બહાર એકલા રહીને કામ કરતા 14 વર્ષોમાં અનેક સારા - નરસા, ખાટા- મીઠા અનુભવો થયા છે જીવનમાં. અને ઘણું ઘણું શીખવા મળ્યું છે, એ વિષે લખવા બેસું તો દિવસો નીકળે. ટૂંકમાં, કહી શકાય કે એપ્રિલ 2002 જયારે દ્વારકા છોડ્યું અને એકલા હાથે આગળના જીવનની સફરની શરૂઆત કરી એ પળ... અને આજ …'હું' અહી છું. આટલી બરકત છે.. ત્યારે આ શેર સાચો લાગે:
नये सफर की लज़्ज़तों से जिस्म ओ जा को सर करो
सफरमें होंगी बरकते सफर करो, सफर करो
महताब हैदर नकवी

ગોપાલીઃ તમારી સફળતાનું મહત્વનું પરીબળ કયું?

મેગીઃ ઘણા પરિબળો છે. સમય, સંજોગો, જીવનના કડવા મીઠા અનુભવો, એકલતા, ખુબ સારા મળેલા તો ક્યારેક અણધાર્યા આઘાત આપી જતા મિત્રો. અને થોડા ઘણા અંશે નસીબનો સાથ. પણ આ બધામાંથી પસાર થતા એક બાબત એવી છે મારા સ્વભાવમાં કે મને ક્યારેય કોઈથી કોઈ ફરિયાદ નથી હોતી. દરેક વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ એ ગમે તેવી હોય મારા પ્રત્યે ખુબ સારી કે ખુબ ખરાબ પણ એ પ્રત્યે મને હમેશા પ્રેમ જ રહ્યો છે. મને ખુશ રહેતા આવડે છે. અને મેં હમેશા સૌ માટે દુઆ જ કરી છે. કદાચ એ જ કારણ હોઈ શકે. મને મળતી ખુશી અને પ્રેમનું. આ શેર યાદ આવે કે,

दिलमे जो महोब्बत की रौशनी नहीं होती
इतनी खुबसुरत ये ज़िन्दगी नहीं होती
हस्तीमल हस्ती

હજી જીવનની શરુઆત છે. શું લાગે છે જીવન વિશે? રાહત ઇન્દોરી સાહેબ કહે છે કે, ज़िंदगी क्या है, खुद ही समझ जाओगे, बारिशोंमें पतंगे उडाया करो.. બસ એ જ રીતે હું પણ મારા સપનાઓની પતંગો ને મહેનત, આત્મવિશ્વાસ અને ખુદા પરની શ્રદ્ધા સાથે ઉડાડવાનું શીખી ગઈ છું, અત્યાર સુધી મારા સપનાઓને હંમેશાં એમનું આકાશ મળ્યું છે, અને આગળ પણ નવા સપનાઓને નવું આકાશ મળી જ રહેશે એવી આશા છે મને. કેમકે હું હમેશા થી જિંદગી ને સમજવા કરતા એને જીવી લેવામાં માનું છું.

ગોપાલીઃ સોશિયલ મીડિયાવિ શે તમારો અિભપ્રાય શું?

મેગીઃ સોશિયલ મીડિયાનો આ જમાનો છે. એટલે એ જરૂરી તો છે જ. પરંતુ જેમ દરેક કાર્ય માટે એક ચોક્કસ સમય હોય છે, એમ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ મર્યાદિત હોય તો જ એ જીવનને સરળ રાખે છે.

કૃષ્ણની નગરી દ્વારિકાના વતની એવા મેગીને મા શારદા હમેશાં અમી દ્રષ્ટિ વરસાવતા રહે એવી શુભેચ્છા સાથે હેલો સખીરીની શુભકામનાઓ.